Translate

લેબલ BirthDay સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ BirthDay સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 28 જૂન, 2015

સ્નેહ સાગર સોસાયટીની બાળકીઓ સાથે જન્મદિવસની ઉજવણી


પાછલાં ત્રણ વર્ષની જેમ આ વખતે પણ નમ્યાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાની ઇચ્છા હતી. તેનો બીજો જન્મ દિવસ ૨૦૧૨માં મલાડ પશ્ચિમમાં આવેલા દયાવિહાર આશ્રમના ૨૮ બાળકો સાથે મનાવ્યો હતો, ત્રીજો જન્મદિવસ ૨૦૧૩માં મલાડ પૂર્વના ડ્રીમ્સ હોમની પચ્ચીસેક કન્યાઓ સાથે ઉજવ્યો હતો અને ગયા વર્ષે તેનો ચોથો જન્મદિવસ ૨૦૧૪માં ગોરેગામ પશ્ચિમમાં રહેતી ડીઝાયર સંસ્થાની એડ્સ પિડીત પણ જીવનથી ભરી ભરી બાળકીઓ સાથે મનાવ્યો હતો. આ વર્ષે આવા જ કોઈક અન્ય નવા ઠેકાણાને શોધવાની મહેનત ચાલુ કરું એ પહેલાં મારા ઓફિસના એક મિત્રે મલાડ પશ્ચિમની સ્નેહ સાગર સોસાયટી નામની એન.જી.ઓ.સંસ્થા વિશે વાત કરી અને મને નમ્યાનો પાંચમો જન્મદિવસ ઉજવવાનું ઠેકાણું મળી ગયું!

સ્નેહ સાગર સોસાયટી સંસ્થાનાં માલવણી,મલાડ ખાતે એક ભાડાનાં ઘરમાં નન સિસ્ટર રીટા  તેમના અન્ય ત્રણ યુવતિઓના સ્ટાફ સાથે કુલ પંદર અનાથ કે તરછોડાયેલ બાળકીઓના પાલક તરીકેની પવિત્ર ફરજ બજાવે છે.

મેં આમ તો નમ્યાના જન્મદિવસે રજા લઈ તેની સાથે આખો દિવસ ગાળવાનું નક્કી કર્યું હતું પણ એ જ દિવસે મારી ઓફિસ તરફથી મને કોર્પોરેટ ટ્રેનીંગમાં મોકલવાનું નક્કી થયું હતું અને એ મહત્વનું હોવાથી મેં આખો દિવસ ટ્રેનીંગ અટેન્ડ કરી સાંજે બને એટલી ઝડપથી હું ઘેર આવી ગયો અને ભાડાથી ગાડી બોલાવી તેમાં ખાવાનું તેમજ બાળકીઓને આપવાની સામગ્રી વગેરે લઈ અમે સ્નેહસાગર જવા રવાના થયા.આ ભાડાની ગાડીનો ઉલ્લેખ કર્યો તેનું કારણ આ અતિ ઉપયોગી એવી નવી સુવિધા ભરી સેવા ખુબ ગમી ગઈ અને તેના પર હું ટૂંક સમયમાં અલાયદો બ્લોગ લખીશ. સદનસીબે એ સાંજે વરસાદ નહોતો. છતાં મલાવણીના પોસરી તળાવ નજીક આવેલ સ્નેહસાગર સોસાયટીના હરે રામ હરે ક્રુષ્ણ સોસાયટીમાં આવેલા ભાડાનાં ઘર તરફ જતાં ગાડી વગર અમને તકલીફ પડી હોત. પાણી-કાદવથી ભરેલ ખાબોચિયામાં ગાડીમાં બેસેલા હોવાથી પગ ખરાબ કર્યાં વગર અમે નિયત સ્થાને પહોંચી શક્યા.


થોડા વખત પહેલા વોટ્સએપ પર એક વિડીઓ જોયેલો એમાં એક સરસ વાત કરેલી જે મને સ્પર્શી ગઈ હતી તેને અનુસરતા આ વર્ષે બર્થ ડે કેક કાપતી વેળાએ ભારતીય પરંપરામાં જેનું વિશેષ મહત્વ છે એ દિવ પ્રગટાવી જન્મદિવસ મનાવવાનું નક્કી કર્યું હતું. ઓનલાઈન ઓર્ડર કરેલી કેક તો અમારી પહેલાં ત્યાં સીધી પહોંચી ગઈ હતી! નમ્યાનો આ પાંચમો જન્મદિવસ હતો એટલે પાંચ દિવડા પ્રગટાવ્યા બાદ તેણે કેક કાપી અને સ્નેહ સાગર સોસાયટીની સૌ બાળકીઓ તથા અમારાં સૌના તાળીઓ તથા શુભેચ્છા ગાનને માણતાં માણતાં નમ્યાએ હરખ ભેર કેક કાપી અને સૌને ખવડાવી અને પોતે પણ ખાધી!

બાળકીઓ સાથે બેસી તેમની સાથે પરિચય કર્યો અને વાતો કરી જાણ્યું કે મોટા થઈને તેમનામાંની કેટલીકને ડોક્ટર તો કેટલીકને ટીચર તો વળી કેટલીકને પોલીસ બનવું હતું.તેઓ અહિની જ લોકલ શાળામાં મરાઠી કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હતી. મેં જ્યારે નમ્યાનો જન્મદિવસ તેમની સાથે ઉજવવાની વાતચીત તેમની સાથે કરી ત્યારે તેમને ત્યાં ત્રણ વર્ષથી ચૌદ વર્ષની વયજૂથની અગિયાર બાળકીઓ હતી.પણ નમ્યાના જન્મદિવસે જ સવારે એક સમાજસેવક તેમને ત્યાં પાંચ મુસ્લીમ બાળકીઓને મૂકી ગયો. તેમની માતા પોતાના છ બાળકો પૈકી એક છોકરાને પોતાની સાથે લઈ પાંચ છોકરીઓને બેવડા પતિ પાસે જ છોડીને અન્ય યુવક સાથે ભાગી ગઈ અને પાંચ નિરાધાર બાળકીઓને તેમની અપંગ વ્રુદ્ધ ફોઈ કે દારૂડિયો બાપ સાચવી શકે તેમ ન હોવાથી સમાજસેવક માનખુર્દના તેમના ઘરેથી મલાડના સ્નેહ સાગર સોસાયટીના નિરાધાર બાળકોના આવાસ ખાતે મૂકી ગયો. ત્રણથી દસ વર્ષની માથે બોડી એવી આ પાંચે બાળકીઓ ખૂબ વહાલી લાગે એવી હતી. તો તેમને મૂકીને ચાલી જતાં તેમની માનો જીવ કઈ રીતે ચાલ્યો હશે? ખેર આવી તો કહાની ત્યાં વસતી દરેક બાળકીની હતી.

ખાસ આ બચ્ચીઓ માટે મારા લેપટોપ પર તેમને મજા પડે તેવા કેટલાક મરાઠી અને અંગ્રેજી બાળગીતો-વાર્તાઓ તેમજ કાર્ટૂન્સ તૈયાર રાખ્યાં હતાં. વાતચીત કર્યાં બાદ અમે સૌએ સાથે બેસી એ જોયાં-માણ્યાં. નમ્યા અને તેના પિત્રાઈ ભાઈ ધવલે બાળકીઓને પોએટ્રી-સ્ટોરી બોલી સંભળાવ્યાં અને પછી અમે સૌ એ સાથે બેસી થેપલાં-સૂકી ભાજી-બિરિયાની-રસગુલ્લાનું ડીનર એન્જોય કર્યું! ખૂબ મજા પડી. પછી નમ્યાએ અમે બાળકીઓ માટે લઈ ગયેલા રમકડાં-કૂદવાના દોરડાં-અભ્યાસ માટે નોટબુક્સ-પાટી-સ્ટેશનરી વગેરે ભેટો બધાંને આપી અને નમ્યાના જન્મદિવસને સુંદર રીતે ઉજવ્યાનાં આનંદ અને સંતોષ સાથે અમે ઘેર પાછા ફર્યાં.

થોડી માહિતી સ્નેહ સાગર સોસાયટી વિશે આપી દઉં. સિસ્ટર માર્થા માંડલ નામના સેવાભાવી નન દ્વારા ૧૯૯૯માં સ્નેહ સાગર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી અને ૨૦૦૧માં તે એક સંસ્થા તરીકે રજિસ્ટર્ડ થઈ. ગરીબ સ્ત્રીઓને સશક્ત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે તે માટેનું કોચીંગ આપતા વર્ગ સિસ્ટર માર્થા ચલાવતા અને તેમણે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને મફત શિક્ષણ આપતાં આપતાં એક બાળવાડીની સ્થાપના પણ કરેલી. જેમાંથી સ્નેહ સાગર સોસાયટીનો પાયો નંખાયો. આ સંસ્થા આજે મલાડના માલવણીમાં ભાડાનાં ઘરમાં અનાથ અને નિરાધાર બાળકોને આશ્રય આપે છે. વસઈ ખાતે તેમનો વધુ મોટો આશ્રમ છે જ્યાં વધુ બાળકો રહે છે અને ભણે છે. આ સંસ્થા મીરા રોડ અને નાયગાવ ખાતે વ્રુદ્ધાશ્રમ પણ ચલાવે છે. નાસિક-અહમદનગર ખાતે પણ તેમના એક કેન્દ્રમાં તેઓ એઈડ્સ પીડિત બાળકોને આશ્રય આપે છે. આ સંસ્થા વિશેની વધુ માહિતી તેમની વેબસાઈટ www.snehasagarsociety.org પર મળી શકશે અને તેમના મલાડના કેન્દ્રની મુલાકાત લેવા કે તેમને મદદ કરવા સિસ્ટર રીટાનો 9757257503 આ નંબર પર સંપર્ક થઈ શકશે.

સોમવાર, 1 જુલાઈ, 2013

દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યો


કેટલાક માણસોમાં ભગવાન વસતા હોય છે. હું બિલકુલ અંધશ્રદ્ધાળુ નથી. એટલે કોઈના શરીરમાં ભગવાન રૂપી પવન આવે છે કે કોઈ બાબા કે માનવદેહ ધારણ કરેલ કોઈ સંતમહાત્મા પરમેશ્વર હોવાનો દાવો કરતા હોય એવી એવી વાતોમાં હું વિશ્વાસ ધરાવતો નથી.પણ અહિં હું કેટલાક અસામાન્ય માનવતા ધરાવતા દૈવીગુણોથી સજ્જ  મનુષ્યોનો ઉલ્લેખ કરી રહ્યો છું જેવાકે મધર ટેરેસા. રસ્તે રઝળતા કુષ્ઠરોગીને ભલા કોણ અનુકંપાથી પ્રેરાઈ વહાલપૂર્વક ભેટી શકે?

આવા દૈવીગુણો ધરાવનાર ચાકો દંપતિની ગયા વર્ષે વાત કરી હતી જે મલાડ(પશ્ચિમ)માં દયાવિહાર અનાથાલય ચલાવે છે.ત્યાં મેં અને મારા પરિવારે મારી નાનકડી વ્હાલસોયી દિકરી નમ્યાની દ્વિતીય વર્ષગાંઠ ઉજવેલી. આ અનાથાલયમાં જેમ જોન અને મારિયા ચાકો પોતાના સગા પુત્રો સહિત વીસથી વધુ અનાથ છોકરાઓનો વહાલપૂર્વક ઉછેર કરે છે તેમજ મલાડ પૂર્વમાં પઠાણવાડી નજીક આવેલા દિંડોશી નગરમાં સ્થિત એક કન્યાલય સ્થાપી શ્રી વિજય કરાન્ડે અને તેમની પત્નીએ પોતાના પરિવારમાં ૨૬ અનાથ કે અતિ ગરીબ છોકરીઓનો સમાવેશ કર્યો છે. આ કન્યાલય નું નામ છે “સામાજિક વિકાસ કેન્દ્ર - ડ્રીમ્ઝ હોમ”. છેલ્લા દોઢ દાયકાથી પણ વધુ સમયથી સમાજસેવાના કાર્યોમાં જોડાયેલા છે.આજે આ બ્લોગમાં નમ્યાના ત્રીજા બર્થડેની ઉજવણી ડ્રીમ્ઝ હોમમાં અન્ય વીસેક હોંશિયાર અને સુસંસ્કારી કન્યાઓ સાથે કઈ રીતે કરી તેની વાત વિજયભાઈની અન્ય કેટલીક સામાજિક પહેલ અને સત્કાર્યો વિષેની વાત સાથે કરવી છે.

આ ડ્રીમ્ઝ હોમના  સ્થાપક અને સેક્રેટરી એવા વિજયભાઈ આ કન્યાલય સાથે જ કિશોરો અને યુવાન છોકરાઓ માટેનું પણ એક અલગ ગૃહ મલાડ પશ્ચિમ ખાતે ચલાવે છે અને વૃદ્ધો અને વૃદ્ધાઓ માટના પણ અલગ અલગ ગૃહોનું સુસંચાલન પોતાના સ્ટાફની મદદથી કરે છે.

નમ્યાની વર્ષગાંઠ આ વર્ષે પણ ચીલાચાલુ રીતે ન ઉજવવાનો નિર્ણય કર્યો અને ગૂગલ પર મલાડ નજીકના અનાથાલય તેમજ બાળગૃહોની શોધ આદરી અને મને ડ્રીમ્ઝ હોમ વિશે માહિતી મળી.ફોન પર તેમની પરવાનગી લઈ,ઓનલાઈન કેક નો ઓર્ડર આપી દીધો.સુરક્ષા કારણો સર ત્યાં તેઓ બહારનો નાસ્તો સ્વીકારતા ન હોઈ,માત્ર કેક અને બિસ્કીટ્સ લઈ જવાનો નિર્ણય કર્યો અને ૨૫મી જૂનની સાંજે મારા પરિવાર તેમજ મિત્રવર્તુળમાંથી થોડાં સ્વજનો સાથે પહોંચી ગયા અમે ડ્રીમ્ઝ હોમ.ત્યાં લગભગ પચ્ચીસેક છોકરીઓ હાજર હતી.ચાર થી માંડીને સોળેક વર્ષની વયની આ બાળાઓ એટલી સુસંસ્કારી હતી કે અમે બધાં તેમના થી ખૂબ પ્રભાવિત થઈ ગયાં.બધી બાળકીઓએ વારાફરતી પોતાના નામ અને કયા ધોરણમાં અભ્યાસ કરે છે તે જણાવ્યું.જ્યારે બે ત્રણ બાળાઓએ પોતાનો પરિચય આપતી વેળાએ જણાવ્યું કે પોતે પોલીસ,ડોક્ટર અને ટીચર બનવા ઇચ્છે છે ત્યારે અમે સૌ તાળી પાડી તેમને બિરદાવી રહ્યાં!પછી નમ્યા એ કેક કાપી અને તે સૌ બાળાઓએ શુભેચ્છા પ્રાર્થના ગાઈ.પછી તો અમે અંતાક્ષરી રમ્યાં અને અન્ન ગ્રહણ કરતાં પહેલા ગવાતી પ્રાર્થના ગાઈ બધાં એ કેક અને બિસ્કીટ્સ ખાધાં.બાળકીઓએ દોરેલા સુંદર ચિત્રો ભીંત પર લગાડ્યા હતાં તે જોયા અને પછી મેં  વિજયભાઈ સાથે વાતચીત કરી.



મને એ જાણવાનું કૂતુહલ થઈ આવ્યું કે આ પ્રવૃત્તિની શરૂઆત તેમણે કઈ રીતે કરી.એ પાછળનો રસપ્રદ કિસ્સો મને તમારા સૌ સાથે પણ વહેંચવો ગમશે.

વિજયભાઈ એક વાર અંધેરી સ્ટેશને ટિકીટ કઢાવવાની લાઈનમાં ઉભા હતા ત્યારે એક આઠનવ માસના બાળકનો મોટેથી રડવાનો અવાજ તેમણે સાંભળ્યો.

તેમણે જોયું કે ત્રીસેક વર્ષની એક યુવતિ આ બાળકને ખોળામાં લઈ બેઠી હતી અને બાળકના શરેર પર એક ઘા હતો તે ખોતરી બાળકને રડાવી રહી હતી.તેમને આ જોઈ એક વિચિત્ર લાગણી થઈ આવી.આ લાગણી ક્રોધમાં પરિવર્તિત થઈ ગઈ જ્યારે તેમણે એ યુવતિને યોગાનુયોગ એ જ  સાંજે અંધેરીના જ એક સિનેમા હોલમાં ફિલ્મ જોવા તેના બાળક વગર,કોઈ સખી સાથે આવેલી જોઈ.બીજે દિવસે સવારે વિજયભાઈએ નોંધ્યુ કે તે જ યુવતિ કોઈ અન્ય બાળકને ખોળામાં લઈ ભિખ માગી રહી હતી!તેમને એક આંચકો લાગ્યો.તપાસ કરતાં માલૂમ પડ્યું કે તે યુવતિ રોજ કોઈક બાળકને ૨૦૦-૩૦૦ રૂપિયા આપી ભાડે લેતી હતી અને ભિખ માગવા તેમનો ઉપયોગ કરતી હતી.આવા તો અનેક ઘ્રુણાસ્પદ કિસ્સાઓ વિજયભાઈના ધ્યાનમાં આવ્યા જ્યારે તેમણે આ અંગે વધુ સંશોધન કર્યું અને તેમણે ત્યારે જ નિર્ણય લઈ લીધો કે ફૂલ જેવા બાળકોને રસ્તાઓ પરથી ભિખ માગતા અટકાવી તેમને શિક્ષણ અને સન્માનભર્યું સારૂં જીવન પ્રદાન કરવા પોતાનાથી બની શકે એટલું કરવું અને તેમણે ડ્રીમ્સ હોમ - સામાજિક વિકાસ કેન્દ્રની સ્થાપના કરી.આજે તેઓ છોકરા છોકરીઓને અલગ અલગ ગૃહમાં ઉછેરી માનવસેવાનું અજોડ ઉમદા કાર્ય બજાવી રહ્યાં છે.તેમના આ ગૃહોની એક વાર ચોક્કસ મુલાકાત લેવા જેવી ખરી અને આ સત્કાર્યમાં જો ફૂલ નહિ ને ફૂલની પાંખડી દ્વારા પણ આપણે સહભાગી થઈ શકીએ એથી રૂડું બીજું શું હોઈ શકે?

સારા વિચાર આવવા એક વાત છે અને તેને અમલમાં મૂકવા બીજી . વ્યવહારીક મુશ્કેલીઓ સારા વિચારોને અમલમાં મૂકાવાનું કામ અઘરૂં બનાવી દે છે . જેને નાના છોકરા ઉછેર્યાં હશે તે કબૂલ કરશે કે બાળક ઉછેરવાનું કામ સહેલું નથી અને આપણે પોતાના સગા એક બાળકને મોટું કરતા નાક દમ આવી જવાનો અનુભવ કરતા હોઈએ ત્યારે પારકાં, અન્ય ધર્મ કે જાતિના 20-25 બાળકોને મોટા કરવા,ભણાવવા-ગણાવવા એ દેવતાઈ કાર્ય જ ગણી  શકાય . માણસ જ્યારે ઉત્તરાખંડમાં તાજેતરમાં સર્જાઈ તેવી હોનારત સમયે પણ આપત્તિમાં ફસાયેલા અન્ય મનુષ્ય પાસેથી ખાવાપીવાની કે જીવ બચાવવાની મસમોટી કિંમત વસૂલવા જેવો અધર્મ આચરી શકતો હોય ત્યારે બીજે છેડે ચાકો દમ્પતિ કે વિજય કરાન્ડે અને તેમના પરિવારજનો જેવા મનુષ્યોને મળીએ ત્યારે વર્તાય કે માનવતા હજી જીવે છે અને આવા દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યોને શત શત સલામ કરવાનું મન થઈ જાય!

(વિજય કરાન્ડે નો તમે 66824160 or 9702297223 આ નંબર પર સંપર્ક કરી શકો છો)

રવિવાર, 8 જુલાઈ, 2012

અનોખી રીતે વર્ષગાંઠની ઉજવણી

૨૫મી જૂને મારી દિકરી નમ્યાનો બીજો જન્મદિવસ હતો. ગયા વર્ષે તેની પહેલી વર્ષગાંઠ ચાલીના બધા બાળકોને તેમજ મારા કેટલાક ઓફિસના મિત્રોને ઘેર આમંત્રી તેમની વચ્ચે નમ્યા દ્વારા ‘હમતુમ’ની બેબી વાળી મોટો એકડો ધરાવતી કેક કાપી હર્ષોલ્લાસપૂર્વક ઉજવેલી. ચાલીના બધા બાળકોને જ્ઞાનવર્ધક રમકડા-ગેમ્સ-પુસ્તકો વગેરેની ભેટ આપીને સંતોષની લાગણીનો અનુભવ કર્યો હતો.પણ આ વર્ષે મેં કંઈક નોખું કરવાનો વિચાર કર્યો.


વિચાર આવ્યો કે ચાલીના જે બાળકોને ભેટસોગાદો આપી એ બધાં તો, તેમના સામાન્ય થી સુખી સ્થિતીના ગણી શકાય એવા પરિવારો સાથે રહીને ઉછરી રહ્યાં છે પણ આ જગતમાં,આપણાં દેશમાં,આપણા શહેરમાં એવા કેટલાંયે બાળકો છે જેને માથે માબાપનું છત્ર નથી,જેમના કોઈ ભાઈ-બહેન કે પરિવાર નથી. આ વખતે આવા બાળકો સાથે ભેળવી,તેમની વચ્ચે નમ્યા દ્વારા કેક કપાવડાવી તેની બીજી વર્ષગાંઠ યાદગાર બનાવવાનો વિચાર આવ્યો અને તરત એ મેં અમલમાં મૂકવાનો નિર્ણય પણ કરી લીધો.સદનસીબે મારી પત્ની અને અન્ય પરિવારજનોએ પણ મારા આ વિચારને વધાવી લઈ મને એ દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યો.

સારું કાર્ય કરવા માત્ર એક વિચાર પૂરતો છે.તે માટેના અનેક રસ્તા આપોઆપ ખુલી રહે છે,સારા વિચારને અમલમાં મૂકવા માટેની અનેક દિશાઓ મળી રહે છે.એ માટેના સાધન-સામગ્રી-સ્રોતો આપોઆપ ઉભા થઈ જાય છે. જરૂર છે માત્ર એક સારા વિચારની અને તેને માટે પહેલ કરવાની.

આજનો યુગ માહિતીનો યુગ છે. તમારે જે વિશે માહિતી મેળવવી હોય તે હાથવગી હોય છે. ગૂગલ કે તેના જેવી બીજી અનેક વેબસાઈટ્સ તમને તમારી આસપાસના વિસ્તારોની સચોટ માહિતીનો ખડકલો તમારી સમક્ષ આશ્ચર્ય પમાડે એટલી હદે ક્ષણવારમા ઉભો કરી દે છે.મેં ઇન્ટરનેટ પર ક્યારેક ‘www.AskMe.com’ નામની વેબસાઈટ અને તેમની ટેલિફોન હેલ્પલાઈન વિષે વાંચ્યું હતું તેનો નંબર ડાયલ કરી, હું રહું છું તેવા મલાડની આસપાસના વિસ્તારમાં આવેલા અનાથ આશ્રમ અંગે માહિતી માગી અને તેમણે મને એસ.એમ.એસ દ્વારા મલાડના જ પાંચ-દસ અનાથાલયોની માહિતી, સંપર્ક વિગતો સહિત તરત જ મોકલી આપી. મેં દયાવિહાર નામના મલાડ પશ્ચિમમાં સ્થિત દયા વિહાર નામનાં એક ઓર્ફનેજનો નંબર જોડ્યો અને ત્યાંના સંચાલક શ્રીમાન જહોન ચાકો સાથે વાતચીત કરી.તેમણે મને તરત મારી દિકરીનો જન્મદિવસ તેમના ઘરમાં રહેતા વીસ બાળકો સાથે ઉજવવાની પરવાનગી આપી દીધી. મેં ત્યાંના બાળકોની ઉંમર,અભ્યાસ,જરૂરિયાત વગેરે જેવી પ્રાથમિક માહિતી મેળવી લીધી.બારેક બાળકો ચોથા-પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતાં હતાં.પાંચેક બાળકો પહેલા- બીજાધોરણમાં ભણતા કે તેથી પણ નાની વયના હતાં અને ત્રણ બાળકો જુનિયર કોલેજમાં અભ્યાસ કરનારાં હતાં.મેં ઉંમર મુજબ તેમના માટે શાળા-અભ્યાસમાં મદદ કરે એવી ‘કિટ’ ભેટ આપવા બનાવડાવી. સરસ મજાની કેક ઓનલાઈન ઓર્ડર કરી દીધી.સમોસા અને વેફરની વ્યવસ્થા મારી બહેનને સોંપી દીધી.

નમ્યાના જન્મદિવસે સાંજે ઓફિસથી જલ્દી ઘેર આવી ગયો. ગિફ્ટ્સના પેકેટ તૈયાર કરાવ્યા હતા તે ચકાસી લીધા અને મારા પરિવારના સભ્યો તથા અમારા એક પાડોશી દંપતિ - નમ્યાના ફેવરીટ સંતરુદાદા અને કિનુબા સહિત કુલ આઠ જણનો અમારો કાફલો ઉપડ્યો દયા વિહાર જવા,ગિફ્ટ્સ,કેક,નાસ્તો વગેરે બધું સાથે લઈને.

દયા વિહાર આશ્રમ મલાડની સામાન્ય ભીડભાડથી ખાસ્સો દૂર માર્વે-આક્સા તરફ જતા રસ્તા પર વચ્ચે આવેલો છે.ખૂબ શાંત અને લીલોતરીભરી જગાએ આવેલ આ આશ્રમ એટલે આમતો એક મોટું મકાન જ ગણીલો.અમે પહોંચ્યા કે તરત બે છોકરાઓ સસ્મિત અમારું સ્વાગત કરવા ગેટ પર દોડી આવ્યા.સલીમ અને ડેનિયલ.એક મુસ્લિમ અને બીજો ખ્રિસ્તી પણ અહિં જાણે જાતિવાદના ભેદભાવ જેવી કોઈ બાબતનું અસ્તિત્વ જ નહોતું.ચાકો પરિવારનું આ ઘર અઢારેક નિરાધાર બાળકોનું નિવાસ સ્થાન હતું જેમાં તેઓ પોતાના પંડના બે બાળકો સાથે જ વસવાટ કરી, બધાં બાળકોને પોતાના પેટ-જણ્યા બાળકોની જેમજ ઉછેરે છે.મને વિચાર આવ્યો આમને જીવતા જાગતા ભગવાન જ ગણી શકાય! આજે જમાનો એવો છે જ્યાં કેટલાક પરિવારોમાં સગા માબાપ કે અન્ય પરિવારજનો પણ કેટલાક લોકોને ભારરૂપ લાગતા હોય છે અને કેટલાયે યુવા દંપતિઓ DINK (ડબલ ઇન્કમ નો કીડ્સ) - અર્થાત પતિપત્ની બંને કમાતા હોય પણ તેમને સંતાનની પળોજણ ન ગમતી હોવાથી સંતાન પેદા થવા દેતા નથી,આવા યુગમાં પારકા અને જેમાંના કેટલાકનાં માબાપ કોણ છે,તે કઈ જાતિના છે એ વિષે કોઈ જ ખબર ન હોવા છતાં તેમને પોતાના સંતાનોની જેમજ પોતાના પેટ જણ્યા બે દિકરાઓ સાથે ઉછેરવા, એ માટે ભગવાન જેવડું જિગર જોઇએ.આ ખરેખર સામાન્ય માણસનું કામ નહિં.ચાકો પરિવાર ઇશ્વરીય કાર્ય જ કરી રહ્યાં છે.અમે એક જ વહાલસોયી નમ્યાના નખરાંથીજ ઘણી વાર તો એટલા કંટાળી જઈએ છીએ કે ન પૂછો વાત! જ્યારે અહિં તો એક ડઝન કરતાંયે વધુ દસથી નીચેની ઉંમરના અને બાકીના તેથી થોડી વધુ વયના એમ કુલ વીસેક બાળકોને એક છત નીચે ચાકો પરિવાર પ્રેમ અને હર્ષપૂર્વક ઉછેરે છે,તેમને ભણાવે ગણાવે છે.

અમે તેમના મુખ્ય ખંડમાં ગોઠવાયા એટલે તરત બધાં બાળકો આવીને અમારી સામે પલાંઠી વાળી કતાર બદ્ધ બેસી ગયાં. નમ્યા આટલા બધાં બાળકોને જોઈ ખુશ થઈ ગઈ.શ્રીમાન જહોન ચાકો તો કોઈક કામસર બહાર ગામ ગયા હતા પણ શ્રીમતી મારિયા ચાકોએ અમારું સુંદર સ્મિત સાથે સ્વાગત કર્યું અને બાળકોને પ્રાર્થના કરવા જણાવ્યું. અમને ગેટ પર લેવા આવેલ સલિમ ઉભો થઈ નમ્યાનું નામ બોલી અમારો આભાર માની પ્રાર્થના ગાવા લાગ્યો અને પછી તો બધાં બાળકો એમાં જોડાયાં.ઘડીક ઉભા થાય તો ઘડીક ફરી બેસી જાય.એક સાથે બધાં પોતપોતાનો ડાબો હાથ ઉંચો કરી ગાતા ગાતા ઉભા થાય, ફરી નીચે બેસી જાય.અભિનય સહિત આ રીતે પ્રાર્થના અને એક બે બીજા ગીતો તેમણે સાથે મળી અમારી સમક્ષ રજૂ કર્યા. આ પૂર્વ આયોજિત નહોતું. અમને સરસ સરપ્રાઈઝ મળી. નમ્યા પણ તાળીઓ પાડી બાળકોનું આ પરફોર્મન્સ માણી રહી.

ત્યાર બાદ અમે બધા બાળકો વચ્ચે, નમ્યા પાસે કેક કપાવડાવી. બધા બાળકોએ ધરાઈને કેક સાથે નાસ્તો ખાધો. નમ્યા અને બધાં બાળકો ખૂબ ખુશ જણાતાં હતાં.તે બાળકોના ચહેરા પર ખુશી જોઈ અમને સૌને પરમ સંતોષ અને કંઈક સારુ કર્યાની લાગણીનો અનુભવ થયો.

નાસ્તાનો કાર્યક્રમ પતી ગયા બાદ હું ધમાલ વાળા ગીતોની એક સી.ડી. લઈ ગયો હતો તે ત્યાં વગાડી અને પંદર વીસ મિનિટ અમે બધા સાથે મળી ખૂબ નાચ્યા! ઘડીક નમ્યાને તો ઘડીક બીજા કોઈ બાળકને તેડીને નાચવા છતાં મને થાક ન લાગ્યો!

ડાન્સનું સેશન પતી ગયા બાદ મેં બધા બાળકોને ગિફ્ટ પેકેટ્સ વહેંચી દીધા અને તેમને ખૂબ સારી રીતે ભણીગણી મોટા માણસ બનવા શુભેચ્છા પાઠવી.તેમણે ફરી એક પ્રાર્થના અને એક-બે ગીત આંગિક અભિનય સહિત એક સૂરમાં ,એક સાથે રજૂ કર્યા અને અમે ગળગળા થઈ ત્યાંથી વિદાય લીધી.

એક બાળક વિષે મારિયા મેડમે વાત કરી તે મારા મગજમાં સતત ઘૂમરાઈ રહી હતી. તે બાળક ત્રણેક વર્ષનું હતું અને બે દિવસ પહેલા જ તેની માતા તેને દયા વિહારના ગેટ પર મૂકી ગાયબ થઈ ગઈ હતી. એ બાળકના ચહેરા પર જે પારાવાર ઉદાસી અને નિરાશા હતાં તે અવર્ણનીય અને હ્રદયદ્રાવક હતાં. મને આશા છે કદાચ નમ્યાના જન્મદિવસની ઉજવણીએ તે બાળકના દુ:ખમાં આંશિક ઘટાડો કર્યો હોય અને તે થોડી ક્ષણો માટે પણ ખુશ થયું હોય તો મારો આ પ્રયાસ લેખે લાગે. ફરી એક વાર મધર મેરી ના સાક્ષાત અવતાર સમા મારિયા મેડમને ધન્યવાદ આપી, તેમને બિરદાવી અને સૌ બાળકોને વારંવાર આવજો કરી ફરી મળવાનો બોલ આપી અમે ત્યાંથી વિદાય લીધી.

નમ્યાનો બર્થ ડે આ અનોખી રીતે ઉજવી ખરેખર ખૂબ ખુશી થઈ અને મારી પત્ની તથા અન્ય સૌએ આજ રીતે ભવિષ્યમાં પણ નમ્યાના દરેક બર્થ ડે ઉજવવા વિનંતી કરી!

Photo album link for Namyaa's B'day pics at Daya Vihar : http://www.facebook.com/media/set/?set=a.3877998042879.153946.1666613300&type=1&l=10ea3a853d

Video link's for Namyaa's B'day pics at Daya Vihar : http://youtu.be/a5uJjd--Cwk
 and
http://www.facebook.com/photo.php?fbid=390774514305622&set=a.367470689969338.76579.100001192302042&type=1#!/photo.php?v=3878158886900