Translate

રવિવાર, 8 જુલાઈ, 2012

અનોખી રીતે વર્ષગાંઠની ઉજવણી

૨૫મી જૂને મારી દિકરી નમ્યાનો બીજો જન્મદિવસ હતો. ગયા વર્ષે તેની પહેલી વર્ષગાંઠ ચાલીના બધા બાળકોને તેમજ મારા કેટલાક ઓફિસના મિત્રોને ઘેર આમંત્રી તેમની વચ્ચે નમ્યા દ્વારા ‘હમતુમ’ની બેબી વાળી મોટો એકડો ધરાવતી કેક કાપી હર્ષોલ્લાસપૂર્વક ઉજવેલી. ચાલીના બધા બાળકોને જ્ઞાનવર્ધક રમકડા-ગેમ્સ-પુસ્તકો વગેરેની ભેટ આપીને સંતોષની લાગણીનો અનુભવ કર્યો હતો.પણ આ વર્ષે મેં કંઈક નોખું કરવાનો વિચાર કર્યો.


વિચાર આવ્યો કે ચાલીના જે બાળકોને ભેટસોગાદો આપી એ બધાં તો, તેમના સામાન્ય થી સુખી સ્થિતીના ગણી શકાય એવા પરિવારો સાથે રહીને ઉછરી રહ્યાં છે પણ આ જગતમાં,આપણાં દેશમાં,આપણા શહેરમાં એવા કેટલાંયે બાળકો છે જેને માથે માબાપનું છત્ર નથી,જેમના કોઈ ભાઈ-બહેન કે પરિવાર નથી. આ વખતે આવા બાળકો સાથે ભેળવી,તેમની વચ્ચે નમ્યા દ્વારા કેક કપાવડાવી તેની બીજી વર્ષગાંઠ યાદગાર બનાવવાનો વિચાર આવ્યો અને તરત એ મેં અમલમાં મૂકવાનો નિર્ણય પણ કરી લીધો.સદનસીબે મારી પત્ની અને અન્ય પરિવારજનોએ પણ મારા આ વિચારને વધાવી લઈ મને એ દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યો.

સારું કાર્ય કરવા માત્ર એક વિચાર પૂરતો છે.તે માટેના અનેક રસ્તા આપોઆપ ખુલી રહે છે,સારા વિચારને અમલમાં મૂકવા માટેની અનેક દિશાઓ મળી રહે છે.એ માટેના સાધન-સામગ્રી-સ્રોતો આપોઆપ ઉભા થઈ જાય છે. જરૂર છે માત્ર એક સારા વિચારની અને તેને માટે પહેલ કરવાની.

આજનો યુગ માહિતીનો યુગ છે. તમારે જે વિશે માહિતી મેળવવી હોય તે હાથવગી હોય છે. ગૂગલ કે તેના જેવી બીજી અનેક વેબસાઈટ્સ તમને તમારી આસપાસના વિસ્તારોની સચોટ માહિતીનો ખડકલો તમારી સમક્ષ આશ્ચર્ય પમાડે એટલી હદે ક્ષણવારમા ઉભો કરી દે છે.મેં ઇન્ટરનેટ પર ક્યારેક ‘www.AskMe.com’ નામની વેબસાઈટ અને તેમની ટેલિફોન હેલ્પલાઈન વિષે વાંચ્યું હતું તેનો નંબર ડાયલ કરી, હું રહું છું તેવા મલાડની આસપાસના વિસ્તારમાં આવેલા અનાથ આશ્રમ અંગે માહિતી માગી અને તેમણે મને એસ.એમ.એસ દ્વારા મલાડના જ પાંચ-દસ અનાથાલયોની માહિતી, સંપર્ક વિગતો સહિત તરત જ મોકલી આપી. મેં દયાવિહાર નામના મલાડ પશ્ચિમમાં સ્થિત દયા વિહાર નામનાં એક ઓર્ફનેજનો નંબર જોડ્યો અને ત્યાંના સંચાલક શ્રીમાન જહોન ચાકો સાથે વાતચીત કરી.તેમણે મને તરત મારી દિકરીનો જન્મદિવસ તેમના ઘરમાં રહેતા વીસ બાળકો સાથે ઉજવવાની પરવાનગી આપી દીધી. મેં ત્યાંના બાળકોની ઉંમર,અભ્યાસ,જરૂરિયાત વગેરે જેવી પ્રાથમિક માહિતી મેળવી લીધી.બારેક બાળકો ચોથા-પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતાં હતાં.પાંચેક બાળકો પહેલા- બીજાધોરણમાં ભણતા કે તેથી પણ નાની વયના હતાં અને ત્રણ બાળકો જુનિયર કોલેજમાં અભ્યાસ કરનારાં હતાં.મેં ઉંમર મુજબ તેમના માટે શાળા-અભ્યાસમાં મદદ કરે એવી ‘કિટ’ ભેટ આપવા બનાવડાવી. સરસ મજાની કેક ઓનલાઈન ઓર્ડર કરી દીધી.સમોસા અને વેફરની વ્યવસ્થા મારી બહેનને સોંપી દીધી.

નમ્યાના જન્મદિવસે સાંજે ઓફિસથી જલ્દી ઘેર આવી ગયો. ગિફ્ટ્સના પેકેટ તૈયાર કરાવ્યા હતા તે ચકાસી લીધા અને મારા પરિવારના સભ્યો તથા અમારા એક પાડોશી દંપતિ - નમ્યાના ફેવરીટ સંતરુદાદા અને કિનુબા સહિત કુલ આઠ જણનો અમારો કાફલો ઉપડ્યો દયા વિહાર જવા,ગિફ્ટ્સ,કેક,નાસ્તો વગેરે બધું સાથે લઈને.

દયા વિહાર આશ્રમ મલાડની સામાન્ય ભીડભાડથી ખાસ્સો દૂર માર્વે-આક્સા તરફ જતા રસ્તા પર વચ્ચે આવેલો છે.ખૂબ શાંત અને લીલોતરીભરી જગાએ આવેલ આ આશ્રમ એટલે આમતો એક મોટું મકાન જ ગણીલો.અમે પહોંચ્યા કે તરત બે છોકરાઓ સસ્મિત અમારું સ્વાગત કરવા ગેટ પર દોડી આવ્યા.સલીમ અને ડેનિયલ.એક મુસ્લિમ અને બીજો ખ્રિસ્તી પણ અહિં જાણે જાતિવાદના ભેદભાવ જેવી કોઈ બાબતનું અસ્તિત્વ જ નહોતું.ચાકો પરિવારનું આ ઘર અઢારેક નિરાધાર બાળકોનું નિવાસ સ્થાન હતું જેમાં તેઓ પોતાના પંડના બે બાળકો સાથે જ વસવાટ કરી, બધાં બાળકોને પોતાના પેટ-જણ્યા બાળકોની જેમજ ઉછેરે છે.મને વિચાર આવ્યો આમને જીવતા જાગતા ભગવાન જ ગણી શકાય! આજે જમાનો એવો છે જ્યાં કેટલાક પરિવારોમાં સગા માબાપ કે અન્ય પરિવારજનો પણ કેટલાક લોકોને ભારરૂપ લાગતા હોય છે અને કેટલાયે યુવા દંપતિઓ DINK (ડબલ ઇન્કમ નો કીડ્સ) - અર્થાત પતિપત્ની બંને કમાતા હોય પણ તેમને સંતાનની પળોજણ ન ગમતી હોવાથી સંતાન પેદા થવા દેતા નથી,આવા યુગમાં પારકા અને જેમાંના કેટલાકનાં માબાપ કોણ છે,તે કઈ જાતિના છે એ વિષે કોઈ જ ખબર ન હોવા છતાં તેમને પોતાના સંતાનોની જેમજ પોતાના પેટ જણ્યા બે દિકરાઓ સાથે ઉછેરવા, એ માટે ભગવાન જેવડું જિગર જોઇએ.આ ખરેખર સામાન્ય માણસનું કામ નહિં.ચાકો પરિવાર ઇશ્વરીય કાર્ય જ કરી રહ્યાં છે.અમે એક જ વહાલસોયી નમ્યાના નખરાંથીજ ઘણી વાર તો એટલા કંટાળી જઈએ છીએ કે ન પૂછો વાત! જ્યારે અહિં તો એક ડઝન કરતાંયે વધુ દસથી નીચેની ઉંમરના અને બાકીના તેથી થોડી વધુ વયના એમ કુલ વીસેક બાળકોને એક છત નીચે ચાકો પરિવાર પ્રેમ અને હર્ષપૂર્વક ઉછેરે છે,તેમને ભણાવે ગણાવે છે.

અમે તેમના મુખ્ય ખંડમાં ગોઠવાયા એટલે તરત બધાં બાળકો આવીને અમારી સામે પલાંઠી વાળી કતાર બદ્ધ બેસી ગયાં. નમ્યા આટલા બધાં બાળકોને જોઈ ખુશ થઈ ગઈ.શ્રીમાન જહોન ચાકો તો કોઈક કામસર બહાર ગામ ગયા હતા પણ શ્રીમતી મારિયા ચાકોએ અમારું સુંદર સ્મિત સાથે સ્વાગત કર્યું અને બાળકોને પ્રાર્થના કરવા જણાવ્યું. અમને ગેટ પર લેવા આવેલ સલિમ ઉભો થઈ નમ્યાનું નામ બોલી અમારો આભાર માની પ્રાર્થના ગાવા લાગ્યો અને પછી તો બધાં બાળકો એમાં જોડાયાં.ઘડીક ઉભા થાય તો ઘડીક ફરી બેસી જાય.એક સાથે બધાં પોતપોતાનો ડાબો હાથ ઉંચો કરી ગાતા ગાતા ઉભા થાય, ફરી નીચે બેસી જાય.અભિનય સહિત આ રીતે પ્રાર્થના અને એક બે બીજા ગીતો તેમણે સાથે મળી અમારી સમક્ષ રજૂ કર્યા. આ પૂર્વ આયોજિત નહોતું. અમને સરસ સરપ્રાઈઝ મળી. નમ્યા પણ તાળીઓ પાડી બાળકોનું આ પરફોર્મન્સ માણી રહી.

ત્યાર બાદ અમે બધા બાળકો વચ્ચે, નમ્યા પાસે કેક કપાવડાવી. બધા બાળકોએ ધરાઈને કેક સાથે નાસ્તો ખાધો. નમ્યા અને બધાં બાળકો ખૂબ ખુશ જણાતાં હતાં.તે બાળકોના ચહેરા પર ખુશી જોઈ અમને સૌને પરમ સંતોષ અને કંઈક સારુ કર્યાની લાગણીનો અનુભવ થયો.

નાસ્તાનો કાર્યક્રમ પતી ગયા બાદ હું ધમાલ વાળા ગીતોની એક સી.ડી. લઈ ગયો હતો તે ત્યાં વગાડી અને પંદર વીસ મિનિટ અમે બધા સાથે મળી ખૂબ નાચ્યા! ઘડીક નમ્યાને તો ઘડીક બીજા કોઈ બાળકને તેડીને નાચવા છતાં મને થાક ન લાગ્યો!

ડાન્સનું સેશન પતી ગયા બાદ મેં બધા બાળકોને ગિફ્ટ પેકેટ્સ વહેંચી દીધા અને તેમને ખૂબ સારી રીતે ભણીગણી મોટા માણસ બનવા શુભેચ્છા પાઠવી.તેમણે ફરી એક પ્રાર્થના અને એક-બે ગીત આંગિક અભિનય સહિત એક સૂરમાં ,એક સાથે રજૂ કર્યા અને અમે ગળગળા થઈ ત્યાંથી વિદાય લીધી.

એક બાળક વિષે મારિયા મેડમે વાત કરી તે મારા મગજમાં સતત ઘૂમરાઈ રહી હતી. તે બાળક ત્રણેક વર્ષનું હતું અને બે દિવસ પહેલા જ તેની માતા તેને દયા વિહારના ગેટ પર મૂકી ગાયબ થઈ ગઈ હતી. એ બાળકના ચહેરા પર જે પારાવાર ઉદાસી અને નિરાશા હતાં તે અવર્ણનીય અને હ્રદયદ્રાવક હતાં. મને આશા છે કદાચ નમ્યાના જન્મદિવસની ઉજવણીએ તે બાળકના દુ:ખમાં આંશિક ઘટાડો કર્યો હોય અને તે થોડી ક્ષણો માટે પણ ખુશ થયું હોય તો મારો આ પ્રયાસ લેખે લાગે. ફરી એક વાર મધર મેરી ના સાક્ષાત અવતાર સમા મારિયા મેડમને ધન્યવાદ આપી, તેમને બિરદાવી અને સૌ બાળકોને વારંવાર આવજો કરી ફરી મળવાનો બોલ આપી અમે ત્યાંથી વિદાય લીધી.

નમ્યાનો બર્થ ડે આ અનોખી રીતે ઉજવી ખરેખર ખૂબ ખુશી થઈ અને મારી પત્ની તથા અન્ય સૌએ આજ રીતે ભવિષ્યમાં પણ નમ્યાના દરેક બર્થ ડે ઉજવવા વિનંતી કરી!

Photo album link for Namyaa's B'day pics at Daya Vihar : http://www.facebook.com/media/set/?set=a.3877998042879.153946.1666613300&type=1&l=10ea3a853d

Video link's for Namyaa's B'day pics at Daya Vihar : http://youtu.be/a5uJjd--Cwk
 and
http://www.facebook.com/photo.php?fbid=390774514305622&set=a.367470689969338.76579.100001192302042&type=1#!/photo.php?v=3878158886900

5 ટિપ્પણીઓ:

  1. great.. touchy..
    આવી વાતોનો પ્રસાર થવો જોઇએ.. મારી એક નાટકના પુસ્તક " જન્મદિવસની ઉજવણી " માં મેં આ જ વાત નાટકના સ્વરૂપમાં રજૂ કરી છે.
    અમે પણ અમારા બાળકો નાના હતા ત્યારે તેની ઉજવનીની જુદી જુદી રીતો શોધી કાઢતા હતા.
    આપની ભાવનાને સલામ..અભિનંદન..

    જવાબ આપોકાઢી નાખો
  2. Dear Vikas,

    CONGRATULATIONS , for the excellent way you opted for, for celebrating the Birth Day of your daughter. The pleasure on the face of poor children and their satisfied stomach definitely have blessed your daughter a lot.

    I hope our readers will follow similar tradition. You may announce my request in your next blog.

    ARVIND SANGHAVI
    KANDIVALI (East) MUMBAI

    જવાબ આપોકાઢી નાખો
  3. શ્રી વિકાસભાઈ,

    ૯/૭/૧૨ ના જન્મભૂમિમાં "અનોખી રીતે વર્ષગાંઠની ઉજવણી " એ શીર્ષક હેઠળ આપનો ARTICLE વાંચ્યો, સહુથી પહેલા તો આવા નુતન અભિગમ ને અપનાવવા બદલ અભિનંદન. પહેલા તો બધાને આવા વિચાર જ નથી આવતા અને જો કોઈને વિચાર આવે તો પણ લોકો તેને અનુસરતા નથી. તમે તમારા વિચારને અનુસર્યા તે બેશક અભિનંદન ને પાત્ર છે. બીજું તમે તો કહો, પણ કુટુંબીજનો તેને માને તે બદલ ઘરના સહુ સ્વજનો ને પણ અભિનંદન આપવા ઘટે.
    આવા પ્રેરણાદાયક પ્રસંગો અન્ય ઘણાને સદવર્તન માટે અને સમાજ પ્રત્યેની જવાબદારી તેમ જ સહજ માનવીય પ્રતિભાવ તરફ વાળી શકે છે. તમારા જેવા નવયુવાનો આ પ્રકારે વ્યક્તિગત આનંદના પ્રસંગોને અન્ય ઘણાંને હુંફ આપીને, પ્રેમ આપીને ઉજવી શકે છે, કદાચ તેનાથી અનેરો આનંદ મળે છે... ... એક વાત કહું ? હું પણ આવું કંઈ કરીશ... પ્રોમિસ.અને તમે પ્રેરણા ના સ્રોત બન્યા તે બદલ થેન્ક્સ. મારા અન્ય મિત્રોને પણ આ માટે સમઝાવીશ.
    આવા પ્રસંગો તમારા બ્લોગ માં વર્ણવતા રહેશો,
    મૈત્રેયી મહેતા .

    જવાબ આપોકાઢી નાખો
  4. મને એ જણાવતાં બેહદ ખુશી થાય છે કે 'અનોખી રીતે વર્ષગાંઠની ઉજવણી " બ્લોગ વાંચી, ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના લોકપ્રિય પાત્ર પોપટલાલનું પાત્ર ભજવતાં શ્યામ પાઠકે પણ પોતાની પુત્રીનો જન્મદિવસ ૨૨મીજુલાઈને દિવસે દયા વિહાર ઓર્ફનેજનાં બચ્ચાઓ સાથે મનાવ્યો! તેઓ પણ 'બ્લોગને ઝરૂખેથી...' નિયમિત વાંચે છે અને તેમણે મને એસ.એમ.એસ કરી આ સંદેશ પહોંચાડ્યો. હું આ એક ઉમદા કાર્ય કરી દાખલો બેસાડવા બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.
    - વિકાસ ઘનશ્યામ નાયક

    જવાબ આપોકાઢી નાખો
  5. હું તમારા દરેક લેખ રસપૂર્વક વાંચું છું.
    અમારી સાથે આવા માહિતીપૂર્ણ લેખો શેર કરવા બદલ તમારો ખૂબ આભાર.થોડાં સમય અગાઉ તમે તમારી દિકરીનો જન્મદિવસ એક અનાથાલયમાં ઉજવ્યા વિષે લખ્યું હતું.મને પણ મારા પૌત્રની વર્ષગાંઠ આ રીતે ઉજવવાની ઇચ્છા છે.એ અનાથાશ્રમનો ફોન તથા સરનામું જણાવવા વિનંતી.
    - ભારતી જે. વ્યાસ, મુંબઈ
    ભારતીબેન, પ્રોત્સાહક પ્રતિભાવ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.તમે પણ તમારા પૌત્રનો જન્મદિવસ અનાથાલયના બાળકો સાથે ઉજવવા માગો છો એ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે.અભિનંદન અને તમારા પૌત્રને એડવાન્સમાં 'હેપી બર્થ ડે' !
    - વિકાસ ઘનશ્યામ નાયક
    અનાથાલયની વિગત:
    દયા વિહાર અનાથાશ્રમ
    જોહન ચાકો, ૯૮૬૯૬૫૯૦૧૭
    ૬૫૭૨૯૨૯૨

    જવાબ આપોકાઢી નાખો