Translate

રવિવાર, 1 જુલાઈ, 2012

ગેસ્ટ બ્લોગ : પ્રત્યેક મહિલા માટે અનિવાર્ય -'સ્વરક્ષા'

- ઇલાક્ષી મર્ચન્ટ


કોઈ પણ ઉંમરની સ્ત્રીઓએ અનેકવાર અનેક રીતની અવહેલના સહન કરવી પડે છે. જેમાં જાતિય હુમલો મુખ્યત્વે હોય છે કોઈપણ ઉંમરની મહિલાને ખભેથી ધક્કો મારનાર મહાનુભાવો આમ કરવું એ એમનો જન્મસિધ્ધ અધિકાર છે એમ માને છે.

મહિલાઓ આવો ધક્કો સહન કર્યા પછી સિસકારો બોલાવે કે કંઈ બોલે તો પણ આવા લોકો ને કંઈ અસર થતી નથી. આતો એક નાનકડી વાત છે, પણ હમણાં બોરિવલી ના એક ગિર્દીભર્યા વિસ્તારમાં બપોરે ચાર વાગ્યા પછી ક્લાસમાં જતી એક ટિનએજર છોકરીની સામે લુંગી પહેરેલો દાઢીવાળો માણસ આવી ગયો. અચાનક એ છોકરી જોરજોરથી રડવા લાગી. એની પાછળ ચાલતી મહિલા એની પાસે દોડી આવી એટલે પેલો બુઢ્ઢો રફુચકકર થઈ ગયો. મહિલાએ છોકરીને પાણી પિવડાવીને શાંત પાડી અને શું થયુ તે પુછ્યુ. જે જવાબ મળ્યો એ ચોકાવનારો હતો.

એ બુઢ્ઢાએ છોકરીને એવો સવાલ કર્યો હતો કે "પ્યાર કરને કે કિતને પૈસે લેતી હૈ?"

જિદગીમા આવા શબ્દો ક્યારેય ન સાંભળ્યા હોય એવી ટીનેજર છોકરી આવે વખતે રડવા માંડે એ સ્વભાવિક છે.

પત્રકાર તરીકે મેં એક સ્થાનિક નેતાને આ વાત કરી તો એમણે બેદરકારીથી જવાબ આપ્યો "હમ ક્યા કર સકતે હૈ? સભી કે પીછે તો નહી ઘૂમ સકતે?"

આવા વખતે મહિલા ભલે કોઈ પણ ઉંમરની હોય, તેણે પોતાનો સ્વબચાવ કરવા માટે સજ્જ રહેવું જોઈએ. ભલે કરાટેના દાવપેચ ન આવડતા હોય, પણ હાથ-પગથી મારી શકાય , સેંડલ કાઢીને પણ સામનો કરી શકાય સાથે જો પાણી ભરેલી બોટલ હોય તો એ પણ કામ આવી જાય!

આવા વખતે રડવાથી મહિલા ગભરાઈ ગઈ છે એમ માનીને મવાલીમાં હિંમત વધી જશે અને એ પરેશાન કરશે.

આવા વખતે બુમાબુમ કરવાથી પણ મદદ મળી શકે છે. તમાશા ને તેડુ ન હોય એમ માનીને ભેગા થનાર લોકોનું ટોળુ જોઈને પણ મવાલી ગભરાઈને નાસી જશે.

માત્ર મહિલામાં હિંમતનો અભાવ ન હોવો જોઇએ. આવા વખતે એક - નેતાની ટિપ્પણી પણ સાંભળવા જેવી છે, જેમાં નેતાજીએ અભિમાનથી જાહેર કર્યુ કે,”શું કરે? આજની મહિલાઓના વસ્ત્રો જ એવા હોય છે કે પુરુષો ઉશ્કેરાઈ જાય...” એટલે કે હવે મહિલાઓ એ ક્યા વસ્ત્રો પહેરવા એ આ નેતાજી નક્કી કરશે.

આવા નેતાઓ જાણતા નહી હોય કે સાડી પહેરેલી અને બુરખા પહેરેલી મહીલાઓ ઉપર પણ જાતિય હુમલા થાય છે. બધીજ બાબતોમા મહિલાઓનો વાંક કાઢવાની જરૂર નથી.છતાં મહિલાઓ પણ સાવચેત રહે,એકલી ન નીકળે અને આવો કપરો સમય આવે તો હિંમતથી તેનો સામનો કરે.

- ઇલાક્ષી મર્ચન્ટ

1 ટિપ્પણી:

  1. જન્મભૂમિ પ્રવાસી તેની વિવિધ કોલમોથી જાણીતું છે.તેમાં હવે 'બ્લોગને ઝરૂખેથી...' નો ઉમેરો થયો છે.વિવિધ સામાજિક પ્રશ્નોની છણાવટ શ્રી વિકાસ નાયક કરી રહ્યાં છે તે માટે અભિનંદન.
    તા.૧-જુલાઈ-૨૦૧૨ ના ગેસ્ટ્બ્લોગમાં ઇલાક્ષીબેન મર્ચન્ટે મહિલાઓની 'સ્વરક્ષા' જેવો વિષય આવરી લીધો હતો જે સાંપ્રત સમયમાં ખૂબ ઉપયોગી છે.પુરુષ ગમે તે ઉંમરનો હોય તેને સ્ત્રી પ્રત્યે કુદરતી આકર્ષણ રહેતું હોય છે. અને તેની જાતિય વૃત્તિ ભીડમાં કે એકાંતમાં સ્ત્રીને જોતા ભડકતી હોય છે.ખાસ કરીને વિકૃત માનસ ધરાવતાં લંપટ પુરુષો તક મળતા ટ્રેન-બસ,મેળા કે બજારની ભીડમાં અટકચાળો કરી બેસતા હોય છે. બ્લોગમાં લખ્યું છે એ મુજબ સાચે જ માત્ર ભડકાઉ કે ટૂંકા આકર્ષક સ્ત્રીના વસ્ત્રો, સ્ત્રીઓ પર થતાં બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ માટે જવાબદાર હોતા નથી કારણ સાડીમાં સજ્જ કે બુરખાધારી સ્ત્રીઓ પર પણ જાતિય હૂમલા થતાં આવ્યાં છે. ખરેખર તો હિંમતથી સ્ત્રીઓએ જ સામનો કરવો રહ્યો.સાવચેતી ખૂબ જરૂરી છે.એકાંતવાળા સ્થળે કે રાત્રિના સમયે એકલા બહાર નિકળવું જોખમી બની રહે છે.થોડી બૂમાબૂમ કે કરાટે દાવથી પણ બચી શકાય છે. પોલિસ પણ દરેક યુવતિ પાછળ તો ન મૂકી શકાય એટલે શક્ય એટલું સ્વરક્ષણ કેળવવું રહ્યું.પરિવારથી દૂર એકલા રહેતા પુરુષોમાં ભડકાઉ ફિલ્મો-ટી.વી.સિરિયલો અને બ્લુ ફિલ્મો વિકૃતીઓ વધારે છે અને તેથી બળાત્કારના કિસ્સાઓ વધતા જાય છે. નાની બાળકીઓ પણ આ દૂષણનો શિકાર બને છે.સ્વરક્ષાની તાલીમ આ એક જ આ સમસ્યાનો ઇલાજ છે.
    - ડો. જનક વ્યાસ

    જવાબ આપોકાઢી નાખો