આમ તો હું બહુ કવિતાઓ નથી લખતો પણ મને સરળ અને સારા કાવ્યો વાંચવા ગમે છે. ક્યારેક કોઈક વિચાર કવિતા રૂપે લખી પણ નાંખુ છતાં કાવ્યની એક શિસ્ત,તેના પ્રાસ,તેની લઢણ,તેના છંદ વગેરે તેમજ તેના એક ચોક્કસ ચોકઠામાં લખવું મને અઘરૂં લાગતું હોવાથી મોટે ભાગે હું કાવ્યાત્મક વિચાર જ્યારે લખું ત્યારે અછાંદસ રૂપે જ લખતો હોઉં છું.
એક વાર મને ટ્રેનમાં ઓફિસ જતી વખતે વાંદ્રા પાસે, પુલ પરથી હાર્બર લાઈનની ટ્રેન પસાર થતી જોઈ કેટલાક વિચાર આવ્યા અને મેં એક કાવ્ય લખી નાંખ્યું અને થોડા સમય અગાઉ કાંદિવલી ખાતે પ્રગતિ મિત્ર મંડળ આયોજિત નવોદિત કવિઓ માટેની સ્પર્ધામાં આ કાવ્યને તૃતિય પારિતોષિક એનાયત થયું ત્યારે મને બેહદ ખુશીની લાગણી થઈ. આ કાવ્ય આજે 'બ્લોગને ઝરૂખેથી'માં રજૂ કરું છું.
આજે પણ…
તો શું થઈ ગયું હું બત્રીસ વર્ષનો થઈ ગયો?
આજે પણ મને બાળસહજ અચરજ સાથે પુલ પરથી પસાર થતી ગાડી જોઈ મલકવું ગમે છે...
અને ઉનાળાની બળબળતી બપોરે બંને હાથ તથા મોઢું બગાડીને પણ ફળોના રાજા ગણાતી કેરી ચૂસવી ગમે છે!
બસ કે ગાડીમાં પ્રવાસ કરતી વખતે બારીવાળી સીટ પર બેસી બહારના દ્રષ્યને જોવું ગમે છે...
આજે પણ રસ્તામાં મચ્છરોનો નાશ કરવા ધૂમાડાવાળો પાઈપ લઈને ધૂમાડો છાંટે એટલે તેમાં અદ્રષ્ય થઈ જવાનું મન થઈ જાય છે!
આજે પણ બાળક હતો ત્યારે જેમ શાળાએ જવાનો કંટાળો આવતો એમ ક્યારેક ઓફિસે જવાનો કંટાળો આવે છે!
આજે પણ વરસાદની મોસમમાં આકાશમાં સપ્તરંગી મેઘધનુષ જોઈને મન આનંદથી વિભોર થઈ જાય છે!
આજે પણ મને ટી.વી. પર કાર્ટૂન ફિલ્મો જોવી ગમે છે અને તેમાંયે ડોનાલ્ડ ડક અને ટોમ એન્ડ જેરી તો મારા મોસ્ટ ફેવરીટ કાર્ટૂન્સ છે!
આજે પણ મને અખબારોમાં આવતી બાળપૂર્તિઓ વાંચવી અને તેમાં આવતી રમતો માણવી ગમે છે!
આજે પણ મને બાળકો ગલીમાં પકડાપકડી,થપ્પો,સાંકળી,લંગડી કે ગોટી રમી રહ્યા હોય ત્યારે તેમની સાથે જોડાઈ જવાનું મન થાય છે!
આજે એક બાળકનો બાપ બની ચૂક્યો હોવા છતાં મનમાં ઊંડે ઊંડે એવી ઇચ્છા છે કે મારામાં રહેલું બાળક સદાય જીવંત રહે!
- વિકાસ ઘનશ્યામ નાયક
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
હેલ્લો વિકાસ,
જવાબ આપોકાઢી નાખો'બ્લોગ ને ઝરુખેથી...' વાંચવાની મજા આવે છે. ઘણીવાર વિષય સુંદર હોય છે.
તા.૨૪.૦૬.૧૨ ના બ્લોગ માં બાળસહજ માનસનું વર્ણન સરસ હતું. દરેક વ્યક્તિની અંદર તેનું બાળપણ છુપાયેલું હોય છે.સમય જતા, ઉમર વિતતા બાળપણની નિર્દોષતા,માસુમિયત,અલ્લાડ્પણુ ગાયબ થઇ જતું હોયછે.પણ ક્યારેક વરસતો વરસાદ જોઇને,શાળાની બહાર આમલી, બોર, વરીયાળી વેચતા ફેરિયાને જોઇને, પોતાના સંતાનમાં કે શાળા ના જુના મિત્રો ને મળીને.. એવા કેટલાય સંજોગોમાં આપણુ બાળપણ પાછુ જાગૃત થઇ જતું હોય છે.
હમણાં જ હું મિત્રો સાથે પિકનિક પર ગઈ હતી ત્યાં ઘણી રમતો રમ્યા, સાથે 'અડુકો દડુકો દહીં દડુકો..' તથા 'ચક્કી ચોખા ખાંડે છે..' રમીને બાળપણના સંભારણા તાજા કર્યા હતા.
આજના બાળકોનું બચપણ મોટે ભાગે મોબઈલ, કમ્પ્યુટર તથા ટી. વી. ના સહવાસમાં જ વિતતું હોય છે.
વિતતી ઉમર ની સાથે પણ આપણી અંદરનું બાળક તેની નિર્દોષતા સાથે કાયમ જીવંત રહેવું જોઈએ.
અંતમાં પંકજ ઉધાસ ની ગાયેલી એક રચના....
'મેરે દિલ કે કિસી કોને મેં એક માસુમ સા બચ્ચા
બડો કી દેખકર દુનિયા બડા હોનેસે ડરતા હે....'
- નેહલ દલાલ