Translate

સોમવાર, 4 જૂન, 2012

ધર્મ

[શ્રી ખડાયતા વિશ્વ સખીમિલન સંસ્થા દ્વારા થોડા સમય અગાઉ એક નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં વિષય હતો - 'ધર્મ'. આ સ્પર્ધામાં મારો નિબંધ પુરસ્કૃત થયો હતો , જે આજના બ્લોગ તરીકે આજે 'બ્લોગને ઝરૂખેથી...'માં રજૂ કર્યો છે.]


કોઈ મને પૂછે કે તમારો ધર્મ કયો કે ભારતનો સાચો ધર્મ કયો ? ત્યારે મને જવાબ આપવાનું મન થાય છે -"માનવ ધર્મ". પણ હું એ જવાબ આપતો નથી. કારણ કદાચ જો એવો જવાબ આપું તો સામે વાળી વ્યક્તિને એ ગળે નહી ઉતરે . આપણે મોટાભાગનાં લોકો પારંપારિક કે બીબાઢાળ રીતે જ જોવા, વિચારવા, વર્તવા ટેવાયેલા છીએ. મોટા ભાગનું જીવન આપણા સમાજે બનાવેલા માળખાં મુજબ જીવી કાઢીએ છીએ.

ધર્મના આપણે ચોસલાં બનાવી કાઢ્યાં છે , વર્ગીકરણ કરી નાંખ્યું છે - હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઈ, પારસી, બૌદ્ધ વગેરે. આટલું ઓછું હોય એમ હિન્દુ ધર્મમાં પણ આપણે પેટા ધર્મો બનાવ્યાં છે જેવા કે જૈન, વૈષ્ણવ, શૈવ, બ્રાહ્મણ વગેરે. મુસ્લિમોમાં પણ શિયા અને સુન્ની કે દાઉદી વ્હોરા. ખ્રિસ્તીઓમાં પણ કેથોલિક અને પ્રોટેસ્ટંટ. પેટા ધર્મોમાં પણ ભાગલાં. જેમ કે જૈનોમાં સ્થાનકવાસી અને દહેરાવાસી કે શ્વેતાંબર અને દિગંબર. આ બધાં ધર્મના વાડા બનાવવામાં અને તેને ચુસ્તપણે (!) અનુસરવામાં આપણે ધર્મનો સાચો અર્થ ભૂલી ગયાં છીએ.આ બધાં તો ઇશ્વર તરફ, પરમાત્મા તરફ દોરી જતી રાહ નાં માત્ર શિર્ષક છે, મથાળાં છે. ખરો ધર્મ તો એક જ છે - 'માનવ ધર્મ'.

દરેક ધર્મમાં પ્રતીકો છે જેના સહારે એક પરમ તત્વને પામી શકાય છે અને એ યાદ રાખવું ઘટે કે પ્રતીક એ માત્ર એક માર્ગ છે પરમ તત્વ સુધી પહોંચવાનો. એ પરમ તત્વ કોઈ પણ ધર્મનું હોય પણ ઇશ્વર એક જ છે.પછી ભલે હિન્દુ ધર્મ એને તેત્રીસ કરોડ દેવીદેવતાઓનાં નામ આપે કે મુસ્લિમ ધર્મ એને અલ્લાહ તરીકે ઓળખે કે પછી ખ્રિસ્તી ધર્મમાં એનાં ઇશુ અને મધર મેરી જેવા સ્વરૂપો હોય. પણ આજે મોટાં ભાગનાં મનુષ્યો એ પરમ તત્વને પામવાનાં માર્ગમાં જ અટવાઈ ગયાં છે,ભૂલા પડી ગયાં છે,ગુમરાહ થઈ ગયાં છે અને તેમણે ધર્મનું સ્વરૂપ વિકૃત કરી નાખ્યું છે. તેઓ પોતપોતાનાં ધર્મને જ શ્રેષ્ઠ ગણાવવાની જાણે હરિફાઈમાં ઉતરી પડ્યાં છે અને આ ઝનૂન તેમનાં માથે એટલી હદે, ગાંડપણની જેમ સવાર થઈ ચૂક્યું છે કે એક ધર્મનાં લોકો બીજા ધર્મનાં લોકોને પોતાના શત્રુ માની તેમની હત્યા સુદ્ધાં કરી નાખતાં અચકાતાં નથી. હિન્દુ-મુસ્લિમ રમખાણો કે હિન્દુ-ખ્રિસ્તીઓ વચ્ચે બનેલાં હિંસાના બનાવો આનાં વરવા ઉદાહરણ છે.

જરૂર છે સાચી દ્રષ્ટી કેળવવાની.ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે.અહિં કદાચ વિશ્વના સૌથી વધુ સંપ્રદાયો કે ધર્મો સહ-અસ્તિત્વ ધરાવે છે.આ સંસ્ક્રુતિનું આપણે ભારતના સાચા અને જવાબદાર નાગરિક બની સંવર્ધન અને જતન કરવાનું છે. ગાંધીજીએ કહ્યું હતું કે એક આંખના બદલામાં આંખ તો સમગ્ર જગતને અંધ બનાવી દેશે. આપણે એકબીજાનાં ધર્મને માન આપવાનું છે.આજે ટેક્નોલોજી અને સાધન-સામગ્રી-સુવિધાઓના વ્યાપને લીધે આખુંયે વિશ્વ એક એકમ સમાન બની ગયું છે. આવે સમયે જરૂર છે વૈશ્વીકરણને અપનાવી ,'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના અપનાવવાની, દરેક ધર્મ પાળતાં મનુષ્યને પોતાનાં ભાઈભાંડુ સમજવાની,અન્યની રીતરસમોને માન આપવાની,તેની અદબ જાળવવાની.જો આ કરીશું તો જ આપણે આવનારી નવી પેઢીઓ માટે એક સારા રાષ્ટ્રનું,સારા વિશ્વનું નિર્માણ કરી તેમને સુખશાંતિભર્યું જીવન પ્રદાન કરી શકીશું.

દરેક ધર્મનાં પાયામાં એક જ સંદેશ રહેલો છે - માનવતાનો. સાચા અર્થમાં માનવ બનવાનો.મન,બુદ્ધિની અજોડ ઇશ્વરીય ભેટ માણસને મળી છે જેના દ્વારા તે અન્ય મનુષ્યોથી જુદો પડે છે.મન,બુદ્ધિના સદુપયોગથી જ આજે મનુષ્યે આટલી પ્રગતિ સાધી છે અને તે બ્રહ્માંડના અન્ય ગ્રહો સુધી પહોંચી ગયો છે. પણ આ હરણફાળ ભરવામાં તે એટલું લાંબુ અંતર કાપતાં કાપતાં ,પોતાના જ અન્ય જાતિભાઈ,બીજા મનુષ્યના અંતરથી જોજનો દૂર ચાલ્યો ગયો છે અને યાંત્રિકતા તેના જીવનમાં એટલી હદે પ્રવેશી ગઈ છે કે તે પોતે પણ એક રોબોટ જેવો બની ગયો છે. લાગણી કે સંવેદનવિહીન યંત્ર જેવો. આવા સમયે જરૂર છે થોડાં થોભી જવાની.,આત્મસંશોધન કરવાની.અન્ય મનુષ્યના હ્રદય સુધી પહોંચવા સેતુ બનાવવાની.એ કરીશું તો જ આપણે સાચો ધર્મ જીવ્યો ગણાશે.

સાચો ધર્મ છે માનવતાનો. 'જનસેવા એ જ પ્રભુસેવા' એમ અમસ્તુ જ નથી કહેવાયું. જો આપણે દુ:ખી, જરૂરિયાતમંદ મનુષ્યને તન મન ધન જે પણ આપણાંથી શક્ય હોય એ રીતે મદદ કરીશું , તો એ ઇશ્વર માટે કંઈક કર્યા સમાન લેખાશે. બાકી પથ્થરો પૂજીને કંઈ ઇશ્વર પામી શકાતા નથી.મંદિરની બહાર ભૂખે ટળવળતાં ભિખારી તરફ નજર પણ ન નાંખતા, ઇશ્વરની મૂર્તિને મંદિરમાં મહામોંઘો પ્રસાદ કે છપ્પન ભોગ ધરીએ એ તદ્દન વ્યર્થ છે. માનવતાનો ધર્મ સેવા બજાવીને પાળી શકાય છે પછી એ સેવા ભલે ગમે તે સ્વરૂપની હોય અને ભલે એ જરૂરિયાતમંદ વ્યક્તિ કોઈ પણ જાતિની હોય, કોઈ પણ કહેવાતા ધર્મની હોય.

એક હિન્દુ બાળક કોઈ મુસ્લિમ, ખ્રિસ્તી કે પછી અન્ય કોઈ પણ કહેવાતા ધર્મના બાળક સાથે રમી રહ્યું હોય ત્યારે એ કેવા શુદ્ધ,પવિત્ર મન સાથે, કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે દ્વેષભાવ વગર, નિખાલસતાથી, નિર્દોષતાપૂર્વક નિકટતા કેળવી રમતું હોય છે! પણ મોટું થયા બાદ જ તેના વિચારો ભેદભાવનાં રંગોથી રંગાય છે, મલિન થાય છે. કમી ચોક્કસ આપણી પરવરિશમાં છે, સમાજમાં છે. એ દૂર થઈ શકશે? ક્યારે બે પુખ્ત વ્યક્તિઓ જુદાં જુદાં કહેવાતાં ધર્મનાં બે બાળકો જેટલી જ સરળતા-સહજતાથી એકમેક સાથે હળીમળીને રહેશે? જ્યારે સમગ્ર માનવસમાજ,સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વ માનવતાનાં ધર્મનો જ સાચા ધર્મ તરીકે સ્વીકાર કરશે. એ દિવસે ચોક્કસ સુખનો-શાંતિનો સુવર્ણ સૂરજ ઉદય પામશે,ઝળહળશે એ નક્કી!

....અને એ દિવસ જલ્દી જ આવે એવી હ્રદયપૂર્વક અભ્યર્થના...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો