પિતા અને પુત્રનો સંબંધ અનોખો હોય છે.તેઓ એકબીજાને પ્રેમ કરતા હોય છે, એકબીજાને મનથી માન પણ આપતા હોય છે પણ છતાં તેમના સંબંધમાં એક તણાવ જોવા મળતો હોય છે. કદાચ આ મારો અંગત અભિપ્રાય હોઈ શકે છે પણ મારા પોતાના દાખલા સહિત મેં બીજા એવાં ઘણાં નજીકના ઉદાહરણ જોયાં છે જ્યાં બાપ-બેટા વચ્ચેના સંબંધો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના અનુપમ ખેર - શાહરૂખ વચ્ચે દર્શાવાયા હતાં એટલાં સરળ, સુંવાળા અને શત પ્રતિશત મતભેદ વગરના નથી હોતાં.
કેટફીશ નામની માછલીની જાતિના પિતા સજીવોમાં સર્વશ્રેષ્ઠ પિતાનું બિરૂદ પામેલ છે કારણ તે છ મહિના કરતાં પણ વધુ સમય સુધી પોતાના મોઢામાં માદાએ મૂકેલા ઇંડા સાચવી રાખે છે જ્યાં સુધી તેમાંથી બચ્ચા બહાર ન આવી જાય અને તેઓ તરતા શીખી બહારના વિશ્વનો સામનો કરવા જેટલા પુખ્ત ન થઈ જાય. તે કંઈ પણ ખાધાપીધા સિવાય આ અવસ્થા દરમ્યાન સમુદ્રને તળિયે પડી રહે છે. ખરું જોતા, માનવ જાતમાં પણ પિતા, કદાચ કેટ ફિશ જેટલો વધુ પડતો ત્યાગી-વૈરાગી બનીને નહિં પણ પોતાના સંતાનોનું પ્રેમપૂર્વક, જતનપૂર્વક ભરણપોષણ તો કરે જ છે. તે પોતાના મોજશોખનો ઘણી વાર ત્યાગ કરી દે છે જેથી તેના સંતાનની કોઈ ઇચ્છા અધૂરી ન રહી જાય કે પોતાના સંતાનને સારામાં સારી સુખસુવિધા કે ઉચ્ચ કોટિના શિક્ષણ મળી રહે. ભાગ્યે જ કોઈ પિતા એવો હશે જે પોતાના સંતાનને પ્રેમ ન કરતો હોય કે તેની નાની મોટી દરેક અભિલાષા પૂર્ણ કરવાનો પ્રયાસ ન કરતો હોય. હા,કદાચ મા જેટલા ઋજુ સ્વભાવનો ન હોવાને કારણે, ગુસ્સા કે ઉગ્ર સ્વભાવને લીધે તે ભલે ક્યારેક આકરો ભાસે, પણ દરેક પિતા પોતાના સંતાનને શ્રેષ્ઠ બાળપણ પૂરું પાડી તે ઉત્તમ કોટિના માનવી બને એવા પ્રયત્ન હ્રદયથી કરતો જ હોય છે. કયો પિતા બાળકને પોતાને ખભે બેસાડી ઘૂમ્યો નહિં હોય કે કયો પિતા બાળકને પીઠ પર બેસાડી તેના માટે ઘોડો નહિં બન્યો હોય?! પુત્ર હોય કે પુત્રી,પિતાને મન તે કાળજાના કટકા સમાન જ હોય છે (હા, કદાચ પુત્ર-પુત્રી બંને હોય તો તેને પુત્રી વિશેષ વ્હાલી લાગતી હોઈ શકે!) ક્યારેક પિતા ગુસ્સામાં હાથ ઉગામી બેસે કે આકરા એવા બેચાર શબ્દો દ્વારા સંતાનનું દિલ દુભવી શકે પણ બેશક એ સંતાનના ભલા માટે જ. દિલથી તો તે પોતાના સંતાનનું ભલુ જ ઇચ્છતો હોય છે. સંતાનનો સારામાં સારો ઉછેર કરી શકે એ માટે પિતા રાતદિવસ તનતોડ મહેનત કરી સારું કમાવા પ્રયત્ન કરે છે અને ભલે માને ત્યાગની મૂર્તિ ગણવામાં આવતી હોય છતાં બાપ પણ અનેક ગમતી ચીજ વસ્તુઓ કે શોખ-આદતોનો ત્યાગ કરી તેની ગણતરીઓ માંડતો નથી.
ક્યાંક ખૂબ સરસ વાત વાંચેલી કે પિતા માટે સૌથી ધન્ય ક્ષણ કઈ હોય છે?જ્યારે તેનું નાનકડું વહાલસોયું સંતાન તેની નાનકડી આંગળીઓ વડે તેનો હાથ પકડી તેની છાતી પર નિરાંતે સૂઈ ગયું હોય! બાપ જ આંગળી પકડી બાળકને પ્રથમ વાર બહારના જગતમાં પગરણ મંડાવે છે, પહેલી વાર બેન્કમાં લઈ જાય છે, વ્યવહારુ જ્ઞાન આપે છે, દુનિયામાં સમસ્યાઓ સામે લડતા, પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમતા શિખવે છે.
સંતાન નાનું હોય ત્યાં સુધી પિતા જ તેના સુપરહીરો હોય છે!મમ્મી જે જિદ પૂરી ન કરે તે જિદ પપ્પા પાસે પૂરી કરાવતાં સંતાનને વાર લાગતી નથી.તો પછી જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પિતા પુત્રના સંબંધોનું સ્વરૂપ શા માટે બદલાતું જતું હશે? અને કદાચ પિતા પુત્રી વચ્ચેના સંબંધમાં એટલું અંતર નથી વધી જતું જેટલું પિતા પુત્ર વચ્ચેના સંબંધમાં જોવા મળે છે.શું આ પાછળ પુરુષપ્રધાન સમાજને કારણે પુરુષમાં વિકસીત થતો પુરુષ-સહજ અહમ (મેલ-ઇગો) જવાબદાર હશે? જુવાન પુત્રને તેના પિતા સાથે દિલ ખોલીને વાત કરી શક્તો નથી.તેને ક્યારેક પિતા જૂનવાણી લાગે છે તો ક્યારેક વધુ પડતા મરજાદી કે કડક.જનરેશન ગેપ કદાચ પોતાનું કામ કરતો હશે આ પાછળ?સૌમ્ય જોશીના નાટક વેલકમ જિંદગીમાં પિતા-પુત્રના આવા સંબંધોની વાત ખૂબ સુંદર રીતે રજૂ થયેલી.આ નાટક મને ખાસ્સુ સ્પર્શી ગયેલું.
જુવાન દિકરાએ સમજવું જોઇએ કે બાપ ભલે આકરો હોય તોયે મનથી તો તેના સંતાનને ચાહતો જ હોય છે.એ ભલે ને ગમે તેટલો મોટો બની જાય કે વધુ કમાવા માંડે તો પણ તેણે એ ભૂલવું ન જોઇએ કે તેનું અસ્તિત્વ માત્ર તેના પિતાને જ આભારી છે.તે લાખ કોશિશ કરીને પણ એ હકીકતથી વેગળો નહિં થઈ શકે કે તે પિતાના ડી.એન.એ નો જ અંશ છે! તો બીજે પક્ષે બાપે પણ ક્યારેક પોતાના અહમથી વેગળા થઈ દિકરાના વિશ્વને,દિકરાની લાગણીઓને સમજવા જોઇએ.તેની સાથે સખત મિજાજના વડીલ બની નહિં પણ એક દોસ્ત બની વર્તવું જોઇએ. બાપ બેટા વચ્ચે મતભેદ થાય એ ચાલે પણ મનભેદ થવો જોઇએ નહિં.કદાચ બાપ ગુસ્સામાં બે શબ્દો બોલી દે તો દિકરાએ તે મન પર લેવુ જોઇએ નહિં અને કદાચ દિકરો ગમે તેમ બોલી નાંખે તો બાપે મોટા મને તેને ન સાંભળ્યું કરી નાંખવું જોઇએ પણ તકરાર તેમની વચ્ચેના અંતરને એટલા દૂર ન કરી નાંખવી જોઇએ કે તેઓ એક છત નીચે ન રહી શકે.
ઘરડા બાપને દિકરાની જરૂર વયસ્ક વયે જ સૌથી વધુ પડતી હોય છે અને ત્યારે જ દિકરાને પણ ઋણ ચૂકવવાનો મોકો મળતો હોય છે જે તેણે બિલકુલ જતો કરવો જોઇએ નહિં. જુવાન દિકરાના સંતાનનું સંતાન એટલે કે મુદ્દલ પરનું વ્યાજ તો પિતાને મન પોતાના સગા દિકરાથીયે વિશેષ વહાલું હોય છે.સામે પક્ષે પૌત્ર કે પૌત્રીના સ્વસ્થ અને યોગ્ય ઉછેર માટે તેને દાદા-દાદીનો પ્રેમ મળવો અનિવાર્ય છે.દાદા-દાદીને આ સૌભાગ્યથી વંચિત રાખનાર કપૂત દિકરાને તો એ પાપની સજા મળ્યા વગર રહેતી જ નથી.
છેલ્લે મારા મનની એક વાત આજે આ બ્લોગ થકી મારા પપ્પાને તેમજ મારા જેવા કેટલાયે જુવાન પુત્રોના પિતાઓને પહોંચાડવા ઇચ્છુ છું.ક્યારેક તમને તમારા જુવાન પુત્રના વાણી કે વર્તન દ્વારા આઘાત લાગે તો એટલું યાદ રાખજો કે તે મનથી તો તમને ચાહે જ છે,તમને ખૂબ માન આપે જ છે.તેને તમારું નાનકડું વહાલસોયું બાળક ગણી માફ કરી દેશો જેની આંગળી પકડી એક દિવસ તમે જ તેને આ જગતમાં ડગ માંડતા શિખવાડેલું!
મારા પપ્પાને અને જગતનાં દરેક પિતાઓને આજના આ બ્લોગ થકી 'હેપ્પી ફાધર્સ ડે...!'
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો