Translate

શનિવાર, 27 જુલાઈ, 2013

એક વરસાદી દિવસ


આજે અતિ ભારે વરસાદ હતો. બેત્રણ દિવસથી સતત વરસાદે આખા શહેરને ધમરોળ્યું હતું અને ગઈ આખી રાતે તો તે જરાયે અટક્યા વગર સતત વરસતો રહ્યો હતો. ઉંચી ભરતીની આગાહી હોઈ, હાઈ એલર્ટના મેસેજીસ પણ ઇન્ટરનેટ પર, એસ.એમ.એસ દ્વારા,વ્હોટ્સએપ પર ફરતા થયા હતાં અને એટલે કદાચ આજે મલાડ જેવા ભીડથી ધમધમતાં સ્ટેશન પર પણ સવારે નવના સુમારે માનવ હાજરી પાંખી વર્તાતી હતી. ટ્રેન આવી તેમાં પણ,ફોર ચેન્જ,સાવ ઓછી ગિર્દી હતી. વિચાર આવી ગયો રોજ ટ્રેન આટલી ખાલી રહેતી હોય તો કેટલું સારું! ખેર તો એક ક્યારેય  હકીકત ન બને શકે એવી કલ્પના છે! ગાડીમાં ચડી ગયા બાદ મને બેસવાની જગા પણ મળી ગઈ! ખરું જોતા બારી ખુલ્લી રહી જવાને કારણે વરસાદની વાંછટે બારી નજીકની સીટ ભીની કરી મૂકી હતી તેથી ત્યાં બેસવા કોઈ રાજી નહોતું અને સીટ મને મળી ગઈ!વરસાદની સિઝનમાં સીટ ભીની હોય તો શું કોરી ધાકોર હોવાની? પણ પોતે અડધા પડધા ભીના હોવા છતાં સીટ પર બેસવા કોઈ તૈયાર નહોતું! હું બેસી ગયો! વાતાવરણમાં બધે ભીનાશ વર્તાતી હતી! આખો માહોલ કંઈક જુદો હતો! ગાડીમાંથી બહાર દેખાતાં ભીના ભીના લીલાછમ સુંદર દ્રષ્યોએ મનને પ્રસન્નતાથી ભરી મૂક્યું.

વાંદ્રા ઉતર્યા બાદ રેલવે પુલ પર પણ આવી સ્થિતી! સદાય કિડીયારાની જેમ માણસોથી ઉભરાતા પુલ પર ગણ્યાંગાંઠ્યા માણસો ચાલી રહ્યાં હતાં.મુંબઈની પ્રજામાં સવારે સ્ટેશન પર રઘવાટ જોવા મળે એવું બની શકે ભલા? આટલું ખાલી હોવા છતાં કેટલાક લોકો આમતેમ દોડાદોડી કરતાં નજરે ચડતા હતાં! પણ મને આજે, પુલ પર ચાલતી વખતે પણ ટ્રેનમાં બેઠો હતો ત્યારે થઈ હતી તેવી જુદાજ પ્રકારની લાગણીનો અનુભવ થઈ રહ્યો હતો.! હું એક્ચ્યુલી આજનો સમય માણી રહ્યો હતો! પડી રહેલા વરસાદની જેમ મારા મનમાં પણ જાણે વિચારોની વર્ષા થઈ રહી હતી - મેઘધનુષી વિચારોની!

લોકો શા માટે આટલા સરસ વાતાવરણમાં ઘરની બહાર નહિ નિકળતા હોય! તેઓ આસપાસ રચાતા સુંદર દ્રષ્યો જોવા પામતા નથી,આકાશમાંથી આટલે ઉંચેથી છેક અહિં ધરતી પર પડવા આવતી વર્ષાની બુંદો જોવી એક લ્હાવો જ છે! ખાબોચિયામાં ભરાયેલા પાણીમાં છબછબિયા કરતાં કે તેમાં કાગળની હોડીઓ તરાવતાં બાળકો જોઈને આપણને આપણું પોતાનું બાળપણ યાદ આવ્યા વિના રહે નહિ! રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાયેલા હતાં પણ આ પાણીમાં કપડાં પલળી જવાની ચિંતા કર્યા વગર વરસાદને એન્જોય કરતા કરતા ચાલવાની મજા ક્યારેક માણી જો જો!

રીક્ષામાં બેઠો અને તેમાં પણ વરસાદની વાંછટ મને ભીંજવી રહી! બાજુમાં પૂર ઝડપે ચાલી રહેલા વાહનના પૈડા દ્વારા રસ્તા પરનું ગંદુ પાણી ઉડી મારા પર આવી રહ્યું હોવા છતાં આજે એ મારા મૂડને બગાડી શકે એમ નહોતું! રીક્ષામાં બેઠા બેઠા બેત્રણ વરસાદી ટ્વીટ્સ ટ્વીટર ઉપર કરી નાંખ્યા! ભીના ભીના મોસમમાં મોબાઈલ પર વરસાદી ગીતોની મજા માણતા માણતા પ્રવાસ કરવાની મજા પણ માણી!

ઓફિસ પહોંચ્યો તો ત્યાં પણ આજે ઘણાં કલીગ્સ હાજર નહોતાં. તે દિવસે ઓફિસમાં કામ કરવાનો અનુભવ કંઈક અલગ રહ્યો! ખાલી ખાલી ઓફિસમાં કામ કરવાની મજા તો આવે ભારે વરસાદી દિવસે માણી શકાય કાં પછી કોઈ બંધ વગેરે જાહેર થયો હોય ત્યારે! વરસાદતો દિવસ ભર પડતો રહ્યો.

સાંજે કેટલાક કલીગ્સ બિનજરૂરી પેનિક ફેલાવી રહ્યા હતાં. ટ્રેનો બંધ થઈ ગઈ છે, કેવી રીતે ઘેર પહોંચાશે?વગેરે વગેરે. મને સાંભળી વિચાર આવ્યો શું આવે વખતે ભાગાભાગી કરી રસ્તા પર ટ્રાફીકમાં વધારો કરવો યોગ્ય છે? તમે જલ્દી નિકળી જવા અથવા આવી પરિસ્થિતી ઉભી થાય ત્યારે ખૂબ મોડા નિકળો. વહેલા પરિસ્થિતી વણસી હોતી નથી અને મોડા પરિસ્થિતી થાળે પડી ચૂકી હોય છે! પણ જો તમે અધવચ્ચે, મોટા ભાગના લોકો આવે સમયે ઘેર પહોંચવા રઘવાટમાં દોટ મૂકે છે એમ, કસમયે ઓફિસમાંથી નિકળશો તો ચોક્કસ રસ્તામાં ભારે વરસાદ અથવા ટ્રાફીક અથવા ગાડીની ચિક્કાર ગિર્દીમાં ફસાઈ જશો! મારે રેડિયો પર ન્યુઝ વાંચવા જવાનું હોવાથી ઓફિસેથી સમયસર જ નિકળી જવું પડ્યું. હું વાંદ્રા સ્ટેશન પહોંચ્યો અને જોયું કે સ્ટેશન પર પણ લોકો ભારે ચિંતા અને રઘવાટમાં હતા. હાર્બર લાઈનમાં તો ટ્રેન સ્થગિત કરી દેવાઈ હતી.મને વિચાર આવ્યો આવે સમયે જો તમારે હાર્બર લાઈનમાં જ પ્રવાસ કરી ઘેર પહોંચવાનું હોય તો શું થઈ શકે? ઘણું ઘણું થઈ શકે! ચિંતા મૂકી નજીકમાં આવેલા મોલમાં શોપિંગ કરવા જતા રહો! (વાંદ્રામાં શોપર્સ સ્ટોપ કે લિંકિંગ રોડ પર આવેલી દુકાનો સ્ટેશનથી ચાલતા જઈ શકાય એટલા અંતરે જ આવેલી છે!) કે નજીક આવેલ કોઈ મંદિર કે ફરવાના સ્થળે પહોંચી જાવ (વાંદ્રામાં જરીમરી મંદિર,વાંદ્રા તળાવ,બેન્ડસ્ટેન્ડ કે મધર મેરી ચર્ચ જઈ શકાય!). ઘેર ફોન કરી પરિવાર જનો ને જણાવી દેવું કે મારી કોઈ ચિંતા કરતા નહિં - હું સુરક્ષિત છું અને રોજ રૂટીનમાં ન મળતો હોય એવો આ પ્રકારનો અણધાર્યો મોકો ઝડપી લો અને કંપની ન હોય તો ક્યારેક આવી પરિસ્થિતી ઉભી થાય ત્યારે એકલા પણ ફરવા જઈ શકાય! બે ત્રણ કલાક આમતેમ પસાર કરી ફરી સ્ટેશને આવી જાવ! ગાડીઓ ચાલુ થઈ ગઈ હશે!  તમે બે-ત્રણ કલાક ફરી આવો કે શોપિંગ કરી આવો ત્યાર બાદ પણ ટ્રેન ચાલુ ન થઈ હોય તો? તો પણ ફિકર નોટ! જુઓ કોઈ સંબંધી કે મિત્રનું ઘર નજીકમાં છે?ત્યાં પહોંચી જાવ! કોઈ સંકટ સમયે મદદે આવવાની ના ન જ પાડે! ત્યાં રાત રોકાઈ જાવ! ઘણી ખરી ઓફિસમાં રાત રોકાઈ શકાય એવી વ્યવસ્થા પણ હોય છે.એ પણ એક ઓપ્શન અમલમાં મૂકી શકાય. પણ પેનિકમાં આવવું નહિ ને બીજાને પેનિકમાં મૂકવા નહિ! આ ફિલોસોફી અપનાવીએ તો બધાં સુખી!! મારા તો નસીબમાં આવું નહિ હોય એટલે વેસ્ટર્ન લાઈનની ગાડીઓ મોડી મોડી પણ ચાલુ જ હતી (!) અને મેં રેડિયોની ડ્યુટી પણ પતાવી અને રાતે સમયસર ઘરે પણ પહોંચી ગયો! :(

જોકે વરસાદી એવો આ દિવસ મેં મનભરીને માણ્યો!

મંગળવાર, 23 જુલાઈ, 2013

પ્રજાની એકતાની તાકાત


ગયા સપ્તાહે એક સમાચાર વાંચવામાં આવ્યા. દાદરના એક જાહેર સભાગૃહ જ્યાં નિયમિત મરાઠી નાટકો ભજવાય છે, ત્યાં એક નેતાએ એક જાહેર સભા અને પ્રજા સાથે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજ્યા. બપોરે બાર વાગે આ કાર્યક્રમ શરૂ થવાનો હતો અને ત્રણેક કલાક ચાલવાના અંદાજ સાથે તે ત્રણ વાગે પૂરો થયા બાદ દોઢેક કલાકના અંતરાય પછી ત્યાં નિયત મરાઠી નાટકનો શો ભજવાવાનો હતો. રજાનો દિવસ અને નાટક હીટ હોવાથી પહેલેથી બૂકીંગ થઈ ગયું હતું  અને લોકો દૂર દૂર થી વરસાદની ઋતુમાંયે ઉત્સાહ સાથે, રસપૂર્વક નાટક માણવા સમયસર પહોંચી ગયાં.

હવે બન્યું એમ કે પેલા નેતા બાર વાગ્યાની જગાએ આવ્યાજ દોઢ કલાક મોડા અને સભા બાદ પ્રશ્નોત્તરીનું  સત્ર એવું જામ્યું કે નેતાએ નક્કી કરી નાંખ્યું કે કાર્યક્રમની અવધિ લંબાવવી અને પ્રશ્નોત્તરી ચાલુ  રાખવી. નેતા છે ને,એને કોના બાપનો ડર? ભલે ને પોતે મોડો પડ્યો, ભલે ને બીજા કોઈનો પૂર્વાયોજિત કાર્યક્રમ તે સ્થળે નક્કી હતો, ભલેને દૂર દૂરથી રસિક પ્રજા કાર્યક્રમ માણવા વરસાદમાં પલળીને આવી હોય. નેતાજી પોતાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો. નાટક શરૂ થવાનો સમય,સાડા ચાર વિતી ગયો.પબ્લિક બહાર ધૂંવાપૂંવા થઈ ગઈ. નાટકના નિર્માતાની મનોસ્થિતી અતિ ક્ષોભજનક હતી. તેણે જાહેરમાં મેદની સમક્ષ માફી માગી અને ટિકીટના પૈસા પાછા આપવા તૈયારી દાખવી. ત્યાં રોષે ભરાયેલી જનતાએ હવે આગળની ગતિવિધીનો દોર પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો અને મહિલાઓનું ટોળું અંદર પહોંચી ગયું કોઈની પરવા કર્યા વગર. હોબાળો મચતા નેતાજી ની સાન ઠેકાણે આવી અને તેમણે ત્યાંથી ઉભી પૂંછડીએ નાસી જવાનું મુનાસીબ માન્યું! અંતે પ્રજાશક્તિની જીત થઈ અને મોડો મોડો પણ વાગે મરાઠી નાટકનો શો તે સભાગૃહમાં ભજવાવાનો શરૂ થયો!

આખા પ્રસંગે મને વિચાર કરતો કરી મૂક્યો. આપણા નેતાઓની ઢીઢતા તો અહિં છતી થતી હતી પણ તેમને જનતાના કિમતી સમયની, તેમના કમિટમેન્ટની કોઈ પરવા નથી. પ્રજાની સેવા માટે ચૂંટાયેલા નેતાને પ્રજાના હિતની જરીયે ચિંતા નહિ! પણ પ્રસંગે પબ્લિક જેમ એક થઈ અને તેમણે નેતાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું કાબેલે તારીફ છે! જો આમ દરેક પ્રસંગે આપણે થોડી હિંમતપૂર્વક અડચણ કે સમસ્યા કે બદી નો સામનો કરીશું તો ખરેખર ઘણા અનિષ્ટોનો નાશ થઈ શકે એમ છે. એકતામાં તાકાત છે. ઝાઝી કીડીઓ સાપને તાણે. હું પણ તે દિવસે પેલા મરાઠી નાટકના ઓડિયન્સમાં હોત તો કેટલી મજા પડત! ગુજરાતી પ્રજા પણ આવું કૌશલ્ય અને ઐક્ય દાખવે તો મજા પડી જાય!

રવિવાર, 14 જુલાઈ, 2013

ગેસ્ટ બ્લોગ : ટેલીગ્રામ સેવાનો અંત

 - જ્યોતિ લાઈજાવાલા

            આજે  વૈજ્ઞાનિક ક્ષેત્રે માનવીએ હરણફાળ ભરીને વિશ્વને જાણે મુઠ્ઠીમાં લઇ લીધું છે. આધુનિક તંત્રજ્ઞાન ને લીધે વિશ્વમાં પરસ્પર સંપર્ક સાધવો સહજ બન્યો છે. પરંતુ વર્ષો પૂર્વે, ગામડામાં રહેતા સ્વજનો,મિત્રો નો સંપર્ક સાધવો મુશ્કેલ હતો .એ વખતે ઘરોઘર ટેલીફોનની સુવિધા પણ નહોતી .પોસ્ટ દ્વારા જ કાગળપત્ર ,મનીઓર્ડર અને અત્યંત મહત્વના સંદેશાઓ ટેલીગ્રામ એટલે કે તાર દ્વારા મોકલી શકાતા.ગામડામાં કોઈ ખાસ સુવિધા નહોતી .નાના  નાના બે-પાંચ ગામડાઓ વચ્ચે એક પોસ્ટ ઓફીસ અને અઠવાડિયામાં એક-બે વખત જ પોસ્ટમેન ટપાલ વહેંચવા નીકળતો .લોકો આતુરતાથી પોસ્ટમેનની રાહ જોતા ,પરંતુ જો કસમયે પોસ્ટમેન ઘરનું બારણું ખખડાવે તો નક્કી અશુભ સમાચાર હશે એમ સમજતાં .
             આજના આધુનિક યુગમાં પોસ્ટ -કાર્ડ સ્થાન કુરીયરે લીધું છે, ટેલીગ્રામનું સ્થાન ફેક્સે ,ફેક્સનું  સ્થાન ઈ-મેલે અને તેને બદલે એસ.એમ.એસ. મોકલવાનું વધુ સરળ બન્યું છે .અને હવે તો  ટવીટર અને ફેસબુકે  એસ.એમ.એસ નું સ્થાન ક્યારે લીધું એની જાણ આપણને ન થઈ. રોજિંદા  જીવનમાં સમયની બચત અને વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેલ વ્યક્તિ સાથે સહજરીતે સંપર્ક સાધી આપનાર સાધનો તંત્રજ્ઞાન ને જ આભારી છે .સ્માર્ટ ફોન અને વિડીઓ ચેટીંગ ના જમાનામાં આજથી દોઢ સદીથી પણ વધુ સમય જૂની ટેલીગ્રામ સેવા યુવકોને બાબા આદમના જમાનાની લાગે. હાલમાં એસ.એમ.એસ. માં વાપરવામાં આવતાં you  ને બદલે u , thanks  ને બદલે tnx  ,pictures માટે pix  જેવા ટુંકા શબ્દો વાંચી વિચાર આવે છે ને કે આજના યુવકો અંગ્રેજી ભાષાનો દાટ  વાળે છે પરંતુ આ ચિંતાનો વિષય નથી .આ શોર્ટ-કટ શબ્દો તો ટેલીગ્રાફના જમાનાના છે. ટેલીગ્રાફ એટલે તારથી જોડાયેલ બે મથકો વચ્ચે સાંકેતિક ભાષામાં ,વિદ્યુત પ્રવાહ દ્વારા સંદેશો મોકલવાની ટેકનોલોજી .દોટ અને ડેશ જેવા સાંકેતિક શબ્દો દ્વારા મોકલવામાં આવેલ સંદેશ એટલે ટેલીગ્રામ .અંગ્રેજીમાં તેને કેબલ અને ગુજરાતીમાં તેને તાર કહેવામાં આવે છે . સન ૧૮૩૮માં ટેલીગ્રાફ ની  શોધ સેમ્યુઅલ  મોર્સે કરી હતી. તેઓ એક જાણીતા ચિત્રકાર પણ હતા .ટેલીગ્રાફ ને સંબંધિત સંશોધન અને ટેલીગ્રામ લખવા માટે વાપરવામાં આવતા કોડની રચના પણ તેમણે કરી હતી જે મોર્સ કોડ ને નામે પ્રસિદ્ધ થયો. આમ ટેલીગ્રાફ ની સેવાને લીધે દુનિયા નાની બની ગઈ .ફક્ત સંદેશાઓ જ નહિ પણ ઉદ્યોગધંધા અંગે પણ આદાન પ્રદાન થવા લાગ્યું .જેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર મેળવવાનું શક્ય બન્યું .ભારતમાં આમ તો ટેલીગ્રાફ ની શરૂઆત સન ૧૯૫૧માં  થઇ હતી .ભારતમાં ૧૮૫૭નો સંગ્રામ શરૂ થયો ત્યારે અંગ્રેજોને ટેલીગ્રાફ સેવા ખુબ જ ઉપયોગી નિવડી .અંગ્રજ સેનાપતીઓ પરસ્પર સંદેશાઓ મોકલી વ્યુહરચના ગોઠવતા .ટેલીગ્રામમાં લખાતાં સદેશા માટે શબ્દ દીઠ પૈસા ચુકવવા પડતા. આથી ઓછા શબ્દોમાં લખી શકાય એ માટે બે શબ્દો જોડીને લખવામાં આવતું .આ ટેલીગ્રામ કેબલ તરીકે ઓળખાતા અને તેમાં વાપરવામાં આવતી શૈલી કેબલીસ  તરીકે ઓળખાઈ. ભારતમાં તારમાં  લખવામાં આવતા વાક્યોમાં શબ્દો બચાવવા માટે ક્રિયાપદ  વગરના વાક્યો લખવામાં આવતા .પણ જોડાક્ષરનો વપરાશ થતો નહિ .કહેવાય છે કે આઝાદીની લડત  વખતે ગાંધીજી અને બીજા નેતાઓ સંદેશાઓ ઝડપથી મોકલવા માટે તારનો ઉપયોગ કર્યો હતો .ભારતમાં વિદેશી તાર સેવા થોડાક વર્ષો પૂર્વે જ બંધ થઇ . ઓસ્ટ્રેલીયામાં ૨૦૧૧ ની સાલમાં ,અમેરિકામાં ૨૦૦૬માં, ઇંગ્લેન્ડમા ૨૦૦3માં આ સેવા એક પ્રાઈવેટ કંપનીને વેચી દીધી .નેપાળે ચાર વર્ષ પૂર્વે ટેલીગ્રાફ સેવા બંધ કરી .જ્યારે એક જમાનામાં ચોવીસ કલાક કાર્યરત રહેતી મુંબઈની સેન્ટ્રલ ટેલીગ્રાફ ઓફીસમાં હવે પંદરમી જુલાઈથી સોપો પડી જશે . ૧૭૫ વર્ષ જૂની તાર સેવા બંધ કરવાનો નિર્યણ પોસ્ટ કાર્યાલય દ્વારા લેવામાં આવ્યો છે. જોકે સમયાનુસાર વર્તવાનો તેમનો આ નિર્ણય મારા  મતે ઉચિત છે ,પણ ક્યારેક દિલ ધડકાવી દેનાર તો ક્યારેક ખુશીના સમાચાર આપનાર ટેલિગ્રામ સેવા આવતી કાલથી એક સંસ્મરણ માત્ર બનીને રહી જશે! આજની પેઢીએ વૈશ્વિકરણ ,ઉદારીકરણ અને ખાનગીકરણના ભરડામાં સિધ્ધી પ્રાપ્ત કરવા અને પોતાના સ્વપ્નાઓ પૂર્ણ કરવા પડકારોનો સામનો કરવાનો છે .એટલે વર્તમાન સમયને અનુસરીને ચાલવામાં જ ડહાપણ છે. જે પરિસ્થિતિ આજે તાર ની થઇ છે એવી જ પરિસ્થિતિ  અન્ય સેવાઓની પણ થાય એવી શક્યતા ખરી!
  
                                                                                                              - જ્યોતિ લાઈજાવાલા

રવિવાર, 7 જુલાઈ, 2013

દવાખાનામાં સંગીત!


થોડા સમય અગાઉ મારા શ્રીમતીજીને દહાપણની દાઢે દુ:ખાવો ઉપડતા ઘર નજીક જેમનું ક્લિનીક આવેલું છે એવા એક દંતચિકીત્સક પાસે લઈ ગયો.ડોક્ટરસાહેબની કેબિન નાની પણ સુઘડ અને વ્યવસ્થિત હતી.તેમનો ચહેરો પણ સસ્મિત મળતાવડો અને સૌથી સારી અને અગત્યની બાબત હતી કે કેબિનમાં બેકગ્રાઉન્ડમાં ધીમું ધીમું શાસ્ત્રીય સંગીત વાગી રહ્યું હતું.ધીમા અવાજે પણ સંભળાય અને મન બહેલાવે એવું કર્ણપ્રિય સંગીત મને ખૂબ ગમી ગયું. ઉપરોક્ત ત્રણેય બાબતો દર્દીનું અડધું દરદ ઓછું કરી નાખે!કોઈ પણ ડોક્ટર પાસે જતી વખતે દર્દીનું બ્લડપ્રેશર આમ પણ વધી ગયું હોય તેવામાં ધીમું શાસ્ત્રીય સંગીત ખરેખર મન પર જાદુઈ અસર કરે છે!ભલે કદાચ ડોક્ટર દર્દીને તપાસી રહ્યાં હોય કે ચિકિત્સા કે શસ્ત્રક્રિયા ચાલુ હોય, ત્યારે બેકગ્રાઉન્ડમાં વાગતું સંગીત દર્દીના મનનો બોજ તો પરોક્ષ રીતે હળવો કરે છે પણ મારા ધારવા પ્રમાણે ડોક્ટરના કામમાં પણ તે ચોક્કસ મદદ કરતું હશે!
સામી વ્યક્તિ કે ગ્રાહક વિશે તમે કેટલા સભાન છો,તેની સુવિધા માટે તમે કેટલું વિચારો છો તે સંગીત વાળી ચેષ્ટા પરથી સિદ્ધ થાય છે!માર્કેટીંગ કે કસ્ટમર ફોકસનો પાઠ પરથી ચોક્કસ શિખી શકાય.