Translate

લેબલ Rain સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Rain સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 27 જુલાઈ, 2013

એક વરસાદી દિવસ


આજે અતિ ભારે વરસાદ હતો. બેત્રણ દિવસથી સતત વરસાદે આખા શહેરને ધમરોળ્યું હતું અને ગઈ આખી રાતે તો તે જરાયે અટક્યા વગર સતત વરસતો રહ્યો હતો. ઉંચી ભરતીની આગાહી હોઈ, હાઈ એલર્ટના મેસેજીસ પણ ઇન્ટરનેટ પર, એસ.એમ.એસ દ્વારા,વ્હોટ્સએપ પર ફરતા થયા હતાં અને એટલે કદાચ આજે મલાડ જેવા ભીડથી ધમધમતાં સ્ટેશન પર પણ સવારે નવના સુમારે માનવ હાજરી પાંખી વર્તાતી હતી. ટ્રેન આવી તેમાં પણ,ફોર ચેન્જ,સાવ ઓછી ગિર્દી હતી. વિચાર આવી ગયો રોજ ટ્રેન આટલી ખાલી રહેતી હોય તો કેટલું સારું! ખેર તો એક ક્યારેય  હકીકત ન બને શકે એવી કલ્પના છે! ગાડીમાં ચડી ગયા બાદ મને બેસવાની જગા પણ મળી ગઈ! ખરું જોતા બારી ખુલ્લી રહી જવાને કારણે વરસાદની વાંછટે બારી નજીકની સીટ ભીની કરી મૂકી હતી તેથી ત્યાં બેસવા કોઈ રાજી નહોતું અને સીટ મને મળી ગઈ!વરસાદની સિઝનમાં સીટ ભીની હોય તો શું કોરી ધાકોર હોવાની? પણ પોતે અડધા પડધા ભીના હોવા છતાં સીટ પર બેસવા કોઈ તૈયાર નહોતું! હું બેસી ગયો! વાતાવરણમાં બધે ભીનાશ વર્તાતી હતી! આખો માહોલ કંઈક જુદો હતો! ગાડીમાંથી બહાર દેખાતાં ભીના ભીના લીલાછમ સુંદર દ્રષ્યોએ મનને પ્રસન્નતાથી ભરી મૂક્યું.

વાંદ્રા ઉતર્યા બાદ રેલવે પુલ પર પણ આવી સ્થિતી! સદાય કિડીયારાની જેમ માણસોથી ઉભરાતા પુલ પર ગણ્યાંગાંઠ્યા માણસો ચાલી રહ્યાં હતાં.મુંબઈની પ્રજામાં સવારે સ્ટેશન પર રઘવાટ જોવા મળે એવું બની શકે ભલા? આટલું ખાલી હોવા છતાં કેટલાક લોકો આમતેમ દોડાદોડી કરતાં નજરે ચડતા હતાં! પણ મને આજે, પુલ પર ચાલતી વખતે પણ ટ્રેનમાં બેઠો હતો ત્યારે થઈ હતી તેવી જુદાજ પ્રકારની લાગણીનો અનુભવ થઈ રહ્યો હતો.! હું એક્ચ્યુલી આજનો સમય માણી રહ્યો હતો! પડી રહેલા વરસાદની જેમ મારા મનમાં પણ જાણે વિચારોની વર્ષા થઈ રહી હતી - મેઘધનુષી વિચારોની!

લોકો શા માટે આટલા સરસ વાતાવરણમાં ઘરની બહાર નહિ નિકળતા હોય! તેઓ આસપાસ રચાતા સુંદર દ્રષ્યો જોવા પામતા નથી,આકાશમાંથી આટલે ઉંચેથી છેક અહિં ધરતી પર પડવા આવતી વર્ષાની બુંદો જોવી એક લ્હાવો જ છે! ખાબોચિયામાં ભરાયેલા પાણીમાં છબછબિયા કરતાં કે તેમાં કાગળની હોડીઓ તરાવતાં બાળકો જોઈને આપણને આપણું પોતાનું બાળપણ યાદ આવ્યા વિના રહે નહિ! રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાયેલા હતાં પણ આ પાણીમાં કપડાં પલળી જવાની ચિંતા કર્યા વગર વરસાદને એન્જોય કરતા કરતા ચાલવાની મજા ક્યારેક માણી જો જો!

રીક્ષામાં બેઠો અને તેમાં પણ વરસાદની વાંછટ મને ભીંજવી રહી! બાજુમાં પૂર ઝડપે ચાલી રહેલા વાહનના પૈડા દ્વારા રસ્તા પરનું ગંદુ પાણી ઉડી મારા પર આવી રહ્યું હોવા છતાં આજે એ મારા મૂડને બગાડી શકે એમ નહોતું! રીક્ષામાં બેઠા બેઠા બેત્રણ વરસાદી ટ્વીટ્સ ટ્વીટર ઉપર કરી નાંખ્યા! ભીના ભીના મોસમમાં મોબાઈલ પર વરસાદી ગીતોની મજા માણતા માણતા પ્રવાસ કરવાની મજા પણ માણી!

ઓફિસ પહોંચ્યો તો ત્યાં પણ આજે ઘણાં કલીગ્સ હાજર નહોતાં. તે દિવસે ઓફિસમાં કામ કરવાનો અનુભવ કંઈક અલગ રહ્યો! ખાલી ખાલી ઓફિસમાં કામ કરવાની મજા તો આવે ભારે વરસાદી દિવસે માણી શકાય કાં પછી કોઈ બંધ વગેરે જાહેર થયો હોય ત્યારે! વરસાદતો દિવસ ભર પડતો રહ્યો.

સાંજે કેટલાક કલીગ્સ બિનજરૂરી પેનિક ફેલાવી રહ્યા હતાં. ટ્રેનો બંધ થઈ ગઈ છે, કેવી રીતે ઘેર પહોંચાશે?વગેરે વગેરે. મને સાંભળી વિચાર આવ્યો શું આવે વખતે ભાગાભાગી કરી રસ્તા પર ટ્રાફીકમાં વધારો કરવો યોગ્ય છે? તમે જલ્દી નિકળી જવા અથવા આવી પરિસ્થિતી ઉભી થાય ત્યારે ખૂબ મોડા નિકળો. વહેલા પરિસ્થિતી વણસી હોતી નથી અને મોડા પરિસ્થિતી થાળે પડી ચૂકી હોય છે! પણ જો તમે અધવચ્ચે, મોટા ભાગના લોકો આવે સમયે ઘેર પહોંચવા રઘવાટમાં દોટ મૂકે છે એમ, કસમયે ઓફિસમાંથી નિકળશો તો ચોક્કસ રસ્તામાં ભારે વરસાદ અથવા ટ્રાફીક અથવા ગાડીની ચિક્કાર ગિર્દીમાં ફસાઈ જશો! મારે રેડિયો પર ન્યુઝ વાંચવા જવાનું હોવાથી ઓફિસેથી સમયસર જ નિકળી જવું પડ્યું. હું વાંદ્રા સ્ટેશન પહોંચ્યો અને જોયું કે સ્ટેશન પર પણ લોકો ભારે ચિંતા અને રઘવાટમાં હતા. હાર્બર લાઈનમાં તો ટ્રેન સ્થગિત કરી દેવાઈ હતી.મને વિચાર આવ્યો આવે સમયે જો તમારે હાર્બર લાઈનમાં જ પ્રવાસ કરી ઘેર પહોંચવાનું હોય તો શું થઈ શકે? ઘણું ઘણું થઈ શકે! ચિંતા મૂકી નજીકમાં આવેલા મોલમાં શોપિંગ કરવા જતા રહો! (વાંદ્રામાં શોપર્સ સ્ટોપ કે લિંકિંગ રોડ પર આવેલી દુકાનો સ્ટેશનથી ચાલતા જઈ શકાય એટલા અંતરે જ આવેલી છે!) કે નજીક આવેલ કોઈ મંદિર કે ફરવાના સ્થળે પહોંચી જાવ (વાંદ્રામાં જરીમરી મંદિર,વાંદ્રા તળાવ,બેન્ડસ્ટેન્ડ કે મધર મેરી ચર્ચ જઈ શકાય!). ઘેર ફોન કરી પરિવાર જનો ને જણાવી દેવું કે મારી કોઈ ચિંતા કરતા નહિં - હું સુરક્ષિત છું અને રોજ રૂટીનમાં ન મળતો હોય એવો આ પ્રકારનો અણધાર્યો મોકો ઝડપી લો અને કંપની ન હોય તો ક્યારેક આવી પરિસ્થિતી ઉભી થાય ત્યારે એકલા પણ ફરવા જઈ શકાય! બે ત્રણ કલાક આમતેમ પસાર કરી ફરી સ્ટેશને આવી જાવ! ગાડીઓ ચાલુ થઈ ગઈ હશે!  તમે બે-ત્રણ કલાક ફરી આવો કે શોપિંગ કરી આવો ત્યાર બાદ પણ ટ્રેન ચાલુ ન થઈ હોય તો? તો પણ ફિકર નોટ! જુઓ કોઈ સંબંધી કે મિત્રનું ઘર નજીકમાં છે?ત્યાં પહોંચી જાવ! કોઈ સંકટ સમયે મદદે આવવાની ના ન જ પાડે! ત્યાં રાત રોકાઈ જાવ! ઘણી ખરી ઓફિસમાં રાત રોકાઈ શકાય એવી વ્યવસ્થા પણ હોય છે.એ પણ એક ઓપ્શન અમલમાં મૂકી શકાય. પણ પેનિકમાં આવવું નહિ ને બીજાને પેનિકમાં મૂકવા નહિ! આ ફિલોસોફી અપનાવીએ તો બધાં સુખી!! મારા તો નસીબમાં આવું નહિ હોય એટલે વેસ્ટર્ન લાઈનની ગાડીઓ મોડી મોડી પણ ચાલુ જ હતી (!) અને મેં રેડિયોની ડ્યુટી પણ પતાવી અને રાતે સમયસર ઘરે પણ પહોંચી ગયો! :(

જોકે વરસાદી એવો આ દિવસ મેં મનભરીને માણ્યો!

ગુરુવાર, 1 જુલાઈ, 2010

મોસમના પહેલા વરસાદમાં નાહ્યા કે નહિં?

તમે કદી મોસમના પહેલા વરસાદમાં નાહ્યાં છો? કદાચ એ ન કર્યુ હોય તો ક્યારેક જાણી જોઇને કે સંજોગવશાત મૂશળધાર વરસાદમાં પલળ્યા છો?આ એક એવો અનેરો આનંદ છે જે તમે જાતે અનુભવીને જ માણી કે સમજી શકો!
દર વર્ષે હું મોસમના પહેલા વરસાદમાં નહાવાનું ચૂકતો નથી.એ રોમાંચક અનુભવની લાગણી આહલાદક હોય છે.ગરમીથી તપ્ત શરીર અને મન બન્ને મોસમના પહેલા વરસાદના અમી છાંટણામાં પલળી અનેરી શાંતિ અને અનુપમ સુખની અનુભૂતિ કરે છે.ત્યારે વાતાવરણમાં પ્રસરી જતી ભીની માટીની ફોરમ પણ ગરમીથી ત્રાસેલા અને થાકેલા મનને હળવું અને તાજગીથી તરબતર કરવામાં મોટો ફાળો આપે છે.હા, પહેલા વરસાદમાં છાપરા પર કે ધાબા પર જમા થયેલી ધૂળ-કચરો વગેરે પણ ધોવાઈને પાણીના રચાતા નેવા ભેગા વહેતા હોવાથી પહેલા વરસાદમાં નેવા નીચે ઉભા રહી નહાવું ટાળી શકાય પણ બાળકોને તો ક્યાં ગંદકી-સ્વચ્છતા જેવા ભેદભાવમાં રસ હોય છે?તેઓ તો નેવા નીચે ઉભા રહી શરીર ગંદુ થતુ હોવા છતાં પહેલા વરસાદની મજા ભરપૂર માણે છે!આપણે ય ક્યારેક ફરી બાળક જેવા બની જઈ મનભરીને વરસાદમાં પલળવાનું સુખ માણવું જોઇએ.
આ વખતે પહેલો વરસાદ અડધી રાતે પડ્યો હોવાથી તેમાં નાહવાની મજા ચૂકી જવાઈ.આ વખતે તો વરસાદ અહિં મુંબઈમાં શરૂઆતથી જ જામી પડ્યો.એક-બે દિવસના વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા.સુખદ સમાચાર તો એ વાંચ્યા કે પ્રથમ કેટલાક ઝાપટાંમાં જ મુંબઈના જળાશયોમાં પા ભાગનો પુરવઠો ભરાઈ રહ્યો એટલે આવતા વર્ષે પાણીકાપ નહિં મૂકાય!અને અહિં તો વરસાદ છેલ્લા થોડા દિવસોમાં નિયમિત પડતો જ રહ્યો છે.પણ અહિં કરતા વિપરીત પરિસ્થિતી ગુજરાતમાં જોવા મળી.ત્રણ દિવસ માટે હું મહેસાણા જઈ આવ્યો એવી આશા સાથે કે મુંબઈના વરસાદને હું મારા ભેગો ત્યાં લઈ જઈશ!પણ મારી એ આશા ઠગારી નિવડી.ત્યાં હજી ઉનાળાની ત્રાહિમામ પોકારાવતી ગરમી અને બળબળતી બપોરો યથાવત જ છે.ફક્ત રાતે ધાબે જઈને સુવાની ત્યાં ખૂબ મજા પડી.ગુજરાતવાસીઓનું આ ધાબે સુવાનું સુખ આપણને મુંબઈ ગરાઓને ઇર્ષ્યા અપાવે એવું હોય છે!રાતે ધાબા ઉપર ઠંડી ઠંડી હવાની લહેરખીઓ મન બહેલાવતી રહી આમછતાં ત્રણમાંથી એકેય રાત ત્યાં વરસાદ તો ન જ પડ્યો.અને જેવો મેં પાછા ફરી અહિં મુંબઈમાં પગ મૂક્યો કે ફરી અહિં તો બધું ભીનું ભીનું જ જોવા મળ્યું!
એકાદ-બે દિવસ પહેલા એક સાંજે હું ઓફિસેથી પાછો ફરી રહ્યો હતો.ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.રસ્તામાં મારી નજર એક ઘરના ઉંબરે બેઠેલ બાળક ઉપર પડી.એની આંખોમાં જે વિસ્મય જોયું એણે મને વિચાર કરતો કરી મૂક્યો.શું મને પણ વરસાદ એટલો જ વિસ્મયકારી આજે લાગે છે?ઉંમર સાથે પાકટતા આવતા આવા કેટકેટલા વિસ્મયો આપણે ગુમાવી બેસતા હોઇએ છીએ!એ બાળકની નિર્દોષ ભાવવાહી આંખોએ મને પણ બાળક બનાવી મૂક્યો!મને પણ ફરી આજે વર્ષો બાદ વરસાદના પાણીના ખાબોચિયામાં છબછબિયા કરવાનું મન થઈ ગયું!મને પણ કાગળની હોડી બનાવી વરસાદના પાણીની ધારાઓમાં તેને તરતી મૂકી દૂર દૂર વહી જતી જોવાની તીવ્ર ઇચ્છા થઈ ઉઠી! આખરે આ મોસમનો પહેલો વરસાદ ન માણ્યો હોઈ તથા અત્યાર સુધી આ મોસમના એક પણ વરસાદમાં નાહ્યાના સુખની અનુભૂતિ ન કરી હોઈ આજે તો મેં નાહી જ નાંખવાનું નક્કી કર્યું! કોઈને નહિં ...વરસાદમાં નાહી નાખવાનું..!અને પહેલા વરસાદમાં નાહ્યા જેવી જ મજા મેં તે દિવસે સાંજે માણી લીધી. મારા ઘરના છાપરા પરથી પડી રહેલા વરસાદના પાણીના નેવાને મોઢા પર ઝીલવાનો અવર્ણનીય આનંદ કોઈ ડુંગરેથી પડી રહેલા ધોધને મોઢા પર ઝીલવાના આનંદથી જરાય ઓછો નહોતો!ત્યાં બાજુમાં દેડકાનું ડ્રાઉં ડ્રાઉં સંભળાયું અને પગે લીસા લીસા સ્પર્શનો અનુભવ થયો તે અળસિયું નીકળ્યું!લાંબા સમય સુધી મેં આ વર્ષાસ્નાનનો આનંદ પેટભરીને માણ્યો. તમે આ મોસમના એકેય વરસાદમાં ન નાહ્યા હોવ તો હજી પણ મોડું થયું નથી!
તમે હજી આ મોસમના એક પણ વરસાદમાં ન નાહ્યા હોવ તો હજી મોડું થયું નથી...!

રવિવાર, 20 સપ્ટેમ્બર, 2009

ઢૂંઢીયા માતા

પ્રકૃતિનો હું પ્રેમી અને પ્રકૃતિનાં દરેક સુંદર સ્વરૂપ ને હું ખૂબ ચાહું. તેમાંનો એક વરસાદ! (હા....!હું વરસાદને પણ પ્રકૃતિ નું એક 'સુંદર' સ્વરૂપ' ગણું છું) મને વર્ષાની ઝડીઓ ખૂબ ગમે છે અને વરસાદ પડવાનો હોય ત્યારનું વાતાવરણ .....પ્રથમ વરસાદ ગરમીથી તપ્ત ધરાને ભીંજવે ત્યારે માટીમાંથી ઉદ્દભવતી ભીની સોડમ માદક ભાસે છે. મને વાદળાં ખૂબ ગમે છે, મેઘધનુષ્ય પણ અતિ પ્રિય છે અને ખીલેલી એ સોનેરી સંધ્યા (વર્ષાઋતુ પહેલાંની સાંજ જેમાં પીળાશપડતાં કેસરી રંગનુ સામ્રાજ્ય ફેલાઈ જાય છે ત્યારે અમે સંધ્યા 'ખીલી' એમ કહીએ!) અને સુસવાટાભેર વાતા પવન જે ચોમાસા ને સાથે લઇ આવે છે...આ બધું મને અનહદ પ્રિય છે.

આમ છતાં કેટલાંક એવા પણ લોકો હોય છે જેમને વર્ષાઋતુ સમયે વાતાવરણમાં એક પ્રકારની ઉદાસીનતા કે ગ્લાનિનો અનુભવ થાય છે તો વળી કેટલાક બીજા ચોખલિયાઓને વરસાદમાં રસ્તા પર ,ઘરોમાં બધે જે પાણી-પાણી થઇ જતું હોય છે, તે નથી ગમતું. કાદવ તો જોકે મને પોતાનેય પસંદ નથી! જ્યાં જાઓ ત્યાં છ્ત્રી કે રેઇનકોટ લઇ જવાં, ઘણાંને ભારરૂપ લાગે છે આમ છ્તાં ઉનાળાની ભંયકર ગરમી થી ત્રાહીમામ પોકારી રહેલું ભાગ્યેજ કોઈ હશે, જે ન ઇચ્છે કે વર્ષાઋતુ નું જલ્દીમાં જલ્દી આગમન થાય! બધાં કાળઝાળ ગરમીમાંથી મુક્તિ ઇચ્છે છે. દર વર્ષે શિયાળામા વધુ ને વધુ ઠંડી અને ઉનાળામાં વધુ ને વધુ ગરમી પડ્તાં જાય છે.ચોમાસામાં આ હિસાબે વર્ષા પણ વધુ ને વધુ પડવી જોઈએ તેમ છતાં આ વર્ષે વરસાદની અનિયમિતતા એવી તો રહી છે કે દેશભરમાં દુષ્કાળ જેવી પરિસ્થિતી નું નિર્માણ થયું છે. હમણાં જ વર્તમાનપત્રોમાં તસ્વીરો સાથે પાણીના પીપડાંઓમાં વર્ષાને રીઝવતા દ્સ-બાર સાધુઓના પ્રાર્થના-યજ્ઞના અહેવાલ વાંચ્યા અને મને વર્ષાઋતુ તેમજ વરસાદ ને રીઝવવા માટે કરાતા પ્રયત્નો સાથે જોડાયેલી એક બાળપણની યાદ તાજી થઇ ગઈ!

અમારા પાડોશમાં આજથી વીસેક વર્ષ પહેલાં એક વૃધ્ધા પોતાના પરિવાર સાથે રહેતાં જેમને લોકો 'પ્રભામાસી' કહી સંબોધતાં. તેઓ સ્વભાવે ખૂબ કડક અને આખાબોલા. તોફાન કે ઘોંઘાટ મચાવતાં બાળકોને તતડાવી મૂકે અને તેથી બધાં તેમનાથી ખૂબ ડરે! પણ પ્રભામાસીએ જ અમને વારસાદ ને રીઝવવાની એક પરંપરાગત રૂઢી થી પરિચિત કરાવ્યાં હતાં એ રૂઢી આજે વીસેક વર્ષ બાદ પણ મારા સ્મૃતિપટ પર તાજી છે. મે મહિનો આવે અને અમારી શાળામાં વેકેશન ચાલતું હોય ત્યારે એકાદ બપોરે પ્રભામાસી અમને બાળકોને ભેગા કરે અને થોડી લાલ માટી લઇ આવવાની સૂચના આપે. થોડું પાણી, બે સફેદ નાની ગોળ કાંકરીઓ અને થોડું પાણી આ બધું લઇ અમે એક ગોળાકારમાં બેસીએ. આ માટી અને પાણી નો ઉપયોગ કરી પ્રભામાસી તૈયાર કરે એક બેઠી દડીની માતાજીની મૂર્તિ, જેમનું નામ ' ઢૂંઢીયા માતા’. ઢૂંઢીયા માતા એટલે વરસાદના દેવી. પ્રભામાસી કંઈ મોટા કારીગર નહોતા એટલે માટીની, બેઠેલા દેવીની એ મૂર્તિ કંઈ મહાન શિલ્પસમી સુંદર કે સુર્દઢ આકારવાળી ન બનતી. આમ છતાં એ મૂર્તિ ખૂબ પ્યારી અને દૈવી લાગતી. બે સફેદ મોટી ગોળ કાંકરી ને ઢૂંઢીયા માતાની આંખો તરીકે બેસાડવામાં આવતી. ઉપસેલું નાક અને નાનકડાં ખાડા દ્રારા મોં બનાવી ઢૂંઢીયા માતાનું મુખ તેમજ નાનકડા બે હાથ અને નાનકડા બે પગ પ્રભામાસી પળવાર માં બનાવી કાઢતાં. ઢૂંઢીયા માતા ને પથ્થરની એક લાદી પર બેસાડી એકાદ ભીંત ને ટેકે આરૂઢ કરાવવામાં આવતાં . તેમને સુંદર મજાની લાલ-લીલી ચુંદડી ઓઢાડાતી અને પ્રભામાસી ઢૂંઢીયા માતા ને કંકુનો સરસ ચાંદલોય કરતા અને ચોખાનાં થોડા દાણાં ચઢાવતાં. અમે બધાં બાળકો કૂતુહલ પૂર્વક આ ઢૂંઢીયા માતા ના નિર્માણ અને સ્થાપનાની વિધી નિહાળતાં. મારા ઘરની બરાબર સામે ઢૂંઢીયા માતા બિરાજમાન કરાવવામાં આવતાં. માન્યતા એવી હતી કે રોજ ઢૂંઢીયા માતાની આ મૂર્તિ પર એકાદ લોટો પાણી બધાએ ચઢાવવું. જો ઢૂંઢીયામાતા રીઝે તો વરસાદ જલ્દી અને સારા પ્રમાણમાં આવે. આખરે 'ઢૂંઢીયા માતા' વરસાદના દેવી હતા ને! દિવસમાં બે-ચાર વખત અમે નિયમિત રીતે ઢૂંઢીયામાતા પર જલાભિષેક કરી તેમને વરસાદ જલ્દી મોકલવા રીઝવતાં, પ્રાર્થના કરતાં. અમારે બાળકો ને આ એક રમત જેવુ હતું. અમને ખૂબ મજા પડતી. ધીમે ધીમે ઢૂંઢીયામાતાનું માટીમાંથી બનાવેલું શરીર અભિષેક દ્રારા ચઢાવાયેલા પાણીમાં ક્ષીણ થતું જતું. દિવસો વીતતા તેમના માથા પર ચઢાવતાં પાણીમાં તેમનાં નાનકડા હાથ-પગ અને શરીર ઓંગળતાં જતાં. છેવટે ઢૂંઢીયામાતા સંપૂર્ણ ઓગળી જાય એ પહેલાં વર્ષારાણી અચૂક આવી ચઢતાં અને ઢૂંઢીયામાતાનાં છેલ્લા બચેલાં અવશેષ તેમજ ચુંદડી, વર્ષા ના એ જલમાં વહી જતાં. આમ કુદરતી રીતે જ ઢૂંઢીયામાતાનું વિસર્જન થઈ જતું. મને હજી એ યાદ છે કે કઈ રીતે હું વરસાદની ઝડીઓમાં પલળતા ઢૂંઢીયામાતાની મૂર્તિ ને મારા ઘરની બારીમાંથી એકીટશે જોઈ રહેતો. છેવટે ઢૂંઢીયામાતાનું આખું શરીર ઓગળી જતાં પેલી ચુંદડી જ પથ્થરની લાદી પર બાકી રહેતી. થોડાં સમય બાદ એ પણ વર્ષાની ધારાઓથી બનતાં જલપ્રવાહો માં દૂર દૂર વહી જતી. શરૂઆતનાં કેટલાક વર્ષો સુધી પ્રભામાસી ઢૂંઢીયામાતાની મૂર્તિ બનાવતાં. પછી મેં તેમની આ પરંપરા નો વારસો સંભાળી લીધો અને યુવાન થયો ત્યાં સુંધી કેટલાક વર્ષો સુંધી મેં નિયમિત રીતે ઢૂંઢીયામાતાની મૂર્તિ બનાવવી ચાલુ રાખી. એ તો ખબર નથી ઢૂંઢીયામાતા જ વરસાદ ને જલ્દી અને સારા પ્રમાણ માં લાવતા કે નહીં, પણ અમે બધાં બાળકો ચોક્કસપણે એમ જ માનતાં અને શ્નધ્ધા તેમજ ભાવપૂર્વક ઢૂંઢીયામાતા ને માથે પાણી ચઢાવવાની વીધી ઉત્સાહપૂર્વક પાળતાં.

આજના કોમ્પ્યુટર ગેમ્સ રમતાં બાળકો આવી પ્રવૃત્તિ કરી શકે ખરાં? આજે ભણવાનું તેમજ ઈતર પ્રવ્રુતિઓનું મહત્વ પણ એટલી હદે વધી ગયું છે કે બાળકોને સમય જ ક્યાં મળે છે? હું વિચારું છું આ વર્ષે હું ફરી પાછા ઢુંઢીયામાતા બનાવું. આ બ્લોગ લખી તરત આ વિચાર ને અમલમાં મૂકીશ એમ નક્કી કરું છું કારણ આ વર્ષે વરસાદ પાછો ખેંચાયો છે અને પાણીકાપના તેમજ દુકાળ ના ભણકારા વાગી રહ્યાં છે એવામાં જો ઢૂંઢીયામાતા ભરપૂર વરસાદ ફરી પાછો લઈ આવવાની મહેરબાની કરે તો કેટલું સારું !