Translate

રવિવાર, 20 સપ્ટેમ્બર, 2009

ઢૂંઢીયા માતા

પ્રકૃતિનો હું પ્રેમી અને પ્રકૃતિનાં દરેક સુંદર સ્વરૂપ ને હું ખૂબ ચાહું. તેમાંનો એક વરસાદ! (હા....!હું વરસાદને પણ પ્રકૃતિ નું એક 'સુંદર' સ્વરૂપ' ગણું છું) મને વર્ષાની ઝડીઓ ખૂબ ગમે છે અને વરસાદ પડવાનો હોય ત્યારનું વાતાવરણ .....પ્રથમ વરસાદ ગરમીથી તપ્ત ધરાને ભીંજવે ત્યારે માટીમાંથી ઉદ્દભવતી ભીની સોડમ માદક ભાસે છે. મને વાદળાં ખૂબ ગમે છે, મેઘધનુષ્ય પણ અતિ પ્રિય છે અને ખીલેલી એ સોનેરી સંધ્યા (વર્ષાઋતુ પહેલાંની સાંજ જેમાં પીળાશપડતાં કેસરી રંગનુ સામ્રાજ્ય ફેલાઈ જાય છે ત્યારે અમે સંધ્યા 'ખીલી' એમ કહીએ!) અને સુસવાટાભેર વાતા પવન જે ચોમાસા ને સાથે લઇ આવે છે...આ બધું મને અનહદ પ્રિય છે.

આમ છતાં કેટલાંક એવા પણ લોકો હોય છે જેમને વર્ષાઋતુ સમયે વાતાવરણમાં એક પ્રકારની ઉદાસીનતા કે ગ્લાનિનો અનુભવ થાય છે તો વળી કેટલાક બીજા ચોખલિયાઓને વરસાદમાં રસ્તા પર ,ઘરોમાં બધે જે પાણી-પાણી થઇ જતું હોય છે, તે નથી ગમતું. કાદવ તો જોકે મને પોતાનેય પસંદ નથી! જ્યાં જાઓ ત્યાં છ્ત્રી કે રેઇનકોટ લઇ જવાં, ઘણાંને ભારરૂપ લાગે છે આમ છ્તાં ઉનાળાની ભંયકર ગરમી થી ત્રાહીમામ પોકારી રહેલું ભાગ્યેજ કોઈ હશે, જે ન ઇચ્છે કે વર્ષાઋતુ નું જલ્દીમાં જલ્દી આગમન થાય! બધાં કાળઝાળ ગરમીમાંથી મુક્તિ ઇચ્છે છે. દર વર્ષે શિયાળામા વધુ ને વધુ ઠંડી અને ઉનાળામાં વધુ ને વધુ ગરમી પડ્તાં જાય છે.ચોમાસામાં આ હિસાબે વર્ષા પણ વધુ ને વધુ પડવી જોઈએ તેમ છતાં આ વર્ષે વરસાદની અનિયમિતતા એવી તો રહી છે કે દેશભરમાં દુષ્કાળ જેવી પરિસ્થિતી નું નિર્માણ થયું છે. હમણાં જ વર્તમાનપત્રોમાં તસ્વીરો સાથે પાણીના પીપડાંઓમાં વર્ષાને રીઝવતા દ્સ-બાર સાધુઓના પ્રાર્થના-યજ્ઞના અહેવાલ વાંચ્યા અને મને વર્ષાઋતુ તેમજ વરસાદ ને રીઝવવા માટે કરાતા પ્રયત્નો સાથે જોડાયેલી એક બાળપણની યાદ તાજી થઇ ગઈ!

અમારા પાડોશમાં આજથી વીસેક વર્ષ પહેલાં એક વૃધ્ધા પોતાના પરિવાર સાથે રહેતાં જેમને લોકો 'પ્રભામાસી' કહી સંબોધતાં. તેઓ સ્વભાવે ખૂબ કડક અને આખાબોલા. તોફાન કે ઘોંઘાટ મચાવતાં બાળકોને તતડાવી મૂકે અને તેથી બધાં તેમનાથી ખૂબ ડરે! પણ પ્રભામાસીએ જ અમને વારસાદ ને રીઝવવાની એક પરંપરાગત રૂઢી થી પરિચિત કરાવ્યાં હતાં એ રૂઢી આજે વીસેક વર્ષ બાદ પણ મારા સ્મૃતિપટ પર તાજી છે. મે મહિનો આવે અને અમારી શાળામાં વેકેશન ચાલતું હોય ત્યારે એકાદ બપોરે પ્રભામાસી અમને બાળકોને ભેગા કરે અને થોડી લાલ માટી લઇ આવવાની સૂચના આપે. થોડું પાણી, બે સફેદ નાની ગોળ કાંકરીઓ અને થોડું પાણી આ બધું લઇ અમે એક ગોળાકારમાં બેસીએ. આ માટી અને પાણી નો ઉપયોગ કરી પ્રભામાસી તૈયાર કરે એક બેઠી દડીની માતાજીની મૂર્તિ, જેમનું નામ ' ઢૂંઢીયા માતા’. ઢૂંઢીયા માતા એટલે વરસાદના દેવી. પ્રભામાસી કંઈ મોટા કારીગર નહોતા એટલે માટીની, બેઠેલા દેવીની એ મૂર્તિ કંઈ મહાન શિલ્પસમી સુંદર કે સુર્દઢ આકારવાળી ન બનતી. આમ છતાં એ મૂર્તિ ખૂબ પ્યારી અને દૈવી લાગતી. બે સફેદ મોટી ગોળ કાંકરી ને ઢૂંઢીયા માતાની આંખો તરીકે બેસાડવામાં આવતી. ઉપસેલું નાક અને નાનકડાં ખાડા દ્રારા મોં બનાવી ઢૂંઢીયા માતાનું મુખ તેમજ નાનકડા બે હાથ અને નાનકડા બે પગ પ્રભામાસી પળવાર માં બનાવી કાઢતાં. ઢૂંઢીયા માતા ને પથ્થરની એક લાદી પર બેસાડી એકાદ ભીંત ને ટેકે આરૂઢ કરાવવામાં આવતાં . તેમને સુંદર મજાની લાલ-લીલી ચુંદડી ઓઢાડાતી અને પ્રભામાસી ઢૂંઢીયા માતા ને કંકુનો સરસ ચાંદલોય કરતા અને ચોખાનાં થોડા દાણાં ચઢાવતાં. અમે બધાં બાળકો કૂતુહલ પૂર્વક આ ઢૂંઢીયા માતા ના નિર્માણ અને સ્થાપનાની વિધી નિહાળતાં. મારા ઘરની બરાબર સામે ઢૂંઢીયા માતા બિરાજમાન કરાવવામાં આવતાં. માન્યતા એવી હતી કે રોજ ઢૂંઢીયા માતાની આ મૂર્તિ પર એકાદ લોટો પાણી બધાએ ચઢાવવું. જો ઢૂંઢીયામાતા રીઝે તો વરસાદ જલ્દી અને સારા પ્રમાણમાં આવે. આખરે 'ઢૂંઢીયા માતા' વરસાદના દેવી હતા ને! દિવસમાં બે-ચાર વખત અમે નિયમિત રીતે ઢૂંઢીયામાતા પર જલાભિષેક કરી તેમને વરસાદ જલ્દી મોકલવા રીઝવતાં, પ્રાર્થના કરતાં. અમારે બાળકો ને આ એક રમત જેવુ હતું. અમને ખૂબ મજા પડતી. ધીમે ધીમે ઢૂંઢીયામાતાનું માટીમાંથી બનાવેલું શરીર અભિષેક દ્રારા ચઢાવાયેલા પાણીમાં ક્ષીણ થતું જતું. દિવસો વીતતા તેમના માથા પર ચઢાવતાં પાણીમાં તેમનાં નાનકડા હાથ-પગ અને શરીર ઓંગળતાં જતાં. છેવટે ઢૂંઢીયામાતા સંપૂર્ણ ઓગળી જાય એ પહેલાં વર્ષારાણી અચૂક આવી ચઢતાં અને ઢૂંઢીયામાતાનાં છેલ્લા બચેલાં અવશેષ તેમજ ચુંદડી, વર્ષા ના એ જલમાં વહી જતાં. આમ કુદરતી રીતે જ ઢૂંઢીયામાતાનું વિસર્જન થઈ જતું. મને હજી એ યાદ છે કે કઈ રીતે હું વરસાદની ઝડીઓમાં પલળતા ઢૂંઢીયામાતાની મૂર્તિ ને મારા ઘરની બારીમાંથી એકીટશે જોઈ રહેતો. છેવટે ઢૂંઢીયામાતાનું આખું શરીર ઓગળી જતાં પેલી ચુંદડી જ પથ્થરની લાદી પર બાકી રહેતી. થોડાં સમય બાદ એ પણ વર્ષાની ધારાઓથી બનતાં જલપ્રવાહો માં દૂર દૂર વહી જતી. શરૂઆતનાં કેટલાક વર્ષો સુધી પ્રભામાસી ઢૂંઢીયામાતાની મૂર્તિ બનાવતાં. પછી મેં તેમની આ પરંપરા નો વારસો સંભાળી લીધો અને યુવાન થયો ત્યાં સુંધી કેટલાક વર્ષો સુંધી મેં નિયમિત રીતે ઢૂંઢીયામાતાની મૂર્તિ બનાવવી ચાલુ રાખી. એ તો ખબર નથી ઢૂંઢીયામાતા જ વરસાદ ને જલ્દી અને સારા પ્રમાણ માં લાવતા કે નહીં, પણ અમે બધાં બાળકો ચોક્કસપણે એમ જ માનતાં અને શ્નધ્ધા તેમજ ભાવપૂર્વક ઢૂંઢીયામાતા ને માથે પાણી ચઢાવવાની વીધી ઉત્સાહપૂર્વક પાળતાં.

આજના કોમ્પ્યુટર ગેમ્સ રમતાં બાળકો આવી પ્રવૃત્તિ કરી શકે ખરાં? આજે ભણવાનું તેમજ ઈતર પ્રવ્રુતિઓનું મહત્વ પણ એટલી હદે વધી ગયું છે કે બાળકોને સમય જ ક્યાં મળે છે? હું વિચારું છું આ વર્ષે હું ફરી પાછા ઢુંઢીયામાતા બનાવું. આ બ્લોગ લખી તરત આ વિચાર ને અમલમાં મૂકીશ એમ નક્કી કરું છું કારણ આ વર્ષે વરસાદ પાછો ખેંચાયો છે અને પાણીકાપના તેમજ દુકાળ ના ભણકારા વાગી રહ્યાં છે એવામાં જો ઢૂંઢીયામાતા ભરપૂર વરસાદ ફરી પાછો લઈ આવવાની મહેરબાની કરે તો કેટલું સારું !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો