Translate

રવિવાર, 23 ઑક્ટોબર, 2016

રવિવાર, 16 ઑક્ટોબર, 2016

એક અનોખા લગ્ન

જીવનમાં એક જ વાર થતા હોઈ લગ્નનું મહત્વ અદકેરું હોય છે.મોટા ભાગના લોકો લખલૂટ ખર્ચ કરી આ પ્રસંગને અન્ય અંજાઈ જાય એ રીતે ધામધૂમથી ઉજવતા હોય છે.હજારો લોકોને આમંત્રણ અપાય છે.જાતજાતના વસ્ત્રો,ખોરાક,બેન્ડબાજા,બારાત,દેખાડો અને ઘોંઘાટ લગ્નોની ઓળખ બની ગયા છે એવા સમયમાં કેટલાક એવા પણ લોકો છે જેઓ પોતાના જીવનનો આ ખાસ પ્રસંગ અતિશય હટકે રીતે ઉજવવામાં માનતા હોય છે. આવા જ એક જુદી રીતે ઉજવાયેલા લગ્નની આજે આ બ્લોગ થકી વાત કરવી છે.
નાસિક નિવાસી પર્યાવરણવિદ અને સામાજીક કાર્યકર્તા રમેશ ઐયરની પુત્રી પૂર્ણિમા ઐયરના લગ્ન ૧૧મી જુલાઈ ૨૦૧૬ના દિવસે રાજેવાડી નામના નાકડા ગામમાં ઉત્સવ સાથે ઉજવાઈ ગયા. આ ઉત્સવ જોકે અનેરો અને નોખો હતો કારણ એમાં બેન્ડબાજાનો ધ્વનિ પ્રદૂષણ ફેલાવતો ઘોંઘાટ નહોતો કે ન તો એમાં વાતાવરણ ને પ્રદૂષિત કરનાર ફટાકડા નહોતા ફોડવામા આવ્યાં. પણ આ તો એક અસામાન્ય અને હરીત ઉત્સવ હતો જેમાં આખા ગામના દરેક ઘરને ભોજન સાથે એક એક વૃક્ષ નો રોપો આપવામાં આવ્યો હતો જે ગ્રામવાસી એવા આ આદિવાસીઓએ ઉત્સાહ ભેર રોપ્યો અને નવવધૂ તેમજ વરરાજાને ગાદલું ભરી આશિર્વાદ આપ્યાં!
દક્ષિણ ભારતીય પૂર્ણિમા ઐયરના લગ્ન મહારાષ્ટ્રીયન યુવક જગન્નાથ સાથે આમતો એક ખાનગી સમારંભ સાથે યોજાયા જેમાં બંને પક્ષના મળીને માત્ર ૭૫ લોકોએ હાજરી આપી. રમેશજી કહે છે તેમના પોતાના લગ્નમાં તો હાજર રહેલ સંબંધી-મિત્રોનો આંક માત્ર ૬૦ હતો,એના કરતા તો પૂર્ણીના લગ્નમાં વધુ લોકો હાજર રહ્યાં!
દહેજની પ્રથાના વિરોધી રમેશજીએ પૂર્ણિમા અને જગન્નાથને એક ખાસ ભેટ આપી.દહેજના રૂપિયા નહિ પણ તેના કરતાં કંઈ કેટલીયે વધુ કિંમત ધરાવતી - ખરું જુઓ તો જેની કિંમત જ આંકી ન શકાય એવી અમૂલ્ય ભેટ - એક રૂપિયા થી માંડી હજાર રૂપિયા સુધીની દરેક કિંમતની, લગ્નતિથી નંબર તરીકે ધરાવતી ચલણી નોટો પૂર્ણિમા અને જગન્નાથના ફોટા સાથે ફ્રેમમાં મઢી ખાસ તૈયાર કરેલી અમૂલ્ય ફોટોફ્રેમ.
રમેશજી ન્યુમિસ્મેટીસ્ટ એટલેકે ચલણીસિક્કાઓનો સંગ્રહના શોખીન છે અને તેથી તેમણે ખાસ રીતે આ બધી, સરખો લગ્નતારીખ વાળો નંબર ધરાવતી નોટો મેળવી અને આ યાદગાર મહામૂલી ભેટ તૈયાર કરી જે તેમના સંતાન ક્યારેય ભૂલી શકશે નહિ!
નાસિકના એચ.આર.ડી. સેન્ટર ખાતે સંપૂર્ણ મહારાષ્ટ્રીયન શૈલીમાં યોજાયા હતાં પૂર્ણિમાના લગ્ન  પણ એમાં ભોજન પૂર્ણ દક્ષિણ ભારતીય શૈલીનું હતું! આ જગાની વિશેષતા એ હતી કે અહિ દરેક કોટેજના નામ ઝાડ પરથી છે. નીમ કોટેજ, ગુલમહોર કોટેજ વગેરે.અહિ મહેમાનોને ઉતારો અપાયો હતો.આખી જગા હરીયાળીથી આચ્છાદિત.રમેશજી તથા તેમનો આખો પરીવાર પ્રકૃતિપ્રેમી હોવાથી લગ્ન સ્થળ તરીકે આ જગાની પસંદગી કરાઈ હતી.
ઐયર સાહેબના મોજીલા સ્વભાવ અને બહોળા કાર્યવ્યાપને લીધે આમતો તેમનું મિત્રવર્તુળ અને ઓળખીતા મહાનુભાવોનું લિસ્ટ ઘણું લાંબુ, પણ સાદી વિધિ દ્વારા સંપન્ન થયેલા દિકરીના વિવાહમાં તેમણે માત્ર કુટુંબના સાવ નજીકના ખાસ લોકોને જ આમંત્ર્યા હતા. કારણ ઐયર પરીવારની એ પરંપરા છે કે તેઓ ઝાકઝમાળ ભર્યા ભપકાને બદલે દરેક પ્રસંગ સાદાઈથી ઉજવે છે અને બચેલા પૈસા કોઈક સદકાર્યમાં વાપરે છે. આથી નાસિકમાં લગ્નવિધિ બાદ તેની ઉજવણીમાં વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે એ હેતુથી તેની ઉત્સવ સમાન ઉજવણી રાજેવાડી ગામમાં કરવામાં આવી. પૂર્ણિમાના લગ્ન પ્રસંગે રાજેવાડીના ગ્રામવાસીઓને પેરુ, આંબો, સીતાફળ વગેરે જેવા ફળ આપતાં કુલ ૬૦૦ ફળોના ઝાડના રોપા ભેટમાં અપાયા અને લગ્નને દિવસે જ ગામમાં નાનો એવો સરસ સમારંભ પણ યોજાયો જેમાં દરેક ગ્રામવાસી ધરાઈને જમ્યાં. ઐયર પરીવારે આ સાથે ગામમાં ઉઘડનારી એક શાળા માટે મોટી રકમનું દાન આપ્યું.
રાજેવાડી પર પસંદગીનો કળશ ઢોળવાનું કારણ એ છે કે આ ગામ રમેશજી અને તેમના પરીવારે દત્તક લીધું છે. રમેશજી GIVE (Get Involved in Village Improvement) નામનો એક એન.જી.ઓ પણ ચલાવે છે જેના હેઠળ તેમના પરીવારના અન્ય સભ્યો રાજેવાડી ગામમાં જ નાના મોટા પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા છે. આ વિશે વધુ વાતો અન્ય બ્લોગપોસ્ટમાં કરીશું.
રમેશજીના પત્ની ઉમા પણ હોંશભેર પતિન આ યગ્ન કાર્યમાં ખડેપગે યોગદાન આપે છે.પૂર્ણિમાના લગ્ન વખતે રમેશજીની તબિયત થોડી નાદુરસ્ત થઈ જતા ૬૦૦ રોપા તૈયાર કરવાનું પૂરું કામ ઉમાજીએ તેમના હાથે પાર પાડ્યું હતું.
હાલમાં તેમના ઘેર કુલ સાત કૂતરા અને એક ટીટોડી પક્ષી તેમના પરીવરનો હિસ્સો બનીને સાથે રહી રહ્યાં છે.ટીટોડી માંદી હોવાથી તેને ઇન્જેક્ષન વગેરેથી ખવડાવવાનું-પીવડાવવાનું કામ રમેશજી અને ઉમાજી ખંત અને હોંશથી કરે.થોડા દિવસ બાદ સાજું થઈ જશે એટલે ટીટોડી પક્ષી તો જતું રહેશે પણ તેના સ્થાને અન્ય કોઈ પક્ષી આવી જશે!કૂતરાઓ પણ એ મહેમાન પક્ષીને કોઈ પ્રકારની હેરાનગતિ પહોંચાડતા નથી.
આમતો પૂર્ણિમા અને તેનો વર જગન્નાથ બંને આઈ.ટી.એન્જિન્યર્સ છે અને પુણે ખાતે રહે અને ફુલટાઈમ જોબ કરે છે.પણ તેઓ બંને પણ નિસર્ગ સાથે રમેશજી જેટલો જ લગાવ અને ઘરોબો ધરાવે છે.પૂર્ણિમા પ્રોફેશનલ ડોગ ટ્રેઈનર એન્ડ બિહેવીયરીસ્ટ છે.મુંબઈમાં શિરીન મર્ચન્ટ નામના નિષ્ણાત પાસેથી આ અંગેની ખાસ તાલીમ લઈ પૂર્ણિમાએ આજ સુધી અનેક શિખાઉ યુવક-યુવતિઓને પણ આવી જ ટ્રેઈનિંગ આપી તૈયાર કર્યા છે.

પિતાની લાગણીને માન આપતા અને પોતે પણ એ જ પ્રકારની જીવનશૈલી ગુજારતી પૂર્ણિમાએ આથી જ આવા અસામાન્ય, હટકે અને હરીત લગ્ન કર્યાં અને એક નવો ચીલો ચાતર્યો.

શનિવાર, 15 ઑક્ટોબર, 2016

ગેસ્ટ બ્લોગ : ગાંધીજીના મણિભવન પરના બ્લોગ વિશે પ્રતિભાવ

           ગાંધીજયંતિ નિમિત્તે આ કટારમાં પ્રકાશિત થયેલો તમારો મણિભવન પરનો લેખ વાંચ્યો. હું તમારા દરેક લેખ નિયમિત વાંચુ છું. તમે જ્યારે તમારી નાનકડી દિકરી નમ્યા સાથે મણિભવન ગયા અને આ ઇમારત વિશેની તમરા મન પર પડેલી છાપ અને આ સમગ્ર અનુભવનું વર્ણન તમે જેટલી કુશળતા અને સરસ રીતે કર્યું છે તે વાંચીને હું આ પત્ર લખવા પ્રેરાઈ છું.
            હું એક નિવૃત્ત શિક્ષિકા/હેડમિસ્ટ્રેસ છું.શિક્ષિકા તરીકે મને પણ મારા વિદ્યાર્થીઓને જુદી જુદી સ્પર્ધાઓ માટે મણિભવન લઈ જવાનો મોકો મળ્યો છે.જ્યારે મેં પહેલી વાર આ મંદીરસમા મહાત્મા ગાંધીના નિવાસસ્થાન ને જોયું ત્યારે હું તેનાથી ઘણી પ્રભાવિત થઈ હતી,તેને જોઈ દંગ રહી ગઈ હતી.પણ આથીયે વધુ હું મારા પોતાના માટે એક શરમની - એક ભોંઠપની લાગણી અનુભવી રહી હતી.તમને થશે શા માટે?એનું કારણ એ છે કે ૧૯૬૫થી ૧૯૬૯ દરમ્યાન સતત ચાર વર્ષ સુધી હું ગ્રાન્ટ રોડ સ્ટેશનથી ચાલીને વિલ્સન કોલેજ જતી જ્યાં મેં મારું કોલેજનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. નાનાચોક થઈને જતી વેળાએ રોજ મારા માર્ગમાં લેબર્નમ રોડ આવતો જેના પર મણિભવનની આ સુંદર ઇમારત સ્થિત છે. અને મને તેના અસ્તિત્વની ખબર જ ન પડી! આથી મને શરમ અને ભોંઠપની લાગણી અનુભવાય છે. પણ જ્યારે મારી કારકિર્દી દરમ્યાન મારા વિદ્યાર્થીઓને લઈ ને અહિ આવવાનું થયું ત્યારે મેં આ ઇમારત જોઈ. પછી તો વર્ષોના વર્ષો સુધી નિયમિત રીતે મારે વિદ્યાર્થીઓને લઈને અહિ આવવાનું થયું હશે પણ મને લાગે છે હું હજી આ ઇમારતથી ધરાઈ નથી. મને વારંવાર અહિ આવવું ગમે છે.
            હું સદનસીબે મારી વિદ્યાર્થીનીઓ રહી ચૂકેલી મારી દિકરીઓ ને પણ મણિભવન સ્પર્ધામાં ભાગ લેવા માટે લઈ જઈ ચૂકી છું. ગયા વર્ષે અમેરીકામાં નોકરી કરતી મારી ભત્રીજીઓ ભારતની મુલાકાતે આવી ત્યારે હું તેમને પણ ખાસ મણિભુવન લઈ ગઈ હતી. તેઓ પણ એનાથી ખાસ્સી પ્રભાવિત થઈ હતી. તેમણે તેમને રસ પડેલા અને જેનાથી તેઓ પ્રભાવિત થયા એવા ઘણા મુદ્દાઓની નોંધ પણ પોતાની ડાયરીમાં ટપકાવી લીધી હતી. હું જાણું છું કે મુંબઈ દર્શન માટે વિદેશી અને ભારતીય પ્રવાસીઓને લઈ જતી બસનું મણિભવન એક મુલાકાત સ્ટોપ છે. પણ આપણી શાળાઓએ એવો નિયમ ઘડવો જોઇએ કે માત્ર સ્પર્ધક તરીકે ચૂંટેલા કેટલાક ચોક્કસ વિદ્યાર્થીઓને જ નહિ પરંતુ પોતાના દરેકેદરેક વિદ્યાર્થીને વર્ષમાં ઓછામાં ઓછી એક વાર આ સ્થળની મુલાકાતે લાવવા જોઇએ જેથી કુમળી અને કિશોર વયના બાળકો પર તેની સારી અસર પડે અને તેઓ ગાંધીજીના વિચારો અને જીવન શૈલી થી પરિચિત અને પ્રભાવિત થાય.
             આપણે જ્યારે લંડન જતા હોઈએ ત્યારે મેડમ ટ્યુસેડ્સના મ્યુઝિયમની મુલાકાત લેવા લાંબી લાંબી કતારમાં ઉભા રહેતા હોઇએ છીએ જ્યાં વિશ્વના મહાન નેતાઓ,રમતવીરો અને ફિલ્મી કલાકારોના મીણના પૂતળા જોવા મળે છે.અહિ મણિભવનમાં પણ લાક્ષણિક ચિત્રદ્રષ્ય મહાન રાષ્ટ્રપિતાના મહત્વના જીવન પ્રસંગોની સુંદર ઝાંખી કરાવે છે.આ સુંદર કલાત્મક કૃતિઓ મારી જાણમાં છે ત્યાં સુધી સુશીલા ગોખલે - પટેલે સર્જી છે જે વેક્સ મુઝિયમથી જરાયે કમ નથી.શું આપણે બધાએ આ અદભૂત જગાની મુલાકાત ન લેવી જોઇએ? દરેક મુંબઈકરને મારી વિનંતી છે કે આપણાં પોતાના મુંબઈ શહેરમાં આવેલ આ સંગ્રહસ્થાન અને ઐતિહાસિક ઇમારતની મુલાકત લેવાનું ચૂકશો નહિ. મેં તેને ઘણી મોડી જોઈ પણ અંગ્રેજીમાં કહ્યું છે ને 'બેટર 
લેટ ધેન નેવર' (કદાપિ નહિ કરતા મોડુ તો મોડુ સારું!)

-         આશા છાયા

રવિવાર, 2 ઑક્ટોબર, 2016

ગાંધીજીના મણિભવનની એક સુંદર પહેલ

આજે ગાંધીજયંતિ છે. મહાત્મા ગાંધીજીની જન્મતિથિ આટલા વર્ષો બાદ પણ આજે આપણે ઉજવીએ છીએ તેનું એક કારણ છે તેમના સિદ્ધાંતો અને વિચારધારા આપણે જીવંત રાખવા છે. આવો એક સંનિષ્ઠ પ્રયાસ કરે છે મણિભવન સંસ્થા. વર્ષો પહેલા એક સમયે મહાત્મા ગાંધી મુંબ ખાતે જ્યાં રહ્યા હતા સ્થળ , મકાન એટલે મુંબઇમાં ગામદેવી પોલીસ સ્ટેશન પાસે , ભારતીય વિદ્યા વન નજીક આવેલું મણિભવન. અહિ આજે ગાંધીજીની જીવનયાત્રાની ઝાંખી કરાવતું તેમજ તેમણે પોતે વાપરેલ ચરખો, પગરખાં, જેલવાસ દરમ્યાન તેમણે વાપરેલ વાડકો અને અન્ય ચીજ-વસ્તુઓ અને ગાંધીજીની તથા તેમને સાંકળતી અન્ય બાબતોની દુર્લભ જોવાલાયક તસવીરોનું એક સુંદર મ્યુઝિયમ છે. ગાંધીજીના તેમજ તેમની વિચારસરણી ને અનુસરતા પુસ્તકોની એક મોટી લાઇબ્રરી પણ છે. મહાત્મા ગાંધી અને તેમની જીવન યાત્રા અને વિચારધારામાં રસ ધરાવતા દરેક જણે સ્થાનની મુલાકાત અચૂક લેવા જેવી છે.
સંસ્થાની એક ખાસ પ્રવૃત્તિની વાત કરવી છે. જાણીતા ચાઇનીઝ તત્વચિંતક કોન્ફ્યુશિયસે કહ્યું હતું " જો તમારે એક વર્ષનું આયોજન કરવું હોય તો ચોખા વાવો,જો તમારે દસ વર્ષનું આયોજન કરવું હોય તો  ઝાડ વાવો પણ જો તમારે સો વર્ષનું આયોજન કરવું હોય તો બાળકોને શિક્ષણ આપો." ગાંધીજીના વિચારોને જીવંત રાખવા જરૂર છે તેમના વિષે બાળકો અને તેમને ભણાવનારા શિક્ષકોમાં તેમના વિચારો ફેલાવવાની, તેમના અંગે જાગૃતિ ફેલાવવાની. કાર્ય મણિભવન સંસ્થા એક ઉમદા પહેલ દ્વારા કેટલાક વર્ષોથી કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દર વર્ષે ગાંધી જયંતિ પહેલા પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે તેમજ તેમને ભણાવતા શિક્ષકો માટે આ સંઅસ્થા ગાંધીજીને લગતી સ્પર્ધાઓ યોજે છે.જુનિયર કે.જી.,સિનિયર કે.જી.ના બાળકોની એક શ્રેણી,પહેલા-બીજા ધોરણમાં ભણતા બાળકોની બીજી શ્રેણી એમ જુદી જુદી વયજૂથ મુજબ તેઓ આખી મુંબ​ઈની શાળાના અલગ અલગ ભાષામાં ભણતા બાળકો અને તેમના શિક્ષકોને આ સ્પર્ધાઓ માટે આમંત્રે છે.
વે બાળકો અને શિક્ષકો જ્યારે સ્પર્ધાઓ માટે તૈયારી કરે અને સ્પર્ધામાં ભાગ લેતી વખતે ગાંઅધીજી પરની કે તેમના વિચારોને લગતી વિતા ગાય કે વિષે વક્તવ્ય પ્રસ્તુત કરે ત્યારે પોતે તો એનાથી માહિતગાર અને પ્રભાવિત થાય છે સાથે એના પ્રચારક પણ બને છે અને સત્ય​,અહિંસા,સાદાઈ જેવા ગુણો પોતે પણ આચરતા થાય છે.
મારી દિકરી નમ્યા પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે તેની શાળાનું પ્રતિનિધિત્વ કરતી હોવાથી મને પણ તેની સાથે મણિભવન જવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ઓગષ્ટ માસમાં પ્રથમ રાઉન્ડ માટે અમે સાથે મણિભવન ગયા.આખી મુંબઇની બધી શાળાના બાળકો ત્યાં એકઠા થયા હતાં પોતપોતાના માતાપિતા કે શિક્ષકો સાથે. જુદા જુદા રંગબેરંગી યુનિફોર્મ્સમાં સજ્જ આટલા બધાં પતંગિયા જેવા લાગતા બાળકો આટલી મોટી સંખ્યામાં એકીસાથે ભાગ્યે જ જોયા હશે! અને આ તો માત્ર પહેલા-બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જ હતાં!અલગ અલગ વયજૂથના કેટલા બધાં બાળકો-કિશોરો અને તેમના શિક્ષકો દ્વારા ગાંધીજીના વિચારો પ્રસરતા હશે એ વિચારી મનને સારૂ લાગ્યું. કાલીઘેલી ભાષામાં ગાંધીજી વિશે સાભિનય ક​વિતા ગાતા બાળકો કેટલાં વ્હાલા લાગતા હતાં! અને દરેક બાળકે એટલી સુંદર રીતે પોતપોતાની રજૂઆત કરી કે ત્રણ નિર્ણાયકો માટે શ્રેષ્ઠ રજૂઆત કરતા કેટલાક ચોક્કસ બાળકોને પસંદ કર​વાનું કામ લોઢાના ચણા ચાવ​વા જેટલું અઘરૂ સાબિત થયું હશે.
સદનસીબે નમ્યા પ્રથમ ૩૫ બાળકોમાં પસંઅદગી પામી જેમણે સપ્ટેમ્બરમાં દ્વિતીય રાઉન્ડમાં ફરી વિતા ગાવાની હતી.સપ્ટેમ્બરમાં બીજી વાર મણિભવન વાનો મોકો મળ્યો.ફરી બાળકોના એટલા સુંદર પર્ફોર્મન્સ જોવા-સાંભળવા મળ્યાં.હ્રદયસ્પર્શી તો ચાર નાનકડી પરાણે વ્હાલી લાગે એવી મુસ્લીમ બાળકીઓ દ્વારા થયેલી ગાંધીજી વિષયક વિતાઓ હતી. તેમના મુખેથી રામરાજ્ય​, અહિંસા, અખંડ ભારત વગેરે શબ્દો સાંભળી મારી તો આંખો ભીની થઈ !
 આજે અને હજી સપ્તાહેક સુધી ચાલનારી વિવિધ સ્પર્ધાઓના પરીણામો તો એક સાથે જાહેર થશે અને મને નમ્યાના પરીણામની ઉત્સુકતા તો છે પણ પરીણામ જે પણ આવે, અનુભ તો ખરેખર અવિસ્મરણીય રહ્યો!