જીવનમાં
એક જ વાર થતા હોઈ લગ્નનું મહત્વ અદકેરું હોય છે.મોટા ભાગના લોકો લખલૂટ ખર્ચ કરી આ પ્રસંગને
અન્ય અંજાઈ જાય એ રીતે ધામધૂમથી ઉજવતા હોય છે.હજારો લોકોને આમંત્રણ અપાય છે.જાતજાતના
વસ્ત્રો,ખોરાક,બેન્ડબાજા,બારાત,દેખાડો અને ઘોંઘાટ લગ્નોની ઓળખ બની ગયા છે એવા સમયમાં
કેટલાક એવા પણ લોકો છે જેઓ પોતાના જીવનનો આ ખાસ પ્રસંગ અતિશય હટકે રીતે ઉજવવામાં માનતા
હોય છે. આવા જ એક જુદી રીતે ઉજવાયેલા લગ્નની આજે આ બ્લોગ થકી વાત કરવી છે.
નાસિક
નિવાસી પર્યાવરણવિદ અને સામાજીક કાર્યકર્તા રમેશ ઐયરની પુત્રી પૂર્ણિમા ઐયરના લગ્ન
૧૧મી જુલાઈ ૨૦૧૬ના દિવસે રાજેવાડી નામના નાકડા ગામમાં ઉત્સવ સાથે ઉજવાઈ ગયા. આ ઉત્સવ
જોકે અનેરો અને નોખો હતો કારણ એમાં બેન્ડબાજાનો ધ્વનિ પ્રદૂષણ ફેલાવતો ઘોંઘાટ નહોતો
કે ન તો એમાં વાતાવરણ ને પ્રદૂષિત કરનાર ફટાકડા નહોતા ફોડવામા આવ્યાં. પણ આ તો એક અસામાન્ય
અને હરીત ઉત્સવ હતો જેમાં આખા ગામના દરેક ઘરને ભોજન સાથે એક એક વૃક્ષ નો રોપો આપવામાં
આવ્યો હતો જે ગ્રામવાસી એવા આ આદિવાસીઓએ ઉત્સાહ ભેર રોપ્યો અને નવવધૂ તેમજ વરરાજાને
ગાદલું ભરી આશિર્વાદ આપ્યાં!
દક્ષિણ
ભારતીય પૂર્ણિમા ઐયરના લગ્ન મહારાષ્ટ્રીયન યુવક જગન્નાથ સાથે આમતો એક ખાનગી સમારંભ
સાથે યોજાયા જેમાં બંને પક્ષના મળીને માત્ર ૭૫ લોકોએ હાજરી આપી. રમેશજી કહે છે તેમના
પોતાના લગ્નમાં તો હાજર રહેલ સંબંધી-મિત્રોનો આંક માત્ર ૬૦ હતો,એના કરતા તો પૂર્ણીના
લગ્નમાં વધુ લોકો હાજર રહ્યાં!
દહેજની
પ્રથાના વિરોધી રમેશજીએ પૂર્ણિમા અને જગન્નાથને એક ખાસ ભેટ આપી.દહેજના રૂપિયા નહિ પણ
તેના કરતાં કંઈ કેટલીયે વધુ કિંમત ધરાવતી - ખરું જુઓ તો જેની કિંમત જ આંકી ન શકાય એવી
અમૂલ્ય ભેટ - એક રૂપિયા થી માંડી હજાર રૂપિયા સુધીની દરેક કિંમતની, લગ્નતિથી નંબર તરીકે
ધરાવતી ચલણી નોટો પૂર્ણિમા અને જગન્નાથના ફોટા સાથે ફ્રેમમાં મઢી ખાસ તૈયાર કરેલી અમૂલ્ય
ફોટોફ્રેમ.
રમેશજી ન્યુમિસ્મેટીસ્ટ એટલેકે ચલણીસિક્કાઓનો સંગ્રહના શોખીન છે અને તેથી તેમણે ખાસ રીતે આ બધી, સરખો લગ્નતારીખ વાળો નંબર ધરાવતી નોટો મેળવી અને આ યાદગાર મહામૂલી ભેટ તૈયાર કરી જે તેમના સંતાન ક્યારેય ભૂલી શકશે નહિ!
રમેશજી ન્યુમિસ્મેટીસ્ટ એટલેકે ચલણીસિક્કાઓનો સંગ્રહના શોખીન છે અને તેથી તેમણે ખાસ રીતે આ બધી, સરખો લગ્નતારીખ વાળો નંબર ધરાવતી નોટો મેળવી અને આ યાદગાર મહામૂલી ભેટ તૈયાર કરી જે તેમના સંતાન ક્યારેય ભૂલી શકશે નહિ!
નાસિકના
એચ.આર.ડી. સેન્ટર ખાતે સંપૂર્ણ મહારાષ્ટ્રીયન શૈલીમાં યોજાયા હતાં પૂર્ણિમાના લગ્ન
પણ એમાં ભોજન પૂર્ણ દક્ષિણ ભારતીય શૈલીનું
હતું! આ જગાની વિશેષતા એ હતી કે અહિ દરેક કોટેજના નામ ઝાડ પરથી છે. નીમ કોટેજ, ગુલમહોર
કોટેજ વગેરે.અહિ મહેમાનોને ઉતારો અપાયો હતો.આખી જગા હરીયાળીથી આચ્છાદિત.રમેશજી તથા
તેમનો આખો પરીવાર પ્રકૃતિપ્રેમી હોવાથી લગ્ન સ્થળ તરીકે આ જગાની પસંદગી કરાઈ હતી.
ઐયર
સાહેબના મોજીલા સ્વભાવ અને બહોળા કાર્યવ્યાપને લીધે આમતો તેમનું મિત્રવર્તુળ અને ઓળખીતા
મહાનુભાવોનું લિસ્ટ ઘણું લાંબુ, પણ સાદી વિધિ દ્વારા સંપન્ન થયેલા દિકરીના વિવાહમાં
તેમણે માત્ર કુટુંબના સાવ નજીકના ખાસ લોકોને જ આમંત્ર્યા હતા. કારણ ઐયર પરીવારની એ
પરંપરા છે કે તેઓ ઝાકઝમાળ ભર્યા ભપકાને બદલે દરેક પ્રસંગ સાદાઈથી ઉજવે છે અને બચેલા
પૈસા કોઈક સદકાર્યમાં વાપરે છે. આથી નાસિકમાં લગ્નવિધિ બાદ તેની ઉજવણીમાં વધુમાં વધુ
લોકો ભાગ લઈ શકે એ હેતુથી તેની ઉત્સવ સમાન ઉજવણી રાજેવાડી ગામમાં કરવામાં આવી. પૂર્ણિમાના
લગ્ન પ્રસંગે રાજેવાડીના ગ્રામવાસીઓને પેરુ, આંબો, સીતાફળ વગેરે જેવા ફળ આપતાં કુલ
૬૦૦ ફળોના ઝાડના રોપા ભેટમાં અપાયા અને લગ્નને દિવસે જ ગામમાં નાનો એવો સરસ સમારંભ
પણ યોજાયો જેમાં દરેક ગ્રામવાસી ધરાઈને જમ્યાં. ઐયર પરીવારે આ સાથે ગામમાં ઉઘડનારી
એક શાળા માટે મોટી રકમનું દાન આપ્યું.
રાજેવાડી
પર પસંદગીનો કળશ ઢોળવાનું કારણ એ છે કે આ ગામ રમેશજી અને તેમના પરીવારે દત્તક લીધું
છે. રમેશજી GIVE (Get Involved in Village Improvement) નામનો એક એન.જી.ઓ પણ ચલાવે
છે જેના હેઠળ તેમના પરીવારના અન્ય સભ્યો રાજેવાડી ગામમાં જ નાના મોટા પ્રોજેક્ટ્સ સાથે
સંકળાયેલા છે. આ વિશે વધુ વાતો અન્ય બ્લોગપોસ્ટમાં કરીશું.
રમેશજીના
પત્ની ઉમા પણ હોંશભેર પતિન આ યગ્ન કાર્યમાં ખડેપગે યોગદાન આપે છે.પૂર્ણિમાના લગ્ન વખતે
રમેશજીની તબિયત થોડી નાદુરસ્ત થઈ જતા ૬૦૦ રોપા તૈયાર કરવાનું પૂરું કામ ઉમાજીએ તેમના
હાથે પાર પાડ્યું હતું.
હાલમાં
તેમના ઘેર કુલ સાત કૂતરા અને એક ટીટોડી પક્ષી તેમના પરીવરનો હિસ્સો બનીને સાથે રહી
રહ્યાં છે.ટીટોડી માંદી હોવાથી તેને ઇન્જેક્ષન વગેરેથી ખવડાવવાનું-પીવડાવવાનું કામ
રમેશજી અને ઉમાજી ખંત અને હોંશથી કરે.થોડા દિવસ બાદ સાજું થઈ જશે એટલે ટીટોડી પક્ષી
તો જતું રહેશે પણ તેના સ્થાને અન્ય કોઈ પક્ષી આવી જશે!કૂતરાઓ પણ એ મહેમાન પક્ષીને કોઈ
પ્રકારની હેરાનગતિ પહોંચાડતા નથી.
આમતો
પૂર્ણિમા અને તેનો વર જગન્નાથ બંને આઈ.ટી.એન્જિન્યર્સ છે અને પુણે ખાતે રહે અને ફુલટાઈમ
જોબ કરે છે.પણ તેઓ બંને પણ નિસર્ગ સાથે રમેશજી જેટલો જ લગાવ અને ઘરોબો ધરાવે છે.પૂર્ણિમા
પ્રોફેશનલ ડોગ ટ્રેઈનર એન્ડ બિહેવીયરીસ્ટ છે.મુંબઈમાં શિરીન મર્ચન્ટ નામના નિષ્ણાત
પાસેથી આ અંગેની ખાસ તાલીમ લઈ પૂર્ણિમાએ આજ સુધી અનેક શિખાઉ યુવક-યુવતિઓને પણ આવી જ
ટ્રેઈનિંગ આપી તૈયાર કર્યા છે.
પિતાની
લાગણીને માન આપતા અને પોતે પણ એ જ પ્રકારની જીવનશૈલી ગુજારતી પૂર્ણિમાએ આથી જ આવા અસામાન્ય,
હટકે અને હરીત લગ્ન કર્યાં અને એક નવો ચીલો ચાતર્યો.
એક અનોખા હરિત લગ્નની વાત વાંચીને ખૂબ આનંદ થયો.એ આખા પરિવારને જેટલા ધન્યવાદ આપીયે એટલા ઓછા છે.સાથે જ તમે પણ અભિનંદનના અધિકારી છો.તમે જો આ વાત વાંચકો સુધી પહોંચાડી ન હોત તો આટલા ઉમદા કાર્યની જણ જ ન થાત.આમ પણ આ કોલમ દ્વારા તમે હંમેશા નવી નવી પ્રેરણાત્મક વાતો પીરસતા રહો છો.મણિભુવન વાળા લેખ ને કારણે પણ કેટલાય લોકોને ત્યાંની મુલાકાત લેવાનું મન થશે અને તમને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે.શ્રી ઉષાબેન મહેતા જ્યારે હયાત હતાં ત્યારે હું એમને મળવા મણિભુવન ગઈ હતી એ યાદ આવી ગયું.ફરી એક વાર અભિનંદન.
જવાબ આપોકાઢી નાખોલગ્ન એવી પવિત્ર વસ્તુ છે જેમાં બે આત્મા કે હદયનું મિલન થાય છે. એક અનોખા લગ્નમાં દેખાડેા ન કરતાં સમાજસેવા જેવા ઉમદા કાર્ય સાથે તેને સાદાઈથી ઉજવ્યા એ સમાજ માટે દાખલારૂપ ગણાય..
જવાબ આપોકાઢી નાખો