Translate

મંગળવાર, 4 જાન્યુઆરી, 2022

સાચો સુપર હીરો - મયૂર શેળકે

     "મયૂર શેળકે એ કોઈ કોશ્ચ્યૂમ નહોતું પહેર્યું કે નહોતો પહેર્યો કોઈ જાદુઈ તાકાત ધરાવતો કોટ પણ તેણે દાખવેલી હિંમત સૌથી તાકાતવાન એવા કોઈ ફિલ્મી સુપરહીરો કરતાં પણ અનેક ગણી વધુ છે. અત્યારના મુશ્કેલી ભર્યા સમયમાં મયૂરે આપણને સૌને શીખવ્યું છે કે આપણે આપણી આસપાસ જ નજર દોડાવવાની છે અને આપણને તેના જેવા લોકોમાંથી આ જગતને એક બહેતર જગા બનાવવાની પ્રેરણા મળી રહેશે." - આ શબ્દો છે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાના, જે તેમણે એક ટ્વીટ દ્વારા શેર કર્યા છે ચાર દિવસ પહેલા.

   ચારેકોર નકારાત્મકતા અને ભયના સામ્રાજ્ય વચ્ચે સાચી માનવતાના દર્શન કરાવતી એક સુખદ ઘટના અઠવાડિયા પહેલા ઘટી. તેની વાત આજના બ્લોગ લેખ થકી કરવી છે.

    સેન્ટ્રલ રેલવેના માથેરાન પાસે આવેલા વાંગણી સ્ટેશન પર આ દિલધડક, હ્રદયંગમ અને પ્રેરણાદાયી ઘટના સત્તરમી એપ્રિલની સાંજે પાંચેક વાગે બની. પૂરપાટ ઝડપે આવતી એક્સપ્રેસ ટ્રેનને સિગ્નલ આપવા રેલવે ટ્રેક પર ઉભેલા પોઈન્ટ્સ મેન તરીકે ફરજ બજાવતા મયૂર શેળકે નામના યુવાને જોયું કે એક અંધ મા નો પાંચ - છ વર્ષનો દીકરો અચાનક રેલવે પ્લેટફોર્મ પરથી નીચે પડી જાય છે અને ટ્રેન તેનાથી સાવ નજીવા અંતરે છે અને કાળની જેમ તેની દિશામાં ધસી રહી છે. મયૂર પાસે વિચારવાનો સમય જ નથી, આથી તે બાળકને બચાવવા સામેથી ધસમસતી ટ્રેન સામે દોડે છે. એક સ્પ્લીટ સેકંડ માટે તેને એવો વિચાર પણ સ્પર્શી જાય છે કે આમા તો એ પોતે મરી જશે... પણ આ વિચાર આવ્યો તેના કરતાં પણ વધુ ઝડપે ધસમસતી ટ્રેન તેને એ વિચાર ઉડાડી દેવા મજબૂર કરી દે છે, માનવતા જીતી જાય છે. મયૂરની આ દ્વિધા રેલવે પ્લેટફોર્મ પર રહેલા કેમેરામાં આબાદ ઝિલાઈ છે, તેના માનવતા મહેકાવતા આ ઉદાત્ત પરાક્રમને પણ રેકોર્ડ કરતી વખતે. પેલા સ્વાર્થી, પોતાનો જીવ બચાવવાનો માર્ગ સૂઝવતા વિચારનો ઘડીના છઠ્ઠા ભાગમાં છેદ ઉડાડી મયુર ફરી બાજુમાં ખસી જવા કે બીજી બાજુ કૂદી પડવાને બદલે ટ્રેનની કે કહો કે મોતની સામે દોડે છે, બાળકને ઉપાડી પ્લેટફોર્મ પર મૂકે છે અને પોતે પણ પ્લેટફોર્મ પર ચડી જાય છે અને એ પછીની માત્ર ગણતરીની પળોમાં પેલી વાયુ વેગે ધસી આવતી ટ્રેન મયુર, પેલા બાળક અને તેની અંધ મા ની સાવ નજીકથી પસાર થઈ જાય છે.

આ અતિ રોમાંચક, સાહસી વિડિયો મેં જ્યારે યૂટ્યુબ પર જોયો ત્યારે મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયા. હ્રદયમાં ઊંડે ઊંડે તેની આ અતિ મહાન, માનવતા છલકતી ચેષ્ટા સ્પર્શી ગઈ. જેને ઓળખતા પણ ન હોઇએ એવી વ્યક્તિ માટે પોતાનો જીવ દાવ પર લગાવી દેવાની હરકત કોઈ અસાધારણ માનવી જ કરી શકે!

   આપણાં સૌ માં બે જણ વાસ કરતા હોય છે - એક સારો જણ અને એક ખરાબ જણ. સતત આપણે સૌ આ આપણી અંદર વસતા બંને જણની વચ્ચેનું યુધ્ધ સાક્ષી ભાવે જોતા - અનુભવતા હોઈએ છીએ. ક્યારેક પેલો ખરાબ જણ જીતી જતો હોય છે તો ક્યારેક સારો જણ. મયૂરના ઉપરોક્ત વર્ણવેલા કિસ્સામાં તેની અંદર વસતાં સારા જણની જીત થઈ અને તે પેલી અંધ મા ના દીકરાનો મસીહા બની ગયો. તેના આ સાહસથી છલકતા મર્દાનગી ભર્યા કૃત્યના ભારોભાર વખાણ થયાં. રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટર પર આ કિસ્સો ચર્ચી મયુરને બિરદાવ્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ પોતે ફોન કરી મયુરની પીઠ થાબડી. સેન્ટ્રલ રેલવેએ તેને પચાસ હજાર રૂપિયાનું ઈનામ આપ્યું અને સાહેબ આ મહા માનવની માનવતા જુઓ! આ રકમમાંથી અડધી રકમ તેણે પેલા ગરીબ બાળકને આપી દીધી જેનો જીવ તેણે બચાવ્યો હતો! મયુર પોતે પણ કંઈ ગર્ભ શ્રીમંત વ્યક્તિ નથી, પોઈન્ટ્સ મેન તરીકે ફરજ બજાવતો એક સાધારણ આર્થિક સ્થિતી ધરાવતો મહારાષ્ટ્રીયન યુવાન છે. પણ તેની વિચારધારાએ તેને મહા માનવ બનાવી દીધો છે. પહેલા જીવ બચાવ્યો અને પછી પોતાને મળેલા ઈનામમાંથી અડધી રકમ એક અંધ મા ના બાળક ના ભવિષ્ય - ભણતર માટે આપી દેવી આ ઉમદા કાર્ય માટે સોનાનું હ્રદય જોઈએ. આવું માનવતા ભર્યું ઉચ્ચ કાર્ય દેવદૂત જ કરી શકે. મયૂર શેળકે ખરેખર એક દેવદૂત છે. તેને લાખો સલામ!

    મહિન્દ્રાના જાવા બાઈક યુનિટે મયૂર શેળકેને એક બાઈક ઈનામમાં આપવાની જાહેરાત કરી છે. આ બહાદુરી ભર્યા કિસ્સાની વિગતો અને વિડિયો વાઈરલ થયા બાદ મયૂર પર પ્રશંસા અને ઈનામો નો વરસાદ વરસ્યો છે. પણ મને ખાત્રી છે કે એનાથી મયૂર ચલાયમાન થશે નહીં, બલ્કે ઓર વધુ સારા કાર્યો કરશે.


અમી સ્પંદન

સંકલન એટલે સારી સારી કૃતિઓ ભેગી કરી તેનો તૈયાર કરેલો ગુલદસ્તો. એક ફૂલનું પોતાનું આગવું સૌદર્ય હોય તો ગુલદસ્તામાં આવા અનેક સુંદર ફૂલો ભેગા હાજર હોય! કાવ્ય, પ્રાર્થના /ભજન, બાળકાવ્ય, દેશભક્તિ ગીત, ગરબા /રાસ, દુહા /સુભાષિત અને આરતી એવા સાત સાહિત્ય પ્રકારોની સવાસોથી વધુ કવિઓની નીવડેલી સવા સાતસો જેટલી જૂની - નવી રચનાઓનાં અપૂર્વ સંગ્રહ સમાન એક સુંદર પુસ્તક 'અમી સ્પંદન' થોડાં સમય અગાઉ ભેટમાં મળ્યું. સ્વ. પ્રવિણચંદ્ર ચુનીલાલ દવે આ પુસ્તકના સંકલન કર્તા. સન ૧૯૫૦માં પાંચ વર્ષની વયે ઉઘાડે પગે ને પહેરેલે કપડે તેમના જ્યેષ્ઠ બંધુ સાથે અભ્યાસાર્થે મુંબઈ આવ્યા અને પછી તો નસીબ તેમને ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા પણ લઈ ગયું. સત્તાવીસ વર્ષની ઉંમરે વિદેશમાં નોકરીનો પણ અનુભવ લીધા બાદ ભારત પરત ફર્યા અને અહીં સ્થાયી થયા. સાહિત્ય પ્રત્યેની અદમ્ય લાગણીને લઈને ૧૯૯૩થી અમી સ્પંદનના સંકલનનું કાર્ય હાથ ધર્યું અને અનેક વિટંબણાઓ વટાવી છેક જાન્યુઆરી, ૨૦૦૧માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. જો કે પછી તો આ પુસ્તક એટલું લોકપ્રિય બન્યું કે અત્યાર સુધી તેનું ૨૮૦૦૦ કરતાં વધુ પ્રત સાથે સત્તર વાર પુનઃ મુદ્રણ થઈ ચૂક્યું છે.

    આ પુસ્તકનું મુખપૃષ્ઠ અતિ કલાત્મક અને આકર્ષક છે. તેના ઉપરના ભાગમાં છ રાગિણીઓનું કોલાજ છે જેમાં રાગ હિંડોળ, દિપક, કુમકુમ, મેઘમલ્હાર, વસંત તથા ગોડકરી છે. ગીત /સંગીતને પ્રદર્શિત કરવાનો આ ભારતીય અભિગમ છે. કોલાજ ચિત્રની નીચેના ભાગમાં પિઆનોની સાત ચાવીઓનું સપ્તક છે. આ સપ્તકના માધ્યમથી અમીસ્પંદનમાં સામેલ કરવામાં આવેલ સાત જુદા જુદા વિભાગોને વાચા આપી છે. પિઆનો પશ્ચિમી ગીત /સંગીતનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આમ પૂર્વ - પશ્ચિમની એકરૂપતા અભિપ્રેત છે. એકવીસમી સદીમાં પૂર્વની પદ્યરચનાઓ પશ્ચિમી વાદ્યો દ્વારા ગુંજી ઉઠે એ ભાવના સાંકળવાનો સંકલનકર્તાનો નમ્ર પ્રયાસ છે.

   આ પુસ્તક સંકલન કર્તા માટે અતિ ખાસ રહ્યું હશે કારણ તેમાં તેમની આઠેક વર્ષના અથાગ પરિશ્રમનો સમન્વય છે. તેમણે એ તેમની સ્વર્ગસ્થ પુત્રી અમી ને અર્પણ કર્યું છે જેણે તેમના જીવનને કિલ્લોલમય કર્યું અને અકળ કારણોસર કિશોરાવસ્થા માં જ જીવન સંકોરી લીધું હતું. અમી ના નામ ને જ એટલે એમણે પુસ્તકના શિર્ષકમાં પણ સમાવિષ્ટ કર્યું છે.

   વર્ષ ૨૦૦૭માં દિવાળીમાં ભેટ આપવા લાયક    ૧૦૦ પુસ્તકોમાં અમી સ્પંદનનો સમાવેશ થયો હતો. પુસ્તકથી શ્રેષ્ઠ ભેટ બીજી કઈ હોઈ શકે? ઘણાં લોકો સ્વજન ગુમાવ્યા બાદ, તેની સ્મૃતિમાં પણ સારા પુસ્તકની લહાણી કરે છે જે એક આવકાર દાયક બાબત છે. મને લાગે છે અમી સ્પંદન પણ ઘણાં લોકો દ્વારા આ રીતે સ્વજનો અને પરિવારજનો સાથે વહેંચાયું હશે.

   સ્વ. કવિ શ્રી મકરંદ દવે એ પ્રથમ આવૃત્તિ વેળાએ અમી સ્પંદનને આનંદ સાથે આવકાર્યું હતું આ શબ્દોમાં : આપણે ત્યાં એવી રચનાઓ છે જે કાવ્યત્વથી સભર હોય પણ ગેયતાને નામે એમાં લયનો મરોડ ન હોય. અને ગેયતા સુગમ હોય ત્યાં કાવ્યત્વની ઉણપ વર્તાઈ આવે જેની સામે સાક્ષર વર્ગ અને સામાન્ય જનતાને ભાવે એવી વાનગી પીરસવાની દૃષ્ટિ છે. તેનું કાર્ય કઠિન બની જાય છે. ઊંડો કવિતા પ્રેમ અને પરિશ્રમ ઉઠાવવાની ક્ષમતા વિના આવો સર્વ ભોગ્ય સંગ્રહ ન થઈ શકે. પ્રવીણચંદ્ર ભાઈ નું સહસ્ત્ર વીણા ના તાર છેડવાનું પ્રાવીણ્ય આપણને સૌને એમાં વધુ સ્પંદનો ઝીલવાની પ્રેરણા આપે એવી શુભેચ્છા પાઠવું છું. દરેક કવિની એકાદ રચના આપીને એવી બીજી રચનાઓ વાંચવાની ભૂખ ઊઘડે એવી ભાવના પણ આ સંગ્રહમાં જોવા મળે છે. પુસ્તકોની અપૂર્ણ સંદર્ભ સૂચિ તરફ નજર કરતાં જ ખ્યાલ આવે છે કે કેટકેટલી નદીઓનાં પાણીથી તેમણે આ મંગળ કુંભ ભર્યો છે! આ સંગ્રહમાંથી ખોબલે જળપાન કરી મૂળ સ્ત્રોત ભણી યાત્રા કરવાની વાચકને પ્રેરણા મળશે તો સંકલનકર્તાએ પ્રસ્તાવના માં જે કલ્યાણકારી ભાવના સેવી છે તે ફળીભૂત થશે.

    પ્રિયકાંત મણિયારનું 'આ નભ ઝૂકયું તે કાનજી ને ચાંદની તે રાધા રે...' , ઈંદુલાલ ગાંધીનાં આંધળી માનો કાગળ અને દેખતા દીકરાનો જવાબ, ઉમાશંકર જોશીનું ગીત અમે ગોત્યું ગોત્યું, જયંત પાઠકનું દીકરીના લગ્ન પછી ઘરમાં, કલાપીનું ગ્રામ્યમાતા, સ્નેહરશ્મિ ના હાઈકુ વગેરે જેવા ગુજરાતી માધ્યમમાં શાળાજીવનમાં બાલભારતીમાં ભણેલા અનેક કાવ્યો અમી સ્પંદન માં વાંચવા મળ્યાં ત્યારે જાણે શૈશવ ની ગલીઓમાં ફરી ભમવાની એક તક સાંપડી! આવા તો સવાસો થી વધુ કાવ્યો અહીં સમાવિષ્ટ છે. કૃષ્ણ દવે, સ્વ સુરેશ દલાલ વગેરે કવિઓની અદ્યતન કવિતાઓ પણ આ સંગ્રહમાં સમાવવામાં આવી છે તો બાળકાવ્ય વિભાગમાં તો અમેરિકન લોકગીત પણ મોજૂદ છે. શાળા જીવનમાં ગાયેલાં- સાંભળેલાં આઓ બચ્ચો તુમ્હે.., તૈયાર થઈ જજો, વિજયી વિશ્વ તિરંગા, સારે જહાં સે અચ્છા.., હમ હોંગે કામયાબ... જેવાં દેશ ભક્તિ ગીતો અને ૐ તત્સત્, અખિલ બ્રહ્માંડમાં..., એક જ દે ચિનગારી... વગેરે પ્રાર્થનાઓ પણ વાંચી મન પુલકિત થઈ જાય! પ્રખ્યાત ગુજરાતી ગરબા અને આરતીના શબ્દો વાંચવાનું મન થાય તો એ અમી સ્પંદનમાં મળી રહેશે.

  અમી સ્પંદનના સર્જકના પુત્ર પિનાકિનભાઈ દવે નો આટલી સુંદર અનોખી ભેટ મને આપવા બદલ આભાર! ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ ધરાવતાં અને કાવ્યો - ગીતોમાં રસ ધરાવતાં સૌ કોઈ માટે આ પુસ્તક એક શ્રેષ્ઠ ભેટ સાબિત થશે.


સોમવાર, 3 જાન્યુઆરી, 2022

ગેસ્ટ બ્લૉગ : સાપુતારા ટેન્ટસીટીના સર્જન પાછળના પ્રેરક પરિબળો

                      મારો જન્મ – ઉછેર કૃષક પરિવારમાં થયો. માતા – પિતા આજે પણ ખેતી કરે છે. એટલે સ્વાભાવિક રીતે કુદરત – પ્રકૃતિ પ્રત્યે એક પ્રકારનો આત્મીય લગાવ પહેલેથી જ. સંજોગોવશાત આર્થિક કારણોસર અધૂરા ભણતરે સુરત જેવા શહેરમાં રત્ન કલાકાર તરીકે કામગીરી શરૂ કરી. પણ ભણી નહી શકાયું તેનો રંજ – અજંપો કોઈ કોઈ વાર સતાવતો હતો. ધીમે ધીમે ઘરે બેઠા પરીક્ષા આપી એમ. કોમ. બી.એડ. અભ્યાસ કર્યો. સુરતમાં ટ્યુશન આપવા શરૂ કર્યા. ત્યાર બાદ એક પરમ ગુરુ સમાન સાહેબ હરેશભાઈ મોરાડિયાનો સંપર્ક થયો અને તેમની સાથે ભાગીદારીમાં ટ્યુશન ક્લાસ શરૂ કર્યા. અમે દર વર્ષે અમારાં ટ્યુશનનાં બાળકોને પ્રવાસે લઈ જતા. અમારી મોટા ભાગની પ્રવાસની જગાઓ નૈસર્ગિક સૌંદર્ય ધરાવતાં સ્થળ રહેતી. વર્ષ ૨૦૧૬માં અમે મનાલીના પ્રવાસનું આયોજન ગોઠવેલું. ત્યાં એક ટેન્ટ સીટીમાં રોકાયા ત્યારે પહેલી વાર મને મારી માતૃભુમિ ગુજરાતમાં ટેન્ટ સીટી બનાવવાનો વિચાર મનમાં સ્ફૂર્યો. પરંતુ ટેન્ટ સીટી બનાવવા માટે મોટા પાયે નાણાંની જરૂર પડે, જે મારી પાસે નહોતા એટલે આ નવા સાહસ વિશે વિચારવાનું છોડી પાછા ટ્યુશનમાં કાર્યમાં લાગી ગયા. 

     થોડા સમય બાદ મને સુરતથી થોડે દૂર ગ્રામીણ વિસ્તારમાં નોકરી મળી, જે સંપૂર્ણ કુદરતી વાતાવરણ વચ્ચે જ હતી. વર્ષો બાદ ફરી ટેન્ટ સીટીનો વિચાર મનમાં ઘોળાવા લાગ્યો. તે સમયથી મારા મને એક નવી જ ઉમ્મીદ સાથે એક મક્કમ નિર્ણય કર્યો કે હવે કોઈ પણ ભોગે આ નવું સાહસ ખેડવું.     

        ૨૦૧૬માં મારા ટ્યુશનની મનાલી ટુરમાં મારા  મિત્ર ડોક્ટર રાકેશ જે પટેલ પણ આવ્યા હતા, તેમને મેં વાત કરી કે મારી પાસે એક નવા બિઝનેસનો વિચાર છે. પરંતુ મારી પાસે નાણાં નથી, અને મેં મારા મનમાં સંતાયેલા વિચારને સૌથી પહેલા તેમની સમક્ષ રજૂ કર્યો. એમને મારા નવા વિચારમાં રસ પડ્યો અને અમે એક નવા બિઝનેસનું પ્લાનિંગ શરૂ કરી દીધું.

         અમે સાથે મળી જમીન શોધવા લાગ્યા. જમીન શોધતી વખતે પણ મનમાં જે આયોજન રમતું હતું તેમાં પણ કુદરતનું સાનિધ્ય અને શાંતિ મોખરે હતા. એક એવી જગ્યા જે ચડતી ઊતરતી ટેકરીઓની વચ્ચે હોય, આજુ બાજુ ખુલ્લાં ખેતરો હોય, બાગ પણ હોય અને વિવિધ વૃક્ષો જેમાં ફળાઉ ઝાડ પણ હોય, સમગ્ર પરિસરમાં કૃત્રિમ સિસ્ટમને બદલે એક સહજ, સરળ ભાવનાત્મક – આવનાર લોકોને આત્મીયતાનો અનુભવ કરાવે એવું વાતાવરણ હોય એવું સ્વપ્ન જોયેલું.

              ત્યાર બાદ હરેશભાઈ, રાકેશભાઈ અને અમારા મિત્ર સમા એક બિઝનેસ અગ્રણી વિરલકુમાર કાકડિયા પણ એમાં જોડાયા અને અમે સાથે મળી નવા સોપાન માટે કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યા શોધવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં અમે ધરમપુર પાસે આવેલ બિલપૂડી ગામે એક ધોધ પાસે જગ્યા જોઈ પરંતુ તે જગ્યામાં કુદરતી સૌંદર્ય ઘટતું દેખાયું, એટલે ત્યાંથી અમે સહ્યાદ્રિ  ગિરિમાળામાં ગુજરાતનું એકમાત્ર ગિરિમથક આવેલું છે તે સાપુતારા બાજુના વિસ્તારમાં કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યા જોવાનું શરૂ કર્યું. એવામાં  અમારો સંપર્ક ડાંગ જિલ્લામાં શિક્ષણ સેવા આપતા લોહપુરુષ સમાન એવા પી. પી. સ્વામીજી સાથે થતાં, તેમણે અમારો મેળાપ માલેગામના એક ખેડૂત સાથે  કરાવ્યો અને અમને કુદરતી સૌંદર્ય ધરાવતી એક ખૂબસૂરત જગ્યા મળી. જ્યારે અમે એ જગ્યા લીધી ત્યારે ત્યાં ભારે જંગલ વિસ્તાર હતો. તે જગ્યા પર અમે બધા ભાગીદારોએ સ્વપ્રયત્ને, લેન્ડ સ્કેપ તથા આર્કિટેકટ પ્લાનિંગ કરી અને ડેવલપમેન્ટનું કાર્ય શરૂ કર્યું. અમારા પરિવારના સભ્યોએ પણ ખૂબ મોટો ફાળો આપ્યો અને બન્યું સાપુતારા ટેન્ટસીટી! 

 આજે અહીં ઘણાં પ્રવાસીઓ આવે છે અને તેમને આ જગા ગમે છે ત્યારે લાગે છે કે આ સાહસમાં અમે થોડે-ઘણે અંશે સફળ થયા છીએ. એનો આનંદ છે, રાજીપો છે. આ આનંદમાં કુદરતની મહેર સહભાગી છે. લોકો જ્યારે અભિનંદે ત્યારે ઉત્સાહ બેવડાય છે. 

         હજી આવું એક સંકૂલ નર્મદા કિનારે સર્જવાનો વિચાર છે. વિચાર છે તો ક્યારેક ધરતી પર અવતરશે એ ચોક્કસ! 

- ભરત જસરાજભાઈ માંગુકિયા