Translate

મંગળવાર, 4 જાન્યુઆરી, 2022

અમી સ્પંદન

સંકલન એટલે સારી સારી કૃતિઓ ભેગી કરી તેનો તૈયાર કરેલો ગુલદસ્તો. એક ફૂલનું પોતાનું આગવું સૌદર્ય હોય તો ગુલદસ્તામાં આવા અનેક સુંદર ફૂલો ભેગા હાજર હોય! કાવ્ય, પ્રાર્થના /ભજન, બાળકાવ્ય, દેશભક્તિ ગીત, ગરબા /રાસ, દુહા /સુભાષિત અને આરતી એવા સાત સાહિત્ય પ્રકારોની સવાસોથી વધુ કવિઓની નીવડેલી સવા સાતસો જેટલી જૂની - નવી રચનાઓનાં અપૂર્વ સંગ્રહ સમાન એક સુંદર પુસ્તક 'અમી સ્પંદન' થોડાં સમય અગાઉ ભેટમાં મળ્યું. સ્વ. પ્રવિણચંદ્ર ચુનીલાલ દવે આ પુસ્તકના સંકલન કર્તા. સન ૧૯૫૦માં પાંચ વર્ષની વયે ઉઘાડે પગે ને પહેરેલે કપડે તેમના જ્યેષ્ઠ બંધુ સાથે અભ્યાસાર્થે મુંબઈ આવ્યા અને પછી તો નસીબ તેમને ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા પણ લઈ ગયું. સત્તાવીસ વર્ષની ઉંમરે વિદેશમાં નોકરીનો પણ અનુભવ લીધા બાદ ભારત પરત ફર્યા અને અહીં સ્થાયી થયા. સાહિત્ય પ્રત્યેની અદમ્ય લાગણીને લઈને ૧૯૯૩થી અમી સ્પંદનના સંકલનનું કાર્ય હાથ ધર્યું અને અનેક વિટંબણાઓ વટાવી છેક જાન્યુઆરી, ૨૦૦૧માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. જો કે પછી તો આ પુસ્તક એટલું લોકપ્રિય બન્યું કે અત્યાર સુધી તેનું ૨૮૦૦૦ કરતાં વધુ પ્રત સાથે સત્તર વાર પુનઃ મુદ્રણ થઈ ચૂક્યું છે.

    આ પુસ્તકનું મુખપૃષ્ઠ અતિ કલાત્મક અને આકર્ષક છે. તેના ઉપરના ભાગમાં છ રાગિણીઓનું કોલાજ છે જેમાં રાગ હિંડોળ, દિપક, કુમકુમ, મેઘમલ્હાર, વસંત તથા ગોડકરી છે. ગીત /સંગીતને પ્રદર્શિત કરવાનો આ ભારતીય અભિગમ છે. કોલાજ ચિત્રની નીચેના ભાગમાં પિઆનોની સાત ચાવીઓનું સપ્તક છે. આ સપ્તકના માધ્યમથી અમીસ્પંદનમાં સામેલ કરવામાં આવેલ સાત જુદા જુદા વિભાગોને વાચા આપી છે. પિઆનો પશ્ચિમી ગીત /સંગીતનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આમ પૂર્વ - પશ્ચિમની એકરૂપતા અભિપ્રેત છે. એકવીસમી સદીમાં પૂર્વની પદ્યરચનાઓ પશ્ચિમી વાદ્યો દ્વારા ગુંજી ઉઠે એ ભાવના સાંકળવાનો સંકલનકર્તાનો નમ્ર પ્રયાસ છે.

   આ પુસ્તક સંકલન કર્તા માટે અતિ ખાસ રહ્યું હશે કારણ તેમાં તેમની આઠેક વર્ષના અથાગ પરિશ્રમનો સમન્વય છે. તેમણે એ તેમની સ્વર્ગસ્થ પુત્રી અમી ને અર્પણ કર્યું છે જેણે તેમના જીવનને કિલ્લોલમય કર્યું અને અકળ કારણોસર કિશોરાવસ્થા માં જ જીવન સંકોરી લીધું હતું. અમી ના નામ ને જ એટલે એમણે પુસ્તકના શિર્ષકમાં પણ સમાવિષ્ટ કર્યું છે.

   વર્ષ ૨૦૦૭માં દિવાળીમાં ભેટ આપવા લાયક    ૧૦૦ પુસ્તકોમાં અમી સ્પંદનનો સમાવેશ થયો હતો. પુસ્તકથી શ્રેષ્ઠ ભેટ બીજી કઈ હોઈ શકે? ઘણાં લોકો સ્વજન ગુમાવ્યા બાદ, તેની સ્મૃતિમાં પણ સારા પુસ્તકની લહાણી કરે છે જે એક આવકાર દાયક બાબત છે. મને લાગે છે અમી સ્પંદન પણ ઘણાં લોકો દ્વારા આ રીતે સ્વજનો અને પરિવારજનો સાથે વહેંચાયું હશે.

   સ્વ. કવિ શ્રી મકરંદ દવે એ પ્રથમ આવૃત્તિ વેળાએ અમી સ્પંદનને આનંદ સાથે આવકાર્યું હતું આ શબ્દોમાં : આપણે ત્યાં એવી રચનાઓ છે જે કાવ્યત્વથી સભર હોય પણ ગેયતાને નામે એમાં લયનો મરોડ ન હોય. અને ગેયતા સુગમ હોય ત્યાં કાવ્યત્વની ઉણપ વર્તાઈ આવે જેની સામે સાક્ષર વર્ગ અને સામાન્ય જનતાને ભાવે એવી વાનગી પીરસવાની દૃષ્ટિ છે. તેનું કાર્ય કઠિન બની જાય છે. ઊંડો કવિતા પ્રેમ અને પરિશ્રમ ઉઠાવવાની ક્ષમતા વિના આવો સર્વ ભોગ્ય સંગ્રહ ન થઈ શકે. પ્રવીણચંદ્ર ભાઈ નું સહસ્ત્ર વીણા ના તાર છેડવાનું પ્રાવીણ્ય આપણને સૌને એમાં વધુ સ્પંદનો ઝીલવાની પ્રેરણા આપે એવી શુભેચ્છા પાઠવું છું. દરેક કવિની એકાદ રચના આપીને એવી બીજી રચનાઓ વાંચવાની ભૂખ ઊઘડે એવી ભાવના પણ આ સંગ્રહમાં જોવા મળે છે. પુસ્તકોની અપૂર્ણ સંદર્ભ સૂચિ તરફ નજર કરતાં જ ખ્યાલ આવે છે કે કેટકેટલી નદીઓનાં પાણીથી તેમણે આ મંગળ કુંભ ભર્યો છે! આ સંગ્રહમાંથી ખોબલે જળપાન કરી મૂળ સ્ત્રોત ભણી યાત્રા કરવાની વાચકને પ્રેરણા મળશે તો સંકલનકર્તાએ પ્રસ્તાવના માં જે કલ્યાણકારી ભાવના સેવી છે તે ફળીભૂત થશે.

    પ્રિયકાંત મણિયારનું 'આ નભ ઝૂકયું તે કાનજી ને ચાંદની તે રાધા રે...' , ઈંદુલાલ ગાંધીનાં આંધળી માનો કાગળ અને દેખતા દીકરાનો જવાબ, ઉમાશંકર જોશીનું ગીત અમે ગોત્યું ગોત્યું, જયંત પાઠકનું દીકરીના લગ્ન પછી ઘરમાં, કલાપીનું ગ્રામ્યમાતા, સ્નેહરશ્મિ ના હાઈકુ વગેરે જેવા ગુજરાતી માધ્યમમાં શાળાજીવનમાં બાલભારતીમાં ભણેલા અનેક કાવ્યો અમી સ્પંદન માં વાંચવા મળ્યાં ત્યારે જાણે શૈશવ ની ગલીઓમાં ફરી ભમવાની એક તક સાંપડી! આવા તો સવાસો થી વધુ કાવ્યો અહીં સમાવિષ્ટ છે. કૃષ્ણ દવે, સ્વ સુરેશ દલાલ વગેરે કવિઓની અદ્યતન કવિતાઓ પણ આ સંગ્રહમાં સમાવવામાં આવી છે તો બાળકાવ્ય વિભાગમાં તો અમેરિકન લોકગીત પણ મોજૂદ છે. શાળા જીવનમાં ગાયેલાં- સાંભળેલાં આઓ બચ્ચો તુમ્હે.., તૈયાર થઈ જજો, વિજયી વિશ્વ તિરંગા, સારે જહાં સે અચ્છા.., હમ હોંગે કામયાબ... જેવાં દેશ ભક્તિ ગીતો અને ૐ તત્સત્, અખિલ બ્રહ્માંડમાં..., એક જ દે ચિનગારી... વગેરે પ્રાર્થનાઓ પણ વાંચી મન પુલકિત થઈ જાય! પ્રખ્યાત ગુજરાતી ગરબા અને આરતીના શબ્દો વાંચવાનું મન થાય તો એ અમી સ્પંદનમાં મળી રહેશે.

  અમી સ્પંદનના સર્જકના પુત્ર પિનાકિનભાઈ દવે નો આટલી સુંદર અનોખી ભેટ મને આપવા બદલ આભાર! ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ ધરાવતાં અને કાવ્યો - ગીતોમાં રસ ધરાવતાં સૌ કોઈ માટે આ પુસ્તક એક શ્રેષ્ઠ ભેટ સાબિત થશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો