આજે આંખો બહુ જલદી ખૂલી ગઈ હતી. સવારના છ વાગ્યા હતા. હજુ શહેરની આળસ પૂરીપૂરી ઊડી નહોતી. આ ગામડું ઓછું હતું કે લોકો પરોઢિયે શિરામણ પતાવીને ખેતરે પહોંચતા થઈ જાય! રસ્તો સુમસામ હતો. એકલદોકલ રાહદારી અને છાપાવાળા કે દુધવાળા સિવાય ભાગ્યે જ કોઈ ચહલપહલ હતી. ચોમાસું નજદીક આવી રહ્યું હતું એટલે ગલીના વૃક્ષોને ટ્રીમ કરવાનું કામકાજ હજુ ગઈકાલે જ પત્યું હતું. એમની દુનિયા ડિસ્ટર્બ થઈ ગઈ હતી એટલે ઘણાખરી ખીસકોલીઓ અને પક્ષીઓ પણ બીજી ગલીઓમાં હિજરત કરી ગયા હતાં. તેમાં આ સમયે માથે ટોપલી લઈને ધીમે પગલે ચાલતા જતા આ ફેરિયાને જોઈને મને આશ્ચર્ય થયું. ગઝબ મીઠો અવાજ હતો! શાંત વાતાવરણમાં એ અવાજના પડઘા વધુ મીઠા લાગી રહ્યા હતાં. દિવસનો અન્ય કોઈ સમય હોત તો કદાચ ઘોંઘાટમાં એનો અવાજ સંભળાત નહીં. મેં ફરી ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો કે એ શું વેચી રહ્યો છે, એ સ્મિત અને સ્માઇલ જ બોલ્યો હતો કે એ મારો ભ્રમ હતો! મેં આંખો ખેંચીને એની ટોપલીમાં જોવાનો પ્રયત્ન કર્યો પણ ત્રીજા માળેથી કશું સ્પષ્ટ કળાયું નહીં. બરાબર એ જ ક્ષણે એણે પણ ઉપર જોયું અને અમારી આંખો મળી. એની દ્રષ્ટિમાં કંઈક અજબ ભાવ હતો, કદાચ એ આત્મવિશ્વાસ હતો કે હવે બોણી ચોક્કસ થશે. 'સ્મિત લઈલો, સ્માઇલ લઈલો..' ફરી અવાજ રણક્યો.
'ક્યા બેચ રહે હો ભૈયા?' શહેરમાં બધા જ ફેરિયા લગભગ હિન્દીભાષી જ હોય એથી આદતવશ મારાથી હિન્દીમાં પૂછાઈ ગયું.
'સ્મિત છે બેનબા.' એણે શુદ્ધ ગુજરાતીમાં જવાબ આપ્યો.
મારા ગળે હજુ વાત ઊતરી નહોતી! હું ગુજરાતી છું એની એને કઈ રીતે ખબર પડી હશે! અને સ્મિત તે કંઈ વેચાતું મળતું હશે? પણ એનો અવાજ એટલો સંમોહિત કરનારો હતો કે હું એને સ્પષ્ટપણે ના ન પાડી શકી. આપણે શોપિંગના નામે ઘરમાં કેટલીય વણજોઈતી વસ્તુઓના ઢગલા કરી દેતા હોઈએ એ વાત યાદ આવી ગઈ. એને ઉપર આવવાનો ઈશારો કરી ચાનો કપ રસોડામાં મૂકી છુટ્ટા વાળમાં ક્લિપ ભરાવતાં ભરાવતાં મેં દરવાજો ખોલ્યો. એ દાદરા પાસે પોતાની ટોપલી સાથે મંદ મંદ સ્મિત રેલાવતો બેઠો હતો. મને આશ્ચર્ય થયું કે આટલી જલ્દી ત્રીજા માળે પહોંચી પણ ગયો!
'બેનબા, મારી પાસે દરેક રંગનું સ્મિત છે. તમને જે જોઈએ એ જાતે છાંટી લો.' ટહુકો કરતાં એણે ટોપલીને મારી તરફ ખસેડી.
'કોઈ બીજાનું સ્મિત મારે શું કામનું? આવી વસ્તુ ખરીદે કોણ? આમાંથી તારું ઘર ચાલે છે? બીજું કશુંક વેચતો હોય તો.' મેં બેચાર પ્રશ્ન સામટાં પૂછી લીધા.
'વાત માત્ર પૈસાની નથી, આ અરજનો કારોબાર છે. જેમણે જેમણે પોતાનાં સ્મિત વેચાણ માટે આપ્યા છે એમની અરજ હું લઈને આવ્યો છું. આપ ખરીદશો તો એમના ઘરમાં ખુશીની પધરામણી થશે તો મને અને તમને બન્નેને એમના આશીર્વાદ મળશે. આવી ચીજ ખરીદનારા રોજેરોજ ન પણ મળે. પણ ક્યારેક તમારા જેવું કોઈ ને કોઈ મળી જ જાય છે બેનબા."
'મારા જેવા એટલે?' મારાથી પૂછાઈ ગયું.
'એટલે મોટા શહેરોમાં રહેવાવાળા લોકો. જાહેરમાં કાયમ ચહેરા પર પ્લાસ્ટિકીયું સ્મિત ચોંટાડીને ફરતા લોકો. ક્યારેક આવું સાચુંકલું લઈ જુઓ. કોઈ પણ ભેળસેળ વગરનું. તદ્દન નિર્મળ.'
'સ્મિત જેનું છે એની પાસે જ હોવું જોઈએ. હું કેવી રીતે લઈ શકું?'
'તમારા નમણા ચહેરા પર શોભી ઊઠશે બેનબા. દરેક ચહેરો આવા નિર્મળ સ્મિતને લાયક નથી હોતો. સ્પર્શીને જુઓ, ટેરવા પરથી સીધું હ્રદયમાં ઊતરી જશે. આની અસર ખાળી ન શકાય એવી છે. ઘણા દિવસથી કશું વેચાણ નથી થયું. તમે ખરીદી લો તો મારા બચ્ચા આશીર્વાદ આપશે.'
'ક્યાંથી લઈ આવ્યો છે આ ટોપલું ભરીને સ્મિત?'
તમે પણ બેનબા, મજાક કરો છો! આ દુનિયામાં સ્મિતની કમી ઓછી છે! તમે એક ખરીદશો તો એ બે જણાના ચહેરા પર જઈ વસી જશે. એક તો તમારા પોતાના અને બીજા એવા કેટલાય ચહેરાઓ પૈકીના એક પર જે કાળઝાળ તકલીફમાં પણ હસતાં રહે છે. અસહ્ય પીડામાં પણ મલકતાં રહે છે. ઘેરી ઉદાસી પણ એક હળવા સ્મિત સાથે ગળા નીચે ઉતારી દેતા હોય છે.'
'ઠીક છે. કોઈ એવું સ્મિત જે તારી પાસે ઘણા વખતથી પડ્યું રહ્યું હોય એ આપી દે.'
'ના બેનબા, એ સ્મિતની સાથે તો મારું મન હળી ગયું છે. તમે બીજું કોઈ પસંદ કરી લો.'
'ભલે. તું જ તારે હાથે આપી દે જે તને યોગ્ય લાગે એ.'
'તમે આ લઈલો.' એની વાત કરવાની સ્ટાઇલ પણ કમાલની હતી. મેં એ સ્મિત ખરીદી લીધું.
બોણી થતાં જ એ તાનમાં આવી ગયો. મેં એને અડધો કપ ચા આપી. એણે દાદરા પર બેઠાબેઠા ચા સાથે વાર્તા માંડી. જુદજુદા સ્મિત વિશે એ એક પછી એક વાર્તા કરતો ગયો. દરેક વાર્તા આગલીથી જુદી હતી. હા, વાર્તા.. પોતાનું સ્મિત વેચીને કોઈ ડોક્ટર બન્યું અને કોઈ એન્ન્જિનીયર બન્યું એની વાર્તા! કોઈએ હોટેલમાં વાસણ માંજવાથી શરૂ કરેલી સફર આજે પોતાની નાનકડી હોટેલ ખોલવા સુધી પહોંચી છે એની વાર્તા. કોઈ પોતાના ટ્રેક્ટરથી ખેતી કરીને જમીનમાં સોનું ઉગાડે છે એની વાર્તા. દરેક સ્મિતની વાર્તા એક નાનકડી અપેક્ષા પર આવીને ઉભી રહેતી હતી.
મેં મારી પાસે જેટલા પૈસા હતાં એ આપીને એની આખી ટોપલી ખરીદી લીધી. હવે એની પાસે ઘર ચલાવવા પૈસા હતાં અને મારી પાસે હતાં ટોપલો ભરીને સ્મિત.
આ ટોપલીવાળા કાંડ પછી મારે ત્યાં ટપાલીની અવરજવર વધી ગઈ છે. એ વારેતહેવારે મને પત્રો અને થેંક્યુ કાર્ડ આપી જાય છે. હું એ બધું મોકલનારમાંથી કોઈનેય પ્રત્યક્ષ મળી નથી છતાં એમનાં મોકલેલા વહાલભર્યા સંદેશા વાંચીને મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. પેલો ફેરિયો આ રીતે મને દરેક સ્મિતની રસીદ મોકલાવતો તહે છે. પાક્કી રસીદ!
મારા મિત્રો અને પરિવારજનો કહે છે કે હું બહું જ ભોળી છું. મને સહેલાઈથી ઉલ્લુ બનાવી શકાય છે. કોઈક અજાણ્યા માણસની ખોટી વાર્તાઓમાં આવી જઈને મેં બહુ બધા પૈસા ગુમાવી દીધા છે. આવા લોકો તો પગ પગ પડ્યા છે જે ખોટી વાતો બનાવીને પૈસા કઢાવી જાય. એ બધાને મેં ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ હવે પડતું મૂકી દીધું છે.
થોડાક દિવસોથી વૃક્ષો પર ફરી ચકલીઓ અને ખિસકોલીઓ ફરી દેખાવા લાગી છે. હું બાલ્કનીની પાળી પર સફરજનની ફાડ મુકું તો ખીસકોલી આસ્તેકથી આવીને લઈ જાય છે. પરદા પાછળ છુપાઈને મોઢામાં ફાડ લઈને દોડી જતી ખીસકોલીને જોવાની બહુ જ મજા પડે છે. હું મુક્ત મને હસી પડું છું. સવારના ચાનો કપ લઈને બાલ્કનીમાં બેઠી હોઉં ત્યારે મારા કાન આપોઆપ સરવા થઈ જાય છે કે ક્યારેક ફરી પેલા ફેરિયાનો અવાજ સંભળાઈ જાય. એવું નક્કી કર્યું છે કે આ વખતે તો પેલું જે સૌથી ફિક્કું સ્મિત હતું એ જ ખરીદી લેવું છે.
હા, હવેથી મારી આંખો રોજ જલદી જ ખૂલી જાય છે અને મારી ગુલ્લક પણ આખી ભરાઈ ગઈ છે. એ પૈસાથી ઘણા બધાં સ્મિત ખરીદી શકાશે.
તમે ધ્યાન આપશો તો કોઈક ફેરિયો તમનેય દેખાશે. ખેતરમાં કામ કરનારા, મજૂરી કરનારા, કારીગરી કરનારાઓના નાનાનાના સ્મિતને લઈને ઉભેલો. તમે એક સ્મિત ખરીદશો તો એ બે ચહેરાની શોભા વધારશે. ખરુંને?
~ રાજુલ ભાનુશાલી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો