Translate

લેબલ smile સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ smile સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

ગેસ્ટ બ્લોગ : તમે ક્યારેય સ્મિત વેચાતું લીધું છે?

                 આજે આંખો બહુ જલદી ખૂલી ગઈ હતી. સવારના છ વાગ્યા હતા. હજુ શહેરની આળસ  પૂરીપૂરી ઊડી નહોતી. આ ગામડું ઓછું હતું કે લોકો પરોઢિયે શિરામણ પતાવીને ખેતરે પહોંચતા થઈ જાય! રસ્તો સુમસામ હતો. એકલદોકલ રાહદારી અને છાપાવાળા  કે દુધવાળા સિવાય ભાગ્યે જ કોઈ ચહલપહલ હતી. ચોમાસું નજદીક આવી રહ્યું હતું એટલે ગલીના વૃક્ષોને ટ્રીમ કરવાનું  કામકાજ હજુ ગઈકાલે જ પત્યું હતું. એમની દુનિયા ડિસ્ટર્બ થઈ ગઈ હતી એટલે ઘણાખરી ખીસકોલીઓ અને પક્ષીઓ પણ બીજી ગલીઓમાં હિજરત કરી ગયા હતાં. તેમાં આ સમયે માથે ટોપલી લઈને ધીમે પગલે ચાલતા જતા આ ફેરિયાને જોઈને મને આશ્ચર્ય થયું. ગઝબ મીઠો અવાજ હતો!  શાંત વાતાવરણમાં એ અવાજના પડઘા વધુ મીઠા લાગી રહ્યા હતાં. દિવસનો અન્ય કોઈ સમય હોત તો કદાચ ઘોંઘાટમાં એનો અવાજ સંભળાત નહીં. મેં ફરી ધ્યાનથી સાંભળવાનો  પ્રયત્ન કર્યો કે એ શું વેચી રહ્યો છે, એ સ્મિત અને સ્માઇલ જ બોલ્યો હતો કે એ મારો ભ્રમ હતો! મેં આંખો ખેંચીને એની ટોપલીમાં જોવાનો પ્રયત્ન કર્યો પણ ત્રીજા માળેથી કશું સ્પષ્ટ કળાયું નહીં.  બરાબર એ જ ક્ષણે એણે પણ ઉપર જોયું અને અમારી આંખો મળી. એની  દ્રષ્ટિમાં કંઈક અજબ ભાવ હતો, કદાચ એ આત્મવિશ્વાસ હતો કે હવે બોણી ચોક્કસ થશે. 'સ્મિત લઈલો,  સ્માઇલ લઈલો..' ફરી અવાજ રણક્યો. 

'ક્યા બેચ રહે હો ભૈયા?' શહેરમાં બધા જ ફેરિયા લગભગ હિન્દીભાષી જ હોય એથી આદતવશ મારાથી હિન્દીમાં પૂછાઈ ગયું.   

'સ્મિત છે બેનબા.' એણે શુદ્ધ ગુજરાતીમાં જવાબ આપ્યો.

મારા ગળે હજુ વાત ઊતરી નહોતી! હું ગુજરાતી છું એની એને કઈ રીતે ખબર પડી હશે! અને  સ્મિત તે કંઈ વેચાતું મળતું હશે? પણ  એનો અવાજ એટલો સંમોહિત કરનારો હતો  કે હું એને સ્પષ્ટપણે ના ન પાડી શકી. આપણે શોપિંગના નામે ઘરમાં કેટલીય વણજોઈતી વસ્તુઓના ઢગલા કરી દેતા હોઈએ એ વાત યાદ આવી ગઈ. એને ઉપર  આવવાનો ઈશારો કરી ચાનો કપ રસોડામાં મૂકી છુટ્ટા વાળમાં ક્લિપ ભરાવતાં ભરાવતાં મેં  દરવાજો ખોલ્યો. એ દાદરા પાસે પોતાની ટોપલી સાથે મંદ મંદ સ્મિત રેલાવતો બેઠો હતો. મને આશ્ચર્ય થયું કે આટલી જલ્દી ત્રીજા માળે પહોંચી પણ ગયો!

'બેનબા, મારી પાસે દરેક રંગનું સ્મિત છે. તમને જે જોઈએ એ જાતે છાંટી લો.' ટહુકો કરતાં એણે ટોપલીને મારી તરફ ખસેડી.

'કોઈ બીજાનું  સ્મિત મારે શું કામનું? આવી વસ્તુ ખરીદે કોણ?  આમાંથી તારું ઘર ચાલે છે? બીજું કશુંક વેચતો હોય તો.' મેં બેચાર પ્રશ્ન સામટાં પૂછી લીધા.

'વાત માત્ર પૈસાની નથી, આ અરજનો કારોબાર છે.  જેમણે જેમણે પોતાનાં સ્મિત વેચાણ માટે આપ્યા છે એમની અરજ હું લઈને આવ્યો છું. આપ ખરીદશો તો એમના ઘરમાં ખુશીની પધરામણી થશે તો  મને અને તમને બન્નેને એમના આશીર્વાદ મળશે.  આવી ચીજ ખરીદનારા રોજેરોજ ન પણ મળે. પણ ક્યારેક તમારા જેવું કોઈ ને કોઈ મળી જ જાય છે બેનબા."

'મારા જેવા એટલે?' મારાથી પૂછાઈ ગયું.

'એટલે મોટા શહેરોમાં રહેવાવાળા લોકો. જાહેરમાં કાયમ ચહેરા પર પ્લાસ્ટિકીયું સ્મિત ચોંટાડીને ફરતા લોકો. ક્યારેક આવું સાચુંકલું લઈ જુઓ. કોઈ પણ  ભેળસેળ વગરનું. તદ્દન નિર્મળ.'

'સ્મિત  જેનું છે એની પાસે જ હોવું જોઈએ. હું કેવી રીતે લઈ શકું?'

'તમારા નમણા ચહેરા પર શોભી ઊઠશે બેનબા. દરેક ચહેરો આવા નિર્મળ સ્મિતને લાયક નથી હોતો.  સ્પર્શીને જુઓ, ટેરવા પરથી સીધું હ્રદયમાં ઊતરી જશે. આની અસર  ખાળી ન શકાય એવી છે. ઘણા દિવસથી કશું વેચાણ નથી થયું. તમે ખરીદી લો તો મારા બચ્ચા આશીર્વાદ આપશે.'

'ક્યાંથી લઈ આવ્યો છે આ ટોપલું ભરીને સ્મિત?'

તમે પણ બેનબા, મજાક કરો છો! આ દુનિયામાં સ્મિતની કમી ઓછી છે! તમે એક ખરીદશો તો એ બે જણાના ચહેરા પર જઈ વસી જશે. એક તો તમારા પોતાના અને બીજા એવા કેટલાય ચહેરાઓ પૈકીના એક પર જે કાળઝાળ તકલીફમાં પણ  હસતાં રહે છે. અસહ્ય પીડામાં પણ મલકતાં રહે છે. ઘેરી ઉદાસી પણ એક હળવા સ્મિત સાથે ગળા નીચે ઉતારી દેતા હોય છે.'

'ઠીક છે.  કોઈ એવું સ્મિત જે તારી પાસે  ઘણા વખતથી પડ્યું રહ્યું હોય એ આપી દે.'

'ના બેનબા, એ સ્મિતની સાથે તો મારું મન હળી ગયું છે. તમે બીજું કોઈ પસંદ કરી લો.'

'ભલે. તું જ તારે હાથે આપી દે જે તને યોગ્ય લાગે એ.'

'તમે આ લઈલો.' એની વાત કરવાની સ્ટાઇલ પણ કમાલની હતી. મેં એ સ્મિત ખરીદી લીધું.

બોણી થતાં જ એ તાનમાં આવી ગયો. મેં એને અડધો કપ ચા આપી. એણે દાદરા પર બેઠાબેઠા ચા સાથે વાર્તા માંડી. જુદજુદા સ્મિત વિશે એ એક પછી એક વાર્તા કરતો ગયો. દરેક વાર્તા આગલીથી જુદી હતી. હા, વાર્તા.. પોતાનું સ્મિત વેચીને કોઈ ડોક્ટર બન્યું અને કોઈ એન્ન્જિનીયર બન્યું એની વાર્તા! કોઈએ હોટેલમાં વાસણ માંજવાથી  શરૂ કરેલી સફર આજે પોતાની નાનકડી હોટેલ ખોલવા સુધી પહોંચી  છે એની વાર્તા. કોઈ  પોતાના ટ્રેક્ટરથી ખેતી કરીને જમીનમાં સોનું ઉગાડે છે એની વાર્તા.  દરેક સ્મિતની વાર્તા એક નાનકડી  અપેક્ષા પર આવીને ઉભી રહેતી હતી. 

મેં મારી પાસે જેટલા પૈસા હતાં એ આપીને એની આખી ટોપલી ખરીદી લીધી. હવે એની પાસે ઘર ચલાવવા પૈસા હતાં અને મારી પાસે હતાં ટોપલો ભરીને સ્મિત.

આ ટોપલીવાળા કાંડ પછી મારે ત્યાં ટપાલીની અવરજવર વધી ગઈ છે. એ વારેતહેવારે મને પત્રો  અને થેંક્યુ કાર્ડ આપી જાય છે. હું એ બધું મોકલનારમાંથી કોઈનેય પ્રત્યક્ષ મળી નથી છતાં  એમનાં મોકલેલા વહાલભર્યા સંદેશા વાંચીને મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. પેલો ફેરિયો આ રીતે મને દરેક સ્મિતની રસીદ મોકલાવતો તહે છે.  પાક્કી રસીદ!

મારા મિત્રો અને પરિવારજનો કહે છે કે હું બહું જ ભોળી છું. મને સહેલાઈથી ઉલ્લુ બનાવી શકાય છે. કોઈક અજાણ્યા માણસની ખોટી વાર્તાઓમાં આવી જઈને મેં બહુ બધા પૈસા ગુમાવી દીધા છે. આવા લોકો તો પગ પગ પડ્યા છે જે ખોટી વાતો બનાવીને પૈસા કઢાવી જાય. એ બધાને મેં ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ હવે પડતું મૂકી દીધું છે.

થોડાક દિવસોથી વૃક્ષો પર ફરી ચકલીઓ અને ખિસકોલીઓ ફરી દેખાવા લાગી છે. હું બાલ્કનીની પાળી પર સફરજનની ફાડ મુકું તો ખીસકોલી આસ્તેકથી આવીને લઈ જાય છે.  પરદા પાછળ છુપાઈને  મોઢામાં ફાડ લઈને દોડી જતી ખીસકોલીને જોવાની બહુ જ મજા પડે છે. હું મુક્ત મને હસી પડું છું. સવારના ચાનો કપ લઈને બાલ્કનીમાં બેઠી હોઉં ત્યારે મારા કાન આપોઆપ સરવા થઈ જાય છે કે ક્યારેક ફરી પેલા ફેરિયાનો અવાજ સંભળાઈ જાય. એવું નક્કી કર્યું છે કે  આ વખતે  તો પેલું જે સૌથી ફિક્કું સ્મિત હતું એ જ ખરીદી લેવું છે.

હા, હવેથી મારી આંખો રોજ જલદી જ ખૂલી જાય છે  અને મારી ગુલ્લક પણ આખી ભરાઈ ગઈ છે. એ પૈસાથી ઘણા બધાં સ્મિત ખરીદી શકાશે.

તમે ધ્યાન આપશો તો કોઈક ફેરિયો તમનેય  દેખાશે. ખેતરમાં કામ કરનારા, મજૂરી કરનારા, કારીગરી કરનારાઓના નાનાનાના સ્મિતને લઈને ઉભેલો. તમે  એક સ્મિત ખરીદશો તો એ બે ચહેરાની શોભા વધારશે. ખરુંને?

~ રાજુલ ભાનુશાલી


શનિવાર, 9 નવેમ્બર, 2013

ગેસ્ટ બ્લોગ : સ્મિત- હાસ્ય, દુર્લભ વિરલ અનુભવ


                                                                        -  લતા બક્ષી

સ્મિત અને હાસ્ય એક ધરી પર છે. સ્મિત અદભુત, સંતોષજનક,અને સકારાત્મક ભાવ પેદા કરે છે. જો કે આજના  યુગમાં ભાવ અલભ્ય થઇ ગયા છે. કહેવાય છે કે હસી હસીને બેવડ વળી ગયા. વાચકમિત્રો યાદ કરે કે તેમણે ક્યારે છેલ્લે મજા માણી હતી.આજના ગતિશીલ યુગમાં આપણે જીવન માણવા કરતાં ધ્યેય સાધવા વધુ દોડતાં હોઇએ છીએ.

મજાની વાત તો છે કે સ્મિત નિશુલ્ક છે, કાંઇ પણ પૈસા પડતા નથી, તેના પર હજી સુધી કોઇ કર લાદવામાં આવ્યો નથી.કદાચ તેથી આપણે અણમોલ ખજાનાથી અજાણ છીએ.

મારો અનુભવ કહું - રાત્રે લગભગ સાડા નવ વાગે મુંબઇની લોકલ ટ્રેનમાં મહિલાના ડબ્બામાં મારી સામેની બેઠક પર ૧૮ અને ૨૦ વરસની બે તરુ ણી આવીને બેઠી . હું પુસ્તક વાંચતી હતી,  મેં ઉચુ જોઇને તેમનુ સ્મિત વડે અભિવાદન કર્યુ બન્ને જણા ચુપ થઈ ગયા. પછી એક યુવતીએ બીજીને પુછ્યુ તું આમને ઓળખે છે?  

મેં સાંભળ્યું.  તેણીએ માથું ધુણાવીને ના પાડી બન્ને મારી સામેની બેઠક પરથી ઉઠીને અન્ય જગ્યાએ બેસી ગયા. મારા સાહજિક વર્તનમાં  તેમને કોઇ છુપો આશય દેખાયો હશે. બન્ને યુવતીના પ્રતિભાવે મને વિચારમાં મુકી દીધી.

મારા મિત્ર ગાડી ચલાવતા હતા. સિગ્નલ પાસે ઉભેલા પોલીસ હવાલદારનું તેમણે સ્મિત થી અભિવાદન કર્યું. પોલિસે ગાડી બાજુમાં લેવડાવી અને ગાડીના બધા દસ્તાવેજ તપાસ્યા. કદાચ પોલિસને લાગ્યું હશે કે આની પાસે યોગ્ય દસ્તાવેજ નહી હોય તેથી મારુ અભિવાદન કરે છે! 

સ્મિત દોસ્તીનુ પહેલું ચરણ છે, સંવાદ શરુ કરે છે, પરસ્પરને જોડે છે, પરિણયમાં પાંગરે છે, વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે.

હાસ્ય હંમેશા નિર્દોષ હોય છે અને સારા અર્થમાં ચેપી હોય છે. યાદ રહે અહીં હું લાફ્ટર ક્લબની વાત નથી કરતી.

                સુખદ આનંદદાયી અનુભવો તે વીતી ગયાના સમય બાદ પણ મને જ્યારે યાદ આવે ત્યારે એટલી ઉત્કટતાથી હસવું આવે છે. આજુબાજુની વ્યક્તિઓ મારી સામું કદાચ એવું વિચારીને જુએ છે કે બહેન નું ચસ્કી તો નથી ગયું!

આપણે દરેક કામને, વિચારને તર્કથી બાંધીએ છીએ, અને તેનુ પરિણામ સ્વલક્ષી હોવું જોઇએ તેમ માનીએ છીએ, આથી ખડખડાટ હસવું શિષ્ટાચાર ગણાતું નથી.

ખેર, શિષ્ટાચાર હું કેળવી શકું મને કબુલ છે.

વાચકમિત્રો, મારા અનુભવનો પ્રયોગ તમે પણ કરી જોજો ચો ક્કસ મજા આવશે


- લતા બક્ષી

રવિવાર, 27 માર્ચ, 2011

ગેસ્ટ બ્લોગ : 'સ્મિત......એક ઝરણું'

ગેસ્ટ બ્લોગર : કિશોર દવે

પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં સ્મિતનો સંગાથ લીધો હશે જ. અને સ્મિતનું વિશાળ સ્વરૂપ એટલે હાસ્ય- એટલે એમ કહેવાની ઈરછા થાય કે સ્મિત એ કલકલ કરતું ઝરણું છે, અને હાસ્ય તે ખળખળાટ દોડતો નદીનો પ્રવાહ છે.


મનુષ્યને જરા પણ ગમતી વસ્તુ થાય કે -પોતાની પસંદગીની વસ્તુ સામે આવે ત્યારે સ્મિત એ સહજ છે. તેનાં ચહેરાનાં સ્નાયુ સ્મિતનું રૂપ લે છે.સ્ત્રીઓના જીવનમાં એક એવો કરૂણ મંગલ પ્રસંગ આવે છે કે જ્યારે કહેવાય છે કે તેની એક આંખમાં હર્ષનાં આસું વહે છે અને એક આંખમાં વેદનાનું સ્મિત નીતરે છે.તે પ્રસંગ એટલે 'કન્યા વિદાય' ; એ પ્રસંગમાં કન્યાને પોતાનું ધર કે જ્યાં તે ઉછરીને મોટી થઈ છેએ ઘરમાં ભાઈ બહેન- માતા પિતા- દાદા દાદીનો પ્રેમ મળ્યો છે

છોડ્તાં દુ;ખ થાય છે એટલે તે વેદનાનું સ્મિત વેરે છે. અને બીજી બાજુ પોતાના નવજીવનની જ્યાં શરૂઆત થવાની છે.એ જાણી બીજી આંખમાં તેને આવનાર સુખની પ્રતિક્ષાનાં આસું આવે છે - તે હર્ષનાં આસું છે. સ્મિતનાં ઝરણાંની વાત કરીએ તો વિશ્નમાં સાચું સ્મિત જોવું હોય તો તે નિર્દોષ નાના બાળકનું- કે જે સ્મિતમાં જીવન છે- આનંદ છે. નિર્દોષ સ્મિતની તસ્વીરો આપણે જોતાં હોઈએ છીએ ત્યારે એટલો આનંદ આવે છે જાણે કે તે તસ્વીર આપણે જોતા જ રહીએ, તે નિર્દોષ સ્મિતની મઝા માણતા જ રહીએ.

સ્મિત એટલે સાંગોપાંગ શુધ્ધતાનું સ્વરૂપ છે. તેમાં કોઈ ભેળ સેળ નથી પર્વતમાંથી નીકળતા ઝ્રરણાંનું પાણી કેટલું શુધ્ધ હોય છે તે તમે કદી જોયું છે? બસ એવીજ શુધ્ધતા-પારદર્શકતા સ્મિતમાં રહેલી છે.પ્રત્યેક માનવી જ્યારે પોતાની મનપસંદ વસ્તુ જુએ છે-માણે છે ત્યારે તે ખડખડાટ હસે પરંતુ તે કરતાં તે માત્ર મીઠુ સ્મિત હોઠ પર લાવીને સામા માણસાને ખુશ કરી શકે છે. એટલે એનો અર્થ એમ નહી કે માણસોએ કદી હાસ્ય ન કરવું પરંતુ માત્ર જરાક હોઠ મલકાવીને વેરેલું સ્મિત પેલા હાસ્ય કરતાં વધુ કામ કરી શકે -સામી વ્યક્તિ પર સંયમની શુધ્ધતાની છાપ પાડી શકે.

આ સર્વમાં કેટલીક વખતે આપણે જોઈ શકીએ છીએ કે જે માનવી પારદર્શક નથી હોતો તેનાં સ્મિતમાં પણ તે કંજુસાઈ કરે છે અને હોઠ પર સ્મિત લાવે તો પણ તે બનાવટી લાગે છે. એટલે માનવીએ એ પ્રકારનાં સ્મિત પારખવાની પણ કળા શીખવી જોઈએ હાસ્યની પણ એક દુનીયા છે આપણા સિધ્ધ હસ્ત લેખકો શ્રી જ્યોતિન્દ્ર દવે, શ્રી ધનસુખલાલ મહેતા, શ્રી તારક મહેતા વગેરેના હાસ્ય લેખ વાંચશું તો તેમાં પણ સ્મિત જેવુંજ શુધ્ધ અને નિર્દોષ હાસ્ય આપણે માણી શકીશું તેમના પ્રત્યેક લેખમાં કાંઈક એવુંજ તત્વ હોય છે કે તમે એકલાં એકલાં તેમનાં પુસ્તકો વાંચશો તો તમે હસ્યા વિના રહી ન શકો!

માનવીના જીવનમાં જ્યારે દુ;ખની પળો આવે છે- ત્યારે સહજ રીતે માનવી આસું સારે છે દુ;ખનો પ્રભાવ વધારે હોય તો જોરજોરથી રડી પડે છે. ત્યારે તેને સાંત્વન આપી શાંત કરવો પડે છે.માનવ જીવનમાં સુખ અને દુ:ખ એ બંને ત્રાજવાનાં બે પલ્લાં છે.એ પલ્લાંને કેમ સમતોલ રાખવા એ માનવીની ફરજ બની રહે છે. સુખ આવે ત્યારે છકી જવું કે બીજાનું અપમાન કરવું અને દુ:ખ આવે ત્યારે માત્ર એકલા બેસી રૂદન કરવું એ યોગ્ય વર્તન નથી.જીવનમાં સુખની પળોને કઈ રીતે માણવી એ આવડવું પણ ખૂબ જરૂરી છે.કેટલીક વખતે બીજાના મુખ પર સુંદર સ્મિત જોઈને આપણાં ચહેરા પર પણ સ્મિત રેલાઈ આવે છે. સુખ અને સંતોષના નિરાળા સ્મિતની તો વાત જ શી કરવી કારણ સુખ અને સંતોષ હોય ત્યાં શાંતિ અને આબાદી પણ હોય જ!આપણે સૌએ એવાં જ કામ કરવા જોઈએ જેના થકી દરેકના ચહેરા પર સ્મિત રેલાય. જીવનમાં એક ખાસ સ્થાન સ્મિત તથા નિર્ભેળ હાસ્યનું છે.કેટલીક વ્યક્તિઓના ચહેરા પર આવું સ્મિત સદાય ફરકતું જ હોય એટલે ગમે ત્યારે કોઈક તસ્વીરકાર આવી વ્યક્તિનો ફોટો પાડે ત્યારે તેણે કહેવું ન પડે કે 'સ્માઈલ પ્લીઝ...' અને આવી વ્યક્તિનો ફોટો જોતાં તમને તેના સ્મિતમાં પેલાં શુદ્ધ અમ્રુત જેવાં પાણીના કલકલાટ કરતાં ઝરણાંનું પ્રતિબિંબ દેખાશે. ચાલો તો આવું સુંદર સ્મિત આપણે બધાં મોઢા પર ધારણ કરી લઈએ!

- કિશોર દવે