Translate

મંગળવાર, 27 જૂન, 2017

આપણે આવા કેમ છીએ ? (ભાગ - ર)

જુહુ બીચ પાસે આવેલી એક હોટલમાં ઓફિસની એક ટ્રેઇનિંગ અટેન્ડ કર્યા બાદ સાંજે જલ્દી ફ્રી થઈ ગયો એટલે સાંજે લગભગ સાડા પાંચ વાગે જુહુના દરિયા કિનારે ઢળતા સૂરજના સથવારે ચાલતા ચાલતા હરે રામ હરે ક્રુષ્ણ - ઇસ્કોન મંદિર જવાનું નક્કી કર્યું. દરિયા કિનારાનું એક આગવું આકર્ષણ હોય છે,બીચ પર ચાલવાની - સમય પસાર કરવાની એક અનેરી મજા છે! શુક્રવારની ચાલુ દિવસની સાંજ હતી એટલે બીચ પર ભીડ હકડેઠઠ નહોતી.દરિયા કિનારાની હવા શ્વાસમાં ભરતા ભરતા કાનમાં ઈઅર-ફોન્સ વડે મનપસંદ ગીતો સાંભળતા સાંભળતા ચાલતો હતો ત્યાં ધ્યાન જેની પર ચાલી રહ્યો હતો તે રેતી પર ગયું.


ઓટ હોવાથી પાણી તો ખાસ્સુ દૂર હતું અને તેથી રેતીનો વિશાળ પટ દ્રષ્યમાન થતો હતો પણ આ તો મન પ્રસન્ન થવાની જગાએ ખિન્ન થઈ ગયું.જ્યાં નજર પડે ત્યાં પ્લાસ્ટીકની થેલીનો અને અન્ય કચરો જ નજરે ચડતો હતો. સુંદર દરિયા કિનારાની આપણે કેવી હાલત કરી નાંખી છે!

મોટા ભાગના ભારતીયો પૂજાપાનો સામાન ડર કે અંધશ્રદ્ધાના માર્યા દરિયામાં પધરાવે છે, એ પણ પાછું પ્લાસ્ટીકની થેલીમાં નાખીને અને પર્યાવરણ અને દરીયાઈ જીવો-પરીસરને ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન પહોંચાડવાની સાથે જ પોતાની આસપાસના દરિયા કિનારાની સ્વચ્છ જગાને ગંદી-દૂષિત કરવાનું મહા પાપ આચરે છે. આપણે આવા કેમ છીએ ?
થોડા સમય અગાઉ ગૌમાતાના નામે રાજકારણ રમાયું અને કેરળમાં કેટલાક યુવાનેતાઓએ ગૌમાસ પરના પ્રતિબંધના કેન્દ્રસરકારના પગલાનો વિરોધ કરવા વાછરડાને રસ્તા વચ્ચે કાપી તેનું માંસ રાંધી ખાધું.
દિલ્હીમાં રવિન્દર કુમાર નામના એક ઇ-રીક્ષાવાળાએ દિલ્હી યુનિવર્સીટીના મનાતા બે યુવાન વિદ્યાર્થીઓ (જે દારુના નશામાં હતા) ને રસ્તા પર મૂતરવાની ના પાડી એટલે પેલા શેતાનોએ પોતાના સાથીઓ સાથે પાછા ફરી રવિન્દરને એટલો ઢોરમાર માર્યો કે રવિન્દરની પત્નીના ગર્ભમાં રહેલું સાત માસનું બાળક જન્મ લેતા પહેલા પિતાની છત્ર છાયા ગુમાવી બેઠું. થાણે માં  બનેલા એક કિસ્સામાં શેર રીક્ષા કરેલી એક યુવતિને સાથે બેસેલા સહપ્રવાસીએ અડપલું કર્યું તેનો વિરોધ કરતાં સહપ્રવાસીએ યુવતિને ચાલુ રીક્ષામાં થી બહાર ફેંકી દીધી.જો કે કિસ્સામાં પોલીસની સતર્કતા અને સી.સી.ટી.વી.કેમેરા ની મદદ વડે રીક્ષા ડ્રાઈવર અને તેના મિત્ર એવા પેલા ગુનેગાર સહપ્રવાસી ની ધરપકડ થઈ ચૂકી છે. આવાજ એક અન્ય ઘૃણાસ્પદ કિસ્સામાં વીસેક વર્ષીય એક યુવતિ ગુરગાવમાં પોતાના આઠ મહિનાના બાળકને લઈને શેરરીક્ષામાં બેસી પોતાને ઘેર જવા નીકળી અને અન્ય બે સહપ્રવાસીઓ તેમજ રીક્ષા ડ્રાઈવરે સાથે મળી યુવતિના બાળકને રસ્તા પર પછાડ્યું અને નિર્દોષ બાળક મરી ગયું. ત્યાર બાદ નરાધમોએ વારાફરતી પેલી યુવતિ પર બળાત્કાર કર્યો. વાંચીને ગુસ્સો આવે છે? મારું પણ લોહી ઉકળી ઉઠ્યું હતું. નિર્ભયા બળાત્કાર કેસ પછી પણ બળાત્કારોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી.ઉલટું સમૂહ બળાત્કાર, બાળકોના યૌન શોષણના વધુ કિસ્સાઓ રોજબરોજ વાંચવામાં આવી રહ્યા છે. બધું ક્યાં જઈને અટકશે?
લખી રહ્યો છું ત્યારે વોટ્સએપ પર એક મેસેજ આવ્યો છે જે વિષયના સંદર્ભને અનુરૂપ છે એટલે અહિ ટાંકુ છું – “નિષ્ક્રીય યુધિષ્ઠીર અને સક્રિય દુર્યોધન આજના વિશ્વની સૌથી મોટી સમસ્યા છે.-ગુણવંત શાહ”
અંધારી લાંબી ટનલને અંતે પ્રકાશનું કિરણ ટનલનો અંત અને અજવાળાના વિશ્વની નજીક હોવાની ખાતરી અને પ્રતિતી કરાવે છે એમ જ આટલી નકારાત્મકતા છતાં કેટલાક હકારાત્મક લોકો અને પ્રસંગો એક દિવસ સારો અને આદર્શ આવશે એવી આશા જગાડે છે. પરિસ્થિતી સાવ ખાડે જતી રહી હોય એવી સ્થિતી નથી. મુંબઈના જ વર્સોવા બીચને અફ્રોઝ શાહ નામના એક જુવાનિયાએ સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું અને એટલી ખંત અને ધગશથી એણે આ કાર્યની શરૂઆત કરી કે આજે આ બીચ પરથી લગભગ ૫૪લાખ ટન જેટલો કચરો દૂર કરી નાંખવામાં અફ્રોઝ સાથે સેંકડો મુંબઈગરા અને સુધરાઈ પણ જોડાયા છે અને વર્સોવા બીચ એટલો સ્વચ્છ થઈ ગયો છે કે તેની નોંધ પ્રધાનમંત્રી અને સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ લીધી છે.
મથુરાના એક મંદીર પાસે જૂતા સાચવવાની સેવા આપતી એક વૃદ્ધ વિધવાએ પોતાના જીવનભરની લગભગ પચાસ લાખ જેટલી રકમની સંપત્તિ ગૌશાળા માટે - ગાયમાતાની સેવા અર્થે દાનમાં આપી દીધાનો વોટ્સએપ પર વાઈરલ થયેલ સંદેશ હ્રદયને સ્પર્શી ગયો.
મુંબઈ પાસે થાણેમાં પણ સત્તાવીસ-અઠ્ઠાવીસ વર્ષના યુવકને પાત્રીસ રૂપિયા છૂટ્ટા હોવાથી ભાગી જતા રીક્ષા ડ્રાઈવરનો સામનો કરવાનું ભારે પડ્યું અને રીક્ષાવાળાએ તેના બીજા સાત-આઠ રીક્ષાવાળા સાથીઓ  સાથે મળીને ઢીબી નાંખ્યો પણ સદનસીબે આસપાસના લોકોમાં રામ વસ્યા અને તેમણે વચ્ચે પડી એન્જિનિયર યુવકને બચાવી લીધો.
લૂંટારાઓને તાબે થનાર અરુણિમા સિન્હાને ચાલુ ટ્રેને બહાર ફેંકી દેવાઈ અને તેના બંને પગ કાપી નાંખવા પડ્યા પણ ગજબની હિંમતવાન છોકરીએ કૃત્રિમ પગ બેસાડ્યા અને ઘરમાં બેસી રહેતા દુનિયાનું સૌથી ઉંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું અને પછી તો દુનિયાના ઉંચામાં ઉંચા શિખરો તે એક પછી એક સર કરતી ગઈ છે.
મુંબઈની એક યુવતિએ તેના પર છેલ્લા કેટલાક વર્ષોથી અત્યાચાર ગુજારી રહેલા શેતાની સાધુનું લિંગ કાપી નાખ્યાના સમાચાર થોડ સમય અગાઉ વાંચવામાં આવ્યા હતા. આવી હિંમત દરેક યુવતિએ કેળવવાની જરૂર છે.
આપણે સૌ થોડા વધુ જાગૃત બનીએ,આસપાસની બાબતોમાં રસ લઈએ અને જરૂર પડ્યે સારા પરીણામ માટે ક્યાંક વચ્ચે પણ પડતા શિખીએ. તો ચોક્કસ સારો અને આદર્શ દિવસ આપણાં સૌ માટે અને આપણાં દેશ માટે જલ્દીજ આવશે.

(સંપૂર્ણ)

રવિવાર, 18 જૂન, 2017

આપણે આવા કેમ છીએ ? (ભાગ - ૧)

એક રાતે મુંબઈ લોકલમાં ચર્ચગેટથી પાછો ફરી રહ્યો હતો.સામે બે બિહારી યુવાન બેઠા હતાં.તેમની કાને પડતી વાતચીત પરથી ખ્યાલ આવતો હતો કે તેઓ બિહારી છે.એકના મોઢામાં ગુટખા ભરેલું હતું.તેમની પાસે પ્લાસ્ટીકની એક પાણીની બોટલ હતી. ખાલી કરી બીજા યુવાને તે બારીમાંથી ચાલુ ટ્રેને ફેંકવા પ્રયત્ન કર્યો પણ મેં તેને રોક્યો.આથી તેણે બોટલ સીટની નીચે મૂકી દીધી.પહેલા યુવાને તે ફરી પાછી ઉપાડી અને બારીની બહાર ફગાવી દીધી.હવે મને ગુસ્સો આવ્યો.મેં તેને કહ્યું,"મૈને ઉનકો મના કિયાના પ્લાસ્ટીક બોટલ બહાર ફેંકનેસે.આપકો સમજ મેં નહિ આતા હૈ?થોડી દેર ખાલી બોટલ પકડ કે બૈઠો ના.સ્ટેશન પે ઢેર સારે કચરે કે ડિબ્બે હોમગે,ઉસમે હી ફેંકના ચાહિયે કોઈભી કચરા.ક્યું શહર કો ગંદા કર રહે હો?" તે છોભીલો પડી ગયો અને કોઈ જવાબ આપ્યા વગર ચૂપચાપ બેસી રહ્યો. બીજા એક દિવસે એક ભણેલાગણેલા લાગતા વયસ્ક વડીલે રીતે શીંગ-ચણા ખાધા બાદ કોઈ જાતનો ઝાઝો વિચાર કર્યા વગર ખાલી પડીકું ગાડીની બહાર ફેંક્યું. બાબત મોટા ભાગના લોકો માટે અતિ સામાન્ય છે. તેમને આમ કરતા પહેલા એક વેલ વિચાર પણ નથી આવતો જે એક દુ:ખદ બાબત છે. એક વિનંતી કે હવે પછી તમે કોઈને પણ આમ આપણું શહેર અસ્વચ્છ કરતા જુઓ તો શાંતિથી અને નમ્રતાપૂર્વક તેમને એમ કરતા અટકાવવાનો પ્રયત્ન ચોક્કસ કરજો.
રોજ ઘરે જતા રસ્તામાં મલાડના એક ચોક્કસ વિસ્તારમાંથી મારે પસાર થવું પડે છે.દર ચોમાસા વખતે એક બાબત જોવા મળે.અહિ એક નાળું છે જેની સફાઈ કર્યા બાદ ગટરનો ગંદો કચરો નાળાથી થોડે દૂર રસ્તા પર ખડકવામાં આવે છે.ગંદા કચરાના વાસ મારતા કાળા ઢગલા સામે એક ઝુણકા-ભાકર કેન્દ્ર આવેલું છે જ્યાં બેસી અનેક લોકો સવાર-બપોર-સાંજ ખાતા હોય છે. કચરાના ઢગલા પાસે બસ-સ્ટોપ છે જ્યાં અનેક લોકો ઉભા ઉભા બસની રાહ જોતા હોય છે.આટલી સાર્વજનિક જગાએ પણ નાળામાંથી ચોમાસા પૂર્વે કરાતી સફાઈના ભાગ રૂપે કચરો રસ્તા પર ખડકાય અને પછી દિવસો સુધી કચરો લઈ જવા કોઈ ફરકે નહિ.કોઈને કશો ફરક પડે નહિ.ગયા વર્ષે મોટા ભાગનો કચરો વરસાદના પાણી ભેગો વહી ગયા બાદ કચરાની ગાડીમાં બાકી વધેલો કચરો સુધરાઈ વાળા લઈ ગયા હતા. વર્ષે તો કેટલોક કચરો કદાચ લોકો લઈ ગયા હશે અને કેટલાક કચરા પર કોઈકે ભુસૂ કે દવા ભભરાવી હશે જે હજી થોડા ઘણા વધેલા-ત્યાં પડેલા કચરા પર જોવા મળે છે. વિસ્તારથી થોડે આગળ ચાલો એટલે એક માળા જેવી ઇમારત છે જેની નીચે સામે વરસાદ પડે એટલે આખી જગા પાણીમાં ગરકાવ થઈ જાય અને પાણી કેવું?ગંદુ કાળા રંગનું ત્યાં ઉભરાતી ગટરનું. ઇમારતમાં વસતા તેમજ રસ્તેથી પસાર થતા હજારો લોકોએ રસ્તા પરથી આવા કાળા ગંદા પાણીમાં થઈને,કાદવ-કીચડ વાળા પગ કરી સ્ટેશન સુધી પહોંચવું પડે.થોડા આગળ જાઓ એટલે મચ્છીમાર્કેટ વિસ્તાર આવતા અસહ્ય દુર્ગંધ તો સહન કરવી પડે પણ ત્યાં યે આસપાસની ગંદકી જુઓ તો નર્કમાં આવી ગયાનો અહેસાસ થાય. હું ઇચ્છુ છું કે પોસ્ટ કોઈ યોગ્ય અધિકારી વાંચે અને સમસ્યાઓમાંથી મલાડમાં વિસ્તાર અને તેની આસપાસના લોકોનો છૂટકારો થાય.
ક્વોરા નામની વેબસાઈટ પર ઘણી રસપ્રદ પ્રશ્નોત્તરી વાંચવા મળે. જ્ઞા તો વધે પણ ક્યારેક તો રમૂજ પણ મળી રહે અને ક્યારેક સાવ નોખો દ્રષ્ટીકોણ પણ જાણવા મળે. વેબસાઈટ પર એક સવાલ કોઈકે પૂછ્યો કે થોડા સમય અગાઉ શરૂ કરાયેલી લક્ઝરી ટ્રેન તેજસ એક્સપ્રેસ જે દિવસે ચાલુ થઈ તે દિવસે તેમાંથી મોંઘા ભાવના હેડફોન્સ ચોરાઈ ગયા.શું આપણે ભારતીયો આવી ટ્રેનને લાયક છીએ?
આ પ્રશ્નના અનેક જવાબો જુદા જુદા રાજ્યના લોકો દ્વારા અપાયેલા અને એ ખુબ સારા અને વિચારપ્રેરક હતા.અત્યાર સુધી હું પણ આ મુદ્દે માત્ર શરમ અને ગુસ્સાની લાગણી જ અનુભવતો હતો.પણ ક્વોરા પર અપાયેલા જવાબોમાંથી આ મુદ્દે કેટલાક રસપ્રદ તારણો જાણવા મળ્યા. જેમકે રેલવે વાળાઓએ હલકી કક્ષાના હેડફોન્સ મુકવા જોઇતા હતા!આટલી બધી સુવિધાઓ ધરાવતી અદ્યતન ટ્રેનના દરેક કોચમાં વેબકેમ નથી?ન હોય તો હોવાજ જોઇએ જેથી કોઈ ચોરી કરતું હોય તો પકડી શકાય.રેલવે પાસે દરેક સીટ પર કોણ બેઠું હતું તેની માહિતી તો હોય જ.તો પછી તેનો ઉપયોગ કરી જે સીટ પરથી હેડફોન ગાયબ થયું તેની પર કે તેની આગળ,પાછળ બેસેલા મુસાફરોને તપાસ માટે બોલાવી ગુનેગારને પકડી પાડવા અઘરૂં નથી.અને પકડ્યા બાદ એટલી આકરી સજા અને તેના અહેવાલ અખબારોમાં , સ્ટેશનો પર, ટીવી પર વગેરે અનેક જગાએ એટલા ફેલાવી દેવાના કે ભવિષ્યમાં કોઈ આવી હરકત કરવાની હિંમત જ ન કરે.મોટા ભાગનાં ઉત્તર આપનારાઓ એ એવો જ સૂર વ્યક્ત કર્યો હતો કે આપણે આવી સુવિધાઓ માટે લાયક તો છીએ પણ આપણે ત્યાં કાયદા અને વ્યવસ્થાનું યથાયોગ્ય પાલન થતું નથી.એટલે આવી ઘટનાઓ બને છે.વિદેશમાં રસ્તા પર થૂંકવા બદલ એટલો મોટો દંડ થાય કે કોઈ એમ કરવાનું વિચારે પણ નહિ.જ્યારે અહિં આવા દંડની જોગવાઈ હોવા છતાં કાયદાનું પાલન થાય છે ખરું?


(ક્રમશ:)

શનિવાર, 10 જૂન, 2017

વોક લેતા લેતા વૃક્ષોની સરાહના

ગયા સોમવારે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો.૧૯૭૪થી પાંચમી જૂનના દિવસને વર્લ્ડ એન્વાયરેમેન્ટ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.દર વર્ષે કોઈક એક દેશ યજમાન બને અને તે વર્ષની થીમ નક્કી કરે. થીમની આસપાસ ગૂંથાયેલા મુદ્દાઓને લગતા કાર્યક્રમો દિવસે અને વર્ષભર ઉજવાય અને પર્યાવરણ સંવર્ધન અને જાળવણીનો સંદેશ લોકો સુધી પહોંચાડાય. ભારત પણ વર્ષ ૨૦૧૧માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાન બન્યું હતું અને વર્ષની થીમ હતી "ફોરેસ્ટ : નેચર એટ યોર સર્વિસ". વર્ષનો યજમાન દેશ છે કેનેડા અને તેણે નક્કી કરેલી વર્ષની થીમ છે "કનેક્ટીંગ વિથ નેચર" એટલે કે પ્રકૃતિ સાથે જોડાણ..ગામડાનાં લોકો તો ઘણી બધી રીતે કુદરત સાથે જોડાયેલા હોય છે પણ શહેરોમાં વસતા લોકોએ અંગે વિચારવાની જરૂર છે.
પ્રકૃતિ સાથે તમે કઈ રીતે જોડાઈ શકો?
ઘરની બહાર નીકળો.બાગમાં જાવ,જંગલમાં જાવ,દરિયા કિનારે જાવ,ટેકરી કે ડુંગર પર જાવ અને સ્વચ્છ હવા તમારા શ્વાસમાં ભરો. ઘાસ પર ખુલ્લા પગે ચાલો, દરિયા કિનારાની રેતી પર ખુલ્લા પગે ચાલો. ફૂલોને અને પાંદડાને સ્પર્શો, પતંગિયાને જુઓ, ફુલોના અને વિવિધ રંગી જીવડાઓના રંગો અને સૌંદર્યને માણો. પંખીઓના મધુર સ્વરનું ગીત અને જીવડાઓના ગણગણાટને ધ્યાનથી સાંભળો-માણો. ઘેર પ્રાણી પાળ્યું હોય કે માછલીનું એક્વેરિયમ બનાવ્યું હોય તો તેની સાથે સમય પસાર કરો. તાજા ફળોનો સ્વાદ માણો,સુગંધીદાર પુષ્પોની-તાજા વરસાદની ખુશ્બો માણો. આકાશમાં તરતા વાદળો અને મેઘધનુષને વિસ્ફારીત નયને જુઓ. રાતે ટમટમતા તારલાઓથી ભરેલા નભને પણ ધરાઈ ધરાઈને જુઓ. ઝાકળની નજાકત માણો, સવારનો સુકોમળ તડકો માણો, સંધ્યાની સુંદરતા માણો. કુદરતના લખલૂટ ખજાનાનું આકંઠ પાન કરો. પ્રકૃતિ આના કોઈ પૈસા નહિ વસૂલે અને તમને જે આનંદ અને ખુશીનો અનુભવ થશે તે કોઈ અન્ય પ્રકારના આનંદ કે સંતોષ કરતા નોખો અને વધુ મનનીય હશે ચોક્કસ!
અગાઉ ૦૮-માર્ચ-૨૦૧૫ના દિવસેનિસર્ગના સાન્નિંધ્યમાં - ટ્રી અપ્રિશિયેશન વોક’ બ્લોગ લેખમાં જે પ્રવૃત્તિની વાત કરી હતી તે પ્રકારની એક વોક માટે હું ૨૮મી મે ૨૦૧૭ના રવિવારની વહેલી સવારે ગયો. મુંબઈવાસી બે વયસ્ક સન્નારીઓ ઉષા દેસાઈ અને રેની વ્યાસ પ્રકારની નેચર વોક્સ છેલ્લા થોડા વર્ષોથી મુંબઈ અને આસપાસના બગ-બગીચા અને જંગલોમાં યોજે છે અને આપણી આસપાસના વૃક્ષોની માહિતી રસપ્રદ રીતે આપે છે. ૮૩મી ટ્રી એપ્રિશિયેશન વોક બે સન્નારીઓ, નેશનલ સોસાયટી ઓફ ફ્રેન્ડ્સ ઓફ ટ્રીઝના અધ્યક્ષ અશોક કોઠારી અને વસુંધરા ગ્રીન ક્લબના સ્થાપક મિત્ર જયેશભાઈ હરસોરા અને અન્ય ચાલીસેક પ્રકૃતિ-પ્રેમીઓ સાથે મલાડમાં ઇન-ઓર્બીટ મોલ પાછળ આવેલા હિલ-ટોપ ગાર્ડનમાં માણી. ટોળીમાં યુવાન-વરીષ્ઠ સરખી સંખ્યામાં હતા. અમે બધાં બે ટુકડીઓમાં વહેંચાઈ ગયા હતા જેમાં પહેલી ટુકડીના લીડર હતા રેની વ્યાસ અને બીજી ટુકડીના લીડર હતા ઉષા દેસાઈ. લગભગ સાડા સાતે અમે ચાલવું શરૂ કર્યું. બંને ટુકડીઓએ અલગ અલગ દિશામાં પ્રયાણ કર્યું.જે વીસ-પચીસ વૃક્ષોની માહિતી અમારે ચર્ચાવાની હતી તેની યાદી અમને આપવામાં આવી હતી. હું બીજી ટુકડીમાં હતો જેના લીડર હતા ઉષામા. ઉષા દેસાઈ ઉંચાઈમાં બટકા પણ એટલા હેતાળ અને મળતાવડા કે હું તેમને ઉષામા ના હૂલામણા નામે સંબોધુ.



અમારા માર્ગમાં પહેલું ઝાડ આવ્યું દેશી બદામનું. ઉષામાએ તેના પાન,ફળ,ફૂલ અને પરાગનયન વિષે રસપ્રદ માહિતી આપી. એક વાત જાણીને નવાઈ લાગી કે અલગ અલગ પ્રકારના ઘણાં ઝાડ-છોડ-વેલાના પુષ્પોના પરાગનયન અલગ અલગ પણ એકાદ ચોક્કસ જાતિના જંતુઓ દ્વારા થાય છે. બદામ પછી વારો આવ્યો બોગનવેલ અને બારમાસીના પુષ્પ-વનસ્પતિનો. બારમાસીના ફુલનું આખું ડિસેકશન કરી ઉષામાએ બતાવ્યું. પછી જોયા ચોક્કસ આકારમાં કાપીને ઉગાડાયેલા 'વીપીંગ ફીગ' નામના છોડ. છોડને ખાસ પ્રકારે કાપી હાથી,હરણ કે છત્રી જેવા ખાસ આકારમાં ઉગાડવામાં આવે છે. ત્યાર બાદ ગોળ કિનારી વાળા અને અણીદાર છેડાવાળી કિનારી વાળા એમ બે પ્રકારના ચંપાના ફુલના ઝાડ જોયા.બંને પ્રકારના ચંપાના ફૂલ દેખાય સરખા અને સુગંધ પણ એક જેવી સુંદર ધરાવે પણ ધ્યાનથી જુઓ તો માલૂમ પડે કે એક પ્રકારના ચંપામાં ફૂલોની પાંખડી છૂટ્ટી છૂટ્ટી જ્યારે બીજા પ્રકારના ફૂલમાં પાંખડીઓ એકમેકની ઉપર કિનારી તરફથી ગોઠવાયેલી હોય અને બંધ પ્યાલા જેવો આકાર બનાવેદુબઈમાં આવેલી વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ડિઝાઈન જે પુષ્પની રચના પરથી પ્રેરાઈને કરવામાં આવી છે તેગાર્ડન લીલી’ના પુષ્પો જોયા. ઇન્ડિયન શોટ તરીકે ઓળખાતા કેનોના ફુલના છોડ જોયા. વનસ્પતિના બીજ નાનકડા ગોળાકાર પણ અતિ સખત હોય છે અને તેથી તેઓ પ્રાચીન સમયમાં યુદ્ધ સમયે બંદૂકમાં ગોળી તરીકે વપરાતા એટલે તેને ઇન્ડિયન શોટ નામ મળ્યું.
                                      
પછી તો આગળ વધતા જઈએ એમ એમ નવા ઝાડ આવતા જાય જેની માહિતી ઉષામા અમને સૌને ઝાડની નીચે ઉભા ઉભા આપતા જાય.ખુબ મજા પડી રહી હતી રીતે કુદરતના ખોળે ભમી તેની અવનવી માહિતી મેળવવાની. આંકડો જોયો, ગરમાળો જોયો, સોસેજ ટ્રી જોયા,ખજૂર-ખારેકના ઝાડ જોયા, સૂર્યમુખી, મધુમાલતી, હમિંગબર્ડ બુશ, સ્કારલેટ કોર્ડિઆ, સેજ જેવા વૃક્ષો જોયા તો સાથે માઉસ ટેઈલ તરીકે ઓળખાતી તેમજ અન્ય ઔષધિય ગુણધર્મો ધરાવતી વનસ્પતિ પણ જોઈ. સાયક્સ પામ અને અન્ય ઘાસ-વાસ જેવી વનસ્પતિ પણ જોઈ અને તે સૌ અંગેની અવનવી માહિતી પણ મેળવી. જેના નામ સાંભળ્યા હતા અને કદાચ ઝાડ પહેલા જોયા હતા પણ ખબર નહોતી કે તે પ્રકારના કે તે ફુલના ઝાડ છે એવા બોરસલ્લી - બકુલ પુષ્પના ઝાડ જોયા (જેના ગજરા ઘણી સ્ત્રીઓ પહેરતી હોય છે અને જેની સુગંધ તીવ્ર-મીઠી હોય છે),જેની આસપાસ કૃષ્ણ-ગોપીઓ રાસ રમતા એવા કદંબના ઝાડ જોયા,અલગ પ્રકારની ડાળીઓની સ્તરીય ગોઠવણી ધરાવતા મડાગાસ્કર બદામના ઝાડ જોયા. દરેક ઝાડ મૂળ ક્યાંનુ છે,ભારતમાં કઈ રીતે આવ્યું,તેની સાથે સંકળાયેલી કોઈ વાર્તા કે લોકકથા હોય પણ ઉષામા એમની રસપ્રદ શૈલીમાં સંભળાવે.
જેમ કે કદંબનું ઝાડ જોતી વખતે તેમણે મારી પાસે પ્રભાતિયું - જળ કમળ છાંડી જાને બાળા... ગવડાવ્યું અને પછી કાલિયદમનનો પ્રસંગ સંભળાવી ઘટનાનો ઉલ્લેખ કર્યો કે કાલિય નાગ જ્યારે ફૂંફાડા મારી વિષ ઉછાળતો ત્યારે આસપાસના બધાં ઝાડ વિષની અસરથી મરી જતા પણ કદંબ વૃક્ષને વરદાન હતું અને કાલિયના ઝેરની કોઈ અસર એક્માત્ર વૃક્ષ પર થતી નહોતી. કારણ સમુદ્ર મંથન વેળાએ ઉત્પન્ન થયેલા મૃતનો કળશ લઈ ગરુડ ઉડતા ઉડતા કદંબના વૃક્ષ પર જઈ બેસેલું અને મૃતના થોડા ટીપાં ઝાડ પર પડતા તેને અમરત્વ પ્રાપ્ત થયું હતું. આથી પવિત્ર વૃક્ષ ગણાય છે. તળાવમાં નહાતી ગોપીઓના વસ્ત્રો લઈ કૃષ્ણ ઝાડ પર ચડી તેમને પજવતા!
પાસે પારિજાત નામે ઓળખાતા કેસરી દાંડી અને સફેદ પાંખડી ધરાવતા સુંદર નાજુક પુષ્પો ધરાવતું અન્ય એક ઝાડ જોયું.એના વિશે પણ ઉષામાએ મજેદાર માહિતી વાર્તા સહિત સંભળાવી.પારિજાત પ્રાચીન સમયમાં એક સુંદર રાજકુમારી સ્વરૂપે પૃથ્વી પર રહેતી હતી. તેને સૂર્ય સાથે પ્રેમ થઈ ગયો.સૂર્યને પણ આ રાજકુમારી ગમી ગઈ અને તેઓ સાથે રહેવા લાગ્યા પણ સમય જતાં સૂર્ય કંટાળ્યા અને ફરી આકાશમાં જતા રહ્યા.રાજકુમારી તો ઉદાસ થઈ ગઈ અને વિરહમાં ઝૂરી ઝૂરી અંતે મૃત્યુ પામી.પછી તો એ ઝાડ થઈ અવતરી પણ સૂર્ય પ્રત્યેની નારાજગી યથાવત રહેતા તેના ફૂલો સૂર્ય આથમે ત્યારે ઉગે અને જેવો સૂર્ય ઉગે એટલે ખરી પડે. બીજી પણ વૃક્ષ સાથે સંકળાયેલી એક રસપ્રદ કૃષ્ણ-સત્યભામા-રુકમણીની લોકકથા ઉષામાએ સંભળાવી.જોકે હું અહિ લખતો નથી,તમને રસ હોય તો હવે પછીની ટ્રી અપ્રિશિયેશન વોકમાં કથા ઉષામાના મોઢે પ્રત્યક્ષ સાંભળવા પહોંચી જજો!
બે-અઢી કલાકમાં આ અને આવી તો કેટલીયે રસપ્રદ વાતો અમે સાંભળી અને આપણી આસપાસ જ ઉગતા ઝાડો પ્રત્યે અમને અહોભાવની લાગણી થઈ આવી. મલાડમાં પાછલા બારેક વર્ષ અગાઉ આ હિલ-ટોપ ગાર્ડનની રચના થયેલી અને આવા અનેક પ્રકારના ઝાડ-છોડ-ફુલોથી તે આજે સજ્જ છે.તેની મુલાકાત પણ લેવા જેવી ખરી.

ફરી પાછી પ્રકૃતિના જોડાણ સાથેની વાત યાદ અપાવતા છેલ્લે એટલું કહેવાનું કે જીવવાની સાચી રીત પ્રકૃતિ સાથે જોડાઈને જીવવામાં છે.આમ કરીશું તો આપનારી આવનારી પેઢીઓ સુખેથી પૃથ્વી પર રહી શકશે અને અહિ જીવન ટકી શકશે.