Translate

શનિવાર, 10 જૂન, 2017

વોક લેતા લેતા વૃક્ષોની સરાહના

ગયા સોમવારે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો.૧૯૭૪થી પાંચમી જૂનના દિવસને વર્લ્ડ એન્વાયરેમેન્ટ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.દર વર્ષે કોઈક એક દેશ યજમાન બને અને તે વર્ષની થીમ નક્કી કરે. થીમની આસપાસ ગૂંથાયેલા મુદ્દાઓને લગતા કાર્યક્રમો દિવસે અને વર્ષભર ઉજવાય અને પર્યાવરણ સંવર્ધન અને જાળવણીનો સંદેશ લોકો સુધી પહોંચાડાય. ભારત પણ વર્ષ ૨૦૧૧માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાન બન્યું હતું અને વર્ષની થીમ હતી "ફોરેસ્ટ : નેચર એટ યોર સર્વિસ". વર્ષનો યજમાન દેશ છે કેનેડા અને તેણે નક્કી કરેલી વર્ષની થીમ છે "કનેક્ટીંગ વિથ નેચર" એટલે કે પ્રકૃતિ સાથે જોડાણ..ગામડાનાં લોકો તો ઘણી બધી રીતે કુદરત સાથે જોડાયેલા હોય છે પણ શહેરોમાં વસતા લોકોએ અંગે વિચારવાની જરૂર છે.
પ્રકૃતિ સાથે તમે કઈ રીતે જોડાઈ શકો?
ઘરની બહાર નીકળો.બાગમાં જાવ,જંગલમાં જાવ,દરિયા કિનારે જાવ,ટેકરી કે ડુંગર પર જાવ અને સ્વચ્છ હવા તમારા શ્વાસમાં ભરો. ઘાસ પર ખુલ્લા પગે ચાલો, દરિયા કિનારાની રેતી પર ખુલ્લા પગે ચાલો. ફૂલોને અને પાંદડાને સ્પર્શો, પતંગિયાને જુઓ, ફુલોના અને વિવિધ રંગી જીવડાઓના રંગો અને સૌંદર્યને માણો. પંખીઓના મધુર સ્વરનું ગીત અને જીવડાઓના ગણગણાટને ધ્યાનથી સાંભળો-માણો. ઘેર પ્રાણી પાળ્યું હોય કે માછલીનું એક્વેરિયમ બનાવ્યું હોય તો તેની સાથે સમય પસાર કરો. તાજા ફળોનો સ્વાદ માણો,સુગંધીદાર પુષ્પોની-તાજા વરસાદની ખુશ્બો માણો. આકાશમાં તરતા વાદળો અને મેઘધનુષને વિસ્ફારીત નયને જુઓ. રાતે ટમટમતા તારલાઓથી ભરેલા નભને પણ ધરાઈ ધરાઈને જુઓ. ઝાકળની નજાકત માણો, સવારનો સુકોમળ તડકો માણો, સંધ્યાની સુંદરતા માણો. કુદરતના લખલૂટ ખજાનાનું આકંઠ પાન કરો. પ્રકૃતિ આના કોઈ પૈસા નહિ વસૂલે અને તમને જે આનંદ અને ખુશીનો અનુભવ થશે તે કોઈ અન્ય પ્રકારના આનંદ કે સંતોષ કરતા નોખો અને વધુ મનનીય હશે ચોક્કસ!
અગાઉ ૦૮-માર્ચ-૨૦૧૫ના દિવસેનિસર્ગના સાન્નિંધ્યમાં - ટ્રી અપ્રિશિયેશન વોક’ બ્લોગ લેખમાં જે પ્રવૃત્તિની વાત કરી હતી તે પ્રકારની એક વોક માટે હું ૨૮મી મે ૨૦૧૭ના રવિવારની વહેલી સવારે ગયો. મુંબઈવાસી બે વયસ્ક સન્નારીઓ ઉષા દેસાઈ અને રેની વ્યાસ પ્રકારની નેચર વોક્સ છેલ્લા થોડા વર્ષોથી મુંબઈ અને આસપાસના બગ-બગીચા અને જંગલોમાં યોજે છે અને આપણી આસપાસના વૃક્ષોની માહિતી રસપ્રદ રીતે આપે છે. ૮૩મી ટ્રી એપ્રિશિયેશન વોક બે સન્નારીઓ, નેશનલ સોસાયટી ઓફ ફ્રેન્ડ્સ ઓફ ટ્રીઝના અધ્યક્ષ અશોક કોઠારી અને વસુંધરા ગ્રીન ક્લબના સ્થાપક મિત્ર જયેશભાઈ હરસોરા અને અન્ય ચાલીસેક પ્રકૃતિ-પ્રેમીઓ સાથે મલાડમાં ઇન-ઓર્બીટ મોલ પાછળ આવેલા હિલ-ટોપ ગાર્ડનમાં માણી. ટોળીમાં યુવાન-વરીષ્ઠ સરખી સંખ્યામાં હતા. અમે બધાં બે ટુકડીઓમાં વહેંચાઈ ગયા હતા જેમાં પહેલી ટુકડીના લીડર હતા રેની વ્યાસ અને બીજી ટુકડીના લીડર હતા ઉષા દેસાઈ. લગભગ સાડા સાતે અમે ચાલવું શરૂ કર્યું. બંને ટુકડીઓએ અલગ અલગ દિશામાં પ્રયાણ કર્યું.જે વીસ-પચીસ વૃક્ષોની માહિતી અમારે ચર્ચાવાની હતી તેની યાદી અમને આપવામાં આવી હતી. હું બીજી ટુકડીમાં હતો જેના લીડર હતા ઉષામા. ઉષા દેસાઈ ઉંચાઈમાં બટકા પણ એટલા હેતાળ અને મળતાવડા કે હું તેમને ઉષામા ના હૂલામણા નામે સંબોધુ.



અમારા માર્ગમાં પહેલું ઝાડ આવ્યું દેશી બદામનું. ઉષામાએ તેના પાન,ફળ,ફૂલ અને પરાગનયન વિષે રસપ્રદ માહિતી આપી. એક વાત જાણીને નવાઈ લાગી કે અલગ અલગ પ્રકારના ઘણાં ઝાડ-છોડ-વેલાના પુષ્પોના પરાગનયન અલગ અલગ પણ એકાદ ચોક્કસ જાતિના જંતુઓ દ્વારા થાય છે. બદામ પછી વારો આવ્યો બોગનવેલ અને બારમાસીના પુષ્પ-વનસ્પતિનો. બારમાસીના ફુલનું આખું ડિસેકશન કરી ઉષામાએ બતાવ્યું. પછી જોયા ચોક્કસ આકારમાં કાપીને ઉગાડાયેલા 'વીપીંગ ફીગ' નામના છોડ. છોડને ખાસ પ્રકારે કાપી હાથી,હરણ કે છત્રી જેવા ખાસ આકારમાં ઉગાડવામાં આવે છે. ત્યાર બાદ ગોળ કિનારી વાળા અને અણીદાર છેડાવાળી કિનારી વાળા એમ બે પ્રકારના ચંપાના ફુલના ઝાડ જોયા.બંને પ્રકારના ચંપાના ફૂલ દેખાય સરખા અને સુગંધ પણ એક જેવી સુંદર ધરાવે પણ ધ્યાનથી જુઓ તો માલૂમ પડે કે એક પ્રકારના ચંપામાં ફૂલોની પાંખડી છૂટ્ટી છૂટ્ટી જ્યારે બીજા પ્રકારના ફૂલમાં પાંખડીઓ એકમેકની ઉપર કિનારી તરફથી ગોઠવાયેલી હોય અને બંધ પ્યાલા જેવો આકાર બનાવેદુબઈમાં આવેલી વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ડિઝાઈન જે પુષ્પની રચના પરથી પ્રેરાઈને કરવામાં આવી છે તેગાર્ડન લીલી’ના પુષ્પો જોયા. ઇન્ડિયન શોટ તરીકે ઓળખાતા કેનોના ફુલના છોડ જોયા. વનસ્પતિના બીજ નાનકડા ગોળાકાર પણ અતિ સખત હોય છે અને તેથી તેઓ પ્રાચીન સમયમાં યુદ્ધ સમયે બંદૂકમાં ગોળી તરીકે વપરાતા એટલે તેને ઇન્ડિયન શોટ નામ મળ્યું.
                                      
પછી તો આગળ વધતા જઈએ એમ એમ નવા ઝાડ આવતા જાય જેની માહિતી ઉષામા અમને સૌને ઝાડની નીચે ઉભા ઉભા આપતા જાય.ખુબ મજા પડી રહી હતી રીતે કુદરતના ખોળે ભમી તેની અવનવી માહિતી મેળવવાની. આંકડો જોયો, ગરમાળો જોયો, સોસેજ ટ્રી જોયા,ખજૂર-ખારેકના ઝાડ જોયા, સૂર્યમુખી, મધુમાલતી, હમિંગબર્ડ બુશ, સ્કારલેટ કોર્ડિઆ, સેજ જેવા વૃક્ષો જોયા તો સાથે માઉસ ટેઈલ તરીકે ઓળખાતી તેમજ અન્ય ઔષધિય ગુણધર્મો ધરાવતી વનસ્પતિ પણ જોઈ. સાયક્સ પામ અને અન્ય ઘાસ-વાસ જેવી વનસ્પતિ પણ જોઈ અને તે સૌ અંગેની અવનવી માહિતી પણ મેળવી. જેના નામ સાંભળ્યા હતા અને કદાચ ઝાડ પહેલા જોયા હતા પણ ખબર નહોતી કે તે પ્રકારના કે તે ફુલના ઝાડ છે એવા બોરસલ્લી - બકુલ પુષ્પના ઝાડ જોયા (જેના ગજરા ઘણી સ્ત્રીઓ પહેરતી હોય છે અને જેની સુગંધ તીવ્ર-મીઠી હોય છે),જેની આસપાસ કૃષ્ણ-ગોપીઓ રાસ રમતા એવા કદંબના ઝાડ જોયા,અલગ પ્રકારની ડાળીઓની સ્તરીય ગોઠવણી ધરાવતા મડાગાસ્કર બદામના ઝાડ જોયા. દરેક ઝાડ મૂળ ક્યાંનુ છે,ભારતમાં કઈ રીતે આવ્યું,તેની સાથે સંકળાયેલી કોઈ વાર્તા કે લોકકથા હોય પણ ઉષામા એમની રસપ્રદ શૈલીમાં સંભળાવે.
જેમ કે કદંબનું ઝાડ જોતી વખતે તેમણે મારી પાસે પ્રભાતિયું - જળ કમળ છાંડી જાને બાળા... ગવડાવ્યું અને પછી કાલિયદમનનો પ્રસંગ સંભળાવી ઘટનાનો ઉલ્લેખ કર્યો કે કાલિય નાગ જ્યારે ફૂંફાડા મારી વિષ ઉછાળતો ત્યારે આસપાસના બધાં ઝાડ વિષની અસરથી મરી જતા પણ કદંબ વૃક્ષને વરદાન હતું અને કાલિયના ઝેરની કોઈ અસર એક્માત્ર વૃક્ષ પર થતી નહોતી. કારણ સમુદ્ર મંથન વેળાએ ઉત્પન્ન થયેલા મૃતનો કળશ લઈ ગરુડ ઉડતા ઉડતા કદંબના વૃક્ષ પર જઈ બેસેલું અને મૃતના થોડા ટીપાં ઝાડ પર પડતા તેને અમરત્વ પ્રાપ્ત થયું હતું. આથી પવિત્ર વૃક્ષ ગણાય છે. તળાવમાં નહાતી ગોપીઓના વસ્ત્રો લઈ કૃષ્ણ ઝાડ પર ચડી તેમને પજવતા!
પાસે પારિજાત નામે ઓળખાતા કેસરી દાંડી અને સફેદ પાંખડી ધરાવતા સુંદર નાજુક પુષ્પો ધરાવતું અન્ય એક ઝાડ જોયું.એના વિશે પણ ઉષામાએ મજેદાર માહિતી વાર્તા સહિત સંભળાવી.પારિજાત પ્રાચીન સમયમાં એક સુંદર રાજકુમારી સ્વરૂપે પૃથ્વી પર રહેતી હતી. તેને સૂર્ય સાથે પ્રેમ થઈ ગયો.સૂર્યને પણ આ રાજકુમારી ગમી ગઈ અને તેઓ સાથે રહેવા લાગ્યા પણ સમય જતાં સૂર્ય કંટાળ્યા અને ફરી આકાશમાં જતા રહ્યા.રાજકુમારી તો ઉદાસ થઈ ગઈ અને વિરહમાં ઝૂરી ઝૂરી અંતે મૃત્યુ પામી.પછી તો એ ઝાડ થઈ અવતરી પણ સૂર્ય પ્રત્યેની નારાજગી યથાવત રહેતા તેના ફૂલો સૂર્ય આથમે ત્યારે ઉગે અને જેવો સૂર્ય ઉગે એટલે ખરી પડે. બીજી પણ વૃક્ષ સાથે સંકળાયેલી એક રસપ્રદ કૃષ્ણ-સત્યભામા-રુકમણીની લોકકથા ઉષામાએ સંભળાવી.જોકે હું અહિ લખતો નથી,તમને રસ હોય તો હવે પછીની ટ્રી અપ્રિશિયેશન વોકમાં કથા ઉષામાના મોઢે પ્રત્યક્ષ સાંભળવા પહોંચી જજો!
બે-અઢી કલાકમાં આ અને આવી તો કેટલીયે રસપ્રદ વાતો અમે સાંભળી અને આપણી આસપાસ જ ઉગતા ઝાડો પ્રત્યે અમને અહોભાવની લાગણી થઈ આવી. મલાડમાં પાછલા બારેક વર્ષ અગાઉ આ હિલ-ટોપ ગાર્ડનની રચના થયેલી અને આવા અનેક પ્રકારના ઝાડ-છોડ-ફુલોથી તે આજે સજ્જ છે.તેની મુલાકાત પણ લેવા જેવી ખરી.

ફરી પાછી પ્રકૃતિના જોડાણ સાથેની વાત યાદ અપાવતા છેલ્લે એટલું કહેવાનું કે જીવવાની સાચી રીત પ્રકૃતિ સાથે જોડાઈને જીવવામાં છે.આમ કરીશું તો આપનારી આવનારી પેઢીઓ સુખેથી પૃથ્વી પર રહી શકશે અને અહિ જીવન ટકી શકશે.

5 ટિપ્પણીઓ:

  1. રોહિત કાપડિયા18 જૂન, 2017 એ 10:13 AM વાગ્યે

    કુશળ હશો.'વોક લેતા લેતા વૃક્ષોની સરાહના' લેખ ખુબ જ સરસ હતો ને પ્રકૃતિની સાથે વાત કરવા પ્રેરણા આપે એવો હતો.હાલ વીસેક દિવસથી અમેરિકા છું. અહીં જેમ હરિયાળીની વચ્ચે ઘરો છે, એવું જ નયનરમ્ય વાતાવરણ ભારતમાં પણ સર્જાય તે માટે વૃક્ષોથી પ્રેમ કરવો બહુ જરૂરી છે. સ્પર્શ સાથે શરમાતો એ છોડ લજામણીનો

    જવાબ આપોકાઢી નાખો
  2. ફરીદા નલવાલા18 જૂન, 2017 એ 10:13 AM વાગ્યે

    હું બ્લોગને ઝરૂખેથી નિયમિત વાંચુ છું.તેમાં છપાતા લેખ ઘણાં રસપ્રદ અને સરસ હોય છે.ટ્રી અપ્રિશિયેશન વોક પર જોડાવા માટે ડો.ઉષા દેસાઈ નો સંપર્ક મળી શકે?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ડો.ઉષા દેસાઈનું ઇમેલ આઈડી છે : ushandesai@gmail.com
      અને તે રેની વ્યાસ સાથે મળી ફેસબુક પર પણ 'Tree Appreciation Walks Mumbai' નામે એક પેજ પર આ વિશેના રેગ્યુલર અપડેટ્સ પોસ્ટ કરે છે તે જોઈ લેવા વિનંતી.

      કાઢી નાખો
  3. વિજય કુમાર કૌશલ18 જૂન, 2017 એ 10:15 AM વાગ્યે

    અમદાવાદથી હું ડો.વિજય કુમાર કૌશલ જન્મભૂમિ પ્રવાસીમાં બ્લોગને ઝરૂખેથી નિયમિત વાંચુ છું.વોક લેતા લેતા વૃક્ષોની સરાહનાનો અનુભવ વાંચ્યો.સરસ અને ખરા અર્થમાં પ્રકૃતિ સાથે જોડાણ કર્યું.અમારે અમદાવાદમાં આવી વોકનું આયોજન કરવું છે તો મુંબઈ વાસી બન્ને સન્નારીઓનો સંપર્ક કરવાની વિગતો મળી શકે?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ડો.ઉષા દેસાઈનું ઇમેલ આઈડી છે : ushandesai@gmail.com
      અને તે રેની વ્યાસ સાથે મળી ફેસબુક પર પણ 'Tree Appreciation Walks Mumbai' નામે એક પેજ પર આ વિશેના રેગ્યુલર અપડેટ્સ પોસ્ટ કરે છે તે જોઈ લેવા વિનંતી.

      કાઢી નાખો