Translate

સોમવાર, 27 ઑગસ્ટ, 2018

મુંબઈ લોકલમાં પ્રવાસ કરતી વેળાએ થયેલી એક બાળમજૂરની મુલાકાત


          ગત સપ્તાહની એક વહેલી સવારે મુંબઈના સેન્ટ્રલ રેલવેના દાદરથી વિદ્યાવિહાર સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં હું પ્રવાસ કરી રહ્યો હતો. ભીડ સાવ ઓછી હતી. હું બેઠો હતો તેની પાછળની બેઠક પરથી કોઈ બાળસ્વર કંઈક લાંબુ લાંબુ બોલી રહેલો સંભળાયો અને મારા કાન સરવા થઈ ગયાં. મારે શું બોલે છે સાંભળવા ઝાઝી વાટ જોવી પડી નહિ. કારણ બાળકી કંઈક વેચી રહી હતી અને કોઈએ કંઈ લેતા હવે મારી સામેની ખાલી બર્થ પર આવીને બેસી.
સાત-આઠ વર્ષની તેની ઉંમર હશે. ટીશર્ટ અને ઘૂંટણ સુધી લાંબુ શોર્ટ તેણે પહેર્યા હતા જે ઇસ્ત્રીબદ્ધ  નહોતાં. તેણે માથું ઓળેલું નહોતું અને તેના હાથે ઝાંખી થઈ ગયેલી મહેંદી રંગેલી દેખાતી હતી. ખભે તેણે બેકપેક ભરાવેલી હતી જેમાં બાળકો રંગ પૂરી શકે તેવી ચોપડીઓની થોકડી હતી. આવી સાત-આઠ ચોપડીઓ તેણે હાથમાં પકડી હતી. પોતાની માર્કેટીંગ સ્પીચ અને અભિનય કલાની ક્ષમતા વાપરી તે ચોપડીઓ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને વેચવાનો પ્રયત્ન કરી રહી હતી. સ્ટેશન પર ભીખ માગતા અને સહેજે તમારો પીછો છોડતા બાળકો કરતાં તેનો દેખાવ અને પહેરવેશ ઘણાં સારા હતાં છતાં તે સામાન્ય પરીવારમાંથી આવતી હોય તેવું તેના દેખાવ અને ચેષ્ટા પરથી જણાતું નહોતું.
સાહબ યે કિતાબ લે લો ના...કલર કે સાથ બહુત અચ્છી તસ્વીરે હૈ...” આટલું બોલતી હતી ત્યાં સુધી તો ઠીક પણ પછી તેણે આગળ ચલાવ્યું, "મૈ આપકે પૈર પડતી હું. કિતાબ લે લો ના" રડવાનો અભિનય કરતા કરતા તે મુજબ બોલી ત્યારે મને સહેજ હસવું આવી ગયું. કારણ તેની વાણીમાં ભારોભાર નિર્દોષતા સાથે સ્પષ્ટ જણાતું હતું કે તે પોપટની જેમ રટેલી સ્પીચ બોલતી હતી. તેની કાકલૂદી જેન્યુઈન નહોતી. મેં મારી બેગમાંથી એક ચોકલેટ કાઢી તેને લેવા આગ્રહ કર્યો. તેણે ધરાહર લીધી. મને કહે,"મુઝે ચોકલેટ નહિં ચાહિએ, બસ આપ યે કિતાબ ખરીદો. અબ તક એક ભી બિકી નહિ હૈ." મેં તેની વાત સામે આંખ આડા કાન કરી તેને પૂછ્યું કે શું તે પોતે શાળાએ જતી હતી. પહેલા તો એણે પણ મારો પ્રશ્ન સાંભળ્યો સાંભળ્યો કરી પોતાની માર્કેટીંગ સ્પીચ ચાલુ રાખી પણ મેં મારો પ્રશ્ન દોહરાવ્યે રાખતા તેણે વચ્ચે કહી નાખ્યું કે મ્યુનિસીપાલ્ટીની શાળામાં ભણવા જાય છે. પણ પછી એને ચોકલેટ લેવામાં કે મારી સાથે વધુ વાતો કરવામાં રસ નહોતો અને તેને ખ્યાલ આવી ગયો હતો કે હું તેની પાસેથી એક પણ ચોપડી ખરીદવાનો નથી. એથી તે બાજુની સીટ પર ચાલી ગઈ અને તેણે અન્ય મુસાફરને રીઝવવાનું શરૂ કર્યું.
તે મારી નજર સામેથી તો હટી ગઈ પણ તેની તસવીર મારા મન સામેથી હટતી નહોતી અનેક પ્રશ્નો ખડા કરીને. મને વિચાર આવ્યો કે કોણે તેને રીતે આમ ટ્રેનમાં ચોપડીઓ વેચવા મોકલી હશે? શું તેના માબાપે ગરીબીવશ તેને આમ જીવના જોખમે એકલી મુંબઈની ટ્રેનોમાં મજૂરી કરી પૈસા કમાવા મોકલી હશે કે તે અનાથ હશે? જો તે અનાથ હોય તો કોઈ ગેન્ગ દ્વારા અપહરણનો શિકાર બની હશે અને તેમણે તેને આમ બાળમજૂરી કરવા મોકલી હશે? ધોળે દિવસે અનેક લોકોની સામે બીના બની રહી હતી બાળ મજૂરી જે દેશમાં કાયદાકીય રીતે ગુનો છે દેશના સ્વપ્નનગરી ગણાતાં મહાનગરમાં. પણ આવી તો જો કે કંઈ કેટલીય ઘટનાઓ અહિં ક્ષણે ક્ષણે બનતી રહે છે જેના સાક્ષી આપણે સૌ મુંબઈગરા બનતા રહીએ છીએ.
એવો વિચાર આવે કે હું ચાઈલ્ડ હેલ્પલાઈન પર કોલ કરી અંગે તેમને વાત કરું? કે પછી રેલવે- પોલીસને અંગે જાણ કરું પહેલા તો મારું સ્ટેશન વિદ્યાવિહાર આવી જતા હું ઉતરી ગયો અને ત્યાં ચડવાના અતિ સાંકડા પુલ પર કીડીયારાની જેમ ઉભરાઈ રહેલી ભીડને જોઈ મારો નંબર ક્યારે આવશે ઉપર ચડવામાં તેની ચિંતામાં પેલી બાળકીએ મનમાં જન્માવેલ વિચારો વાયુ બની ઉડી ગયાં.સાંકડા પુલ પરની ભીડ જોઈ એવો વિચાર મનમાં કંપારી પેદા કરી ગયો કે ક્યાંક એલ્ફીસ્ટન રોડ જેવી દુર્ઘટના અહિં પાછી નહિ સર્જાય ને! ખેર, સદનસીબે એમ બન્યું અને હું સહીસલામત ઓફિસે પહોંચી ગયો.
બ્લોગ લખવા બેસતી વેળા ફરી આખી ઘટના અને એણે ઉઠાવેલા પ્રશ્નો મમળાવવાનું અને તેને તમારા સૌ સાથે શેર કરવાનું મન થયું અને બ્લોગ પોસ્ટ લખી નાંખી.આપણે સૌ બાળમજૂરી અટકાવવા શું કરી શકીએ અંગે તમારા વિચારો લખી મોકલશો તો આનંદ થશે.         

બુધવાર, 22 ઑગસ્ટ, 2018

આઝાદી દિન બાદ આપણી જવાબદારીઓનું મનોમંથનઆપણાં ભારત દેશને આઝાદી મળી તેની ૧૫મી ઓગષ્ટના ૭૨માં સ્વાતંત્ર્ય દિવસે આપણે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી. રાષ્ટ્રીય ધ્વજ અને તેના ત્રણ રંગો આઝાદી દિનની આસપાસનાં ત્રણેક દિવસ દરમ્યાન ભરપૂર નજરે પડ્યાં, દેશભક્તિના ગીતો બધે સંભળાયા. ટી.વી.કાર્યક્રમો અને રેડિઓ પર સ્વાતંત્ર્ય દિનની રંગેચંગે-વાજતેગાજતે ઉજવણી થઈ. પણ દેશ માટે, દેશની પ્રગતિ માટે આપણે ખરા અર્થમાં આપણું કેટલું યોગદાન આપીએ છીએ તેનું કેટલું મનોમંથન થયું? વિશે થોડો વિચાર કરવાની જરૂર છે.
દેશ વર્ષો સુધી ગુલામીના સંકજામાં હતો તેથી આઝાદીનાં થોડાં વર્ષો સુધી નબળો અને શોષિત વર્ગ મુખ્ય ધારામાં આવી શકે હેતુથી અનામતની પ્રથા દાખલ થઈ. બંધારણમાં જો કે સ્પષ્ટ કરાયું હતું કે પ્રથા અમુક ચોક્કસ વર્ષો સુધી લાગુ કરવામાં આવે. પણ વોટ-વાંચ્છુ નેતાઓએ અનામતને પોતાનું સાધન બનાવી તેનો ભરપૂર દુરુપયોગ કર્યો અને પરિણામે આજે અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા સમુદાયો દ્વારા લોહીયાળ આંદોલનો થાય છે અનામતની માગણી સાથે. નરી રાજકીય રમત છે.  જો આપણને ભારતના ખરા ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતા હોય તો આપણે આપણાં શક્તિ અને સ્રોતોને આંદોલનો કરવામાં નહિ પરંતુ દેશની પ્રગતિ માટે વાપરવા જોઇએ. હાર્દિક પટેલ જેવા લોકો ઉપવાસ કરવાની ચેષ્ટા દ્વારા ગાંધીજીના અમોઘ શસ્ત્રનું અપમાન કરી રહ્યાં હોય ત્યારે તેને ટેકો આપનારા પણ હજારો લોકો રસ્તાઓ પર ઉતરી પડે અથવા મરાઠા-પાટીદાર-ગૂર્જર વગેરે અનેક સમુદાયો લાખોની સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડે અને વારે-તહેવારે બંધનું એલાન કરી લાખો રૂપિયાનું દેશને નુકસાન પહોંચાડે ત્યારે દેશ કયા માર્ગે જઈ રહ્યો છે તેવો વિચાર આવે છે. પાછલાં બે-એક મહિનામાં મારી દિકરીની નિશાળ હૂલ્લડના ભયને લીધે  બે વાર બંધ રહી. એકાદ જગાએ સ્કૂલે જતી બસ પર પણ પથ્થરમારો થયાના સમાચાર સાંભળવામાં આવ્યા હતાં.  શું છે આપણી દેશભક્તિ?
કર માળખું દેશની પાયાની જરૂરિયાતોને સમૃદ્ધ બનાવે છે. નોકરીયાત વર્ગનો કર તો તેમના પગારમાંથી કપાઈ જાય છે પણ ધંધાદારી વર્ગ કે અન્ય છૂટક પગારધારી કે વ્યવસાયિક વર્ગમાંના કેટલા લોકો પ્રમાણિકતાથી દેશ માટે, દેશબાંધવો માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી, પોતે પોતાનાથી બનતું યોગદાન આપવાની ભાવના સાથે ખુશીથી કર ભરે છે? આપણે સૌ કર કઈ રીતે ચોરી કરી શકાય કે કઈ રીતે ઓછામાં ઓછો ભરવાનો આવે તેની સતત પેરવીમાં હોઇએ છીએ. નરેન્દ્ર મોદી જેવા પ્રમાણિક નેતાએ જ્યારે કર-માળખું વ્યવસ્થિત કરવા જી.એસ.ટી. અને આધાર નોંધણી ફરજીયાત જેવા પગલાં ભર્યાં છે ત્યારે ઘણાં કરચોરીની ફિરાકમાં રહેનાર લોકોનાં પેટમાં તેલ રેડાયું છે. નોટબંધી દ્વારા પણ જ્યારે કાળા નાણાંને કાબુમાં લેવાના પ્રયાસો થયા ત્યારે વિરોધ પક્ષો અને કાળા બજારીયાઓએ સમગ્ર અભિયાનને નકારાત્મક ચિતરવાનો અને તેને સદંતર નિષ્ફળ બનાવવાનો-દર્શાવવાનો પ્રયાસ સતત કર્યો છે. પણ જો આપણને દેશ માટે સાચો પ્રેમ હોય તો આપણે સરકાર દ્વારા દેશના ઉજ્જવળ વિકાસ માટે લેવાતા આવા દરેક પગલામાં ઉત્સાહપૂર્વક સહભાગી થવાનું છે.
આપણે જ્યારે હાલાકી ભોગવવી પડે ત્યારે સરકારને કે તંત્રને ભાંડવાની એક પણ તક જતી કરતા નથી.પણ આપણે ભૂલવું જોઇએ કે હાલાકી જેના કારણે ઉભી થાય છે દરેક સમસ્યાના મૂળમાં આપણાંમાંના આપણાં દેશબાંધવોમાંના કેટલાક લોભી-લાલચુ લોકોનો અંધ સ્વાર્થ જવાબદાર હોય છે. જ્યાં સુધી આપણામાંની પોતાનું કે પોતાના સ્વજનોનું હિત જોવાની સ્વાર્થ-પરાયણતા નાશ નહિ પામે ત્યાં સુધી આપણે આવી સમસ્યાઓનો ભોગ બનતા રહીશું. આપણે દરેકે પોતાનાથી શું શ્રેષ્ઠ થઈ શકે આપવાની-કરવાની ભાવના વિકસાવવાની જરૂર છે. તો દેશની સાચી પ્રગતિ શક્ય છે.
આપણે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને પણ દેશની સાચી પ્રગતિના માર્ગમાં સહભાગી બની શકીએ એમ છીએ. જેમ કે રસ્તામાં કોઈનો અકસ્માત થયેલો જોઇએ ત્યારે માત્ર ઘટનાના મૂક સાક્ષી બની રહેતાં પોતે મદદ કરીએ, વીજચોરી-કરચોરી-ભ્રષ્ટાચાર વગેરેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો આપીએ, ટ્રાફીકના નિયમોનું પાલન કરીએ, અન્ય કાયદા-કાનૂનનું ચૂસ્ત પાલન કરીએ અને અન્યોને પણ ખોટું કરતા રોકીએ-એમ કરવા સમજાવીએ, પાણી-વિજળી જેવા સંસાધનોનો વિચારપૂર્વક ઉપયોગ કરીએ, જ્યાં-ત્યાં ગંદકી ફેલાવી સડકો અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખીએ, પ્લાસ્ટીકનો પ્રતિબંધ જાહેર થયો છે તેમાં સ્વેચ્છાએ ખુશીથી જોડાઈએ, પોતાના પરિવારનો વિચાર કરવાને બદલે સમગ્ર દેશબાંધવોના કલ્યાણની ભાવના મનમાં રાખતા જેને આર્થિક કે અન્ય મદદની જરૂર હોય અને આપણી હેંસિયતમાં હોય તો સામેથી મદદ પૂરી પાડીએ. જો બધી જવાબદારીઓ આપણે ઉપાડી લઈએ તો સાચો દેશપ્રેમ ગણાય અને જવાબદારીઓનું વહન થશે તો આપણાં દેશને પ્રગતિ કરતાં કોઈ બળ રોકી શકશે નહિ.