Translate

લેબલ azadi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ azadi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 22 ઑગસ્ટ, 2018

આઝાદી દિન બાદ આપણી જવાબદારીઓનું મનોમંથન



આપણાં ભારત દેશને આઝાદી મળી તેની ૧૫મી ઓગષ્ટના ૭૨માં સ્વાતંત્ર્ય દિવસે આપણે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી. રાષ્ટ્રીય ધ્વજ અને તેના ત્રણ રંગો આઝાદી દિનની આસપાસનાં ત્રણેક દિવસ દરમ્યાન ભરપૂર નજરે પડ્યાં, દેશભક્તિના ગીતો બધે સંભળાયા. ટી.વી.કાર્યક્રમો અને રેડિઓ પર સ્વાતંત્ર્ય દિનની રંગેચંગે-વાજતેગાજતે ઉજવણી થઈ. પણ દેશ માટે, દેશની પ્રગતિ માટે આપણે ખરા અર્થમાં આપણું કેટલું યોગદાન આપીએ છીએ તેનું કેટલું મનોમંથન થયું? વિશે થોડો વિચાર કરવાની જરૂર છે.
દેશ વર્ષો સુધી ગુલામીના સંકજામાં હતો તેથી આઝાદીનાં થોડાં વર્ષો સુધી નબળો અને શોષિત વર્ગ મુખ્ય ધારામાં આવી શકે હેતુથી અનામતની પ્રથા દાખલ થઈ. બંધારણમાં જો કે સ્પષ્ટ કરાયું હતું કે પ્રથા અમુક ચોક્કસ વર્ષો સુધી લાગુ કરવામાં આવે. પણ વોટ-વાંચ્છુ નેતાઓએ અનામતને પોતાનું સાધન બનાવી તેનો ભરપૂર દુરુપયોગ કર્યો અને પરિણામે આજે અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા સમુદાયો દ્વારા લોહીયાળ આંદોલનો થાય છે અનામતની માગણી સાથે. નરી રાજકીય રમત છે.  જો આપણને ભારતના ખરા ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતા હોય તો આપણે આપણાં શક્તિ અને સ્રોતોને આંદોલનો કરવામાં નહિ પરંતુ દેશની પ્રગતિ માટે વાપરવા જોઇએ. હાર્દિક પટેલ જેવા લોકો ઉપવાસ કરવાની ચેષ્ટા દ્વારા ગાંધીજીના અમોઘ શસ્ત્રનું અપમાન કરી રહ્યાં હોય ત્યારે તેને ટેકો આપનારા પણ હજારો લોકો રસ્તાઓ પર ઉતરી પડે અથવા મરાઠા-પાટીદાર-ગૂર્જર વગેરે અનેક સમુદાયો લાખોની સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડે અને વારે-તહેવારે બંધનું એલાન કરી લાખો રૂપિયાનું દેશને નુકસાન પહોંચાડે ત્યારે દેશ કયા માર્ગે જઈ રહ્યો છે તેવો વિચાર આવે છે. પાછલાં બે-એક મહિનામાં મારી દિકરીની નિશાળ હૂલ્લડના ભયને લીધે  બે વાર બંધ રહી. એકાદ જગાએ સ્કૂલે જતી બસ પર પણ પથ્થરમારો થયાના સમાચાર સાંભળવામાં આવ્યા હતાં.  શું છે આપણી દેશભક્તિ?
કર માળખું દેશની પાયાની જરૂરિયાતોને સમૃદ્ધ બનાવે છે. નોકરીયાત વર્ગનો કર તો તેમના પગારમાંથી કપાઈ જાય છે પણ ધંધાદારી વર્ગ કે અન્ય છૂટક પગારધારી કે વ્યવસાયિક વર્ગમાંના કેટલા લોકો પ્રમાણિકતાથી દેશ માટે, દેશબાંધવો માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી, પોતે પોતાનાથી બનતું યોગદાન આપવાની ભાવના સાથે ખુશીથી કર ભરે છે? આપણે સૌ કર કઈ રીતે ચોરી કરી શકાય કે કઈ રીતે ઓછામાં ઓછો ભરવાનો આવે તેની સતત પેરવીમાં હોઇએ છીએ. નરેન્દ્ર મોદી જેવા પ્રમાણિક નેતાએ જ્યારે કર-માળખું વ્યવસ્થિત કરવા જી.એસ.ટી. અને આધાર નોંધણી ફરજીયાત જેવા પગલાં ભર્યાં છે ત્યારે ઘણાં કરચોરીની ફિરાકમાં રહેનાર લોકોનાં પેટમાં તેલ રેડાયું છે. નોટબંધી દ્વારા પણ જ્યારે કાળા નાણાંને કાબુમાં લેવાના પ્રયાસો થયા ત્યારે વિરોધ પક્ષો અને કાળા બજારીયાઓએ સમગ્ર અભિયાનને નકારાત્મક ચિતરવાનો અને તેને સદંતર નિષ્ફળ બનાવવાનો-દર્શાવવાનો પ્રયાસ સતત કર્યો છે. પણ જો આપણને દેશ માટે સાચો પ્રેમ હોય તો આપણે સરકાર દ્વારા દેશના ઉજ્જવળ વિકાસ માટે લેવાતા આવા દરેક પગલામાં ઉત્સાહપૂર્વક સહભાગી થવાનું છે.
આપણે જ્યારે હાલાકી ભોગવવી પડે ત્યારે સરકારને કે તંત્રને ભાંડવાની એક પણ તક જતી કરતા નથી.પણ આપણે ભૂલવું જોઇએ કે હાલાકી જેના કારણે ઉભી થાય છે દરેક સમસ્યાના મૂળમાં આપણાંમાંના આપણાં દેશબાંધવોમાંના કેટલાક લોભી-લાલચુ લોકોનો અંધ સ્વાર્થ જવાબદાર હોય છે. જ્યાં સુધી આપણામાંની પોતાનું કે પોતાના સ્વજનોનું હિત જોવાની સ્વાર્થ-પરાયણતા નાશ નહિ પામે ત્યાં સુધી આપણે આવી સમસ્યાઓનો ભોગ બનતા રહીશું. આપણે દરેકે પોતાનાથી શું શ્રેષ્ઠ થઈ શકે આપવાની-કરવાની ભાવના વિકસાવવાની જરૂર છે. તો દેશની સાચી પ્રગતિ શક્ય છે.
આપણે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને પણ દેશની સાચી પ્રગતિના માર્ગમાં સહભાગી બની શકીએ એમ છીએ. જેમ કે રસ્તામાં કોઈનો અકસ્માત થયેલો જોઇએ ત્યારે માત્ર ઘટનાના મૂક સાક્ષી બની રહેતાં પોતે મદદ કરીએ, વીજચોરી-કરચોરી-ભ્રષ્ટાચાર વગેરેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો આપીએ, ટ્રાફીકના નિયમોનું પાલન કરીએ, અન્ય કાયદા-કાનૂનનું ચૂસ્ત પાલન કરીએ અને અન્યોને પણ ખોટું કરતા રોકીએ-એમ કરવા સમજાવીએ, પાણી-વિજળી જેવા સંસાધનોનો વિચારપૂર્વક ઉપયોગ કરીએ, જ્યાં-ત્યાં ગંદકી ફેલાવી સડકો અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખીએ, પ્લાસ્ટીકનો પ્રતિબંધ જાહેર થયો છે તેમાં સ્વેચ્છાએ ખુશીથી જોડાઈએ, પોતાના પરિવારનો વિચાર કરવાને બદલે સમગ્ર દેશબાંધવોના કલ્યાણની ભાવના મનમાં રાખતા જેને આર્થિક કે અન્ય મદદની જરૂર હોય અને આપણી હેંસિયતમાં હોય તો સામેથી મદદ પૂરી પાડીએ. જો બધી જવાબદારીઓ આપણે ઉપાડી લઈએ તો સાચો દેશપ્રેમ ગણાય અને જવાબદારીઓનું વહન થશે તો આપણાં દેશને પ્રગતિ કરતાં કોઈ બળ રોકી શકશે નહિ.

રવિવાર, 12 ઑગસ્ટ, 2018

ગેસ્ટ બ્લોગ : આઝાદી


વર્ષો પૂર્વે ગુલામીની ઝંઝીર તોડીને આપણો દેશ આઝાદ થયો. ઐતિહાસિક દિવસની સ્મૃતિમાં દર વર્ષે ઠેર ઠેર દવજવંદન થાય. આપણો રાષ્ટ્ર ધ્વજ હવામાં લહેરાય. લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગું ભાષણ થાય. અનેક સાંસ્કૃતિક કાર્યોના આયોજન થાય. દિવસભર દેશ ભક્તિના ગીતો હવામાં ગૂંજતા રહે. શહીદોની યાદ તાજી થાય. ચાલો, પારંપારિક ઉજવણીની સાથે દેશને વિશાળ અર્થમાં આઝાદ બનાવવા થોડું અનોખું અભિયાન ચલાવીએ
સરહદ પર ફરજ બજાવતા સૈનિકો દેશની રક્ષા કરવા માટે પ્રાણની પણ પરવા કરતાં નથી. ભારતનાં અદના નાગરિક તરીકે આપણે પણ આઝાદીની પ્રજ્વલિત જયોતને વધુ તેજોમય બનાવવા થોડું યોગદાન આપીયે
1. લાંચ રૂશ્ચતની નાગચૂડમાંથી મુક્ત થઈને પ્રમાણિકતાનો       ઝંડો લહેરાવીએ
2. વ્યસનોની કેદમાંથી આઝાદ થઈને સ્વસ્થ જીવનનું
    ગૌરવ અનુભવીએ
3. ગંદકીની ગૂંગળામણથી છૂટીને સ્વચ્છ હવામાં મહાલીએ
4. નિરક્ષરતાની બેડી તોડીને સાક્ષરતાનો દીપ પ્રગટાવીએ
5. અંઘશ્રદધાની ઝંઝીરો તોડીને સંકુચિતતામાંથી બહાર 
    આવીએ
6.  વાસનાની આગની ઝપટમાંથી બહાર આવી પ્રેમનો
     પાવન પરિમલ પ્રસરાવીએ
7.  ધર્મઝનૂનનો ફાંસો ફગાવી દઇ સર્વધર્મ સમભાવનાં ગીતો 
     ગૂંજતા કરીએ
8.  આધુનિકતાની ચૂંગલમાંથી મુક્ત થઈને સાદગીનો વૈભવ 
     અપનાવીએ
9.  ટેક્નોલોજીની માયાવી જાળને તોડીને આપણી પ્રાચીન 
     સંસ્કૃતિને ઉજાગર કરીએ
10.  દરિદ્રતાની ભીંસમાંથી મુક્ત થઈને પરિશ્રમના બળે
       વિકાસના પંથે આગળ વધીએ
             ખુદથી શરૂઆત કરીને સ્વજનોમાં, મિત્રોમાં, સહકર્મચારીઓમાં, સમાજમાં અને શહેરમાં વિચારોનાં
બીજ વેરીને શ્રદ્ધાનાં જળથી એનુ સિંચન કરીએ. અબ્રાહમ 
લિંકનની વાત - - દેશ મારા માટે શું કરે છે તે પૂછતાં આપણે દેશ માટે શું કરી શકીએ છીએ તેનો વિચાર કરીએ
'મેરા ભારત મહાન'નાં નારાને 'ભારત સબસે મહાન' રીતે 
વિશ્વમાં ગૂંજતો કરીએ. ભારતને એક સુખી, સમૃદ્ધ, અને શક્તિશાળી દેશ તરીકે વિશ્વનાં ફલક પર મૂકવા આપણાં
યોગદાનની મંગલ શરૂઆત આજથી કરીએ

                       જયહિંદ ...

       -  રોહિત કાપડિયા