Translate

સોમવાર, 25 ડિસેમ્બર, 2017

દાર્જીલિંગ - ગેંગટોક પ્રવાસ (ભાગ - ૪)

 પહાડો પર આવેલા દાર્જિલીંગ નગરનું એક સૌથી મોટું આકર્ષણ અહિં અંગ્રેજોએ બ્રિટીશ કાળમાં શરૂ કરેલી પર્વતીય રેલવે છે. આખા નગરમાં રસ્તાની સમાંતરે નાનકડી રેલગાડીના પાટા બિછાવેલા જોવા મળે.રસ્તા પર વાહન ચાલી રહ્યું હોય તેની બરાબર બાજુમાં જ તમને ભૂરા રંગની ચારેક ડબ્બા ધરાવતી ડીઝલથી કે કોલસાથી ચાલતી નાનકડી સુંદર ટ્રેન પણ જોવા મળે!

તે જ ટ્રેન પહાડોની સુંદરતાનું દર્શન કરાવતા કરાવતા જંગલ વચ્ચેથી પણ પસાર થાય અને શહેરની વચ્ચે બજારમાંથી ધીમી ગતિએ દોડતી દોડતી ત્યાંના જનજીવનની ઝાંખી પણ કરાવતી પણ જોવા મળે. માથેરાનની મિનિટ્રેન કે મુંબઈના નેશનલ પાર્કમાં ચાલતી વનરાણીની યાદ અપાવતી દાર્જિલીંગની આ ટ્રેનને તો જો કે હેરિટેજ ટ્રેનનો દરજ્જો મળ્યો છે.

        મેં પણ દાર્જિલિંગથી ઘૂમ સ્ટેશન જવા માટેની આ ટ્રેનની ટિકિટ મુંબઈથી જ એડવાન્સમાં બુક કરી રાખી હતી પણ પાછલા કેટલાક મહિનાઓથી ગોરખા આંદોલનને લીધે આ ટ્રેન સેવા થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. સદનસીબે ત્રણેક મહિના બંધ રહ્યાં બાદ ટ્રેન ફરી શરુ થવાની હોવાથી અમે ત્યાં હતાં એ દિવસો દરમ્યાન જ તેના ટ્રાયલ રન કરવામાં આવી રહ્યાં હતાં અને અમે ટ્રેનમાં પ્રત્યક્ષ બેસીને તો નહિ પણ સુંદર દાર્જિલિંગની સડક પર બેસાડાયેલા નાના નાના પાટા પર દોડતી ધૂમાડો ઉડાડતી આ ભૂરી સુંદરીનો અદભૂત નઝારો અમે એક સાંજે માણી શક્યાં.

        દાર્જિલિંગમાં અમારી બીજા દિવસની શરૂઆત અમે સામતેન ચોલિંગ બુદ્ધિસ્ટ મોનસ્ટરી નામના બૌદ્ધ મઠની મુલાકાત સાથે કરી. હું અને નમ્યા લખુભાઈની અમારી ભાડે કરેલી કારમાંથી ઉતરી ભૂરી ટોય ટ્રેન અત્યારે ચાલુ ન હોવાથી તેના પાટા પર ચાલવાની મજા માણી રહ્યાં. પાટા ઓળંગી મોનસ્ટરી થોડા નીચે ઢાળ ઉતરીને ઉતરીને જવાનું હતું. ઘૂમની ખુશાલય હોટલની બાજુમાં આવેલી અતિ પ્રાચીન મોનસ્ટરી જેવા જ આ મઠમાં પ્રવેશ કરતાં પણ અમને અનેરી પવિત્રતા અને ધન્યતાનો એવો જ અનુભવ થયો.

 અહિં મંદિરનાં પ્રાંગણમાં જ એક અતિ ઉંચા સ્તંભની ફરતે નાનકડા લામા બાળકો તેમના ખાસ લાક્ષણિક મરુન વસ્ત્રોમાં આમતેમ દોડતા રમી રહેલા જોવા મળ્યાં.તેઓ અહિં રહીને જ બૌદ્ધ ધર્મનું શિક્ષણ મેળવતા હશે.

તેમાંના એકે મંદીરમાં જ આવેલી નાનકડી દુકાનમાંથી અમને આ પ્રદેશની ખાસ એવી કેટલીક વસ્તુઓ-ભેટો વેચાતી આપી.ત્યાંથી અમે આગળ વધી બતાસિયા લુપ નામની જગાએ ગયાં.

        ટોય ટ્રેન આ જગાએ વર્તુળાકારે બિછવેલા પાટા પર દોડી પુલ - બોગદા વગેરેમાંથી પસાર થતી હોવાથી આ જગાને લુપ એવું નામ મળ્યું.આ બતાસિયા લુપ પર એક સુંદર મજાનો બગીચો વિક્સાવાયો છે અને અહિં યુદ્ધમાં શહીદ થયેલા ગોરખા સૈનિકોનું એક ભવ્ય સ્મારક બનાવાયું છે.

 દાર્જિલિંગ ફરવા આવેલા પર્યટકો આ જગાની મુલાકાત અચૂક લે છે.ટ્રેનતો બંધ હતી પણ બગીચામાં અમે સારો એવો સમય પસાર કર્યો અને અહિંના રંગબેરંગી ફૂલો સાથે તેમજ અહિંથી દ્રષ્યમાન થતા સુંદર નજારા સાથે થોડીઘણી ફોટોગ્રાફી કરી.

        હવે પછીનું અમારું મુલાકાતનું સ્થળ હતું ગંગામાયા પાર્ક. પહાડો વચ્ચે વાંકાચૂકા રસ્તા પરથી કુશળતાપૂર્વક ગાડી ચલાવી લખુ જ્યારે અમને આ જગાએ લઈ આવ્યો ત્યારે મને કલ્પના નહોતી કે દાર્જિલિંગમાં જોયેલા અને હવે પછી જોવાના સર્વે સ્થળો પૈકી આ જગા મારી સૌથી મનપસંદ સ્થળ બની રહેશે. આટલી ઉંચાઈએ વિકટ રસ્તા પર થઈ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ કઈ રીતે જીવન વ્યતિત કરતા હશે એવી ચર્ચા દરમ્યાન લખુએ જણાવ્યું કે તેઓ મોટાભાગની ખાવાપીવાની વસ્તુઓ તો પોતે જ પોતાના આસપાસના ખેતરોમાં ઉગાડી લેતા હોય છે અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ એકાંતરે બજાર જઈ લઈ આવતા હોય છે અને અહિ બાર્ટર સિસ્ટમનું ચલણ પણ ખરું.અમારી આ ચર્ચા જો કે ખુબ લાંબી ન ચાલી કારણ અમે ગંગામાયા પાર્ક પહોંચી ચૂક્યા હતાં.

        પાર્કમાં અમારા સિવાય અન્ય એક બે એકલ દોકલ વ્યક્તિઓ અને બેચાર યુવાનોના એક ગ્રુપ સિવાય કોઈ હતું નહિ.પણ અમે જેવા આ પાર્કમાં પ્રવેશ્યા કે મન અનેરી શાંતિ અનુભવી રહ્યું.મને એવો અહેસાસ થતો હતો કે જાણે હું સ્વર્ગમાં છું.પહાડની ટોચ પરથી નીચે વહેતા વહેતાં આવી રહેલાં ઝરણાંની આસપાસ સુંદર વિવિધ રંગી-સુગંધી ફૂલ-છોડ ઉગાડી અને જુદી જુદી ઉંચાઈએ નયનરમ્ય પુલો બાંધી આ આખો બગ વિક્સાવાયો છે.પતંગિયા અને ફૂલપ્રેમી અન્ય જીવ-જંતુઓ માટે તો આ જગા જાણે સાચે જ સ્વર્ગ હતું.અહિ અમે થોડે થોડે અંતરે ગોઠવેલા બાંકડા પર બેસતા અને ફરી આગળ વધતાં પથ્થરોની બનેલી પગદંડી પર ચાલતા ચાલતા , થોડી થોડી વારે અટકી પ્રક્રુતિના સાન્નિંધ્યને ધરાઈને માણ્યું. કદાચ અહિ બિલકુલ ભીડ નહોતી એટલે પણ આ જગા મને વિશેષ પસંદ પડી અને અહિં કાયમ ઓછી ભીડ રહેતી હશે એટલે જ તેનું આવું નજાકતભર્યું પ્રાક્રુતિક સૌંદર્ય જળવાઈ રહેવા પામ્યું હશે.પતંગિયા અને જીવડાની પહેલા ક્યારેય નહિ જોયેલી જાત સાથે અહિ અમને કેસરી પીળાશ પડતી અને લાલ રંગની શેવાળ કે લીલ જોવા મળી.


એક તરફ થોડું અંતર ચાલીને ગયા બાદ અને ત્રણ ચાર પુલો પર એક બાજુથી બીજી બાજુ અને ફરી બીજી બાજુથી મૂળ પહેલી બાજુ આવી જ્યારે અમે પ્રવેશ દ્વાર તરફ પાછા ફર્યાં ત્યારે અન્ય પરીવારજનોતો થાકી ગયાં હતાં પણ હું બીજી દિશામાં હજી અમે ન જોયેલી જગાએ જવાનું પ્રલોભન રોકી ન શક્યો.અહિ બોટીંગ માટેની વ્યવસ્થા કરાઈ રહેલી હોવાનું માલૂમ પડતું હતું.એક વિશાળ ડાક બંગલો પણ સાવ નિર્જન જ જોવા મળ્યો જાણે ભૂતિયો બંગલો જ ન હોય!પણ મને ડર નહોતો લાગી રહ્યો આ આખી જગામાં હું એકલો જ ભમી રહ્યો હોવા છતાં.પછી સમયની મર્યાદાને કારણે મારે પાછા ફરવું પડ્યું અને ત્યાંથી લખુભાઈ અમને લઈ ગયાં રોક ગાર્ડન.

        રોકગાર્ડન પણ ગંગામાયા પાર્કની જેમ જ પહાડ પર કોતરીને બનાવાયેલ બગીચો હતો પણ ગંગામાયા પાર્કમાં થોડી 'રો' અપીલ હતી અને અહિ થોડુ સોફિસ્ટીકેશન.


અહિ પણ અમને સમય પસાર કરવાની મજા આવી.એક સ્થળે લોકો ત્યાંના પારંપારીક વસ્ત્રો ભાડે લઈ એ પહેરી ફોટા પડાવતા હતાં.કચરો નાંખવા માટે જુદા જુદા પ્રાણીઓના આકારની બનાવાયેલી કચરાટોપલીઓ ધ્યાન ખેંચતી હતી.સ્વચ્છતા જાળવવા લોકોને કચરો નાખવા આકર્ષે એવી આ યુક્તિ ભારતમાં બધે અપનાવવી જોઇએ! મોટું કમળ આકારનું શિલ્પ અને તેની આસપાસ બનાવાયેલું નાનકડું તળાવ પણ સુંદર હતાં.

        આ જગા બાદ અમે જઈ પહોંચ્યા મહાકાલ મંદીર. અહિંની ખાસિયત મુજબ આ મંદીરની આસપાસ અનેક લાલ રંગના પતાકા તાર પર ફરફરી રહ્યાં હતાં.થોડાઘણાં દાદરા ચડી અમે મંદીર જઈ પહોંચ્યા અને અહિ કાળકા મા,દુર્ગામા, શંકર ભગવાન, હનુમાનજી , સાઈ બાબા ના જુદા જુદા દહેરાઓમાં દર્શન કર્યાં.


 અહિંની હાઈલાઈટ સમા હતાં બૌદ્ધ ધર્મના લાક્ષણિક પરતિક સમા કતારબદ્ધ ગોઠવેલા પ્રેયર બેલ્સ જે ફેરવતા ફેરવતા આપણે જેમ માળાના મણકા ફેરવી ઇશ્વરનું ધ્યાન ધરતા હોઇએ છીએ કે ઘંટ વગાડી તેનું સ્મરણ કરતા હોઇએ છીએ તેવો અનુભવ ફરી એક વાર કર્યો. એક જગાએ અહિ એક સાથે સેંકડો ઘીના દીવા કરી ભગવાનને ધરવામાં આવ્યાં હતાં એ દ્રષ્ય અને મંદીરના પ્રાંગણમાં માથા પર તારો પર ફરફરી રહેલા ભૂરા,લાલ,સફેદ,પીળા વગેરે વિવિધ રંગના પ્રાર્થના - મંત્રો લખેલા ફરફરી રહેલા પતાકા મનમાં ક્યારેય ન ભૂંસાય એવી છાપ અંકિત કરી ગયાં.

       મંદીરેથી દર્શન કર્યા બાદ લખુ અમને લઈ આવ્યો ચોરસ્તા નામના અહિના પ્રખ્યાત વિસ્તારમાં જ્યાં વિશાળ ખુલ્લો મેદાન જેવો ભાગ હતો જેની પરિધિમાં બેઠકો ગોઠવેલી હતી અને ફરતે બજાર હતું અને એક છેડે મોટું ઓપન થિયેટર હતું જેના મંચ પર લખુના જણાવ્યાં અનુસાર સાંસ્ક્રુતિક કાર્યક્રમો,નાટકો વગેરે ભજવાતા. આ વિસ્તાર અનોખી મોકળાશનો અનુભવ કરાવતો હતો.આગળ વધી થોડી ઘણી શોપિંગ કરી અમે હેસ્ટી-ટેસ્ટી નામની શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટમાં જમ્યાં અને પછી બજારમાં જ થોડું આમતેમ ઘૂમ્યાં.

       બીજા દિવસની શરૂઆત જેમ એક મોનસ્ટરીના દર્શન સાથે કરી હતી તેમ પૂર્ણાહૂતિ પણ અહિની અન્ય એક પ્રખ્યાત મોનસ્ટરીની મુલાકાત સાથે કરી.આ મઠ ત્રીજા માળ જેટલી ઉંચાઈ પર આવેલા એક ખુલ્લા ભવ્ય ચોગાન સામે બનાવાયેલ વિશાળ દેવાલયમાં હતું.  અહિં અમને સાવ જુદા જ પ્રકારનો અનોખો હ્રદયસ્પર્શી અનુભવ થયો.અમે ખાસ સાંધ્ય પ્રાર્થના સમયે જ ત્યાં જઈ પહોંચ્યા હતાં.અંદર મઠમાં બુદ્ધ અને તેમના શિષ્યોની ઉંચી રંગીન ભવ્ય પ્રતિમાઓ તો હતી જ પણ સામે હાર બદ્ધ અનેક લામાઓ પ્રાર્થના પોથી અને તેમાનાં કેટલાક ખાસ પ્રકારના વાદ્યો સાથે ઇશ્વરની આરાધના કરતાં બેઠા હતાં.અમે પ્રવેશ્યા તેની થોડી ક્ષણો પૂર્વે જ એ પ્રાર્થના શરૂ થઈ હશે જેની ધૂન અને વિશાળ ભૂંગળ કે શરણાઈ જેવા વાદ્યનો સ્વર,કાંસાના પખવાજ જેવા મોટા મંજીરાનો અવાજ અને લય બદ્ધ,તાલ બદ્ધ ગવાઈ રહેલી બૌદ્ધ પ્રાર્થનાએ થોડા સમય માટે અમને એક જુદા જ વિશ્વમાં મોકલી દીધાં. એ મઠની અંદર કતાર બદ્ધ બેઠેલા લામાઓ,લટકી રહેલા વિશાળ રંગબેરંગી કાપડના પટ્ટાઓ,વાગી રહેલા વાજિંત્રોએ સર્જેલા મધુર કર્ણપ્રિય સંગીત,ભગવાનને ધરેલ પ્રસાદ,દીવાઓની રોશની આ બધું મળીને જે એક અલૌકિક અનુભૂતિ સર્જાઈ હતી તે કદાચ શબ્દો દ્વારા વર્ણવી જ નહિ શકાય.

      અહિં બીજા દિવસનો પ્રવાસ પૂર્ણ થયો.એ પછીના દિવસે દાર્જિલિંગને અલવિદા કહી અમારે સિક્કિમના ગેંગટોક ભણી રવાના થવાનું હતું.

(ક્રમશ:)