Translate

સોમવાર, 31 ડિસેમ્બર, 2012

તમસો મા જ્યોતિર્ગમય...

જગતમાં અપાર સુંદરતા છે. રંગીન પુષ્પો જુઓ કે પાંખો ફફડાવતા ચંચળ પતંગિયા, જંગલોની અને પાકથી લહેરાતા ખેતરોની લીલોતરી જુઓ કે અફાટ રણ કે ઉત્તુંગ શિખરો ધરાવતા કે હિમાચ્છાદિત પર્વતો,સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે આકાશમાં રચાતી રંગલીલા જુઓ કે ચોમાસામાં જોવા મળતું મેઘધનુષ,રંગબેરંગી નાના મોટા જીવજંતુઓ જુઓ કે કલશોર કરી ઉડાઉડ કરતાં નાના મોટા પંખીઓ,તહેવારો દરમ્યાન કરાતી રોશની,રંગોળી કે અવનવા ઝાકઝમાળ વસ્ત્રપરિધાન જુઓ કે કુદરતી નદી,ઝરણાં,સમુદ્રો,મહાસાગર કે માનવ સર્જિત સરોવર,તળાવ કે બાગબગીચાઓનું સૌંદર્ય જુઓ. વાંચતા પણ મન પ્રસન્ન થઈ ગયું ને? ભગવાનનો લાખ લાખ આભાર માનો કે આ બધું તમે જોઈ શકો છો, જોઈને માણી શકો છો. કારણ ભગવાને તમને બે મહામૂલ્ય રત્નો આપ્યા છે - નેત્રરત્નો...


હવે કલ્પના કરો કે તમારી આંખ સામે પાટા બાંધી દેવાયા છે,એવી સજ્જડ રીતે કે પ્રકાશનું નાનું સરખું એક કિરણ પણ તેમાં ન પ્રવેશી શકે.તમને શું દેખાશે?માત્ર એક જ રંગ - કાળો. અંધારપટનું સામ્રાજ્ય છવાઈ જશે તમારા નેત્રવિહિન જગતમાં. ઉપર જણાવેલી કે અન્ય કોઈ પણ સુંદર વસ્તુ તમે ક્યારેય જોઈ શકશો નહિં. જન્મથી અંધકારનો અભિશાપ લઈ જન્મનાર વ્યક્તિએ તો આ બધી સુંદર વસ્તુઓની માત્ર કલ્પના જ કરવી રહી અને એ કલ્પના પણ કેવી હશે તે આપણાં જેવા દ્રષ્ટી ધરાવતા મનુષ્ય માટે અકલ્પનીય છે.તો એવી વ્યક્તિ જેણે એક વાર આ બધું જોઈ લીધા બાદ કોઈ રોગ કે સંજોગવશ દ્રષ્ટી ગુમાવી દીધી હોય તેના માટે આ બધુ ફરી ન જોઈ શકવાની વેદના કેટલી દુષ્કર અને દુ:ખદાયી હશે તે સમજી શકાય એવી વાત છે.

પણ આપણે આ અંગે કંઈક કરી શકીએ તેમ છીએ. નેત્રદાન દ્વારા.

મ્રુત્યુ બાદ આંખો પણ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય અને તેનો કોઈ ઉપયોગ ન થતા તે વેડફાઈ જાય છે. લાશ માટે આંખો કોઈ ઉપયોગની રહેતી નથી.આથી જો મૃત્યુ બાદ ચાર-પાંચ કલાકમાં આંખો નિષ્ણાત ડોક્ટર દ્વારા કાઢી લેવાય તો એક વ્યક્તિની બે આંખો દ્વારા છ દ્રષ્ટીવિહીન આંખો જોતી થઈ શકે. હા! છ દ્રષ્ટીવિહીન આંખો. અહિં છપવામાં કોઈ ભૂલ નથી થઈ. કઈ રીતે? આવો વૈજ્ઞાનિક ઢબે સમજીએ.

આપણી આંખોમાં કીકી ઉપર એક અતિ પાતળો પડદો હોય છે. જેને કોર્નિયા કહે છે. તે કાચ જેવો પારદર્શક હોય છે. તે ક્યારેક ધૂંધળો થઈ જાય તો વ્યક્તિને ધૂંધળું દેખાવા લાગે જેને આપણે મોતિયો આવ્યો એમ કહીએ છીએ. જ્યારે કોઈ કારણ સર આ કોર્નિયા અપારદર્શક બની જાય કે તેને નુકસાન પહોંચે ત્યારે વ્યક્તિ આંશિક કે સંપૂર્ણ રીતે જોવાની શક્તિ ગુમાવી બેસે છે, અંધ બની જાય છે. પણ જો નેત્રદાન દ્વારા મળેલી આંખના કોર્નિયાનો યોગ્ય ઉપયોગ થાય તો તબીબ બે આંખોના કોર્નિયા ત્રણ ભાગમાં કાપી અન્ય છ આંખોને જોતી કરી શકે છે. આમ જો સંપૂર્ણ અંધ એવી વ્યક્તિને એક આંખે જોતી કરવામાં આવે તો મૃત વ્યક્તિના બે નેત્રો દ્વારા કુલ છ અંધ વ્યક્તિ દ્રષ્ટી પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પામી શકે.

વિશ્વમાં લગભગ ચાર કરોડ દ્રષ્ટીવિહીન મનુષ્ય છે જેમાંથી એક કરોડ જેટલાં ભારતમાં છે.આમાંથી ૨૫ લાખ લોકો કોર્નિયાની પારદર્શકતા ગુમાવવાથી દ્રષ્ટી ખોઈ બેઠાં છે.એ લોકોની કોર્નિયા જો બીજી મૃત વ્યક્તિના સારા કોર્નિયાથી બદલી શકાય તો તેઓ ફરી દેખતા થઈ શકે. કૃત્રિમ કોર્નિયા હજી સુધી શોધી શકાયો નથી તેથી માનવ કોર્નિયાનો ઉપયોગ એકમાત્ર ઉપાય છે.કોર્નિયાનું આયુષ્ય ૧૫૦ વર્ષ હોવાથી રોપાયેલા કોર્નિયા ફરી ઉપયોગમાં લઈ શકાય છે. ભારતમાં દર વર્ષે બે કરોડ લોકો મૃત્યુ પામે છે પણ ફક્ત પાંચહજાર મૃતદેહોની આંખો જ દાનમાં મળે છે.બાકીની આંખો અગન કે દફન દ્વારા વેડફાઈ જાય છે. જો દરેક વ્યક્તિ પોતાના મૃત્યુ પૂર્વે પોતાના ચક્ષુ દાનમાં આપી દેવા માટે રજિસ્ટ્રેશન કરાવે તો માત્ર ૧૧ દિવસમાં ભારતના તમામ અંધજનોને દ્રષ્ટી મળી શકે.

આપણે જીવતેજીવ અન્ય કોઈ દાનપુણ્યનું કાર્ય કર્યું હોય કે ન કર્યું હોય પણ નેત્ર દાનનું મહાદાન મૃત્યુ બાદ ચોક્કસ કરીને અઢળક પુણ્ય કમાઈ શકીએ. આમાં કોઇ નુકસાન થતું નથી.

જીવતે જીવ આપણે નેત્રદાન માટે રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ અથવા આપણી આવી ઇચ્છા આપણા પરિવારજનો તેમજ મિત્રો સમક્ષ વ્યક્ત કરી શકીએ છીએ.આપણા ફેમિલી ડોક્ટરને પણ આ અંગે જાણ કરી શકીએ છીએ. મૃત્યુ બાદ પરિવાર જનો નેત્રદાન સ્વીકરતી સંસ્થાનો સંપર્ક કરી પરવાનગી આપતા ફોર્મ પર સહી કરી આપે એટલે માત્ર પંદર મિનિટમાં શસ્ત્રક્રિયા દ્વારા ચક્ષુ મૃતકના દેહમાંથી કાઢી લેવાય છે. તેનાથી ચહેરો બિલકુલ વિકૃત થતો નથી.ચશ્મા કે મોતિયો ધરાવતી વ્યક્તિ પણ નેત્રદાન કરી શકે છે.મારા વ્રુદ્ધ ગામે રહેતા ફોઈ મુંબઈ આવેલા, તેમને નેત્રદાન વિશે વાત કરી તો કહે જો આંખો દાનમાં આપી દઈએ તો આવતા જન્મે અંધાપો આવે. તર્ક વિનાની આ દલીલ સાંભળી પહેલા તો હસવું આવ્યું. પછી મેં તેમને સમજાવ્યું કે તેઓ જે ભજન ગાતા "કાલ કોણે દીઠી છે..." તે ન્યાયે આવતી કાલે શું થવાનું છે તેની જો આપણને ખબર ન હોય તો આવતા ભવની અટકળો કરવાનો કોઈ અર્થ? નશ્વર દેહ સાથે બળી કે દટાઈને નષ્ટ થઈ જવા કરતા બે આંખો દ્વારા જો અન્ય છ નેત્રવિહીન વ્યક્તિઓ જોવાનું સુખ પામી શકવાની હોય તો એનાથી રૂડૂં બીજું કંઈ ન હોઈ શકે એમ હું આખરે તેમને મનાવી શક્યો! હવે તે નેત્રદાન કરે છે કે નહિં તે તો રામ જાણે પણ મેં અને મારા પિતાએ નિર્ધાર કર્યો છે કે અમે ચોક્કસ નેત્ર દાન કરવાના છીએ.

હવે થોડી ઉપયોગી માહિતી આપી દ ઉં.જો તમારે કોઈ સ્વજનનાં નેત્રોનું દાન કરવું હોય તો ટોલ ફ્રી નંબર ૧૯૧૯ ઉપર ફોન કરી મ્રુત્યુના ચાર કલાકની અંદર જાણ કરવી જેથી નિષ્ણાત ડોક્ટર તમારા ઘેર આવી વિનામૂલ્યે મ્રુતકની આંખો સંભાળીને લઈ જશે અને નજીકની ચક્ષુબેન્કમાં જમા કરી દેશે.ત્યાંથી એ આંખો સમયસર અને જરૂરિયાત મુજબ કેટલીક ચોક્કસ નિયત હોસ્પિટલમાં મોકલી આપવામાં આવશે જ્યાં જરૂરિયાતમંદની આંખોમાં ઓપરેશન દ્વારા કોર્નિયા વિનામૂલ્યે બેસાડવામાં આવશે અને આમ તે આંખો મ્રુત્યુ બાદ પણ આ જગતને જોતી રહેશે!

આંખને કાઢ્યા પછી તેની આંકણી કરવામાં આવે છે અને તેની પર અનેક પ્રક્રિયાઓ કરી તેની યોગ્યતા માપ્યા પછી જ તેને ડોક્ટરને પહોંચાડવામાં આવે છે.જે કોર્નિયા કોઈ કારણસર આરોપણ માટે વાપરી ન શકાય તેમ હોય તેને અમૂલ્ય અભ્યાસ અને શોધખોળ (રિસર્ચ) માટે ઉપયોગમાં લેવામાં આવે છે.આમ નેત્રદાન ક્યારેય એળે જતું નથી.

તમે જો કાંદિવલી કે તેની આસપાસ રહેતા હોવ તો ત્યાં સ્થિત નેત્રદાન જાગ્રુતિ કેન્દ્રમાં મૂળરાજભાઈ કાપડીઆને મળી શકો જેમણે પોતાનું જીવન નેત્રદાન પ્રવૃત્તિને સમર્પિત કરી દીધું છે. તેમનો ૯૩૨૨૨૩૭૩૨૩ નંબર પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકશો. અહિં નેત્રદાન માટે રજિસ્ટર કરવાનો એક ફાયદો એ પણ છે કે તેઓ તમને એક ‘Eye Donor’નું ટેટૂ શરીર પર વિનામૂલ્યે કરાવી આપવાની સવલત આપે છે. ટેટૂ હોય તો માણસ હોસ્પિટલમાં હોય તો ડોકટરની કે ઘેર હોય તો પરિવારજનોની નજરે ટેટૂ ચડે અને નેત્રદાન યાદ આવે. નેત્રદાનની પ્રવ્રુત્તિમાં મૂળરાજભાઈને કાંદિવલીના ડો. દિલીપ રાયચૂરા અને બિગ બોસ બ્યુટી પાર્લરના હરીશ ભાટીયા તેમજ અન્યોનો અમૂલ્ય સહકાર પણ મળ્યો છે જેના થઈ નેત્રદાનની પ્રવ્રુત્તિને સારો વેગ મળ્યો છે.

વર્ષ ૨૦૧૨ની વિદાય વેળાએ અથવા વર્ષ ૨૦૧૩ને વધાવતી વેળાએ નેત્રદાનનો સુસંકલ્પ કરવાનો અવસર ગુમાવવા જેવો નથી!

શનિવાર, 22 ડિસેમ્બર, 2012

ગેસ્ટ બ્લોગ : કાગડો

- મૈત્રેયી મહેતા


કાગડા કાગડા કઢી પીવા આવ,

શેર કંકુ લેતો આવ.......

બહુ નાના હતા ત્યારે આવું કંઈ રમતા હતા, નહિ ? યાદ છે ? એ જ, એ જ કાગડા વિષે આજે વાત માંડવી છે. કાળો કાળો કાગડો , કા કા કા કા કરીને કર્કશતા માટે પ્રખ્યાત કાગડો. અને તેની સાથે જ કોયલ અને હંસ ,એ બન્ને ના વિરોધાત્મક પ્રતિક તરીકે જાણીતો કાગડો.. પણ બીજા કોઈ વિષે નહિ અને કાગડા વિષે જ કેમ એવો પ્રશ્ન સ્વાભાવિક છે .થયું એવું કે અમારા ઘરની આસપાસ ઘણાં ઘટાદાર વૃક્ષો છે, કબૂતરો ઓછા પણ કાગડા વધારે છે. અને અચાનક આજુબાજુ વસતા કાગડામાંથી એક કાગડાને બાલ્કનીમાં જતા દરેક સાથે શી ખબર શું વાંકું પડ્યું કે દરેકને ચાંચ મારે ! બહાર બાલ્કનીમાં ગયા નથી કે ચાંચ મારી નથી...! અને ક્યાંથી ઉડીને આવી જાય કે ખબર જ ના પડે, ચાંચ મારે એટલે માથામાંથી લોહી નીકળે.. એની ચાંચ કડક હોય... ! આ બધું બહુ ચાલ્યું... છેવટે બાલ્કની પર રાજ જમાવી બેઠા છે કાગડા ... બાલ્કનીમાં બહાર જવાતું નથી... પછી પાણી મુકવાનું શરુ કર્યું છે... જોકે ડર તો ચાલુ જ છે.

આમ કાગડાભાઈ વાતનો વિષય બની બેઠા. એક બાળ વાર્તા યાદ આવે છે. નાનકડો બચુડીયો

બાલ્કનીમાં બેઠો બેઠો પૂરી ખાતો હતો. કાગડાભાઇ આવીને પૂરી ઝૂંટવી ગયા.આમ તીવ્ર નજર રાખતા કાગડા ચતુર ગણાય છે. ચતુર કાગડાએ કંકર નાખી પાણી પીધું... એ વાત હવે સ્ટ્રો વડે પાણી પીતો કાગડો તરીકે જાણીતી છે.

મૂળ એશિયન એવા આ કાગડા હાઉસ ક્રો કે કોલંબો ક્રો તરીકે જાણીતો છે અને માનવ વસ્તીની આજુબાજુ બધે જોવા મળે છે. સામાન્ય રીતે ૪૦ સે.મી. લાંબો હોય છે. નેપાળ, બંગલા દેશ, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સમાં અને લેકેદીવ ટાપુઓ પર પણ જોવા મળે છે. ગુગલ પરથી મળતી માહિતી મુજબ ૧૮૯૭ ની આસપાસ સુદાન, ઝાંઝીબારની આજુબાજુ પૂર્વ આફ્રિકામાં લઇ જવામાં આવ્યો. ઓસ્ટ્રેલીયામાં તો તે વહાણ દ્વારા પહોંચી ગયો. હવે તો કાગડાભાઇ યુરોપ પણ પહોંચી ગયા છે.

ફ્લોરીડાના સેન્ટ પીટર્સબર્ગની આજુબાજુ કાગડાએ વસવાનું શરુ કર્યું છે. આ કાગડા સર્વ ખાદ્ય પદાર્થ ખાય છે. જોકે સફાઈ કામગીરી સારી રીતે બજાવે છે. તે માનવ વસ્તીની આજુબાજુ વસે છે, અને માણસે ફેંકી દીધેલી બધી ખાદ્ય ચીજો આરોગી જાય છે. તે ઉપરાંત જીવ જંતુ, જીવડા,ઈંડા , અનાજ અને ફાળો પણ ખાય છે. અરે આકાશમાંથી ઉડતાં ઊડતાં ચીલ ઝડપથી નીચે આવીને નાનકડા ખિસકોલીના બચ્ચા કે ઉંદરને પણ ઉઠાવી જઈ શકે છે.

અમેરિકન કાગડા પ્રમાણમાં મોટા હોય છે. મેં જોયું કે જાપાનમાં પણ વિશેષ ધ્યાન ખેંચે તેવા મોટા મોટા કાગડા હોય છે. ખાસ કરીને ઉત્તર અમેરિકામાં મોટા કાગડા જોવા મળે છે. તે ૪૦ થી ૫૩ સે.મી. લાંબા હોય છે. તેની એક પાંખ ૨૭ થી ૩૪ સે.મી. લાંબી હોય છે.

કાગડા ખુબ ચતુર હોય છે ,તે માણસોના અને પંખીઓના અવાજ ને ઓળખે છે. સંશોધકોએ માણસો અને પક્ષીઓના અવાજને રેકોર્ડ કરીને કાગળના પ્રતિભાવો ચકાસ્યા છે. ડો. વોશરે BBC ને કહ્યું કે શહેરોમાં કાગડાઓ, જેક ડૉ, મેગી , સીગલ અને માણસો ની આસપાસ વસે છે. કાગડા અજાણ્યો અવાજ સાંભળતાં જ સાવધાન થઇ જાય છે. જાણીતા માણસો કે પક્ષીઓના અવાજને ઓળખે છે અને પ્રતિભાવ પણ આપે છે.

કાગડા બહુ જ ચતુર હોય છે , એ વાત આપણે સહુ જાણીએ છીએ.એક કાગડો, પશુ-પક્ષીઓ માટે મુકવામાં આવેલા પાણીના પત્રમાં મેગીના ટુકડા નાખી તેને થોડી વાર પલાળવા દે અને પછી તે પોચા થાય પછી તેની મઝા માણે છે, લો બોલો..! કાગડા બદામ પ્રકારની કડક ખાદ્ય ચીજોને વાહન વ્યવહાર વાળા ભરચક રસ્તા પર ફેંકે છે મોટર-ગાડીઓના પૈડાંદ્વારા તેને તોડીને પછી તે ખાય છે ? ખરેખર, સાચું નથી લાગતું ? ગુગલ પર તેનો વિડીયો જોઈ લો ! વાહ ખરેખર કાગડાભાઇ બહુ ચતુર તો છે જ, તેમાં ના નહીં જ !પણ કાગડા ચતુર છે તો કોયલ તેનાથી પણ ચતુર છે, તે પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી દે છે ... અને કાગડો પોતાના ઈંડાની સાથે કોયલના ઈંડાને પણ સેવે છે અને બચ્ચાંને પોષે છે...

નર કાગડો ૫ વર્ષ અને માદા કાગડો ૩ વર્ષ જીવે છે. કેટલાક કાગડા ૨૦ વર્ષ પણ જીવે છે. અમેરિકાનો એક કાગડો ૩૦ વર્ષ સુધી જીવ્યાના પણ દાખલા છે.

* આઈરીશ માયથોલોજીમાં, કાગડો યુદ્ધ અને મૃત્યુની દેવી , મોરીગન સાથે સંકળાયેલો છે.

*નોર્સ માયથોલોજીમાં કાગડાનું જોડું - Huginn અને Munnin , વિશ્વ પર ઉડે છે, અને ભગવાન Odin ને પૃથ્વી પરની માહિતી આપે છે.

* હિંદુ માન્યતા મુજબ કાગડો કાગભુશંડીનું પ્રતિક છે. મૃત્યુ પછી જીવને કાગડા મારફતે પીંડ ખવડાવવામાં આવે છે. અને શ્રાદ્ધ પક્ષમાં કાગ વાસ નાખવામાં આવે છે , જે દ્વારા નવો જનમ ના લેનાર પિતૃ, કાગડા દ્વારા ખીર ખાઈને તૃપ્ત થઇ કુટુંબીજનોને આશિષ આપી પોતાની ગતિ પામે છે, એમ મનાય છે.

હિંદુ શાસ્ત્રો અને દર્શનોમાં કાગડા અને હંસ દ્વારા ઇષ્ટ અને અનિષ્ટ ની સરખામણીનું વર્ણન કરાયું છે.

જાપાનના પુરાણોમાં ત્રણ પગ ધરાવતા કાગડા "યાતાગારાસુ " નું વર્ણન આવે છે.

કાગડો કદી યે એકલો ખાતો નથી, વહેંચીને ખાવાનો સદગુણ તે ધરાવે છે, ચતુર પણ છે પણ અભીષ્ટ પણ આરોગે છે તેથી નિમ્ન કક્ષામાં તેની ગણતરી થાય છે.

આમ તો આપણે કહીએ છીએ કે કાગડા તો બધે પણ કાળા , પણ અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં સાવ સફેદ કાગડો મેં જોયો છે.

કાગડો દહીંથરું લઇ ગયો, કૌઆ ચલા હંસ કી ચાલ, જૂઠ બોલે કૌઆ કાટે , કાગારોળ મચાવી, કાગ ડોળે રાહ જોવી વગેરે વગેરે કહેવતો આપણે જાણીએ છીએ .

* માઈ રી માઈ મુંડેર પે તેરે બોલ રહા રે કાગા...

* કાગા ચૂન ચૂન ખાઈઓ...

* ઉડ જા રે કાગા ....

* અરે હા, દોસ્તો, કાગવાણી ની વાત કરવાની તો રહી જ ગઈ.... ગુજરાતી લોક સાહિત્યના સરતાજ સમા દુલાભાયા કાગના કવન... "કાગવાણીની" વાત ના કરીએ તો કેમ ચાલે ? દુલા ભાયા કાગનું સાહિત્ય એ તો ગુજરાતી લોકસાહિત્યનું અમૂલ્ય નજરાણું છે. સચોટ અને કડવું સત્ય કાગવાણીને નામે સરળતાથી વર્ણવ્યું છે એમણે....

કાગડા વિષે નવું કંઈ જાણવા મળે તો દોસ્તો જરૂર જણાવજો...

અને હા, કાગડા કાગડા કાઢી પીવા આવ પછી શું આવે છે તે હું ભૂલી ગઈ છું... તમને યાદ છે ? તો જરૂર જણાવજો, મારી email id છે : mainakimehta@ yahoo .co .in

કા.... કા.... ના.... ના .... કુહુ...કુહૂઉ ....કુહૂઉ ....

બરાબર ને ?

- મૈત્રેયી મહેતા

શનિવાર, 15 ડિસેમ્બર, 2012

ભાગો ભાગો પુલીસ આઈ…

ગયા અઠવાડિયે રોજની જેમજ સવારે હું ઓફિસ જતી વખતે વાંદ્રા સ્ટેશનના પુલ પર ચાલી રહ્યો હતો ત્યાં અચાનક ગજબની હલચલ મચી ગઈ. આ પુલ પર પણ મુંબઈના ઘણાં બધાં સ્ટેશનો પરના પુલ પર હોય છે તેમ બંને બાજુએ ફેરિયાઓ જાતજાતનો માલસામાન સસ્તા ભાવે વેચવા મિની-બજાર ભરી બેઠાં હતાં. આ બધુ અનધિક્રુત હોવા છતાં તેઓ રોજ આ રીતે સવારથી સાંજ સુધી અહિં માલસામાન વેચી પેટિયુ રળતા હોય છે. તે સવારે બન્યું એવું કે પોલીસ અધિકારીઓ સ્ટેશન પર આવી ચડ્યા હશે એટલે ફેરિયાઓના ખબરીએ દૂર થી જ તેમને ચેતવી દીધા અને થોડી જ ક્ષણોમાં આ ફેરિયાઓ પોતપોતાના હંગામી સ્ટોલ્સ તથા ફેલાવીને ગોઠવેલા માલસામાનને જેમતેમ પોટલામાં બાંધી પુલ પરથી રફૂ ચક્કર થઈ ગયાં. જો કે થોડા દિવસો પછી (કે પછી કોને ખબર થોડા કલાકોમાં જ ) ફરી તેઓ આ જગાએ પોતાનો હક(!) જમાવી હંગામી સ્ટોલ્સ ઉભા કરી દેશે અને તેમનો ધંધો ફરી શરૂ!


મને વિચાર આવ્યો કે શું સરકાર આ લોકો માટે કંઈ ન કરી શકે? તેમને કમાવું છે પેટિયુ રળવા. પણ ધંધો કરવા પુલ તો યોગ્ય જગા નથી ને? સરકાર તેમને એવા ખાસ બજારો પૂર ન પાડી શકે, જ્યાં તેઓ પોતાનો આ માલસામાન વેચી શકે? સ્ટેશન પરથી પસાર થતાં હજારો ગ્રાહકો કદાચ એ ખાસ બજારોમાં જાય તેની એમણે રાહ જોવી પડે (કદાચ એટલે જ તેમણે આ જગા અને સમય પસંદ કર્યા હોય ધંધો કરવા એવું બની શકે!) પણ તેઓ આમ પુલ પર જગા રોકી લઈ અસુવિધા કે ભય-જોખમ ઉભા કરે એ તો યોગ્ય ન જ ગણાય ને?

બીજો પણ આવો જ અનુભવ મને એક વાર હું રહું છું ત્યાં નજીકના વિસ્તારમાં થયેલો જ્યારે હું ત્યાં નાસ્તો કરવા ગયો હતો. અહિં એસ.વી.રોડ પર એક બાજુએ કેટલાક ફેરિયાઓ લાઈનમાં ઉભા રહે અને કોલેજિયનોથી માંડી પરિવારો અને સામાન્ય આર્થિક સ્થિતીના લોકોથી માંડી ગાડી વાળાઓ નાસ્તો કરવા,રાતનું ડીનર કરવા તેમની પાસે રીતસરની લાઈન લગાડે! વર્ષોથી આ જગા આ રીતના બુફે જેવા ઉભા રહીને ખાઈ શકાય તેવા ઓપન, ઇન્ફોર્મલ રેસ્ટોરન્ટ તરીકે પ્રખ્યાત છે. મેં પણ તે દિવસે અહિં આવી સેન્ડવીચનો ઓર્ડર આપ્યોપણ ત્યાંતો અચાનક ભાગાભાગી મચી ગઈ! મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી આવી હશે તેની દૂરથી જ ખબર પડી જતા બધા રેકડી વાળાઓ ખાવા પધારેલા કે ખાઈ રહેલા ગ્રાહકોની પરવા કર્યા વગર જીવ બચાવવા નાસતા હોય તેમ ત્યાંથી પોતપોતાની રેકડીઓ સહિત ભગવા લાગ્યા! નજીકની એક ગલીમાં કેટલાક રેકડીઓ વાળા પોતાની લારીઓ લઈ ઘૂસી ગયા.હું સેન્ડવીચ વાળા સાથે શું બન્યું તેની વાતો કરતો કરતો આ ગલીમાં આવ્યો અને પછી મારી સેન્ડવીચ તેણે બનાવી ત્યારથી માંડીને, મેં તે પૂરી કરી ત્યાં સુધી મેં એ સેન્ડવિચ વાળા સાથે ગપ્પાગોષ્ટિ કર્યા અને આ ઘટના વિશે માહિતી મેળવી. દર પંદર દિવસે કે મહિને આ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી આવતી અને ખાવાની લારીઓ વાળાઓએ આરીતે ભાગવું પડતું થોડા કલાક કે દિવસ તેઓ ત્યાં પાછા ન દેખાય પણ ત્યાર બાદ ફરી તેઓ આ જગાએ જ અનેકોના પેટની ભૂખ મટાડવા - જીભને ચટાકો ચડાવવા હાજર થઈ જતાં આ ઘટના ક્રમ વર્ષોથી આમ જ ચાલ્યો આવે છે.

એક રીતે જોઇએ તો આ ફેરિયાઓને કારણે એસ.વી. રોડનો અડધો ભાગ રોકાઈ જાય છે અને ટ્રાફીક પણ સારો એવો જામ થઈ જાય છે પણ ત્યાં ગાડીઓ લઈને આવનારાઓ પણ વર્ષોથી ત્યાં નિયમિત ખાવા આવે જ છે! આ ફેરિયાઓ માટે પણ સરકાર કોઈ ખુલ્લા મેદાન જેવી કે બીજી કોઈ જગા પૂરી ન પાડી શકે જ્યાં રેકડીઓ લગાડી આ ફેરિયાઓ આજીવિકા રળી શકે?

રવિવાર, 2 ડિસેમ્બર, 2012

ગેસ્ટ બ્લોગ : રાષ્ટ્રીય પીણું ‘ચા’

- સ્મિતા જાની


ચા નો ઇતિહાસ રોમાંચક છે. ચાની શોધ ચીનમાં થઈ છે. ઇ.સ. પૂર્વે. ૨૭૩૭ માં ચીનના સમ્રાટ ‘સુમારસ શેનતુંગ’ એક ઝાડની નીચે બેસીને પાણી ગરમ કરી રહ્યા હતા, ત્યારે અનાયાસ એક વનસ્પતિના પાન એમાં પડી ગયા. તે એક જંગલી ચા વૃક્ષનું પત્તુ હતુ. થોડીવાર પછી તેમાંથી મીઠી સુંગધ આવવા લાગી. સમ્રાટે આ પીણું પીધું અને તેણે સ્ફૂર્તિ અને તાજગી અનુભવી. ત્યારબાદ આ પાંદડાને ઉકાળીને પીવાની શરૂઆત થઈ, તે આપણી ચા. ભારતીય પ્રજાનું સૌથી માનીતું ગરમ પીણું "ચાય" ના હૂલામણા નામે પણ ઓળખાય છે.

જનસંખ્યાની દ્રષ્ટીએ કોફી કરતાં ચા પીનારાઓની સંખ્યા વધુ હશે તેથી ભારત સરકારે ચાને રાષ્ટીય પીણું જાહેર કરવાનો નિણ્રય લીધો છે. ઇ.સ. પૂર્વે.ત્રીજી સદીમં ચા "તુ" અથવા "ટુ" તરીકે ઓળખાતી હતી. ઇ.સ. ૨૦૬ થી ૨૨૦ ના વર્ષમાં હેન સામ્રાજ્ય દરમ્યાન તેનુ નામાંકરણ કરી "ટુ" ને બદલે "ચા" કહેવાનું શરૂ થયું.

ચા આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયેલું એક પીણું છે અને તે બધાને પરવડી શકે તેમ પણ છે. મહેમાનોની આગતા સ્વાગતા તેનાથી કરાય છે. તાજગી બક્ષતી ચા સ્વાસ્થ્યપ્રદ, સ્ફૂર્તીદાયક છે અને અમુક અંશે ઔષધીય ગુણ પણ ધરાવે છે.

આજે વિશ્વમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કરતા દેશોમાં ભારત મોખરે છે. બીજા નંબરે ચીન છે. ‘કમેલીયા સાયનેન્સિસ’ કુળની વનસ્પતિ ‘ચા’ ના બંધારણમાં એન્ટિ ઓક્સિડન્ટ તત્વો સમાયેલાં છે જે હ્રદયરોગ અને કેન્સર અટકાવવામાં મદદરૂપ બને છે તેમજ ચરબી અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

જાપાનમાં ચા પીવાનો આરંભ ઇ.સ. ૮૦૦ ની સાલમાં થયો અને ચીન અને જાપાન બંને દેશોમાં તે રાષ્ટ્રીય પીણું બની ગયું. ચીન અને જાપાન માં લોકપ્રિયતાના શિખરે પહોચ્યાં પછી ઇ.સ ૧૫૬૦માં ચાએ યુરોપખંડમાં પ્રવેશ કર્યો. આમ ચા પોર્ટુગલ, ફ્રાંસ, હોલેન્ડ આને બાલ્ટીક દેશોમાં પીવાવા લાગી. ૧૮મી સદીમાં ચા ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રીય પીણા તરીકે માન્યતા પામી તો શેતાનની સોબત કરાવે એવા ઉકાળા તરીકે ચા નો વિરોધ પણ થયો હતો. વળી બ્રિટનના વડાપ્રધાન ગ્લેડસ્ટન ચાના મોટા બંધાણી હતા. તેઓ રાત્રે સુતી વખતે ચા ભરેલું થર્મોસ પોતાની પાસે રાખતા હતા.

પશ્ચિમી દેશોમાં ‘પોટ ટી’ પીવાની પ્રથા પ્રચલિત છે. અસલ તિબેટ ના લોકો રોજના ૩૦થી ૭૫ કપ ચા ગટગટાવી જતા હતાં. તો આજે પણ ચાના શોખીન ચોવીસ કલાકમાં ગમે ત્યારે ચા પી શકે છે.

અત્યારે લગભગ ત્રણ હજાર જાતની ચા બજારમાં ઉપલબ્ધ છે છતાં આ તમામ જાત મુખ્ય છ જાતમાંથી જ તૈયાર કરવામાં આવે છે. ચા ની મુખ્ય છ જાતમાં સફેદ , લીલી, સુંગધી, કોમ્પ્રેસ્ડ કરેલી, કાળી અને ચીની જાતની ઓલોંગનો સમાવેશ થાય છે. ચા ના પાંદડા ચૂંટી લીધા પછી તેના પર વિવિધ પ્રક્રિયા કરવામાં આવે છે જેના કારણે તે અલગ અલગ જાતની બને છે.

વિશ્વમાં દરેક સ્થળે ચા બનાવવાની પધ્ધતિ જુદી જુદી છે. તિબેટમાં ચા પીરસવાને પવિત્ર માનવામાં આવે છે. જાપાનમાં "ચા નો થું" એટલે ગરમ પાણીની ચા એવો તહેવાર ઉજવાય છે.

ચા વિવિધ પ્રકારની કિંમતની હોય છે. તે રૂ. ૭૦થી લઇને રૂ. ૬૦૦૦ કીલોના ભાવની પણ હોય છે. અને સોનેરી પત્રીની ચા તો રૂ. ૧૮૦૦૦ થી રૂ. ૨૦૦૦૦ની કીલોના ભાવે પણ વેચાય છે. ચાના બગીચાઓમાં આધુનિક પધ્ધતિ દ્વારા ગુણવત્તાવાળી ચાનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરત છે.

ચા માં કોઇ પોષક તત્વ નથી. ચા ના પ્રશંસકો કહે છે કે ચા શરીરના દરેક અવયવોમાં લોહી પહોંચાડે છે. મૂત્ર સાફ લાવે છે, જેથી કીડનીનો ચેપ થતો અટકે છે. ચામાં રહેલ ટેનિન થી પાચનશક્તિ નબળી પડે છે. કડક ચા માં ટેનિન વધારે હોવાથી તે એસીડીટી કારક પણ છે.

ઇ.સ. ૧૮૩૪ માં લોર્ડ વિલિયમ બેન્ટિકના પ્રયત્નથી ચાનું પ્રથમ વાવેતર આસામમાં થયું. ત્યાર પછી દક્ષિણ ભારતમાં ચાની ખેતીની શરૂઆત થઈ. એક સમય એવો હતો કે કંપનીઓ ચાના પ્રચાર માટે ભારતીયોને એક કપ ચા મફતમાં આપતી હતી. તે વખતે ચાને બનાવવા માટે ક્લાસ પણ લેવાતાં હતાં. આમ દુનિયાની લોકપ્રિય ચા નો પ્રચાર અને પ્રસાર થયો.

- સ્મિતા જાની

રવિવાર, 25 નવેમ્બર, 2012

આંધળુકીયું

કોઈ પણ બાબતને સારી કે ખરાબ ગણવી તે મોટે ભાગે સંજોગો પર આધાર રાખતું હોય છે. ગર્ભપાત એક એવી ક્રિયા છે જે પ્રથમ દ્રષ્ટીએ ખરાબ જ લાગે પણ જ્યારે ગર્ભવતી સ્ત્રીના પેટમાં ગર્ભના કુપોષણ કે પછી અન્ય કોઈ કારણસર ઉભી થયેલ સંકુલ પરિસ્થિતિને લીધે ગર્ભવતી સ્ત્રીનો જીવ જોખમમાં આવી જાય ત્યારે ગર્ભપાત જરૂરી જ નહિ અનિવાર્ય બની રહે છે. સ્ત્રીનો જીવ બચાવવો વધુ જરૂરી બની જાય છે.તે જીવિત રહેશે તો ફરી ગર્ભ ધારણ કરી જ શકશે. પણ આપણે ઘણી વાર આપણી જ સુવિધા કે સગવડ કે અનુશાસન માટે બનાવેલા નિયમોને લઈને એટલા જડ બની જઈએ છીએ કે સારાનરસાનું ભાન ગુમાવી બેસીએ છીએ અને સાચાખોટા વિષે વધુ ચિંતન કર્યા વગર અન્યાયી,અયોગ્ય અને ખોટો નિર્ણય લઈ બેસીએ છીએ. આયર્લેન્ડમાં તાજેતરમાં બનેલ સવિતા નામની એક યુવાન સ્ત્રી દંતચિકિત્સકના મોતની દુર્ઘટના બદલ આવું અવિચારી રૂઢીચૂસ્ત જડ વલણ જ જવાબદાર બની રહ્યું. તેને સત્તર અઠવાડિયા એટલે કે ચારેક મહિનાનો ગર્ભ હતો જે પૂર્ણપણે વિકસિત પણ ન હોવા છતાં ત્યાંના ડોક્ટર્સને તેના હ્રદયના ધબકારા સંભળાયા જ્યારે ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં તડપી રહેલી સવિતાની અસહ્ય વેદના તેમને ગણકારવા લાયક ન લાગી, તેનો જીવ બચાવવા અનિવાર્ય એવો ગર્ભપાત ખ્રિસ્તી ધર્મ પ્રમાણે પાપ ગણાતો હોવાને લીધે તેમને બિલકુલ જરૂરી ન લાગ્યો અને તેમણે એ અર્ધવિકસિત શિશુને બચાવવા જતાં જાણી જોઈને સવિતાની હત્યા કરી નાંખી. હા, આ હત્યા જ હતી. શિશુતો આમ પણ સવિતાના મૃત્યુ ને લીધે બચી ન જ શક્યું.


આ દુર્ઘટના આપણી માનવજાતની એક વરવી નબળાઈ છતી કરે છે.

આપણે કેટકેટલીયે રૂઢીઓને, પરંપરાઓને બસ અનુસર્યે રાખીએ છીએ. પ્રશ્ન પૂછ્યા વગર, એમ કરવા પાછળ કોઈ જાતનો તર્ક છે કે નહિ એ સમજ્યા વગર. ગાડરિયા પ્રવાહની જેમ. એક બહુ ઉચિત ગુજરાતી શબ્દ છે આ પ્રકારના વર્તન માટે: આંધળુકીયું.

બીજા બે ઉદાહરણ જોઇએ આ બાબતના.

બ્રાહમણ પુરૂષો જનોઈ પહેરે છે.લગભગ બધા જનોઈધારી બ્રાહ્મણો લઘુશંકા કે ગુરુશંકાએ (નહિ સમજાયું? એક નંબર કે બે નંબર!) જતી વેળાએ જનોઈ જમણા કાનની બૂટ પર ચડાવી દે છે.કોઈ એની પાછળનું કારણ નથી જાણતું. ભલભલા પંડિતોને પણ આમ કરવા પાછળનું સાચુ કારણ ખબર નથી.મેં ખૂબ રીસર્ચ કરી ત્યાર બાદ મને આ પાછળનું સાચુ તાર્કિક કારણ જાણવા મળ્યું. જૂના જમાનામાં બ્રાહ્મણો ખુલ્લામાં ગુરૂ શંકાએ જતાં. નીચે બેસવાનું હોય અને જનોઈનો દોરો લાંબો હોય.આથી તે માટીમાં રગદોળાઈ ગંદો ન થાય એ હેતુથી બ્રાહમણો તેને જમણા કાને લપેટી લેતા જેથી પવિત્ર જનોઈ મેલી ન થાય. હવે શહેરોમાં તો ઘેર ઘેર જાજરૂ આવી ગયા છે ત્યારે જનોઈને કાને ભરાવવાની કોઈ જરૂર મને જણાતી નથી. પણ ખરૂં કારણ જાણ્યા વગર આજે પણ લોકો આ પ્રથા અનૂસર્યે રાખે છે.

બીજી આવી એક પ્રણાલી છે સ્મશાનમાં ગયા બાદ મૃતદેહ બાળી આવ્યા પછી ઘણાં લોકો માને છે કે નાસ્તો કરવો જરૂરી છે. એ સિવાય પાછા ઘરે ન જવાય. કારણ? મોટા ભાગના ને ખબર નથી. લોજીક : ગામડાઓમાં ઘણી વાર સ્મશાન ખૂબ દૂર હોય અને ડાઘૂઓ પણ ચાલીને મડદાને ખભે ઉપાડી એટલે લાંબે ગયા હોય, ઘણાં લાંબા સમય સુધી કંઈ ખાધુ ન હોય આથી લાશ બાળ્યા બાદ, ફરી પાછા પોતાને ગામ ખાસ્સે દૂર ચાલીને જવાનું હોય આથી અશક્તિ ન આવી જાય અને શરીરમાં ખોરાક રૂપી ઇંધણ મળી રહે એ હેતુ થી લોકો નાસ્તો કરી લેતા અને પછી પોતાના ગામ તરફ પ્રયાણ કરતાં.હવે શહેરમાં સ્મશાન નજીક હોય ત્યારે વળી નાસ્તો કરી પાછા ઘેર આવવાની શી જરૂર? પણ આંધળૂકિયું!

ક્યારે આપણે જડ માનસિકતા ન અપનાવી જીવનમાં થોડા ફ્લેક્સીબલ બનવાનો પ્રયાસ કરીશું ? ગમે તે રીતરસમ અનુસરતા પહેલા તેની પાછળનું સાચું કારણ ચોક્કસ જાણી લઈએ તો કેટલું સારૂં! .

રવિવાર, 18 નવેમ્બર, 2012

સ્પીડ ડેટીંગ

આજનો જમાનો ઝડપનો છે. મુંબઈ જેવા મહાનગરમાં લોકોને બધું ઇન્સ્ટન્ટ જોઇએ છે. ફાસ્ટ ફૂડ,ફાસ્ટ ટ્રેન્સ,ફાસ્ટ ફોરવર્ડના યુગ પહેલા કોઇએ કલ્પના પણ કરી હશે કે એક સમય એવો પણ આવશે જ્યારે લોકોને આખી જિંદગી જેની સાથે પસાર કરવાની છે એ સાથીની પસંદગી માટે પણ 'ફાસ્ટ' એવું એક ઓપ્શન હશે જેમાં માત્ર ગણતરીની ક્ષણો માટે સામી વ્યક્તિ સાથે વાર્તાલાપ કર્યા બાદ 'હા' કે 'ના' નો નિર્ણય કદાચ તમને તમારો જીવનસાથી મેળવી આપવા જવાબદાર બનશે! કન્ફ્યુઝ્ડ? હું વાત કરી રહ્યો છું ‘સ્પીડ ડેટીંગ’ની! આજના બ્લોગમાં ઝડપથી(!) 'સ્પીડ ડેટીંગ'ની ચર્ચા કરી તમને આ નવા કન્સેપ્ટથી માહિતગાર કરાવવા છે!


સ્પીડ ડેટીંગમાં આયોજકો ઇચ્છુક યુવક-યુવતિઓના પ્રોફાઈલ્સ એકઠાં કરે,તેની વ્યવસ્થિત ચકાસણી કરે,યુવક-યુવતિઓનું બેકગ્રાઉન્ડ ચેક કરે અને ત્યારબાદ તેમને સ્પીડડેટીંગમાં ભાગ લેવાની પરવાનગી આપે.આ અતિ જરૂરી પગલું છે. કારણ યુવક-યુવતિ સમયના અભાવને લીધે સામેવાળાના બેકગ્રાઉન્ડ ચેક કરવાની પળોજણમાં ન પડવું પડે એટલે જ તો સ્પીડડેટીંગમાં ભાગ લેતા હોય છે! એટલે આવા કાર્યક્રમમાં આયોજક એજન્સીની વિશ્વસનિયતા અને તેણે કરેલી દરેક યુવક યુવતિના બેકગ્રાઉન્ડની ચકાસણી અતિ અગત્યના અને જરૂરી બની રહે છે.

હવે સ્પીડડેટીંગની રસપ્રદ પધ્ધતિ જોઇએ! જૂના જમાનામાં સ્વયંવર યોજાતા તેને મળતી આવે છે સ્પીડડેટીંગની રીતરસમ.એક માત્ર ફેર એટલો કે તેમાં એક જ વર કે વધૂ સામે અનેક પાત્રો જોતાં અને તેમાંથી એકને પસંદ કરતાં. સ્પીડડેટીંગમાં બધાં જ ભાગ લેનાર યુવક-યુવતિઓ સામે વાળા દરેક યુવક-યુવતિને થોડી જ ક્ષણો માટે મળે છે,તેની સાથે પાંચ-છ કે વધુમાં વધુ દસ મિનિટ વાર્તાલાપ કરે છે અને પછી નેક્સ્ટ ઉમેદવાર ઇચ્છુક યુવક-કે-યુવતિ તરફ આગળ વધે છે!

રાસ વાળા બ્લોગમાં જેમ બે સમકેન્દ્રિય વર્તુળોની વાત કરી હતી ને એવું જ કંઈક!બહાર તરફ ગોઠવેલી ખુરશી પર ધારોકે યુવતિઓ બેસે તો તેની સામે અંદર વર્તુળાકારે ગોઠવેલી ખુરશીમાં યુવાનો!તેઓ એકબીજાને ઓળખતા ન હોય!તેમને એકબીજાના નામ સુદ્ધા ખબર ન હોય.ખાલી તેમને રોલનંબર્સ આપવામાં આવ્યા હોય અને સાથે રફપેડ જેમાં તે સામે વાળી વ્યક્તિમાં કંઈ સારૂં લાગે તેની અને તે વ્યક્તિના નંબરની નોંધ રાખી શકે.ઘંટડી વાગે અને સ્પીડડેટીંગની શરૂઆત થાય!સામસામે બેઠેલા યુવક-યુવતિ નિયત સમય જેટલી ક્ષણોમાં સામે વાળી વ્યક્તિ સાથે વાતચીત કરી તેની સાથે પોતાની કમ્પેટેબિલિટી ચકાસે અને ગમે તો તેના નંબર અને સારી જણાતી બાબતોની નોંધ ટપકાવી લે.પછી ફરી ઘંટડી વાગે અને કોઈ પણ એક વર્તુળ (બહાર બેઠીલી યુવતિઓ કે અંદર બેઠેલા યુવાનો) આગળ વધે!ફરી નિયત સમય માટે યુગલ એકમેક સાથે પસંદગી-નાપસંદગી,કુટુંબ,વ્યવસાય કે શોખ અંગે સંક્ષિપ્ત ચર્ચા કરે અને ગમે તો નોંધ ટપકાવે અને ફરી ઘંટડી વાગે!આખું સત્ર ત્યારે પૂરૂં થાય જ્યારે દરેક યુવક-યુવતિ આ રીતે સામા બધાં જ પાત્રોને મળી લે.સત્રને અંતે દરેક યુવક યુવતિને થોડો સમય આપવામાં આવે જ્યારે તે સમીક્ષા-રીવીઝન કરી લે પોતાની નોંધનું.અને પછી જે યુવક-યુવતિઓએ ગમતાં નંબર નોંધ્યા હોય તેમને એ સામા યુવક-યુવતિઓના નામ અને ફોન તેમજ ઇમેલ જેવી અન્ય સંપર્ક માહિતી આયોજકો પૂરી પાડે!પછી તે યુવક યુવતિ પોતપોતાની રીતે બહાર મળી શકે! ડેટ પર જઈ શકે!અને યુગ્ય લાગે તો એ સામી વ્યક્તિ સાથે ઘરસંસાર પણ માંડી શકે!શરત એટલી જ કે સ્પીડડેટીંગ દરમ્યાન બંને પાત્રોએ એકમેકમાં રસ દાખવ્યો હોવો જોઇએ!જો કોઈ યુવકે દસ ગમતી યુવતિઓના નંબર નોંધ્યા હોય પણ તેનામાં એક પણ યુવતિએ રસ ન દાખવ્યો હોય તો તેને કોઈની સંપર્ક માહિતી મળે નહિ!જો કોઈ પ્રભાવશાળી યુવક કે યુવતિએ ઘણાં સામા પાત્રોમાં રસ દાખવ્યો હોય અને સામેથી તેનામાં પણ રસ દાખવવામાં આવ્યો હોય તો તે બધાં પાત્રોની માહિતી તેને મળે અને એ બધાં સામા પાત્રોને પણ એ પ્રભાવશાળી યુવક કે યુવતિની માહિતી આપવામાં આવે.

આપણે ત્યાં યોજાતા પરંપરાગત જ્ઞાતિ લગ્ન-મેળાવડાઓમાં કે મેરેજ્બ્યુરોઝ દ્વારા પણ આ સ્પીડડેટીંગનો પ્રયોગ અજમાવવામાં આવે તો તે રસપ્રદ બની રહે!

મંગળવાર, 13 નવેમ્બર, 2012

અજબ ગજબ રીક્ષા!

ગયા અઠવાડિયે ખાર રોડથી ગોરેગામ રિક્ષામાં આવવાનું થયું.જે રીક્ષા મળી તેમાં બેસતા જ હું આભો બની ગયો!શું રિક્ષા હતી એ!અત્યાર સુધી હું જેટલી પણ રીક્ષાઓમાં બેઠો હોઈશ તેમાંની શ્રેષ્ઠ રીક્ષા હશે એ!તમને પ્રશ્ન થતો હશે કે આ રીક્ષામાં એવું તે શું હતું કે હું તેના આટલા વખાણ કરું છું.તો વાંચો એ વસ્તુઓની કે લાક્ષણિકતાઓની યાદી જે આ રીક્ષામાં હતી :


- નાનકડું ટી.વી. અને સાથે એ જ સ્ક્રીન પર રસ્તા પર પાછળ આવી રહેલા વાહનો જોઈ શકાય તેવો કેમેરો.

- સમય જોવા માટે નાનકડી ઘડિયાળ

- તારીખ,તિથી કે વાર જોવા નાનકડું કેલેન્ડર

- સફેદ નાનું પાટિયું જેના પર માર્કર પેનથી આજની તારીખ અને વાર લખ્યા હોય (મેં કન્ફર્મ પણ કર્યું કે હું જે તારીખ અને વારે રીક્ષામાં બેઠેલો તે બરાબર લખેલા હતાં!)

- ૨ નાનકડાં વિજળીથી ચાલતા પંખા

- નાની સરસ ટ્યુબલાઈટ

- સ્પીકર્સ

- દવા / પેઇન કિલ્લર્સ ની નાનકડી ડબ્બી

- કિલોમીટર અને તે મુજબનું ભાડુ બતાવતું અદ્યતન મીટર

- હાલના રીક્ષાના ભાડા દર્શાવતું કાર્ડ

- ત્રણ રૂપિયામાં હાલના રીક્ષા-ટેક્સીના ભાડા દરશાવતા કાર્ડની ફોટોકોપીસ(વાહ ડ્રાઈવરની ધંધાદારી સૂઝ!)

- નાનકડું અગ્નિશામક યંત્ર

- એક અંગ્રેજી અને એક મરાઠી છાપું

- બેઠક સામે વંચાય તેમ લગાડેલી તાત્કાલિક ટેલિફોન નંબર્સની યાદી

- ડ્રાઈવરની સંપર્ક માહિતી ધરાવતા કાર્ડ્સ

(તેના કાર્ડ પરની વિગત જુઓ!

COOL RICKSHAW IN BANDRA

EMAIL : deepakshewale10@gmail.com

Khar - Danda (MH02VA3984)

Mob : 9768617980

You can read about me on Google Search

Deepak Shewale Rickshaw)

- ડ્રાઈવર ઓળખ ક્રમાંક, લાયસન્સ, બેચ ક્રમાંકની વિગત

- તેની રીક્ષાનો સમય (બપોરે એક થી ચાર ડ્રાઈવરનો આરામનો સમય!)

- નાની ફૂલદાની

- રીક્ષામાં પગ રહે ત્યાં સરસ મજાના સ્વચ્છ ફ્લોરમેટ (આગળ અને પાછળ)

- રીક્ષાની અંદર તરફ બેઠકની આજુબાજુની દિવાલ પર પોચી સરસ મજાની ગાદી

- બેઠકની આજુબાજુ અને માથા પર કવર પર લગાડેલી તારક મહેતાના જેઠાલાલ,દયાભાભી અને અન્ય કલાકારો સાથે આ રીક્ષાના ડ્રાઈવરે પડાવેલી તસવીરો

- ભારતનો નાનકડો રાષ્ટ્રીય ધ્વજ

- હાથ વડે પકડી શકાય તેવા પ્લાસ્ટીક હેન્ડલ્સ

- રીક્ષામાં જ્યાં ખાલી જગા બચી હશે ત્યાં અને જ્યાં તમારી નજર પહોંચી શકે એ દરેક શક્ય જગાએ કેટલાક રમૂજી તો કેટલાક સમજવા લાયક સૂત્રો પેઈન્ટ કરાવેલા વાંચવા મળશે.:

* સર્વ ધર્મ સંદેશ : "અપને ધર્મ પે ચલો સબ સે પ્રેમ કરો"

* Respect is commanded, not demanded

* Dont put your Beautiful Legs up! Visit again

* think good do good.

* બાત કરને સે બાત બનતી હૈ...

* સીધી બાત નો બકવાસ

* કફન મે જેબ નહિ હોતી

* મૌત રિશ્વત નહિ લેતી

* First impression is last impression

* પ્યોર ઈટ ..કોઇ શક?

(આ સૂત્રો પરથી અને બીજી કેટલીક ઉપયોગી માહિતી વાંચ્યા બાદ ખ્યાલ આવે કે દીપક માત્ર રીક્ષા ચલાવવાનું જ કામ નથી કરતો પણ સાથે સાથે વિશ્વની ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ચર્ચવા સાથે સાથે કઈ રીતે ઈકો ફ્રેન્ડલી બની શકાય તેની ટીપ્સ લખી સમાજ અને દેશ સેવાનું ભગીરથ કાર્ય પણ કરે છે!)

હવે આટલી લાંબીલચક યાદી જોયા બાદ તમને લાગે છે મારે કંઈ વધારે લખવાની જરૂર છે?પૂરા ચાર પૈડા પણ ન ધરાવતી ટચૂકડી રીક્ષામાં પણ (રીક્ષાને ત્રણ જ પૈડાં હોય છે ને?!) આ નોખા રીક્ષા ડ્રાઈવરે કેકેટલી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે! જે માત્ર કાબેલેતારીફ, 'હટ કે' જ નહિ પણ આપણને ઘણું શિખવી પણ જાય છે! દીપક શેવાલે રીક્ષાને માત્ર કમાવાના સાધન તરીકે જ નથી નિહાળતો. તે નાનામાં નાની જગાનો પણ પૂરેપૂરો ઉપયોગ કરી કસ્ટમર સેટીસ્ફેકશન જ નહિ, માનવ સેવાનું પણ અનુપમ અને બેજોડ ઉદાહરણ પૂરું પાડે છે. ઘણી વાર જીવનમાં કોઈ નવી શરૂઆત કરીએ ત્યારે અત્યુત્સાહ જોવા મળે જે સમય સાથે ઓસરી જતો જોવા મળે પણ સસ્મિત ચહેરો અને એકવડો બાંધો ધરાવતો દીપક ૧૨ વર્ષથી આ રીક્ષા ચલાવતો હોવા છતાં, તેના કાર્ય અભિગમમાં લેશમાત્ર કંટાળો કે નિરુત્સાહ જોવા મળતા નથી. સલામ દીપક શેવાલેને અને તેની રિક્ષાને! દીપકની આ રીક્ષા જોવા ગૂગલ પર સર્ચ કરી અથવા પ્રત્યક્ષ આ રેઅક્ષા મહારાણીમાં બેસવાનો લહાવો લેવા તમે દીપકને તેના ૯૭૬૮૬૧૭૯૮૦ આ મોબાઈલ નંબર પર સંપર્ક કરી જો જો!

રવિવાર, 4 નવેમ્બર, 2012

ગેસ્ટ બ્લોગ : ભાષાની ભેળપૂરી: અંગ્રેજી તડકા મારકે

[ પ્રિય વાચકમિત્રો,


'બ્લોગ ને ઝરૂખે થી...' કટારનો આજે ૧૫૦મો લેખ રજૂ કરતા એક વિશેષ જાહેરાત કરતા મન ખૂબ આનંદ અનુભવે છે.આ જાહેરાત એ છે કે તમારા સૌની અપાર ચાહના પામેલી આ કટાર પર આધારિત પ્રથમ પુસ્તક 'સંવાદ' ગૂર્જર ગ્રંથરત્ને પ્રકાશિત કર્યું છે.આ પુસ્તકનું લોકાર્પણ પહેલી નવેમ્બરે જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક શ્રી મહાવીરપ્રસાદ સરાફજીના વરદ હસ્તે થયું. આનંદોત્સવ સંસ્થાના પ્રમુખ અને જાણીતા સાહિત્યકાર શ્રી યશવંત ત્રિવેદીનો આ લોકાર્પણ કાર્યક્રમ બદલ આભાર માનવો ઘટે! જન્મભૂમિ પ્રવાસીના તંત્રી શ્રી કુન્દનભાઈ વ્યાસને શી રીતે ભૂલાય જેમની પ્રેરણા અને પ્રોત્સાહન મને સદાયે મળ્યા છે. મારા માતાપિતા,પત્ની,પુત્રી,બહેનો અને સમગ્ર જન્મભૂમિ પરિવારનો હ્રદયપૂર્વક આભાર માનું છું આ કટાર અને 'સંવાદ' શક્ય અને સફળ બનાવવા માટે! બસ આમ જ સદાયે તમારા પ્રેમ અને આશિર્વાદનો ધોધ વહાવ્યે રાખજો. અંત:કરણ પૂર્વક આભાર અને વંદન !

- વિકાસ ઘનશ્યામ નાયક]   * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

"મમ્મા, જોને બહાર કેટલું બધું Rain પડે છે"

"ડેડી! તમે આ જ સ્કૂલમાં સ્ટડી કઈરું'તું?

"બધા childrens શાંતિ રાખો, નહીં તો aunty બધાને shout કરશે"

"મને તો ગરબા નો એટલો સોખ છે, I so enjoyed it".

"આ લોકો આવા મોટા પોગ્રામમાં સેન્ડવીચ જ કેમ આપે છે, લેડીઝોએ complain કરવી જોઈએ"

આમાનું એક પણ વાક્ય correct the following sentences તરીકે ભાષાના પ્રશ્નપત્રમાંથી લેવાયું નથી. આ તો મુંબઈનાં જાણીતા પરાંમાં થતાં રાસગરબાની ધમાલ વચ્ચે સંભળાતાં કેટલાંક સંવાદો છે. બાળકો ગુજલીશ વચ્ચે ઝૂલ્યાં કરે છે ને માતાપિતા સાચા ( ને મોટે ભાગે) ખોટા અંગ્રેજી માં તડાકા મારે રાખે છે. ખોટી ભાષા અને ખોટા ઉચ્ચારોની ભેળપૂરી માં સાંભળનારને જરાય ટેસડો પડતો નથી. આ સંવાદો સાંભળ્યા પછી ગુજરાતી કે અંગ્રેજી કે બંને ઠીક ઠીક જાણનારે હસવું, રડવું કે ગુસ્સે થવું એ સમઝાતું નથી. ગુસ્સે થવું તોય કોના પર થવું એ મોટી મૂંઝવણ છે. સતત ખોટી ભાષા વચ્ચે જ ઉછરતા બાળકો પર? મોર્ડન કહેવડાવાના અભરખા રાખતાં મા-બાપ પર? ઈંગ્લીશમાં જ 'converse' કરવાનો આગ્રહ રાખતી શાળાઓ પર? કે આ બધાની એક સામટી બેદરકારી પર?

અહીં પરભાષા કે માતૃભાષા વિષેનાં ચોખાલીયા કે વેદિયા વિચારોની વાત નથી. આપણી ભાષા જ શીખવવી ને અંગ્રેજી તો વિદેશી ભાષા એટલે બહિષ્કાર કરવાનો મુદ્દલ વિચાર કે આગ્રહ નથી. હા, માત્તૃભાષા આવડવી જ જોઈએ એમાં બેમત નથી અને એવું વિચારનારા આજનાં ઘણાંય માતા-પિતા બાળકોને એવી ઈંગ્લીશ મીડિઅમ શાળાઓ માં મૂકે છે જ્યાં ગુજરાતી at least second language તરીકે શીખવાડાવામાં આવે છે. આટલી તકેદારી ચોક્કસ સરાહનીય છે. પણ આ second language જે તે શાળામાં કે બાળક નાં માનસપટ પર secondary treatment પામતી હોય તો તે ભયસૂચક છે. કારણ જે તે ભાષા ભલે તે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કે અન્ય કોઈ પણ ભાષા હોય તે આવડવી જેટલી જરૂરી છે તે સાથે જ તે સાચી ને સારી આવડે એ પણ એટલું કે એથીયે વધુ જરૂરી છે. ભાષા ની શોભા તેના સાચા ઉચ્ચારો ને સાચા વ્યાકરણ થકી જ હોય.

કાં તો બાળક શાળામાં ભણવા જાય ને કાં તો 'સ્કુલ' માં 'સ્ટડી' કરવા જાય. એ જ્યારે શાળામાં 'સ્ટડી' કરવા જાય છે ત્યારે જ ગડબડ ગોટાળા ની શરૂઆત થાય છે. બાળક વિચારે ને મગજ થી જ વિચારે તો સારું પણ એ 'દિમાગ' થી 'સોચવા' લાગે છે ત્યારે જ ભાષાનું ઉઠમણું થાય છે. ૫ થી લઈને લગભગ ૨૫ વર્ષ ની ગુજરાતી પ્રજા આજે "શાયદથી , હું આવીશ" કે "સાડા એક ને સાડા બે વચ્ચે પહોંચવાનું છે એટલે ભાગતી ભાગતી જઈશ" જેવા વાક્યો ભૂલનું ભાન થયા વગર સહજતાથી બોલે છે ત્યારે "ભાષાને શું વળગે ભૂર" પર ફેરવિચારણા કરવાનું મન થાય છે.

હવે જેમ ગુજરાતી, હિંગ્લીશ કે ગુજલીશની ભેળપૂરીમાં ભેળવાઈ ગઈ છે તેમ ૨૫ થી ૭૫ (કે કદાચ એથી એ વધુ) ઉંમરની ગુજરાતી પ્રજા અંગ્રેજી તડકા (વઘાર) મારી મારી ને ગુજરાતીની વલે કરે છે. સાચું-ખોટું અંગ્રેજી પાત્રો ને મોઢે બોલાવવું એ જાણે ગુજરાતી નાટકો નો ફેવરીટ selling point થઇ ગયો છે. ક્યાંક એ પ્રેરણા એમને real life characters પાસેથી મળી જતી હશે? બેગ અને બૅગ વચ્ચે કે સ્નેક્સ અને સ્નૅકસ વચ્ચે ફક્ત ઉચ્ચારનો કે સ્પેલિંગ નો જ નહીં પણ અર્થ નો મોટો ફેર હોઈ શકે એ સમજવું કેટલું જરૂરી છે! કેટલાક મરાઠી મિત્રો ભૂલેચૂકે "શ" ધરાવતા નામ ગુજરાતી પ્રજા વચ્ચે બોલતા ગભરાય છે ક્યાંક "શાંતા" નું "સાંતા" ના થઇ જાય!! 'સોસ્યલ ગ્રુપ નાં પોગ્રામમાં' બિઝી આપણાં ભાઈ બહેનો પાસે 'શ' ને 'સ' વચ્ચે નો ભેદ સમજવાનો ટાઈમ જ ક્યાં છે?. પણ જ્યાં plural નું પણ plural કરવાનું આવે ત્યાં આપણા જેવી દિલદાર પ્રજા ક્યાંય જોવા ના મળે. ચિલ્ડરન્સ (ને ક્યાં તો વળી ચિલ્ડરન્સો), લેડીઝો, ટીચર્ઝો, પીપલ્સ જેવા શબ્દો એ આપણી dictionaryમાં અડીંગો જમાવી ને કાયમી સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે. હા, સહજ રીતે અંગ્રેજી ભાષાનાં કેટલાય શબ્દો આપણી વાક્ય રચનાનું અને રોજબરોજ ની બોલચાલ નું અભિન્ન અંગ બની ગયા છે એનો વાંધોય નથી પણ એ સાચી રીતે પ્રયોજાય તે તો જોવું જ રહ્યું.

ગુજરાતી ભાષાની અસ્મિતાની ચિંતા કરતા ને અધોગતિ માટે હૈયા વરાળ ઠાલવતાં આપણા સાક્ષરો ને વિચારકોને એક જ વિનંતી છે કે જેમ ભાષા બંધિયાર રહે તો તેમાં લીલ બાઝી જાય ને કાળક્રમે નિરુપયોગી થઇ જાય તે જ રીતે ભાષા ભલે ગુજરાતી હોય કે અંગ્રેજી એમાં વણજોઈતી અશુધ્ધિઓ ઉમેરાય તો તે ડહોળાઈ જાય અને એ ડહોળાય નહિ એ પણ આપણી જ જવાબદારી ખરી ને?

-ખેવના દેસાઈ

સાન્તાક્રુઝ (પ), મુંબઈ

રવિવાર, 28 ઑક્ટોબર, 2012

ચૂડેલમા, ગોગ મહારાજનાં મંદિર અને માતાજીની પલ્લી

ગુજરાત જ્યારે જ્યારે જવાનું થાય ત્યારે જુદાજુદા પ્રકારનાં કેટલાક સામાન્ય તો કેટલાક વિશિષ્ટ મંદિરોની મુલાકાત લેવાનું બને.આ મંદિરોમાં શ્રદ્ધા-અંધશ્રદ્ધા-ભક્તિ વગેરેનું મિશ્ર દર્શન થાય.એ બધી વાતો આજે આ બ્લોગ થકી ચર્ચવી છે.


'કૂણઘેરની હાઈકોર્ટ' તરીકે પ્રખ્યાત ગુજરાતના આ મંદિરની મેં થોડા સમય અગાઉ મુલાકાત લીધી. આ મંદિર આમ તો બીજા મંદિરો જેવું જ હતું પણ તેની ખાસ વિશિષ્ટતા હતી, આ મંદિરરૂપી હાઈકોર્ટના ન્યાયધીશ એટલે મંદિરમાં જેની પૂજા થાય છે એ ચૂડેલમા! ચૂડેલમા દેવયોનિના કોઈ દેવી નહિં પણ પ્રેતયોનિની એક ચૂડેલ. હવે આ વાંચ્યા બાદ તમને લાગશે આ મંદિરમાં ભક્તો તરીકે ભૂતપ્રેતની પૂજા-સાધના કરતા અઘોરી-તાંત્રિકો જ આવતા હશે. પણ ના! ચૂડેલમાના દર્શનાર્થી ભક્તો મારા તમારા જેવા જ સામાન્ય જન. એક ચૂડેલની દેવી તરીકે પૂજા કરવી અને તેનું મંદિર બનાવવું એ કદાચ ભારતમાં જ જોવા મળતું હશે!મંદિરમાં ચૂડેલમાની કોઈ મૂર્તિ કે તસવીર જોવા ન મળે.ચૂડેલમા આ મંદિરમાં (અને પછીથી જાણવા મળ્યા મુજબ તેમના બીજે પણ બનેલા મંદિરોમાં) દિવાની અખંડ જ્યોત સ્વરૂપે પૂજાય છે.ભૂત-પ્રેત-પલિત-ચૂડેલ વગેરેને તો અંધારૂ જ પ્રિય હોય પણ ચૂડેલમા પોતે એક જ્યોત સ્વરૂપે અહિં પૂજાય છે.મંદિરમાં મળતા પુસ્તક મુજબ બારેક વર્ષની કુંવારી કન્યાનું એક ઝાડ પરથી રમતાં રમતાં કૂવામાં પડી જતાં અકુદરતી મોત થયું અને તે ચૂડેલ બની.એક નવદંપતિને તેનો સાક્ષાત્કાર થયો અને તેમણે કૂણઘેર ગામમાં એ જ જગાએ નાની દેરી બનાવી ચૂડેલમાંની જ્યોત તરીકે સ્થાપના કરી. એ દેરીમાંથી જ આજે મોટા મંદિરનું નિર્માણ થયું છે અને સદાયે પ્રજ્વલિત રહેતી દિવાની એ પવિત્ર જ્યોત સાચા હ્રદયથી આવેલા દરેકેના મનની ઇચ્છા પૂરી કરે છે. લોકો દૂર દૂરથી કૂણઘેરની હાઈકોર્ટ ગણાતા ચૂડેલમાના આ મંદિરમાં આવે છે અને પોતાના દુ:ખો દૂર કરવા અને અન્યાય થયો હોય તેની ફરિયાદ કરી સાચો ન્યાય માગે છે. મારી બહેને પણ મુંબઈ બેઠાં બેઠાં આ માતાજીનું વ્રત કર્યું છે. મંદિર આખું ચૂડેલમાને લોકોએ ચડાવેલી લાલલીલી ચૂંદડીઓથી શોભે છે.જ્યોતની દેરી ઉપર વર્ષો જૂનું વરખડીનું ઝાડ પણ મોજૂદ છે અને મંદિરની સામે તો દાનવીર શ્રીમંત ભક્તોએ આપેલ દાનસખાવતમાંથી બનાવેલ ધર્મશાળા,બાગબગીચા અને રસોડું પણ છે જેમાં સેંકડો ભક્તોની રોજ રસોઈ તૈયાર થાય છે.ચૂડેલમાની જય હો!

બીજું એક આવું અજબ ગજબ મંદિર કડીથી થોડે દૂર આવેલા કાછવા ગામમાં ગોગમહારાજનું! ગોગમહારાજ એટલે તમને કદાચ જાણ ન હોય તો કહી દઉં કે નાગ દાદા! અહિં આ મંદિરમાં નાગની સોનાની મૂર્તિ સ્થાપિત છે.દૂર દૂરથી અહિં પણ લોકો દર્શન કરવા આવે છે અને સાચી શ્રદ્ધા પૂર્વક તેમની પ્રાર્થના અને દર્શન કરતા તે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે! અહિં દર્શન કરવા આવો એટલે, મંદિરમાં રહી પૂજા આરાધના કરી ગોગમહારાજની સેવા કરતો પરિવાર, આગ્રહ કરી તમને ચા તો પિવડાવીને જ પાછા મોકલે!

અમારા મૂળ વતન ઊંઢાઈમાં આમ તો અમારૂં પોતાનું કોઈ ઘર નથી,છતાં પપ્પા વર્ષમાં એકાદ-બે વાર અચૂક ત્યાં જવાનો કાર્યક્રમ ઘડે અને અમે ઝૂંડવાળા માતાજીને નામે ઓળખાતા અંબામાના મંદિરે,અમારા ઇષ્ટદેવ લાખેશ્વર મહાદેવના તેમજ નાનીનાની દેરીઓમાં બેઠેલા શીતળામા,મહાકાળીમા,માવડિયામા,ધૂંધળીમલ દાદા અને બીજા એક મોટા રામમંદિરના દર્શન કરવાનો વણલખ્યો નિયમ પાળીએ.ક્યારેક અહિંથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા શોભાસણ ગામે રેપડીમા ના દર્શને પણ જવાનું. ત્યાર બાદ ગુંજા ગામે આવેલ અમારી કુળદેવી ભુવનેશ્વરીમાતાના દર્શને અમારો આખો પરિવાર જાય.આ ગામ નાનકડું અને અહિં મોટેભાગે ચૌધરી-પટેલો તેમજ મુસ્લિમોની વસ્તી.પહેલા તો ભુવનેશ્વરીમાનું નાનકડું દેરૂં જ હતું.પણ આ માતાજીની મૂર્તિ પર, કોઈ મુસ્લિમ રાજાએ ગામ પર હૂમલો કરેલો ત્યારે તલવાર મારેલી અને ત્યારે મૂર્તિમાંથી લોહીની ધારા વહેલી.આ ઘટના બાદ મંદિરને ખ્યાતિ મળી અને સજીવન પ્રાણપ્રતિષ્ઠા કરાયેલી એ મૂર્તિ પર મોટું મંદિર બંધાયું.આમ તો આ મંદિરમાં ખાસ ભીડ જોવા ન મળે અને અમે જ્યારે જ્યારે દર્શને ગયેલા ત્યારે અમારા પરિવારના સભ્યો સિવાય ખાસ બીજા કોઈ દરશનાર્થી અહિ જોવા ન મળતા પણ આ દુર્ગાષ્ટમીએ જ્યારે અમે ભુવઈમાના આ મંદિરે દર્શન કરવા ગયાં ત્યારે હું અચંબિત થઈ ગયો.આજુબાજુના દસેક ગામોની વસ્તી પણ જાણે અહિ ઉમટી હોય એટલી ભીડ હતી આ મંદિરમાં.જુવાનિયાઓનો પણ જાણે મેળો હતો.મંદિરનો મુખ્ય દરવાજો બંધ હતો અને દ્વારની આજુબાજુ હાથ પકડી મોટી માનવ સાંકળ જાણે કોઈકની રાહ જોઈ રહી હતી.અમે બાજુના નાના દરવાજેથી મંદિરમાં પ્રવેશ્યા.અંદર પણ સારી એવી ભીડ હતી.માતાજીના દર્શન કર્યા ત્યાં પાછળથી કોઈ પચ્ચીસેક વર્ષના યુવાને મોટેથી બૂમ પાડી.મને ખ્યાલ આવી ગયો કે મોટા ભાગના લોકો જેમ માનતા હતા એમ એ યુવાનના શરીરમાં માતાજી આવ્યા હતાં.તે ધૂણતો હતો.હું અમી અને નમ્યાને થોડા દૂર લઈ ગયો ત્યાંતો મંદિરના મુખ્ય દ્વાર ખુલ્યા અને મોટું ટોળું દેવીનો જયજયકાર કરતું મંદિરમાં પ્રવેશ્યું.પેલી માનવ સાંકળ મંદિરની અંદર પણ બનેલી હતી અને તેની વચ્ચે થઈને જ આ ટોળું મંદિરમાં પ્રવેશ્યું.ટોળામાં બીજા બેચાર જણ પણ ધૂણતા હતાં.એક જણતો ધૂણતા ધૂણતા રડી પણ રહ્યો હતો.હવે મારૂં ધ્યાન ટોળાની વચ્ચે એક વ્યક્તિ પર ગયું જે માથે બાજોઠ ધારણ કરી મંદિરમાં પ્રવેશી.

'માતાજીની પલ્લી આવી..માતાજીની પલ્લી આવી' એવા ઉદગારોથી મંદિર ગાજી ઉઠ્યું. પલ્લી એટલે બાજોઠ પર ચોક્કસ અનાજની ઢગલી કરેલી હોય અને તેને પેટાવી હોય.આ અગ્નિની પવિત્ર જ્યોતમાંથી અનેક ભક્તો પોતપોતાના બે હાથોમાં લીધેલી મશાલ પેટાવે અને પછી એ બધા ભક્તો કતારબદ્ધ આખા ગામમાં ફરે.આ શ્રદ્ધાપૂર્ણ,ભક્તિપૂર્ણ દ્રષ્ય જોઈ મનમાં એક ગજબની લાગણી થાય.અગાઉ પણ બ્લોગમાં લખી ગયાં મુજબ મનુષ્યના શરીરમાં માતાજી કે કોઈ દેવ પ્રવેશે અ વાતમાં હું માનતો નથી.છતાં પલ્લીના દર્શન કરી અને કતારબદ્ધ મશાલો પેટાવેલ ભક્તોની એ કવાયત જોઈ અચરજ મિશ્રિત ભક્તિભાવનો અનુભવ થયો.આ ભક્તોમાં મોટેભાગે એવા લોકો હતાં જેમને ત્યાં સંતાન ન થયું હોય અથવા જેઓ સંતાન તરીકે પુત્ર ઝંખતા હોય.મનુષ્યમાત્રનું પુત્રમોહનું આ વળગણ ક્યારે છૂટશે?ક્યારે સર્વે મનુષ્યો દિકરો કે દિકરી વચ્ચે બિલકુલ ભેદ નહિ કરવાનું શિખશે?માતાજી સર્વે ને સદબુદ્ધિ આપો!

ભારતમાં લાખો જુદા જુદા પ્રકારના મંદિરો છે જેમાં દેવી દેવતાઓ જ નહિ પણ ઉપર ચર્ચ્યા મુજબ ચૂડેલ,નાગ અને અન્ય યોનિના સજીવો પણ પૂજાય છે.જ્યાં સુધી અંધશ્રદ્ધા આધિપત્ય ન જમાવે, સાચી શ્રદ્ધાથી કોઈ પણ જીવની પૂજા થાય ત્યાં સુધી બધું યોગ્ય. બસ, એ ભક્તિ પાછળ સારો અને સાચો આશય હોવો ઘટે.

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

રાસ

નવલા નોરતાની રાતો ચાલી રહી છે એટલે આજના બ્લોગમાં રાસ વિષે વાત કરીશ.શ્રી ખડાયતા વિશ્વ સખી મિલન સંસ્થા દ્વારા રાસ વિષય પર આધારિત નિબંધ સ્પર્ધામાં મારા આ લેખને પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.આમ તો એમાં રાધાક્રુષ્ણના રાસની વાત વધુ છે પણ નવરાત્રિ દરમ્યાન પણ આપણે ગરબે ઘૂમવાની સાથે સાથે રાસની રમઝટ પણ માણતા જ હોઇએ છીએ એટલે આજે આ બ્લોગ થકી રાસ વિષે વાત કરવાનુ અનુચિત નથી જણાતું.

- વિકાસ ઘનશ્યામ નાયક



‘રાસ’ શબ્દ ‘રસ’ શબ્દમાં એક કાનો ઉમેરીને બન્યો છે. અહિં બે બાબતો રસપ્રદ છે. એક તો રસ, જેનો અર્થ થાય છે મજેદાર! હવે જેના નામ માત્રમાં રસ કરતાંયે કંઈક વિશેષ હોય એ મજેદાર, આનંદદાયક અને ખાસ હોવું જ રહ્યું. બીજી નોંધનીય બાબત એ છે કે ‘રસ’માં કાનો ઉમેરીએ એટલે ‘રાસ’ બને. આ કાનો એટલે આપણો વ્હાલુડો ભગવાન કનૈયો! આપણે એને વ્હાલપૂર્વક કાનુડો કે કાનો નથી કહેતાં?! અહિં કાનાને એટલે કે કૃષ્ણને યાદ કરવાનું બીજું કારણ એ પણ છે કે રાસ અને કૃષ્ણ બંને એકબીજાના પર્યાય સમા લાગે! રાસની વાત થાય એટલે કહાનો યાદ આવે આવે ને આવે જ! અને રાસનું નામ લઈએ એટલે રાસના 'રા' પરથી જેનું નામ શરૂ થાય છે એ ‘રાધા’ પણ યાદ આવ્યા વિના રહે નહિં! રાસનાં 'સ' ને કાઢી તેમાં ધમાલના 'ધ' ને 'કાનો' ઉમેરો એટલે શબ્દ બને 'રાધા' અર્થાત રાસ એટલે કૃષ્ણ,રાધા અને ધમાલ! રમઝટ!


રાસ શબ્દ સાથે આટલી રસપ્રદ અક્ષર-શબ્દ રમત રમ્યાં પછી હવે રાસ વિષેના અન્ય કેટલાક પાસા ચર્ચવાનું મન થાય છે. રાસ કદી કોઈ એકલું ન રમી શકે. ઓછામાં ઓછા બે જણ તો રાસ રમવા માટે હોવાં જ જોઇએ. જેટલા વધુ ખેલૈયાઓ એટલી રાસની મજા વધુ આવે.આબાલવૃદ્ધ સૌને જોશમાં લાવી દે એવી એક સુંદર પ્રવૃત્તિ છે રાસ! રાસ રમાતો હોય ત્યાં ઉર્જાનો જાણે ધોધ વહે છે. આળસ,થાક વગેરે રાસ શરૂ થતાં જ જોજનો દૂર ભાગી જાય છે! રાસ યૌવનનું પ્રતિક છે.

રાસ રમવા માટે દાંડિયાનો ઉપયોગ થાય છે. અમારે ત્યાં નવરાત્રિ દરમ્યાન મંડપ બંધાય અને તેમાં વચ્ચે માતાજીનો ગરબો મૂકી તેની ફરતે સ્ત્રીપુરુષો,યુવાનયુવતિઓ, આબાલવૃદ્ધ સૌ ભેગા મળી ગરબા રમે. રાસ કરતા ગરબા જુદા એ રીતે પડે કે ગરબા હાથથી તાળી પાડીને જ રમાય જ્યારે રાસ દાંડિયાની મદદથી તમારા જોડીદાર સાથે રમી શકાય. અમારે ત્યાં નવરાત્રિ દરમ્યાન પહેલાં માતાજીના ગરબા રમાય અને ત્યાર બાદ અડધી રાત પછી રાસની રમઝટ બોલાય! બાળકોથી માંડી યુવાન,સૌ કોઈ આ દાંડિયારાસની આતુરતાપૂર્વક રાહ જુએ! ખાસ્સા બે-ત્રણ કલાક દાંડિયાના એક સરખા લયબદ્ધ તાલ સાથે આબાલવૃદ્ધ સૌ કોઈ રાસ રમતાં રમતાં આનંદના હિલોળે ચડે! સમય ક્યાં જતો રહે એની ખબર જ ન પડે! કોઈક ને રાસ રમતા આવડે ને કોઈક ને ન પણ આવડે. સામે વાળી વ્યક્તિ ક્યારેક તમારા નાક પર પણ દાંડિયું મારી બેસે! પણ કોઈ ફરિયાદ ન કરે.અને ફરિયાદ કરવાનો સમય પણ ક્યાં હોય! એકધારી ગતિથી બે વર્તુળો એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરતાં હોય! તમે તમારા બંને દાંડિયા, સામે રમી રહ્યું હોય તેના દાંડિયા સાથે વારાફરતી ટકરાવો પછી એક વાર તમારા પોતાના દાંડિયા એકબીજા સાથે અડાડો અને ફરી ફક્ત એક દાંડિયું સામે વાળાના દાંડિયા સાથે ટકરવી આગળ વધવાનું. સામે નવો જોડિદાર. ફરી આજ ક્રમનું પુનરાવર્તન અને આમ બે વર્તુળો ઘૂમતા રહે! કોઈક દાંડિયાને પોતાના હાથમાં આંગળી પર કુશળતાથી ગોળગોળ ફેરવીને રાસ રમે તો કોઈક વળી બે ની જગાએ એક જ દાંડિયાથી રાસ રમે! પણ બધાંને રાસ રમવાની મજા એકસરખી જ આવે - અજોડ અને અમાપ! રાસ રમતાં રમતાં પરમાનંદની અનુભૂતિ થાય એમ કહેવામાં પણ અતિશયોક્તિ નહિં જ ગણાય.

નવરાત્રિના ગરબા-રાસ, બુરાઈ પર સારપના જીતની ખુશીમાં શક્તિની આરાધના કરતાં રમવામાં આવે છે અને અસત પર સતના વિજયની ઉજવણી કરવા રમાય છે તો કૃષ્ણ રાધાનો રાસ પ્રેમનાં પ્રતિક સમો ગણાય છે.કહેવાય છે કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમતાં ત્યારે પ્રત્યેક ગોપીને એવો ભાસ થતો કે કૃષ્ણ તેનો જોડીદાર છે! વીસ ગોપીઓ રાસ રમતી હોય તો તેમની સાથે વીસ કૃષ્ણ પણ મન મૂકીને નાચતા હોય! મહા-રાસના તો દાંડિયા પણ માણસ જેટલી ઉંચાઈનાં! કહેવાય છે કે વૃંદાવનમાં આજે પણ સાચા શ્રદ્ધાળુને કૃષ્ણ-ગોપીઓનો રાસ જોવા મળે છે પણ એ રાસ જે જોઇલે એ સદાને માટે પોતાની દ્રષ્ટી ગુમાવી બેસે છે. એ તો ખબર નથી આ વાતમાં કેટલું તથ્ય છે,પણ એક વાત નક્કી. આ કૃષ્ણ-ગોપીનો રાસ જોવા મળી જાય તો જીવન ધન્ય થઈ જાય.

રાસ અને રાતનો પણ ઘેરો સંબંધ છે.રાસ રાતે જ રમવાની મજા આવે.તેમાંયે પૂર્ણિમાની રાતનું તો પૂછવું જ શું?નવરાત્રિની નવ રાતો દરમ્યાન ગરબા-રાસ રમીને ધરાયા ન હોઇએ એટલે થોડાં જ દિવસ બાદ આવે શરદપૂર્ણિમાની રાત! આ રાતે દૂધપૌઆ ખાવાનું અને નૌકાવિહાર કરવાનું જેટલું મહત્વ અને મજા છે એટલું મહત્વ આ રાતે રાસ રમવાનું પણ છે.અને આ રાતે રાસ રમવાની મજાનું તો પૂછવું જ શું? કોઈ કવિએ લખ્યું છે :

પાંગરી પૂનમની રાત,

ચઢ્યો રમણે વિરાટ,

ચમકંતો ચંદ્ર સ્મિત કરે મંદ મંદ

ઘમઘમકે પનઘટ કેરો ઘાટ…



આ પંક્તિઓ શરદ પૂનમની રાત અને રાસ માટે જ લખાયાં હશે! પ્રિયતમ સાથે શરદપૂનમની રાતે રાસ રમવાનો લ્હાવો મળે એ સદનસીબ જ કહેવાય અને આ રાસની રમઝટનો લાભ જેને મળે એ પછી ફરી ક્યારે રાસ રમવા મળે એની વાટ જોતો બસ ઝૂરતો રહેશે..બસ ઝૂરતો રહેશે..!

છેલ્લે, રાસને જીવન સાથે સરખાવવાનું મન થાય છે.રાસની જેમ જીવન પણ અવિરત પણે ચાલ્યા જ નથી કરતું? રાસ જેમ થોડો સમય રમવાનો હોય છે તેમજ જીવન પણ આપણે ચોક્કસ સમય સુધી જીવી પરમાત્મામાં વિલીન થવાનું હોય છે. પણ રાસ જેમ ભરપૂર ઉર્જા અને આનંદથી સભર હોય છે એમ જીવન પણ પૂરેપૂરા જોમ અને હર્ષોલ્લાસ પૂર્વક જીવાવું જોઇએ.રાસમાં જેમ આપણે થોડી ક્ષણો એક જોડીદાર સાથે રમી આગલ ધપીએ છીએ અને ફરી નવા પાત્ર સામે આવી રાસ ચાલુ રાખીએ છીએ તેમજ જીવનમાં પણ આગળ વધતા રહી નવા નવા સગાં-સ્નેહી-મિત્રો-સંબંધો વિકસાવતા રહેવાના છે અને કોઈ જતું રહે તો આપણે અટકી જવાનું નથી પણ આગળ વધતાં રહેવાનું છે.રાસ ગોળાકારે રમાય છે કારણ પૃથ્વી ગોળ છે અને આપણું જીવન-મરણ-જીવનનું ચક્કર પણ સતત ગોળ ફરતું જ રહે છે.

રાસ જેટલો આનંદદાયી બની રહે છે એટલું જ આપણું જીવન પણ આનંદદાયી બની રહેવું જોઇએ,ઉલ્લાસમય બની રહેવું જોઇએ.રાસ જેમ પ્રેમ,ભક્તિ અને સમર્પણથી પરિપૂર્ણ બની રહેતો હોય છે તેટલું જ જીવન પણ પ્રેમભર્યું,ભક્તિ સભર, ત્યાગપૂર્ણ અને રસથી તરબતર બની રહેવું જોઇએ!

તો ચાલો જીવન રાસને માણીએ ભક્તિ અને પ્રેમના રંગે રંગાઈને!

રવિવાર, 14 ઑક્ટોબર, 2012

તમારો પોતાનો બ્લોગ કઈ રીતે બનાવશો?

પ્રતિભાવ:


ચિ. વિકાસભાઇ,

તમારા બ્લોગને ઝરુખે અવશ્ય ડોકિયુ કરું છું. તમને ચિરંજીવ સંબોધનથી કદાચ નવાઇ લાગશે, તમારા ફોટા ઉપરથી તમે ૩૦-૩૫ વયના લાગો છો એટલે તમને ચિ. નુ સંબોધન કર્યુ છે. મારી ઉમર ૭૫ વર્શની છે એટલે આમ સંબોધવાની છૂટ લીધી છે. તમારા હેતુલક્ષી હોય છે. જે લોકોને પ્રેરણા રુપ તેમજ જ્ઞાનવર્ધક બને છે.

હું અવારનવાર મુંબઇ સમાચાર તેમજ જન્મભૂમિમાં મારા, હાલની આમ આદમીની વ્યથાઓ બાબતે મત પ્રદર્શીત કરતો હોવછું. મારા વાચકો તેમજ ચાહકોનુ કહેવુ છે કે મારે પણ બ્લોગ બનાવી મારા વિચારોને વહેતા કરવા જોઇએ. મારા લખાણોથી પ્રભાવીત એક વાચકે મને કોંપ્યુટર ને પ્રિંટર ભેટ કર્યા છે. મારા મકાનના એક વ્યવસાયે સી.એ. છે તે તેમજ તેમની સુપુત્રીએ મને કોંપ્યુટર ચલાવાનુ જ્ઞાન આપ્યુ તેમજ જ્યારે જરૂર પડ્યે સહાય તે બાબતેની આજ લગી પણ આપે છે. તો આપશ્રીને પણ એક વિનંતી કરવાને પ્રેરાયો છું કે જો તમે બ્લોગને કેવીરીતે ઓપરેટ કરવો તે શિખવાડશો તો આભારી થઇશ.

લી. રમેશ મોતીલાલ બંગાળી શુભ આશિષ.

**************************

રમેશ કાકાનો પ્રથમતો પ્રતિભાવ લખી મોકલવા બદલ આભાર! તેમણે મારી ઉંમર સાચી કલ્પી છે! ૧૯મી ઓક્ટોબરે હું ચોત્રીસ વર્ષ પૂરા કરીશ!હવે તેમની બ્લોગ બનાવવાની ઇચ્છાને માન આપી આજે હું સર્વે વાચકમિત્રોના લાભાર્થે તમે પોતાનો બ્લોગ કઈ રીતે બનાવી શકો તેની માહિતી પૂરી પાડીશ.

- વિકાસ ઘનશ્યામ નાયક

બ્લોગ શું છે?

બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.

આ તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો.આ વિચારો જગતનાં ખૂણે ખૂણે પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. આ 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની પણ સ્વતંત્રતા ધરાવો છો.

તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત જ ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?

http://vikasgnayak.blogspot.com - આ વેબ-એડ્રેસ પર હું છેલ્લા થોડા વર્ષથી અંગ્રેજીમાં બ્લોગ લખું છું જેનું ગુજરાતી ભાષાંતર સ્વરૂપ એટલે જન્મભૂમિની આ 'બ્લોગને ઝરૂખેથી...' કટાર.અહિં છપાયેલ બ્લોગ http://blognezarookhethee.blogspot.com આ વેબ-એડ્રેસ પર પણ ગુજરાતીમાં પ્રકાશિત થશે. તમે પણ તમારાં વિચારો-પ્રતિભાવો વગેરે લખી મોકલી શકો છો.યોગ્ય લાગશે તો મહિનામાં એક વાર ગેસ્ટ-બ્લોગ સ્વરૂપે તે અહિં છપાશે.

તમારો પોતાનો બ્લોગ શરૂ કરવા www.blogger.com વેબસાઈટ પર જઈ નવું અકાઉન્ટ ખોલો એટલે કે રજિસ્ટ્રેશન કરી તમારું નવું આઈ.ડી. બનાવો.જો તમારૂં www.gmail.com www.orkut.com પર અકાઉન્ટ/આઈ.ડી. હોય તો તમારે બ્લોગર વેબસાઈટ પર ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી.તમારા અકાઉન્ટમાં લોગ ઇન કરી 'More' મેનુ માંથી 'Blogger' ઓપ્શન પસંદ કરી તેના પર ક્લિક કરશો એટલે આપોઆપ તમને નવા વેબપેજ પર લઈ આવશે જ્યાં તમે નવો બ્લોગ શરૂ કરી શકશો.

જેવી જ બીજી પણ ઘણી વેબ્સાઈટ્સ ઉપલબ્ધ છે જેના પર તમે તમારો પોતાનો બ્લોગ બનાવી શકો છો.જેમકે 'www.wordpress.com'

તમારો પોતાનો બ્લોગ શરૂ કરવા www.blogger.com વેબસાઈટ પર જઈ નવું અકાઉન્ટ ખોલો એટલે કે રજિસ્ટ્રેશન કરી તમારું નવું આઈ.ડી. બનાવો.જો તમારૂં www.gmail.com www.orkut.com પર અકાઉન્ટ/આઈ.ડી. હોય તો તમારે બ્લોગર વેબસાઈટ પર ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી.તમારા અકાઉન્ટમાં લોગ ઇન કરી 'More' મેનુ માંથી 'Blogger' ઓપ્શન પસંદ કરી તેના પર ક્લિક કરશો એટલે આપોઆપ તમને નવા વેબપેજ પર લઈ આવશે જ્યાં તમે નવો બ્લોગ શરૂ કરી શકશો.

એક વાર તમારો બ્લોગ બની જાય એટલે તેમાં 'New Post' ઓપ્શન પસંદ કરી તમે નવો લેખ લખી પોસ્ટ કરી શકો છો.પ્રાયવેસી સેટીંગ પબ્લિક રાખ્યું હોય તો તમે જેવો તમારો બ્લોગ પબ્લિશ કરો એવું આખું જગત એ વાંચી શકે એમ ઇન્ટરનેટ પર મૂકાઈ જાય છે.બ્લોગમાં તમે તસવીરો પણ અપલોડ કરી શકો છો.બ્લોગ સાથે જે વિષય પર તમે લખ્યું હોય તેને લગતાં કેટલાક મહત્વના શબ્દો 'લેબલ' તરીકે જોડો એટલે તમારા બ્લોગની પહોંચ અનેક ગણી વધી જાય છે કારણ આમ કરવાથી તે ઘણાં બધાં સર્ચ એન્જીન્સના રીઝલ્ટ પેજમાં દેખાવા માંડે છે.દા.ત.મારો ફ્લેશ મોબ ડાન્સ વાળો બ્લોગ હતો તેમાં મેં લેબલ્સ લખ્યા હતાં : 'blog ne zarookhe thee', 'flash mob', 'gujarati blog', 'janmabhoomi pravasi', 'mob dance', 'vikas ghanshyam nayak', 'vikas nayak'

બ્લોગની ડીઝાઈન પણ તમે પોતે પસંદ કરી શકો છો જે દ્વારા તમારો બ્લોગ પબ્લિશ થયા બાદ કેવો દેખાશે એ તમે નક્કી કરી શકો છો.બ્લોગ પેજ ઉપર તમે એડવર્ટાઈઝમેન્ટ્સથી માંડી,ડિક્ષનરી,રમત,સામાન્ય ગ્ન્યાનને લગતી માહિતી,તમારો અંગત સંક્ષિપ્ત પરિચય,ફોટો,અનુક્રમણિકા, અભિપ્રાય માટે બોક્સ/,વાચકો તમારા નવા બ્લોગ પબ્લિશ થયાની જાણ તેમના ઇન્બોક્સમાં ઇમેલ દ્વારા થાય તેવી સુવિધા માટેનું ઓપ્શન (જેને સબ્સ્ક્રાઈબ કર્યું કહેવાય) વગેરે અનેક ચીજ-વસ્તુઓ મૂકી શકો છો અને તમારો બ્લોગ વધુ લોકપ્રિય બનાવી શકો છો.વધુમાં વધુ હીટ્સ મેળવવાની મુખ્ય ચાવી છે નિયમિત લખતા અને પબ્લિશ કરતાં રહેવું.

ઘણાં લોકો પોતાના ખાસ હેતુલક્ષી બ્લોગ પણ બનાવે છે.જેમકે એક ગ્રુહિણી પોતાનો વાનગીનો બ્લોગ શરૂ કરી તેના પર રોજ કે દર અઠવાડિયે નવી નવી વાનગીની રીત લખી પબ્લિશ કરે છે.કોઈ કવિ પોતાનો બ્લોગ બનાવી પોતાની કવિતાઓ નિયમિત પોસ્ટ કરે છે.તો કોઈ ફોટોગ્રાફર પોતાની તસવીરો બ્લોગ પર રોજેરોજ પબ્લિશ કરે છે.

આજનો બ્લોગ વાંચીને તમને પણ તમારો બ્લોગ બનાવવાનું મન થઈ જાય અને તમે તમારો પોતાનો બ્લોગ બનાવો તો મને જાણ કરવાનું ભૂલતા નહિ!

રવિવાર, 30 સપ્ટેમ્બર, 2012

ફ્લેશ મોબમાં નાચવાનો અનુભવ

સાંજના છ વાગ્યાનો સમય.


સ્થળ : ફિનિક્સ મોલ, લોઅર પરેલ – મુંબઈનું એક ધમધમતું સ્થળ, જ્યાં સાંજે ખાસ્સી ભીડ હોય છે.

આ મોલની અંદર, મેકડોનાલ્ડની રેસ્ટોરન્ટ સામે મોટું ખુલ્લુ મેદાન છે. ત્યાં અચાનક મોટેથી લાઉડ સ્પીકરમાં બોલિવૂડનું નવું નક્કોર ગીત વાગવા માંડે છે અને ચાલીસેક છોકરીઓનું ટોળું આજુબાજુમાંથી મેદાનની વચ્ચોવચ આવી - ગોઠવાઈ જઈ એક સરખા સ્ટેપ્સ સાથે લયબદ્ધ, તાલબદ્ધ નાચવા માંડે છે. આસપાસના ખરીદી કરી રહેલા, ફરી રહેલા લોકોનું ટોળું કૂતૂહલ પૂર્વક તેમનો વેલ-કોરિયોગ્રાફ્ડ ડાન્સ જોવા ઉભુ રહી જાય છે. પહેલા ગીતની થોડી પંક્તિઓ પૂરી થઈ, ત્યાં તો બીજુ ‘પેપી’ ગીત વાગવા માંડે છે અને બીજા કેટલાક લોકો સહિત હું પણ એ ડાન્સમાં જોડાઈ જાઉં છું અને પછી તો અમે બધાં ભેગા મળી બીજા ગીતની કેટલીક પંક્તિઓ પૂરી થયા બાદ, ત્રીજા ધમાલિયા ગીતની તરજો પર ઝૂમીએ છીએ, નાચીએ છીએ! બે-ત્રણ મિનિટના આ ડાન્સ પર્ફોર્મન્સ બાદ બધા વિખેરાઈ જાય છે! જાણે થોડી વાર પહેલા અહિં કંઈ બન્યું જ ન હોય!

આને કહેવાય ફ્લેશ મોબ!

૨૬મી સપ્ટેમ્બર ૨૦૧૨ના બુધવારની સાંજે આગલા દિવસે 'વર્લ્ડ ડોટર્સ ડે' નિમિત્તે આ ફ્લેશ મોબ ડાન્સનું આયોજન 'આર્ટ્સ ઇન મોશન' નામનાં ડાન્સ ગ્રુપે ફિનિક્સ મોલ સાથે મળીને કર્યું હતું જેમાં મેં અને મારા જેવા બીજા આઠેક માતા-પિતાઓએ પોતાની દિકરી સહિત,બીજી પચાસેક છોકરીઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો અને મન ભરીને અમે આ ડાન્સ પર્ફોર્મન્સ એ જ સાંજે એક કલાકમાં, ફિનિક્સ મોલના એ જ મેદાનમાં ત્રણ વાર રજૂ કર્યું!




ખૂબ મજા પડી આ ફ્લેશ મોબમાં ભાગ લેવાની!

મુંબઈમાં કદાચ પહેલું ફ્લેશ મોબ, સદાયે પ્રવ્રુત્તિથી ધમધમતાં છત્રપતિ શિવાજી ટર્મિનસ - સ્ટેશન પર ૨૮મી નવેમ્બર ૨૦૧૧ના દિવસે, કસાબે અહિં કરેલા આતંકવાદી હૂમલાનો વિરોધ નોંધાવવા અને ભારતીય પ્રજાની એકતા અને સહિષ્ણુતા દર્શાવવા સોએક જેટલા જુવાનિયાઓએ સાથે મળી રજૂ કર્યું હતું.

ત્યાર બાદ તો ભારતભરમાં અનેક નાનામોટા શહેરો, નાના નગરોમાં અનેક મુદ્દાઓ સાથે સાંકળી મોલ્સમાં,સ્ટેશન પર,એરપોર્ટ પર,બીચ પર વગેરે જાહેર સ્થળોએ વિવિધ વયજૂથના લોકો દ્વારા અનેક ફ્લેશમોબ યોજાઈ ગયાં.મને પણ એકાદ ફ્લેશ મોબમાં જોડાવાની ખૂબ ઇચ્છા હતી અને ત્યાં મને વર્લ્ડ ડોટર્સ ડે નિમિત્તે ફિનિક્સ મોલમાં યોજાનારા આ ફ્લેશ મોબનું આમંત્રણ મળ્યું. મારી લાડકી દિકરી નમ્યા તો હજી બે વર્ષની છે તેથી એ તો કોરિયોગ્રાફ્ડ ડાન્સ ન કરી શકે પણ મેં તેના માટે થઈ ડોટર્સ ડે ઉજવવા સહર્ષ આ ફ્લેશ મોબમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. પાંચેક રિહર્સલ્સ સાયન ખાતે 'આર્ટ્સ ઇન મોશન' સ્ટુડિયોમાં કોરિયોગ્રાફર આંચલ ગુપ્તા અને પ્રણાલિની નામની તેની આસિસ્ટન્ટ સાથે મેં અટેન્ડ કર્યા અને ફ્લેશ મોબમાં નાચવાનો અનુભવ ખરેખર ખૂબ યાદગાર રહ્યો.

આ ફ્લેશ મોબની કેટલીક તસવીરો તમે મારા ફેસબુક પેજ પર જોઇ શકશો અને તેનો વિડીયો યુટ્યુબ વેબસાઈટ પર અપલોડ થશે એટલે હું તેની લિન્ક મારા ફેસબુક અને ટ્વીટર પેજ પર તથા અહિં તમારી સાથે શેર કરીશ.

Here is the Video link of Flash Mob :  http://youtu.be/t-WztMltlDs

રવિવાર, 23 સપ્ટેમ્બર, 2012

ઈકો-ફ્રેન્ડલી ગણેશ વિસર્જન

આ વર્ષે દોઢ દિવસ માટે ગણપતિ બાપ્પાની પધરામણી મારે ઘેર કરી.અગાઉ પણ બ્લોગ્સમાં લખ્યા મુજબ હું ઈકો-ફ્રેન્ડલી જીવનપદ્ધતિનો હિમાયતી છું આથી મારી આ વખતની પસંદ કરેલી મૂર્તિ પણ ઈકો-ફ્રેન્ડલી જ હતી. પણ આ વર્ષે મેં સુશોભન અને વિસર્જન પણ ઇકો-ફ્રેન્ડલી કર્યા જે વિષે માહિતી તમારા સૌ સાથે આજના બ્લોગ દ્વારા શેર કરવી છે. જેથી તમારામાંના જે વાચકો સાત કે વધુ દિવસે પોતાના ઘરના કે સાર્વજનિક મંડળના ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવાના હોય તેઓ પણ પર્યાવરણ પ્રત્યે સજાગ થઈ ઇકો-ફ્રેન્ડલી પધ્ધતિથી ગણેશ મૂર્તિનું વિસર્જન કરી શકે.


બે-ત્રણ વર્ષ અગાઉ ઓફિસનો એક કલીગ અમેરિકા ગયેલો અને તેણે ત્યાં ગણેશોત્સવ ઉજવેલો.ત્યાં તો જાહેર જળાશયમાં વિસર્જન કરવા દે નહિં એટલે મારા એ મિત્રે પોતાના અપાર્ટમેન્ટની બહાર જ નાનકડો ખાડો ખોદી તેમાં પાણી ભરી નાનકડો કૃત્રિમ ટાંકો બનાવી તેમાં ગણેશની મૂર્તિનું વિસર્જન કર્યું તેના ફોટા મેં જોયેલા અને હું આ ઈકોફ્રેન્ડલી પધ્ધતિથી ખૂબ પ્રભાવિત થયેલો.

ગણપતિની હજારો મૂર્તિઓનું દરિયામાં કે સ્થાનિક તળાવોમાં વિસર્જન થાય ત્યારે તેનાથી પર્યાવરણ અને ખાસ કરીને દરિયાઈ જીવોને થતા નુકસાન વિષે વાંચ્યા બાદ મેં નિર્ણય લઈ લીધો કે આ વખતે અમારી ગણપતિની પ્રતિમા ઇકો-ફ્રેન્ડલી હોવા છતાં તેનું વિસર્જન ઇકો-ફ્રેન્ડલી રીતે જ કૃત્રિમ તળાવમાં કરવું.

ઇન્ટરનેટ પર તપાસ કરતાં માલૂમ પડ્યું કે હું રહું છું એ મલાડ વિસ્તારમાં નગર સેવક ડો. રામ બારોટ સાહેબે ગૌશાળા લેનમાં આવેલા રામલીલા મેદાનમાં ગણપતિ વિસર્જન માટે એક ખાસ કૃત્રિમ તળાવ બનાવડાવ્યું છે. મુંબઈના મોટા ભાગના ઉપનગરોમાં સુધરાઈ દ્વારા લોકોની સુવિધા અને પર્યાવરણની જાળવણી હેતુથી આવા કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. જેનું લિસ્ટ બ્લોગને અંતે છાપ્યું છે. ઇન્ટરનેટ પરથી રામલીલા મેદાનનો સંપર્ક નંબર શોધવાના પ્રયત્નો સફળ ન થયા એટલે ગણેશ ચતુર્થીના બીજા દિવસે, વિસર્જનના દિવસે સવારે હું જાતે રામલીલા મેદાન જઈ આવ્યો.ત્યાં તળાવ અને અન્ય વ્યવસ્થા જોઈ લીધી અને નક્કી કરી લીધું કે હવે તો વિસર્જન આ આર્ટીફિશિયલ લેકમાં જ કરીશ!

માર્ગમાં જ મારા એક મિત્રને ઘેર ફોન જોડ્યો અને તેને પણ મારી સાથે તેના દોઢ દિવસના ગણપતિનું વિસર્જન આ કૃત્રિમ તળાવમાં કરવા અંગે પૂછ્યું. તે કહે ના મને તો મારા ગણેશની મૂર્તિ કુદરતી જળસ્રોતમાં જ કરવી ગમશે. હવે આમ તેણે ગણપતિ બાપાને ખોટું લાગશે એવા કોઈ ડરથી પ્રેરાઈને કહ્યું કે આપણી ઝાઝું વિચાર્યા વગર જ અનુસરવામાં આવતી રૂઢીગત માન્યતા અને રસમોને લીધે, એ તો ગણપતિ જ જાણે! પણ પછી તો મેં બીજા ત્રણ પાડોશી, મિત્રોને પણ પૂછ્યું અને બધાં નો જવાબ નકારમાં જ આવ્યો. મને થોડી નિરાશા થઈ પણ હું મારા ગણેશની પ્રતિમાનું વિસર્જન તો મલાડમાં બનાવાયેલા કૃત્રિમ તળાવમાં જ કરીશ એ નિર્ણય અડગ હતો અને એમાં મારા પરિવારજનો એ પણ સહર્ષ સંમતિ આપી દીધી.

જ્યારે એક પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી ગણપતિની મૂર્તિને કુદરતી જળાશયમાં પધરાવવામાં આવે છે ત્યારે માછલીઓ,દરિયાઈ વનસ્પતિ,અન્ય જળજીવો વગેરેને પારાવાર નુકસાન થાય છે.મૂર્તિ સાથે અંધશ્રધ્ધાળુ ભક્તો પ્લાસ્ટીક,થર્મોકોલ વેગેરેમાંથી બનાવેલી સુશોભનની સામગ્રી પણ જળાશયમાં પધરાવતા હોય છે જે પર્યાવરણ માટે હાનિકારક છે.કૃત્રિમ તળાવમાં મૂર્તિનું વિસર્જન કરવાનો મોટો ફાયદો તો એ છે કે તેમાં સજીવ જળચર ન હોવાને લીધે તેમને થતું નુકસાન અટકે છે.આ કૃત્રિમ તળાવ રહેઠાણની નજીક બનાવ્યા હોવાથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યા નિર્માણ થતી અટકે છે.ધ્વનિ પ્રદૂષણ અને વાહનોથી ફેલાતા હવાના પ્રદૂષણની માત્રા પણ ઓછી થાય છે.

મેં જ્યારે સાંજે મારા ગણપતિની મૂર્તિનું વિસર્જન મલાડના કૃત્રિમ તળાવમાં કર્યું ત્યારે અન્ય સૌથી મોટો લાભ એ થયો કે હું અને મારા પરિવારજનો આટલા વર્ષોમાં પહેલી વાર અમારી આંખે પ્રત્યક્ષ અમારા ગણપતિની મૂર્તિનું વિસર્જન શાંતિથી જોઈ શક્યા.દરિયા કિનારે કે અન્ય સાર્વજનિક કુદરતી તળાવો પાસે એટલે ભીડ હોય કે તમારી મૂર્તિ તો વિસર્જીત થતી તમને જોવા મળે જ નહિં.અહિં ભીડ પણ સાવ ઓછી હતે એટલે જવા આવવામાં પણ ખૂબ ઓછો સમય લાગ્યો અને શાંતિપૂર્ણ રીતે અમે અમારા ઈકોફ્રેન્ડલી ગણપતિનું ઈકોફ્રેન્ડલી રીતે વિસર્જન કર્યું!



મલાડનું આ કૃત્રિમ તળાવ વિદ્યાધર કુલકર્ણી નામના ઇજનેરે ખાસ રીતે બનાવેલું છે જેમાં પાંચ ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવા દેવાય છે. વિસર્જનના દસ દિવસ બાદ મોટા ભાગની મૂર્તિઓ પાણીમાં ઓગળી ગઈ હોય છે.જે મૂર્તિના અવશેષો ઓગળ્યા વગર બાકી રહી ગયા હોય તે ભેગા કરી તેનું દરિયામાં જઈ વિસર્જન કરાય છે.અહિં પાછી પર્યાવરણના નુકસાનની વાત ઉભી થાય પરંતુ મોટા ભાગની મૂર્તિઓ કૃત્રિમ તળાવમાં જ ઓગળી ગઈ હિય છે અને માત્ર ન ઓગળેલા ભાગોનું જ આ રીતે વિસરજન કરાતા લોકોની ધાર્મિક લાગણી દુભાતી નથી અને પર્યાવરણને પહોંચતું નુકસાન ઓછું થઈ જાય છે. કૃત્રિમ તળાવમાં બચેલું પાણી સુકાઈ જવા દેવાય છે અને તળાવ ફરી પાછું માટીથી ભરી દેવાય છે.

અન્ય જાહેર તળાવ કે દરિયામાં વિસર્જન વખતે તમારે ફી ભરવી પડતી હોય છે.કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે આવી કોઈ ફી ભરવી પડતી નથી અને અહિં માત્ર તમારે સામાન્ય રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.ભીડ ઓછી હોય છે અને વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે જળવાય છે.તળાવની ફરતે રેલિંગ બનાવેલી હોય છે જેથી ત્યાં ઉભા રહી તમે પ્રત્યક્ષ તમારી મૂર્તિનું વિસર્જન સાવ નજીકથી અને શાંતિથી જોઈ શકો છો.

મિત્રો તમને સૌને આવા કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવાની મારી ભલામણ છે અને આ વર્ષે નહિં તો આવતા વર્ષે ચોક્કસ વિસર્જન આમ ઈકો ફ્રેન્ડલી રીતે જ કરી પર્યાવરણની જાળવણીમાં પોતાનો નાનકડો ફાળો નોંધાવજો.



મુંબઈના ઉપનગરોમાં કૃત્રિમ તળાવો જે સ્થળે છે તેમાંના કેટલાકની યાદી:

* મેયર' બંગલો, શિવાજી પાર્ક

* ભાયખલા ઝૂ પ્લેગ્રાઉન્ડ

* મહાત્મા ગાંધી સ્કૂલ, વાંદ્રા

* ડો. હેડ્જેવર મેદાન, હનુમાન રોડ, વિલે પાર્લે

* ગૂઝદર પર્ક, ગોરેગાવ

* પાંડુરંગવાડી, ગોરેગાવ

* રામલીલા મેદાન, મલાડ

* સાઈનગર મ્યુનિસિપલ ચોકી, કાંદિવલી

* મુર્બાડી, દહિસર

* દહિસર સ્પોર્ટ ફાઉન્ડેશન, દહિસર

* ચિકુવાડી, બોરિવલી

* નંતરાવ ભોસલે ગ્રાઉન્ડ, બોરિવલી

* કુલુપવાડી, બોરિવલી

* સ્વપ્નનગરી તળાવ, મુલુન્ડ

* પેસ્ટોમ સાગર, ચેમ્બુર




અન્ય માહિતી માટે ઇન્ટરનેટ પર આ લિન્કની મુલાકાત લો :

http://envis.maharashtra.gov.in/envis_data/?q=gg_artificial_tanks

બુધવાર, 19 સપ્ટેમ્બર, 2012

ભાત ભાતનાં માણસો

છેલ્લા થોડા સમયમાં થયેલા ભિન્ન ભિન્ન પ્રકારના ત્રણ અનુભવોની વાત આજે બ્લોગ થકી કરવી છે. આ અનુભવોમાં માણસના સ્વભાવની કેટલીક લાક્ષણિકતાઓના દર્શન થયા.


૨૦૧૩ના જાન્યુઆરીમાં યોજાનારી મુંબઈ મેરેથોનમાં મેં હાફ મેરેથોન કેટેગરીમાં નામ નોંધાવ્યું છે અને આ કેટેગરીમાં મારે ૨૧ કિલોમીટર દોડવાનું છે. આ માટેની પ્રેક્ટીસ મેં અત્યારથી જ શરૂ કરી દીધી છે.બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી મારી ઓફિસ સુધી પહોંચવા વાંદરા સ્ટેશનથી ઓફિસ વચ્ચેનું અડધું અંતર દોઢેક કિલોમીટર લાંબા સ્કાયવોક પર ચાલીને કાપું છું અને બાકીનું અડધું અંતર રીક્ષામાં બેસીને.પંદરેક દિવસ અગાઉ સ્કાયવોકના ફ્લાય ઓવર પરથી ઉતરી મેં રીક્ષા પકડી.મારી પાસે તે દિવસે છૂટ્ટા ન હોવાથી મેં રીક્ષાવાળાને રીક્ષામાં બેસતા પહેલા જ ચોખવટ કરી દીધી કે મારી પાસે માત્ર સો ની નોટ છે.પણ તેણે ઘસીને ના પાડી દીધી કે છૂટ્ટા વગર તે મને મારી ઓફિસ સુધી નહિં લઈ જાય. સામે જ એક પાનવાળાની દુકાન હતી. મેં ત્યાં જઈ મને સો ના છૂટ્ટા આપવા વિનંતી કરી પણ પાનવાળા ભૈયાએ પણ મને તેની પાસે છૂટ્ટા છે કે નહિં એ ચકાસ્યા વગર જ છૂટ્ટા આપવાની ચોખ્ખી ધૂપ ના પાડી દીધી.મેં તેને પૂછ્યું કે હું તેને ત્યાંથી કોઈક વસ્તુ ખરીદું તો તે મને છૂટ્ટા આપશે કે નહિં.તેણે હકારમાં જવાબ આપ્યો.મારે તેની પાસેથી બાર રૂપિયાનું વેફરનું પડીકું લેવું પડ્યું.પણ ચાલો છૂટ્ટા તો મળ્યા! હવે હું છૂટ્ટા પૈસા લઈ પેલી રીક્ષામાં જ હકપૂર્વક બેઠો જેના ડ્રાઈવરે મને પોતાના ખિસ્સામાં છૂટ્ટા છે કે નહિં તેની ચકાસણી સુદ્ધા કર્યા વગર જ મારી ઓફિસ સુધી લઈ જવા નનૈયો ભણ્યો હતો. તેણે મને છૂટ્ટા લેવા જતા જોયેલો એટલે કંઈ વધુ બોલ્યા વગર રીક્ષા ચાલુ કરી. મારી ઓફિસ આવી જતાં મેં તેને દસ-દસની બે નોટ આપી. ભાડુ થયું હતું સત્તર રૂપિયા.તેણે પાછા આપવાના ત્રણ રૂપિયાના છૂટ્ટા કાઢવા શર્ટના ખિસ્સામાં હાથ નાંખ્યો ત્યારે દસ-દસની નોટોનું બંડલ તેના હાથમાં બહાર આવી ગયું. તેની પાસે સો ના છૂટ્ટા હતાં! છતાં તેણે મને શરૂઆતમાં તેની રીક્ષામાં મારી ઓફિસ સુધી લઈ આવવાની ના પાડી દીધી હતી.શું આ રીક્ષાવાળો કે પેલો પાનવાળો મને વિના શરતે,નિસ્વાર્થ ભાવે મદદ ન કરી શક્યા હોત? આપણે સામા માણસને કોઈ સ્વાર્થ વગર માત્ર મદદરૂપ થવાના ભાવ સાથે સહાય ન કરી શકીએ? ખેર, દુનિયાતો સુધરવાની હશે ત્યારે સુધરશે પણ આ પ્રસંગ પરથી મને એક વાત શીખવા મળી કે ઘેરથી નિકળતા પહેલાં ચકાસી લેવું જોઇએ કે પર્સમાં છૂટ્ટા પૈસા છે કે નહિં!

બીજો પ્રસંગ બન્યો મલાડ સ્ટેશન પર એક સવારે, નવેક વાગે. હું ઓફિસ જવા ટ્રેન પકડવા મલાડ સ્ટેશનના મિડલ ફર્સ્ટ ક્લાસ કોચ પાસે આવ્યો ત્યાં બેસવાના સ્ટીલના બાંકડા પાસે લોકોનું મોટું ટોળુ જમા થયેલું જોયું.સદાની માફક ટોળાના ત્રીસેક માણસોમાંથી માત્ર બે કે ત્રણ જણ, વચ્ચે જમીન પર ચત્તાપાટ બેહોશ પડેલા માણસની ખરી મદદ કરી રહ્યા હશે.બાકીના મોટા ભાગના લોકો માત્ર તમાશો જોઈ રહ્યાં હતાં. આવા કિસ્સામાં ખરી રીતે બેહોશ થયેલી વ્યક્તિને ગૂંગળામણ ન થાય એમ તેને વધુમાં વધુ હવા મળે એમ બેસાડવા કે સુવડાવવાની બદલે લોકો ટોળું બનાવી બેહોશ થઈ ગયેલી વ્યક્તિની મુશ્કેલીમાં વધારો કરતાં હોય છે. હું માર્ગમાં આવી રહેલા થોડાં ઘણાં લોકોને ખસેડી બેહોશ થઈ ગયેલ વ્યક્તિ પાસે પહોંચી ગયો.તે સાંઈઠેક વર્ષની ઉંમરના કાકા હતાં.એક ભાઈ તથા બે મહિલાઓ તેમને ઢંઢોળી ઉભા કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. થોડી જ વારમાં બેહોશ થઈ ગયેલા કાકાને ભાન આવ્યું અને તે એકદમ ગભરાઈ ગયેલી હાલતમાં આસપાસ જમા થયેલી ભીડને જોઈ રહ્યાં. એક યુવાને ટોળાને વિખરાઈ જવા બૂમ પાડી અને કાકાને વધુ હવા મળે એ માટે જાતે લોકોને હડસેલા મારી દૂર કર્યા. ભાનમાં આવેલા કાકા ખાસ્સી અશક્તિને કારણે ઉભા પણ થઈ શકતા નહોતા.મેં અને પેલા બીજા ભાઈએ મળીને કાકાને ઉભા કરી પેલા સ્ટીલના બાંકડા પર બેસાડ્યા.મેં કાકા પાસે મોબાઈલ છે કે નહિં એમ પૂછ્યું જેથી તેમના ઘેર કોઈને જાણ કરી શકાય.પણ તેમણે ના કહી.મેં મારા ફોનમાં તેમને પોતાને ઘેર વાત કરવા જણાવી મોબાઈલ તેમની સામે ધર્યો પણ તેઓ ખૂબ ગભરાઈ ગયેલા એથી કે બીજા કોઈ કારણ સર તેમણે ફોન કરવાની ના પાડી.મેં સમજાવવા કોશિશ કરી કે જો ફોન કરી તો તેમના ઘરેથી કોઈ આવી તેમને લઈ જાય. બીજા એક માજી પણ મારી સાથે તે કાકાને પૂછવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં કે તેમનું ઘર ક્યાં છે?કોઈ તેમને લેવા આવી શકે એમ છે કે નહિં? વગેરે વગેરે.પણ એ કાકા ખૂબ ડરી ગયેલાં અને તેમના મોઢામાંથી શબ્દો જ નહોતા નિકળી રહ્યાં.મેં તેમને રીક્ષામાં બેસાડી તેમનાં ઘેર જતાં રહેવાની વાત પણ કરી જોઈ પણ તે ઇશારામાં ના ના જ કરતા રહ્યા. જ્યારે તેઓ પડી ગયા ત્યારે સ્ટીલના બાંકડાની ધાર તેમના કપાળે વાગી હોવાને લીધે, ત્યાંથી લોહી નીકળી રહ્યું હતું અને થોડી વારમાં તો લોહીની ધાર નીચે વહી અને લોહીના ટીપાં તેમના શર્ટ પર પડવા માંડયા.સદનસીબે રેલવેના માણસો એ સમયે જ બે હમાલ સાથે ત્યાં આવી પહોંચ્યા અને કાકાને શાંતિથી પાટાપિંડી કરવાનું કહી ટેકો આપી ઉભા કરી અને ખભાનો સહારો આપી ચલાવી લઈ ગયાં.મને હાશ થઈ.પછીતો લોકો પણ વિખરાઈ ગયાં અને હું પણ ફરી રૂટીન લાઈફમાં ખોવાઈ ગયો. પણ થોડાં સમય સુધી, ગભરાયેલા કાકાના મોઢા પરના હાવભાવ અને કપાળ પરથી વહી રહેલ લાલ લોહી, મારા મગજ પર છવાયેલાં જ રહ્યાં.

ત્રીજા અનુભવમાં એક વિરલ વ્યક્તિ સાથે થયેલ પરિચય વિષે વાત કરવી છે. રૂષભ તુરખિયા નામની આ વ્યક્તિ સાથે મારો પરિચય થયો એક અંગ્રેજી અખબારમાં તેમના અનોખા અભિયાન વિષે વાંચ્યા બાદ. તેમણે 'YTN' (Your Turn Now) નામે એક નવો સેવા યજ્ઞ ચાલુ કર્યો છે જેમાં તમે મફતમાં તેમની પાસેથી દસ કાર્ડ મંગાવી શકો છો.તમારે રસ્તામાં,ઓફિસમાં કે ગમે ત્યાં કોઈ અજાણી વ્યક્તિને મદદની જરૂર હોય ત્યારે નિસ્વાર્થ ભાવે તેની મદદ કરવાની અને જ્યારે આભારવશ તેના મોઢા પર સ્મિત ફરકે ત્યારે પેલું એક કાર્ડ તેના હાથમાં પકડાવી દેવાનું જેના પર લખ્યું હોય 'YTN' (Your Turn Now) 'હવે તમારો વારો'. તેને સમજાવવાનું કે જેમ તમે તેને મદદ કરી એમ જ તેણે અન્ય કોઈ વ્યક્તિને મદદ કરવી અને પેલું કાર્ડ તેને આપવું. આમ એ કાર્ડ ફરતું રહેવું જોઇએ.છે ને મજેદાર,રસપ્રદ અને અનોખો આઇડિયા? તમે દસ 'YTN' કાર્ડ રૂષભભાઈના ઈમેલ આઈડી : rushabh@yourturnnow.in પર ઈમેલ કરી અથવા તેમને મોબાઈલ નંબર 9029602897 પર ફોન કરી મંગાવી શકો છો

જાત જાતનાં, ભાત ભાતનાં માણસો વિશે કોઈકે સાચું જ કહ્યું છે : તુંડે તુંડે મતિ:ભિન્ના !

શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

ગેસ્ટ બ્લોગ : તમારા નામનો અર્થ શું?

-રિશી રાજપોપટ

સંસ્કૃત ભાષાનો ગૌરવ કરતાં જેટલા ગીતો ગાઈએ એટલા ઓછા પડે. આપણી આ ગીર્વાણભારતી હિન્દી,ગુજરાતી,બંગાળી,મરાઠી જેવી અનેક ભાષાઓની જનની તો છે જ, તે ઉપરાંત, આજે પણ જ્યારે હિંદુ ઘરોમાં અસ્તિત્વની કળીઓ મોરે છે, ત્યારે તે સંસ્કૃત ભાષાની અમૂલ્ય સોગાત જ હોય છે. આપણી પિછાણ, તેવું આપણું નામ, વધુ કરીને સંસ્કૃત શબ્દો પર થી જ અથવા સંસ્કૃત શબ્દોમાં બાદબાકી કરી, રાખવામાં આવતું હોય છે. દેવ, પ્રજ્ઞા, આદિત્ય, માનસ્, મેઘા જેવા નામો સરળ અને એક વિશિષ્ટ અર્થ ધરાવે છે. છતાં,આપણે એવા ઘણા શબ્દોથી રૂબરૂ થઈએ છીએ જે મૂળ રૂપે સામાસિક, સંધીબદ્ધ અને તત્ધિત-કૃદંત રચનાઓ હોય છે. મહદ અંશે,આવા શબ્દો રામ,વિષ્ણુ,કૃષ્ણ,ઇન્દ્ર,સૂર્ય જેવા ઇષ્ટ દેવો અને માયથોલોજીનાં અનેક પાત્રોના નામો માટેના વિવિધ પર્યાયો હોય છે. ઉદાહરણાર્થ, નવજાત શિશુનું નામ 'પાર્થ' રાખવામાં આવે ત્યારે એ અર્જુનનું બીજું નામ હતું એટલી જ જાણકારી માતા-પિતા કે ફૈબા ને હોય છે. પણ પાર્થ નો સૂચિતાર્થ 'પૃથાયા: અપત્યમ્ પુમાન્ પાર્થ:' છે - પૃથા (કુંતી નું બીજું નામ) નો પુત્ર-પાર્થ'. તેમજ બીજું સરળ અર્થયુકત નામ દેવાંગ છે.'દેવસ્ય અંગ: દેવાંગ:' એટલે જ પ્રભુનો જ એક ભાગ હોવાની ભાવના આ નામ પ્રગટ કરે છે.

આજ કાલ તો અર્થ જાણ્યા વગર પણ,પાર્થ જેવા સુંદર નામો રાખવામાં આવે તો સદભાગ્ય બાળકનું! નહીતર સોનિઆ, વેરોનીકા, જેનીલ, વિવાન જેવા આડકતરી રીતે નિર્મિત નામો નો ઉપયોગ થાય, તો અર્થહીનતાનાં કારણે, માણસનું વ્યક્તિમત્ત્વ પોતાની ફોરમ ગુમાવી બેસે છે. બીજી બાજુ, દેશનું રાજકારણ ભલે ભ્રષ્ટ થઇ ગયું હોય, આપણા રાજનેતાઓનાં નામો એક થી એક ચઢે એવા સુંદર છે. આપણા સુવર્ણમયી ગુજરાતના ઘડવૈયા એવા શ્રી.નરેન્દ્ર મોદી નું નામ 'નરેન્દ્ર' તપાસીએ. નરેન્દ્ર સમાસ છે -'નારાણાં ઇન્દ્ર: નરેન્દ્ર:' એટલેજ લોકોના ઇન્દ્ર(રાજા) એવા નરેન્દ્ર! પોતાનાં નામનાં પ્રગાઢ અર્થ ને અનુસરી આજે મોદીસાહેબ લોકોના હૃદયો પર ખરેખર રાજ કરતાં દેખાય છે. તેમજ પોતાની આ તખ્તી માં પ્રાણ પૂરતાં દેખાય છે. તેમના પક્ષના લોકસભિક અને વિપક્ષ પ્રણેતા સુષ્મા સ્વરાજ નું નામ પણ અતિશય મંજુળ છે. સુષ્મા-'ઉશ્મયા સહ ' એટલે જે સદા ઉષ્મા(દિવ્ય તેજ) થી ઉભરાય છે તેવા સુષ્માબેન. તેમજ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચોહાણ નાં નામ નો અર્થ છે...'પૃથીવ્યા: રાજા પૃથ્વીરાજ:'- પૃથ્વીનાં રાજા. આવો સુંદર શબ્દનિરીક્ષણ નો શાસ્ત્ર સંસ્કૃતમાં 'નિરુક્તશાસ્ત્ર' તરીકે જણાય છે.

પણ આજે તો બાળકો અને યુવકોમાં સંસ્કૃત વિષેની જાગૃતિના અભાવ ખાતે પોતાનાં નામનો અર્થ ઘણાય ને ખબર હોતો નથી! દાખલા તરીકે,'સોહમ્'.સોહમ્ સંધીબદ્ધ છે-સ:+અહં.હું એ (જ) છું. હિંદુ સંપ્રદાયો માં અદ્વૈતવાદ નો શક્તિ-સ્તંભ આજ શબ્દ છે. 'હું પરમાત્મા જોડે એક છું' આવો પ્રફુલ્લિત થઇ ચિત્કાર કરનાર વ્યક્તિ પોતાનો પ્રભુસુધીનો અડધો માર્ગ પાર કરી લે એવી આ નામની મહિમા છે. ઈશ્વર સુધી પહોચવાનો સેતુ છે આ શબ્દ! આવા ઘણા બીજા શબ્દો છે જે માણસના નામ પરથીજ તેની પ્રવૃત્તિઓ અને ગુણો વિષે બહુ બધું જણાવે છે. જેમ કે,આપણા ચિતચોર પ્રભુ શ્રી કૃષ્ણ.'કર્ષયતિ ન: કૃષ્ણ:' એટલે કૃષ્ણ.જે આપણને કર્ષી(મોહી) લે એવા કૃષ્ણ! બીજું ઉદાહરણ-શંકર.'શમં કરોતિ ઇતિ શંકર:' જે આપણું ભલું કરે એવા શંકર! તેમજ છોકરાઓ નાં ઘણા નામો તેમના મનની નિખાલસતા અને શુદ્ધિને વર્ણે છે.દા.ત.-નિરંજન.સમાસ ને છૂટો પાડીએ, (નિર્ગત: અંજન: યસ્ય સ: નિરંજન:) જેનો બધો દોષ ચાલ્યો ગયો છે એવો તે નિરંજન! વિમલ અને નિર્મલ પણ (વિગત:/નિર્ગત: મલ:યસ્ય સ: વિમલ:/નિર્મલ:) આવા જ મતલબ ધરાવે છે.જેનો મેલ/કચરો ચાલ્યો ગયો છે એવો તે વિમલ/નિર્મલ.

કાવ્યાત્મક સર્જનો માટે વપરાતા ઘણા શબ્દો માણસની દશાનું વર્ણન કરે છે.આવા શબ્દો પરથી પણ નામ પાડવામાં આવે છે. ઉદા.અચલા; અચલા શબ્દ પર્વતોની શૃંખલા માટે અર્વાચીન મહાકાવ્યો માં વપરાતો હતો. અચલા એટલે-'ન ચલતિ ઇતિ અચલા'. જે ન ચાલે/ચાલી શકે અને પોતાનાં સ્થાને સ્થિર ઉભા રહે એવા પર્વતો! આ શબ્દનો આવો સખોલ અર્થ સાંભળતાજ મુખપર સ્મીત છવાઈ જાય છે! બીજો આવો શબ્દ છે નિશાંત-'નિશાયા: અંત: નિશાન્ત:' નિશા એટલે જ રાત્રી(અહી અર્થ છે અંધકાર) નો અંત કરી ઉજાસ ને આવાહન આપતો નિશાંત! તેમજ,જાનકી એટલે 'જનકસ્ય અપત્યમ્ સ્ત્રી'.જનક ની પુત્રી જાનકી.પાર્વતી આ નામ પણ બહુ સુરેખ છે! 'પર્વતસ્ય અપત્યમ્ સ્ત્રી' એટલે પાર્વતી. પર્વતો ની પુત્રી એવી પાર્વતી.આવા તત્ધિત શબ્દો નામ રાખતી વખતે બહુ વપરાતા હોય છે.

ઘણા નામો નૈસર્ગિક તુલનાની ઉપજ હોય છે.દા.ત.સુધાકર-'સુધા ઇવ કર:'જેના કિરણો(કર) સુધા(અમૃત) જેવા હોય છે એવો તે સુધાકર.ચંદ્ર માટે આ શબ્દ યોજાયા પછી આ શબ્દ લોકો નાં નામ તરીકે વપરાવા માંડ્યો છે.તેમજ રવિની તુલના ઇન્દ્ર(અહી અર્થ છે રાજા) જોડે કરી 'રવિ ઇન્દ્ર જેવો'ને 'રવિ: ઇન્દ્ર: ઇવ રવીન્દ્ર:' આ રીતા લખવામાં આવે છે.'રવીન્દ્ર' આ નામ સંસ્કૃત ની છાપ બંગાળી સંસ્કૃતિ પર છે એનો સૌથી સુંદર દાખલો છે.ધાતુઓ માંથી નિર્મિત ઘણા સામાસિક શબ્દો કન્યાઓના નામ રાખવા માટે વપરાતા આવ્યા છે.નીરજા(એટલે કમળ) આ નામ ને આ રીતે લખી શકાય-'નીરે જાયતે ઇતિ નીરજા'. જે પાણી માં આવે (અર્થાત ઉગે) એવી નીરજા! ગિરિજા નો અર્થ પણ સમાન રીતે જ સમજાય જાય એવો છે-'ગિરે: જાયતે ઇતિ ગિરિજા'.જે પર્વતોથી આવે એવી ગિરિજા. આ નામ સંસ્કૃત અને અન્ય સાહિત્યમાં નદીઓ માટે ઉપયુક્ત હતું એવું ઈતિહાસ કહે છે. નિમ્નલિખિત સમાસો પણ ધાતુસાધિત છે -'શુભમ્ દદાતિ ઇતિ શુભદા' જે શુભ-મંગલ ને આમંત્રમ આપે એવી શુભદા! ફરી,હર્ષદા પણ 'હર્ષમ્ દદાતિ ઇતિ હર્ષદા' આ રીતે લખાય.જે હર્ષ(ખુશી) આપે એવી હર્ષદા!

સંસ્કૃત-શબ્દભંડોળ કોઈ પણ સમૃદ્ધ ભાષા ને પાછળ મૂકી દે એવું ગજું ધરાવે છે. નામ રાખવામાં આવે ત્યારે જો કોઈ જૂની વલ્લી હાથે લાગે, તો નિ:સંદેહ વિવિધ સુંદર અર્થો વાળા નામો આપણને ત્યાં સાંપડશે.બાકી બધું તો ઠીક,તમારી જિંદગીમાં તમારો છાયડો બની સંગે ચાલનારું નામ શું સમજાવા માગે છે એ જ ખબર ન હોય, તો ખરા અર્થમાં જીવન નશ્વર બની જાય છે.પોતાની ઓળખને ઓળખે અને એને લાયક બનવા માટે સદા પ્રયત્નશીલ રહે,એ માણસ ભ્રમમાં ન જીવી બ્રમ્હ માં જીવવા માંડે છે! તો વિચાર કરો,તમારા નામ નો અર્થ શું?

-રિશી રાજપોપટ

(શ્રીમતી.ભાનુ પંડ્યા અને શ્રીમતી.રંજના દેશપાંડે નો ખૂબખૂબ આભાર)

રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012

પરિવર્તન અને નવું કંઈક કરવાની હિંમત

આજે મોબાઈલ આપણાં જીવનના એક અવિભાજ્ય અંગ સમુ બની ગયું છે.ઓફિસે જતી વખતે જો કદાચ ભૂલથી મોબાઈલ ઘેર રહી જાય તો પછી આખો દિવસ જે ઉચાટ અને અણગમા સાથે પસાર થાય એ તો જેની સાથે આમ બન્યું હોય તે જ જાણે! શાકભાજીવાળા ભૈયાથી માંડીને કોઈ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હોય કે પછી રસ્તા પર સફાઈનું કામ કરતા ઝાડુવાળાથી માડી એક્ટર,નોકરિયાત કે વ્યવસાયિક દરેક ને મોબાઈલનું જાણે કે વ્યસન થઈ પડ્યું છે!


મુદ્દો આજે ચર્ચવો છે પરિવર્તનનો મોબાઈલના ઉદાહરણથી.બીજી પણ એક મહત્વની વાત કરવી છે બ્લોગને અંતે આપણાં જીવનમાં કંઈક નવું કરતી વેળાના અભિગમ વિશે.

મોબાઈલના માર્કેટમાં એકાદ દસકા સુધી એક વિદેશી કંપનીએ એકહથ્થુ સત્તા ભોગવી.પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં પરિસ્થિતી બદલાઈ.ટેક્નોલોજી ક્ષેત્રે તો ખૂબ ઝડપથી નવી નવી શોધો થતી રહે છે અને જો તમે ગ્રાહકોને સતત કંઈક નવું અને સંતોષકારક તેમજ 'વેલ્યુ ફોર મની' આપતું ઉત્પાદન ન આપો તો તમે બજારમાંથી બહાર પણ ફેંકાઈ જઈ શકો છો.

હું પોતે હજી અઠવાડિયા અગાઉ સુધી છેલ્લા એકાદ દસકા જેટલા લાંબા સમય સુધી મોબાઈલના નોકિયા કંપનીના હેન્ડ્સેટનો લોયલ કસ્ટમર રહ્યો હતો. પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં નોકિયાની માર્કેટ તોડી નાંખનાર એપલ-સેમસંગના ટચફોન્સનું લોકોને જબરું ઘેલું લાગ્યું છે અને હવે તો બીજી એચ.ટી.સી.,મોટોરોલા,એલ.જી.,કાર્બન,વાહવેઈ ઘણી અન્ય મોબાઈલ કંપનીઓ પણ માર્કેટમાં પ્રવેશી છે.

લોકોને સતત ટચ મોબાઈલ વાપરતાં જોઈ મને પણ આવો મોબાઈલ લેવાનું મન થયું.મોબાઈલ શોપમાં એવું સજેશન અપાયું કે ટચ સ્ક્રીન ફોનતો સેમસંગના શ્રેષ્ઠ આથી મેં નાછૂટકે કંઈક નવું કરવાનો નિર્ધાર કર્યો. દસ વર્ષ સુધી એક વસ્તુ વાપર્યા બાદ અન્ય બ્રાન્ડની કોઈ નવી પ્રોડક્ટ વાપરવું ખૂબ અઘરૂં છે.મને ડર હતો કે નવા ફિચર્સ અને નવી રીતભાતની પધ્ધતિ ધરાવતો ફોન મને ફાવશે? પણ મિત્રોની સલાહ લઈ અને થોડા ઘણાં ઇન્ટરનેટ પર સંશોધન બાદ ટચસ્ક્રીન અને કમ્પ્યુટરના કી બોર્ડ જેવું જ QWERTY કી પેડ એમ બંને સુવિધા ધરાવતો મોબાઈલ હેન્ડસેટ લેવાનું નક્કી કર્યું (કીપેડ એટલા માટે કારણ મોબાઈલ પર જ હું મારું બ્લોગ્સ સહિતનું લખાણ કાર્ય કરતો હોઉં છું.) અને સેમસંગનો આ પ્રકારનો એક નવો મોબાઈલ ખરીદ્યો.

હવે દસ વર્ષ સુધી એક જ કંપનીના જુદા જુદા પણ એકજ રીતના સરળ,યુઝર ફ્રેન્ડલી મેનુ ધરાવતા નોકિયા ફોન ધરાવતી વ્યક્તિ માટે અન્ય કોઈ કંપનીનો મોબાઈલ વાપરવો અતિ અતિ અઘરૂં કામ છે.ગુજરાતી માધ્યમમાં ભણતાં વિદ્યાર્થીને અચાનક કોન્વેન્ટ અંગ્રેજી શાળાના વર્ગમાં બેસાડી દો એવી આ વાત છે! પણ ધીરે ધીરે આ નવા ફોનના મેનુ અને અન્ય ફીચર્સથી પરિચીત થયા બાદ અને ટેવાઈ ગયા બાદ હવે હું જાણે મારા આ નવા મોબાઈલના પ્રેમમાં પડી ગયો છું.એમાં કેટકેટલી નવીન,અત્યાર સુધી હું જેનાથી તદ્દન વંચિત રહ્યો હતો એવી ખાસિયતો,સુવિધાઓ અને ઉપયોગી એપ્લિકેશન્સ છે!ગામનો કોઈ ભલોભોળો યુવાન અતિ આધુનિક મોલમાં આવી ચડે અને જે આશ્ચર્ય અનુભવે એવો અનુભવ મને શરૂઆતમાં તો થયો!

પહેલા દિવસે ટચ સ્ક્રીન વાપરવાનું ખૂબ સારું લાગ્યું.મોબાઈલના લીસ્સા કાચની સપાટી પર તમે હળવેકથી આંગળી કે અંગૂઠો સરકાવો કે ઠપકારો અને મોબાઈલ પર જે તે ફંકશન્સ એક્ઝીક્યૂટ થતાં જાય!એ પણ એક છટા અને એલીગન્સ સાથે!ફોન લીધાના બીજા દિવસે ફોન તો જોડ્યો પણ પછી કોણ જાણે કેમ મારી આંગળી ફરી જતાં, ફોન પરનું કોલ દર્શાવતું એક્ટીવ સ્ક્રીન બદલાઈ ગયું અને મને તો ફોન કટ કરવા બટન જ ન જડે!પછી એકાદ મિનિટની મથામણ બાદ ફોન જ સાવ સ્વિચ ઓફ કરી દીધો એટલે ફોન કટ થઈ જાય!પછીના દિવસે મારા જુનિયર કલીગે મને સમજાવ્યું કે કઈ રીતે એક્ટીવ કોલ કે બીજી કોઈ પણ વોર્નિંગ કે નોટીફીકેશન આંગળી વડે ટોચના બારને ડ્રેગ કરી નીચે ઢસડીને ક્રમબદ્ધ જોઈ શકાય અને જે તે એક્ટીવ ક્રિયા બંધ પણ કરી શકાય.

પણ એ પછી તો જેમ જેમ હું મારો આ નવો ફોન એક્સપ્લોર કરતો ગયો તેમ તેમ દરિયામાંથી જાણે નવા નવા મોતી,રત્નો વગેરે બહાર કાઢતો હોઉં એમ મને તેના નવા નવા ફીચર્સ વાપરતાં આવડતા ગયાં અને હું આ નવા ફોનથી વધુ ને વધુ આકર્ષિત અને પ્રભાવિત થતો ગયો. જૂના ફોનમાં હતી એ બધી સુવિધાતો મેં આ નવા ફોનમાં ડાઉનલોડ કરી મેળવી જ લીધી પણ પહેલા ક્યારેય ન વાપરી હોય એવી પણ કેટલીક ફાયદાકારક એપ્લીકેશન્સ મેળવી અને જાતજાતની ગેમ્સ પણ ગૂગલ એપ્સના 'પ્લે સ્ટોર' પરથી ડાઉનલોડ કરી લીધી.

હવે થોડી ફિલોસોફીની વાત! આ બધા નવા લાભ હું મેળવી શક્યો કારણ મેં દસ વર્ષ સુધી એક જ ચીજ વાપરી જે કમ્ફર્ટ ઝોનમાં પોતાની જાતને બાંધી દીધી હતી તેની બહાર નિકળવાનું પગલું મેં ભર્યું.પરિવર્તન શાશ્વત છે.પરિવર્તનને અપનાવીને અણધાર્યા લાભો પ્રાપ્ત થઈ શકે છે.જરૂર છે હિંમત કરવાની.

જીવનમાં કંઈક નવું કરવાની વાત આવે ત્યારે આપણે ઘણું ડરતા હોઈએ છીએ.જે કદાચ ક્યારેય બનવાનું જ ન હોય કે અતિ પાંખી શક્યતા હોય એવી બાબત જાણે વારંવાર બનવાની હોય તેવી કલ્પના કરી આપણે જીવનમાં કોઈ નવું ડગલું ભરતાં ખચકાતા હોઈએ છીએ. આ વાત પણ એક ઉદાહરણ આપી સ્પષ્ટ કરીશ. ચાર વર્ષથી હું ઓલ ઇન્ડિયા રેડિયો પર ગુજરાતીમાં સમાચાર વાંચવા જાઉં છું.આ ડ્યુટીનો સમય ઓફિસ પત્યા બાદ સાંજનો હોય છે એટલે હું એ કરી શકું છું.પણ જો મેં એમ ધારી લીધું હોત કે ઓફિસમાંથી હું સાંજે સમયસર નહિં નિકળી શકું,મને રેડિયો પર પહોંચવામાં મોડું થઈ જશે તો?આવા નકારાત્મક વિચારો જ કર્યા કરત તો હું ઓલ ઇન્ડિયા રેડિયો જેવી પ્રતિષ્ઠીત સંસ્થા સાથે સંકળાવાનો આ એક સુવર્ણ અવસર ચૂકી ગયો હોત!પણ આજે ચાર વર્ષ થઈ ગયાં અને ભાગ્યે જ એવો પ્રસંગ બન્યો હશે જ્યારે હું મારી ત્યાંની ડ્યુટી ચૂકી ગયો હોઉં!જરૂર છે હિંમતપૂર્વક સાહસ ખેડવાની! યા હોમ કરીને પડો...તૂફાનો જોઈ લેવાશે!... નક્કી ફતેહ છે આગે!

રવિવાર, 26 ઑગસ્ટ, 2012

ઝોફિયાને સલામ!

ગયા સપ્તાહે જ લંડન ખાતે યોજાયેલ ઓલિમ્પિક ૨૦૧૨માં મેડલ્સ મેળવનાર ભારતીય એથ્લીટો પર થયેલ ઇનામોની વર્ષા વિશે વાત કરી હતી તેવામાં આ એક ખબર વાંચવામાં આવી અને તેની બ્લોગમાં ચર્ચા કરવાનું મન થયું.


પોલેન્ડની ૨૬ વર્ષીય ખેલાડી ઝોફિયા નોસેટી - ક્લેપાચાએ સર્ફીંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો અને તે હવે આ કાંસ્ય ચંદ્રકની હરાજી કરવા જઈ રહી છે. તમે બીજું કોઈ અનુમાન કરો એ પહેલાં આમ કરવા માટેનું કારણ તમને જણાવી દઉં.ચોક્કસ એ જાણી તમને આ ખેલાડી માટે માન ઉપજ્યા વગર નહિં રહે.

ઝોફિયા આ હરાજી તેની પાડોશમાં રહેતી પાંચ વર્ષીય બાળકી ઝૂઝિયા માટે યોજી રહી છે.ઝૂઝિયા ક્રિસ્ટીક ફાઈબ્રોસીસ નામના ગંભીર રોગથી પીડાઈ રહી છે અને તેના ઇલાજ માટે નાણાં એકઠાં કરવા ઝોફિયા પોતાના સ્વપ્ન-સિદ્ધી સમાન ઓલિમ્પિક મેડલની હરાજી કરવા જઈ રહી છે.

ઝોફિયા ને તેની પાડોશમાં રહેતી નાનકડી ઝૂઝિયા સાથે દોસ્તી બંધાઈ ગઈ હતી અને જ્યારે તેને ઝૂઝિયાની બિમારી અંગે જાણ થઈ ત્યારે તેણે ભારે આઘાત અનુભવ્યો હતો અને લંડન ઓલિમ્પિકમાં જતા પહેલા ઝોફિયાએ તેને વચન આપ્યું હતું કે જો હું આ વખતે મેડલ જીતીશ તો તારી સારવારના નાણાં ઉભા કરવા તેની હરાજી કરીશ.હવે ઝોફિયા આ વચન ખરેખર નિભાવવા જઈ રહી છે!

આજે પરિવારમાં પોતાના સહોદર માટે પણ ખર્ચ કરતાં વ્યવહારૂ (કે સ્વાર્થી?) માનવી વિચાર કરે છે ત્યારે પોલેન્ડની ઝોફિયા પાડોશીની બાળકી માટે પોતાનો કાંસ્ય ચંદ્રક વેચવા તૈયાર થઈ છે એ માનવતાનું અજોડ,અનુપમ અને અનુકરણીય ઉદાહરણ છે.ઝોફિયા તને લાખો સલામ!

રવિવાર, 19 ઑગસ્ટ, 2012

શ્રી સુરેશ દલાલને સાદર શ્રદ્ધાંજલિ, ઓલિમ્પિક ૨૦૧૨ અને મુંબઈ મેરેથોન ૨૦૧૩

૧૦મી ઓગષ્ટ ૨૦૧૨ના શુક્રવારે ગુજરાતી ભાષાનો એક વિરલ સિતારો ગુજરાતી સાહિત્યના આકાશમાંથી ખરી પડ્યો અને જન્માષ્ટમીના એ પવિત્ર દિને કૃષ્ણપ્રેમી અને શબ્દપ્રેમી સુરેશ દલાલ સરના સ્વર્ગારોહણ સાથે જાણે ગુજરાતી કવિતાના એક યુગનો અંત આવી ગયો. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એમને યોગ્ય ભાવાંજલિ આપતા કહ્યું કે ગુજરાતી ભાષાનો એકે એક શબ્દ તેમના દેહવિલયને કારણે રડી રહ્યો છે. મારા ગુરૂ,મારા પ્રિય લેખક, કવિ એવા તેમણે મારા પ્રથમ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી મને ઋણી બનાવ્યો હતો. તેમને વર્ષોથી વાંચતા રહીને મારામાં રહેલી સંવેદનશીલતા બરકરાર રહેવા પામી છે અને તેમણે લખેલા હ્રદયસ્પર્શી ગદ્ય-પદ્ય વાંચીને જ હું પણ થોડુંઘણું લખતા શીખ્યો છું. મહાન સાહિત્યકાર એવા શ્રી સુરેશ દલાલ સરનો આત્મા પરમકૃપાળુ પરમેશ્વર પરમાત્મામાં એકાકાર પામે અને પરમ શાંતિ,મોક્ષ પામે એવી અભ્યર્થના સાથે તેમને મારી ભાવભીની આદરાંજલિ,શ્રદ્ધાંજલિ...

* * * * * * * * * * * * * *

૧૨મી ઓગષ્ટે પખવાડિયાથી ચાલી રહેલા ઓલિમ્પિક રમતોત્સવનું સમાપન થયું.બસો કરતાં પણ વધુ દેશોએ જેમાં ભાગ લીધો હતો એવો દર ચાર વર્ષે યોજાતો આ મહા રમતોત્સવ આ વર્ષે ઇંગ્લેન્ડના લંડન શહેરમાં યોજાયો હતો અને તેમાં સોથીયે વધુ જુદી જુદી શ્રેણીમાં બે ડઝન કરતા વધુ પ્રકારની રમતગમત સ્પર્ધામાં કુલ દસહજાર કરતાં પણ વધુ રમતવીરોએ ઉત્સાહ,જોશ અને જોમભેર ભાગ લીધો હતો.

આ વર્ષે ભારતમાં પણ આ રમતોત્સવને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. મિડીયાએ પણ આ વખતે ઓલિમ્પિક્સને સારા એવા કવરેજ દ્વારા શ્રીલંકા સાથે હાલમાં રમાઈ રહેલી ભારતની ક્રિકેટ મેચ કરતાં પણ વધુ મહત્વ આપ્યું જે આવકારદાયક પહેલ ગણી શકાય !

આ વર્ષે ભારતે બે રજત અને ચાર કાંસ્ય એમ કુલ છ મેડલ્સ પ્રાપ્ત કર્યા અને એમ જાહેર થયું કે આ ભારતનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ હતો.ભારતનો ક્રમ મેડલ્સ મેળવનાર દેશોની યાદીમાં મેડલ્સની સંખ્યા લેખે પંચાવનમો રહ્યો.અમેરિકા કુલ ૧૦૪ મેડલ્સ (કુલ ૪૬ સુવર્ણચંદ્રક) મેળવી પ્રથમ ક્રમે રહ્યું. વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનનો ક્રમ સૌથી વધુ મેડલ્સ મેળવનાર રાષ્ટ્રોમાં (કુલ ૮૮ મેડલ્સ અને ૩૮ સુવર્ણચંદ્રક) બીજું રહ્યું. ભારતના શ્રેષ્ઠ દેખાવ છતાં એક પણ સુવર્ણ ચંદ્રક તો મેળવી ન શક્યું પણ તેનો ક્રમ પણ બીજા વધુ મેડલ્સ મેળવનારાં રાષ્ટ્રોની યાદીમાં ૫૫ મો રહ્યો . શું આ એક ખુશ થવા જેવી વાત છે?

હું ઓલિમ્પિક શરૂ થઈ ત્યારથી રોજ ઓફિસમાં વારેઘડિયે ભારતને મળેલા મેડલ્સની સંખ્યામાં વધારો થયો કે નહિં તે ચકાસતો હતો. મને આમ તો સ્પોર્ટ્સમાં ખાસ રૂચિ નથી છતાં દેશપ્રેમની ભાવનાથી પ્રેરાઈ હું રોજ પ્રાર્થના કરતો કે ભારતને વધુ મેડલ્સ પ્રાપ્ત થાય અને તેનો ક્રમ વધુ મેડલ્સ મેળવનાર રાષ્ટ્રોની યાદીમાં ઉંચો આવે. ગગન નારંગ, વિજય કુમાર, સાનિયા નેહવાલ, મેરી કોમ, યોગેશ્વર દત્ત અને સુશીલકુમારને મેડલ્સ મળ્યા ત્યારે મને મેડલ મળ્યા હોય એટલી ખુશી મેં અનુભવી હતી. આ દરેક રમતવીર સો ટકા ઉત્કૃષ્ટ ક્ષમતા ધરાવનાર હોવાં છતાં ભારતને મળેલા બે મેડલ્સ નસીબ જોગે હાથ આવ્યા છે એ હકીકત છે. સાનિયા સામે રમી રહેલી ચીનની શ્રેષ્ઠ ખેલાડીઓમાંની એક, મેચમાં આગળ હોવા છતાં ઘાયલ થતાં , તેણે પીછેહઠ કરી અને સાનિયા મેડમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયું. યોગેશ્વર દત્ત ને પણ સામેના ખેલાડીઓની એકબીજા સામેની રમતમાં હારેલ ખેલાડીના નબળા દેખાવને લીધે બ્રોન્ઝ માટેની સ્પર્ધામાં રીપેચેજ રાઉન્ડમાં અનાયાસે સદનસીબે તક મળી અને તે વધુ એક મેડલ ભારતને અપાવી શક્યો. અહિં મારો ઇરાદો સાનિયા કે યોગેશ્વર દત્ત ને નીચા દેખાડવાનો કે તેમની ક્ષમતા સામે સવાલ ઉઠાવવાનો નથી પણ વિશ્વની બીજા ક્રમની સૌથી વધુ વસ્તી ધરાવતાં હોવા છતાં ભારતની રમતગમત ક્ષેત્રે સારા ખેલાડીઓ પેદા ન કરી શકવાની ક્ષમતા સામે જરૂર પ્રશ્ન કરવાનો છે.ભારતના ખેલાડીઓમાં અન્ય રાષ્ટ્રોના ખેલાડીઓમાં જોવા મળતી ‘કિલર ઇન્સ્ટિન્ક્ટ’નો અભાવ જોવા મળે છે. શા માટે ભારત ખેલાડીઓને પૂરતી ટ્રેનિંગ મળે એ પ્રત્યે ઉદાસીન વલણ સેવે છે?ભારતના નેતાઓ ભ્રષ્ટાચારમાંથી ઉપર આવે તો અન્ય બાબતો પર ધ્યાન આપે ને? કોમનવેલ્થ રમતોત્સવ ભારતમાં યોજાયો ત્યારે કલમાડી સાહેબે કરેલા કરોડો રુપિયાના કૌભાંડના પડઘા હજી શમ્યા નથી. અન્ય રાષ્ટ્રો ખેલાડીઓને પદ્ધતિસરની તાલિમ નાનપણથી મળે એવું પ્રોત્સાહક વાતાવરણ ખડું કરે છે.

અન્ય એક બાબત મને વ્યથિત કરી રહી છે એ છે ભારતનો વિજેતા નિવડેલા ખેલાડી પર વધુ પડતા ઓવારી જઈ અધધધધ ગણી શકાય એવડી મસમોટી ઇનામોની વર્ષા. જે ખેલાડીઓ વિજેતા નિવડ્યા છે તેઓ અસાધારણ ક્ષમતા ધરાવે છે અને તેમણે પોતપોતાના શ્રેષ્ઠ દેખાવ સાથે ભારતને ગૌરવ બક્ષ્યું છે એમાં શંકાને લેશમાત્ર સ્થાન નથી કે એ માટે તેઓએ આપેલા ભોગ કે કરેલી અથાગ મહેનત અને લીધેલ કડક પ્રશિક્ષણ અને તનતોડ પ્રેક્ટીસ પણ ખરેખર અતિ અતિ પ્રશંસનીય છે એ ચોક્કસ, પણ આ ખેલાડીઓને એક જ મેડલ બાદ અલગ અલગ રાજ્ય સરકારોએ કરોડો રુપિયા આપવાની જાહેરાત કરી દીધી અને તેમને મફતમાં આજીવન સેવા,અનેક એકરની જમીન વગેરે વધારામાં. શું આ વધુ પડતુ નથી? હવે આ ખેલાડીઓને એડવર્ટાઈઝીંગ કંપનીઓ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી કરોડો રૂપિયાની આવક કરાવશે તે તો વધારામાં!

મારા મતે વિજેતા ખેલાડીઓને અપાતી રકમ કરોડો રૂપિયાની જગાએ થોડી ઘટાડી વધે એ રકમ અન્ય આશાસ્પદ ખેલાડીઓને અદ્યતન સુવિધાઓ અને પ્રશિક્ષણ પૂરાં પાડવા માટે ફાળવવી જોઇએ. મેડલ લાવનાર ખેલાડીઓ જરૂર મહાન છે પણ તેમના પર ગાંડા ઘેલા થઈ ઇનામોની લહાણી વરસાવવાની જગાએ યોગ્ય રકમ નવા ખેલાડીઓ વધુ મેડલ મેળવી શકે તે માટે તેમને પ્રશિક્ષણ પૂરું પાડવા માટે વપરાય તો તે લેખે લાગ્યું ગણાય. નહિતર ભરતામાં વધુ ભરી સરકાર જ આર્થિક અસમાનતા ઉભી કરવામાં કારણ રૂપ બને છે.

ભારતમાં ક્રિકેટ સિવાય અન્ય કોઈ રમતને ગંભીરતાથી લેવામાં આવતી જ નથી.ઓલિમ્પિકની વાત કરીએ તો તેમાં જ જિમનાસ્ટીક્સ,સ્વિમીંગ,દોડ,રીલે દોડ,હર્ડલ રેસ,હાઈ જમ્પ, તીરંદાજી,બાસ્કેટબોલ,કેનોઈંગ,જુડો,હેન્ડબોલ,તરણ સ્પર્ધા વગેરે જેવી વિવિધ પ્રકારની છવ્વીસેક જુદી જુદી રમતો (૩૯ શાખાઓમાં) યોજાય છે જે દરેક માટે ભારત ખેલાડીઓ તૈયાર કરી શકે અને વધુ મેડલ્સ મેળવવાની નેમ રાખી શકે.

હાલના રમતમંત્રીએ એવી આગાહી કરી છે કે વર્ષ ૨૦૨૦માં યોજાનારા ઓલિમ્પિકમાં ભારત પચ્ચીસેક મેડલ મેળવી શકશે. આપણે એવી આશા સેવીએ કે એટલે લાંબે ગાળે નહિં,પણ વર્ષ ૨૦૧૬માં બ્રાઝિલના રિયો-ડી-જાનેરો શહેરમાં યોજાનારા આગામી ઓલિમ્પિક રમતોત્સવમાં જ ભારત પચ્ચીસ કરતાં વધુ મેડલ મેળવી સૌથી વધુ મેડલ મેળવનારા દેશોની યાદીમાં એકથી પચ્ચીસમાં સ્થાન પામે!

* * * * * * *

૨૦૧૨ના મુંબઈ મેરેથોન વિષેનો મારો બ્લોગ વાંચ્યા બાદ ઘણાં વાચકોએ વર્ષ ૨૦૧૩માં જાન્યુઆરીમાં યોજાનારા મુંબઈ મેરેથોનમાં ભાગ લેવામાં રસ દાખવ્યો હતો અને મને એ માટેનું રજિસ્ટ્રેશન શરૂ થાય તેની જાણ કરવા કહ્યું હતું. ૪૨ કિલોમીટરની ફુલ મેરેથોન અને (જેમાં આ વર્ષે હું ભાગ લેવાનો છું એવી) ૨૧ કિલોમીટરની હાફ મેરેથોન માટેના રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે અને ૭ કિલોમીટરની ડ્રીમ રન શ્રેણીમાં ભાગવા માટેની નોંધણી ઓગષ્ટની ૨૧મી થી ઓનલાઈન http://www.procamrunning.in/scmm/ આ વેબસાઈટ પર શરૂ થશે. ઓફલાઈન નોંધણી માટેનું અરજી પત્ર અને અન્ય માહિતી પણ આપ આ જ વેબસાઈટ પર મેળવી શકશો. તો થઈ જાઓ દોડવા માટે તૈયાર! સી યુ ઓન 20-Jan-2013 @ 10th Mumbai Marathon!

ગુરુવાર, 16 ઑગસ્ટ, 2012

ગેસ્ટ બ્લોગ : ત્રિરંગો

- મૈત્રેયી મહેતા


થોડાં દિવસો અગાઉ, રથયાત્રાને દિવસે મહારાષ્ટ્રના મંત્રાલયમાં આગ લાગી અને તેમાં ઘણાં ઓરડાઓ બળીને રાખ થઇ ગયા. ઘણું નુકસાન થયું , જાનહાની પણ થઇ અને કેટલાક લોકો દાઝી પણ ગયા. તે વખતે મંત્રાલયની ઈમારત પર ફરકાવાયેલા ત્રિરંગાને નીચે ઉતાર્યા વગર નીચે જવાની ના પાડી, પાંચ કર્મચારીઓએ.પોતાના જાનના જોખમે, આટલી કટોકટીપૂર્ણ પરિસ્થિતિમાં પણ ત્રિરંગાના માન-સન્માનને ખાતર અડગ રહેલા એ પાંચ કર્મચારીઓને સલામ.. ! શત શત સલામ !

મંત્રાલયના PWD વિભાગના ચોથી શ્રેણીના કર્મચારીઓની ટુકડી દરરોજ સવારે લગભગ ૬ વાગે ત્રિરંગો ફરકાવે અને સાંજે આશરે સવા સાત વાગે ત્રિરંગો ઉતારીને યોગ્ય ઠેકાણે મૂકી દે.આ ક્રમ દરરોજ બારેય મહિના સતત ચાલ્યા કરે. એવો નિયમ છે.

બપોરે લગભગ ૨ વાગીને ૪૦ મિનિટે ચોથા માળે આગ લાગ્યા પછી, કેટલાક કર્મચારીઓ ધ્વજ સંરક્ષણ વિભાગમાં ગયા અને વહેલામાં વહેલી તકે ઈમારત છોડી જવાની તાકીદ કરી. પણ, સુરેશ બારિયા, દીપક અડ્સુલ, વિશાલ રાણે , ગણેશ ગુંજ અને પ્રેમજી રોજ નામના એ પાંચ કર્મચારીઓએ પોતાના વરિષ્ઠ અધિકારીઓના આદેશ વગર ધ્વજ ને છોડીને નીચે જવાની ધરાર ના પાડી. આગ વધતી ગઈ, જાનનું જોખમ વધતું ચાલ્યું છતાં પણ તેમાંથી એક પણ જણ ધ્વજ ને છોડીને તસુ જેટલું પણ ના ખસ્યું. તેના નિયત સમય પહેલા ધ્વજ ને ઉતારી ના શકાય, પ્રોટોકોલ નો સવાલ છે...હા, આપાતકાલીન સમયે વરિષ્ઠ અધિકારીઓના આદેશ મુજબ આ નિયમમાં ફેરફાર કરી શકાય અને આ કર્મચારીઓ તે આદેશ વગર પોતાની ફરજ છોડીને ના ખસ્યા. છેવટે ૪ વાગીને ૫ મિનિટે આદેશ મળતા જ ત્રિરંગાને ઉતારીને યોગ્ય રીતે વાળીને તેને માટે મુકર્રર કમરામાં મુકવામાં આવ્યો પછી જ તે ફરજપરસ્ત કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા આગળ થયા. તે પાંચેય કર્મચારીઓને શાબાશી આપવી જ ઘટે.

વાચકમિત્રો આ વાત પરથી સ્વતંત્રતાની લડાઈ યાદ આવે છે. કંઈ કેટલાયે દેશવાસીઓએ આ જ ધ્વજ ને ખાતર હસતા હસતા પોતાના પ્રાણની આહુતિ આપી હતી. કેટકેટલા શહીદોના ખૂન વહ્યા છે આ ધ્વજ ફરકાવવાની આઝાદી માટે...!

એ ત્રિરંગો, આપણાં દેશની શાન, આપણી આબરૂ, સ્વતંત્રતાનો વિશ્વભરમાં બુલંદીથી ગાજતો, ફરકતો સ્વર....ત્રિરંગો...

હા દોસ્તો, રાષ્ટ્રધ્વજ ની વાત આવે ત્યારે આપણને ઘણાં લોકોને ખબર જ નથી અને જાણે અજાણ્યે , આપણે રાષ્ટ્ર ધ્વજ નું અપમાન કરી દેતા હોઈએ છીએ...

આપણાં ત્રિરંગામાં ત્રણ રંગ છે, કેસરી , સફેદ અને લીલો. કેસરી રંગ, સાહસ અને બલિદાન, સફેદ રંગ સત્ય અને પવિત્રતા, તેમ જ લીલો રંગ શાંતિ અને સમૃદ્ધિના પ્રતિક છે.

તેમાં અશોક ચક્ર પણ છે, તે ચક્ર વાદળી રંગનું છે અને ૨૪ પાસા ધરાવે છે. ૨૨ મી જુલાઈ ,૧૯૪૭ ના રોજ મળેલી બંધારણીય વિધાનસભાની બેઠકમાં આ ધ્વજ ને મંજુરી અપાઈ હતી. પૂજ્ય ગાંધીજીએ સૌથી પહેલા ૧૯૨૧ માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ના ધ્વજ માટે પ્રસ્તાવ મુકેલો. તેની ડીઝાઇન પીંગલી વેન્કૈયાએ તૈયાર કરી હતી. પણ દેશના બધાજ વર્ગ અને ધર્મ ના લોકો માન્ય રાખે તેવા રાષ્ટ્ર ધ્વજ ની જરૂર હતી, તેથી અંતે આપણા રાષ્ટ્રધ્વજ ની પસંદગી કરવામાં આવી.

રાષ્ટ્ર ધ્વજ બનાવવાના ધારાધોરણો, ૧૯૬૮ માં ઘડવામાં આવ્યા અને ૨૦૦૮ માં તેમાં સુધારા કરવામાં આવ્યા.

રાષ્ટ્ર ધ્વજ માત્ર ખાદી કે હાથશાળના કાપડ પર જ બનાવી શકાય છે. તેમાં પણ ત્રણ રંગ ના જુદા જુદા પટ્ટાનું પણ વિશેષ માપ છે.

રાષ્ટ્રધ્વજની બનાવટ, તેને પ્રદર્શિત કરવામાં , કે તેને ઉતારીને મુકવામાં પણ નિયમોનું ઉલ્લંઘન થાય તો ૩ વર્ષ ની કેદ , કે દંડ કે બન્ને ની સજા થઇ શકે છે.

સત્તાવાર નિયમ મુજબ રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ જમીન ને કે પાણી ને અડવો ના જોઈએ. કે કોઈ પણ રીતે કોઈ ચીજ વીંટાળવા માટે તેનો ઉપયોગ ના થવો જોઈએ. જાણી જોઇને ધ્વજ ને કદી એ તેને ઉંધો ના ફરકાવી શકાય. મૂળ નિયમ મુજબ ધ્વજ ને ગણવેશ પર કોશચ્યુમ્સ પર કે અન્ય કપડા પર ના લગાડી શકાય. પણ ૨૦૦૫ ની જુલાઈ પછી સરકારે કેટલાક ફેરફારો કર્યાં. પણ રાષ્ટ્ર ધ્વજ કમરની નીચેના ભાગમાં કે આંતરવસ્ત્રો પર ધારણ ના કરી શકાય. રાષ્ટ્રીય દિન સિવાય કોઈ પણ દિવસે ધ્વજ ફરકાવી તો શકાય પણ તેની ગરિમા અને તેના માન સન્માન નું પુરતું ધ્યાન રાખવું પડે .

અન્ય કોઈ દેશના રાષ્ટ્રધ્વજની સાથે કે કોર્પોરેટ જગતના ધ્વજ ની સાથે રાષ્ટ્રધ્વજ મુકવાનો હોય તો તેના ખાસ નિયમો છે.

રાષ્ટ્રીય સ્તરે કોઈ મોટા નેતાનું અવસાન થતા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. તે માટેનો નિર્ણય રાષ્ટ્રપતિ લે છે. અને તે શોકના સમયની મર્યાદા પણ તેઓ જ નક્કી કરે છે. જોકે (સ્વતંત્રતા દિને ૧૫ મી ઓગસ્ટે, ),પ્રજાસત્તાક દિને ( ૨૬ મી જાન્યુઆરી ) ગાંધી જયંતી (૨ જી ઓક્ટોબરે ), રાષ્ટ્રીય સપ્તાહ (૬ થી ૧૩ એપ્રિલ ) કે રાજ્યોના સ્થાપના દિને રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ના ફરકાવી શકાય.

દેશના, લશ્કરના જવાનોના કે અર્ધ લશ્કરી દળોના જવાનોની શહાદત બાદ તેમના કોફીનને રાષ્ટ્ર દવજમાં લપેટીને લઇ જવામાં આવે છે. તેમાં પણ કેસરી ભાગ માથા ની બાજુએ હોય છે અને ધ્વજ ને અંતિમ સંસ્કાર પહેલા કોફીન પરથી લઇ લેવામાં આવે છે. ધ્વજ ને કબરમાં કે અગ્નિને સમર્પિત ના કરી શકાય.

કાયદા મુજબ રાષ્ટ્રધ્વજ, ખાદીનો બનેલો હોવો જોઈએ. સુતરાઉ કે રેશમી ખાદીના કાપડમાંથી જ બનેલો હોવો જોઈએ. રાષ્ટ્ર દવજ બનાવવાનો અધિકાર, માત્ર ખાદી વિકાસ અને ગ્રામોદ્યોગ પંચને જ અપાયેલો છે. રાષ્ટ્રધ્વજ ના ઉપયોગ અંગેના નિયમો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અને રાષ્ટ્રીય ચિન્હો ને લગતા અન્ય કાનુન હેઠળ સમાવિષ્ટ છે.

સામાન્ય જનતા , માત્ર રાષ્ટ્રીય દિન જેમ કે સ્વતંત્રતા દિન કે પ્રજાસત્તાક દિનના રોજ જ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે.

પરંતુ ૨૦૦૨ માં નવીન જીન્દાલ નામના નાગરિકે કરેલી અરજીને પગલે સર્વોચ્ચ અદાલતે ભારત સરકારને ખાનગી નાગરીકો દ્વારા ધ્વજ ફરકાવવા અંગેના કાયદાની કલમોમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો અને તે પછી ભારત સરકારે , કાનુનની કલમમાં સુધારા કર્યાં અને નાગરિકોને મર્યાદિત રીતે છૂટ આપવામાં આવી. ૨૦૦૫માં ફરી વાર એ કાનુનમાં સુધારા કરવામાં આવ્યા. અને તે ખાદી અને રેશમ ઉપરાંત અન્ય કેટલાક કપડા પર પણ ધ્વજ બનાવવાની છૂટ અપાઈ.

આપણી જેમ બીજા લગભગ ૬૦ જેટલા દેશો પણ ત્રણ રંગનો રાષ્ટ્રધ્વજ ધરાવે છે. તેમાં ગ્રીસ, સ્લોવેકિયા , નોર્વે, આયરલેન્ડ,ફ્રાંસ, સાયપ્રસ, ચેક પ્રજાસત્તાક, જર્મની, ઇટલી, ન્યુઝીલેન્ડ, વગેરેનો સમાવેશ થાય છે. તે જ રીતે અન્ય દેશોના બે રંગ ધરાવતા રાષ્ટ્રધ્વજ પણ છે.

મિત્રો યાદ છે, સ્વતંત્રતા દિને કે પ્રજાસત્તાક દિને બહાર સડકો પર ૧, ૫, કે ૧૦ રૂપિયા માં રાષ્ટ્રધ્વજ મળે છે? તમે લો છો કે નહિ ? દેશભક્તિની ભાવનાનો સવાલ છે ભાઈ, લેવા જ પડે ને ? ઓ.કે. પણ સાંજ પડતાં પડતાં તો દેશભક્તિની ભાવના હવામાં ઉડી જાય છે અને રસ્તા પર ઠેકઠેકાણે ધ્વજ રખડતા જોવા મળે છે... પગ નીચે પણ આવે છે, કચરામાં સડે છે, ફાટી તૂટી જાય છે... ક્યાંક વળી ગાય પણ ચાવતી હોય છે... આવી આપણી દેશ દાઝ ? અમેરિકામાં દરેક ઘરની બારી ની બહાર રાષ્ટ્રધ્વજ સંપૂર્ણ સન્માન સહિત ફરકાવાય છે...વાત અમેરિકાના ગાણા ગાવાની નથી પણ સારી વાત શીખવાની છે.

મહારાષ્ટ્ર મંત્રાલય ના એ પાંચ કર્મચારીઓએ ભલે પોતાની ફરજ બજાવી છે પણ તેઓ પાંચેય જણા શાબાશીના હકદાર તો છે જ, શું કહો છો ? મારી દ્રષ્ટીએ તો તેમણે કંઈ નહિ તો રાજ્ય તરફથી કંઈ ઇનામ અપાવું જ જોઈએ.... બરાબર ને ?

મારી વાતો સાથે સહમત થતાં હોવ તો હવેથી રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા ઘટતું સઘળું કરજો...

- મૈત્રેયી મહેતા mainakimehta@yahoo.co.in

રવિવાર, 5 ઑગસ્ટ, 2012

ટ્વિટર

ચાલો આજે બ્લોગને ઝરૂખેથી ટ્વિટરની દુનિયામાં ડોકિયું કરીએ !

જે વાચકમિત્રો 'ઇન્ટરનેટ સેવી' એટલે કે ઇન્ટરનેટની દુનિયાથી વિશેષ પરિચિત નથી એમના માટે સર્વ પ્રથમ ટૂંકા પરિચયથી શરૂઆત કરીએ. ટ્વીટર એક એવી વેબસાઈટ છે અથવા તો કહો કે સોશિયલ નેટવર્કીંગનું એક શક્તિશાળી માધ્યમ છે જેના દ્વારા તમે દુનિયાને તમારા વિશે સતત કંઈક ને કંઈક કહેતા રહી શકો,પણ માત્ર ૧૪૦ અક્ષરોની મર્યાદામાં રહીને! છે ને રસપ્રદ?! આજે ટ્વીટર માત્ર તમારા પોતાના વિચારો વ્યક્ત કરવાનું એક માધ્યમ ન બની રહેતા માર્કેટીંગનું કે પ્રચારનું પણ એક સશક્ત સાધન બની ગયું છેં

નવા ઉત્પાદનો કે નવી સેવા કે નવી ફિલ્મ વિશેની માહિતી કે નવા વિચારો દુનિયાભરમાં વિના મૂલ્યે વહેતા કરવાનું હાથવગું સાધન. લગભગ દરેક સેલીબ્રીટી પોતાના લાખો ફોલોવર્સ સાથે આખો દિવસ કંઈક ને કંઈક લખ્યા કરી, ટ્વીટ અપડેટ્સ દ્વારા સતત સંપર્કમાં રહેવાનું શીખી ગયા છે યાતો કહો કે તેમને એમ કરવાની આદત પડી ગઈ છે. ફોલોવર્સ એટલે શું એ જાણવા ટ્વીટર કઈ રીતે કામ કરે છે તે થોડું વધુ વિગતમાં સમજીએ.

બીજી કોઈ પણ વેબસાઈટની જેમજ ટ્વીટર પર રજિસ્ટર કર્યા બાદ તમારા એ ઓનલાઈન અકાઉન્ટમાં લોગ-ઇન કરી તમે વધુમાં વધુ ૧૪૦ અક્ષરોમાં કંઈ પણ લખી શકો અને એ લખ્યા બાદ ‘ટ્વીટ’ બટન પર ક્લીક કરો એટલે તમારો સંદેશો પહોંચી જાય ઇન્ટરનેટના મહાસાગરમાં! ફેસબુક પર તમે જેમ ‘મિત્રો’ બનાવો છો તેમ અહિં ‘ફોલોવર્સ’ હોય છે.તમારું આઈડી (રજિસ્ટર કરતી વેળા તમે જે નામ પસંદ કરો છો તે દા.ત. @VikasNayak) ક્લીક કરી તમારા મિત્રો, સ્વજનો કે કોઈ પણ તમને ‘ફોલો’ કરવા કે અનુસરવાની સ્વતંત્રતા ધરાવે છે. એ તમને ‘ફોલો’ કરવાનું શરૂ કરે એટલે તમે જે કંઈ લખો એ તેના હોમપેજ પર દેખાય કે પબ્લીશ થાય.આમ તમે શાહરૂખ ખાનને કે સલમાન રશ્દીને કે ટોમ ક્રૂઝને કે લેડી ગાગાને ફોલો કરતા હોવ તો એ લોકો જે કંઈ પણ ટ્વીટ કરે એ વાંચી તમે સતત જાણતા રહી શકો કે એ જે તે વ્યક્તિએ શું ખાધુ, શું પીધુ, તે શું કરી રહી છે, ક્યાં છે, કેવા મૂડમાં છે અને એવું બધું તમે તેના ટ્વીટ્સ દ્વારા જાણી શકો! આ બધું તમે તમારા પોતાના વિષે પણ ટ્વીટ કરી તમારા ફોલોવર્સને જણાવી શકો! કોઈના ટ્વીટને તમે જવાબ પણ આપી શકો અથવા કોઈનો ટ્વીટ તમને ગમી જાય તો તમે તેને રીટ્વીટ પણ કરી શકો છો.

૧૪૦ અક્ષરોની મર્યાદાને કારણે ક્યારેક એમ લાગે કે ટ્વીટર દ્વારા લાગણી વ્યક્ત કરવી ખૂબ અઘરૂં કામ છે પણ એટલે જ અંગ્રેજી સ્પેલિંગ્ઝનો અને ગ્રામરનો કચ્ચરઘાણ વાળી ટ્વીટરપ્રેમીઓએ જાણે એક નવી ભાષા શોધી કાઢી છે જે કોઈ નવાસવાને તો સમજાય જ નહિ! વધુમાં વધુ વાત માત્ર ૧૪૦ અક્ષરોમાં કહેવી હોય તો એટલી તો છૂટ લેવી જ પડે! દા.ત. ૮૮ અક્ષરો ના મેસેજ ‘I am a great fan of Sanjay Leela Bhansali and I am looking forward to see his new movie’ ની વાત ટ્વીટર ની નવી ભાષામાં ‘I m grt fan of Snjy Leela Bhnsli & lukin fwd to his new movie’ એમ ૬૬ અક્ષરોમાં પતી ગઈ! કદાચ ભાષા કે વ્યાકરણ પ્રેમીઓને આ ન રૂચે પણ આજકાલની પેઢીતો હવે સામાન્ય લેખિત વ્યવહારમાં પણ આ મિતાક્ષરી ભાષાનો ઉપયોગ કરવા માંડી છે!

સેલીબ્રીટીઓ, ચાહકો કે પોતાના ઓડિયન્સના સતત ટચમાં રહી પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા ટ્વીટરનો ઉપયોગ કરે છે તો ક્યારેક જાણી જોઈ ચર્ચાસ્પદ ટ્વીટ કરી કે અન્ય સેલીબ્રીટીને ટાર્ગેટ બનાવી ઓનલાઈન ટ્વીટર યુદ્ધ ચલાવી મિડીયામાં મોખરે રહે છે! ચેતન ભગત જેવા સેલેબ્રીટી યુવા લેખકના ટ્વીટર પર ૬ લાખ ફોલોવર્સ છે. તે પોતાના નવા પુસ્તકની તારીખ કે પોતાના પુસ્તક પરથી ફિલ્મ બનવાની કે તે ફિલ્મમાં કોણ કલાકાર કામ કરવાના છે તેવી અગત્યની જાહેરત ટ્વીટર પર કરે છે. અમિતાભ બચ્ચન કે માધુરી દિક્ષિતથી માંડી સચિન તેંડુલકર કે પછી આપણા વડાપ્રધાન મનમોહન સિંહ કે શશિ થરૂર જેવા રાજકારણી નેતાઓ પણ પોતપોતાના ખાસ ચાહક-ફોલોવર્સનો આગવો વર્ગ ધરાવે છે. ટ્વીટર પર તમે તસવીરો પણ મૂકી શકો છો. ચર્ચાસ્પદ તસવીરો અપલોડ કરી લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયાસ કરનાર પૂનમ પાંડે જેવા લોકો પણ ટ્વીટરનો ભરપૂર ઉપયોગ કરે છે.

ટ્વીટરના સદુપયોગ થયાના પણ અનેક ઉદાહરણ ટાંકી શકાય એમ છે.મુંબઈમાં છેલ્લા આતંકવાદી બોમ્બ ધડાકા થયાં ત્યારે દાદરમાં બોમ્બ વિસ્ફોટ થયેલો ત્યારે બસ સ્ટોપ પાસે ફસાયેલ એક નાગરિકે ટ્વીટ કરી મદદ મેળવી હતી અને તે હેમખેમ ઘરે પહોંચ્યાના અહેવાલ અખબારમાં મેં વાંચ્યાનું મને યાદ છે.કોઈ જગાએ આગ લાગે કે દુર્ઘટના સર્જાય ત્યારે પણ ટ્વીટર દ્વારા એની જાણ લોકોને સૌ પ્રથમ થઈ જાય છે અને આ ટ્વીટ જો સમય સર વાંચવામાં આવે અને ત્વરીત પગલાં લેવાય તો મોટું નુકસાન કે મોટી જાનહાનિ નિવારી શકાય છે. ટ્વીત કરીને માનસિક રીતે બિમાર વ્યક્તિ પોતાનું દુ:ખ દુનિયા સાથે શેર કરી હળવું કરી લે છે અને તેને રાહત મળે છે. કોઈ પ્રેરણાત્મક સેલેબ્રીટીના ફોલોવર બની તમે દૈનિક જીવનમાં પ્રેરણા મેળવી સારી રીતે જીવી શકો છો.

ટ્વીટરના પ્રચાર અને પ્રસાર વિશે તો ઓલરેડી આપણે વાત કરી. હવે ટ્વીટર અસરકારક રીતે યુઝ કરવાની બીજી પણ એક અગત્યની ટીપ અંતમાં જણાવી દ ઉં.કમ્પ્યુટર કીબોર્ડની 'હેશ' (#) કી પાછળ તમે તમારા ટ્વીટના સાર સમો શબ્દ કે શબ્દસમૂહ (જેને 'ટ્વીટર'ની ભાષામાં 'હેન્ડલ' કહે છે)મૂકી તમારા ટ્વીટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકો છો.જેમકે આમિર ખાનના સત્યમેવ જયતે કાર્યક્રમ વિષે ટ્વીટ કરતી વેળાએ શરૂઆતમાં ,અંતમાં કે ટ્વીટ સંદેશમાં વચ્ચે કોઈ પણ જગાએ #SMJ લખો એટલે તમારો ટ્વીટ સંદેશ વર્ગીકૃત થઈ જાય અને પછી કોઈ પણ ટ્વીટર કે ગૂગલ પર શબ્દો દ્વારા સર્ચ કરે એટલે તમારો સંદેશ પણ એ સર્ચ રીઝલ્ટમાં ટોપ પર દેખાય!

ટ્વીટર પર ઘણાં લોકો પોતાના અંગત જીવનની વાતો શેર કરતાં હોય છે તો ઘણાં લોકો માત્ર જોકસ,સુવાક્યો કે મહાન વ્યક્તિઓ દ્વારા કહેવાયેલી વાતો ટ્વીટ કરતાં હોય છે.તમારી મનપસંદ સેલીબ્રીટીઝ કે મિત્રો વગેરેને ફોલો કરી તમે તેમનાં સતત સંપર્કમાં રહી શકો છો તો તમારા પોતાના વિચારો પણ જગત સાથે અતિ ટૂંકાણમાં સરળતાથી શેર કરી શકો છો.આ બ્લોગ વાંચીને તમે ટ્વીટર પર આઈડી બનાવો તો મને ચોક્કસ જાણ કરજો!

શનિવાર, 21 જુલાઈ, 2012

ગ્રાહકસેવા

આજે અગ્રણી કંપનીઓ ગ્રાહકસેવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં શું ખરેખર ગ્રાહકોની સેવા કરી તેમને સંતોષવામાં સફળ થાય છે ખરી? એ વિષે વાત કરવી છે.


તાજેતરમાં જ થયેલાં ત્રણ-ચાર અનુભવોએ મને આ બ્લોગ લખવા પ્રેર્યો.

ભારતની એક અગ્રગણ્ય કંપની પાસેથી વોટર પ્યુરીફાયર ખરીદ્યુ. પહેલી વાર ખરીદ્યુ, ત્યારે તો કંપનીનો માણસ ઘેર આવી બધુ બરાબર સમજાવી ગયો. એ પછી પણ બે-ત્રણ વાર, તેમની દર બે-ત્રણ મહિને બદલવી પડતી કાર્બન ફિલ્ટર કીટ વેચવા, તેમના માણસ ફોન કર્યાના બે-ત્રણ દિવસમાં જ હોમ ડીલીવરી કરી ગયા, પણ બે-એક મહિના બાદ જ્યારે તેની કાર્બન ફિલ્મ બદલવાનો પ્રસંગ આવ્યો ત્યારે એકાદ મહિના સુધી સતત દર બીજા ત્રીજા દિવસે તેમની ગ્રાહકો માટેની હેલ્પલાઈન પર ફોન કર્યા છતા, દર વખતે જવાબ મળે –“ આગામી ત્રણ-ચાર દિવસમાં અમે કોઈક એકશન લઈશું, અમારો માણસ તમારે ત્યાં મોકલીશું.” પણ પછી સામેથી કોઈ જવાબ કે પ્રતિક્રિયા નહિં. આખરે એકાદ મહિના બાદ મારી બહેન અને પત્ની એ જાતે જ સંશોધન કરી પ્રોબ્લેમ સોલ્વ કરી નાંખ્યો! પણ કંપની તરફથી કોઈ ન આવ્યું. શું આવડી મોટી કંપનીનું આવુ, માલ વેચ્યા પહેલા અને પછીનું જુદું જુદું તેમજ બેપરવાઈ ભર્યું વલણ યોગ્ય ગણાય?

એક અગ્રણી બેન્ક ની ક્રેડીટ કાર્ડ હેલ્પલાઈન પર ફોન કર્યા બાદ પૂરી પચીસ મિનિટની રાહ જોયા બાદ તેના કર્મચારી સાથે વાત થઈ શકી. આટલી બધી રાહ એક ગ્રાહકને જોવડાવવી શું વ્યાજબી ગણાય? કંપનીએ કાંતો ફોન લાઈન્સ તેમજ તેમના કર્મચારી ગણની સંખ્યા વધારવી જોઇએ અથવા વધુ સમય લાગવાનો હોય તો સામેથી ગ્રાહકને ફોન કરવાની વ્યવસ્થા જેવી સુવિધા પૂરી પાડવી જોઇએ.

એક અગ્રણી બેન્કની ફોન-હેલ્પલાઈનમાં આઈ.વી.આર. (ઇન્ટરેક્ટીવ વોઈસ રીસ્પોન્સ) મેનુમાં તેમનાં કર્મચારીઓ સુધી પહોંચવાનો એટલે કે તેમની સાથે સીધી વાતચીત કરી શકવાનો કોઈ વિકલ્પ જ તેમણે (જાણી જોઈને) રાખ્યો નથી.આ ખૂબ ત્રાસદાયક બાબત બની રહે છે.તમારી કેટલીક સમસ્યાઓ સામે વાળાને સીધી વાતચીત કરીને જ સમજાવી શકો એમ હોવ ત્યારે આ બેન્કની હેલ્પલાઈન તેમણે કદાચ કરોડો રૂપિયા ખર્ચી બનાવી હોવા છતાં નકામી બની રહે છે.

આજ કાલ ઇન્ટરનેટનો પ્રભાવ પણ ખૂબ વધ્યો છે અને મને તેની તાકાત નો પરચો તાજેતરમાં જ મળી ગયો. મને ઓનલાઈન શોપિંગ કરવું ગમે છે અને ઓનલાઈન ઓર્ડર કરેલી વસ્તુની સમયસર ડીલીવરી મળે ત્યારે સારું પણ લાગે છે.આજકાલ તો રેલેવેના પાસથી માંડી શાકભાજી-અનાજ અને કપડાંથી માંડી બાળકોનાણ રમકડાં સુધીની બધી જ ચીજ વસ્તુઓ તમે ઘેરબેઠાં ઓનલાઈન શોપિંગ કરી મેળવી શકો છો.

મારી દિકરી નમ્યાના ડાઈપર્સથી માંડી તેના રમકડાં સુધીની અનેક વસ્તુઓમેં ઓનલાઈન મંગાવી છે.એક ખાસ બાળકોની ચીજવસ્તુઓ વેચતી વેબસાઈટ પરથી મેં નમ્યા માટે ચાર ફ્રોક-રૂમાલ વગેરે કપડાંનો ઓર્ડર નોંધાવ્યો પણ ઓર્ડરનાં એકાદ મહિના વીતી જવા બાદ પણ મને આ ચીજવસ્તુઓની ડીલીવરી મળી નહિં.

જે વેબસાઈટ પરથી મેં કપડા ખરીદ્યા હતાં તેની ઇન્ટરનેટ-વેબ પર પણ હાજરી સારી રીતે મોજૂદ હતી. મેં ફેસબૂક પર આ વેબસાઈટનો પ્રોફાઈલ હતો તે પેજ પર જઈ મારી ફરિયાદ તેમની વોલ પર લખી નાંખી. ત્યાર બાદ ટ્વીટર પર જઈ ત્યાં પણ તેમના પ્રોફાઈલ પર ટ્વીટ દ્વારા મારા કપડાની ડીલીવરી એક મહિના કરતા પણ વધુ સમય વીતી જવા છતાં ન મળ્યાની ફરિયાદ કરી અને બીજા જ દિવસે બંને જગાએથી તેમનો પ્રતિભાવ મળ્યો અને ત્રણ દિવસમાં જ મને બધાં કપડાની ડીલીવરી મળી ગઈ. આ છે ઇન્ટરનેટનો પ્રભાવ અને તેની તાકાત! ગ્રાહક સેવા અને ફરિયાદ નિવારણનું એક ઉત્તમ માધ્યમ બની શકે છે ઇન્ટરનેટ.

બધીજ કંપનીઓનો ગ્રાહક સેવાનો દાવો ખોટો હોય છે એવું નથી.કેટલીક કંપનીઓના સારા અનુભવ પણ મને થયાં છે. નવું એલ.સી.ડી. ટી.વી ખરીદવા એક ઇલેક્ટ્રીક ઉપકરણો વેચતી અગ્રગણ્ય ચેન સ્ટોર્સ ધરાવતી દુકાનમાં ગયો. ત્યાં એક્ષચેન્જ ઓફરમાં એક ટી.વી. ખરીદ્યું. હવે તે સમયે મને મારા ઘરે જૂનું ટી.વી. હતું, એ ફ્લેટ સ્ક્રીન ધરાવતું હતું કે નહિં એ વિશે ખબર ન હતી. તેમણે મને ખાતરી આપી કે જો મારું જૂનું ટી.વી. ફ્લેટ સ્ક્રીન હશે તો તેઓ પાંચસો રૂપિયા ચેક દ્વારા અઠવાડિયામાં પાછાં મોકલી આપશે અને તેમણે ખરેખર એ વચન પાળ્યું.

તમે બહારગામ ફરવા જાવ ત્યારે,કેટલીક હોટલ્સ તમને એરપોર્ટ કે સ્ટેશન પરથી તેમને ત્યાં લઈ આવવા ગાડી મોકલી આપે છે કે તમે તેમને ત્યાં પહોંચો કે તરત કોમ્પ્લીમેન્ટરી વેલકમ ડ્રીંક આપે છે. આ સારી ગ્રાહકસેવાનું ઉદાહરણ છે.

આજે સ્પર્ધાત્મક્તાના જમાનામાં કંપનીઓએ ધંધો ટકાવી રાખવા અને બજારમાં ટકી રહેવા માટે થઈને પણ ઘણી વાર ઉત્તમ ગ્રાહકસેવા આપવી જ પડે છે.જેમકે કેટલીક બેન્કોએ ચેક તમારા ઘરેથી લઈ જવા કે બીજી કેટલીક સેવા ઘેરબેઠાં પૂરી પાડવાની શરૂઆત કરી છે.ગમે ત્યારે પૈસા ઉપાડી શકો એ માટે એ.ટી.એમ જેવી સુવિધા પણ શ્રેષ્ઠ ગ્રાહકસેવાનું જ ઉદાહરણ નથી? હવે તમારે એક બેન્કના ખાતામાંથી બીજી બેન્કના ખાતામાં પૈસા મેળવવા 'રીસીવ ફન્ડ્સ' જેવી સુવિધા પણ સારી ગ્રાહક સેવાનો જ દાખલો છે.

સારી ગ્રાહકસેવા પૂરી પાડી તમે ફક્ત ગ્રાહક ને જ ખુશ નથી કરતાં પણ તમારા ધંધાનો નફો અને વ્યાપ વધારી તમારા પોતાને માટે ફાયદો સુનિશ્ચિત કરતાં હોવ છો.ખુશ થયેલો ગ્રાહક પોતે તો વારંવાર તમારી પાસે આવશે જ અને પોતાની સાથે અન્ય ગ્રાહકોને પણ ખેંચી લાવશે. આજના યુગમાં ધંધાને ટકાવી રાખવા સારામાં સારી ગ્રાહકસેવા પૂરી પાડવી અનિવાર્ય બની રહે છે.