Translate

Sunday, September 23, 2012

ઈકો-ફ્રેન્ડલી ગણેશ વિસર્જન

આ વર્ષે દોઢ દિવસ માટે ગણપતિ બાપ્પાની પધરામણી મારે ઘેર કરી.અગાઉ પણ બ્લોગ્સમાં લખ્યા મુજબ હું ઈકો-ફ્રેન્ડલી જીવનપદ્ધતિનો હિમાયતી છું આથી મારી આ વખતની પસંદ કરેલી મૂર્તિ પણ ઈકો-ફ્રેન્ડલી જ હતી. પણ આ વર્ષે મેં સુશોભન અને વિસર્જન પણ ઇકો-ફ્રેન્ડલી કર્યા જે વિષે માહિતી તમારા સૌ સાથે આજના બ્લોગ દ્વારા શેર કરવી છે. જેથી તમારામાંના જે વાચકો સાત કે વધુ દિવસે પોતાના ઘરના કે સાર્વજનિક મંડળના ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવાના હોય તેઓ પણ પર્યાવરણ પ્રત્યે સજાગ થઈ ઇકો-ફ્રેન્ડલી પધ્ધતિથી ગણેશ મૂર્તિનું વિસર્જન કરી શકે.


બે-ત્રણ વર્ષ અગાઉ ઓફિસનો એક કલીગ અમેરિકા ગયેલો અને તેણે ત્યાં ગણેશોત્સવ ઉજવેલો.ત્યાં તો જાહેર જળાશયમાં વિસર્જન કરવા દે નહિં એટલે મારા એ મિત્રે પોતાના અપાર્ટમેન્ટની બહાર જ નાનકડો ખાડો ખોદી તેમાં પાણી ભરી નાનકડો કૃત્રિમ ટાંકો બનાવી તેમાં ગણેશની મૂર્તિનું વિસર્જન કર્યું તેના ફોટા મેં જોયેલા અને હું આ ઈકોફ્રેન્ડલી પધ્ધતિથી ખૂબ પ્રભાવિત થયેલો.

ગણપતિની હજારો મૂર્તિઓનું દરિયામાં કે સ્થાનિક તળાવોમાં વિસર્જન થાય ત્યારે તેનાથી પર્યાવરણ અને ખાસ કરીને દરિયાઈ જીવોને થતા નુકસાન વિષે વાંચ્યા બાદ મેં નિર્ણય લઈ લીધો કે આ વખતે અમારી ગણપતિની પ્રતિમા ઇકો-ફ્રેન્ડલી હોવા છતાં તેનું વિસર્જન ઇકો-ફ્રેન્ડલી રીતે જ કૃત્રિમ તળાવમાં કરવું.

ઇન્ટરનેટ પર તપાસ કરતાં માલૂમ પડ્યું કે હું રહું છું એ મલાડ વિસ્તારમાં નગર સેવક ડો. રામ બારોટ સાહેબે ગૌશાળા લેનમાં આવેલા રામલીલા મેદાનમાં ગણપતિ વિસર્જન માટે એક ખાસ કૃત્રિમ તળાવ બનાવડાવ્યું છે. મુંબઈના મોટા ભાગના ઉપનગરોમાં સુધરાઈ દ્વારા લોકોની સુવિધા અને પર્યાવરણની જાળવણી હેતુથી આવા કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. જેનું લિસ્ટ બ્લોગને અંતે છાપ્યું છે. ઇન્ટરનેટ પરથી રામલીલા મેદાનનો સંપર્ક નંબર શોધવાના પ્રયત્નો સફળ ન થયા એટલે ગણેશ ચતુર્થીના બીજા દિવસે, વિસર્જનના દિવસે સવારે હું જાતે રામલીલા મેદાન જઈ આવ્યો.ત્યાં તળાવ અને અન્ય વ્યવસ્થા જોઈ લીધી અને નક્કી કરી લીધું કે હવે તો વિસર્જન આ આર્ટીફિશિયલ લેકમાં જ કરીશ!

માર્ગમાં જ મારા એક મિત્રને ઘેર ફોન જોડ્યો અને તેને પણ મારી સાથે તેના દોઢ દિવસના ગણપતિનું વિસર્જન આ કૃત્રિમ તળાવમાં કરવા અંગે પૂછ્યું. તે કહે ના મને તો મારા ગણેશની મૂર્તિ કુદરતી જળસ્રોતમાં જ કરવી ગમશે. હવે આમ તેણે ગણપતિ બાપાને ખોટું લાગશે એવા કોઈ ડરથી પ્રેરાઈને કહ્યું કે આપણી ઝાઝું વિચાર્યા વગર જ અનુસરવામાં આવતી રૂઢીગત માન્યતા અને રસમોને લીધે, એ તો ગણપતિ જ જાણે! પણ પછી તો મેં બીજા ત્રણ પાડોશી, મિત્રોને પણ પૂછ્યું અને બધાં નો જવાબ નકારમાં જ આવ્યો. મને થોડી નિરાશા થઈ પણ હું મારા ગણેશની પ્રતિમાનું વિસર્જન તો મલાડમાં બનાવાયેલા કૃત્રિમ તળાવમાં જ કરીશ એ નિર્ણય અડગ હતો અને એમાં મારા પરિવારજનો એ પણ સહર્ષ સંમતિ આપી દીધી.

જ્યારે એક પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી ગણપતિની મૂર્તિને કુદરતી જળાશયમાં પધરાવવામાં આવે છે ત્યારે માછલીઓ,દરિયાઈ વનસ્પતિ,અન્ય જળજીવો વગેરેને પારાવાર નુકસાન થાય છે.મૂર્તિ સાથે અંધશ્રધ્ધાળુ ભક્તો પ્લાસ્ટીક,થર્મોકોલ વેગેરેમાંથી બનાવેલી સુશોભનની સામગ્રી પણ જળાશયમાં પધરાવતા હોય છે જે પર્યાવરણ માટે હાનિકારક છે.કૃત્રિમ તળાવમાં મૂર્તિનું વિસર્જન કરવાનો મોટો ફાયદો તો એ છે કે તેમાં સજીવ જળચર ન હોવાને લીધે તેમને થતું નુકસાન અટકે છે.આ કૃત્રિમ તળાવ રહેઠાણની નજીક બનાવ્યા હોવાથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યા નિર્માણ થતી અટકે છે.ધ્વનિ પ્રદૂષણ અને વાહનોથી ફેલાતા હવાના પ્રદૂષણની માત્રા પણ ઓછી થાય છે.

મેં જ્યારે સાંજે મારા ગણપતિની મૂર્તિનું વિસર્જન મલાડના કૃત્રિમ તળાવમાં કર્યું ત્યારે અન્ય સૌથી મોટો લાભ એ થયો કે હું અને મારા પરિવારજનો આટલા વર્ષોમાં પહેલી વાર અમારી આંખે પ્રત્યક્ષ અમારા ગણપતિની મૂર્તિનું વિસર્જન શાંતિથી જોઈ શક્યા.દરિયા કિનારે કે અન્ય સાર્વજનિક કુદરતી તળાવો પાસે એટલે ભીડ હોય કે તમારી મૂર્તિ તો વિસર્જીત થતી તમને જોવા મળે જ નહિં.અહિં ભીડ પણ સાવ ઓછી હતે એટલે જવા આવવામાં પણ ખૂબ ઓછો સમય લાગ્યો અને શાંતિપૂર્ણ રીતે અમે અમારા ઈકોફ્રેન્ડલી ગણપતિનું ઈકોફ્રેન્ડલી રીતે વિસર્જન કર્યું!મલાડનું આ કૃત્રિમ તળાવ વિદ્યાધર કુલકર્ણી નામના ઇજનેરે ખાસ રીતે બનાવેલું છે જેમાં પાંચ ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવા દેવાય છે. વિસર્જનના દસ દિવસ બાદ મોટા ભાગની મૂર્તિઓ પાણીમાં ઓગળી ગઈ હોય છે.જે મૂર્તિના અવશેષો ઓગળ્યા વગર બાકી રહી ગયા હોય તે ભેગા કરી તેનું દરિયામાં જઈ વિસર્જન કરાય છે.અહિં પાછી પર્યાવરણના નુકસાનની વાત ઉભી થાય પરંતુ મોટા ભાગની મૂર્તિઓ કૃત્રિમ તળાવમાં જ ઓગળી ગઈ હિય છે અને માત્ર ન ઓગળેલા ભાગોનું જ આ રીતે વિસરજન કરાતા લોકોની ધાર્મિક લાગણી દુભાતી નથી અને પર્યાવરણને પહોંચતું નુકસાન ઓછું થઈ જાય છે. કૃત્રિમ તળાવમાં બચેલું પાણી સુકાઈ જવા દેવાય છે અને તળાવ ફરી પાછું માટીથી ભરી દેવાય છે.

અન્ય જાહેર તળાવ કે દરિયામાં વિસર્જન વખતે તમારે ફી ભરવી પડતી હોય છે.કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે આવી કોઈ ફી ભરવી પડતી નથી અને અહિં માત્ર તમારે સામાન્ય રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.ભીડ ઓછી હોય છે અને વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે જળવાય છે.તળાવની ફરતે રેલિંગ બનાવેલી હોય છે જેથી ત્યાં ઉભા રહી તમે પ્રત્યક્ષ તમારી મૂર્તિનું વિસર્જન સાવ નજીકથી અને શાંતિથી જોઈ શકો છો.

મિત્રો તમને સૌને આવા કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવાની મારી ભલામણ છે અને આ વર્ષે નહિં તો આવતા વર્ષે ચોક્કસ વિસર્જન આમ ઈકો ફ્રેન્ડલી રીતે જ કરી પર્યાવરણની જાળવણીમાં પોતાનો નાનકડો ફાળો નોંધાવજો.મુંબઈના ઉપનગરોમાં કૃત્રિમ તળાવો જે સ્થળે છે તેમાંના કેટલાકની યાદી:

* મેયર' બંગલો, શિવાજી પાર્ક

* ભાયખલા ઝૂ પ્લેગ્રાઉન્ડ

* મહાત્મા ગાંધી સ્કૂલ, વાંદ્રા

* ડો. હેડ્જેવર મેદાન, હનુમાન રોડ, વિલે પાર્લે

* ગૂઝદર પર્ક, ગોરેગાવ

* પાંડુરંગવાડી, ગોરેગાવ

* રામલીલા મેદાન, મલાડ

* સાઈનગર મ્યુનિસિપલ ચોકી, કાંદિવલી

* મુર્બાડી, દહિસર

* દહિસર સ્પોર્ટ ફાઉન્ડેશન, દહિસર

* ચિકુવાડી, બોરિવલી

* નંતરાવ ભોસલે ગ્રાઉન્ડ, બોરિવલી

* કુલુપવાડી, બોરિવલી

* સ્વપ્નનગરી તળાવ, મુલુન્ડ

* પેસ્ટોમ સાગર, ચેમ્બુર
અન્ય માહિતી માટે ઇન્ટરનેટ પર આ લિન્કની મુલાકાત લો :

http://envis.maharashtra.gov.in/envis_data/?q=gg_artificial_tanks

No comments:

Post a Comment