સવાસો
વર્ષ પહેલા લોકમાન્ય ટીળકે સાર્વજનિક ગણેશોત્સવની સ્થાપના કરી જેથી લોકો ભેગા મળે અને સાથે હળીમળી ગણપતિની પૂજા કરે. એ પછી તો
જો કે આ તહેવારની
ઉજવણીનું સ્વરૂપ બદલાયું અને લોકો ઘેર ઘેર ગણપતિની મૂર્તિ લાવી તેનું પૂજન કરતાં થયાં. દૂંદાળા ગણપતિ દેવ જ એવા છે જે સૌને
પ્યારા લાગે એટલે જ તેમની પધરામણી
લોકોને ઘરમાં કરવી ખુબ ગમે. હું અને મારો પરીવાર પણ છેલ્લા આઠેક
વર્ષથી શક્ય દરેક વર્ષે ગણપતિબાપ્પાની પધરામણી અમારા ઘરે કરતા આવ્યા છીએ.
હું
દરેક વર્ષે એ સુનિશ્ચિત કરું
કે અમારા દ્વારા થતી ગણેશોત્સવની ઉજવણી બને એટલી ઇકો-ફ્રેન્ડલી હોય.મૂર્તિ દરેક વખતે માટીની બનેલી હોય,પ્લાસ્ટર ઓફ પેરીસની નહિ.સુશોભન માટે પણ દર વર્ષે
ખાસ એવી જ ચીજ-વસ્તુઓ
વાપરું જે પર્યાવરણ માટે
હાનિકારક ન હોય અથવા
રીયુઝેબલ હોય.દોઢ દિવસ સુધી આસ્થાપૂર્વક તેમની પૂજા-અર્ચના કર્યા બાદ વિસર્જન પણ છેલ્લા ચારેક
વર્ષથી કૃત્રિમ તળાવમાં કરીએ. આ વર્ષે આ
દિશામાં વધુ એક ક્રાંતિકારી પગલું
લીધું ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન ઘેર જ ટબમાં કરીને.
આટલાં
વર્ષોથી ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ વિષે ચર્ચા થતી હોવા છતાં મારી દ્રષ્ટીએ આ દિશામાં નક્કર
પગલાં લેવાયા નથી.હજી પણ મોટાભાગની મૂર્તિઓ
પર્યાવરણ માટે હાનિકારક એવા પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી જ
બનાવવામાં આવે છે.કારણ આવી
મૂર્તિ બનાવવાનું પ્રમાણમાં સહેલું છે.આ રીતે
ઉંચાઈ અને કદમાં વધુ મોટી મૂર્તિઓ વધુ આસાનીથી બનાવી શકાય છે.આવી રીતે
બનાવેલી મૂર્તિ રાસાયણિક રંગો દ્વારા વધુ આકર્ષક બનાવી શકાય છે તેથી મૂર્તિકારો
પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી જ
મૂર્તિ બનાવવાનું વધુ પસંદ કરે છે.આવી મૂર્તિ
સસ્તી પણ હોય છે
તેથી લોકો પણ એ જ
ખરીદવા પ્રેરાય છે. સરકારે
માટીમાંથી બનતી ઇકોફ્રેન્ડલી મૂર્તિ જ ફરજીયાત બનાવવી
જોઇએ.આવી મૂર્તિ જ વેચાય એ
બાબતને પ્રોત્સાહન આપવું જોઇએ.હું જ્યારે આ વર્ષ માટે
મૂર્તિ પસંદ કરવા ગયો ત્યારે દરેક દુકાનમાં માટીની બનેલી મૂર્તિ ખુબ ઓછી વેચાતી જોવા મળી અને ખુબ મોંઘી પણ.
આખરે
ઘર નજીક જ એક જગાએ
દગડુ શેઠ સ્વરૂપની એક ફૂટની માટીની
બનેલી ઇકોફ્રેન્ડલી મૂર્તિ પર મેં અને
અમીએ પસંદગી ઉતારી અને તેનું બુકીંગ અમાઉન્ટ ચુક્ત કરી ગણેશોત્સવને દિવસે સવારે મૂર્તિ લઈ જઈશું એમ
નક્કી કર્યું. અમે પસંદ કરી ત્યારે મૂર્તિને રંગવાની પણ બાકી હતી.આ વર્ષે નવો
ટ્રેન્ડ જોવા મળ્યો.મોટા ભાગના સાર્વજનિક મંડળો મૂર્તિ એકાદ અઠવાડિયા અગાઉ જ અથવા ગણેશોત્સવ
ના એક-બે-કે
ત્રણેક દિવસ બાકી હોય ત્યારે જ મૂર્તિ મંડપમાં
પધરાવવા રસ્તે મોટે મોટે થી બે ન્ડ-બાજાનું ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા શોર-બકોર સાથે રસ્તાઓ પર ટ્રાફીક-જામ
કરી લઈ ગયાં. પછી
તો અખબારોમાં એક અહેવાલમાં પણ
વાંચ્યું કે ગત વર્ષ
કરતાં આ વખતે પ્રથમ
દોઢ દિવસ દરમ્યાન છોત્તેર ટકા વધુ ઘોંઘાટ નોંધાયો. તહેવારો ઉજવવાની આવી અન્યોને હેરાનગતિ કરતી કે પર્યાવરણને નુકસાન
પહોંચાડતી રીતનું વધતું જતું પ્રમાણ જોઈ ખેદ સાથે રોષની લાગણી અનુભવી. ગણેશોત્સવને દિવસે સવારે દિકરી નમ્યા સાથે મૂર્તિ લેવા ગયો ત્યારે ખબર પડી કે અમારી નક્કી
કરેલી મૂર્તિ ટેગ ન લગાડેલું હોવાથી
મૂર્તિવાળાની ભૂલને લીધે કોઈ બીજું લઈ ગયું હતું. મનમાં
થોડું દુખ થયું અને મૂર્તિવાળા પર ગુસ્સોયે ઘણો
આવ્યો પણ આવા શુભ
દિને ઝઘડો કરવાનું ઠીક ન લાગ્યું.મૂર્તિવાળાએ
પણ અન્ય બે-ચાર જગાએ
તપાસ કરી કે દગડુ શેઠ
સ્વરૂપની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ બીજે ક્યાંક પ્રાપ્ય હોય તો મને એ
આપી શકે પણ ક્યાંય આવી
અન્ય મૂર્તિ પ્રાપ્ય નહોતી. છેવટે મને અન્ય એક માટીની બનાવેલી
એક ફૂટની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ તેણે આપી અને મેં હર્ષોલ્લાસથી તેની પધરામણી અમારે ઘેર કરી.
બાપ્પાને
જે મહેલમાં બેસાડ્યા એ જાડા કાગળમાંથી
બનાવેલો હતો.દર વર્ષે બજારમાં
થર્મોકોલના આવા મહેલ કે મંદીરો તૈયાર
વેચાતા મળે છે.તેની જગાએ
આ વખતે કાગળના આવા મહેલ કે મંદીરો એક
નવીનતા તરીકે જોવા મળ્યા જે મને ખુબ
ગમ્યું અને આથી મેં પણ આવો એક
કાગળના પૂંઠાનો મહેલ ખરીદી તેમાં ગણપતિબાપ્પાની પધરામણી કરી. અન્ય સુશોભન માટે પણ સંગ્રહ કરેલી
માતાજીની ચૂંદડીઓનો અને રીયુઝેબલ એવી લાઈટ્સનો ઉપયોગ કર્યો. અનેક મિત્રો-પાડોશીઓ-સગાસ્નેહીઓ વગેરે દર્શન માટે આવ્યાં અને આખો દિવસ ક્યાં પૂરો થઈ ગયો તેની
ખબર જ ન પડી.
આ
વખતે વરસાદ ખૂબ હતો અને બહાર ઘોંઘાટનું પ્રદૂષણ પણ. તેથી મને વિચાર સ્ફૂર્યો કે ગણેશમૂર્તિનું વિસર્જન
પણ ઘરે જ કરવું. અગાઉ
આવા થોડા-ઘણાં વિડીઓ જોયા હતાં અને એકાદ-બે અહેવાલ વાંચ્યા
હતાં તેથી ગૂગલ પર એ અંગે
થોડું-ઘણું સર્ફીંગ કર્યા બાદ મેં આ વિચાર દ્રઢ
કર્યો. ઘર વાળાએ થોડો
ઘણો વિરોધ કર્યો. ધાર્મિક પરંપરા પ્રમાણે ઘેર વિસર્જન ન થાય દરીયે
કે તળાવે જ જવું પડે
એવા વિચારો અને થોડા ઘણાં પ્રભુ પ્રત્યેના ડરને કારણે તેમણે મને ઘેર વિસર્જન કરવા ચોખ્ખો નનૈયો જ ભણી દીધો.પણ હું મક્કમ
રહ્યો. ઘેર પુજા કરાવવા આવેલ મહારાજને પણ મેં મારા
પક્ષમાં ભેળવી દીધા (હું આખરે સાચો હતો!) અને છેવટે મને-કમને મને વિસર્જન મારી ઇચ્છા પ્રમાણે ટબમાં કરવાની પરવાનગી તેમણે આપી દીધી.પણ એક શરતે
કે વિસર્જનની વિધિ ઘરની અંદર નહિ,ટબ ઘરની બહાર
મૂકી ઘરની બહાર કરવાની!
આખરે
પહેલી વાર મેં અમારા ગણપતિબાપ્પાની મૂર્તિનું વિસર્જન સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી રીતે ઘરની બહાર ટબમાં સ્વચ્છ પુષ્પમિશ્રીત પાણીમાં કર્યું! મૂર્તિ પીગળતા ચારેક કલાક લાગ્યાં.બીજે દિવસે સવારે એ બધું પાણી
મારા ઘરનાં છોડ-વેલના કૂંડાઓમાં તેમજ ઘરની આસપાસનાં ઝાડ-છોડની આસપાસ છાંટી દીધું અને અનેરી ખુશી અને સંતોષની લાગણી અનુભવી.
YouTube link of this visarjan :::: EcoFriendly Visarjan of GanpatiBappa at home: https://t.co/LKKibZlGpz