Translate

શનિવાર, 5 નવેમ્બર, 2022

એક યાદગાર દિવસ

     કેટલાં વર્ષોથી એક ઈચ્છા હતી કે ખુલ્લા ખેતરો વચ્ચે દોડવું છે! પપ્પાને કારણે એ ઈચ્છા ગઈ કાલે પૂરી થઈ. એમને સેન્દ્રિય ખાતરની એક જાહેરાતનું શૂટિંગ આવ્યું અને હું પણ તેમની સાથે જોડાયો. ગુજરાતમાં ગાંધીનગરથી આગળ થોડે દૂર એક ગામ. તેમાં વિશાળ ખેતરમાં શૂટિંગ હતું. ખેતરો વચ્ચે બે મોટાં બંગલા. ચૌધરીઓનો બે ભાઈનો પરિવાર એમાં રહે. બે બંગલા વચ્ચે લીલાછમ ખેતરો. બંગલાની આજુબાજુ પણ ખુલ્લા ખેતરો. મારું કામ પણ ચાલુ હતું - દૂરથી ફોન દ્વારા જોડાઈને. એટલે દિવસનો મોટો ભાગ બંગલાના ઓરડામાં બેસીને કામ કરતાં કરતાં પસાર કર્યો. પણ વચ્ચે વચ્ચે બહાર આવી શૂટિંગ અલપ ઝલપ જોઈ લેતો. પપ્પા મોજમાં હતાં. ધોતિયું, ઝભ્ભો, બંડી, માથે સાફો, મોટી મેકઅપની મૂછો અને પૂરા ગેટ અપ માં તેઓ રંગમાં આવી ગયા હતા અને જાણે તેમનું સંપૂર્ણ રૂપાંતરણ બીજી કોઈ વ્યક્તિ માં થઈ ગયું હતું - ગોપાલ કાકાના એક સમૃદ્ધ વયસ્ક ખેડૂતના પાત્રમાં. તેઓ ખરા અર્થમાં રંગમાં આવી ગયા હતા. બહાર ભારે તડકો અને ગરમી પણ તેમને આકરા તો લાગતા જ હશે, પણ તેમને સહ્ય લાગી રહ્યા હતાં. ઘણાં દિવસો બાદ તેઓ પોતાનું મનપસંદ એવું કામ કરી રહ્યા હતા. મને પણ એ જોઈ સંતોષ અને આનંદ થઈ રહ્યો હતો. કેટકેટલા લોકોને મળવાનું થયું, કેટલે વખતે! પપ્પાને મેકઅપ કરનાર અનુભવી મેકઅપ આર્ટિસ્ટ પહેલી વાર એક મહિલા હતા. પપ્પા ના જણાવ્યા મુજબ અત્યાર સુધી તેમણે માત્ર પુરુષોને જ મોટે ભાગે આ વ્યવસાયમાં જોયા છે, પણ ધનલક્ષ્મી નામના મળતાવડા મહિલા મેકઅપ-વુમનને મળી તેમની સાથે વાતો કરી આનંદ આવ્યો. અમે બધાંએ લંચ સાથે બેસી ને લીધું અને ત્યાં અલકમલકની વાતો કરી. બીજા એક મળવા જેવા વ્યક્તિને મળવાનું થયું - રાકેશ પૂજારાને. તેમના વિશે તો આખો એક સ્વતંત્ર બ્લોગ લેખ લખી શકાય એટલું બધું જાણવા લાયક અને પ્રેરણાત્મક વ્યક્તિત્વ છે તેમનું. ઘણી બધી વાતો થઈ આ કલાકાર સાથે, જેમણે ગુજરાતી હોવા છતાં, ગુજરાતી ભાષા કરતા વધુ ફિલ્મો, વિલન તરીકે ભોજપુરી ભાષામાં કરી છે! હાલ તેઓ ફિલ્મોના સેન્સર બોર્ડમાં પણ નિયુક્ત થયા છે જે આપણાં ગુજરાતીઓ માટે અને ગુજરાત રાજ્ય માટે ગર્વ લેવા જેવી વાત છે. લંચ પછી થોડી વાર બહાર ખેતરમાં લટાર મારવા નીકળ્યો, જ્યાં એક નોળિયો દૂર થી જોવા મળ્યો. હું બહાર જાઉં, ત્યારે મારી નજર સતત આવા નિતનવા અને ઓછા દેખાતા જીવોને શોધતી હોય! મોરના ટહુકાના અવાજ તો સતત સંભળાતા હતાં, પણ એ ક્યાંય નજીકમાં દેખાતા નહોતા. એ ઈચ્છા સાંજે પૂરી થવાની હતી!ખેતરમાં થોડે દૂર વચ્ચે એક પમ્પ જોયો જેમાંથી પાણીનો નાનો ધોધ પડી રહ્યો હતો. એવી વ્યવસ્થા હતી કે દૂર આવેલ એક બોર માંથી આ પમ્પમાં પાણી આવે અને તે આસપાસના બધાં ખેતરમાં પહોંચી રહે. બહારની ગરમી જાણે પાણીની એ ધારાને જોઈ ઓછી થઈ! ખળખળ કરતું, સ્વચ્છ પારદર્શક પાણી નાની નાની નહેરોમાં વહી દૂર દૂર જઈ આખા ખેતરમાં ફરી વળતું હતું. સામે એક વિશાળ વૃક્ષ જોઈ ખૂબ સારું લાગ્યું. થડ જાડું અને નાનું પણ એ વૃક્ષની ઘટા... અહાહા!

    બપોરે ગરમી હોવાથી વધુ વાર બહાર ના રહેતા ફરી બંગલામાં ઓરડામાં આવી કામ કર્યું અને બંગલાના માલકણ જેઠાણી - દેરાણીની વયસ્ક મહિલાઓની બેલડી સાથે વાતચીત કરી.

     સાંજે થોડી ઠંડક થઈ એટલે હું ફરી બહાર આવ્યો અને ખેતરમાં શૂટિંગ માટે વચ્ચે મૂકેલા ટ્રેકટર પર બેસી મેં થોડા ફોટા પડાવ્યા અને પછી ખેતરમાં થોડે વધુ અંદર, દૂર જવા પ્રયાણ કર્યું. ત્યારે જ ચાર-પાંચ યુવાનો કેમેરા મૂકવાનું ત્રણ પગ વાળું સ્ટેન્ડ, ખાટલો અને શૂટિંગ ની અન્ય સામગ્રી લઈ ખેતર વચ્ચે થઈ એક નવા લોકેશન તરફ જઈ રહ્યા હતા અને મારી આગળ હતા. તેમણે બૂમ પાડી મને આગળ ન આવવા સૂચવ્યું, કારણ તેમને માર્ગમાં એક સાપ નજરે ચડયો હતો! હું તો સાપ નું નામ સાંભળી રોમાંચિત થઈ ગયો અને એ ભાગી જાય એ પહેલાં તેની ઝાંખી મેળવવા રીતસર ત્યાં તરફ દોડ્યો! પણ સાપ ભાઈ તો બરાબર આરામ ના મૂડમાં હતાં. તેમના શરીરનો ઘાટ્ટો કાળો ભીંગડાયુક્ત ભાગ દ્રશ્યમાન થતો હતો. શ્વાસ-ઉચ્છવાસ લેતી વખતે જેમ ઊંચું નીચું થાય તેમ તેનું શરીર પ્રસરણ - સંકોચન પામતું જોવા મળ્યું. તેનું મોઢું કે પૂંછડી દેખાતા નહોતા. માત્ર શરીરનો વચ્ચેનો ભાગ દેખાઈ રહ્યો હતો. તેની લંબાઈ પણ કળવી મુશ્કેલ જણાઈ રહી હતી, પણ તેના શરીરની જાડાઈ પરથી લાગતું હતું કે તે યુવાન સાપ હોવો જોઈએ. થોડી વાર નિરીક્ષણ કર્યા બાદ મેં શૂટિંગની ટ્રાઇપોડ સ્ટેન્ડના ત્રણમાંથી એક પગ વડે સાપને સલામત અંતરેથી ઉંચો કર્યો, તેને વાગે નહીં એનું ધ્યાન રાખી. હવે એણે ડાબી બાજુના ખેતરના કાણાં માંથી પોતાનું મોઢું બહાર કાઢ્યું અને તે જમણી તરફ સરકી ગયો, મને અને આસપાસ ઉભેલા પેલા ચાર પાંચ યુવાનોને તેની નાનકડી, સુંદર ફેણના દર્શન કરાવ્યા બાદ! એ દ્રશ્ય અદ્ભુત હતું! એ સુંદર, યુવાન નાગ હતો કે કદાચ નાગણ! આ મારા માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો! તરત મેં તેનો મોબાઈલ માં ક્લીક કરેલો ફોટો ઓળખ માટે મારા વોટ્સ એપ નેચર ગ્રુપ પર મોકલી આપ્યો અને જાણવા મળ્યું કે એ કોબ્રા હતો.

   આ તરફ સાપનો ભય હોવાથી અન્યોને અહીં ના લાવતા, શૂટિંગ માટે થોડે દૂર સામે આવેલા બીજા બંગલાના પ્રાંગણમાં ખાટલો ઢાળી ત્યાં અન્ય સાધન સરંજામ લઈ ગયા. હું પણ ત્યાં ગયો અને સદનસીબે ત્યાં મને આખા દિવસની શ્રેષ્ઠ પળો માણવા મળી! બંગલાની છત પર વિશાળ ધાબું હતું, ત્યાં હું ચઢી ગયો. સાંજ ઢળવામાં હતી. ચારે તરફ ખુલ્લાં ખેતરો, ઉપર વાદળાં ની અનેરી ભાત ધરાવતું સુંદર ભૂરું આકાશ અને દૂર દેખાતા બંગલા પાછળ અને ઝાડોમાં જાણે અસ્ત પામવા જઈ રહેલો સૂર્ય. આ બધાં એ ભેગા મળી મારા મન પર જાદુઈ અસર કરી. એક બાજુએ ખુલ્લાં મેદાન જેવા ભાગમાં મેં ત્રણ તેતર જોયાં. આ પણ ભાગ્યે જ જોવા મળતું દ્રશ્ય હતું. એક તેતર તેની વિશિષ્ટ અદામાં દડબડ દડબડ દોડતું આગળ ભાગ્યું અને કોણ જાણે ક્યાં અલોપ થઈ ગયું! તેને જોવામાં પાછળના બીજા બે તેતર પણ અદ્રશ્ય! ત્યાં જ ભૂખરા રંગના ચાર પાંચ અન્ય પક્ષીઓ સાથે એક ઢેલ દ્રશ્યમાન થઈ. એમને જોયા બાદ ધાબાની બીજી તરફ, નાગ દેખાયો હતો એ તરફ નજર દોડાવી તો દાણા ચરી રહેલાં બે મોર દેખાયાં! શી એમની નજાકત અને શું એમનું સૌંદર્ય! મને એક ગજબની ધરપત નો અનુભવ થઈ રહ્યો હતો આટલું બધું કુદરતી સૌંદર્ય એક સાથે જોઈ, અનુભવતા. એમાં શ્રાવ્ય તત્ત્વ ભેળવવાનું મન થયું અને મોબાઈલ પર મેં મારા મનપસંદ ગીતો એક પછી એક વગાડવા માંડ્યા. સંગીતનો જાદુ ભળ્યો, સુંદર દ્રશ્યો સાથે અને મન એક અજબની શાંતિ નો અનુભવ કરી રહ્યું. સૂર્ય ઢળી જવા છતાં અજવાળું હતું. અંગ્રેજી વી આકારમાં ઉડતા પંખીઓ, આડી હારમાં ઉડતા પંખીઓ અને છૂટા છવાયા એકલ દોકલ પંખીઓ જોઈ મને પણ આકાશમાં ઊડવાની ઈચ્છા થઈ આવી! ચારે તરફ ફરી એ સુંદરતા હું જાણે ધરાઈ ધરાઈ શરીરમાં, મનમાં ભરવા મથી રહ્યો. એમ થતું હતું કે આ અનુભવ રોજ કરવા મળે તો કેટલું સારું! કેટલો નસીબદાર છે એ ચૌધરી પરિવાર જેના આ બે બંગલા હતાં અને જેમને રોજ આ કુદરતી સૌદર્ય વચ્ચે જીવન ગાળવા મળતું હતું! 

આખરે અંધારું ધીમે ધીમે ઉતરી આવ્યું આસપાસ અને મારે ક-મને નીચે ઉતરવું પડયું. પપ્પા પણ ખૂબ ખુશ હતાં આજનો દિવસ તેમની મનગમતી પ્રવૃત્તિ કરી અને હું પણ ખૂબ ખુશ હતો આ એક અતિ યાદગાર દિવસ પરિપૂર્ણતાની લાગણી સાથે પસાર કર્યા બાદ.  

2 ટિપ્પણીઓ: