Translate

લેબલ Gujarat સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Gujarat સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 5 નવેમ્બર, 2022

એક યાદગાર દિવસ

     કેટલાં વર્ષોથી એક ઈચ્છા હતી કે ખુલ્લા ખેતરો વચ્ચે દોડવું છે! પપ્પાને કારણે એ ઈચ્છા ગઈ કાલે પૂરી થઈ. એમને સેન્દ્રિય ખાતરની એક જાહેરાતનું શૂટિંગ આવ્યું અને હું પણ તેમની સાથે જોડાયો. ગુજરાતમાં ગાંધીનગરથી આગળ થોડે દૂર એક ગામ. તેમાં વિશાળ ખેતરમાં શૂટિંગ હતું. ખેતરો વચ્ચે બે મોટાં બંગલા. ચૌધરીઓનો બે ભાઈનો પરિવાર એમાં રહે. બે બંગલા વચ્ચે લીલાછમ ખેતરો. બંગલાની આજુબાજુ પણ ખુલ્લા ખેતરો. મારું કામ પણ ચાલુ હતું - દૂરથી ફોન દ્વારા જોડાઈને. એટલે દિવસનો મોટો ભાગ બંગલાના ઓરડામાં બેસીને કામ કરતાં કરતાં પસાર કર્યો. પણ વચ્ચે વચ્ચે બહાર આવી શૂટિંગ અલપ ઝલપ જોઈ લેતો. પપ્પા મોજમાં હતાં. ધોતિયું, ઝભ્ભો, બંડી, માથે સાફો, મોટી મેકઅપની મૂછો અને પૂરા ગેટ અપ માં તેઓ રંગમાં આવી ગયા હતા અને જાણે તેમનું સંપૂર્ણ રૂપાંતરણ બીજી કોઈ વ્યક્તિ માં થઈ ગયું હતું - ગોપાલ કાકાના એક સમૃદ્ધ વયસ્ક ખેડૂતના પાત્રમાં. તેઓ ખરા અર્થમાં રંગમાં આવી ગયા હતા. બહાર ભારે તડકો અને ગરમી પણ તેમને આકરા તો લાગતા જ હશે, પણ તેમને સહ્ય લાગી રહ્યા હતાં. ઘણાં દિવસો બાદ તેઓ પોતાનું મનપસંદ એવું કામ કરી રહ્યા હતા. મને પણ એ જોઈ સંતોષ અને આનંદ થઈ રહ્યો હતો. કેટકેટલા લોકોને મળવાનું થયું, કેટલે વખતે! પપ્પાને મેકઅપ કરનાર અનુભવી મેકઅપ આર્ટિસ્ટ પહેલી વાર એક મહિલા હતા. પપ્પા ના જણાવ્યા મુજબ અત્યાર સુધી તેમણે માત્ર પુરુષોને જ મોટે ભાગે આ વ્યવસાયમાં જોયા છે, પણ ધનલક્ષ્મી નામના મળતાવડા મહિલા મેકઅપ-વુમનને મળી તેમની સાથે વાતો કરી આનંદ આવ્યો. અમે બધાંએ લંચ સાથે બેસી ને લીધું અને ત્યાં અલકમલકની વાતો કરી. બીજા એક મળવા જેવા વ્યક્તિને મળવાનું થયું - રાકેશ પૂજારાને. તેમના વિશે તો આખો એક સ્વતંત્ર બ્લોગ લેખ લખી શકાય એટલું બધું જાણવા લાયક અને પ્રેરણાત્મક વ્યક્તિત્વ છે તેમનું. ઘણી બધી વાતો થઈ આ કલાકાર સાથે, જેમણે ગુજરાતી હોવા છતાં, ગુજરાતી ભાષા કરતા વધુ ફિલ્મો, વિલન તરીકે ભોજપુરી ભાષામાં કરી છે! હાલ તેઓ ફિલ્મોના સેન્સર બોર્ડમાં પણ નિયુક્ત થયા છે જે આપણાં ગુજરાતીઓ માટે અને ગુજરાત રાજ્ય માટે ગર્વ લેવા જેવી વાત છે. લંચ પછી થોડી વાર બહાર ખેતરમાં લટાર મારવા નીકળ્યો, જ્યાં એક નોળિયો દૂર થી જોવા મળ્યો. હું બહાર જાઉં, ત્યારે મારી નજર સતત આવા નિતનવા અને ઓછા દેખાતા જીવોને શોધતી હોય! મોરના ટહુકાના અવાજ તો સતત સંભળાતા હતાં, પણ એ ક્યાંય નજીકમાં દેખાતા નહોતા. એ ઈચ્છા સાંજે પૂરી થવાની હતી!ખેતરમાં થોડે દૂર વચ્ચે એક પમ્પ જોયો જેમાંથી પાણીનો નાનો ધોધ પડી રહ્યો હતો. એવી વ્યવસ્થા હતી કે દૂર આવેલ એક બોર માંથી આ પમ્પમાં પાણી આવે અને તે આસપાસના બધાં ખેતરમાં પહોંચી રહે. બહારની ગરમી જાણે પાણીની એ ધારાને જોઈ ઓછી થઈ! ખળખળ કરતું, સ્વચ્છ પારદર્શક પાણી નાની નાની નહેરોમાં વહી દૂર દૂર જઈ આખા ખેતરમાં ફરી વળતું હતું. સામે એક વિશાળ વૃક્ષ જોઈ ખૂબ સારું લાગ્યું. થડ જાડું અને નાનું પણ એ વૃક્ષની ઘટા... અહાહા!

    બપોરે ગરમી હોવાથી વધુ વાર બહાર ના રહેતા ફરી બંગલામાં ઓરડામાં આવી કામ કર્યું અને બંગલાના માલકણ જેઠાણી - દેરાણીની વયસ્ક મહિલાઓની બેલડી સાથે વાતચીત કરી.

     સાંજે થોડી ઠંડક થઈ એટલે હું ફરી બહાર આવ્યો અને ખેતરમાં શૂટિંગ માટે વચ્ચે મૂકેલા ટ્રેકટર પર બેસી મેં થોડા ફોટા પડાવ્યા અને પછી ખેતરમાં થોડે વધુ અંદર, દૂર જવા પ્રયાણ કર્યું. ત્યારે જ ચાર-પાંચ યુવાનો કેમેરા મૂકવાનું ત્રણ પગ વાળું સ્ટેન્ડ, ખાટલો અને શૂટિંગ ની અન્ય સામગ્રી લઈ ખેતર વચ્ચે થઈ એક નવા લોકેશન તરફ જઈ રહ્યા હતા અને મારી આગળ હતા. તેમણે બૂમ પાડી મને આગળ ન આવવા સૂચવ્યું, કારણ તેમને માર્ગમાં એક સાપ નજરે ચડયો હતો! હું તો સાપ નું નામ સાંભળી રોમાંચિત થઈ ગયો અને એ ભાગી જાય એ પહેલાં તેની ઝાંખી મેળવવા રીતસર ત્યાં તરફ દોડ્યો! પણ સાપ ભાઈ તો બરાબર આરામ ના મૂડમાં હતાં. તેમના શરીરનો ઘાટ્ટો કાળો ભીંગડાયુક્ત ભાગ દ્રશ્યમાન થતો હતો. શ્વાસ-ઉચ્છવાસ લેતી વખતે જેમ ઊંચું નીચું થાય તેમ તેનું શરીર પ્રસરણ - સંકોચન પામતું જોવા મળ્યું. તેનું મોઢું કે પૂંછડી દેખાતા નહોતા. માત્ર શરીરનો વચ્ચેનો ભાગ દેખાઈ રહ્યો હતો. તેની લંબાઈ પણ કળવી મુશ્કેલ જણાઈ રહી હતી, પણ તેના શરીરની જાડાઈ પરથી લાગતું હતું કે તે યુવાન સાપ હોવો જોઈએ. થોડી વાર નિરીક્ષણ કર્યા બાદ મેં શૂટિંગની ટ્રાઇપોડ સ્ટેન્ડના ત્રણમાંથી એક પગ વડે સાપને સલામત અંતરેથી ઉંચો કર્યો, તેને વાગે નહીં એનું ધ્યાન રાખી. હવે એણે ડાબી બાજુના ખેતરના કાણાં માંથી પોતાનું મોઢું બહાર કાઢ્યું અને તે જમણી તરફ સરકી ગયો, મને અને આસપાસ ઉભેલા પેલા ચાર પાંચ યુવાનોને તેની નાનકડી, સુંદર ફેણના દર્શન કરાવ્યા બાદ! એ દ્રશ્ય અદ્ભુત હતું! એ સુંદર, યુવાન નાગ હતો કે કદાચ નાગણ! આ મારા માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો! તરત મેં તેનો મોબાઈલ માં ક્લીક કરેલો ફોટો ઓળખ માટે મારા વોટ્સ એપ નેચર ગ્રુપ પર મોકલી આપ્યો અને જાણવા મળ્યું કે એ કોબ્રા હતો.

   આ તરફ સાપનો ભય હોવાથી અન્યોને અહીં ના લાવતા, શૂટિંગ માટે થોડે દૂર સામે આવેલા બીજા બંગલાના પ્રાંગણમાં ખાટલો ઢાળી ત્યાં અન્ય સાધન સરંજામ લઈ ગયા. હું પણ ત્યાં ગયો અને સદનસીબે ત્યાં મને આખા દિવસની શ્રેષ્ઠ પળો માણવા મળી! બંગલાની છત પર વિશાળ ધાબું હતું, ત્યાં હું ચઢી ગયો. સાંજ ઢળવામાં હતી. ચારે તરફ ખુલ્લાં ખેતરો, ઉપર વાદળાં ની અનેરી ભાત ધરાવતું સુંદર ભૂરું આકાશ અને દૂર દેખાતા બંગલા પાછળ અને ઝાડોમાં જાણે અસ્ત પામવા જઈ રહેલો સૂર્ય. આ બધાં એ ભેગા મળી મારા મન પર જાદુઈ અસર કરી. એક બાજુએ ખુલ્લાં મેદાન જેવા ભાગમાં મેં ત્રણ તેતર જોયાં. આ પણ ભાગ્યે જ જોવા મળતું દ્રશ્ય હતું. એક તેતર તેની વિશિષ્ટ અદામાં દડબડ દડબડ દોડતું આગળ ભાગ્યું અને કોણ જાણે ક્યાં અલોપ થઈ ગયું! તેને જોવામાં પાછળના બીજા બે તેતર પણ અદ્રશ્ય! ત્યાં જ ભૂખરા રંગના ચાર પાંચ અન્ય પક્ષીઓ સાથે એક ઢેલ દ્રશ્યમાન થઈ. એમને જોયા બાદ ધાબાની બીજી તરફ, નાગ દેખાયો હતો એ તરફ નજર દોડાવી તો દાણા ચરી રહેલાં બે મોર દેખાયાં! શી એમની નજાકત અને શું એમનું સૌંદર્ય! મને એક ગજબની ધરપત નો અનુભવ થઈ રહ્યો હતો આટલું બધું કુદરતી સૌંદર્ય એક સાથે જોઈ, અનુભવતા. એમાં શ્રાવ્ય તત્ત્વ ભેળવવાનું મન થયું અને મોબાઈલ પર મેં મારા મનપસંદ ગીતો એક પછી એક વગાડવા માંડ્યા. સંગીતનો જાદુ ભળ્યો, સુંદર દ્રશ્યો સાથે અને મન એક અજબની શાંતિ નો અનુભવ કરી રહ્યું. સૂર્ય ઢળી જવા છતાં અજવાળું હતું. અંગ્રેજી વી આકારમાં ઉડતા પંખીઓ, આડી હારમાં ઉડતા પંખીઓ અને છૂટા છવાયા એકલ દોકલ પંખીઓ જોઈ મને પણ આકાશમાં ઊડવાની ઈચ્છા થઈ આવી! ચારે તરફ ફરી એ સુંદરતા હું જાણે ધરાઈ ધરાઈ શરીરમાં, મનમાં ભરવા મથી રહ્યો. એમ થતું હતું કે આ અનુભવ રોજ કરવા મળે તો કેટલું સારું! કેટલો નસીબદાર છે એ ચૌધરી પરિવાર જેના આ બે બંગલા હતાં અને જેમને રોજ આ કુદરતી સૌદર્ય વચ્ચે જીવન ગાળવા મળતું હતું! 

આખરે અંધારું ધીમે ધીમે ઉતરી આવ્યું આસપાસ અને મારે ક-મને નીચે ઉતરવું પડયું. પપ્પા પણ ખૂબ ખુશ હતાં આજનો દિવસ તેમની મનગમતી પ્રવૃત્તિ કરી અને હું પણ ખૂબ ખુશ હતો આ એક અતિ યાદગાર દિવસ પરિપૂર્ણતાની લાગણી સાથે પસાર કર્યા બાદ.  

બુધવાર, 30 એપ્રિલ, 2014

ગુજરાતમાં મિની-વેકેશન


પખવાડિયા પહેલાં મારી દિકરી નમ્યાંને શાળામાં વેકેશન પડ્યું એટલે તેને ગુજરાત તેના નાનાનાની-મામામામી પાસે રજાની મજા માણવા મૂકવા ગયો.બે-ત્રણ દિવસ જ રહ્યો પણ ખૂબ ફર્યો અને જે અનુભવ કર્યો તે આજે બ્લોગ થકી તમારાં સૌ સાથે શેર કરી રહ્યો છું.

બાધા-આખડી વગેરેમાં મને આમ તો વિશ્વાસ નહિ પણ ઇશ્વરમાં શ્રદ્ધા ખરી. મારા સાસુમા એ મારા પગના ઓપરેશન પછી હું ગુજરાત જાઉ એટલે મને લઈ બહુચરાજી ધામે દર્શન કરવાની બાધા રાખી હતી. હું અમી,નમ્યા અને મારા અન્ય પરિવારજનો સહિત કારમાં બહુચરાજી જવા નીકળ્યાં. અમે બહુચરાજી ધામે પહોંચતા પહેલા એ જ રસ્તામાં આવતા મોઢેરાના સૂર્ય મંદિરે જવાનું નક્કી કર્યું અને સૂર્યમંદિર નજીક પહોંચ્યા ત્યાં વરઘોડો જતો હોય ત્યારે વાગે તેવા ઢોલકનો સ્વર સંભળાઈ રહ્યો હતો. આજુબાજુ જોકે જાન જેવું કંઈ દેખાતું નહોતું. વધુ વિચાર્યા વગર સૂર્યમંદિર પહોંચ્યા.

        અદભૂત કોતરણી ધરાવતા પત્થરોનું બનેલું પ્રાચીન સૂર્યમંદિર જોવું એક લહાવો છે.પત્થરના સ્થંભ પર મનુષ્યોની તેમજ દેવીદેવતાઓની વિવિધ આકારમાં પ્રતિમાઓ કંડારેલી જોવા મળે. ધ્યાનથી જોતા માલૂમ પડ્યું કે કેટલીક પ્રતિમાઓમાં તો સ્ત્રી પુરુષ મૈથુન ક્રિયામાં રત કંડારાયા હતાં. ખજૂરાહોની જેમ અહિં પણ આવા શ્રુંગારિક કામાસનો વાળી કોતરકામ ધરાવતી પ્રતિમાઓ મંદિરની દિવાલો પર છે એવી જાણ નહોતી. સૂર્યાસ્ત થવામાં થોડી વાર હતી. સાંજનું વાતાવરણ મનમોહક હતું. સોલંકી શૈલીના આ પ્રાચીન સૂર્યમંદિરનું અન્ય મોટું આકર્ષણ એટલે અહિ આવેલી સેંકડો પગથિયા ધરાવતી વાવ.મોટા લંબચોરસ કૂંડ આકારની આ વાવ જોતાં અનેરી ધન્યતાની લાગણી થાય.ચારે દિશાઓમાં સામસામે વાવમાં નીચે ઉતરવા માટે નાના નાના પગથિયા બનાવેલા હતાં.વચ્ચે પાછા દેવીદેવતાના દહેરાઓ  પણ ખરાં. આખી મોટી લંબચોરસ વાવમાં એક સરખી ડિઝાઈન ધરાવતું આવું અદભૂત બાંધકામ અતિ ભવ્ય અને સુંદર લાગતું હતું. અમે આ પગથિયા ઉતરી વાવમાં નીચે ઉતર્યા જ્યાં થોડું પાણી હતું.વાવ કેટલી ઉંડી હશે તેની તો કલ્પના ન થઈ શકી કારણકે પાણી કાળાશ પડતું લીલું અને અપારદર્શક હતું.પણ પાણીની સપાટી જ્યાં દાદરા પાસેથી શરૂ થતી હતી ત્યાં મેં અને નમ્યાએ કુતૂહલપૂર્વક જળચર કાચબા નિહાળ્યા.તેઓ દાદરા પર પાણી નીચે આરામ કરતાં હતાં પણ થોડી વાર નિરખ્યા બાદ જેવી અમે મોટેથી વાતચીત શરૂ કરી કે તેઓ ચપળતાથી પાણીમાં ઉંડે સરકી ગયા.

સૂર્યમંદિરમાંથી બહાર આવ્યાં એટલે એક નોખું દ્રષ્ય જોવા મળ્યું. પેલો વરઘોડામાં વાગતા સંગીત જેવો અવાજ ફરી સાંભળવા મળ્યો પણ આ વખતે તો સામે એક અચરજ પમાડે તેવું દ્રષ્ય પણ જોવા મળ્યું. એક નેતરની રસ્સીવાળા ગામડે જ જોવા મળે તેવાં ખાટલા પર ઘોડો નાચતો જોવા મળ્યો. બલકે કહો કે તેનો માલિક ઘોડાને નચાવી રહેલો જોવા મળ્યો.આજુ બાજુ એક-બે વિદેશી સહેલાણીઓ આ દ્રષ્યનું વિડીયો શૂટીંગ કરી રહ્યાં હતાં. પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે ઘોડાને સંગીત વગાડી વરઘોડામાં નાચવાની તાલીમ અપાઈ રહી હતી. નાચતો ઘોડો જોઈ અમને ખૂબ નવાઈ લાગી. નાચતો તો શું કહોને તેના આગળ-પાછળનાં પગ વારાફરતી ઉંચાનીચા કરતો ઘોડો જોઈ તેની થોડી દયા આવી. વિચાર આવ્યો કે ઘોડાને આમ કઢંગી રીતે નાચતો જોઇ લોકોને શું મજા આવતી હશે?વરઘોડામાં ઘણાં લોકો બેન્ડબાજાના તાલે ઘોડાને પણ નચાવતાં અને નાચતા ઘોડાને જોઈ રાજી થતાં હોય છે. યોગાનુયોગ એ જ રવિવારે મેનકા ગાંધીનો આ જ વિષય પરનો લેખ જન્મભૂમિ પ્રવાસીની મધુવન પૂર્તિમાં પ્રકાશિત થયો હતો. માનવોએ મૂંગા પશુઓ પર અત્યાચાર બંધ કરવો જોઇએ. ઘોડો નાચવા કે સંગીત નો ઘોંઘાટ સહન કરવા ટેવાયેલો હોતો નથી.પણ તેને આ રીતે ખાસ તાલીમ આપી તૈયાર કરાય છે. માનવીએ પોતાના સ્વાર્થ ખાતર અન્ય પશુઓનો ઉપયોગ કરી તેમનું શોષણ કરવાનું બંધ કરી દેવું જોઇએ.

સાંજ ઢળવા આવી હતી. ભીડ વગરના સરસ રસ્તા પર અમારી ગાડી પૂરપાટે હવે બહુચરાજી તરફ દોડી રહી હતી. સૂર્યાસ્તનું દ્રષ્ય અને આસપાસના ખેતરો મનને એક અનેરો આનંદ આપતાં હતાં.

બહુચરાજી પહોંચ્યા એટલે અન્ય યાત્રાધામની જેમ મંદિરની આસપાસ વિવિધ દુકાનો હતી. ખાસ કરીને પૂજાપાના સામાનની મહત્તમ દુકાનો હતી.એક યુવાન સામેથી આવી પેટીમાંથી ચાંદીના વિવિધ માનવ અવયવોની પ્રતિકૃતિઓ દેખાડવા માંડ્યો. લોકો અહિ શરીરના વિવિધ અવયવોની તકલીફ હોય તેના નિવારણ માટે બાધા રાખતા હોય છે.કોઈનું આંખનું ઓપરેશન હોય તો તે સાજા થયા બાદ ચાંદીની આંખ ચડાવે.કોઈને હાથની તકલીફ હોય તો તે હાથ ચડાવે.મારા સાસુમાએ મારા વતી ચાંદીનો પગ લીધો.મને પણ મારી મમ્મીના પગે હાલમાં તકલીફ છે તેથી તેના વતી પગ ચડાવવાનું મન થયું અને મેં તેમ કર્યું. બાધા-આખડીમાં ન માનનારા મેં કોણ જાણે કઈ શ્રદ્ધાથી પ્રેરાઈને જ મમ્મી માટે પગની જોડી ખરીદી બહુચરાજીને ચડાવી. અહિ બીજા કોઈને નુકસાન પહોંચાડવાની  કે ભગવાન સાથે સોદો કરવાની વાત નહોતી કે જો તમે મારી મમ્મીના પગનું દર્દ મટાડી દેશો તો હું તમારા પારે આવી ચાંદીના પગ ચડાવીશ.પણ મનમાં એવી આસ્થા જાગી કે હું એ પગની જોડી ધરાવીશ તો મમ્મીને પગના દર્દમાં રાહત થશે. એવું મારૂં તાર્કિક મન વિચારી રહ્યું. લોકો અંધશ્રદ્ધાથી પ્રેરાઈ અંગત સ્વાર્થ માટે અન્ય ને નુકસાન પહોંચાડવા સુધી કે ક્યારેક તો સઘળી સારાસારની હદો વટાવી જઈ અન્ય જીવની બલિ ચડાવવા સુધી તૈયાર થઈ જતાં હોય છે એ તદ્દન ખોટું છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો આ ભેદ સમજવો બહુ જરૂરી છે. બહુચરાજી મંદિરમાં સાંધ્ય આરતી સમયે જ પહોંચ્યા અને આરતીમાં સામેલ થવાની મજા આવી.

પછી તો બીજે દિવસે ઇડર પાસે કડિયાદરા નામના નાનકડા ગામે એક સગાને ત્યાં મળવા જવાનું પણ બન્યું અને કાળઝાળ ગરમીમાં પણ આસપાસના ખેતરો વગેરે જોતાં જોતાં ફરવા જવાની મજા આવી.અમારાં કુળદેવી ભુવનેશ્વરી માતાનાં ગુંજા ગામે આવેલાં મંદિરે,અમારાં મૂળ વતન ઉંઢાઈ ખાતે આવેલા અમારા ઇષ્ટ દેવ લાખેશ્વર મહાદેવનાં મંદિરે તેમજ વચ્ચે રસ્તામાં આવતાં ઝૂંડવાળા અંબાજીનાં મંદિરોમાં દર્શન કર્યાં. કડિયાદરાથી નજીક વિરેશ્વર નામની સુંદર જંગલ જેવા પ્રદેશમાં આવેલી જગાએ ગયાં.ત્યાં મંદિરમાં દર્શન કર્યાં બાદ નાનકડી ટ્રેક માણતાં માણતાં એક નાનકડા કુંડ પાસે ગયાં જ્યાં એવી લોકવાયકા છે કે એ કુંડમાં ગંગાજી સ્વયંભૂ રીતે પ્રગટ્યા છે.અમે એ કૂંડમાં પાણી કદી સૂકાતું નથી.કોઈ પણ મોસમમાં પાણીનું પ્રમાણ નથી વધતું,નથી ઘટતું.ઝરણાની જેમ એ પેલા કૂંડમાંથી વહ્યાં કરે છે.કૂંડની આસપાસ કુદરતી સૌંદર્ય અને લીલી વનરાજી અપાર હતાં.

લોકોએ અહિં ઠેર ઠેર પથ્થરો એકમેક પર ગોઠવી મકાનની પ્રતિક્રુતિઓ તૈયાર કરી હતે.એમ કહેવાય છે કે તમારે જેટલા માળનું મકાન જોઈતું હોય તેટલાં પથ્થર એકમેક પર ગોઠવવાનાં!મેં અને નમ્યાએ પણ અમારો એક દ્વિમાળી બંગલો તૈયાર કર્યો!એક સુંદર ઝાડ નીચે મને ફોટો પડાવવાનું મન થયું.પણ તે થોડું આઘે અવાવરૂં જગાએ હતું.ત્યાં સૂકા વેરાયેલાં પાંદડાઓ વચ્ચે ગોઠવાયેલા પથ્થર પર બેસવા ગયો ત્યાં તો એ સૂકા પાંદડાઓમાં અનેક દેડકાનાં બચ્ચાં આમતેમ કૂદવા લાગ્યાં અને મારા કાનમાં પણ એક ડર ઉત્પન્ન કરે એવો ભમરાંના ગણગણાટ જેવો સ્વર સંભળાયો.પણ હવે પથ્થર સુધીતો પહોંચી જ ગયેલો. નમ્યાને ખોળામાં બેસાડી ફોટો પડાવ્યો ત્યારે ઝંપ્યો!

સાંજે પાછાં ફરતાં ખેતરોમાં ઘ ઉંના પાકમાંથી દાણા છૂટા પાડવાની પ્રક્રિયા જોઈ. એરંડા, વરિયાળી, ફણસી અનેક પ્રકારની વનસ્પતિના ખેતરો જોયાં અને આખો દિવસ ફર્યાં બાદ જ્યારે ઘેર પાછા ફર્યાં ત્યારે રાતે નિરાંતે મીઠી ઉંઘ આવી!

રવિવાર, 12 મે, 2013

ગુજરાત / ગુજરાતી મારી માતા


થોડા દિવસો અગાઉ ગુજરાત જવાનું થયું.

કાળઝાળ ગરમી હોવા છતાં મને ગુજરાત જવું ગમે છે. ત્યાંની ગરમ ‘લૂ’ મુંબઈના પસીના પેદા કરતા બાફ કરતા વધુ સહ્ય લાગે છે. ત્યાંની, ઉનાળાની ધાબા પર વીતતી રાતનું તો પૂછવું જ શું! પવનની શીતળ લહેરો આખા દિવસના તાપ અને થાકને ભૂલાવી દે!

અને આમ પણ ગુજરાત પ્રત્યે મને એક અલગ જ પ્રકારનું આકર્ષણ પહેલેથી જ રહ્યું છે. મારા પિતા ઘણાં કાર્યક્રમોમાં કહે છે, ગાય છે તેમ 'ગુજરાત મારી માતા અને મહારાષ્ટ્ર મારી માસી' - આ પ્રકારની લાગણી કદાચ હું  પણ  અનુભવું છું. માતા તો માસી કરતા વિશેષ જ વહાલી હોય ને !

આ વખતે ગુજરાતવાસ દરમ્યાન  થયેલા થોડા રસપ્રદ  અનુભવોની વાત કરવી છે.

ગુજરાતમાં મણીનગર સ્ટેશન ઉતરતા જ સામે બીઆરટીએસ કે જનપથ બસ સ્ટેશન પર ગયો અને અમદાવાદ જવા ત્યાં થી બસ પકડી. વર્ષો પહેલા આપણાં મુંબઈમાં જે ટ્રામ બસ દોડતી તેવી આ જનપથ માર્ગ પર દોડતી બસો ગુજરાતનું એક જમા પાસું ગણી શકાય. ખૂબ સારો રહ્યો આ બસમાં મુસાફરી નો અનુભવ . બસમાં ચડતા પહેલા જ ટિકીટ લઈ લેવાની. દરેક સ્ટેશન પર ઓટોમેટિક દરવાજા ખુલી જાય.સ્ટેશન આવતા પહેલા ત્રણ ભાષામાં તે સ્ટોપનાં નામનું વ્યવસ્થિત અનાઉન્સ્મેન્ટ થાય. બેસવાની સીટો ઓછી, પણ વધુ યાત્રીઓ ઉભા રહી શકે તેવી મોકળાશ. કેટલીક જનપથ બસો તો વાતાનૂકુલિત એટલે કે એ . સી . પણ જોવા મળે! જનપથનો માર્ગ અલાયદો અને માત્ર બીઆરટીએસ ની બસો જ તેના પર દોડે એટલે તેને ટ્રાફિકની સમસ્યા નડે જ નહિ. મને તો જનપથની આ સુવિધા ખૂબ ગમી.

અમદાવાદ જઈ ત્યાં 1મે થી 7મે સુધી યોજાયેલ ખરા અર્થ માં ભવ્ય એવા પુસ્તક મેળા -  'નેશનલ અમદાવાદ બુક ફેર 2013'ની મુલાકાત લીધી ગુજરાતી ભાષાના હજારો પુસ્તકો અનેક પ્રકાશકોના વિવિધ સ્ટોલ્સ પર જોવા અને ખરીદવા નો લહાવો લીધો ખૂબ સારું આયોજન હતું. ખ્યાતનામ લેખક, કવિ અને સાહિત્યકારોના પ્રવચનો ,સેમિનાર્સ  અને કાર્યક્રમો પણ આ મેળાના ભાગ રૂપે સાતે દિવસ દરમ્યાન રાખવામાં આવ્યા હતાં. હું એક જ દિવસની મુલાકાત લેવાની હોઈ, 'કોપી એડીટીંગ અને પ્રૂફ રીડીંગ' વિષય પરનું એક સેમીનાર અને લોકપ્રિય ગુજરાતી લેખક ગુણવંત શાહ નું 'ગુજરાતી મારી મા અને અંગ્રેજી મારી માસી' વિષય પરનું મનોમંથન જગાવતું પ્રભાવી વક્તવ્ય માણી શક્યો, પણ જો શક્ય હોત તો સાતે દિવસ આ પુસ્તક મેળા ની મુલાકાત લેવાનું અને તેમાં યોજાયેલા અન્ય રસપ્રદ કાર્યક્રમો માણવાનું  મને ગમ્યું હોત!

અમદાવાદથી મહેસાણા ગયો. ત્યાં હજી અમદાવાદ જેટલું મુંબઈ જેવું શહેરીકરણ થયું નથી અને તેથી મને વધુ  ગમે છે. મારા સાસુએ કોઈએ વ્રત કર્યું હતું અને તેથી તેમને માછલીઓને લોટ ની ગોળીઓ ખવડાવવાની હતી. તેમની સાથે ઘરની નજીક જ આવેલા એક તળાવ પાસે ગયા અને ત્યાં દૂર ઉભા રહી મનોહર કુદરતી દ્રશ્યની સુંદરતા માણી. મારા સાસુ સાથે મેં અને નાનકડી નમ્યાએ પણ માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાનો સરળ આનંદ માણ્યો.  તળાવ માં અમે માછલીઓને ખવડાવતા હતા અને બે-ત્રણ બતક અમારી સામે માછલીઓને ખાવા પાણી માં ડૂબકી લગાવતા હતા! નમ્યાને એ જોઈ ખૂબ આશ્ચર્ય થતું હતું પણ આ તો કુદરત ની જૈવિક સાંકળ! અહીં દયા-માયા  જેવા ભાવો કામ ન લાગે .તળાવમાં કાચબા પણ જોયા.

તળાવ પાસે થોડો સમય પસાર કર્યા બાદ અમે પાંચોટ ગામ પાસે આવેલ ભૂવનેશ્વરી દેવીનાં મંદિરે દર્શન કરવા ગયા ત્યાં એક મોટું વડ નું ઝાડ જોયું ઘટાટોપ એવા આ વૃક્ષ ની ફરતે વિશાળ ગોળાકાર ઓટલો બનાવેલો હતો પણ મને એ જોઈએ નવાઈ લાગી કે આ ઓટલો ખાસ્સો  માણસની હાઈટ જેટલો ઉંચો હતો અને તેના પર બેસવા, ઉપર ચડવા વ્યવસ્થિત દાદરા બનાવેલા હતા અત્યાર સુધી જોયેલ વડની ફરતે બનાવેલા સામાન્ય ઓટલા કરતા આ ઓટલો ખાસ્સો અલગ દેખાતો હતો . મારા સાસુએ મારા મોઢા પર છવાયેલા પ્રશ્નાર્થાસૂચક ભાવો પામી જઈ હું પૂછું એ પહેલા જ મને જણાવ્યું કે માથે લાકડાનો ભારો લઈ ગ્રામજનો ભરબપોરે અહી થી પસાર થાય ત્યારે માથા પરનો ભારો નીચે ઉતારવા અને પછી પાછો માથે ચડાવવા કોઈ હાજર ના હોય તો તેમને તકલીફ ન પડે એ માટે આ ઓટલો આટલો ઉંચો બનાવાયો હતો. બપોર ની કાળઝાળ ગરમી થી બચવા બે ઘડી વડલાની છાયા માં આરામ કરવા થોભવું હોય તો કોઈની મદદ લીધા વગર સીધો ભારો પોતાની મેળે જ ઓટલા પર  ઉતારી શકાય અને આરામ કરી લીધા પછી પાછા જતી વેળાએ પોતાની મેળે જ એ પાછો માથે મૂકી આગળ વધી શકાય!

કેટલું  સુંદર વિચારપૂર્વકનું આયોજન!

મંદિરમાં માતાજીના અને મંદિરની  આસપાસનાં પ્રાકૃતિક સૌન્દર્યનાં ધરાઈ ને દર્શન કર્યા અને નમ્યાને કરાવ્યા બાદ ત્યાં પક્ષીઓને ચણ નાખી ,ગૌશાળામાં ગાયોને ઘાસ ખવડાવ્યું અને ઘેર પાછા ફર્યા. અજબનાં સંતોષ અને આનંદનાં અનુભવ સાથે.

રાતે ઘરની બહાર બગીચા પાસે બાળકો રમતા હતા ત્યાં એક બાળકને વિંછી કરડ્યો અને બધાનાં જીવ ઊંચા થઇ ગયા પણ ભાગવાનની  કૃપા થી સમયસર યોગ્ય સારવાર મળતા તે સાજો થઇ ગયો.

તે પછી, બે દિવસ નડીયાદ ફર્યો. ત્યાં પણ ખૂબ મજા આવી અને ચાર દિવસના આ ગુજરાત પ્રવાસ બાદ ફરી મુંબઈ પાછો આવ્યો અને Back to Routine !

જોગાનુજોગ આજે ‘મધર્સ ડે’ છે તો આ બ્લોગ દ્વારા મારી બંને માતાઓ - એક મને જન્મ આપનાર મારી જનની 'નિર્મળા' અને બીજી ગુજરાત/ગુજરાતીને હૃદય પૂર્વક, ભાવપૂર્વક સલામ અને શુભેચ્છા  !!!