રવિવાર, 12 મે, 2013
ગુજરાત / ગુજરાતી મારી માતા
થોડા દિવસો અગાઉ ગુજરાત જવાનું થયું.
કાળઝાળ ગરમી હોવા છતાં મને ગુજરાત જવું ગમે છે. ત્યાંની ગરમ ‘લૂ’ મુંબઈના પસીના પેદા કરતા બાફ કરતા વધુ સહ્ય લાગે છે. ત્યાંની, ઉનાળાની ધાબા પર વીતતી રાતનું તો પૂછવું જ શું! પવનની શીતળ લહેરો આખા દિવસના તાપ અને થાકને ભૂલાવી દે!
અને આમ પણ ગુજરાત પ્રત્યે મને એક અલગ જ પ્રકારનું આકર્ષણ પહેલેથી જ રહ્યું છે. મારા પિતા ઘણાં કાર્યક્રમોમાં કહે છે, ગાય છે તેમ 'ગુજરાત મારી માતા અને મહારાષ્ટ્ર મારી માસી' - આ પ્રકારની લાગણી કદાચ હું પણ અનુભવું છું. માતા તો માસી કરતા વિશેષ જ વહાલી હોય ને !
આ વખતે ગુજરાતવાસ દરમ્યાન થયેલા થોડા રસપ્રદ અનુભવોની વાત કરવી છે.
ગુજરાતમાં મણીનગર સ્ટેશન ઉતરતા જ સામે બીઆરટીએસ કે જનપથ બસ સ્ટેશન પર ગયો અને અમદાવાદ જવા ત્યાં થી બસ પકડી. વર્ષો પહેલા આપણાં મુંબઈમાં જે ટ્રામ બસ દોડતી તેવી આ જનપથ માર્ગ પર દોડતી બસો ગુજરાતનું એક જમા પાસું ગણી શકાય. ખૂબ સારો રહ્યો આ બસમાં મુસાફરી નો અનુભવ . બસમાં ચડતા પહેલા જ ટિકીટ લઈ લેવાની. દરેક સ્ટેશન પર ઓટોમેટિક દરવાજા ખુલી જાય.સ્ટેશન આવતા પહેલા ત્રણ ભાષામાં તે સ્ટોપનાં નામનું વ્યવસ્થિત અનાઉન્સ્મેન્ટ થાય. બેસવાની સીટો ઓછી, પણ વધુ યાત્રીઓ ઉભા રહી શકે તેવી મોકળાશ. કેટલીક જનપથ બસો તો વાતાનૂકુલિત એટલે કે એ . સી . પણ જોવા મળે! જનપથનો માર્ગ અલાયદો અને માત્ર બીઆરટીએસ ની બસો જ તેના પર દોડે એટલે તેને ટ્રાફિકની સમસ્યા નડે જ નહિ. મને તો જનપથની આ સુવિધા ખૂબ ગમી.
અમદાવાદ જઈ ત્યાં 1મે થી 7મે સુધી યોજાયેલ ખરા અર્થ માં ભવ્ય એવા પુસ્તક મેળા - 'નેશનલ અમદાવાદ બુક ફેર 2013'ની મુલાકાત લીધી ગુજરાતી ભાષાના હજારો પુસ્તકો અનેક પ્રકાશકોના વિવિધ સ્ટોલ્સ પર જોવા અને ખરીદવા નો લહાવો લીધો ખૂબ સારું આયોજન હતું. ખ્યાતનામ લેખક, કવિ અને સાહિત્યકારોના પ્રવચનો ,સેમિનાર્સ અને કાર્યક્રમો પણ આ મેળાના ભાગ રૂપે સાતે દિવસ દરમ્યાન રાખવામાં આવ્યા હતાં. હું એક જ દિવસની મુલાકાત લેવાની હોઈ, 'કોપી એડીટીંગ અને પ્રૂફ રીડીંગ' વિષય પરનું એક સેમીનાર અને લોકપ્રિય ગુજરાતી લેખક ગુણવંત શાહ નું 'ગુજરાતી મારી મા અને અંગ્રેજી મારી માસી' વિષય પરનું મનોમંથન જગાવતું પ્રભાવી વક્તવ્ય માણી શક્યો, પણ જો શક્ય હોત તો સાતે દિવસ આ પુસ્તક મેળા ની મુલાકાત લેવાનું અને તેમાં યોજાયેલા અન્ય રસપ્રદ કાર્યક્રમો માણવાનું મને ગમ્યું હોત!
અમદાવાદથી મહેસાણા ગયો. ત્યાં હજી અમદાવાદ જેટલું મુંબઈ જેવું શહેરીકરણ થયું નથી અને તેથી મને વધુ ગમે છે. મારા સાસુએ કોઈએ વ્રત કર્યું હતું અને તેથી તેમને માછલીઓને લોટ ની ગોળીઓ ખવડાવવાની હતી. તેમની સાથે ઘરની નજીક જ આવેલા એક તળાવ પાસે ગયા અને ત્યાં દૂર ઉભા રહી મનોહર કુદરતી દ્રશ્યની સુંદરતા માણી. મારા સાસુ સાથે મેં અને નાનકડી નમ્યાએ પણ માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાનો સરળ આનંદ માણ્યો. તળાવ માં અમે માછલીઓને ખવડાવતા હતા અને બે-ત્રણ બતક અમારી સામે માછલીઓને ખાવા પાણી માં ડૂબકી લગાવતા હતા! નમ્યાને એ જોઈ ખૂબ આશ્ચર્ય થતું હતું પણ આ તો કુદરત ની જૈવિક સાંકળ! અહીં દયા-માયા જેવા ભાવો કામ ન લાગે .તળાવમાં કાચબા પણ જોયા.
તળાવ પાસે થોડો સમય પસાર કર્યા બાદ અમે પાંચોટ ગામ પાસે આવેલ ભૂવનેશ્વરી દેવીનાં મંદિરે દર્શન કરવા ગયા ત્યાં એક મોટું વડ નું ઝાડ જોયું ઘટાટોપ એવા આ વૃક્ષ ની ફરતે વિશાળ ગોળાકાર ઓટલો બનાવેલો હતો પણ મને એ જોઈએ નવાઈ લાગી કે આ ઓટલો ખાસ્સો માણસની હાઈટ જેટલો ઉંચો હતો અને તેના પર બેસવા, ઉપર ચડવા વ્યવસ્થિત દાદરા બનાવેલા હતા અત્યાર સુધી જોયેલ વડની ફરતે બનાવેલા સામાન્ય ઓટલા કરતા આ ઓટલો ખાસ્સો અલગ દેખાતો હતો . મારા સાસુએ મારા મોઢા પર છવાયેલા પ્રશ્નાર્થાસૂચક ભાવો પામી જઈ હું પૂછું એ પહેલા જ મને જણાવ્યું કે માથે લાકડાનો ભારો લઈ ગ્રામજનો ભરબપોરે અહી થી પસાર થાય ત્યારે માથા પરનો ભારો નીચે ઉતારવા અને પછી પાછો માથે ચડાવવા કોઈ હાજર ના હોય તો તેમને તકલીફ ન પડે એ માટે આ ઓટલો આટલો ઉંચો બનાવાયો હતો. બપોર ની કાળઝાળ ગરમી થી બચવા બે ઘડી વડલાની છાયા માં આરામ કરવા થોભવું હોય તો કોઈની મદદ લીધા વગર સીધો ભારો પોતાની મેળે જ ઓટલા પર ઉતારી શકાય અને આરામ કરી લીધા પછી પાછા જતી વેળાએ પોતાની મેળે જ એ પાછો માથે મૂકી આગળ વધી શકાય!
કેટલું સુંદર વિચારપૂર્વકનું આયોજન!
મંદિરમાં માતાજીના અને મંદિરની આસપાસનાં પ્રાકૃતિક સૌન્દર્યનાં ધરાઈ ને દર્શન કર્યા અને નમ્યાને કરાવ્યા બાદ ત્યાં પક્ષીઓને ચણ નાખી ,ગૌશાળામાં ગાયોને ઘાસ ખવડાવ્યું અને ઘેર પાછા ફર્યા. અજબનાં સંતોષ અને આનંદનાં અનુભવ સાથે.
રાતે ઘરની બહાર બગીચા પાસે બાળકો રમતા હતા ત્યાં એક બાળકને વિંછી કરડ્યો અને બધાનાં જીવ ઊંચા થઇ ગયા પણ ભાગવાનની કૃપા થી સમયસર યોગ્ય સારવાર મળતા તે સાજો થઇ ગયો.
તે પછી, બે દિવસ નડીયાદ ફર્યો. ત્યાં પણ ખૂબ મજા આવી અને ચાર દિવસના આ ગુજરાત પ્રવાસ બાદ ફરી મુંબઈ પાછો આવ્યો અને Back to Routine !
જોગાનુજોગ આજે ‘મધર્સ ડે’ છે તો આ બ્લોગ દ્વારા મારી બંને માતાઓ - એક મને જન્મ આપનાર મારી જનની 'નિર્મળા' અને બીજી ગુજરાત/ગુજરાતીને હૃદય પૂર્વક, ભાવપૂર્વક સલામ અને શુભેચ્છા !!!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
બહુ સરસ વાતો વણી લીધી છે....પ્રવાસ નિમિત્તે ગુજરાતમાતા, ધાર્મિક વિધિ નિમિત્તે સાસુમાતા અને પ્રકૃતિમાતા ઉપરાંત ભાષામાતા....આ સૌને સાંકળીને તમે માતૃદિવસ સાચવી લીધો, આ લખાણમાં ! સુંદર આયોજન, સરસ વર્ણન. આભાર.
જવાબ આપોકાઢી નાખોતા.૧૨-૦૫-૨૦૧૩ના ‘બ્લોગને ઝરૂખેથી’માં છપાયેલ ગુજરાત વિશેનો બ્લોગ ખૂબ ગમ્યો. એમાં જે વડના ઓટલાની વાત કરી છે તે ગ્રામજનોની વ્યવહાર સૂઝ દર્શાવતું ઉત્તમ દ્રષ્ટાંત છે.શહેરનાં લોકો ગ્રામજનોને તેમજ ગુજરાતી ભાષાને નીચી દ્રષ્ટીએ જુએ છે.જે યોગ્ય નથી.આ પ્રકારની વિચારસરણીમાં પરિવર્તન જરૂરી છે.હું હવાઈ સફર કરતી વખતે પણ ગૌરવ ભેર ગુજરાતી પુસ્તક વાંચુ છું અને કોઈ ગુજરાતી પુસ્તક વાંચતું નજરે ચડે તેના પ્રત્યે ગૌરવ અને માનભરી લાગણીથી જોઉં છું.
જવાબ આપોકાઢી નાખો- અનિલ સી. શાહ,વાલકેશ્વર (ફોન દ્વારા)