Translate

શનિવાર, 18 મે, 2013

ગેસ્ટ બ્લોગ : લ્યો, ધરમ કરતાં ધાડ પડી ! પધરામણી પચ્ચીસ લાખમાં પડી !!


-દીનેશ પાંચાલ

‘વૈશ્વીક માનવવાદ’ નામના પાક્ષીકમાં પ્રગટેલો એક કીસ્સો જાણવા જેવો છે. ગણદેવી (નવસારી જીલ્લો)ના ખાપરીયા ગામના વતની દીપકભાઈ પટેલ વર્ષોથી અમેરીકાના ફ્રેંકલીનમાં રહે. બન્યું એવું કે ગુજરાતથી અમેરીકા ગયેલા સ્વામીનારાયણ સંસ્થાના એક સન્તે દીપકભાઈની મૉટેલમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. દીપકભાઈએ તેમને પોતાની મૉટેલમાં ઉતારો આપવા આમંત્ર્યા. સંતોની કાર પાર્કીંગ પ્લોટમાં આવી ત્યારે તેમની જોડેના સેવકે દીપકભાઈને કહ્યું, ‘સન્તો સ્ત્રીઓનું મોઢું જોતા નથી એથી કાઉન્ટર પરની સ્ત્રીઓને થોડીવાર માટે દુર જવા કહો.’ દીપકભાઈ જરા મુંઝાયા. પછી એમણે મૉટેલની ડેસ્ક ક્લાર્ક (અમેરીકન ગોરી સ્ત્રી)ને થોડો સમય માટે કાઉન્ટર પરથી દુર જવા વીનંતી કરી. તે સ્ત્રી ખુબ ગુસ્સે થઈ. તે મૉટેલ છોડીને જતી રહી. એટલેથી જ ના અટક્યું. તે સ્ત્રીએ ત્યારબાદ ‘હ્યુમન રાઈટ કમીશનમાં દીપકભાઈ પર કેસ કર્યો. કેસ ચાર વર્ષ સુધી ચાલ્યો. સ્વામીનારાયણ સંસ્થા તરફથી દીપકભાઈને કોઈ કાનુની મદદ કે આર્થીક સહાય મળી નહીં. દીપકભાઈને કુલ પંચાવન હજાર ડૉલર (આશરે 25 લાખ રુપીયા) નો ખર્ચ થયો.

દીપકભાઈ અમેરીકાથી નવસારી આવ્યા ત્યારે તેમણે સ્વામી નારાયણના મુખ્ય સન્ત અને આચાર્યને પોતાની સઘળી આપવીતી જણાવી; પરન્તુ તેમના તરફથી પણ કોઈ મદદ મળી ના શકી. (દીપકભાઈએ અમદાવાદના એક અખબારમાં પણ આ વીતક જાહેર કરી હતી).

અત્રે પ્રશ્ન એ ઉદભવે છે કે ધર્મના નીતીનીયમો શા માટે એવાં, સમાજવીરોધી હોવાં જોઈએ જેથી અન્ય માણસો મુશ્કેલીમાં મુકાઈ જાય ! બીજો પ્રશ્ન એ કે તમે ઘડી કાઢેલા નીયમો વીદેશી પ્રજા પર શી રીતે લાદી શકાય ? કાલ ઉઠીને કોઈ ધાર્મીક સમ્પ્રદાયની મુખ્ય મહીલા એવો નીયમ બનાવે કે જ્યાં અમે રહેતાં હોઈએ તેની આસપાસના બસો ફુટના એરીયામાં કોઈ પણ પુરુષની હાજરી ન હોવી જોઈએ તો કેવી મુશ્કેલી ઉભી થાય ? આપણે ત્યાં ધર્મને નામે આવી સરમુખત્યારી થતી રહે છે. ઝેરની શીશી પર ધર્મની પીંછી વડે અમૃત લખીને વેચવામાં આવે છે. લોકો તે પીએ છે અને મરે છે.

થોડા સમયપુર્વે આપણે સન્તકૃપાલુ મહારાજના આશ્રમમાં થયેલી ધક્કામુક્કીની ઘટના વીશે વાત કરી હતી. એમાં કૃપાલુ મહારાજે પોતાની સ્વર્ગસ્થ(!!!) પત્નીની શ્રાદ્ધક્રીયા માટે દશ હજાર માણસો ભેગાં કર્યા હતા. કાબુ બહારની જનમેદનીને કારણે દરવાજો તુટી પડતાં 65 વ્યક્તીનાં મોત નીપજ્યાં હતાં અને 200 માણસો ઘવાયા હતા. સરકારે ઘવાયેલાને પચાસ હજાર અને મરનારના વારસદારોને એક લાખની સહાય ચુકવવાની જાહેરાત કરી દીધી. ઝીટીવી પર તે સાંભળી બચુભાઈ બોલ્યા: ‘જોયું, કર્મકાંડોની આ કેવી ગોઝારી ફલશ્રુતી છે ?  એક માણસે સાવ અંગત કહી શકાય એવી શ્રાદ્ધક્રીયાનો કર્મકાંડ એવી રીતે કર્યો જેમાં દેશની તીજોરીમાં દોઢ પોણાબે કરોડનો ચુનો લાગી ગયો. જરા વીચારો, પ્રજાના પૈસાનો આ બગાડ ‘રુપાલની પલ્લી પર ઢોળી દેવાતા લાખો મણ ચોખ્ખા ઘીના બગાડ જેવો નથી શું ?’

બીજો મુદ્દો એ છે કે સાધારણ  માણસે  એક ઘર બનાવવું હોય તો તેના હાથ ટુંકા પડે છે. તો નીર્ધન કહેવાતા સન્તો પાસે એટલી માત્રામાં પૈસા ક્યાંથી આવે છે ? આનો સ્વાભાવીક ઉત્તર એ જ હોય શકે કે સ્વામીઓના પૈસાદાર અનુયાયીઓ અને તેમના વીશાળ ભક્તગણ તરફથી મળતાં દાનમાંથી એવા આશ્રમો સ્થપાય છે. ચાલો, ભલે સ્થપાતા. પણ પછી થાય છે એવું કે એવા આશ્રમોમાં યુવાન અને લંપટ સ્વામીઓ ઘુસી જાય છે ત્યારે સૌની આંખ પહોળી થઈ જાય એવાં સેક્સકૌભાંડો બહાર આવે છે. આવાં સેક્સ સ્કેન્ડલો પકડાય છે અને જગતભરમાં તેમની બદનામી થાય છે; છતાં ભોગ બનેલા અનુયાયીઓની આંખ ઉઘડતી નથી.

સત્યની ભીતરનું સત્ય એ છે કે લોકો ધર્માન્ધ બનીને મુર્ખતાની બધી બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરી જાય છે. ક્યારેક તો એવા અન્ધશ્રદ્ધાળુઓ પોતાની પત્નીને પણ તેમના ચરણે ધરી દે છે. બાવટાઓને બગડવા માટે લોકો પુરી સવલત પુરી પાડે છે. આ બધામાંથી ઉગરવાનો એક માત્ર ઉપાય જનજાગૃતી છે. એ માટે સૌથી પહેલો પ્રહાર અન્ધશ્રદ્ધાનાં મુળીયાંમાં કરવો પડે. પરન્તુ કમનસીબી એ છે કે બહુધા અન્ધશ્રદ્ધા એક યા બીજી રીતે ધર્મ સાથે જોડી દેવામાં આવી છે. ચામડી પર જડબેસલાક ચોંટી ગયેલો બેન્ડેજ પટ્ટો ટીંક્ચર આયોડીન વગર ઉખડી શકતો નથી. અંધશ્રદ્ધાના પટ્ટાને પણ હેમખેમ ઉખેડવો હોય તો તે પર ‘રૅશનાલીઝમનું ટીંક્ચર આયોડીન છાંટવું પડે.

રૅશનાલીઝમ પોકારીને કહે છે કે કોઈ ભગવાધારી હાથમાં ધનુષ્ય લઈને તમારી સમક્ષ ઉપસ્થીત થાય તેટલા માત્રથી તેને રામ ન સમજી લો. તેની આંખના ખુણે રમતું ‘રાવણત્વ પકડી પાડો. સમાજ અને દુનીયાની સારપનો આદર કરો; પણ તેનાં અનીષ્ટો અને ભયસ્થાનો સામે પણ સજાગ રહો. કૃષ્ણની ભક્તી કરતા હો તો જરુર કરો; પણ બનાવટી સુદર્શન ચક્ર પરથી કોઈ દુર્યોધનને કૃષ્ણ ન માની લો. વીચારોને  હમ્મેશાં અપડેટ કરો અને નવી દૃષ્ટી કેળવો. પાંડવોની ન્યાયનીતી અને તેમના બાહુબળનું ગૌરવ કરો; પણ પત્ની દ્રૌપદીને જુગારમાં હારી જનારા પતી પાંચ હોય કે સો બધાં કૌરવોની કક્ષાના જ ગણાય એવું માપ તમારા અંદરના ધરમકાંટા પર ના નીકળે તો સમજો કે તમારો કાંટો ખોટો. સત્યની સમતોલ તોલણી કરવાની ટેવ રાખો. એવી તોલણીમાં રામની ભુલ જણાય તો શ્રદ્ધાની આડમાં બચાવ ના કરો અને રાવણ પાસે ચપટીક સદ્ ગુણ હોય તો તેની પણ જરુર નોંધ લો.

બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે જીવનમાં રસોડાથી માંડી રાજ્યસભા સુધી અને મંદીરથી માંડી મોલ સુધી સર્વત્ર વીવેકબુદ્ધીથી વર્તો. સાચા, નીવડેલા સન્તો કે કથાકારોના સારા આચારવીચાર અને આચરણને પુરસ્કારો; પણ તેમનાં ચરણો પુજવાથી દુર રહો. તેમના વીચારોને વધાવો; પણ આચારોનું ઓડીટ કરો. તેમને ઉતારો ભલે આપો; પણ તેમની આરતી ના ઉતારો. ખાસ કરીને સ્ત્રીઓને કહેવાનું કહેવાનું મન થાય છે કે તમે મંદોદરી હો તે પાપ નથી; પણ રાવણે કરેલા સીતાહરણને છાવરો તે પાપ છે. તમારી આસ્તીકતાને અક્કલ જોડે બાર ગાઉનું છેટું ના હોવું જોઈએ. બજારમાંથી ખરીદેલા જુવાર, ચોખા કે ઘઉંને ચાળીને ઉપયોગમાં લેવાય છે. તેમ ધર્મના ઉપદેશોને પણ વીવેકબુદ્ધીની ચાળણીથી ચાળવા જરુરી છે. ઈશ્વર હોય કે નયે હોય; તોય તમારા મનની શાંતી ખાતર ઘર આંગણે તેને પુજતા રહેવામાં ખાસ નુકસાન નથી; પરન્તુ ઈશ્વરને હાંસીયામાં ધકેલી દઈ પાખંડી બાબાને પુજવા લાગો તે ચોવીશ કેરેટનું પાપ ગણાય. યાદ રહે કોઈ લંપટ શીયાળલુંટારાના હાથમાં મચ્છરની જેમ મસળાઈ જવામાં કોઈ ભક્તી નથી, કોઈ બુદ્ધી નથી, બલકે સમગ્ર નારીજાત માટે એ નીચાજોણું થાય તેવું શરમજનક કૃત્ય છે. બને તો બાબાને છોડી દઈ ઘરના વૃદ્ધ બાપાની સેવા કરો. તે સાચી કુટુમ્બભક્તી ગણાશે. ભક્તીમાં બુદ્ધી ભળવી જોઈએ દુર્બુદ્ધી નહીં. શાંતી મળવી જોઈએ; અશાંતી નહીં.
 
-દીનેશ પાંચાલ

 

1 ટિપ્પણી: