Translate

Saturday, May 25, 2013

જીવતીજાગતી વ્યક્તિ પર એસીડ ફેકાવાના કિસ્સા


जिससे प्रेम हो गया उससे द्वेष नहीं हो सकता चाहे वह हमारे साथ कितना ही अन्याय क्यों न करे - मुंशी प्रेमचंद

ટ્વીટર પર પ્રેમચંદની આ ઉક્તિ વાંચી તરત મને તાજેતરમાં બનેલા કેટલાક કિસ્સા યાદ આવી ગયા જેમાં પ્રેમી પ્રેમિકાના ચહેરા પર એસીડ નાંખી ભાગી ગયો .હવે આ વાંચી પ્રશ્ન એ થાય કે શું એવી વ્યક્તિને પ્રેમી કહી શકાય જે પોતાની પ્રેમિકા પર એસિડ નાંખી તેનો ચહેરો ખરાબ કરી નાંખે,માત્ર એટલા માટે જેથી પોતે તો તેને ન પામી શક્યો પણ અન્ય કોઈ પણ તેને હાંસલ ન કરી શકે.
પ્રેમીએ પોતાની પ્રેમિકા પર એસીડ છાંટ્યું હોય અથવા પ્રેમીએ પોતાની પ્રેમિકા પર ભાડુઆત ગૂંડા દ્વારા હૂમલો કરાવી તેનો ચહેરો ખરાબ કરી નાંખવાનું દુષ્ક્રુત્ય આચર્યું હોય - આવા અનેક કિસ્સાઓ અગાઉ પણ બની ગયાં છે અને દુ:ખદ બાબત એ છે કે બળાત્કારના કિસ્સાઓની જેમ આવા કિસ્સાઓનું પ્રમાણ પણ વધતું જાય છે.

મોટા ભાગના આવા કિસ્સાઓમાં ઝનૂની બની જનાર યુવકો એક તરફી પ્રેમમાં હોય છે યા તો કહો કે એકપક્ષી શારીરિક કે માનસિક ખેંચાણ,આકર્ષણ અનુભવતા હોય છે. તેમની લાગણીને પ્રેમ તો કઈ રીતે કહી જ શકાય?
 પ્રેમ તો એક સુંદર લાગણી છે,એક અવર્ણનીય હ્રદયસ્પર્શી અનુભૂતિ છે.એમાં સામેના પાત્રને જીવનમાં,વિશ્વમાં સૌથી અગ્રસ્થાને મૂકવાની ભાવના આવે છે.સામેના પાત્રના દોષો,ખામીઓ,નબળાઈઓ પણ પ્રેમમાં પડેલાને દેખાતા નથી.એટલે જ તો કદાચ પ્રેમાંધ એવો શબ્દ પ્રયોજવામાં આવે છે! પ્રેમમાં પડેલી વ્યક્તિ સામા પાત્રનું બુરૂ તો કઈ રીતે ઇચ્છી જ શકે?

મોટાભાગના અસીડ ફેંકાયા વાળા કિસ્સાઓમાં યુવકોને યુવતિઓ પસંદ કરતે નથી અથવા તેમને મચક આપતી નથી.આથી તે યુવકોનું પુરુષત્વ ઘવાય છે,તેમનો ભયંકર ઈગો હર્ટ થાય છે તેથી ઉશ્કેરાઈને તેઓ યુવતિને બરબાદ કરી નાંખવાના ચક્કરમાં આવું ઘાતકી પગલું ભરી બેસતા હોય છે.

બદનસીબે તેમની મેલી મુરાદ ફળે છે.કેટ્લાક કિસ્સાઓમાં યુવતિ મ્રુત્યુ પામે છે તો કેટલાક કિસ્સાઓમાં તે બચી તો જાય છે પણ તેમનો ચેહેરો એટલી હદે ખરાબ થઈ જાય છે કે બાહ્ય સૌંદર્યને જ સુંદરતા ગણતો આપણો સમાજ તે યુવતિને સ્વીકારતો નથી.આવી યુવતિ સાથે કોઈ જલ્દીથી પરણવા તૈયાર થતું નથી. આવી યુવતિને નોકરી પર રાખવા પણ મોટા ભાગની કંપનીઓ તૈયાર થતી નથી.

જરૂર છે આવી બદનસીબ યુવતિ પ્રત્યે ઘ્રૂણા કે જુગુપ્સા પૂર્વક જોવાને બદલે તેને સામાન્ય ગણી સમાજમાં સહજતાથી સ્વીકારવાની.આવી દુર્ઘટનાનો ભોગ બનેલી કેટલીક બહાદુર યુવતિઓએ સમાજમાં જાગ્રુતિ આણવાના એકાદબે કિસ્સા પણ મને વાંચ્યાનું યાદ આવે છે.

કેટલેક અંશે આવા કિસ્સાઓ બનવા પાછળ પુરુષપ્રધાન સમાજની સ્ત્રીઓને હલકી અને પોતાના કરતા નીચી ગણવાની વિક્રુત માનસિકતા પણ જવાબદાર છે.એક છોકરી મને કઈ રીતે જાકારો આપી જ શકે એમ વિચારી મોટા ભાગના યુવકો એસીડ ફેંકવા કે ફેંકાવવા જેવું હિચકારૂ ક્રુત્ય આચરતા હોય છે.આવા કિસ્સા બનતા રોકવા સમાજે સ્ત્રીઓ પ્રત્યે માનની દ્રષ્ટી કેળવવાની જરૂર છે.તેમને સમાન દરજ્જો,સરખું સ્થાન આપવાની જરૂર છે.

આવા કિસ્સાઓમાં પકડાઈ જનાર યુવાનોને કડકમાં કડક સજા અપાવી જોઇએ.આ સજા જાહેરમાં અપાવી જોઇએ અને સમયસર અપાવી જોઇએ જેથી સમાજમાં દાખલો બેસે.આ સજા એવી હોવી જોઇએ કે તે જોઇ અન્ય કોઇ આવું પગલું ભરવાની હિંમત ન કરે.એસીડ જેવી વસ્તુ સહેલાઈથી મળવી ન જોઇએ.સરકારે આવી વસ્તુ યોગ્ય ચકાસણી પછી જ જરૂરિયાતમંદ વ્યક્તિ કે કંપનીને મળી શકે તેવી ચુસ્ત વ્યવસ્થા કરવી જોઇએ.તે યોગ્ય પરવાનો ધરાવતી વ્યક્તિ કે દુકાન જ વેચી શકે તેવા કડક નિયમ બનાવવા જોઇએ.ગેરકાયદે આવા હાનિકારક પદાર્થ વેચવા માટે પણ અતિ સખત સજાની જોગવાઈ હોવી જોઇએ.
આવા કિસ્સાઓનો ભોગ બનેલી કમનસીબ યુવતિઓએ હિંમતપૂર્વક બાકીનું જીવન જીવવું જોઇએ.તેમણે દ્રઢ મનોબળ અને સ્વમાનભેર સમાજમાં પોતાની જગા બનાવવાના બધાં જ પ્રયત્નો ચાલુ રાખવા જોઇએ.આવી યુવતિઓને ઇશ્વર હિંમત અને આત્મવિશ્વાસ આપે અને સમાજને તેમને સહજતાથી સ્વીકારવાની સદબુદ્ધિ એ જ પ્રાર્થના...

1 comment:

  1. Saddened to know that one such poor innocent victim girl Preeti Rathi on whose face Acid was thrown by someone at Bandra Terminus Station one month back, died on 01-Jun-2013.I pray for her soul. Culprits not even identified even after the month. Hope he is caught soon and receives harshest punishment.

    ReplyDelete