આસામ,બિહાર,ઝારખંડ,મધ્યપ્રદેશ
સહિત ભારતના અનેક રાજ્યોમાં
ગીચ જંગલોમાં થઈને રેલવે ટ્રેક
પસાર થતાં હોય છે.આ ગીચ જંગલોમાં
માનવ વસ્તી ઓછી હોવાને
લીધે કદાચ ગાડી પૂરપાટ
ભગાવવામાં આવતી હોય છે
પણ અહિ સ્વાર્થી અને
અવિચારી સત્તાવાળાઓ અને એ ગાડી
હંકારનારા ડ્રાઈવર્સ એ હકીકત ભૂલી
જતાં હોય છે અથવા કદાચ
એ હકીકત સામે આંખ આડા કાન
કરતાં હોય છે કે
એ ગીચ જંગલોમાં, પ્રુથ્વી
પર મનુષ્ય જેટલો જ
જીવવાનો અબાધિત અધિકાર ધરાવતા
પ્રાણીઓ વસતા હોય છે.
જંગલ જેનું ઘર હોય
એવા પ્રાણીઓ જ્યારે પોતાના વિસ્તારમાં
એક જગાએથી બીજી જગાએ
ચાલીને જતા હોય અને
ત્યાં તેમના માર્ગમાં વચ્ચે
રેલવે પાટા પરથી પૂરપાટ
ઝડપે પસાર થતી ગાડી
આવી જાય ત્યારે ભયંકર
અકસ્માત સર્જાતો હોય છે અને
ત્યારે ગાડી કે મનુષ્યને
તો દેખીતું કોઈ નુકસાન થતું
નથી પણ એક કે ક્યારેક એક કરતાં વધુ અબોલ સજીવો પોતાનો
જીવ ગુમાવી બેસે છે
અથવા ગંભીર રીતે ઘાયલ
થઈ જાય છે.પોતાના
કોઈ જાતના ગુના વગર
તેમને સજા મળે છે.
ગયા
સપ્તાહે જ અખબારમાં ત્રણ
હાથીઓના રેલવે ટ્રેક પાસે
પડેલા શબ જોઈ કાળજુ
કંપી ગયું.અન્ય એક
હાથી બૂરી રીતે ઘાયલ
થયો હતો. હાથીઓ મોટે
ભાગે ટોળામાં જ રહેતા - ચાલતા
હોય છે.તેથી આ
ગમખ્વાર અકસ્માતમાં ત્રણ હાથી મ્રુત્યુ
પામ્યાં અને એક હાથી
ઘાયલ થયો હતો.આ
દુર્ઘટના પશ્ચિમ બંગાળના જલ્પાઈગુડી
જિલ્લાના બનાર્હટ વિસ્તારના જંગલમાં બની હતી પણ આવા કિસ્સા અગાઉ
પણ અનેક વાર બન્યાં
છે અને છાપાંઓમાં તેના
જુગુપ્સા પ્રેરક ચિત્રો છપાયાં
બાદ ભૂલાઈ ગયાં છે.
આપણે
વિદેશી પ્રજા પાસેથી આ
અંગે કંઈક ચોક્કસ શીખી
શકીએ.
હિંદી
મહાસાગરમાં આવેલા ક્રિસ્મસ આઈલેન્ડ
નામના ઓસ્ટ્રેલિયન ટાપુ પર મનુષ્યો
સહિત અનેક અન્ય જાતના
પ્રાણીઓ અને વનસ્પતિ જીવે
છે.આ ટાપુઓ અહિં
વસતા ખાસ પ્રકારનાં લાલ
કરચલાઓ માટે વિખ્યાત છે.તેમની સંવનનની રૂતુમાં,
આ કરચલાઓ લાખોની સંખ્યામાં
જંગલમાંથી દરિયા કિનારા તરફ
સ્થળાંતર કરે છે. આ
ખાસ રૂતુમાં ત્યાંની સરકાર અમુક રસ્તાઓ
વાહન વ્યવહાર માટે સાવ બંધ
કરી દે છે. ક્રિસ્મસ
આઈલેન્ડમાં ત્યાંની સરકારે અન્ય કેટલાક માર્ગ પર ખાસ કરચલાઓ માટે આખા પુલ કે જમીનની
નીચે (અન્ડરગ્રાઉન્ડ) ટનલ્સ બનાવ્યા છે જ્યાંથી પસાર થતાં કરચલાઓ વાહનો નીચે ચગદાઈ
મરતા નથી અને આમ હજારો કરચલાઓનાં જીવ બચી જાય છે.
(ખાસ પ્રકારના આ કરચલાઓ અંગે
વધુ માહિતી મેળવવા અને
તેમના રંગીન ફોટોગ્રાફ્સ જોવા
http://www.amusingplanet.com/2011/11/christmas-island-is-small-australian.html વેબસાઈટની
મુલાકાત લો.)
ભારતમાં
બને છે તેમ આફ્રિકામાં
પણ હાથીઓ અને જંગલો
વચ્ચેથી પસાર થતા રસ્તાઓ
પરના વાહનો વચ્ચે ટક્કર
થતી હતી.કેન્યાના ઉત્તર
પ્રાંતમાં હાથીઓની સુરક્ષા કાજે ત્યાંની સરકારે
આશરે ૧૦લાખ ડોલરના ખર્ચે
ભૂગર્ભમાંથી પસાર થતો પુલ
(અન્ડરપાસ) બનાવી દીધો છે
જેથી ઉપર રસ્તા પરથી
વાહનો અને નીચે બોગદામાંથી
હાથીઓ સુરક્ષિત રીતે પસાર થઈ
શકે.
નેધરલેન્ડના
હાઈવે અ-૫૦ પર સતત વાહનોના ટ્રાફીક જામ હોય છે,એ હાઈવેની બંને બાજુએ વિશાળ જંગલ પથરાયેલું
છે.હરણ,ત્યાંનું સ્થાનિક પશુ બેજર,જંગલી ભુંડ વગેરે રસ્તો ક્રોસ કરતે વખતે ઘણી વાર
અકસ્માતનો ભોગ બનતાં હતાં.પરિણામે નેધરલેન્ડની સરકારે ત્યાંના હાઈવે પર નાના મોટા ૬૦૦
પુલ બનાવડાવ્યા છે.વળી પુલો ક્રુત્રિમ ન લાગે અને પ્રાણીઓ તેમનો સહજતાથી ઉપયોગ કરી
શકે એ માટે તેના પર હરિયાળી પણ ઉગાડવામાં આવી છે.અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં
અનેક કાચિંડાઓ રસ્તો ક્રોસ કરતે વેળાએ વાહનો નીચે આવીને ચગદાઈ મરતાં હતાં.એ એન્કાઉન્ટર્સ
ન થાય એ માટે ત્યાંની સરકારે ઠેર ઠેર એ રસ્તાઓ પર ટનલ્સ તૈયાર કરાવી છે.
કેનેડાના
આલ્બર્ટામાં આવેલા બાન્ફ નેશનલ પાર્ક ખાતે,જર્મનીના બિર્કેનાઉ,અમેરિકાના ન્યુજર્સી
ખાતે સ્કોચ પ્લેન્સમાં અને વોચતુંગ રીઝર્વેશન ખાતે ઇન્ટરસ્ટેટ ૭૮માં,બેલ્જિયમ ખાતે
ઈ-૩૧૪,અમેરિકાના મોન્ટાના ખાતે ફ્લેટહેડ ઇન્ડિયન રીઝર્વેશન ખાતે,નેધરલેન્ડના બોર્કેલ્ડ
ખાતે,અમેરિકાના વોશિંગ્ટન ખાતે કીચેલસ સરોવર નજીક આવા ખાસ પ્રાણીઓ માટેના પુલ બનાવાયા
છે અથવા બનાવાઈ રહ્યા છે. (પ્રાણીઓ
માટેના પુલની તસવીરો જોવા
માટે
http://twistedsifter.com/2012/07/animal-bridges-around-the-world વેબસાઈટ વિઝીટ કરો.) વિશ્વમાં
અનેક જગાએ પ્રાણીઓની સુરક્ષા માટે હાઈવે અને સંવેદનશીલ માર્ગો પાસે સચેત રહેવાનો સંદેશ
આપતા અર્થસભર હોર્ડીંગ્ઝ અને બેનર્સ લગાડેલા પણ જોવા મળે છે.
આપણાં
દેશમાં તો ગાયમાં ૩૩કરોડ દેવીદેવતાઓનો વાસ હોવાનું મનાય છે અને તેની પૂજા કરાય છે.
નાગપંચમી જેવા તહેવારો ફક્ત નાગની પૂજા કરવા મનાવાય છે અને અનેક જગાઓએ ગોગમહારજના મંદિરો
બનવી ત્યાં નાગદેવની પૂજા થાય છે.આ બધું કરવાની સાથે આપણી સરકાર જો પ્રાણીઓ માટે, તેમની
સુરક્ષા માટે પગલાં લે તો આપણે સાચા અર્થમાં તેમનાં માટે કંઈક કર્યું લેખાય. આપણી
ભ્રષ્ટાચારથી ખદબદતી સરકાર જેમાં
ઘાસચારા કૌભાંડો સર્જાય છે ત્યાં
માણસો માટે પુલ બનાવવામાં
પણ વર્ષો લાગી જતાં
હોય અને અનેક ગેરરીતિઓ
આચરવામાં આવતી હોય ત્યાં
પ્રાણીઓ માટે અલાયદા પુલ
બાંધવાની વાત સ્વપ્નવત લાગે
છે!પણ આશા રાખીએ
કે એ સ્વપ્ન પૂર્ણ
થાય અને એટ લીસ્ટ
જંગલમાંથી પસાર થતી ગાડીઓના
ડ્રાઈવર્સને ભગવાન એટલે સદબુદ્ધિ
આપે કે તેઓ રેલવેની
ગાડી કે અન્ય વાહનની
સ્પીડ ધીમી રાખે જેથી
કોઈ નિર્દોષ પશુ પોતાનો જીવ
ન
ગુમાવે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો