Translate

મંગળવાર, 11 જૂન, 2013

પુષ્પોનું સુંદર વિશ્વ

     મને ઝાડછોડ વાવવાનો ઘણો શોખ છે. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો નહિ,ત્યાં આંગણામાં બગીચો બનાવવાની તો કલ્પના જ કરવી રહી! આમ છતાં મારા ઘરની આસપાસ તેમજ ગેલેરીમાં મેં દસેક કુંડાઓમાં તુલસી, બારમાસી,મની પ્લાન્ટ,સુશોભન તેમજ વાસ્તુ માટે સારા ગણાતા બામ્બુ(વાંસ) પ્લાન્ટ્સ,એક નાનો લીમડો,પથરીના પાનનો છોડ,તીવ્ર સુગંધ વાળા અજમાના પાન ધરાવતો છોડ અને બીજા મને નામ નથી ખબર તેવા અન્ય ત્રણચાર છોડ વાવ્યાં છે અને તેમને હું ઘણાં પ્રેમથી ઉછેરું છું. હવે આમાં એક ઘાસ જેવો દેખાતો અંગ્રેજીમાં લીલી નામે ઓળખાતા સુંદર નાજુક ફૂલોનો છોડ છે જે મને વિશેષ પ્રિય છે. આ ફૂલોની ખાસિયત એ છે કે તેમનો વરસાદ સાથે કોઈક અનેરો સંબંધ છે.વર્ષારૂતુની શરૂઆતમાં જ ઘાસ જેવા દેખાતા આ છોડ પર ઘણાં બધાં ગુલાબી ફૂલો આવે છે જે અતિ નાજુક અને સુંદર હોય છે. દિવસ થતાં આ પુષ્પો ખીલે અને સાંજ સુધીમાં ફરી બિડાઈ જાય અને આ પુષ્પોનું આયુષ્ય એક જ દિવસનું. વર્ષારાણીનું આગમન થઈ ચૂક્યા બાદ એક નાના કૂંડામાં વાવેલા છોડને સતત સાત-આઠ દિવસ સુધી દસ-બાર ફૂલો રોજ આવે! અને એ કૂંડુ સુંદરતાથી ઘેરાઈ જાય!


 હવાની લહેરખી સાથે મંદ મંદ ઝૂમતાં આ ફૂલો જાણે આસપાસના અન્ય છોડવા અને ફૂલો સાથે વાતચીત કરતા દેવદૂત સમા લાગે! લીલીના ફૂલ સફેદ રંગના પણ હોય છે. લીલીના ફૂલનું કદ સાવ નાનું પણ તેની સુંદરતા અપાર! બારમાસીના ફૂલ જેવડું જ તેમનું કદ.તેને પાંચ-છ ગુલાબી પાંખડી અને વચ્ચે  નાજુક નાનકડી બે-ચાર દાંડીઓનાં અગ્ર ભાગ પર પીળા રંગના તંતુઓ જોવા મળે. આ ફૂલને ભગવાને સુગંધ નથી આપી પણ તેમનામાં અને કમળના પુષ્પોમાં ઘણી સામ્યતા લાગે. લીલી જાણે કમળની મીની આવ્રુત્તિ જોઈ લ્યો! લીલીના ફૂલ સફેદ રંગના પણ થાય છે.માત્ર ફરક એટલો કે ગુલાબી પાંખડીઓની જગાએ તેમની પાંખડીઓ સફેદ રંગની હોય છે. મારી ઓફિસની એક મિત્રને મેં ગુલાબી લીલીના છોડ આપી તેની પાસેથી સફેદ લીલીના છોડ મેળવ્યા છે પણ તેમાં હજી આ વર્ષારૂતુનાં ફૂલ આવ્યાં નથી અને હું મારા ગુલાબી અને સફેદ લીલી પુષ્પોને વધાવવા આતુર છું!

     પાડોશમાં એક જગાએ બ્રહ્મ કમળ નામનું એક સફેદ રંગનું પુષ્પ થાય છે જેની ખાસિયત એ છે કે તે પણ વર્ષમાં એક જ વાર ખીલે છે અને તે પણ મધ્યરાત્રિને સમયે!ગયા વર્ષે હું એ જોવામાં મોડો પડ્યો અને બીજે દિવસે રાત્રે ખબર પડી એ તે ફૂલ વર્ષમાં એક જ વાર એક રતે ખીલે છે અને તે તોડીને મંદિરમાં મહાદેવને ચડાવી દેવાયું હતું. હવે જોઇએ આ વર્ષે એ પુષ્પના દર્શન થાય છે કે કેમ!
કમળ બે પ્રકારના હોય છે એક રાત્રે ખીલનારા અને બીજાં દિવસે ખીલનારા.આ ફૂલનું સૌંદર્ય એટલું અદભૂત હોય છે કે પેલા એક સંસ્ક્રુત શ્લોકમાં કહ્યા મુજબ ભમરો ઉડી જવાને બદલે તેના મોહાકર્ષણમાં, તે બિડાઈ જવાનું હોય ત્યારે તેમાં કેદ થઈ મોત વહાલું કરે છે!
એક કમળનું ફૂલ એવા પ્રકારનું પણ થતું સાંભળ્યું છે જે બાર વર્ષે એક જ વાર ખીલે છે!
     પુણે પાસે 'કાસ' નામનો એક સપાટ મેદાન જેવો પ્રદેશ છે.જ્યાં ચોમાસું પૂરું થવા આવે તે સમયે ખાસ પ્રકારના ફૂલોની મખમલી ચાદરથી એ આખો પ્રદેશ છવાઈ જાય છે. જાંબલી અને ગુલાબી રંગના ફૂલો.જ્યાં સુધી દ્રષ્ટી જાય ત્યાં સુધી ફૂલો અને માત્ર ફૂલો! આ ચોમાસું પૂરું થયે આ પ્રદેશની મુલાકાત લેવા જેવી ખરી.પણ એક વાત યાદ રાખવી કે અહિં જતા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અથવા તમે બી.એન.એચ.એસ. જેવી સંસ્થાનો સંપર્ક કરી શકો જે ત્યાંના પ્રવાસનું આયોજન કરતે હોય છે.( આ જગા વિશે વધુ માહિતા મેળવવા અને ત્યાંની કેટલીક સુંદર તસ્વીરો જોવા http://www.placesnearpune.com/2010/09/kaas-plateau-maharashtra-valley-of-flowers/   આ વેબસાઈટની મુઆકાત લો.)

     ઉત્તરાખંડ રાજ્યમાં તો ‘વેલી ઓફ ફ્લાવર્સ’ તરીકે ઓળખાતી આખી ફૂલોની ખીણ છે જેના વિષે મેં ફક્ત સાંભળ્યુ જ છે.મૈસૂરના વૃંદાવન ગાર્ડન અને ઊટીના ફૂલોના બગીચાઓ પણ મેં હજી સુધી જોયા નથી. આ પ્રદેશોની અને ઉદ્યાનોની મુલાકાત એક વાર તો ચોક્કસ લેવી જ છે અને કાશ્મીરમાં થતા કાળા ગુલાબ અને બાર વર્ષે એક જ વાર ખીલતા પેલા બ્રહ્મકમળને  પણ એક વાર પ્રત્યક્ષ નિહાળવાની ઇચ્છા ખરી!


May Flower picture shared by Dr. Bharat Palan (see comments of this blog for more details). This flower also blooms only once a month in May every year :

5 ટિપ્પણીઓ:

  1. સદનસીબે હું એક ટેરેસ ફ્લેટમાં રહું છું અને મેં મારી ટેરેસમાં પચાસેક છોડ વાવ્યાં છે.તેમાં એક 'મે ફ્લાવર' તરીકે ઓળખાતા ફૂલોનો છોડ છે જેમાં નામ પ્રમાણે ફક્ત મે મહિનામાં જ વર્ષમાં એક જ વાર ફૂલ આવે છે.મેં જ્યારે આ છોડ રોપ્યો હતો ત્યારે તેને એક ફૂલ આવ્યું હતું.તે પછીના દરેક વર્ષે ફૂલોની સંખ્યા ક્રમશ: વધતી ગઈ છે. હવે આ છોડને લગભગ ૨૦ જેટલાં ફૂલ આવે છે,એકી સાથે નહિ,પરંતુ બે -બે ની જોડીમાં.એક જોડી કરમાઈ જય એટલે બીજી જોડી ખીલે.આમ આખો મે મહિનો અમે આ ફૂલોની કુદરતી સુંદરતા દ્વારા પ્રક્રુતિનું સામીપ્ય માણીએ છીએ!આ ફૂલનો ચાલુ વર્ષના મે માસમાં ખીલેલા પુષ્પોની તસવીર જોડી છે.
    - ડો.ભરત પાલન

    જવાબ આપોકાઢી નાખો
  2. તમે ઘણાં લોકોને બ્લોગના માધ્યમથી કાસ - પઠાર સતારા વિસ્તારની મુલાકાત, યોગ્ય રૂતુ પ્રમાણે,યોગ્ય સમયે લેવાનું સૂચન કર્યુ એ બદલ તમારો આભાર!
    અમે ગયા ઓગષ્ટ માસમાં (૧૬-ઓગષ્ટ-૨૦૧૨ ના દિવસે)અમારી કારમાં આ જગાની મુલાકાત લીધી હતી,પણ ત્યાં અમને ફૂલો જોવા ન મળતાં,અમે ખૂબ નિરાશ થયાં.ગાઢ ધુમ્મસ અને ઠંડો પવન સૂસવાટા ભેર ફૂંકાતો હતો.રસ્તા પણ ખૂબ સાંકડા અને માર્ગમાં કોઈ જગાએ આશ્રય લઈ શકાય તેવી વ્યવસ્થાના અભાવે અમે ખૂબ હેરાન થયાં.અમને વિચાર આવ્યો કે અમે ત્યાં ગયા જ શા માટે?અમારી જેમ બીજા પણ ઘણાં તે સમયે ત્યાંની મુલાકાતે આવેલા લોકો નિરાશ થયાં.
    - વિનોદ શાહ અને પરિવાર

    જવાબ આપોકાઢી નાખો
  3. વિનોદભાઈ, જાણીને દુ:ખ થયું કે કાસ પ્રદેશમાં ફૂલોનું અદભૂત સૌંદર્ય માણવાનું, તમે યોગ્ય સમયે ન જતાં, ચૂકી ગયાં.બ્લોગમાં જણાવ્યા મુજબ કાસ પ્રદેશમાં ફૂલો ચોક્કસ સમયે જ, વર્ષા રૂતુ પૂર્ણ થયા બાદ આવે છે.ઓનલાઈન તપાસ કરીને કે બી.એન.એચ.એસ. જેવી સંસ્થાનો સંપર્ક કરીને ફૂલો ખીલ્યાં છે કે નહિ તેની તપાસ કર્યા બાદ જ આટલે લાંબે અંતરે આવેલી જગાએ જવું સલાહભર્યું છે.
    અને કુદરતનું સૌંદર્ય માણવા ગયા હોવ ત્યારે નસીબ સાથ આપતું હોય એ ખૂબ જરૂરી છે! ઘણી વાર વાઘ કે સિંહ જેવા પશુઓ જોવા જંગલમાં સફારી ટ્રીપ પર જઈએ પણ એકેય પશુ જોવા જ ન મળે એવું બને! આપની સાથે પણ કંઈક આવું થયું!
    આ વર્ષે સપ્ટેમ્બર માસમાં ફરી પ્રયાસ કરજો! હું ઇચ્છું છું કે આ વખતે આપને નિરાશા ન સાંપડે અને ફૂલોની સુંદર સૃષ્ટિનું દર્શન આપના મનને પ્રસન્નતાથી ભરી દે! મને પણ જો જાણ થઈ કે ફૂલો ખીલવાની શરૂઆત થઈ છે તો હું બ્લોગથકી સર્વે વાચકોને જાણ કરવા પ્રયત્ન કરીશ.
    - વિકાસ નાયક

    જવાબ આપોકાઢી નાખો
  4. વિકાસભાઈ,
    તમે ખુબ જ સુંદર વિચારો છો અને લખો છો...ગુડ લક!!!
    - ઉમેદ નંદુ

    જવાબ આપોકાઢી નાખો
  5. પ્રિય વિકાસભાઈ,
    હું તમારા બ્લોગ્સ નિયમિત વાંચુ છું.તા.૯મી જૂનના પ્રકાશિત થયેલ તમારો લીલીના સુંદર પુષ્પો પરનો બ્લોગ મને જૂના સંસ્મરણો તાજા કરાવી ગયો!ઘણાં વર્ષો સુધી મારે ઘેર આછા ગુલાબી રંગના લીલી પુષ્પોના રોપ હતાં.એક દિવસ મારા હાથમાં ખૂબ ભપકાદાર પીળાચટ્ટક રંગના લીલી પુષ્પોના બીજ આવી ગયાં.અહિં ભપકાદાર અને પીળાચટ્ટક શબ્દો આ ફૂલોની સુંદરાતા વર્ણવવા જ વાપ્ર્યાં છે!કદાચ આ શબ્દો પણ એ સુંદરતાનું વર્ણન કરવા ઓછા પડે!મેં આટલા સુંદર રંગ ધરાવતા બીજા કોઈ પુષ્પો હજી સુધી જોયાં નથી.છેલ્લા લગભગ એકાદ દશકાથી તેઓ મારા ઘરના બગીચાની શોભા વધારી રહ્યાં છે.આ દર્મ્યાન મેં બે ઘર બદલ્યા છે પણ આ ફૂલો સાથેનો મારો ઘનિષ્ઠ સંબંધ એવો જળવાઈ રહ્યો છે કે દરેક ચોમાસાની શરૂઆતમાં તેઓ મારા ઘેર ખીલ્યા ન હોય એવું બને જ નહિ!આસપાસના કૂંડામાં પણ તેના બીજ આપમેળે પડીને ત્યાં પણ લીલીના ચૂઓડ ઉગી નિકળ્યાં છે.હું શક્ય હશે તો આ ફૂલોની તસવીરો અને બીજ તમને મોકલવા પ્રયત્ન કરીશ.આભાર!
    - દિપાલી સંઘવી (ઇમેલ દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો