Translate

શુક્રવાર, 28 જૂન, 2013

ગેસ્ટ બ્લોગ : વસ્તીની પેલે પાર ....

         - ખેવના દેસાઈ


“જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં
લાગે છે તનેય દૂરના ચશ્માં છે ઈશ્વર….”

સૌમ્ય જોશીની આ પંક્તિઓમાં આવતી એ દૂર ની વસ્તી તરફથી જો ઈશ્વર પણ મોં  ફેરવી લેતો હોય તો આપણે? બારીના કાચ કે  નાકનું  ટીચકું ચડાવતાં  અધખુલ્લી આંખમાંથી કે હૃદયનાં પટ પરથી એ આખું દ્રશ્ય ભૂંસી નાખવા મથતા  હોઈએ છીએ. એ વસ્તી, ગંદવાડ, મંદવાડ કે  અંધકાર હંમેશા આપણી  આસપાસ છતાં આપણાંથી જોજન દુર હોય એવી ભ્રમણા છે . પણ એનું હોવું એ એક કટુ સત્ય છે. પણ આ કટુતા જો આકર્ષણનું કેન્દ્ર બની જાય તો? એ જોજન દુર એવા સત્ય ને નજીકથી અનુભવવા, કઈ કેટલાય જોજનોનું ભૌતિક  અંતર કાપવા આજે ધાડેધાડા તૈયાર છે એની જાણ  છે તમને?
ઝૂંપડપટ્ટી પર્યટન, સાંભળવામાં જેટલું અજુગતું લાગે છે એટલું જ આ પર્યટનનું ક્ષેત્ર પ્રખ્યાત છે, દક્ષિણ આફ્રિકા ના  રાયો- દ-જનારીઓ માં 15 વર્ષ પહેલા આ જુવાળ શરૂ  થયો હતો જે આજે  કૂદકે ને ભૂસકે વધતો લાખો  રૂપિયાનો  ઉદ્યોગ બની ગયો છે . આફ્રિકા જ્યાં કુદરત એની સોળે કળાએ ખીલી છે.  ત્યાંજ ગરીબી ને ભૂખમરો પણ ચોમેર પોતાનું સામ્રાજ્ય ધરાવે છે . આવા વિરોધાભાસી વાતાવરણ વચ્ચે વિક્ટોરિયા સફારી અને નૈરોબી ટુરીઝમ એડવેન્ચર જેવી સંસ્થાઓ એ ગરીબી ને ભૂખમરાનું પ્રદર્શન કરી રોકડો વેપલો કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે એકલા કેપ ટાઉન માં 2006 માં 3 લાખ  પર્યટકો એ આ ઝૂંપડપટ્ટી પર્યટનનો આનંદ માણ્યો હતો . અને આ જુવાળ હવે આફ્રિકા જ નહિ પણ દ .અમેરિકા નાં મેક્સિકો કે એશિયા નાં મનીલામાંય ધૂમ મચાવી રહ્યું છે .
પણ એ તો બધું ત્યાં  થાય છે પણ એમાં આપણે શું? પણ આમાં તો આપણું  લાડીલું શહેર પણ અપવાદ નથી . મુંબઈ ની 40% વસ્તી જ્યાં રહે છે તે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાંની એક ધારાવી તો આ ધંધાનું એક મુખ્ય કેન્દ્ર છે. ચામડાની પર્સ કે માટીના ઘડાની ખરીદી  સિવાય ક્યારેય ધારાવી જોયું છે? લગભગ 6 લાખ લોકો જ્યાં  1500 નાના મોટા ઉદ્યોગો કરી પેટીયું રળે છે એ વસ્તી પીવાના પાણી ની વાત જવા દો  સૂર્ય ના એકાદ કિરણથીયે વંચિત છે ..તો  એવી પ્રજા ને મળવાનું મન થાય ખરું? ખબર છે મને કે ગમે તેટલા પરદુઃખભંજન હશો તોય ના જ પાડશો તો પછી આ ઝૂંપડપટ્ટી પર્યટન કોને માટે? ચકચાર જગાવવા જાણીતી મીડિયા માટે કે બીજા ને દુઃખી જોઈ દુઃખી થતા સમાજ સેવકો માટે?. ..ના રે ના પર્યટન તો આનંદ પ્રમોદ માટે હોય, ખરું ને?
છેલ્લા 8 વર્ષથી ધારાવીનું પર્યટન કરાવતા "રીઆલીટી ટુર્સ  એન્ડ ટ્રાવેલ્સ"નાં  મતે  આ તો મુંબઈનાં પ્રવાસનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે. મુંબઈ આપણા  ભારતીયો માટે સ્વપ્નનગરી છો હોય દરિયા પાર ના પ્રવાસીઓ માટે તો એકમાત્ર ધારાવી જ સાહસ અને ઉત્તેજનાનું સરનામું છે . આ પર્યટનમાં ભાગ લેનારાઓ માં 95% પશ્ચિમ દેશોમાંથી આવતાં પ્રવાસીઓ છે જેને જીવનની  "રીઆલીટી" ને ખુબ નજીકથી જોવી છે. એમના દેશ માં ટીવી પર અવારનવાર દેખાડાતી ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવાતી વરવી ગરીબી ની વાસ્તવિકતા જોવી છે . અને પોતે એ વાસ્તવિકતાથી પર,  ઘણે અંશે સમૃદ્ધ છે એનો છીછરો સંતોષ લેવો છે.
રીઆલીટી ટુર્સ વાળા આ કામ સુપેરે કરી જાણે છે .ધારાવી અને આસપાસના વિસ્તારની સાથે ધોબી ઘાટ અને ગ્રાન્ટ રોડનાં  કમાટીપુરા પણ તેમના "રિઅલ એક્સ્પિરીંયન્સ"નાં પેકેજ માં આવરી લેવામાં આવે છે. વૈભવી હોટેલમાંથી પીક અપ અને એ.સી. ગાડી માં પ્રવાસ જેવા ડીંડાણા સાથે આ ટુર્સ ગજવા ભરે છે. પ્રવાસીઓની જીજ્ઞાસા સંતોષવા  એકાદ 'ખોલી' ભાડે રાખી તેનું અવલોકન અને તેની પતરા ની છત પરથી આસપાસ નો નઝારો જોવાની વ્યવસ્થા પણ છે . ટુર ગાઈડનાં કહેવા પ્રમાણે આ તો 5-સ્ટાર સ્લમ છે અહીના ઘરોમાં ટીવી છે, ફ્રીજ છે ને વિસ્તારમાં પોતાનું જીમ પણ છે પણ એને કોઈ પૂછતું નથી કે સ્વચ્છતા, પાણી કે સૂર્યપ્રકાશ નો વૈભવ ક્યાં? પ્રવાસીઓ ક્યારેક નિરાશ પણ થાય છે કારણકે એ લોકો  તો ભૂખ્યા-નાગા છોકરા અને ગંદા ગોબરા માણસો જોવાની આશાએ  આવ્યા હોય છે અને એ ક્યાંક પૂરી ના થતા રંજ અનુભવે છે .
મારા દેશની, મારા શહેર ની ગરીબી એક વરવા મનોરંજનનું સાધન બની જાય એ મને માન્ય નથી. મારા દેશવાસીનાં  ઉઘાડા ઘરો માં ડોકિયા કરીને, ફોટા પાડીને એ વેચીને ખિસ્સા ભરવાની ધ્રુણાસ્પદ માનસિકતા અસહ્ય છે . એક આવીજ વસ્તીના રેહવાસીનું વેધક વિધાન કે "એ લોકો અમારો ફોટો પાડીને લઇ જાય છે ને છોગાં માં અમારું સ્વમાન પણ" કેટલું પીડાદાયી છે!   મૃત્યુ કે માંદગીની જેમ ગરીબીનો મલાજો રાખવો  જરૂરી નથી? અશ્લીલ દ્રશ્યો જ નથી હોતા માનસિકતા પણ હોય છે . વધુ ગરીબ કોણ છે વસ્તી ની પેલે પાર રહેતા કે પછી????
                                                                                                                                                                                                                                         - ખેવના દેસાઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો