Translate

સોમવાર, 1 જુલાઈ, 2013

દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યો


કેટલાક માણસોમાં ભગવાન વસતા હોય છે. હું બિલકુલ અંધશ્રદ્ધાળુ નથી. એટલે કોઈના શરીરમાં ભગવાન રૂપી પવન આવે છે કે કોઈ બાબા કે માનવદેહ ધારણ કરેલ કોઈ સંતમહાત્મા પરમેશ્વર હોવાનો દાવો કરતા હોય એવી એવી વાતોમાં હું વિશ્વાસ ધરાવતો નથી.પણ અહિં હું કેટલાક અસામાન્ય માનવતા ધરાવતા દૈવીગુણોથી સજ્જ  મનુષ્યોનો ઉલ્લેખ કરી રહ્યો છું જેવાકે મધર ટેરેસા. રસ્તે રઝળતા કુષ્ઠરોગીને ભલા કોણ અનુકંપાથી પ્રેરાઈ વહાલપૂર્વક ભેટી શકે?

આવા દૈવીગુણો ધરાવનાર ચાકો દંપતિની ગયા વર્ષે વાત કરી હતી જે મલાડ(પશ્ચિમ)માં દયાવિહાર અનાથાલય ચલાવે છે.ત્યાં મેં અને મારા પરિવારે મારી નાનકડી વ્હાલસોયી દિકરી નમ્યાની દ્વિતીય વર્ષગાંઠ ઉજવેલી. આ અનાથાલયમાં જેમ જોન અને મારિયા ચાકો પોતાના સગા પુત્રો સહિત વીસથી વધુ અનાથ છોકરાઓનો વહાલપૂર્વક ઉછેર કરે છે તેમજ મલાડ પૂર્વમાં પઠાણવાડી નજીક આવેલા દિંડોશી નગરમાં સ્થિત એક કન્યાલય સ્થાપી શ્રી વિજય કરાન્ડે અને તેમની પત્નીએ પોતાના પરિવારમાં ૨૬ અનાથ કે અતિ ગરીબ છોકરીઓનો સમાવેશ કર્યો છે. આ કન્યાલય નું નામ છે “સામાજિક વિકાસ કેન્દ્ર - ડ્રીમ્ઝ હોમ”. છેલ્લા દોઢ દાયકાથી પણ વધુ સમયથી સમાજસેવાના કાર્યોમાં જોડાયેલા છે.આજે આ બ્લોગમાં નમ્યાના ત્રીજા બર્થડેની ઉજવણી ડ્રીમ્ઝ હોમમાં અન્ય વીસેક હોંશિયાર અને સુસંસ્કારી કન્યાઓ સાથે કઈ રીતે કરી તેની વાત વિજયભાઈની અન્ય કેટલીક સામાજિક પહેલ અને સત્કાર્યો વિષેની વાત સાથે કરવી છે.

આ ડ્રીમ્ઝ હોમના  સ્થાપક અને સેક્રેટરી એવા વિજયભાઈ આ કન્યાલય સાથે જ કિશોરો અને યુવાન છોકરાઓ માટેનું પણ એક અલગ ગૃહ મલાડ પશ્ચિમ ખાતે ચલાવે છે અને વૃદ્ધો અને વૃદ્ધાઓ માટના પણ અલગ અલગ ગૃહોનું સુસંચાલન પોતાના સ્ટાફની મદદથી કરે છે.

નમ્યાની વર્ષગાંઠ આ વર્ષે પણ ચીલાચાલુ રીતે ન ઉજવવાનો નિર્ણય કર્યો અને ગૂગલ પર મલાડ નજીકના અનાથાલય તેમજ બાળગૃહોની શોધ આદરી અને મને ડ્રીમ્ઝ હોમ વિશે માહિતી મળી.ફોન પર તેમની પરવાનગી લઈ,ઓનલાઈન કેક નો ઓર્ડર આપી દીધો.સુરક્ષા કારણો સર ત્યાં તેઓ બહારનો નાસ્તો સ્વીકારતા ન હોઈ,માત્ર કેક અને બિસ્કીટ્સ લઈ જવાનો નિર્ણય કર્યો અને ૨૫મી જૂનની સાંજે મારા પરિવાર તેમજ મિત્રવર્તુળમાંથી થોડાં સ્વજનો સાથે પહોંચી ગયા અમે ડ્રીમ્ઝ હોમ.ત્યાં લગભગ પચ્ચીસેક છોકરીઓ હાજર હતી.ચાર થી માંડીને સોળેક વર્ષની વયની આ બાળાઓ એટલી સુસંસ્કારી હતી કે અમે બધાં તેમના થી ખૂબ પ્રભાવિત થઈ ગયાં.બધી બાળકીઓએ વારાફરતી પોતાના નામ અને કયા ધોરણમાં અભ્યાસ કરે છે તે જણાવ્યું.જ્યારે બે ત્રણ બાળાઓએ પોતાનો પરિચય આપતી વેળાએ જણાવ્યું કે પોતે પોલીસ,ડોક્ટર અને ટીચર બનવા ઇચ્છે છે ત્યારે અમે સૌ તાળી પાડી તેમને બિરદાવી રહ્યાં!પછી નમ્યા એ કેક કાપી અને તે સૌ બાળાઓએ શુભેચ્છા પ્રાર્થના ગાઈ.પછી તો અમે અંતાક્ષરી રમ્યાં અને અન્ન ગ્રહણ કરતાં પહેલા ગવાતી પ્રાર્થના ગાઈ બધાં એ કેક અને બિસ્કીટ્સ ખાધાં.બાળકીઓએ દોરેલા સુંદર ચિત્રો ભીંત પર લગાડ્યા હતાં તે જોયા અને પછી મેં  વિજયભાઈ સાથે વાતચીત કરી.



મને એ જાણવાનું કૂતુહલ થઈ આવ્યું કે આ પ્રવૃત્તિની શરૂઆત તેમણે કઈ રીતે કરી.એ પાછળનો રસપ્રદ કિસ્સો મને તમારા સૌ સાથે પણ વહેંચવો ગમશે.

વિજયભાઈ એક વાર અંધેરી સ્ટેશને ટિકીટ કઢાવવાની લાઈનમાં ઉભા હતા ત્યારે એક આઠનવ માસના બાળકનો મોટેથી રડવાનો અવાજ તેમણે સાંભળ્યો.

તેમણે જોયું કે ત્રીસેક વર્ષની એક યુવતિ આ બાળકને ખોળામાં લઈ બેઠી હતી અને બાળકના શરેર પર એક ઘા હતો તે ખોતરી બાળકને રડાવી રહી હતી.તેમને આ જોઈ એક વિચિત્ર લાગણી થઈ આવી.આ લાગણી ક્રોધમાં પરિવર્તિત થઈ ગઈ જ્યારે તેમણે એ યુવતિને યોગાનુયોગ   સાંજે અંધેરીના જ એક સિનેમા હોલમાં ફિલ્મ જોવા તેના બાળક વગર,કોઈ સખી સાથે આવેલી જોઈ.બીજે દિવસે સવારે વિજયભાઈએ નોંધ્યુ કે તે જ યુવતિ કોઈ અન્ય બાળકને ખોળામાં લઈ ભિખ માગી રહી હતી!તેમને એક આંચકો લાગ્યો.તપાસ કરતાં માલૂમ પડ્યું કે તે યુવતિ રોજ કોઈક બાળકને ૨૦૦-૩૦૦ રૂપિયા આપી ભાડે લેતી હતી અને ભિખ માગવા તેમનો ઉપયોગ કરતી હતી.આવા તો અનેક ઘ્રુણાસ્પદ કિસ્સાઓ વિજયભાઈના ધ્યાનમાં આવ્યા જ્યારે તેમણે આ અંગે વધુ સંશોધન કર્યું અને તેમણે ત્યારે જ નિર્ણય લઈ લીધો કે ફૂલ જેવા બાળકોને રસ્તાઓ પરથી ભિખ માગતા અટકાવી તેમને શિક્ષણ અને સન્માનભર્યું સારૂં જીવન પ્રદાન કરવા પોતાનાથી બની શકે એટલું કરવું અને તેમણે ડ્રીમ્સ હોમ - સામાજિક વિકાસ કેન્દ્રની સ્થાપના કરી.આજે તેઓ છોકરા છોકરીઓને અલગ અલગ ગૃહમાં ઉછેરી માનવસેવાનું અજોડ ઉમદા કાર્ય બજાવી રહ્યાં છે.તેમના આ ગૃહોની એક વાર ચોક્કસ મુલાકાત લેવા જેવી ખરી અને આ સત્કાર્યમાં જો ફૂલ નહિ ને ફૂલની પાંખડી દ્વારા પણ આપણે સહભાગી થઈ શકીએ એથી રૂડું બીજું શું હોઈ શકે?

સારા વિચાર આવવા એક વાત છે અને તેને અમલમાં મૂકવા બીજી . વ્યવહારીક મુશ્કેલીઓ સારા વિચારોને અમલમાં મૂકાવાનું કામ અઘરૂં બનાવી દે છે . જેને નાના છોકરા ઉછેર્યાં હશે તે કબૂલ કરશે કે બાળક ઉછેરવાનું કામ સહેલું નથી અને આપણે પોતાના સગા એક બાળકને મોટું કરતા નાક દમ આવી જવાનો અનુભવ કરતા હોઈએ ત્યારે પારકાં, અન્ય ધર્મ કે જાતિના 20-25 બાળકોને મોટા કરવા,ભણાવવા-ગણાવવા એ દેવતાઈ કાર્ય જ ગણી  શકાય . માણસ જ્યારે ઉત્તરાખંડમાં તાજેતરમાં સર્જાઈ તેવી હોનારત સમયે પણ આપત્તિમાં ફસાયેલા અન્ય મનુષ્ય પાસેથી ખાવાપીવાની કે જીવ બચાવવાની મસમોટી કિંમત વસૂલવા જેવો અધર્મ આચરી શકતો હોય ત્યારે બીજે છેડે ચાકો દમ્પતિ કે વિજય કરાન્ડે અને તેમના પરિવારજનો જેવા મનુષ્યોને મળીએ ત્યારે વર્તાય કે માનવતા હજી જીવે છે અને આવા દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યોને શત શત સલામ કરવાનું મન થઈ જાય!

(વિજય કરાન્ડે નો તમે 66824160 or 9702297223 નંબર પર સંપર્ક કરી શકો છો)

7 ટિપ્પણીઓ:

  1. પ્રિય વિકાસ,'દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યો' બ્લોગ વાંચ્યો.તે અતિ સંવેદનશીલ,પ્રેરણાત્મક અને ખરેખર હ્રદયસ્પર્શી હતો.આટલા અદભુત અનુભવ અને વિચારો વહેંચવા બદલ તને હ્રદય પૂર્વકના અભિનંદન અને શુભેચ્છાઓ
    - ધવલ વખારિયા (ફેસબુક પર)

    જવાબ આપોકાઢી નાખો
  2. સુંદર કાર્યને તમે બ્લોગ વડે વાચા આપી છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. સુંદર કાર્યને તમે બ્લોગ વડે વાચા આપી છે.

    જવાબ આપોકાઢી નાખો
  4. આપણી આસપાસ જ વસતા, દેવતાઈ ગુણો ધરાવતા મનુષ્યો વિષે માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર! આવું જ્ઞાનવર્ધક લખતા રહો અને અમને જણાવતા રહો. હું શ્રીમાન વિજયભાઈ કરાન્ડેને ચોક્કસ મળીશ.
    - શતાયુ મહેતા (ઇમેલ દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો
  5. ગયા રવિવારની તમારા બ્લોગની કોલમ વાંચવાની મજા આવી. સૌથી પહેલાં તમારી ટાબરને આશીર્વાદ. મને મલાડ પૂર્વની એ સંસ્થાનું સરનામું અને ફોન નંબર લખી મોકલવા વિનંતી. મારા કેનેડાવાસી પુત્રની બે ટાબર વીસેક વર્ષ પહેલાં મોઢું બતાવીને ચાલી ગઇ તેની સ્મૃતિમાં અમે દર વર્ષે આવી કોઇ સંસ્થામાં જવાનું કરીએ છીએ. આ વર્ષે અમે તમે લખેલી સંસ્થામાં જવા માગીએ છીએ. મને તેના સંબંધિત અધિકારીનો ફોન નંબર મોકલી શકો તો આભારી થઇશ.
    - દિગંબરભાઇ સ્વાદિયા

    જવાબ આપોકાઢી નાખો
  6. તમારો આભાર સ્વાદિયા સાહેબ - નમ્યાને આશિર્વાદ આપવા બદલ અને બ્લોગનો પ્રતિભાવ આપવા માટે!
    મલાડના કન્યાલયનું સરનામું અને સંપર્ક નંબર આ પ્રમાણે છે -
    ડ્રીમ્સ હોમ,૭/૩૮,સાઈ ધામ કો.ઓ.સો.દિંડોશી નગર,ઓબેરોય મોલ પાસે,એમ.એચ.બી.કોલોની,મલાડ(પૂ),મુંબઈ-૪૦૦૦૯૭
    ફોન - ૬૬૮૨૪૧૬૦
    વિજય કરાન્ડે – ૯૭૦૨૨૯૭૨૨૩
    તમે આ જગાની મુલાકાત લો તો તમારા અનુભવ વિશે ચોક્કસ લખી મોકલજો.
    આભાર!
    - વિકાસ ઘનશ્યામ નાયક

    જવાબ આપોકાઢી નાખો
  7. વિકાસભાઈ તમારી ટેણકીનો ત્રીજો બર્થડે એક સામાજિક સંસ્થામાં ગરીબ કન્યાઓ સાથે મનાવવા બદલ તમને હાર્દિક અભિનંદન! તમે આ દ્વારા અનેક લોકોને પ્રેરણા આપો છો.આવી સંસ્થા ગોતી કાઢવી એ પણ માથાકૂટ ભર્યું કામ છે. લગે રહો! અમે બધાં પણ તમારી સાથે છીએ!
    - મૈત્રયી મહેતા (ફેસબુક દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો