Translate

રવિવાર, 3 જુલાઈ, 2022

હેપ્પી ફાધર્સ ડે!

વ્હાલા પપ્પા, હેપ્પી ફાધર્સ ડે!

તમે ભવાઈનો વેશ ભજવતા ગાઓ છો :

" તન છોટું પણ મન મોટું

     મારી ખમીરવંતી જાતિ...."

રંગલા તરીકે પાત્ર ભજવતા રંગલીને સંબોધી

તમે એમ પણ ગાયું છે કે "તું ઉંચી ને હું બટકો પણ ભારે વટનો કટકો..."


  પંક્તિઓ તમે સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. છેલ્લાં એકાદ વર્ષમાં તમે શારીરિક રીતે કદાચ વધુ થોડાં કૃશ બન્યા છો. પણ તમારી આંતરિક તાકાત અને મજબૂત મનોબળના સાક્ષી બન્યા બાદ હું ચોક્કસ કહીશ કે તમે ભલે કદમાં છોટા રહ્યા, પણ મન, હ્રદય, કર્મ અને તમારા સદ્ગુણોથી સામાન્ય માનવીથી મુઠ્ઠી ઉંચેરા છો. મહામારીના કપરા કાળમાં કેન્સર જેવી મહામારીનો તમે જે રીતે સામનો કર્યો છે જોઈ

મારું તમારા પ્રત્યે માન અનેક ગણું વધી ગયું છે. મુશ્કેલીઓ દરેક જણના જીવનમાં આવે છે, પણ એનો સામનો કરવાની તમારી રીત ગજબ છે જેમાંથી હું તો ઘણું શીખ્યો છું પણ અન્ય અનેક લોકો પણ એમાંથી પ્રેરણા મેળવે માટે આજે અંગેની થોડી વાતો બ્લોગના માધ્યમથી શેર કરું છું.

   ગત વર્ષે સપ્ટેમ્બરમાં સર્જરી બાદ બે મહિના સુધી રેડીએશનના ત્રીસ અને કેમોથેરાપીના પાંચ સેશન સહ્યા બાદ આપણે ધાર્યું હતું કે હવે બધું સારું થઈ ગયું છે. પણ - એક મહિના બાદ ફરી આખા શરીરનું કેન્સર ડીટેક્ટ કરવા માટે કરાતું પેટસ્કેન કરાવતા માલુમ પડયું કે ગળા પાસેથી જે ભાગમાંથી આઠેક ગાંઠ કાઢી હતી, ત્યાં ફરી નાના એવા બે - એક સ્પોટ દેખાય છે. એટલું નહીં, ફેફસાંમાં પણ એક - બે નવા સ્પોટ શંકાસ્પદ માલૂમ પડે છે. નિષ્ણાતોના સેકંડ ઓપિનિયન બાદ ફરી કેમોથેરાપીના અમુક સેશન લેવા પડશે એવું નિદાન થયું. શરીર પર ફરી કાપાકાપી કરી બાયોસ્કોપી કરવી એવો નિર્ણય આપણે લીધો કારણ ચાલુ વર્ષના એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ સમયગાળો હતો ત્યારે. એટલે ખાટલો અને ઓક્સિજન બંને મળવા મુશ્કેલ થાત તો ખરું પણ તમારા શરીરને પણ ફરી પાછી કાપકૂપ કરી કષ્ટ આપવાનું મને કે ડોક્ટરને યોગ્ય ના લાગ્યું. આથી બીજા કેટલાક ટેસ્ટ કરાવી તાત્કાલિક કેમોથેરાપી ફરી શરૂ કરવાનું નક્કી કર્યું. છેલ્લાં થોડાં સમયમાં આપણાં સૌના જીવનમાં અને વ્યવહારમાં કેટલું બધું પરિવર્તન આવ્યું છે. સેકંડ ઓપિનિયનથી માંડી મહિના પહેલાં સર્જરીથી કાઢેલી ગાંઠોના નમૂનાના પુનઃ પરીક્ષણની સઘળી પ્રક્રિયા આપણે પોતે ક્યાંય પ્રત્યક્ષ ગયા વગર પતાવી. સઘળાં રિપોર્ટ અને નમૂના કૂરિયર દ્વારા મોકલવા, ઓનલાઇન પેમેન્ટ કરી દેવું બધું હવે નવા જીવનની અપનાવી લેવા જેવી રીત સમું લાગ્યું અને બધું સરળતાથી પાર પણ પાડયું. એક કેમો સેશન લીધા બાદ ડોક્ટરે, આગળના કેમો વારંવાર હાથમાં સોયો ખોસવાની ઝંઝટમાંથી બચી જવા અને દવા આખા શરીરમાં બરાબર પ્રસરે માટે કેમોપોર્ટ બેસાડવાની નાની સર્જરી કરવા સૂચવ્યું અને તમે હસતે મોઢે સ્વીકાર્યું અને ઓપરેશન કરાવ્યું. કેમોપોર્ટ શરીરમાં બેસાડાતી એવી નાની ડબ્બી હોય જેમાં ઈન્જેક્શનની સોય બેસાડી દવા આખા શરીરમાં અસરકારક રીતે પહોંચાડી શકાય. બોરીવલીની અપેક્સ હોસ્પિટલમાં સર્જરી કરી ત્યારે મોટી ઘટના પણ સાવ ક્ષુલ્લક લાગી. ઊલટું પણ એક યાદગાર પ્રસંગ જેવી ઘટના બની રહી. કદાચ તમે મને એક અતિ ઉપયોગી મહત્ત્વનો પાઠ શીખવ્યો છે. દરેક ઘટનાને ઉત્સવની જેમ ઉજવવી. આખો દિવસ તમારી સાથે ગાળ્યો અને આપણે કેટલી વાતો કરી! થોડું ઝગડ્યા પણ ખરા! જનરેશન ગેપ ભાઈ! તો રહેવાનો ... અને તમે ક્યાં તમારી તંગડી પડવા દો એવા છો!! હોસ્પિટલની જગા ખૂબ સુંદર અને હકારાત્મક હતી , જ્યાં બહાર સુંદર બગીચો બનાવી વચ્ચે ગણેશનું નાનું મંદિર બનાવ્યું હતું અને ખાસ આકર્ષણ સમું હતું કૈલાશપતિ ફૂલનું ઊંચું, સાંકડું વૃક્ષ! વૃક્ષ મૂળ તો વિદેશી વૃક્ષ છે પણ તેનું ફૂલ અતિ વિશિષ્ટ હોય છે - લાક્ષણિક સુંદર સુગંધ, પાંચ ઝાંખા લાલ રંગની પાંખડીઓ સાથે વચ્ચે અનેક તાંતણા ફૂલની મધ્યમાં રહેલા શિવલિંગનું જાણે રક્ષણ કરતાં હોય! આબેહૂબ શિવલિંગ જેવો આકાર ધરાવતા ભાગને લીધે ફૂલનું અને ઝાડનું નામ કૈલાશપતિ પડયું છે. અને ઝાડનું ફળ કેવું? ભારે મોટો તોપનો ગોળો જોઈ લો! જ્યારે જમીન પર પડે ત્યારે ભારે મોટો અવાજ થાય છે એટલે ઝાડના ફળનું અંગ્રેજી નામ છે - કેનનબોલ. જો કોઈ પ્રાણી કે મનુષ્યના માથા પર પડે તો તેના રામ રમી જાય. વૃક્ષ - ફૂલ - ફળ - બાગ વગેરેનું સૌંદર્ય માણી શકવા જેટલી સ્વસ્થતા કેળવતા, પપ્પા, તમે મને શીખવ્યું છે! હોસ્પિટલની રૂમમાં બાજુમાં એક બોલકા ગુજરાતી સન્નારી હતાં, તેમની સાથે પણ આખો દિવસ આપણે કેટલી બધી વાતો કરી! તેમની પાસેથી પણ ઘણું શીખવા મળ્યું. તેમણે કાજલ ઓઝા વૈધની કૃષ્ણાયન નવલકથા મને વાંચવા આપી, તેની પ્રસ્તાવના ખૂબ ગમી અને મને એક નાનકડો ટાર્ગેટ મળ્યો - પુસ્તક પૂરું વાંચવાનો! ઓપરેશનના એક અઠવાડિયા બાદ બારમી મે તમારો જન્મ દિવસ આવતો હતો માટે તમારા કલાકાર મિત્ર બાબુલ ભાઈ ભાવસાર નો ફોન પણ મેં હોસ્પિટલ બહારના બાગમાં બેઠા બેઠા અટેન્ડ કર્યો અને તમને સરપ્રાઇઝ આપવા વિડિયો સંદેશ તૈયાર કરવાની યોજના નક્કી કરી!

   હોસ્પિટલમાંથી સર્જરી પતાવી બીજે દિવસે ઘેર આવતાં, એક સારી જગાએથી ઘેર પરત ફરતી વખતે અનુભવાય એવી અકથ્ય લાગણી અનુભવાઈ! પછી તો કેમોપોર્ટ દ્વારા પણ પછીના ત્રણ કેમો સેશન થયાં અને દરેક દિવસ પણ આપણે બાપ - દીકરો જાણે સાથે ઉજવતા હોઈએ છીએ! સાંભળેલું કે કેમો તો ખૂબ પીડાદાયી હોય છે, પણ કાં તો તમારા નસીબ ખૂબ સારા છે કે પણ તમને પીડી નથી શકતો અને કાં તો તમે એટલાં મજબૂત છો કે પીડા તમારા વર્તન દ્વારા દેખાડતાં નથી.

  બીજી એક સરસ વાત કરું. કેમોના સેશન્સ વચ્ચે પણ સમય કાઢી તમે એક દિવસનું તારક મહેતાનું શૂટિંગ ગુજરાત - દમણમાં એક રિસોર્ટ ખાતે કરી આવ્યાં! મને પણ સાથે લઈ ગયા અને આપણને બંનેને એક સરસ ટૂંકો બ્રેક મળી ગયો! નાનકડું વેકેશન થઈ ગયું જાણે બે દિવસ! ત્યાં તમને મળીને તારક મહેતાની આખી ટીમને જે ખુશી થઈ છે જોઈ હું તો ગળગળો થઈ ગયો! ત્યાં પોપટલાલ બનતાં શ્યામભાઈ પાઠકનો જન્મ દિવસ ઉજવતી વેળાએ તમારા માટે પણ એક ખાસ કેક મંગાવવામાં આવી અને તમે કાપી ત્યારે સૌ કેટલી બધી ખુશી વ્યકત કરી અને તમે જલ્દી ફરી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાઓ એવી શુભેચ્છા વ્યકત કરી.

  હવે બે કેમો બાકી છે પહેલાં ફરી એક વાર પેટ સ્કેન કરવાનો છે એમાં કેન્સર સંપૂર્ણ નાબૂદ થઈ ગયાનું જાણવા મળે એવી પ્રાર્થના સાથે ફરી એક વાર તમને ફાધર્સ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

કુદરત સાથે કનેક્શન

   આખા બ્રહ્માંડમાં પૃથ્વી એવો ગ્રહ છે જેના પર જીવન ધબકે છે. તેનું કારણ અહીં જીવન ટકી શકે એવા પરિબળો અને સંયોગો મોજૂદ છે. આ પરિબળો અને સંયોગોનું જ એક નામ છે કુદરત. કુદરતને આસ્તિક ભગવાન કહેશે તો નાસ્તિક વિજ્ઞાન. પણ આ કુદરત એક એવી જોઈ, સ્પર્શી અને અનુભવી શકાય એવી હકીકત છે જે જીવન ના અસ્તિત્વ માટે કારણભૂત છે. જ્યાં સુધી આ કુદરત આપણાથી રૂઠેલ નથી ત્યાં સુધી જ આપણે સુરક્ષિત છીએ. કુદરત ક્યારેક રૂઠે ત્યારે થયેલી તારાજીના અનેક ઉદાહરણ આપણે તાજેતરમાં જોયેલા છે. કુદરત રૂઠે એ માટે જો કે મોટે ભાગે આપણે જ જવાબદાર પણ છીએ. લોભ ને ના હોય થોભ અને આંધળા અને સ્વાર્થી વિકાસ માટેના લોભે જ કુદરત ને આપણાથી રૂઠવાના સંયોગો ઉભા થયા છે.

   ખરું જુઓ તો આપણે પણ કુદરતનો જ એક અંશ છીએ, કુદરતનો જ એક ભાગ છીએ. માત્ર મનુષ્ય જ નહીં, બલ્કે આ પૃથ્વી પર નો પ્રત્યેક સજીવ - પશુ, પંખી, જંતુ, વનસ્પતિ વગેરે અને નિર્જીવ તત્વો જેવા કે માટી, પહાડ, ઝરણાં, નદી, સાગર, જંગલ વગેરે સૌ કુદરતના ભાગ છે અને તેઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક મેક પર આધાર પણ રાખે છે. આ હકીકત આપણે મનુષ્યોએ ખાસ સમજી લેવાની છે, કારણ તેના સિવાય ના અન્ય કોઈ જીવ કુદરતને જાણતા કે અજાણતા નુકસાન પહોંચાડતા નથી. પણ મનુષ્યે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાના વિકાસ માટે અન્ય જીવો અને કુદરતને નુકસાન પહોંચાડવા પાછું વળી જોયું નથી. જંગલો કાપી, દરિયા પૂરી તેણે ઊંચી ઈમારતો બાંધી છે. પ્રાણીઓ ને ગુલામ બનાવી તેમની પાસે થી પોતાનું કામ કઢાવ્યું છે, તેમનો કત્લેઆમ કરી ખોરાક તરીકે અથવા અન્ય ચીજ વસ્તુઓ બનાવી ઉપયોગ કર્યો છે. કચરો - ગંદકી ફેલાવ્યા છે. પ્રદૂષણમાં એટલો વધારો કર્યો છે કે એ જ તેના જીવનને જોખમમાં મૂકનાર રોગોનું કારણ બન્યું છે.

   કુદરત સાથે તાદાત્મ્ય સાધીએ તો તેના અનેક લાભ આપણને મળી શકે એમ છે. શહેરમાં વસતાં લોકો માટે તો ઘરની બારી બહારનું ઝાડ કે નજીકનો બાગ જ કુદરતનું સ્વરૂપ. પણ તેની સાથે પણ જો શહેરીજન તાદાત્મ્ય કેળવે, એક કનેક્શન બનાવે તો તેને ઘણાં લાભ મળી શકે એમ છે. રોજ જરૂર છે થોડો સમય આ માટે ખાસ ધ્યાન આપી ફાળવવાની.

   અત્યારે કોરોનાના કપરા કાળમાં આ કનેક્શનની ખાસ જરૂર છે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું જાળવી રાખવા કે સુધારવા. ઘરમાં ને ઘરમાં રહી આપણે કંઈક અંશે બહાવરા થઈ ગયા છીએ, કંટાળી ગયા છીએ, હતાશ - નિરાશ થઈ ગયા છીએ ત્યારે કુદરત આપણી વહારે આવી શકે એમ છે. દોઢ - બે વર્ષ પહેલાં આપણે મોટે ભાગે ઘરની બહાર રહેતાં કે જતા - આવતા, ત્યારે જાણ્યે અજાણ્યે આપણે કુદરત સાથે કનેક્શન જાળવી શકતા. પણ પેન્ડેમિકના કારણે આપણે ફરજીયાત ઘરમાં ગોંધાઈ રહેવાની ફરજ પડી છે ત્યારે આપણું કુદરત સાથેનું કનેક્શન તૂટી જવા પામ્યું છે. એક અભ્યાસ મુજબ, આ કનેક્શન તૂટી જવાને કારણે પણ આપણી હતાશા અને નિરાશામાં વધારો થયો છે. કુદરત સાથેનું કનેક્શન આપણી સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય માટે અતિ જરૂરી છે. જેટલા આપણે કુદરતની વધુ સમીપ જઈશું, એટલું વધુ તંદુરસ્ત અને સુખી આપણું જીવન બની રહેશે. જ્યારે તમે કુદરત સાથે જોડાઓ છો ત્યારે તમે જે જે અડો છો, જુઓ છો, સાંભળો છો, અનુભવો છો તેની સીધી અસર તમારા મૂડ પર થાય છે. એ તમારા ચેતાતંત્ર, મજ્જાતંત્ર અને રોગપ્રતિકાર ક્ષમતા પર સારી અસર કરી શકે છે. જો તમે સુંદર દ્રશ્ય જુઓ તો તમારી ધ્યાન ધરવાની અને કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. તેનાથી તમારું મન તાજગી અનુભવી નવા અને વધુ કાર્યો કરવા તૈયાર થઈ જાય છે. જો તમે હરિયાળી વચ્ચે કે આસપાસ વધુ લીલોતરી જગામાં રહેતા હોવ તો તમારી સર્જનાત્મકતા અને કાર્ય ઉત્પાદકતામાં નોંધનીય વધારો જોવા મળે છે. જો તમે આ ઈચ્છતા હોવ તો તમારે વચ્ચે વચ્ચે બ્રેક લઈ આવી વધુ કુદરતી સૌંદર્ય કે સામીપ્ય ધરાવતી જગાએ થોડાં સમય માટે જતાં રહેવું જોઈએ.

   કુદરતનું સાંનિધ્ય આપણને રોજબરોજની મુશ્કેલીઓ, તણાવ અને ઉચાટ વગેરે માંથી થોડા સમય માટે દૂર જવામાં મદદ કરે છે. એ તમને ક્રોધ પર નિયંત્રણ રાખવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે અને માનસિક હકારાત્મકતા અને આનંદી લાગણીઓ વધારવામાં સહાય કરે છે. કુદરત સાથે નિકટતા બ્લડ પ્રેશર, હ્રદયના ધબકારા અને સ્નાયુઓમાં તાણ ઘટાડે છે જે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આણે છે. શાંત અને સુખી થવાની આ એક અતિ સરળ અને અસરકારક રીત છે. માત્ર પાંચ મિનિટ માટે કુદરત સાથે ગાળેલી ક્ષણો પણ તમારી ઉત્પાદકતા કલાકો માટે વધારી કે સુધારી શકે છે.

   પહાડો, નદીઓ કે જંગલો પાસે વારંવાર જવાનું શક્ય ન હોય તો કઈ રીતે કુદરત સાથે કનેક્શન ટકાવી શકાય? જવાબ છે તેને તમારી નજીક લઈ આવી! ઘરમાં નાનકડો બાગ બનાવો, જગાના અભાવે એ શક્ય ન હોય તો નાનકડા કૂંડામાં છોડ ઉગાડો, તેને ઉછેરો, તેની માવજત કરો, તેનો વિકાસ નિહાળો. તેમાં ફૂલ, ફળ કે શાક ઉગશે ત્યારે એ જોઈ, તેને સ્પર્શી પણ તમે કુદરત સાથે તાદાત્મ્ય કેળવ્યાની લાગણી પ્રત્યક્ષ અનુભવી શકશો. સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, તાજી હવા, કુમળો તડકો, માટી, લીલોતરી આ બધાં પણ કુદરતના સ્વરૂપ છે.


તે તમે ઘરે રહીને પણ માણી શકો છો. ઘાસ પર ચાલો. માટીમાં રમો, આંગળીઓને ભીની માટી નો સ્પર્શ થવા દો. વહેલા ઉઠો. વહેલી સવારે કે સાંજે ચાલવા જાઓ. માટીના વાસણો વસાવો. પંખીઓનો કલરવ, દરિયાના મોજાનો ઘૂઘવતો ધ્વનિ, નદીઓનો ખળખળ સ્વર વગેરે રેકોર્ડ કરી કે ઓનલાઈન જઈ સાંભળો. ઘરમાં છોડ - વેલા વગેરે વાવો. રોજ તેને પાણી પાઓ. ઉંડા શ્વાસ લો. તારા નિહાળો. બારી ખુલ્લી રાખો. સ્વચ્છ હવા અને સૂર્ય પ્રકાશ ઘરમાં આવવા દો. કુદરત સાથે કનેક્શન બનાવો અને જુઓ જીવનમાં કેવું પરિવર્તન આવે છે.

ગેસ્ટ બ્લૉગ : સાત દિવસ સેવન હિલ્સમાં...

    ગયા ફેબ્રુઆરી મહિનામાં આયુષ્યના ૫૦ વર્ષ પૂરા કરી  'વન પ્રવેશ' કર્યો. નિયમિત યોગ, સમુદ્ર કિનારે રોજ ચાલવુંસાદો ખોરાક, પૂરતી  ઊંઘ, શાંત જીવન , આધ્યાત્મિક વાંચન - બધી દિનચર્યાને કારણે એક ભ્રમ ઉભો થયો હતો કે કોરોના મને નહિ અડી શકે. કોરોના સામે લડવાનાં  મારા પોતાના ઉપાય - અખતરા કરતો રહ્યો. મિત્રો અને  શુભેચ્છકોની સલાહ અવગણી મેં રસ્સી લીધી.

   કોરોનાનો ભય હોવા છતાંય, એપ્રિલ 2021ની  શરૂઆતમાં બેંકની ત્રણ  શાખાઓમાં જઈને ઓડિટ પૂરું કર્યું. મે મહિનાની પાંચમી તારીખે દીકરીની  સૂંઘવાની શકિત ગાયબ થઇ ગઈ. બીજા દિવસે કુટુંબના ચારે સભ્યોએ કોવિડ ટેસ્ટ કરાવી  લીધો. મારો, પત્નીનો અને દીકરીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એક માત્ર ૧૩ વર્ષના દીકરાનો રિપોર્ટ નેગેટિવ  આવ્યો. તરત દીકરા

ને અમારા જૂના ઘરે મોકલી દીધો.

    હવે કોરોના વિરૂદ્ધ અમારી લડાઈ શરુ થઈ. પત્ની અને દીકરીને ખાસ લક્ષણો દેખાયા નહિ, પરંતુ ડોકટરના કહેવા પ્રમાણે દવાઓ ચાલુ કરી. મને તાવ આવ્યો હતો, જે -સાત દિવસ પછી પણ ૯૯ થી ૧૦૦ ની વચ્ચે રહ્યા કરતો હતો. છાતીના HRCT Score અને CRP લેવલના આધારે મને  હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ  આપવામાં આવી.

    શુભેચ્છકો તરફથી એવી સલાહ મળી કે પ્રાઇવેટ હોસ્પિટલ કરતા સરકારી હોસ્પિટલમાં દાખલ થજે, કારણ માત્ર એટલું કે સરકારી  હોસ્પિટલમાં દવા અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે. અંધેરી-પૂર્વમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ થવાની ખાસ ભલામણ કરવામાં આવી હતી.

૧૩મી મે ની રાતે એડમિશન નિશ્ચિત થતા, એમ્બ્યુલન્સ માં એકલો હિન્દી ફિલ્મોના જૂના  ગીતો ગણગણતો સેવન હિલ્સ હોસ્પિટલ પહોંચી  ગયો. એમ્બ્યુલન્સમાંથી ઉતરતા સિક્યુરીટી સ્ટાફે હોસ્પિટલમાં રેજીસ્ટ્રેશન છે કે નહિ તે ચકાસી લીધું. કોઈ મોટા ઇવેન્ટમાં આવ્યો હોઉં  એવો અહેસાસ થતો હતો. મારા જેવા અનેક કોવિડ દર્દીઓની સેવા માટે આખી ફોજ ઉભી હતી. દિવસે, યુદ્ધના સૈનિકો માટે જે આદર થાય, એવો આદર હોસ્પિટલના સેવકો માટે થયો કારણકે પોતાની જાનની પરવા કર્યા વિના તેઓ અમારી સેવા માટે ઉભા હતાં.

  મારી પાસે રહેલ રોકડા, ક્રેડિટ  કાર્ડ અને ડેબિટ કાર્ડ સિક્યુરીટી પાસે જમા કરાવવા પડ્યા, હોસ્પિટલમાં ઉપર બધી વસ્તુ  લઇ જવાની  પરવાનગી હતી. આધાર કાર્ડ, ફોર્મ અને બીજી વિગતો લીધા બાદ મને સાતમા માળે, બ્લોક નંબર ૧૫ માં એડમિશન આપવામાં આવ્યું. એક રૂમમાં ચાર પલંગો હતા. રાતે ૧૦ વાગે મારા પલંગ પર પહોંચતા મને રાત્રિ જમણ માટે વિનંતી કરવામાં આવી, પરંતુ હું જમીને આવ્યો હોવાથી મેં ના પાડી.

   બીજે  દિવસે લગભગ બધી  ટેસ્ટ કરી  લેવામાં આવી અને  રિપોર્ટના આધારે દવાઓ નક્કી કરી લેવામાં આવી. સવારથી ચા, નાસ્તો, બપોર નું જમણ, સાંજની ચા, નાસ્તો, સૂપ, રાતનું જમણ અને રાતે દૂધ  આપવામાં આવતું હતું. ખરું કહું તો  પાણી માંગો તો  દૂધ મળે  એવી વ્યવસ્થા  હતી. મીનરલ વોટરની અડધા લિટરની બાટલીઓ જથ્થામાં સહુની રૂમની બહાર રાખવામાં આવી  હતી. કોઈ નિયંત્રણ નહીં.

    ડૉક્ટર, નર્સ અને સહાયકો સહુનો ગંભીર વાતાવરણમાં પણ હસમુખો ચહેરો, ના કોઈ અપેક્ષા, માત્ર સેવા.

    મારા ધાર્યા  પ્રમાણે સહુની વય ૨૦ થી ૩૦ વર્ષ હતી. ક્યારેય કોઈ નર્સ કે સહાયકે કોઈ દર્દી સાથે ઉંચા અવાજે વાત નહોતી કરી. દર્દીઓને હોસ્પિટલના પેસેજમાં ફરવાની છૂટ હતી. કોઈ બંધન નહિ, દર્દી ચાહે ત્યારે પોતાની રૂમમાંથી બહાર નીકળી શકતો .

    એક દર્દીએ ખાવાનું નહિ ખાવાની જીદ પકડી ત્યારે, એક સેવિકાએ પોતાના હાથેથી દર્દીને જમાડ્યો. ત્યારે મને થયું કે આવા સંજોગોમાં પણ સેવિકા પોતાની જાતની ફિકર કર્યા વિના, દર્દી  ભૂખ્યો ના રહે તેનું ધ્યાન રાખતી હતી. મને વિચાર આવ્યો કે કદાચ કારણ હશે નર્સ મોટે ભાગે સ્ત્રી હોવાનું. માનવતાનો ઉત્તમ અનુભવ થયો.

    સેવક પાસેથી જાણવા મળ્યું કે BMC ના કુલ ૧૮૦૦ પલંગો હોસ્પિટલના ત્રીજા થી છઠ્ઠા માળ સુધી ફેલાયલા છે. મેં જોયું કે અમારા વોર્ડના કુલ ૪૫ દર્દીઓમાંથી રોજ સાત થી આઠ દર્દીઓને ઘરે જવાની પરવાનગી આપવામાં આવતી હતી. દર્દીઓ સાજા થઇ રાજી ખુશીથી ઘરે જવા નીકળતા હતા.

મારી દવાનો ડોઝ પૂરો કર્યા પછી મને પણ સલાહ સૂચન સાથે રજા આપવામાં આવી. રજા મળ્યા પછી BMC દ્વારા ફ્રી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવી.(ટોલ  ફ્રી નંબર:૧૮૦૦૧૨૦૯૯૭૪)

    સાત દિવસનું હોસ્પિટલ રોકાણ,ડોક્ટર,નર્સ  અને સેવકોએ આપેલી ઉત્તમ સેવા , વિવિધ રિપોર્ટ, દવાઓ , જમવાનું આદિ ખર્ચ છતાં હોસ્પિટલે મારી ચિકિત્સા વિનામૂલ્યે કરી. સાવ  મફત કે જેનો હું હક્કદાર નથી. પણ પછી સમજાયું કે મફત નથી, સરકારે આપણને આપેલું  કર્જ છે જે આપણે આપણી રીતે આજુબાજુના જરૂરિયાત વાળા લોકો, હોસ્પિટલના કર્મચારીઓ વગેરેને મદદ કરીને  ઉતારવાનું છે.

   સ્વાભાવિક રીતે આપણે હંમેશા સરકારી નેતાઓ અને સરકારી બાબુઓની ટીકા કરીએ છીએ. પણ સેવન હિલ્સ હોસ્પિટલના મારા અનુભવથી કહી શકું  કે આટલી સફળ રીતે વ્યવસ્થા કરવામાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, મહાપૌર, ધારાસભ્યો, વિધાનસભ્યો, નગરસેવકની દીર્ઘદ્રષ્ટિ અને ડોક્ટર્સ, નર્સ, સેવકો સહુનો મોટો ભાગ - ભોગ છે.

કોવિડ દર્દીઓ માટે સેવન હિલ્સ હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરવા અને ત્યાં સેવા આપનાર  સહુને મારા શત શત પ્રણામ!

- રૂપેશ કજારિયા