Translate

શનિવાર, 5 નવેમ્બર, 2022

પ્રચાર અને પ્રસાર માધ્યમોની જવાબદારી

 લોકશાહીના ચાર આધારસ્તંભ છે : ન્યાયપાલિકા (Judiciary), કાર્યકારી મંડળ / અધિકારી વર્ગ (Executive), પ્રસારમાધ્યમ (Media) અને સંસદ / વિધાનસભા (Legislature). પ્રસારમાધ્યમ અને પ્રચારમાધ્યમની એક વિશેષ જવાબદારી છે. પત્રકારો વિશ્વભરના સમાચાર નિષ્ઠા પૂર્વક આપણાં સુધી પહોંચાડવાની પવિત્ર ફરજ બજાવે છે. પરંતુ દરેક ક્ષેત્રની જેમ અહીં પણ સ્પર્ધા મોજૂદ છે. સૌથી પહેલાં સમાચાર લોકો સુધી પહોંચાડવાની ઉતાવળમાં ક્યારેક પત્રકારો પોતાની નૈતિક જવાબદારી ભૂલી જાય છે. માત્ર ક્વોટા પૂરો કરવા કે ટાર્ગેટ પહોંચી વળવા સમાચાર સાચા છે કે ખોટા તેની ચકાસણી પણ કર્યા વગર એ લોકો સુધી પહોંચાડી દે છે. આ મુદ્દે આજે થોડી વાત કરવી છે.

  સેલિબ્રિટીઓનું જીવન ઘણી વાર મુશ્કેલ બની જતું હોય છે. તેમની અંગત વાતો પણ લોકો સુધી પહોંચાડવા પત્રકારો ચડસાચડસી કરતાં હોય છે. ઘણી વાર કોઈ સેલિબ્રિટી મુશ્કેલ દોર માંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે પણ તેની નાની મોટી, સાચી ખોટી અનેક વાતો પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ચમકતી રહે છે. લોકોને પણ આવી વાતોમાં ખૂબ રસ પડતો હોય છે. કેટલીક વાર તો સેલિબ્રિટી ખુદ પણ લોકોની નજરમાં રહેવા માટે પોતાની વાતો ચગાવતા હોય છે. તો ઘણી વાર પત્રકારો હદ ઓળંગી જતા હોય છે અને કેટલીક વાર  ઔચિત્ય અને માનવતાની તમામ હદ ઓળંગીને માત્ર પોતાના કે પોતાના પ્રકાશન કે સંસ્થાના નામ અને સ્વાર્થ માટે થઈ સાવ વજૂદ વગરના સમાચાર જાહેર કરી દેતા હોય છે.

  પપ્પા છેલ્લાં નવેક મહિનાથી થોડા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે અમને સારા - માઠાં એમ બન્ને પ્રકારના અનુભવ થયાં છે. જન્મભૂમિ અખબારની મારી પોતાની કટાર દ્વારા હું તેમની તબિયતના અને હકારાત્મકતાનાં સમાચાર તમારા સૌ સાથે સમયાંતરે પહોંચાડતો રહ્યો છું. અન્ય પણ ઘણાં માધ્યમો દ્વારા ગત વર્ષે તેમની સર્જરી થઈ ત્યારે એ સમાચાર સારી અને સાચી રીતે પ્રકાશિત થયા હતા. કોરોનાના કપરા કાળમાં લોકોને ઉત્સાહ અને હકારાત્મકતા જાળવી રાખતાં પપ્પાના ઘણાં સંદેશાઓ અને તેમની જીવન યાત્રા અને સંઘર્ષની કહાણી પણ એક ગુજરાતી અખબારમાં છપાઈ અને પછી વાઈરલ થઈ.

પણ નવેક મહિના અગાઉ તેમની સર્જરી બાદ તેઓ સામેથી કેટલાક પત્રકારોને ગુજરાત ખાતે મળ્યાં જ્યાં અમે માતાજીના દર્શને ગયા હતા. ત્યારની તેમની તસ્વીરમાં તેઓ થોડાં અશક્ત જણાતાં હતાં એ તસ્વીર પ્રગટ કરી કેટલાકે એવી વાત ઉડાડી કે નટુકાકા એ તારક મહેતા શો છોડી દીધો છે. એ સમયે કેટલાક પાત્રોની સિરિયલમાં અદલાબદલી થઈ હશે અને આ સિરિયલ છેલ્લાં ઘણાં સમયથી ટોપ દસ કે પાંચમાં રહેતી આવી છે એટલે તેને લગતાં કોઈક ને કોઈક સમાચારો પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ચમકતા જ રહે છે. પણ કોઈક પાત્ર તબિયત નાદુરસ્ત હોવાને લીધે સિરિયલમાં દેખાઈ ન રહ્યું હોય એટલે તેના વિશે ગપગોળા ફેંકવાના? પપ્પાની એ તસવીરો ચમકાવી એટલે કેટલાકે એમને ટ્રોલ કરવાનો પણ પ્રયાસ કર્યો. આ જ તસ્વીરો સાથે એક મરાઠી વેબ પોર્ટલે તો હદ કરી નાખી! તેમણે લખ્યું કે નટુકાકા ને ખાવાના સાં સાં છે અને તેઓ એક જ સમય નું ભોજન પામે છે! તેઓ બેકાર થઈ ગયા છે... એક અંગ્રેજી અખબારમાં છપાયેલ પપ્પાના ઇન્ટરવ્યૂનું અતિ નબળું, બેહુદું અને ખોટું ભાષાંતર આ પોર્ટલે કર્યું હતું. વળી એ લેખનું ટાઇટલ અતિ નકારાત્મક હતું પણ સમાચારની અંદર કંઈક ભળતી જ વાત લખી હતી. એ પત્રકાર કે પોર્ટલ સાથે સંકળાયેલી વ્યક્તિએ ટાઇટલ અને લેખ ના કન્ટેન્ટ ને મેચ કરવા જેટલી તસ્દી પણ લીધી નહોતી. થોડાં સમય બાદ એક અગ્રગણ્ય ગુજરાતી અખબારે પણ આ જ સૂર ધરાવતો અહેવાલ છાપ્યો જેમાં લખ્યું હતું કે ઘનશ્યામ નાયક બેકાર બેઠાં છે અને આર્થિક સંકટ માંથી પસાર થઈ રહ્યા છે. એ વાંચી કેટલાયે લોકોએ ફોન કર્યા. આ ગુજરાતી અખબાર ના પત્રકાર જેણે એ લેખ છાપ્યો એ એકાદ ફોન કરી તથ્ય ચકાસવાની જહેમત ઉઠાવી શક્યા હોત.

   બે સપ્તાહ અગાઉ મેં પપ્પાની હકારાત્મકતા બિરદાવતો એક બ્લોગ લેખ લખ્યો હતો તેના આધારે ફરી પપ્પાની તબિયતને લગતા સમાચાર ચર્ચાએ ચડ્યા અને કેટલાક બેજવાબદાર પત્રકારોએ જૂના કોઇક ઇન્ટરવ્યૂમાં પપ્પાએ કહેલી વાત કે 'તેમની ઈચ્છા તેમનું મૃત્યુ ચહેરા પર મેઇક અપ સાથે થાય' ને તેમની હાલની તબિયત સાથે જોડી એવાં ટાઇટલ સાથે સમાચાર વહેતા કર્યા કે નટુકાકાની અંતિમ ઈચ્છા તેમણે જાહેર કરી છે! આ વાંચી કંઈ કેટલાયે લોકો ના ફોન આવ્યાં છે અને તેનો જવાબ આપતાં આપતાં અમે થાકી ગયાં છીએ.

  અખબારો અને પત્રકારોએ તથ્યોની ચકાસણી કર્યા બાદ જ કોઈ પણ સમાચાર છાપવા જોઈએ. કારણ આજ ના ઇન્ટરનેટ ના યુગમાં કોઈ પણ સમાચાર વાઈરલ થઈ જતાં વાર નથી લાગતી, આવે સમયે પ્રસાર અને પ્રચાર માધ્યમોની જવાબદારી બેવડી થઈ જાય છે.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો