Translate

શનિવાર, 5 નવેમ્બર, 2022

ગેસ્ટ બ્લોગ : નાટક પણ સાહિત્યનો પ્રકાર છે

      રંગભૂમિના મૂળ આપણને વેદ ઉપનિષદમાં જોવા મળે છે. સર્જનહાર આ રંગભૂમિનો સૂત્રધાર છે. માનવજાત એની પાત્ર સૃષ્ટિ છે. કલાકાર કાયમ ભીતરની રચના જુએ છે અને બહારની દુનિયાને આત્મસાત કરે છે. અભિનય કરવો એ કલાકાર માટે રંગમંચ ઉપર આપવાની પરીક્ષા છે. આખરે મનુષ્ય જે જીવન જીવે છે, તે પણ એક કલા છે. માટે વિદ્વાનો કહે છે કે જીવન જીવવાની કલા એ શ્રેષ્ઠ કલા છે. 

                    સાહિત્યના વિવિધ પ્રકારોના સર્જક સાથે હું નાટકનો શોખીન જીવ છું. ગુજરાતી નાટકને પણ સાહિત્યનો પ્રકાર ગણું છું. માતૃભાષાના પ્રસાર અને પ્રચાર માટે રંગભૂમિના પ્રદાનની પણ નોંધ લેવી આવશ્યક છે, એવું મારુ દ્રઢપણે માનવું છે. મારા શૈશવકાળથી જ હું નાટકો જોતો આવ્યો છું અને માણતો આવ્યો છું. આપણી આંખ સામે કલાકાર જ્યારે પોતાના મૂળ અસ્તિત્વની કાયાપલટ કરી પોતાને ભાગે આવેલા પાત્રમાં ઓતપ્રોત થઈ અભિનયની કલાને પ્રદર્શિત કરે છે, તેને દાદ આપવી ઘટે.    

                   વર્ષો પહેલાં કવિ શ્રી ઉમાશંકર જોષીએ એકાંકી નાટકોના વિવેચનમાં એવું વિધાન કરેલું કે આપણે ત્યાં જે નાટકો છે, તે ભજવાતા નથી અને ભજવાય છે તે નાટકો નથી. આજના સંદર્ભમાં જોઈએ , તો નબળી સ્ક્રીપ્ટ હોવા છતાં ઉત્તમ દિગદર્શન તથા શ્રેષ્ઠ અભિનયને કારણે નાટક સફળ થાય છે. તો ક્યાંક હૃદયસ્પર્ષી સંવાદો હોવા છતાં ભજવણીમાં કચાશ રહી જવાને લીધે નાટકની ગુણવત્તા જળવાતી નથી. નાટ્યવિદ શ્રી ચંદ્રવદન મહેતાએ કહેલું કે અંધ વ્યક્તિ સવાંદ દ્વારા અને બધિર વ્યક્તિ કલાકારના અભિનય દ્વારા નાટક માણી શકે તો નાટક સફળ થયું ગણાય. 

                     આઈ એન ટી જેવી માતબર સંસ્થા, પ્રવીણ જોષી, કાંતિ મડિયા, ગીરેશ દેસાઈ, અરવિંદ જોષી, ભારત દવે, શૈલેષ દવે, મધુકર રાંદેરિયા દીનકર જાની જેવા દીગજ્જ દિગદર્શકો અને કલાકારોને રંગભૂમિની ઊજળી કક્ષા જોવા મળી હતી. જેમ દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળે છે તેમાં આજની સવેતન રંગભૂમિ પણ બાકાત નથી. વિષય અનુરૂપ મંચ સજ્જા, પ્રકાશનું આયોજન સંગીત તથા આધુનિક ટેકનોલોજીએ પણ રંગભૂમિની કાયાપલટ કરી છે, તે નિર્વિવાદ બાબત છે. 

                      ભૂતકાળમાં અન્ય ભાષાના રૂપાંતરો જોવા મળતા હતા, પણ આજે આપણી ભાષામાં પણ ઉત્તમ નાટ્ય લેખકો છે તે બાબત સહર્ષ ગૌરવ લેવા જીવી છે. આજની યુવા પેઢીને ફિલ્મોનું આકર્ષણ વિશેષ છે, તેમને ગુજરાતી નાટકો જોવા માટે પ્રોત્સાહિત કરવાની તાતી જરૂર છે. માતૃભાષાને બચાવવાનું જે અભિયાન ચાલે છે, તેમાં રંગભૂમિનો પણ ફાળો હોવો આવશ્યક છે. નાટ્ય લેખકો, દિગદર્શકો, કલાકારો તથા પ્રેક્ષકોની સહિયારી જવાબદારી હશે તો શ્રેષ્ઠ નાટકોને શ્રેષ્ઠ પ્રેક્ષકો મળી રહેશે, એમ માનવું અસ્થાને નહી લેખાય. ગુજરાતી રંગમંચ જો સક્રીય હશે, તો ગુજરાતી ભાષા પણ શાશ્વત રહેશે. તેમાં કોઈ શંકા નથી. 

- નીતિન વિ મહેતા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો