Translate

લેબલ animals સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ animals સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 12 મે, 2018

બળબળતા ઉનાળામાં અબોલ પશુઓની સેવા

ઉનાળાની આગ ઝરતી ગરમીમાં આપણે ગરમીથી બચવાના અનેક ઉપાયો કરી લઈએ છીએ - જેમ કે એર કન્ડિશન્ડ ઓરડામાં ભરાઈ રહેવું,ઠંડુ ઠંડુ પાણી જ્યારે જોઇએ ત્યારે અને જેટલી માત્રામાં જોઇએ એટલું પીવું, આઈસ્ક્રીમ ખાવો, સુતરાઉ કપડા પહેરવા વગેરે વગેરે. પણ વિચાર કરો નદી-નાળા સુકાઈ જાય, પાણીની કમી હોય ત્યારે રસ્તે રઝળતાં કે માત્ર કુદરતી સ્રોતો પર આધાર રાખનારાં પશુ-પંખીઓ કાળઝાળ ગરમીથી બચવા શું કરે?
૧૨મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે મારી મુંબઈ - વાંદ્રાના બી.કે.સી. વિસ્તારમાં આવેલી ઓફિસમાં સાંજે પાંચેક વાગે મને મારી ઓફિસના સિક્યુરીટી ગાર્ડ તરફથી ફોન આવ્યો  કે  ઓફિસના ગેટ પાસે એક મોટી સમડી જમીન પર પડી ગઈ છે અને તેને મદદની જરૂર છે. મેં તેને સૂચના આપી કે હું યોગ્ય વ્યક્તિ કે સંસ્થાનો સંપર્ક કરું ત્યાં સુધી તેને એક ખાલી ખોખામાં ઉપાડીને મૂકી રાખે. તેણે તેમ કર્યું અને મેં બર્ડ-એનિમલ હેલ્પલાઈન સંસ્થાનો સંપર્ક કર્યો ૮૬૫૫૩૭૦૦૦૫ નંબર પર. તરત સંસ્થા સાથે સંકળાયેલા સોનલ બહેને મને પ્રતિભાવ આપ્યો કે તેઓ કોઇકને મારી ઓફિસ સુધી મોકલી આપશે અને મારે પક્ષીને જે આવે તેને સોંપી દેવું. બદલામાં એક પણ પૈસાની અપેક્ષા રાખ્યા વગર સંસ્થા સાથે સંકળાયેલા અબોલ પશુઓના સેવક યુવામિત્રો અને  કાર્યકરો જે - તે જગાએ મદદની જરૂર હોય તેવા પ્રાણી કે પક્ષી પાસે નિસ્વાર્થ ભાવે પહોંચી જાય છે અને તેમને બચાવી લે છે. મારી ઓફિસ સુધી દોઢેક કલાકમાં એક યુવા કાર્યકર મિત્ર સાંજે પેલી સમડીને બચાવવા આવી પહોંચ્યો અને જે ખોખામાં સમડીને મૂકી રાખી હતી તે સાથે તેને સારવાર અર્થે લઈ ગયો. પ્રાથમિક દ્રષ્ટીએ જોતા તેણે જણાવ્યું કે સમડીને ઉનાળાની સખત ગરમીને કારણે પાણી પીવા મળતા ડીહાયડ્રેશનને કારણે ગળે શોષ પડ્યો હશે અને ચક્કર આવતા તે જમીન પર પડી ગઈ હશે.
                ઉનાળાની શેકી નાખે તેવી ભયંકર ગરમીમાં મોટા ભાગના પશુ-પક્ષીઓ આવી સમસ્યાનો શિકાર બને છે. તેમને પીવાનું પાણી ઓછું મળે છે કે ક્યારેક તો કલાકો સુધી મળતું નથી. તેઓ તો ફરીયાદ કરવા પણ કોને જાય? સમસ્યાનો કંઈક અંશે હલ લાવવાનું બીડું ઝડપ્યું છે મુંબઈના કાંદિવલીમાં રહેતા ૭૧ વર્ષના જીવદયા પ્રેમી ધનસુખલાલ વિઠ્ઠલજી મહેતાએ. તેઓ પોતાના ઘરનાં પૈસામાં તેમને લોકો તરફથી દાનમાં મળતી રકમ ઉમેરી પશુ-પંખીઓ માટે પાણીના માટી-સિમેન્ટ કે પ્લાસ્ટીકના કૂંડા બનાવે છે અને મફતમાં તેનું વિતરણ કરે છે.
રીટાયર્ડ એવા ધનસુખભાઈનું માનવું છે કે મૂર્તિપૂજા કરતા લોકો જીવ-પૂજા (અર્થાત અન્ય જરૂરિયાતમંદ મનુષ્યો કે અબોલ પશુ-પંખીઓની સેવા) કરતાં થાય તો પૃથ્વી પરથી ઘણું દુ: ઓછું થઈ જાય. છેલ્લાં ૩૫ વર્ષથી તેઓ સમજ સેવા-કાર્ય સાથે સંકળાયેલા છે. વર્ષો પહેલા તેમણે એક કૂતરાને ફીનાઈલ વાળું પાણી પી જતાં તરફડીને મરી જતા જોયું ત્યારથી તેમને અબોલ પશુ-પક્ષીઓની તૃષા છિપાવવા કંઈક કરવાનો વિચાર આવ્યો.આજે ઘણાં વર્ષોથી તેઓ પોતાને ખર્ચે રંગબેરંગી ફરફરીયા છપાવે છે અને દુકાનોમાં, મંદીરોમાં કે જાહેર જગાએ તેને લગાડવા કહે છે જેમાં સમજ સેવાની પ્રેરણા આપતા સંદેશાઓ લખેલા હોય છે.
                વખતે પણ તેમણે સિમેન્ટના લગભગ દોઢસો,પ્લાસ્ટીકના બસ્સો અને માટેના ત્રણસો જેટલાં કૂંડા પશુપક્ષીઓની તરસ છિપાવવા બનાવડાવ્યાં છે અને તેઓ લોકોને મફતમાં લઈ જવા તથા પોતપોતાના ઘરની આસપાસ કે યોગ્ય સ્થળે મૂકવા વિનંતી કરે છે. તમારે પણ જો આવું કુંડૂ જોઇતું હોય તો તમે સ્થળોએથી તે પ્રાપ્ત કરી શકો છો : મલાડ રેલવે સ્ટેશન બહાર પશ્ચિમ તરફ આવેલ મોટું જૈન દેરાસર ; બોરિવલીના સાંઈબાબા નગર - સાંઈબાબા રોડ પર પંચરત્ન બિલ્ડીંગ ખાતે રહેતા હસમુખભાઇ શાહના નિવાસસ્થાન, કાંદિવલી પૂર્વમાં ચિલ્ડ્રન્સ એકેડેમી સ્કૂલની ગલીમાં અશોક ચક્રવર્તિ ક્રોસ રોડ પાસે શાંત મનોર બિલ્ડીંગમાં ધનસુખભાઈના નિવાસસ્થાનેથી.
                ધનસુખભાઈ એ લાખો રુપિયાનું દાન એકઠું કરી ગુજરાતના ધોરાજી પાસે આવેલા જામ કંદોણા ગામમાં ૧૮૦૦ ગાયો માટે ગૌશાળા બંધાવી ઘણું ઉમદા કાર્ય કર્યું છે, આ જ ગામમાં તેમણે ૪૦૦ જેટલા લીમડાના વૃક્ષો રોપાવ્યાં છે તેમજ દહાણુ પાસે આવેલા વૃદ્ધાશ્રમ તેમજ માનસિક રીતે અસ્થિર લોકોના આશ્રમ સાથે પણ તેઓ સંકળાયેલા છે અને જીવસેવાનું ઉદાહરણીય અને અનુકરણીય કામ તેઓ કરે છે. ઘરની બહાર નીકળે એટલે પાર્લે-જી બિસ્કીટના પાકીટ્સ તેમની પાસે હોય જ જે તેઓ રસ્તે ભિખ માગતા બાળકો કે મૂગા પશુઓને ખવડાવે છે. ક્યારેક તેઓ પોતાની ઘેર રાખેલા પશુઓ માટેના સ્ટીલના પાણીના કૂંડામાં સાકર ભેળવે છે જેથી પશુઓને પણ શરબત જેવું પાણી પીધાનો આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય!
               ધનસુખભાઈ મહેતાનો તમે ૮૧૦૮૮૩૬૯૪૯ આ નંબર પર સંપર્ક કરી શકો છો.
               બીજી એક વાત સાથે આજનો બ્લોગ લેખ પૂરો કરીશ. થોડા મહિના અગાઉ પણ રસ્તે ચાલતા મને એક ચામાચિડીયાનું બચ્ચું દિવસ દરમ્યાન એક ઝાડ નીચે પડેલું મદદ માટે હવાતિયા મારતું નજરે પડ્યું. રસ્તા વચ્ચે તેને કઈ રીતે મદદ કરવી? ચામાચિડીયાને દિવસે દેખાતું નથી અને આ તો વળી નાનકડું બચ્ચું. જો હું ઓફિસ જવામાં મોડું થશે એમ વિચારી તેને હતું ત્યાંનુ ત્યાં મૂકી ચાલ્યો જાત તો કાગડો કે અન્ય પંખી તેને હેરાન કરત અથવા મારી નાખત કે પછે તે કોઈના પગ નીચે આવી કચડાઈ મરત આથી મેં તેની મદદ કરવાનો નિર્ણય કર્યો. બાજુમાં એક મોટી ઓફિસના બિલ્ડીંગનો ગેટ હતો અને તેના સિક્યુરીટી ગાર્ડને મેં એકાદ ખાલી ખોખાની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી પણ તેણે નિસહાયતા દર્શાવી. હવે શું કરવું? તરત મને વિચાર સ્ફૂર્યો. મારી ઓફિસની બેગમાં પ્લાસ્ટીકના ડબ્બામાં સૂકો નાસ્તો હતો તે મેં એક કોથળીમાં ખાલી કરી નાખ્યો અને ડબ્બો લૂછી ચોખ્ખો કરી બાજુમાં પડેલી સળી અને ચમચીની મદદથી ચામાચિડીયાના બચ્ચાને ડબ્બામાં મૂકી દીધું. પછી ઓફિસ જઈ બર્ડ - એનિમલ હેલ્પલાઈનને ફોન કર્યો અને તેના કાર્યકર્તા થોડી વાર રહીને ચામાચિડીયાના બચ્ચાને લઈ ગયાં. તેઓ પશુ-પંખીને લોઅર પરેલ ખાતે આવેલી પ્રાણીઓની હોસ્પિટલમાં લઈ જાય છે અને યોગ્ય સારવાર બાદ તેને તેના કુદરતી રહેઠાણમાં મુક્ત મુકી દે છે. આ પ્રસંગ શેર કરવાનો આશય એટલો કે જો તમે પશુ-પંખીઓની ખરા હ્રદયથી મદદ કરવા ઇચ્છતા હશો તો માર્ગ અને સાધન ઘણાં જડી આવશે. બસ યાદ રાખવાની જરૂર છે કે ધનસુખભાઈના કહ્યાં પ્રમાણે જીવ સેવા એ જ પ્રભુ સેવા છે.
           

સોમવાર, 6 ઑક્ટોબર, 2014

વાઘે માણસને માર્યો કે બચાવવાનો પ્રયત્ન કર્યો?


        તાજેતરમાં જ સંપન્ન થયેલ નવરાત્રિ ઉત્સવમાં મા દુર્ગા અને તેમના વાહન વાઘની પુજા થાય છે. પણ  થોડા દિવસો અગાઉ દિલ્હીના પ્રાણીબાગમાં ઘટેલી એક કમનસીબ ઘટનાને લઈ સાત વર્ષનો વિજય નામનો એક સફેદ વાઘ બાળ ખૂબ ચર્ચામાં રહ્યો અને તેને વિલન જેવો ચિતરવામાં આવ્યો. તેનો એક માનવ યુવાનને મારી નાંખ્યાનો સચિત્ર અહેવાલ દરેક અખબારના પ્રથમ પાને પ્રકાશિત થયો. કેટલાક  તમાશો જોવા અને તેનો વિડીયો ઉતારી જગત સાથે એ વહેંચવાની આદત ધરાવનાર અવિચારી  મનુષ્યોએ આ આખા રોમાંચક બનાવની ફિલ્મ ઉતારી અને તે પણ લગભગ આપણે સૌએ એકાદ-બે વાર જોઈ હશે.

       કદાચ જેને આ સમગ્ર ઘટનાની જાણ નથી તેમના માટે મૂળ વાત ટૂંકમાં જણાવી દઉં.મકસૂદ નામનો વીસેક વર્ષીય યુવાન કોઈક રીતે (કઈ રીતે તેની કોઈને ખબર નથી) વાઘનાં ઉપરથી ખુલ્લા હોય એવા વિશાળ પાંજરામાં પડી ગયો.કોઈકે કહ્યું તેણે દારૂ પીધો હતો,કોઈકે કહ્યું તે વાઘનો નજીકથી ફોટો પાડવા જતો હતો અને ગબડી પડ્યો  તો કોઈકે કહ્યું તે માનસિક રીતે અસ્થિર હતો અને તેણે જાણી જોઈને કે અજાણતાં વાઘનાં પાંજરામાં કૂદકો માર્યો. ત્યારબાદ લગભગ દસેક મિનિટ સુધી વાઘ મકસૂદથી માત્ર એકાદ-બે ફૂટને અંતરે ઉભો રહી તેના ગાલે, તેના મસ્તકે હાથ ફેરવતો રહ્યો.મકસૂદ ભારે ડરી ગયો હતો અને તે વાઘને સતત દૂર  જતા રહેવા  કાલાવાલા કરી રહ્યો. પણ વાઘ માટે કોઈ મનુષ્યને આટલા નજીકથી જોવાની ઘટના અસામાન્ય હશે અને તે એને માણી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાના પાંજરાની ઉપરથી ઘણાં લોકો સાક્ષી બની રહ્યાં. હવે જો તેઓ મૂક સાક્ષી બની રહ્યાં હોત તો મકસૂદનો જીવ ચોક્કસ બચી જાત. પણ પ્રાણીઓ કરતાંયે બદતર એવા માનવોએ વાઘ પર પથરા ફેંક્યા, લાકડીઓ પછાડી તેને ડરાવી ભગાવવાના પ્રયત્નો કર્યાં, ચિચિયારીઓ પાડી-દેકારા કર્યાં અને આ અસભ્ય વર્તનથી ડરી જઈ,ડઘાઈ જઈ વાઘે મકસૂદને બોચીથી પકડ્યો અને એ તેને આ બધાથી દૂર લઈ ગયો. વાઘને આ રીતે માનવ પકડવાનો મહાવરો ન હોવાથી તેના દાંત મકસૂદના ગળામાં ખૂંપી ગયાં અને ઘણું લોહી વહી જતાં મકસૂદનું આ કમનસીબ ઘટનામાં મોત નિપજ્યું.
      
        હવે આ સમગ્ર ઘટનાક્રમમાં મકસૂદના મોત બદલ બિચારા વાઘને જવાબદાર ઠેરવવામાં આવ્યો. વાઘે માણસને ફાડી ખાધો એવા શબ્દપ્રયોગો પ્રયોજાયાં. પણ શું વાઘે મકસૂદને ખાવા માટે મારી નાંખ્યો?તેણે મકસૂદને ચીરી ફાડ્યો હતો?શું આ ઘટના માટે વાઘને જવાબદાર ઠેરવવો યોગ્ય છે? આ દરેક પ્રશ્નનાં નકારાત્મક જવાબને સમજવા માટે થોડું ચિંતન જરૂરી છે અને પ્રાણીઓ વિશે થોડું જ્ઞાન મેળવીશું તો એ ક્યારેક કોઈકનો જીવ બચાવવામાં કામ આવી શકે.
        જ્યારે માણસો પ્રાણીબાગમાં જાય ત્યારે તેમનું વર્તન કેવું હોય છે? ક્યારેક પ્રાણીઓને પણ શરમમાં મૂકી દે એવું! વાંદરા સામે બેહૂદા ચેનચાળા કરવાં, હિપ્પો કે મગર જેવા પ્રાણીઓ આદત પ્રમાણે મોઢાં ખુલ્લા રાખી બેઠા કે સૂતા હોય ત્યારે તેમના મોઢામાં તેઓ ન ખાતા હોય તેવા ખાદ્ય કે ક્યારેક બિનખાદ્ય પદાર્થો ફેંકવા, કોઈ પણ પ્રાણી કે પંખીને ઉશ્કેરવા અને આવી અનેક અસભ્ય હરકતો કરવી એ માણસો માટે સામાન્ય છે. આ એક ખેદજનક બાબત છે. એક તો પ્રાણીઓને તેમના કુદરતી રહેઠાણથી દૂર કરી તેમને આમ પ્રાણીબાગનાં પિંજરામાં પૂરી રાખવાં એ જ નૈતિક ગણાય કે કેમ એ ચર્ચાનો વિષય છે પણ તેમાં ઉંડા ન ઉતરતાં તેમની સાથે આવું અસં સ્કૃત વર્તન કરવું વ્યાજબી છે?

       મકસૂદના કેસમાં ચાર ફૂટ ઉંચી દિવાલ હતી તે ઠેકીને વાઘનાં પાંજરામાં જવાની ભૂલ આ ઘટના બદલ જવાબદાર હતી.આ ભેદરેખાનું પ્રમાણભાન ખૂબ જરૂરી છે.માનવ હંમેશા પોતાની મર્યાદારેખા ઓળંગતો રહ્યો છે.દીપડાં માનવને ફાડી ખાધાનાં વારંવાર છાપે ચડતા કિસ્સામાં પણ માનવોનું પ્રાણીઓનાં રહેણાંક વિસ્તારમાં અતિક્રમણ જવાબદાર હોય છે. એક તો માનવ સીમા ઓળંગી પ્રાણીઓની હદમાં ઘૂસણખોરી કરે અને પછી પ્રાણી શાંત રહી આ સહન કરી કોઈ પ્રતિક્રિયા ન આપે એવી અપેક્ષા રાખવી બિલકુલ યોગ્ય નથી.
 બીજું એક વાત સમજી લો કે પ્રાણીઓ ક્યારેય માણસ ને ખાતા નથી કે તેના પર કારણ વગર હૂમલો કરતાં નથી.પછી એ સાપ હોય કે વાઘ-સિંહ. જો સામે વાળા પ્રાણીને પોતાના જીવ સામે જોખમ જણાય તો તે સ્વબચાવ માટે જ માણસ પર હૂમલો કરતું હોય છે. મકસૂદ પોતે જ ડરી ગયેલો જણાતો હતો.દસ મિનિટ સુધી વાઘ તેની સાથે જાણે રમી જ રહ્યો હતો. પણ માણસોના હાકોટા સાંભળી તેને લાગ્યું કે પોતે અને મકસૂદ ભયમાં છે આથી તેણે પોતાના અને મકસૂદના બચાવ માટે પોતાને આવડતી રીતે મકસૂદને બોચીએથી પકડી ત્યાંથી દૂર લઈ જવા પ્રયત્ન કર્યો.પણ કમનસીબે મકસૂદ મોતને ભેટ્યો.જો વાઘે તેને ખાવો જ હોત તો શા માટે તેનું આખું શરીર બાદમાં સાબૂત મળી આવ્યું? પ્રાણીઓ અગ્નિથી ડરતાં હોય છે. જો કદાચ હૂરિયો બોલાવવાની જગાએ એકાદ જણે શર્ટ કાઢીને કે કોઈક અન્ય પદાર્થ સળગાવી તેનાથી વાઘને દૂર ભગાડવાની કોશિશ કરી હોત અને વિડીઓ ઉતારવાની કે ફોટા પાડવાની જગાએ કપડાનાં કે અન્ય રસ્સી જેવા દોરડા દ્વારા મકસૂદને ઉપર ખેંચી લેવાના પ્રયાસો થયાં હોત  તો પણ મકસૂદને બચાવી શકાયો હોત.

      પ્રાણીબાગમાં વિકટ કે વિષમ પરિસ્થિતી ઉભી થાય ત્યારે આવા સંજોગોને પહોંચી વળવા વ્યવસ્થા અને સાધનો જરૂરી હોય છે.ત્યાંના સ્ટાફને આવી પરિસ્થિતીને પહોંચી વળવા ટ્રેનિંગ આપવી આવશ્યક હોય છે.આમાંની કોઈ જ બાબત મકસૂદના કેસ વાળા દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં પ્રાપ્ય નહોતી.થોડા સમય માટે પ્રાણીને નિદ્રાધીન કરી દેતી દવા વાળી ગોળી મારી પ્રાણીને કાબૂમાં લેવાની પ્રથા ઘણાં ઝૂમાં પ્રચલિત છે.તે અહિં નહોતું.કોઈક અહેવાલમાં વાંચ્યું કે વિજય વાઘની સંભાળ લેનારા બે-એક જણે માંસના ટુકડા દૂર નિયત જગાએ મૂકી તેને લલચાવી એ તરફ દોરવાનાં નિષ્ફળ પ્રયાસ કર્યાં હતાં.પણ તેમની વાઘ નજીક જવાની હિંમત ચાલી નહોતી આથી તેમણે પણ લાકડી ઠોકી તેના અવાજથી વાઘને નસાડવાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતાં જેની અવળી અસર થઈ હતી.

       દશેરાના દિવસે સવારે મારા ઘરનાં સામેનાં છાપરે એક કાળી બિલાડી પોતાનાં તાજા જન્મેલાં ત્રણ બચ્ચાને વારાફરતી બોચીએથી પકડી અન્ય સલામત સ્થળે લઈ જતી મેં સાનંદાશ્ચર્ય નિહાળી અને થોડી જ ક્ષણો બાદ એક મિત્રનો વ્હોટ્સએપ પર મેસેજ આવ્યો કે મકસૂદનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયો છે અને જણાવે છે કે મકસૂદનું મોત વાઘનાં દાંત તેની ગરદનમાં ઉંડા ખૂંપી જવાને કારણે વધુ લોહી વહી જતાં નિપજ્યું હતું, વાઘ તો તેને પથ્થરો અને લાઠીથી બચાવવા પોતાના બચ્ચાને લઈ જતો હોય તેવી અંત:સ્ફૂરણાથી પ્રેરાઈ અન્ય વધુ સલામત જગાએ લઈ જવા ઇચ્છતો હતો.આ મેસેજ સાચો હોય કે નહિ પણ હું ભગવાનને એવી પ્રાર્થના જરૂર કરીશ કે  કે હવે માનવો અન્ય પ્રાણીઓ અને જીવો પ્રત્યે થોડા વધુ સંવેદનશીલ બને અને પેલી મર્યાદારેખાની વાત કરી તે ન ઓળંગે.

રવિવાર, 2 જૂન, 2013

પ્રાણીઓ માટે પુલ


        આસામ,બિહાર,ઝારખંડ,મધ્યપ્રદેશ સહિત ભારતના અનેક રાજ્યોમાં ગીચ જંગલોમાં થઈને રેલવે ટ્રેક પસાર થતાં હોય છે. ગીચ જંગલોમાં માનવ વસ્તી ઓછી હોવાને લીધે કદાચ ગાડી પૂરપાટ ભગાવવામાં આવતી હોય છે પણ અહિ સ્વાર્થી અને અવિચારી સત્તાવાળાઓ અને ગાડી હંકારનારા ડ્રાઈવર્સ હકીકત ભૂલી જતાં હોય છે અથવા કદાચ હકીકત સામે આંખ આડા કાન કરતાં હોય છે કે ગીચ જંગલોમાં, પ્રુથ્વી પર મનુષ્ય જેટલો જીવવાનો અબાધિત અધિકાર ધરાવતા પ્રાણીઓ વસતા હોય છે. જંગલ જેનું ઘર હોય એવા પ્રાણીઓ જ્યારે પોતાના વિસ્તારમાં એક જગાએથી બીજી જગાએ ચાલીને જતા હોય અને ત્યાં તેમના માર્ગમાં વચ્ચે રેલવે પાટા પરથી પૂરપાટ ઝડપે પસાર થતી ગાડી આવી જાય ત્યારે ભયંકર અકસ્માત સર્જાતો હોય છે અને ત્યારે ગાડી કે મનુષ્યને તો દેખીતું કોઈ નુકસાન થતું નથી પણ એક કે ક્યારેક એક કરતાં વધુ અબોલ સજીવો પોતાનો જીવ ગુમાવી બેસે છે અથવા ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે.પોતાના કોઈ જાતના ગુના વગર તેમને સજા મળે છે.

ગયા સપ્તાહે અખબારમાં ત્રણ હાથીઓના રેલવે ટ્રેક પાસે પડેલા શબ જોઈ કાળજુ કંપી ગયું.અન્ય એક હાથી બૂરી રીતે ઘાયલ થયો હતો. હાથીઓ મોટે ભાગે ટોળામાં રહેતા - ચાલતા હોય છે.તેથી ગમખ્વાર અકસ્માતમાં ત્રણ હાથી મ્રુત્યુ પામ્યાં અને એક હાથી ઘાયલ થયો હતો. દુર્ઘટના પશ્ચિમ બંગાળના જલ્પાઈગુડી જિલ્લાના બનાર્હટ વિસ્તારના જંગલમાં બની હતી પણ આવા કિસ્સા અગાઉ પણ અનેક વાર બન્યાં છે અને છાપાંઓમાં તેના જુગુપ્સા પ્રેરક ચિત્રો છપાયાં બાદ ભૂલાઈ ગયાં છે.

આપણે વિદેશી પ્રજા પાસેથી અંગે કંઈક ચોક્કસ શીખી શકીએ.

હિંદી મહાસાગરમાં આવેલા ક્રિસ્મસ આઈલેન્ડ નામના ઓસ્ટ્રેલિયન ટાપુ પર મનુષ્યો સહિત અનેક અન્ય જાતના પ્રાણીઓ અને વનસ્પતિ જીવે છે. ટાપુઓ અહિં વસતા ખાસ પ્રકારનાં લાલ કરચલાઓ માટે વિખ્યાત છે.તેમની સંવનનની રૂતુમાં, કરચલાઓ લાખોની સંખ્યામાં જંગલમાંથી દરિયા કિનારા તરફ સ્થળાંતર કરે છે. ખાસ રૂતુમાં ત્યાંની સરકાર અમુક રસ્તાઓ વાહન વ્યવહાર માટે સાવ બંધ કરી દે છે. ક્રિસ્મસ આઈલેન્ડમાં ત્યાંની સરકારે અન્ય કેટલાક માર્ગ પર ખાસ કરચલાઓ માટે આખા પુલ કે જમીનની નીચે (અન્ડરગ્રાઉન્ડ) ટનલ્સ બનાવ્યા છે જ્યાંથી પસાર થતાં કરચલાઓ વાહનો નીચે ચગદાઈ મરતા નથી અને આમ હજારો કરચલાઓનાં જીવ બચી જાય છે.
 

 
 


(ખાસ પ્રકારના કરચલાઓ અંગે વધુ માહિતી મેળવવા અને તેમના રંગીન ફોટોગ્રાફ્સ જોવા http://www.amusingplanet.com/2011/11/christmas-island-is-small-australian.html  વેબસાઈટની મુલાકાત લો.)

ભારતમાં બને છે તેમ આફ્રિકામાં પણ હાથીઓ અને જંગલો વચ્ચેથી પસાર થતા રસ્તાઓ પરના વાહનો વચ્ચે ટક્કર થતી હતી.કેન્યાના ઉત્તર પ્રાંતમાં હાથીઓની સુરક્ષા કાજે ત્યાંની સરકારે આશરે ૧૦લાખ ડોલરના ખર્ચે ભૂગર્ભમાંથી પસાર થતો પુલ (અન્ડરપાસ) બનાવી દીધો છે જેથી ઉપર રસ્તા પરથી વાહનો અને નીચે બોગદામાંથી હાથીઓ સુરક્ષિત રીતે પસાર થઈ શકે.


નેધરલેન્ડના હાઈવે અ-૫૦ પર સતત વાહનોના ટ્રાફીક જામ હોય છે,એ હાઈવેની બંને બાજુએ વિશાળ જંગલ પથરાયેલું છે.હરણ,ત્યાંનું સ્થાનિક પશુ બેજર,જંગલી ભુંડ વગેરે રસ્તો ક્રોસ કરતે વખતે ઘણી વાર અકસ્માતનો ભોગ બનતાં હતાં.પરિણામે નેધરલેન્ડની સરકારે ત્યાંના હાઈવે પર નાના મોટા ૬૦૦ પુલ બનાવડાવ્યા છે.વળી પુલો ક્રુત્રિમ ન લાગે અને પ્રાણીઓ તેમનો સહજતાથી ઉપયોગ કરી શકે એ માટે તેના પર હરિયાળી પણ ઉગાડવામાં આવી છે.અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં અનેક કાચિંડાઓ રસ્તો ક્રોસ કરતે વેળાએ વાહનો નીચે આવીને ચગદાઈ મરતાં હતાં.એ એન્કાઉન્ટર્સ ન થાય એ માટે ત્યાંની સરકારે ઠેર ઠેર એ રસ્તાઓ પર ટનલ્સ તૈયાર કરાવી છે.




કેનેડાના આલ્બર્ટામાં આવેલા બાન્ફ નેશનલ પાર્ક ખાતે,જર્મનીના બિર્કેનાઉ,અમેરિકાના ન્યુજર્સી ખાતે સ્કોચ પ્લેન્સમાં અને વોચતુંગ રીઝર્વેશન ખાતે ઇન્ટરસ્ટેટ ૭૮માં,બેલ્જિયમ ખાતે ઈ-૩૧૪,અમેરિકાના મોન્ટાના ખાતે ફ્લેટહેડ ઇન્ડિયન રીઝર્વેશન ખાતે,નેધરલેન્ડના બોર્કેલ્ડ ખાતે,અમેરિકાના વોશિંગ્ટન ખાતે કીચેલસ સરોવર નજીક આવા ખાસ પ્રાણીઓ માટેના પુલ બનાવાયા છે અથવા બનાવાઈ રહ્યા છે. (પ્રાણીઓ માટેના પુલની તસવીરો જોવા માટે  http://twistedsifter.com/2012/07/animal-bridges-around-the-world વેબસાઈટ વિઝીટ કરો.) વિશ્વમાં અનેક જગાએ પ્રાણીઓની સુરક્ષા માટે હાઈવે અને સંવેદનશીલ માર્ગો પાસે સચેત રહેવાનો સંદેશ આપતા અર્થસભર હોર્ડીંગ્ઝ અને બેનર્સ લગાડેલા પણ જોવા મળે છે.




આપણાં દેશમાં તો ગાયમાં ૩૩કરોડ દેવીદેવતાઓનો વાસ હોવાનું મનાય છે અને તેની પૂજા કરાય છે. નાગપંચમી જેવા તહેવારો ફક્ત નાગની પૂજા કરવા મનાવાય છે અને અનેક જગાઓએ ગોગમહારજના મંદિરો બનવી ત્યાં નાગદેવની પૂજા થાય છે.આ બધું કરવાની સાથે આપણી સરકાર જો પ્રાણીઓ માટે, તેમની સુરક્ષા માટે પગલાં લે તો આપણે સાચા અર્થમાં તેમનાં માટે કંઈક કર્યું લેખાય. આપણી ભ્રષ્ટાચારથી ખદબદતી સરકાર જેમાં ઘાસચારા કૌભાંડો સર્જાય છે ત્યાં માણસો માટે પુલ બનાવવામાં પણ વર્ષો લાગી જતાં હોય અને અનેક ગેરરીતિઓ આચરવામાં આવતી હોય ત્યાં પ્રાણીઓ માટે અલાયદા પુલ બાંધવાની વાત સ્વપ્નવત લાગે છે!પણ આશા રાખીએ કે સ્વપ્ન પૂર્ણ થાય અને એટ લીસ્ટ જંગલમાંથી પસાર થતી ગાડીઓના ડ્રાઈવર્સને ભગવાન એટલે સદબુદ્ધિ આપે કે તેઓ રેલવેની ગાડી કે અન્ય વાહનની સ્પીડ ધીમી રાખે જેથી કોઈ નિર્દોષ પશુ પોતાનો જીવ   ગુમાવે...