સોમવાર, 6 ઑક્ટોબર, 2014
વાઘે માણસને માર્યો કે બચાવવાનો પ્રયત્ન કર્યો?
તાજેતરમાં જ સંપન્ન થયેલ નવરાત્રિ ઉત્સવમાં મા દુર્ગા અને તેમના વાહન વાઘની પુજા થાય છે. પણ થોડા દિવસો અગાઉ દિલ્હીના પ્રાણીબાગમાં ઘટેલી એક કમનસીબ ઘટનાને લઈ સાત વર્ષનો વિજય નામનો એક સફેદ વાઘ બાળ ખૂબ ચર્ચામાં રહ્યો અને તેને વિલન જેવો ચિતરવામાં આવ્યો. તેનો એક માનવ યુવાનને મારી નાંખ્યાનો સચિત્ર અહેવાલ દરેક અખબારના પ્રથમ પાને પ્રકાશિત થયો. કેટલાક તમાશો જોવા અને તેનો વિડીયો ઉતારી જગત સાથે એ વહેંચવાની આદત ધરાવનાર અવિચારી મનુષ્યોએ આ આખા રોમાંચક બનાવની ફિલ્મ ઉતારી અને તે પણ લગભગ આપણે સૌએ એકાદ-બે વાર જોઈ હશે.
કદાચ જેને આ સમગ્ર ઘટનાની જાણ નથી તેમના માટે મૂળ વાત ટૂંકમાં જણાવી દઉં.મકસૂદ નામનો વીસેક વર્ષીય યુવાન કોઈક રીતે (કઈ રીતે તેની કોઈને ખબર નથી) વાઘનાં ઉપરથી ખુલ્લા હોય એવા વિશાળ પાંજરામાં પડી ગયો.કોઈકે કહ્યું તેણે દારૂ પીધો હતો,કોઈકે કહ્યું તે વાઘનો નજીકથી ફોટો પાડવા જતો હતો અને ગબડી પડ્યો તો કોઈકે કહ્યું તે માનસિક રીતે અસ્થિર હતો અને તેણે જાણી જોઈને કે અજાણતાં વાઘનાં પાંજરામાં કૂદકો માર્યો. ત્યારબાદ લગભગ દસેક મિનિટ સુધી વાઘ મકસૂદથી માત્ર એકાદ-બે ફૂટને અંતરે ઉભો રહી તેના ગાલે, તેના મસ્તકે હાથ ફેરવતો રહ્યો.મકસૂદ ભારે ડરી ગયો હતો અને તે વાઘને સતત દૂર જતા રહેવા કાલાવાલા કરી રહ્યો. પણ વાઘ માટે કોઈ મનુષ્યને આટલા નજીકથી જોવાની ઘટના અસામાન્ય હશે અને તે એને માણી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાના પાંજરાની ઉપરથી ઘણાં લોકો સાક્ષી બની રહ્યાં. હવે જો તેઓ મૂક સાક્ષી બની રહ્યાં હોત તો મકસૂદનો જીવ ચોક્કસ બચી જાત. પણ પ્રાણીઓ કરતાંયે બદતર એવા માનવોએ વાઘ પર પથરા ફેંક્યા, લાકડીઓ પછાડી તેને ડરાવી ભગાવવાના પ્રયત્નો કર્યાં, ચિચિયારીઓ પાડી-દેકારા કર્યાં અને આ અસભ્ય વર્તનથી ડરી જઈ,ડઘાઈ જઈ વાઘે મકસૂદને બોચીથી પકડ્યો અને એ તેને આ બધાથી દૂર લઈ ગયો. વાઘને આ રીતે માનવ પકડવાનો મહાવરો ન હોવાથી તેના દાંત મકસૂદના ગળામાં ખૂંપી ગયાં અને ઘણું લોહી વહી જતાં મકસૂદનું આ કમનસીબ ઘટનામાં મોત નિપજ્યું.
હવે આ સમગ્ર ઘટનાક્રમમાં મકસૂદના મોત બદલ બિચારા વાઘને જવાબદાર ઠેરવવામાં આવ્યો. વાઘે માણસને ફાડી ખાધો એવા શબ્દપ્રયોગો પ્રયોજાયાં. પણ શું વાઘે મકસૂદને ખાવા માટે મારી નાંખ્યો?તેણે મકસૂદને ચીરી ફાડ્યો હતો?શું આ ઘટના માટે વાઘને જવાબદાર ઠેરવવો યોગ્ય છે? આ દરેક પ્રશ્નનાં નકારાત્મક જવાબને સમજવા માટે થોડું ચિંતન જરૂરી છે અને પ્રાણીઓ વિશે થોડું જ્ઞાન મેળવીશું તો એ ક્યારેક કોઈકનો જીવ બચાવવામાં કામ આવી શકે.
જ્યારે માણસો પ્રાણીબાગમાં જાય ત્યારે તેમનું વર્તન કેવું હોય છે? ક્યારેક પ્રાણીઓને પણ શરમમાં મૂકી દે એવું! વાંદરા સામે બેહૂદા ચેનચાળા કરવાં, હિપ્પો કે મગર જેવા પ્રાણીઓ આદત પ્રમાણે મોઢાં ખુલ્લા રાખી બેઠા કે સૂતા હોય ત્યારે તેમના મોઢામાં તેઓ ન ખાતા હોય તેવા ખાદ્ય કે ક્યારેક બિનખાદ્ય પદાર્થો ફેંકવા, કોઈ પણ પ્રાણી કે પંખીને ઉશ્કેરવા અને આવી અનેક અસભ્ય હરકતો કરવી એ માણસો માટે સામાન્ય છે. આ એક ખેદજનક બાબત છે. એક તો પ્રાણીઓને તેમના કુદરતી રહેઠાણથી દૂર કરી તેમને આમ પ્રાણીબાગનાં પિંજરામાં પૂરી રાખવાં એ જ નૈતિક ગણાય કે કેમ એ ચર્ચાનો વિષય છે પણ તેમાં ઉંડા ન ઉતરતાં તેમની સાથે આવું અસં સ્કૃત વર્તન કરવું વ્યાજબી છે?
મકસૂદના કેસમાં ચાર ફૂટ ઉંચી દિવાલ હતી તે ઠેકીને વાઘનાં પાંજરામાં જવાની ભૂલ આ ઘટના બદલ જવાબદાર હતી.આ ભેદરેખાનું પ્રમાણભાન ખૂબ જરૂરી છે.માનવ હંમેશા પોતાની મર્યાદારેખા ઓળંગતો રહ્યો છે.દીપડાં માનવને ફાડી ખાધાનાં વારંવાર છાપે ચડતા કિસ્સામાં પણ માનવોનું પ્રાણીઓનાં રહેણાંક વિસ્તારમાં અતિક્રમણ જવાબદાર હોય છે. એક તો માનવ સીમા ઓળંગી પ્રાણીઓની હદમાં ઘૂસણખોરી કરે અને પછી પ્રાણી શાંત રહી આ સહન કરી કોઈ પ્રતિક્રિયા ન આપે એવી અપેક્ષા રાખવી બિલકુલ યોગ્ય નથી.
બીજું એક વાત સમજી લો કે પ્રાણીઓ ક્યારેય માણસ ને ખાતા નથી કે તેના પર કારણ વગર હૂમલો કરતાં નથી.પછી એ સાપ હોય કે વાઘ-સિંહ. જો સામે વાળા પ્રાણીને પોતાના જીવ સામે જોખમ જણાય તો તે સ્વબચાવ માટે જ માણસ પર હૂમલો કરતું હોય છે. મકસૂદ પોતે જ ડરી ગયેલો જણાતો હતો.દસ મિનિટ સુધી વાઘ તેની સાથે જાણે રમી જ રહ્યો હતો. પણ માણસોના હાકોટા સાંભળી તેને લાગ્યું કે પોતે અને મકસૂદ ભયમાં છે આથી તેણે પોતાના અને મકસૂદના બચાવ માટે પોતાને આવડતી રીતે મકસૂદને બોચીએથી પકડી ત્યાંથી દૂર લઈ જવા પ્રયત્ન કર્યો.પણ કમનસીબે મકસૂદ મોતને ભેટ્યો.જો વાઘે તેને ખાવો જ હોત તો શા માટે તેનું આખું શરીર બાદમાં સાબૂત મળી આવ્યું? પ્રાણીઓ અગ્નિથી ડરતાં હોય છે. જો કદાચ હૂરિયો બોલાવવાની જગાએ એકાદ જણે શર્ટ કાઢીને કે કોઈક અન્ય પદાર્થ સળગાવી તેનાથી વાઘને દૂર ભગાડવાની કોશિશ કરી હોત અને વિડીઓ ઉતારવાની કે ફોટા પાડવાની જગાએ કપડાનાં કે અન્ય રસ્સી જેવા દોરડા દ્વારા મકસૂદને ઉપર ખેંચી લેવાના પ્રયાસો થયાં હોત તો પણ મકસૂદને બચાવી શકાયો હોત.
પ્રાણીબાગમાં વિકટ કે વિષમ પરિસ્થિતી ઉભી થાય ત્યારે આવા સંજોગોને પહોંચી વળવા વ્યવસ્થા અને સાધનો જરૂરી હોય છે.ત્યાંના સ્ટાફને આવી પરિસ્થિતીને પહોંચી વળવા ટ્રેનિંગ આપવી આવશ્યક હોય છે.આમાંની કોઈ જ બાબત મકસૂદના કેસ વાળા દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં પ્રાપ્ય નહોતી.થોડા સમય માટે પ્રાણીને નિદ્રાધીન કરી દેતી દવા વાળી ગોળી મારી પ્રાણીને કાબૂમાં લેવાની પ્રથા ઘણાં ઝૂમાં પ્રચલિત છે.તે અહિં નહોતું.કોઈક અહેવાલમાં વાંચ્યું કે વિજય વાઘની સંભાળ લેનારા બે-એક જણે માંસના ટુકડા દૂર નિયત જગાએ મૂકી તેને લલચાવી એ તરફ દોરવાનાં નિષ્ફળ પ્રયાસ કર્યાં હતાં.પણ તેમની વાઘ નજીક જવાની હિંમત ચાલી નહોતી આથી તેમણે પણ લાકડી ઠોકી તેના અવાજથી વાઘને નસાડવાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતાં જેની અવળી અસર થઈ હતી.
દશેરાના દિવસે સવારે મારા ઘરનાં સામેનાં છાપરે એક કાળી બિલાડી પોતાનાં તાજા જન્મેલાં ત્રણ બચ્ચાને વારાફરતી બોચીએથી પકડી અન્ય સલામત સ્થળે લઈ જતી મેં સાનંદાશ્ચર્ય નિહાળી અને થોડી જ ક્ષણો બાદ એક મિત્રનો વ્હોટ્સએપ પર મેસેજ આવ્યો કે મકસૂદનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયો છે અને જણાવે છે કે મકસૂદનું મોત વાઘનાં દાંત તેની ગરદનમાં ઉંડા ખૂંપી જવાને કારણે વધુ લોહી વહી જતાં નિપજ્યું હતું, વાઘ તો તેને પથ્થરો અને લાઠીથી બચાવવા પોતાના બચ્ચાને લઈ જતો હોય તેવી અંત:સ્ફૂરણાથી પ્રેરાઈ અન્ય વધુ સલામત જગાએ લઈ જવા ઇચ્છતો હતો.આ મેસેજ સાચો હોય કે નહિ પણ હું ભગવાનને એવી પ્રાર્થના જરૂર કરીશ કે કે હવે માનવો અન્ય પ્રાણીઓ અને જીવો પ્રત્યે થોડા વધુ સંવેદનશીલ બને અને પેલી મર્યાદારેખાની વાત કરી તે ન ઓળંગે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો