Translate

રવિવાર, 12 ઑક્ટોબર, 2014

ગેસ્ટ બ્લોગ : પ્રેમલગ્ન


                                                                - કિશોરી કામદાર

પ્રેમલગ્ન ભારત માટે કંઈ નવી વસ્તુ નથી. પ્રાગૈતિહાસિક કાળમાં પ્રેમલગ્ન થતાં જ હતાં.

જે વ્યક્તિ સાથે જીવન આખું વિતાવવાનું હોય તેના પ્રત્યે પ્રેમ હોય તો જ તે ટકી શકે છે. પ્રેમ એટલે ત્યાગ. જે વ્યક્તિ સાથે પ્રેમ હોય તેને માટે માનવી ગમે તે વસ્તુનો ત્યાગ આપી શકે છે. જીવન ગમે તેટલું સમૃધ્ધ હોય તો પણ હંમેશા એક યા બીજા સ્વરૂપે ત્યાગ માગે છે.

પ્રેમલગ્નથી  જોડાયેલી વ્યક્તિઓ  પરસ્પરના સદ્દ્ગુણો અને દુર્ગુણો સારી રીતે જાણતા થયા હોય છે. સદ્દ્ગુણોએ બંને ને આકર્ષ્યા હોય છે, ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમની લાગણી જન્મે છે અને કાળાન્તરે તેઓ એકબીજાના દુર્ગુણો પણ જાણતા થાય છે.

પરંતુ એ સમયે પ્રેમ એટલી ઉત્કૃષ્ટ કક્ષાએ પહોચ્યો હોય છે કે એક પાત્ર પોતાની ગમતી વ્યક્તિ ખાતર બીજા પાત્રની મર્યાદાઓ ચલાવી લે છે.

કોઈપણ વ્યક્તિ સર્વાંગ સંપૂર્ણ નથી. પ્રત્યેકમાં માનવસહજ નબળાઈઓ,દુર્ગુણો હોય જ છે. પરંતુ પ્રેમ દ્રારા થયેલા લગ્નમાં બંને વ્યક્તિઓને પહેલેથી જ પરસ્પરની મર્યાદાઓનો ખ્યાલ આવી જાય છે  એથી મન દુ:ખનું કારણ રહેતું નથી.

                આજે પ્રેમલગ્નનો વિરોધ થાય છે તે ખરેખરા પ્રેમલગ્નનો નહીં પરંતુ બાહ્ય - આકર્ષણથી પરસ્પર ખેંચાયેલા કે મુગ્ધાવસ્થામાં પરસ્પર વશીકરણ પામેલા અને પરિણામે કહેવાતાપ્રેમ- લગ્ન’થી જોડાયેલ યુગ્મોના દુ:ખી અને નિષ્ફળ સંસારને જોઈને વિરોધ થાય છે. એથી ખરેખર તો  'પ્રેમ’ એટલે શું સમજી લેવાની જરૂર છે . આજના કહેવાતા પ્રેમલગ્ન - લવ મેરેજ પ્રેમલગ્ન નથી હોતા પણ દેહાકર્ષણ માંથી જન્મેલા સાનિધ્યની ઝંખનાને પ્રેમ- લગ્નનું રૂપકડુ  લેબલ આપવામાં આવે છે  અને જ્યારે ક્ષણભંગુર આકર્ષણમાં સતત સાનિધ્ય ઓટ લાવે છે ત્યારે પ્રેમ- લગ્ન નિષ્ફળ જાય છે.

પ્રેમ લગ્નમાં વ્યક્તિ માત્ર સામી વ્યક્તિને પ્રેમ કરે તેમાં તેની પૂર્ણાહુતિ નથી પરંતુ પોતાની વ્યક્તિના જીવનમાં એક યા બીજી રીતે ઉપકારક હોય તે સર્વ વ્યક્તિ તરફ પ્રેમ ભાવ રાખે તો જ તેનો પોતાની વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ પ્રેમના અર્થને સાર્થક કરે છે.

                માતાને પોતાના બાળક પ્રત્યે અગાધ પ્રેમ હોય છે. બીજા તેના બાળક વિશે ગમે તે કહે પરંતુ તે માનવા તૈયાર થતી નથી. કદાચ તે બાળકના દોષો જાણી લે તો પણ તેનો પ્રેમ તેને ક્ષમા આપી દે છે .  પ્રેમની ક્ષિતિજો વિસ્તરે તો માનવી સંતની કક્ષાએ પહોંચે છે. એથી જ કબીરે કહ્યું છે :

“પોથી પઢી પઢી જગ મૂઆ,

 પંડિત ભયા કોઈ

 ઢાઈ અક્ષર પ્રેમકા,

 પઢે સો પંડિત હોય…

                આમ સાચો પ્રેમી પંડિતની કક્ષાએ  છે. તે પ્રેમીને અને પછી બધાજ માનવીને સમભાવથી, પ્રેમભાવથી જુએ છે. જેમ મા કોઈ દિવસ પોતાના બાળકને છોડવાનો વિચાર પણ કરી શકતી નથી તેમ 'પ્રેમ-લગ્ન ' માં છૂટાછેડા જેવા શબ્દને સ્થાન જ હોય માટે તો ન્હાનાલાલે કહ્યું છે:

“સ્નેહ લગ્નની વિધવાને પુન:લગ્ન જેવું પાપ નથી

દેહ લગ્નની વિધવાને પુન:લગ્ન જેવું પુણ્ય નથી”

આવા પ્રેમમાં બાહ્ય આકર્ષણ ને સ્થાન જ  નથી. મજનુ લયલા ખાતર સર્વસ્વ અર્પણ કરવા તૈયાર હતો પરંતુ લયલા કોઈ રૂપસુંદરી નહોતી એથી બાદશાહે મજનુને બોલાવી કહ્યુંમારા જનાનખાનામાં એકથી એક ચડે એવી રૂપસુંદરીઓ છે.તું ગમે તેને પસંદ કરી લે." ત્યારે મજનુએ કહ્યું – “મારે મન લયલાથી વિશેષ સુંદર જગતમાં કોઈ નથી.”  એક શાયરે સરસ કહ્યું છે 'લયલા કો દેખો તો મજનુકી આંખોસે…’

પ્રેમ બધીજ કુરૂપતા, બધા દુર્ગુણો, બધી જ મર્યાદાઓને  અતિક્રમી  જઈ, માનવીના આત્માના સૌંદર્યને   ઓળખે છે.  આમ જ્યારે બે આત્માઓ પરસ્પરના આત્માને ઓળખે છે ત્યારેજ સાચા પ્રેમલગ્ન થાય છે અને બે આત્મા જ્યારે એક બને છે ત્યારે અદ્વૈતને  પામે  છે. જીવનના સ્થૂળ તત્વોમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરી અનેકમાંથી એકત્વને પામી માનવી જ્યારે અદ્વૈતનો અનુભવ કરે છે ત્યારે પરમ તત્વના પણ પગરણ થાય છે આમ અનેકમાંથી, દ્વૈતમાંથી અદ્વૈત અને  અદ્વૈતમાંથી કેવલાદ્વૈત તરફ ગતિનું પ્રથમ સોપાન છે પ્રેમલગ્ન.

પરંતુ  આજે આપણે શબ્દને કેવો  વિકૃત અને  વિરૂપ બનાવી દીધો છે. પશ્વિમની સંસ્કૃતિએ પ્રેમ એટલે જાતીય- સંબધ એવા પડઘા પાડ્યા છે એથી કોઈ ડોક્ટર પેશન્ટને પ્રેમ કરે કોઈ શિક્ષક વિદ્યાર્થીને પ્રેમ કરે, કોઈ પુરુષ  કોઈ  સ્ત્રીને  પ્રેમ કરે - તો કંઈક બીજો જ અર્થ  ઘટાવાય  છે. પશ્વિમની સંસ્કૃતિ 'પ્રેમ- લગ્ન' ના મૂળ મનોભાવને નિચોવીને તેની માત્ર સ્થૂળતા ટ્કાવી રાખી છે. એથીજ  'પ્રેમ'ને  અને  પ્રેમલગ્નને સમજવામાં ભલભલા ગૂંચવાઈ  જાય છે. 

પ્રેમ માત્ર બે માનવ વચ્ચેજ  નથી હોતો. કોઈ સ્થળ પ્રત્યે,કોઈ સ્થૂળ વસ્તુ પ્રત્યે, કોઈ સિદ્ધાંત પ્રત્યે, કોઈ કળા પ્રત્યે - માનવીને પ્રેમ જન્મે છે. પ્રેમ એટલે વાસના નહી, પ્રેમએટલે એષણા નહી, પ્રેમ એટલે વાસનામાંથી મુક્તિ, એષણા - ઈચ્છારહિતતા (DESIRELESSNESS) - સર્વ પ્રત્યેના પ્રેમની અંતિમ કક્ષા છે. કક્ષાએ કોઈ યોગી કે તત્વજ્ઞાની પહોંચી શકે છે. પરમ સ્થૂળમાંથી પરમ સૂક્ષ્મ તરફ ગતિ કરાવી શકે એવી કોઈ શક્તિ હોય તો તે પ્રેમ છે. પરમતત્વ એના હિમાલયના સર્વોચ્ચ શિખર પર પહોચવાનું પ્રથમ સોપાન છે : પ્રેમલગ્ન.

- કિશોરી કામદાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો