Translate

રવિવાર, 19 ઑક્ટોબર, 2014

દિવાળીની શુભકામનાઓ...


જેમનું નામ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં લેવામાં આવે છે એવા ગણેશજી લોકપ્રિય સાર્વજનિક પર્વ ગણેશોત્સવ બાદ પોતાની સાથે જાણે તહેવારોની ફોજ લઈ આવે છે! ગણેશ ઉત્સવ પછી ગણતરીના દિવસોમાં આવી પહોંચે  નવલા નોરતાની રાતોનો કોડીલો યુવા હૈયાઓને  હિલોળે ચડાવતો તહેવાર નવરાત્રિ! નવરાતો બાદ દશેરા, પછી આવે તહેવારોની રાણી સમી દિવાળી. જોકે એ પહેલા વચ્ચે શ્રાદ્ધ પક્ષનાં અશુભ ગણાતાં દિવસો પણ આવી જાય.પણ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આ દિવસોમાં પણ પુર્વજોને યાદ કરી કાગડાઓને ખીર-પુરી ખવડાવી દાન વગેરે કરવાની પરંપરા નિભાવી એક રીતે કહીએ તો તેને ઉજવવામાં જ આવે છે. શ્રાદ્ધ પછી તરત નવરાત્રિના શુભ દિવસો અને રઢિયાળી રાત્રિઓ આવે અને યુવા હૈયા થનગની ઉઠે! શુભ પછી અશુભ અને પછી ફરી શુભનં ચક્ર જીવન ચક્રના રૂપક સમું નથી? સંદેશ છે કે એક સરખા દિવસો કોઈના જાતા નથી...તડકા પછી છાયાની જેમજ દુ:ખ પછી સુખ અને સુખ પછી દુ:ખનું ચક્ર અવિરત પણે ગબડ્યા કરે છે. વહેતા પાણીની જેમ સતત ચાલતા રહેવું સાચો મંત્ર છે. અટકી જઈએ તો ફુગ ચડે,શેવાળ બાઝે,સડો લાગે...સતત ગતિમાં રહીએ જીવન ચક્ર સાથે...

દિવાળીનો તહેવાર પણ ઘણી રીતે સૂચક છે. દિવાળી એટલે રોશનીનો તહેવાર. અંધકારમાંથી રોશની તરફ જવાનો તહેવાર. આનંદ અને ઉલ્લાસ સિવાય દિવાળી કલ્પી શકાય કે? એક નાનું અમથું માટીનું કોડિયું પણ જ્યારે તેમાં દિવો પ્રગટાવવામાં આવે ત્યારે મસમોટા અંધકારને ભગાડી પ્રકાશ રેલાવી રહેલું  કેટલું દેદિપ્યમાન લાગે છે! જીવનમાં પણ જ્યારે સંકટો અને દુ:ખોના વાદળોનો અંધકાર છવાયો હોય ત્યારે નાનકડા કોડિયાના દિવા જેટલી શ્રદ્ધા ટકાવી રાખવાની છે અને ઇશ્વરને પ્રાર્થના અને ખંત તથા મહેનતથી ગમે તેવી વિકટ પરિસ્થીતીમાંથી બહાર આવી શકાય છે. એક દિવાને પ્રગટાવ્યા બાદ તેમાંથી બીજા અનેક દિવા પ્રગટાવી શકાય છે એ જ રીતે આપણે પણ આપણાં જીવનમાં સદગુણોનો દિપક પ્રગટાવી અનેકનાં જીવન ઉજાળીએ અને સારી બાબતોનો પ્રસાર અને પ્રચાર કરીએ...

દિવાળીએ અંધકારને દૂર કરવાનો તહેવાર છે.અહિં અંધકાર પણ પ્રતીકાત્મક છે.દિવાળી પહેલાં ઘરમાં સાફસફાઈ અને રંગરોગાન કરવામાં આવે છે.જૂનો નકામો-સંઘરેલો કચરો દૂર કરવામાં આવે છે જેથી નવી વસ્તુ માટે જગા થાય.આપણો સ્વભાવ છે સંઘરણી કરવાનો. નકામી એવી વસ્તુ પણ ક્યારેક કામમાં આવશે એમ વિચારી આપણે માળિયે ચડાવી દેતા હોઇએ છીએ. પણ દિવાળી પહેલાં આ બધું ફંફોસવાનો અવસર મળે છે.ત્યારે બધું ચકાસી જે નકામું છે તેનો તરત ત્યાગ કરવો જોઇએ.અને ખપ પૂરતી વસ્તુઓ જ પાસે રાખવી જોઇએ.મનમાં રહેલો કચરો-ગંદકી પણ ધનતેરસ,કાળીચૌદસ અને દિવાળીના પવિત્ર દિવસોમાં ધ્યાન ધરી,પોતાની જાત સાથે થોડો સમય ગાળી,અંતરમાં ડોકિયું કરી દૂર કરવા જોઇએ. રંગરોગાન કરી ઘરને જેમ સજાવીએ છીએ અને શરીર પર પણ જેમ નવા વસ્ત્રો ધારણ કરી છીએ તેમ આ પર્વનાં ઉલ્લાસમય દિવસો દરમ્યાન મનને પણ નવા શોખ અપનાવી,નવા ધ્યેયો નિર્ધારીત કરી,નવા સદગુણો અને સારી આદતો અપનાવવાનો નિર્ણય લઈ સુશોભિત કરીએ.

જીવનમાં મોટી મોટી વસ્તુઓ પ્રાપ્ત કરવાની હરણફાળ ભરવામાં આપણે થોડી વાર થંભી,નાની નાની વસ્તુઓનો આનંદ લેવાનું ચૂકી જઈએ છીએ. આ દિવાળીએ જીવનને ભારેખમ ન બનાવી દઈ નાની નાની વાતોનો આનંદ લેવાના વિચારતંતુ સાથે છેલ્લે શ્રી ઉમેદ નંદુ દ્વારા સંપાદિત એક અતિ સુંદર પુસ્તક 'તાણાવાણા-૧૧' માંથી ફિલ બોસ્મન્સ લિખિત સુંદર મજાના કાવ્યથી બ્લોગ-લેખનું સમાપન કરું છું :

તો ચાલો

 આપણે સાથે મળીને ફરીથી

સુખ આપતી સામાન્ય વસ્તુઓની તલાશ કરી,

દોસ્તીના સાવ સીધા સાદા જાદુને શોધીએ,

બીમાર માટે થોડાં પુષ્પો,

મહેમાનોને આવકારતું હસતું આંગણું,

અતિથિને આવકારતું રસોડું,

ભાવતા ભોજનની મિજબાની.

બાગમાં આરામ કરવાનો આનંદ,

આકાશ તરફ મીટ માંડીને જોવાની મજા,

હાથમાં હાથ મિલાવીને

લીલાછમ હાસ્યની ખુશી.

મંદિરની શાંતિ,

બાળકનું ચિત્રકામ,

કળીનું ખૂલવું,

પંખીનો ટહુકો,

વૃક્ષોની હારમાળા,

ઝરણું,પહાડ

ચારો ચરતી ગાય.

જો તમે આવી

સામાન્ય લાગતી ચીજોને ચાહી શકો તો,

વસંત મહોરી ઉઠે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો