Translate

લેબલ 'dinesh panchal' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'dinesh panchal' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 15 ડિસેમ્બર, 2013

ગેસ્ટબ્લોગ 'સાચો ધર્મ - માનવ ધર્મ' ના પ્રતિભાવ

ગયા સપ્તાહે દિનેશભાઈ પાંચાલ લિખિત ગેસ્ટબ્લોગ "સાચો ધર્મ - માનવ ધર્મ" ને ખૂબ સારો આવકાર મળ્યો અને તેના પ્રતિભાવ રૂપે આવેલ ઇમેલ,પત્ર વેગેરે સંકલિત કરી આ સપ્તાહે જન્મભૂમિ પ્રવાસીના 'બ્લોગ ને ઝરૂખેથી...' માં છાપ્યું હોવાથી આ સપ્તાહે કોઈ નવો બ્લોગ-લેખ પ્રકાશિત કર્યો નથી. "સાચો ધર્મ - માનવ ધર્મ" ગેસ્ટબ્લોગને મળેલા પ્રતિભાવ ગયા સપ્તાહના આ બ્લોગમાં કમેન્ટ્સ રૂપે આ વેબસાઈટ પર વાંચી શકાશે...

આભાર!

- વિકાસ ઘનશ્યામ નાયક

રવિવાર, 8 ડિસેમ્બર, 2013

ગેસ્ટ બ્લોગ : સાચો ધર્મ - માનવ ધર્મ

-      દીનેશ પાંચાલ
 
                  ડો. ડેવિડ ફ્રોલી ભારતીય ઈતિહાસના નિષ્ણાંત છે . તેમણે કહ્યું છે: અમેરિકા અને જાપાન એટલા માટે સુખી અને સમ્રુદ્ધ છે કે ત્યાં ધર્મ સંપ્રદાયના વાડા નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે.મલેશિયા અને પાકિસ્તાનમાં અઢળક કુદરતી સંપતિ છે. પણ એ ગરીબ રહ્યાં કારણ કે એ દેશોમાં ધર્મની બોલબાલા રહી છે.મલેશીયામાં હિન્દુ કે ખ્રિસ્તી નાગરીક મુસ્લિમ બની શકે પણ ઈસ્લામી નાગરીક ધર્મપરિવર્તન કરીને હિન્દુ કે ખ્રિસ્તી ન બની શકે.ઈસ્લામમાંથી ધર્મ પરીવર્તન કરનારને દેહાંતદંડની સજા થાય છે. એ સંબંધે એક ચોંકાવનારો કિસ્સો ધ્રણા ઉપજાવે એવો છે . ૧૯૯૮માં મલેશિયામાં જન્મેલી મૂળ મલય જાતિની મુસ્લિમ છોકરી (નામ એનું લીના જોય) ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી બની.તે છોકરી રોમન કેથલીક યુવકને પરણવા માંગતી હતી. એથી તેના આઈડેન્ટીટીકાર્ડમાંથી ઈસ્લામ ધર્મ કાઢી નાખવા માંગતી હતી. બસ આટલી બાબતે ગુનો ગણીને ઈસ્લામિક શેરિયા કોર્ટે તેને બેવફા જાહેર કરીને દેહાંતદંડની સજા ફરમાવી છે. (આજે પણ એ યુવતીએ જીવ બચાવવા સંતાતા ફરવું પડે છે) 

                એક વાત સમજાતી નથી. ધર્મ સુખને બદલે દુ:ખનું કારણ શા માટે બનવો જોઈએ? માણસે પીડાસહન કરવા કે દુ:ખી થવા માટે ધર્મ પાળવો જોઈએ એવું કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી. ધર્મ આખરે શું છે?ભૂખ લાગે તો રોટી ખાવી એ જીવન છે અને કોઈ ભૂખ્યો આવે તો તેને અડધામાંથી અડધીરોટી આપવી એ ધર્મ છે. પાણી માટે કુવો ખોદવો એ જીવન છે અને તરસ્યાને માટે પરબ માંડવી એ ધર્મ છે.
 મિત્રો વચ્ચે ચર્ચા ચાલતી હતી તેમાં એક પ્રોફેસર મિત્રે જે કહ્યું તે સાંભળવા જેવું છે . એમણે કહ્યું-હું કોઈ પ્રસ્થાપિત ધર્મ પાળતો નથી. પણ માનવધર્મમાં મને પૂરી આસ્થા છે. હું મંદિર , મસ્જિદ કે ગિરજાઘરોમાં જતો નથી, પણ કોઈને હોસ્પિટલમાં લઈ જવાની ઈમરજન્સી ઉભી થઈ હોય તો મારુ કામ પડતું મૂકીને દોડી જાઉં છું, ભૂખ લાગે ત્યારે ખોરાક ખાઉં છું , કોઈનું ભેજુ ખાતો નથી. તરસ લાગે ત્યારે પાણી પીઉં છું કોઈનું લોહી પીતો નથી. મંદિરમાં જવાને બદલે કોઈ સાહિત્યકારની શિબિરમાં જવાનું મને વધુ ગમે છે . મંદિરમાં ગવાતા ભજનો સામે મને વાંધો નથી પણ ભજન ગાવા કરતાં સાહિત્યગોષ્ડિમાં ચિંતન-મનન કરવાનું મને વધુ ગમે છે.શિરડી પગપાળા યાત્રા કરીને સાંઈબાબા ને રીઝવવા કરતાં ઘરડા માબાપની સેવા કરવાનું મને ગમે છે. ઘરમાં સાગનું નાનું મંદિરિયુ છે . તેમા ક્યા દેવ છે તેની મને ખબર નથી.પત્ની રોજ પૂજા કરે છે.હું નથી કરતો.પત્ની એ મારી ધર્મવિમુખતા સ્વીકારી લીધી છે.હું પણ તેના ગમાઅણગમાનો ખ્યાલ રાખું છું (તે ઘરમાં પોતું મારે છે ત્યારે તે સૂકાય નહી ત્યાં સુધી હું ત્યાં પગલા નપડે તેનું ધ્યાન રાખું છું) એને કંટોલાનું શાક બહુ ભાવે,મને બિલકુલ ભાવતું નથી.પણ હું બજારમાંથી ખાસ તેને માટે કંટોલા (મોંઘાં મળે તો પણ) ખરીદી લાવું છું મને કારેલાનું શાક ખાસ પ્રિય છે તેને ભાવતું નથી.હું કદી તેને તે ખાવા માટે આગ્રહ કરતો નથી.અમારા સહજીવનમાં કંટોલા-કારેલા જેવી ઘણી અસમાનતાઓ છે પણ અમે અનુકૂલન સાધીને જીવીએ છીએ.એ ધર્મ પાળે છે હું પાળતો નથી છતાં સમજદારીથી સુખી દાંપત્ય જીવન વિતાવીએ છીએ. દાંપત્ય જીવનમાં અનુકૂલનને હું પ્રેમ કરતાં પણ ઊંચી સગાઈ ગણું છું.સુખી સંસાર માટે પ્રેમ કરતાં અનુકૂલન વધૂ જરૂરી છે હું બિલકૂલ ધાર્મિક નથી પણ લાખો ધાર્મિકો કરતાં વધું સુખી છું.

             પ્રોફેસર મિત્રે આગળ કહ્યું 'ઘણા લોકો ભગવાનનો ફોટો, મૂર્તિ વગેરે રોજ ઘસીઘસીને સાફ કરે છે પણ જ્મ્યા પછી દાંત સાફ કરતાં નથી.રોજ ધાર્મિક પુસ્તકોનું પોપટ રટણ કરે છે પણ અખબારો કે પુસ્તકો વાંચતા નથી.તેઓ શ્રદ્ધાપૂર્વક 'રામાયણ' વાંચે છે પણ ધંધામાં પાપનું પારાયણ કરવામાં પાછા પડતાં નથી.ગલ્લા પર થતી ખુલ્લેઆમ નફાખોરી કોમી રમખાણોમાં થતી છરાભોકથી ઓછી ખતરનાક નથી.ધર્મપુસ્તકનો રોજ એક અધ્યાય વાંચો એટલે દિવસભરના પાપો ધોવાઈ જાય એવું હું માનતો નથી. મંદિરે નથી જતો પણ લાઈબ્રેરીમાં રોજ જાઉં છું.ધર્મપુસ્તકોને બદલે મહાન માણસોના જીવનચરિત્ર વાંચુ છુ.આજપર્યત ઘરમાં એક પણ વાર કથા કિર્તન ભજન .યજ્ઞ કે પૂજાપાઠ કરાવ્યાં નથી. પણ મારા આખા કુટુંબે દેહદાન અને નેત્રદાનનુ ફોમ ભર્યુ છે.રક્તદાન કરવાનું અમે કદી ચુકતાં નથી. સાધુ સંતોને દાન પુણ્ય કરવાને બદલે દર વર્ષે એકાદ બે ગરીબ વિધાર્થીને પુસ્તકો ફી વગેરેમાં મદદ કરું છું.રથયાત્રામાં જોડાતો નથી પણ રોજ સવારે પદયાત્રા (મોર્નીગવોક) જરૂર કરું છું . કુંભમેળામાં કદી ગયો નથી  પણ વિજ્ઞાન મેળો કે પુસ્તકમેળો એકે છોડતો નથી આ રીતે જીવનારનો ક્યો ધર્મ કહેવાય તેની મને ખબર નથી, પણ કદી એવી ચિંતા થઈ નથી કે હું ઈશ્વ્રરને નથી ભજતો, મંદિરમાં નથી જતો, ઘરમાં કથા નથી કરાવતો, ધાર્મિક સ્થળોની યાત્રા નથી કરતો તેથી મર્યા બાદ સ્વર્ગમાં ન જવાશે તો મારું શું થશે?
                પ્રોફેસર મિત્રની વાતો સાંભળી ર્ક વાતનું સ્મરણ થયું હું લખતા લખતા બે ધ્યાનપણે કોઈ પુસ્તક ગોતવા કબાટ તરફ આગળ વધું કે તુરત શબ્દો સંભળાય- કેટલી વાર કહ્યું કે પોતુ માર્યુ હોય ત્યારે સૂકાય નહી ત્યાં સુંધી પગલા પાડવા નહી : જોવા જઈએ તો આ એક વાક્યમાં સઘળા ધર્મોનો સાર સમાઈ જાય છે.આપણી વ્યાજબી જરૂરિયાત પણ આપણે એ રીતે ન સંતોષવી જોઈએ કે બીજાને અગવડ થાય. કોઈને ખપમાં ન આવીએ તો ભલે પણ કોઈને માટે લપ ન બની જઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ. સુખ માટે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની રહેવાને બદલે પારકાનાં સુખનો પણ ખ્યાલ રાખવો જોઈએ. આ જ વાત સઘળા ધર્મપુસ્તકોમાં લખી છે.રાવણ બનવાથી બચી જાઓ પછી 'રામાયણ' ન વાંચો તો ચાલે જીવનમાં ડગલે ને પગલે દુર્યોધન કે શકુની બની રહેતા હો તો રોજ 'મહાભારત' વાંચો તો ય શો ફાયદો?યાદ રહે જીવનના અનુભવોમાંથી જડેલા સત્યો ગીતા કુરાન કે બાયબલનું જ પવિત્ર ફળકથન હોય છે.શાયર દેવદાસ 'અમીરે' કહ્યું છે: છોડ ગીતા, કુરાન અને બાયબલ ...... અસલી પથ તો એ છે જે જમાનો શીખવે છે!
 પ્રુથ્વીલોકમાં માણસનું અવતરણ જે કારણે થયું હોય તે પણ એટલું નક્કી કે એની આંખમાંથી ક્યારેક આંસુ ટપકે છે.કોક દુ;ખી માણસનાં આંસુ ને તમારી હથેળી વડે લૂછો એ બાબત ધર્મ ન ગણાતી હોય તો પણ તેમ કરવામાં શું નુકસાન છે?

             તરસની જેમ દુ;ખ સર્વવ્યાપી સ્થિતી છે.આપણે મંદિર ન બંધાવી શકીએ પણ મંદિર બહાર બેસતા ભિખારીઓમાંથી કોક એકના પેટની આગ ઠારીએ તેમાં ક્યું નુકશાન છે?રોડ પર અકસ્માતમાં માણસ ઘવાય ત્યારે આજપર્યત એક પણ વાર એવું બન્યું નથી કે તેને મદદ કરાવા દોડી જનાર લોકોએ પહેલાં તેને એમ પૂછ્યુ હોય કે -તમે હિન્દુ છો કે મુસ્લિમ....?એક પ્રશ્ન પર ખાસ વિચારવા જેવું છે હિન્દુ મુસ્લિમ યુવક યુવતીના મન મળી જાય અને બન્ને ના અંતરના આંગણામાં હૈયાનો હસ્તમેળાપ થાય ત્યારે એને હિન્દુ પ્રેમ અને મુસ્લિમ પ્રેમમાં વહેંચી શકાય ખરો? સમગ્ર સ્રુષ્ટિના માણસો કન્સીલ્ડ વાયરીંગની જેમ પરસ્પર જોડે પ્રાક્રુતિક રીતે સંકળાયેલા છે.

               સૌના આંસુ સરખા છે. સૌના આનંદ સરખા છે.સૌની દેહરચના તથા જન્મ અને મુત્યુ સરખાં છે ત્યાં સુધી કે તેમના લોહીનો રંગ પણ (ઈસ્લામી રંગ કે હિન્દુ રંગમાં) વિભાજીત થયેલો નથી. તો માણસ માણસ વચ્ચે ન્યાત -જાત અને ધર્મ- કોમના આટલા ભેદભાવ કેમ?
            
              દરેક માણસને એક ધર્મ હોય છે. એ ધર્મ ગેટપાસ જેવો ગણાય.જીવનભર માણસ ધર્મનો બિલ્લો છાતીએ ચીપકાવીને ફરે છે પણ કબરમાં કે સ્મશાનમાં એ બિલ્લાની કોઈ મહત્તા રહેતી નથી.મંદિર બહાર બુટ ઉતારી દેવા પડે છે  તે રીતે ચિતા પર કે કબરમાં જતાં પહેલાં એ એ બિલ્લો આપોઆપ ઉતરી જાય છે.ધર્મ સિનેમાની ટિકિટના અડ્ધિયા જેવો છે. થિયેટર છોડ્યા પછી માણસ એ અડ્ધિયું ફેંકી દે છે તે રીતે ધર્મ પણ માત્ર આ પ્રૂથ્વીલોકના ઈલાકામાં કામ આવતી ચીજ છે.મ્રુત્યુલોકમાં પ્રવેશીએ પછી ધર્મનું ચલણ કામ આવતું નથી.  મ્રુત્યુ આગળ નાત જાત કે ધર્મ કોમના બધાં ભેદ ભૂંસાઈ જાય છે.તાત્પર્ય એટલું જ કે સમગ્ર વિશ્ન માટે માનવધર્મથી ચડિયાતો ધર્મ બીજો એકે નથી.

-      દીનેશ પાંચાલ, નવસારી(ગુજરાત)

શનિવાર, 18 મે, 2013

ગેસ્ટ બ્લોગ : લ્યો, ધરમ કરતાં ધાડ પડી ! પધરામણી પચ્ચીસ લાખમાં પડી !!


-દીનેશ પાંચાલ

‘વૈશ્વીક માનવવાદ’ નામના પાક્ષીકમાં પ્રગટેલો એક કીસ્સો જાણવા જેવો છે. ગણદેવી (નવસારી જીલ્લો)ના ખાપરીયા ગામના વતની દીપકભાઈ પટેલ વર્ષોથી અમેરીકાના ફ્રેંકલીનમાં રહે. બન્યું એવું કે ગુજરાતથી અમેરીકા ગયેલા સ્વામીનારાયણ સંસ્થાના એક સન્તે દીપકભાઈની મૉટેલમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. દીપકભાઈએ તેમને પોતાની મૉટેલમાં ઉતારો આપવા આમંત્ર્યા. સંતોની કાર પાર્કીંગ પ્લોટમાં આવી ત્યારે તેમની જોડેના સેવકે દીપકભાઈને કહ્યું, ‘સન્તો સ્ત્રીઓનું મોઢું જોતા નથી એથી કાઉન્ટર પરની સ્ત્રીઓને થોડીવાર માટે દુર જવા કહો.’ દીપકભાઈ જરા મુંઝાયા. પછી એમણે મૉટેલની ડેસ્ક ક્લાર્ક (અમેરીકન ગોરી સ્ત્રી)ને થોડો સમય માટે કાઉન્ટર પરથી દુર જવા વીનંતી કરી. તે સ્ત્રી ખુબ ગુસ્સે થઈ. તે મૉટેલ છોડીને જતી રહી. એટલેથી જ ના અટક્યું. તે સ્ત્રીએ ત્યારબાદ ‘હ્યુમન રાઈટ કમીશનમાં દીપકભાઈ પર કેસ કર્યો. કેસ ચાર વર્ષ સુધી ચાલ્યો. સ્વામીનારાયણ સંસ્થા તરફથી દીપકભાઈને કોઈ કાનુની મદદ કે આર્થીક સહાય મળી નહીં. દીપકભાઈને કુલ પંચાવન હજાર ડૉલર (આશરે 25 લાખ રુપીયા) નો ખર્ચ થયો.

દીપકભાઈ અમેરીકાથી નવસારી આવ્યા ત્યારે તેમણે સ્વામી નારાયણના મુખ્ય સન્ત અને આચાર્યને પોતાની સઘળી આપવીતી જણાવી; પરન્તુ તેમના તરફથી પણ કોઈ મદદ મળી ના શકી. (દીપકભાઈએ અમદાવાદના એક અખબારમાં પણ આ વીતક જાહેર કરી હતી).

અત્રે પ્રશ્ન એ ઉદભવે છે કે ધર્મના નીતીનીયમો શા માટે એવાં, સમાજવીરોધી હોવાં જોઈએ જેથી અન્ય માણસો મુશ્કેલીમાં મુકાઈ જાય ! બીજો પ્રશ્ન એ કે તમે ઘડી કાઢેલા નીયમો વીદેશી પ્રજા પર શી રીતે લાદી શકાય ? કાલ ઉઠીને કોઈ ધાર્મીક સમ્પ્રદાયની મુખ્ય મહીલા એવો નીયમ બનાવે કે જ્યાં અમે રહેતાં હોઈએ તેની આસપાસના બસો ફુટના એરીયામાં કોઈ પણ પુરુષની હાજરી ન હોવી જોઈએ તો કેવી મુશ્કેલી ઉભી થાય ? આપણે ત્યાં ધર્મને નામે આવી સરમુખત્યારી થતી રહે છે. ઝેરની શીશી પર ધર્મની પીંછી વડે અમૃત લખીને વેચવામાં આવે છે. લોકો તે પીએ છે અને મરે છે.

થોડા સમયપુર્વે આપણે સન્તકૃપાલુ મહારાજના આશ્રમમાં થયેલી ધક્કામુક્કીની ઘટના વીશે વાત કરી હતી. એમાં કૃપાલુ મહારાજે પોતાની સ્વર્ગસ્થ(!!!) પત્નીની શ્રાદ્ધક્રીયા માટે દશ હજાર માણસો ભેગાં કર્યા હતા. કાબુ બહારની જનમેદનીને કારણે દરવાજો તુટી પડતાં 65 વ્યક્તીનાં મોત નીપજ્યાં હતાં અને 200 માણસો ઘવાયા હતા. સરકારે ઘવાયેલાને પચાસ હજાર અને મરનારના વારસદારોને એક લાખની સહાય ચુકવવાની જાહેરાત કરી દીધી. ઝીટીવી પર તે સાંભળી બચુભાઈ બોલ્યા: ‘જોયું, કર્મકાંડોની આ કેવી ગોઝારી ફલશ્રુતી છે ?  એક માણસે સાવ અંગત કહી શકાય એવી શ્રાદ્ધક્રીયાનો કર્મકાંડ એવી રીતે કર્યો જેમાં દેશની તીજોરીમાં દોઢ પોણાબે કરોડનો ચુનો લાગી ગયો. જરા વીચારો, પ્રજાના પૈસાનો આ બગાડ ‘રુપાલની પલ્લી પર ઢોળી દેવાતા લાખો મણ ચોખ્ખા ઘીના બગાડ જેવો નથી શું ?’

બીજો મુદ્દો એ છે કે સાધારણ  માણસે  એક ઘર બનાવવું હોય તો તેના હાથ ટુંકા પડે છે. તો નીર્ધન કહેવાતા સન્તો પાસે એટલી માત્રામાં પૈસા ક્યાંથી આવે છે ? આનો સ્વાભાવીક ઉત્તર એ જ હોય શકે કે સ્વામીઓના પૈસાદાર અનુયાયીઓ અને તેમના વીશાળ ભક્તગણ તરફથી મળતાં દાનમાંથી એવા આશ્રમો સ્થપાય છે. ચાલો, ભલે સ્થપાતા. પણ પછી થાય છે એવું કે એવા આશ્રમોમાં યુવાન અને લંપટ સ્વામીઓ ઘુસી જાય છે ત્યારે સૌની આંખ પહોળી થઈ જાય એવાં સેક્સકૌભાંડો બહાર આવે છે. આવાં સેક્સ સ્કેન્ડલો પકડાય છે અને જગતભરમાં તેમની બદનામી થાય છે; છતાં ભોગ બનેલા અનુયાયીઓની આંખ ઉઘડતી નથી.

સત્યની ભીતરનું સત્ય એ છે કે લોકો ધર્માન્ધ બનીને મુર્ખતાની બધી બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરી જાય છે. ક્યારેક તો એવા અન્ધશ્રદ્ધાળુઓ પોતાની પત્નીને પણ તેમના ચરણે ધરી દે છે. બાવટાઓને બગડવા માટે લોકો પુરી સવલત પુરી પાડે છે. આ બધામાંથી ઉગરવાનો એક માત્ર ઉપાય જનજાગૃતી છે. એ માટે સૌથી પહેલો પ્રહાર અન્ધશ્રદ્ધાનાં મુળીયાંમાં કરવો પડે. પરન્તુ કમનસીબી એ છે કે બહુધા અન્ધશ્રદ્ધા એક યા બીજી રીતે ધર્મ સાથે જોડી દેવામાં આવી છે. ચામડી પર જડબેસલાક ચોંટી ગયેલો બેન્ડેજ પટ્ટો ટીંક્ચર આયોડીન વગર ઉખડી શકતો નથી. અંધશ્રદ્ધાના પટ્ટાને પણ હેમખેમ ઉખેડવો હોય તો તે પર ‘રૅશનાલીઝમનું ટીંક્ચર આયોડીન છાંટવું પડે.

રૅશનાલીઝમ પોકારીને કહે છે કે કોઈ ભગવાધારી હાથમાં ધનુષ્ય લઈને તમારી સમક્ષ ઉપસ્થીત થાય તેટલા માત્રથી તેને રામ ન સમજી લો. તેની આંખના ખુણે રમતું ‘રાવણત્વ પકડી પાડો. સમાજ અને દુનીયાની સારપનો આદર કરો; પણ તેનાં અનીષ્ટો અને ભયસ્થાનો સામે પણ સજાગ રહો. કૃષ્ણની ભક્તી કરતા હો તો જરુર કરો; પણ બનાવટી સુદર્શન ચક્ર પરથી કોઈ દુર્યોધનને કૃષ્ણ ન માની લો. વીચારોને  હમ્મેશાં અપડેટ કરો અને નવી દૃષ્ટી કેળવો. પાંડવોની ન્યાયનીતી અને તેમના બાહુબળનું ગૌરવ કરો; પણ પત્ની દ્રૌપદીને જુગારમાં હારી જનારા પતી પાંચ હોય કે સો બધાં કૌરવોની કક્ષાના જ ગણાય એવું માપ તમારા અંદરના ધરમકાંટા પર ના નીકળે તો સમજો કે તમારો કાંટો ખોટો. સત્યની સમતોલ તોલણી કરવાની ટેવ રાખો. એવી તોલણીમાં રામની ભુલ જણાય તો શ્રદ્ધાની આડમાં બચાવ ના કરો અને રાવણ પાસે ચપટીક સદ્ ગુણ હોય તો તેની પણ જરુર નોંધ લો.

બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે જીવનમાં રસોડાથી માંડી રાજ્યસભા સુધી અને મંદીરથી માંડી મોલ સુધી સર્વત્ર વીવેકબુદ્ધીથી વર્તો. સાચા, નીવડેલા સન્તો કે કથાકારોના સારા આચારવીચાર અને આચરણને પુરસ્કારો; પણ તેમનાં ચરણો પુજવાથી દુર રહો. તેમના વીચારોને વધાવો; પણ આચારોનું ઓડીટ કરો. તેમને ઉતારો ભલે આપો; પણ તેમની આરતી ના ઉતારો. ખાસ કરીને સ્ત્રીઓને કહેવાનું કહેવાનું મન થાય છે કે તમે મંદોદરી હો તે પાપ નથી; પણ રાવણે કરેલા સીતાહરણને છાવરો તે પાપ છે. તમારી આસ્તીકતાને અક્કલ જોડે બાર ગાઉનું છેટું ના હોવું જોઈએ. બજારમાંથી ખરીદેલા જુવાર, ચોખા કે ઘઉંને ચાળીને ઉપયોગમાં લેવાય છે. તેમ ધર્મના ઉપદેશોને પણ વીવેકબુદ્ધીની ચાળણીથી ચાળવા જરુરી છે. ઈશ્વર હોય કે નયે હોય; તોય તમારા મનની શાંતી ખાતર ઘર આંગણે તેને પુજતા રહેવામાં ખાસ નુકસાન નથી; પરન્તુ ઈશ્વરને હાંસીયામાં ધકેલી દઈ પાખંડી બાબાને પુજવા લાગો તે ચોવીશ કેરેટનું પાપ ગણાય. યાદ રહે કોઈ લંપટ શીયાળલુંટારાના હાથમાં મચ્છરની જેમ મસળાઈ જવામાં કોઈ ભક્તી નથી, કોઈ બુદ્ધી નથી, બલકે સમગ્ર નારીજાત માટે એ નીચાજોણું થાય તેવું શરમજનક કૃત્ય છે. બને તો બાબાને છોડી દઈ ઘરના વૃદ્ધ બાપાની સેવા કરો. તે સાચી કુટુમ્બભક્તી ગણાશે. ભક્તીમાં બુદ્ધી ભળવી જોઈએ દુર્બુદ્ધી નહીં. શાંતી મળવી જોઈએ; અશાંતી નહીં.
 
-દીનેશ પાંચાલ