Translate

બુધવાર, 19 સપ્ટેમ્બર, 2012

ભાત ભાતનાં માણસો

છેલ્લા થોડા સમયમાં થયેલા ભિન્ન ભિન્ન પ્રકારના ત્રણ અનુભવોની વાત આજે બ્લોગ થકી કરવી છે. આ અનુભવોમાં માણસના સ્વભાવની કેટલીક લાક્ષણિકતાઓના દર્શન થયા.


૨૦૧૩ના જાન્યુઆરીમાં યોજાનારી મુંબઈ મેરેથોનમાં મેં હાફ મેરેથોન કેટેગરીમાં નામ નોંધાવ્યું છે અને આ કેટેગરીમાં મારે ૨૧ કિલોમીટર દોડવાનું છે. આ માટેની પ્રેક્ટીસ મેં અત્યારથી જ શરૂ કરી દીધી છે.બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી મારી ઓફિસ સુધી પહોંચવા વાંદરા સ્ટેશનથી ઓફિસ વચ્ચેનું અડધું અંતર દોઢેક કિલોમીટર લાંબા સ્કાયવોક પર ચાલીને કાપું છું અને બાકીનું અડધું અંતર રીક્ષામાં બેસીને.પંદરેક દિવસ અગાઉ સ્કાયવોકના ફ્લાય ઓવર પરથી ઉતરી મેં રીક્ષા પકડી.મારી પાસે તે દિવસે છૂટ્ટા ન હોવાથી મેં રીક્ષાવાળાને રીક્ષામાં બેસતા પહેલા જ ચોખવટ કરી દીધી કે મારી પાસે માત્ર સો ની નોટ છે.પણ તેણે ઘસીને ના પાડી દીધી કે છૂટ્ટા વગર તે મને મારી ઓફિસ સુધી નહિં લઈ જાય. સામે જ એક પાનવાળાની દુકાન હતી. મેં ત્યાં જઈ મને સો ના છૂટ્ટા આપવા વિનંતી કરી પણ પાનવાળા ભૈયાએ પણ મને તેની પાસે છૂટ્ટા છે કે નહિં એ ચકાસ્યા વગર જ છૂટ્ટા આપવાની ચોખ્ખી ધૂપ ના પાડી દીધી.મેં તેને પૂછ્યું કે હું તેને ત્યાંથી કોઈક વસ્તુ ખરીદું તો તે મને છૂટ્ટા આપશે કે નહિં.તેણે હકારમાં જવાબ આપ્યો.મારે તેની પાસેથી બાર રૂપિયાનું વેફરનું પડીકું લેવું પડ્યું.પણ ચાલો છૂટ્ટા તો મળ્યા! હવે હું છૂટ્ટા પૈસા લઈ પેલી રીક્ષામાં જ હકપૂર્વક બેઠો જેના ડ્રાઈવરે મને પોતાના ખિસ્સામાં છૂટ્ટા છે કે નહિં તેની ચકાસણી સુદ્ધા કર્યા વગર જ મારી ઓફિસ સુધી લઈ જવા નનૈયો ભણ્યો હતો. તેણે મને છૂટ્ટા લેવા જતા જોયેલો એટલે કંઈ વધુ બોલ્યા વગર રીક્ષા ચાલુ કરી. મારી ઓફિસ આવી જતાં મેં તેને દસ-દસની બે નોટ આપી. ભાડુ થયું હતું સત્તર રૂપિયા.તેણે પાછા આપવાના ત્રણ રૂપિયાના છૂટ્ટા કાઢવા શર્ટના ખિસ્સામાં હાથ નાંખ્યો ત્યારે દસ-દસની નોટોનું બંડલ તેના હાથમાં બહાર આવી ગયું. તેની પાસે સો ના છૂટ્ટા હતાં! છતાં તેણે મને શરૂઆતમાં તેની રીક્ષામાં મારી ઓફિસ સુધી લઈ આવવાની ના પાડી દીધી હતી.શું આ રીક્ષાવાળો કે પેલો પાનવાળો મને વિના શરતે,નિસ્વાર્થ ભાવે મદદ ન કરી શક્યા હોત? આપણે સામા માણસને કોઈ સ્વાર્થ વગર માત્ર મદદરૂપ થવાના ભાવ સાથે સહાય ન કરી શકીએ? ખેર, દુનિયાતો સુધરવાની હશે ત્યારે સુધરશે પણ આ પ્રસંગ પરથી મને એક વાત શીખવા મળી કે ઘેરથી નિકળતા પહેલાં ચકાસી લેવું જોઇએ કે પર્સમાં છૂટ્ટા પૈસા છે કે નહિં!

બીજો પ્રસંગ બન્યો મલાડ સ્ટેશન પર એક સવારે, નવેક વાગે. હું ઓફિસ જવા ટ્રેન પકડવા મલાડ સ્ટેશનના મિડલ ફર્સ્ટ ક્લાસ કોચ પાસે આવ્યો ત્યાં બેસવાના સ્ટીલના બાંકડા પાસે લોકોનું મોટું ટોળુ જમા થયેલું જોયું.સદાની માફક ટોળાના ત્રીસેક માણસોમાંથી માત્ર બે કે ત્રણ જણ, વચ્ચે જમીન પર ચત્તાપાટ બેહોશ પડેલા માણસની ખરી મદદ કરી રહ્યા હશે.બાકીના મોટા ભાગના લોકો માત્ર તમાશો જોઈ રહ્યાં હતાં. આવા કિસ્સામાં ખરી રીતે બેહોશ થયેલી વ્યક્તિને ગૂંગળામણ ન થાય એમ તેને વધુમાં વધુ હવા મળે એમ બેસાડવા કે સુવડાવવાની બદલે લોકો ટોળું બનાવી બેહોશ થઈ ગયેલી વ્યક્તિની મુશ્કેલીમાં વધારો કરતાં હોય છે. હું માર્ગમાં આવી રહેલા થોડાં ઘણાં લોકોને ખસેડી બેહોશ થઈ ગયેલ વ્યક્તિ પાસે પહોંચી ગયો.તે સાંઈઠેક વર્ષની ઉંમરના કાકા હતાં.એક ભાઈ તથા બે મહિલાઓ તેમને ઢંઢોળી ઉભા કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. થોડી જ વારમાં બેહોશ થઈ ગયેલા કાકાને ભાન આવ્યું અને તે એકદમ ગભરાઈ ગયેલી હાલતમાં આસપાસ જમા થયેલી ભીડને જોઈ રહ્યાં. એક યુવાને ટોળાને વિખરાઈ જવા બૂમ પાડી અને કાકાને વધુ હવા મળે એ માટે જાતે લોકોને હડસેલા મારી દૂર કર્યા. ભાનમાં આવેલા કાકા ખાસ્સી અશક્તિને કારણે ઉભા પણ થઈ શકતા નહોતા.મેં અને પેલા બીજા ભાઈએ મળીને કાકાને ઉભા કરી પેલા સ્ટીલના બાંકડા પર બેસાડ્યા.મેં કાકા પાસે મોબાઈલ છે કે નહિં એમ પૂછ્યું જેથી તેમના ઘેર કોઈને જાણ કરી શકાય.પણ તેમણે ના કહી.મેં મારા ફોનમાં તેમને પોતાને ઘેર વાત કરવા જણાવી મોબાઈલ તેમની સામે ધર્યો પણ તેઓ ખૂબ ગભરાઈ ગયેલા એથી કે બીજા કોઈ કારણ સર તેમણે ફોન કરવાની ના પાડી.મેં સમજાવવા કોશિશ કરી કે જો ફોન કરી તો તેમના ઘરેથી કોઈ આવી તેમને લઈ જાય. બીજા એક માજી પણ મારી સાથે તે કાકાને પૂછવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં કે તેમનું ઘર ક્યાં છે?કોઈ તેમને લેવા આવી શકે એમ છે કે નહિં? વગેરે વગેરે.પણ એ કાકા ખૂબ ડરી ગયેલાં અને તેમના મોઢામાંથી શબ્દો જ નહોતા નિકળી રહ્યાં.મેં તેમને રીક્ષામાં બેસાડી તેમનાં ઘેર જતાં રહેવાની વાત પણ કરી જોઈ પણ તે ઇશારામાં ના ના જ કરતા રહ્યા. જ્યારે તેઓ પડી ગયા ત્યારે સ્ટીલના બાંકડાની ધાર તેમના કપાળે વાગી હોવાને લીધે, ત્યાંથી લોહી નીકળી રહ્યું હતું અને થોડી વારમાં તો લોહીની ધાર નીચે વહી અને લોહીના ટીપાં તેમના શર્ટ પર પડવા માંડયા.સદનસીબે રેલવેના માણસો એ સમયે જ બે હમાલ સાથે ત્યાં આવી પહોંચ્યા અને કાકાને શાંતિથી પાટાપિંડી કરવાનું કહી ટેકો આપી ઉભા કરી અને ખભાનો સહારો આપી ચલાવી લઈ ગયાં.મને હાશ થઈ.પછીતો લોકો પણ વિખરાઈ ગયાં અને હું પણ ફરી રૂટીન લાઈફમાં ખોવાઈ ગયો. પણ થોડાં સમય સુધી, ગભરાયેલા કાકાના મોઢા પરના હાવભાવ અને કપાળ પરથી વહી રહેલ લાલ લોહી, મારા મગજ પર છવાયેલાં જ રહ્યાં.

ત્રીજા અનુભવમાં એક વિરલ વ્યક્તિ સાથે થયેલ પરિચય વિષે વાત કરવી છે. રૂષભ તુરખિયા નામની આ વ્યક્તિ સાથે મારો પરિચય થયો એક અંગ્રેજી અખબારમાં તેમના અનોખા અભિયાન વિષે વાંચ્યા બાદ. તેમણે 'YTN' (Your Turn Now) નામે એક નવો સેવા યજ્ઞ ચાલુ કર્યો છે જેમાં તમે મફતમાં તેમની પાસેથી દસ કાર્ડ મંગાવી શકો છો.તમારે રસ્તામાં,ઓફિસમાં કે ગમે ત્યાં કોઈ અજાણી વ્યક્તિને મદદની જરૂર હોય ત્યારે નિસ્વાર્થ ભાવે તેની મદદ કરવાની અને જ્યારે આભારવશ તેના મોઢા પર સ્મિત ફરકે ત્યારે પેલું એક કાર્ડ તેના હાથમાં પકડાવી દેવાનું જેના પર લખ્યું હોય 'YTN' (Your Turn Now) 'હવે તમારો વારો'. તેને સમજાવવાનું કે જેમ તમે તેને મદદ કરી એમ જ તેણે અન્ય કોઈ વ્યક્તિને મદદ કરવી અને પેલું કાર્ડ તેને આપવું. આમ એ કાર્ડ ફરતું રહેવું જોઇએ.છે ને મજેદાર,રસપ્રદ અને અનોખો આઇડિયા? તમે દસ 'YTN' કાર્ડ રૂષભભાઈના ઈમેલ આઈડી : rushabh@yourturnnow.in પર ઈમેલ કરી અથવા તેમને મોબાઈલ નંબર 9029602897 પર ફોન કરી મંગાવી શકો છો

જાત જાતનાં, ભાત ભાતનાં માણસો વિશે કોઈકે સાચું જ કહ્યું છે : તુંડે તુંડે મતિ:ભિન્ના !

2 ટિપ્પણીઓ:

 1. 'બ્લોગને ઝરૂખેથી...' પાછલા ઘણાં સમયથી નિયમિત વાંચુ છું. આ કટાર દ્વારા ઘણું નવું નવું જાણવા મળે છે.
  તા.૧૬-સપ્ટેમ્બર-૨૦૧૨ના રવિવારે તમારા ત્રણ અનુભવો વિશે વાંચ્યું અને તેમાં મલાડ સ્ટેશને પડી ગયેલા કાકા વાળી વાત વાંચી હું સંવેદનશીલ થઈ ગઈ. વાંચતાવેત ઘણું બધું કહેવાની ઇચ્છા થઈ આવી અને આથી જ તમને વહેલી સવારે ફોન કરી મારું મંતવ્ય વ્યક્ત કરી રહી છું.હું માનું છું કે આપણે સિનિયર સિટીઝન્સ માટે ઘણું બધું કરવું જોઇએ. તેમની સુરક્ષા તરફ સરકારે ધ્યાન આપવાની જરૂર છે અને ખાસ નીતિનિયમો બનાવવા આવશ્યક છે.
  મલાડ વાળો પ્રસંગ વાંચી, મને, હું રહુ છું ત્યાં વિલે પાર્લે વિસ્તારમાં બનેલી એક ઘટના યાદ આવી ગઈ.એક ઘરડા કાકાનું રસ્તામાં ચાલતા ચાલતા આકસ્મિક નિધન થઈ ગયું અને તેમની પાસે તેમની ઓળખ થઈ શકે એવી એક પણ વસ્તુ કે નિશાની નહોતી. હું પણ એ સમયે ચાલવા નિકળેલી. મારી સાથે અન્ય ચારપાંચ સેવાભાવી લોકોએ સ્થાનિક દૂધવાળા પાસેથી એ કાકાનું પગેરૂં મેળવ્યું અને તેમના મ્રુતદેહને તેમના ઘર સુધી પહોંચતો કર્યો.
  આવા પ્રસંગોએ આસપાસના લોકો બેપરવા ન બનતા યોગ્ય મદદ કરે એ જરૂરી છે.
  - ચિત્રા સાટમ, વિલે પાર્લે (મુંબઈ) (ફોન દ્વારા)

  જવાબ આપોકાઢી નાખો
 2. તમારા બ્લોગ્સ જન્મભૂમિમાં દર રવિવારે વાંચવાની મજા આવે છે.બસ આમ જ સારૂ સારૂ લખતા રહો!

  - ડો. વંદના ચોથાણી (SMS દ્વારા)

  જવાબ આપોકાઢી નાખો