Translate

શનિવાર, 22 ડિસેમ્બર, 2012

ગેસ્ટ બ્લોગ : કાગડો

- મૈત્રેયી મહેતા


કાગડા કાગડા કઢી પીવા આવ,

શેર કંકુ લેતો આવ.......

બહુ નાના હતા ત્યારે આવું કંઈ રમતા હતા, નહિ ? યાદ છે ? એ જ, એ જ કાગડા વિષે આજે વાત માંડવી છે. કાળો કાળો કાગડો , કા કા કા કા કરીને કર્કશતા માટે પ્રખ્યાત કાગડો. અને તેની સાથે જ કોયલ અને હંસ ,એ બન્ને ના વિરોધાત્મક પ્રતિક તરીકે જાણીતો કાગડો.. પણ બીજા કોઈ વિષે નહિ અને કાગડા વિષે જ કેમ એવો પ્રશ્ન સ્વાભાવિક છે .થયું એવું કે અમારા ઘરની આસપાસ ઘણાં ઘટાદાર વૃક્ષો છે, કબૂતરો ઓછા પણ કાગડા વધારે છે. અને અચાનક આજુબાજુ વસતા કાગડામાંથી એક કાગડાને બાલ્કનીમાં જતા દરેક સાથે શી ખબર શું વાંકું પડ્યું કે દરેકને ચાંચ મારે ! બહાર બાલ્કનીમાં ગયા નથી કે ચાંચ મારી નથી...! અને ક્યાંથી ઉડીને આવી જાય કે ખબર જ ના પડે, ચાંચ મારે એટલે માથામાંથી લોહી નીકળે.. એની ચાંચ કડક હોય... ! આ બધું બહુ ચાલ્યું... છેવટે બાલ્કની પર રાજ જમાવી બેઠા છે કાગડા ... બાલ્કનીમાં બહાર જવાતું નથી... પછી પાણી મુકવાનું શરુ કર્યું છે... જોકે ડર તો ચાલુ જ છે.

આમ કાગડાભાઈ વાતનો વિષય બની બેઠા. એક બાળ વાર્તા યાદ આવે છે. નાનકડો બચુડીયો

બાલ્કનીમાં બેઠો બેઠો પૂરી ખાતો હતો. કાગડાભાઇ આવીને પૂરી ઝૂંટવી ગયા.આમ તીવ્ર નજર રાખતા કાગડા ચતુર ગણાય છે. ચતુર કાગડાએ કંકર નાખી પાણી પીધું... એ વાત હવે સ્ટ્રો વડે પાણી પીતો કાગડો તરીકે જાણીતી છે.

મૂળ એશિયન એવા આ કાગડા હાઉસ ક્રો કે કોલંબો ક્રો તરીકે જાણીતો છે અને માનવ વસ્તીની આજુબાજુ બધે જોવા મળે છે. સામાન્ય રીતે ૪૦ સે.મી. લાંબો હોય છે. નેપાળ, બંગલા દેશ, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સમાં અને લેકેદીવ ટાપુઓ પર પણ જોવા મળે છે. ગુગલ પરથી મળતી માહિતી મુજબ ૧૮૯૭ ની આસપાસ સુદાન, ઝાંઝીબારની આજુબાજુ પૂર્વ આફ્રિકામાં લઇ જવામાં આવ્યો. ઓસ્ટ્રેલીયામાં તો તે વહાણ દ્વારા પહોંચી ગયો. હવે તો કાગડાભાઇ યુરોપ પણ પહોંચી ગયા છે.

ફ્લોરીડાના સેન્ટ પીટર્સબર્ગની આજુબાજુ કાગડાએ વસવાનું શરુ કર્યું છે. આ કાગડા સર્વ ખાદ્ય પદાર્થ ખાય છે. જોકે સફાઈ કામગીરી સારી રીતે બજાવે છે. તે માનવ વસ્તીની આજુબાજુ વસે છે, અને માણસે ફેંકી દીધેલી બધી ખાદ્ય ચીજો આરોગી જાય છે. તે ઉપરાંત જીવ જંતુ, જીવડા,ઈંડા , અનાજ અને ફાળો પણ ખાય છે. અરે આકાશમાંથી ઉડતાં ઊડતાં ચીલ ઝડપથી નીચે આવીને નાનકડા ખિસકોલીના બચ્ચા કે ઉંદરને પણ ઉઠાવી જઈ શકે છે.

અમેરિકન કાગડા પ્રમાણમાં મોટા હોય છે. મેં જોયું કે જાપાનમાં પણ વિશેષ ધ્યાન ખેંચે તેવા મોટા મોટા કાગડા હોય છે. ખાસ કરીને ઉત્તર અમેરિકામાં મોટા કાગડા જોવા મળે છે. તે ૪૦ થી ૫૩ સે.મી. લાંબા હોય છે. તેની એક પાંખ ૨૭ થી ૩૪ સે.મી. લાંબી હોય છે.

કાગડા ખુબ ચતુર હોય છે ,તે માણસોના અને પંખીઓના અવાજ ને ઓળખે છે. સંશોધકોએ માણસો અને પક્ષીઓના અવાજને રેકોર્ડ કરીને કાગળના પ્રતિભાવો ચકાસ્યા છે. ડો. વોશરે BBC ને કહ્યું કે શહેરોમાં કાગડાઓ, જેક ડૉ, મેગી , સીગલ અને માણસો ની આસપાસ વસે છે. કાગડા અજાણ્યો અવાજ સાંભળતાં જ સાવધાન થઇ જાય છે. જાણીતા માણસો કે પક્ષીઓના અવાજને ઓળખે છે અને પ્રતિભાવ પણ આપે છે.

કાગડા બહુ જ ચતુર હોય છે , એ વાત આપણે સહુ જાણીએ છીએ.એક કાગડો, પશુ-પક્ષીઓ માટે મુકવામાં આવેલા પાણીના પત્રમાં મેગીના ટુકડા નાખી તેને થોડી વાર પલાળવા દે અને પછી તે પોચા થાય પછી તેની મઝા માણે છે, લો બોલો..! કાગડા બદામ પ્રકારની કડક ખાદ્ય ચીજોને વાહન વ્યવહાર વાળા ભરચક રસ્તા પર ફેંકે છે મોટર-ગાડીઓના પૈડાંદ્વારા તેને તોડીને પછી તે ખાય છે ? ખરેખર, સાચું નથી લાગતું ? ગુગલ પર તેનો વિડીયો જોઈ લો ! વાહ ખરેખર કાગડાભાઇ બહુ ચતુર તો છે જ, તેમાં ના નહીં જ !પણ કાગડા ચતુર છે તો કોયલ તેનાથી પણ ચતુર છે, તે પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી દે છે ... અને કાગડો પોતાના ઈંડાની સાથે કોયલના ઈંડાને પણ સેવે છે અને બચ્ચાંને પોષે છે...

નર કાગડો ૫ વર્ષ અને માદા કાગડો ૩ વર્ષ જીવે છે. કેટલાક કાગડા ૨૦ વર્ષ પણ જીવે છે. અમેરિકાનો એક કાગડો ૩૦ વર્ષ સુધી જીવ્યાના પણ દાખલા છે.

* આઈરીશ માયથોલોજીમાં, કાગડો યુદ્ધ અને મૃત્યુની દેવી , મોરીગન સાથે સંકળાયેલો છે.

*નોર્સ માયથોલોજીમાં કાગડાનું જોડું - Huginn અને Munnin , વિશ્વ પર ઉડે છે, અને ભગવાન Odin ને પૃથ્વી પરની માહિતી આપે છે.

* હિંદુ માન્યતા મુજબ કાગડો કાગભુશંડીનું પ્રતિક છે. મૃત્યુ પછી જીવને કાગડા મારફતે પીંડ ખવડાવવામાં આવે છે. અને શ્રાદ્ધ પક્ષમાં કાગ વાસ નાખવામાં આવે છે , જે દ્વારા નવો જનમ ના લેનાર પિતૃ, કાગડા દ્વારા ખીર ખાઈને તૃપ્ત થઇ કુટુંબીજનોને આશિષ આપી પોતાની ગતિ પામે છે, એમ મનાય છે.

હિંદુ શાસ્ત્રો અને દર્શનોમાં કાગડા અને હંસ દ્વારા ઇષ્ટ અને અનિષ્ટ ની સરખામણીનું વર્ણન કરાયું છે.

જાપાનના પુરાણોમાં ત્રણ પગ ધરાવતા કાગડા "યાતાગારાસુ " નું વર્ણન આવે છે.

કાગડો કદી યે એકલો ખાતો નથી, વહેંચીને ખાવાનો સદગુણ તે ધરાવે છે, ચતુર પણ છે પણ અભીષ્ટ પણ આરોગે છે તેથી નિમ્ન કક્ષામાં તેની ગણતરી થાય છે.

આમ તો આપણે કહીએ છીએ કે કાગડા તો બધે પણ કાળા , પણ અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં સાવ સફેદ કાગડો મેં જોયો છે.

કાગડો દહીંથરું લઇ ગયો, કૌઆ ચલા હંસ કી ચાલ, જૂઠ બોલે કૌઆ કાટે , કાગારોળ મચાવી, કાગ ડોળે રાહ જોવી વગેરે વગેરે કહેવતો આપણે જાણીએ છીએ .

* માઈ રી માઈ મુંડેર પે તેરે બોલ રહા રે કાગા...

* કાગા ચૂન ચૂન ખાઈઓ...

* ઉડ જા રે કાગા ....

* અરે હા, દોસ્તો, કાગવાણી ની વાત કરવાની તો રહી જ ગઈ.... ગુજરાતી લોક સાહિત્યના સરતાજ સમા દુલાભાયા કાગના કવન... "કાગવાણીની" વાત ના કરીએ તો કેમ ચાલે ? દુલા ભાયા કાગનું સાહિત્ય એ તો ગુજરાતી લોકસાહિત્યનું અમૂલ્ય નજરાણું છે. સચોટ અને કડવું સત્ય કાગવાણીને નામે સરળતાથી વર્ણવ્યું છે એમણે....

કાગડા વિષે નવું કંઈ જાણવા મળે તો દોસ્તો જરૂર જણાવજો...

અને હા, કાગડા કાગડા કાઢી પીવા આવ પછી શું આવે છે તે હું ભૂલી ગઈ છું... તમને યાદ છે ? તો જરૂર જણાવજો, મારી email id છે : mainakimehta@ yahoo .co .in

કા.... કા.... ના.... ના .... કુહુ...કુહૂઉ ....કુહૂઉ ....

બરાબર ને ?

- મૈત્રેયી મહેતા

3 ટિપ્પણીઓ:

  1. વિકાસભાઈ, તા.૨૩-ડિસેમ્બર-૨૦૧૨ ના કાગડા વિશેના મૈત્રયી મહેતા લિખિત ગેસ્ટબ્લોગ સંદર્ભે હૈદરાબાદ શહેર વિશે એક વાત જણાવવાની છે. તમને જાણીને નવાઈ લાગશે કે આશરે ૮૦ લાખ લોકોની વસ્તી ધરાવતી મોટા હૈદરબાદ શહેરમાં એકેય કાગડો નથી!
    તમારા લેખો હંમેશા રસપ્રદ હોય છે.અભિનંદન!
    - કૃષ્ણકાંત મહેતા (ઇમેલ દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો
  2. કૃષ્ણકાંત ભાઈની હૈદરાબાદમાં કાગડા જ ન હોવાની વાત કદાચ અતિશયોક્તી ભરી છે કારણ ઇન્ટરનેટ પર સર્ચ કરતાં કાગડાને હૈદરાબાદના ચારમિનાર પાસે કેટલાક છોકરાઓ પૈસાથી વેચતા હોવાની રસપ્રદ માહિતી મળી! લોકો સારું નસીબ પ્રાપ્ત કરવા આ કાગડા ખરીદી ત્યાં જ તેમને મુક્ત કરી ઉડાડી દે છે! કૃષ્ણકાંત ભાઈ, બ્લોગ્સ નિયમિત વાંચવા અને તેમના માટે સારો પ્રતિભાવ આપવા બદલ તમારો આભાર!
    - વિકાસ ઘનશ્યામ નાયક

    જવાબ આપોકાઢી નાખો
  3. નમસ્તે મૈત્રેયીબેન,
    મારુ નામ કલ્યાણી વ્યાસ છે. આજ રોજ શ્રી અશ્વિનભાઈ એ તમારો આ લેખ મને ફોરવર્ડ કર્યો તો તેમા આપેલ કાગડાના ગીત ની પંક્તિઓ નીચે મુજબ છે. ખરે જ આપણે નાના હતા ત્યારે કેવા કેવા જોડકણા વાળી રમતો રમતા હતા તે યાદ આવી ગયું પ્રસ્તુત ગીતની રમતમાં બધાએ ગોળ કુંડાળુ કરી ને ગોઠણ પર હાથ દબાવીને એક નાની કાંકરી છુપાવીને બેસવાનું હોય છે અને જે છોકરાને કાગડો બનાવ્યો હોય તે બધાની ગોળ ગોળ ફરીને શોધે કે કોના પાસે કાંકરી છે ત્યારે બધા કોરસમાં ગાય કે આવ રે કાગડા કઢી પીવા મારામાં કાંકરી ખુચે છે.
    આવરે કાગડા કઢી પીવા…
    ચણ ચણ બગલી ચણાની દાળ
    હું પપૈયો તું મગની દાળ
    શેરીએ શેરીએ ઝાંખ દીવા
    આવ કાગડા કઢી પીવા.
    ગણ ગણ ગાંઠીયા તેલ તેલ પળી
    ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી
    બળતી હોયતો બળવા દે
    ઠરતી હોય તો ઠરવા દે
    આવરે કાગડા કઢી પીવા..
    - કલ્યાણી વ્યાસ (ઇમેલ દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો