Translate

Monday, December 31, 2012

તમસો મા જ્યોતિર્ગમય...

જગતમાં અપાર સુંદરતા છે. રંગીન પુષ્પો જુઓ કે પાંખો ફફડાવતા ચંચળ પતંગિયા, જંગલોની અને પાકથી લહેરાતા ખેતરોની લીલોતરી જુઓ કે અફાટ રણ કે ઉત્તુંગ શિખરો ધરાવતા કે હિમાચ્છાદિત પર્વતો,સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે આકાશમાં રચાતી રંગલીલા જુઓ કે ચોમાસામાં જોવા મળતું મેઘધનુષ,રંગબેરંગી નાના મોટા જીવજંતુઓ જુઓ કે કલશોર કરી ઉડાઉડ કરતાં નાના મોટા પંખીઓ,તહેવારો દરમ્યાન કરાતી રોશની,રંગોળી કે અવનવા ઝાકઝમાળ વસ્ત્રપરિધાન જુઓ કે કુદરતી નદી,ઝરણાં,સમુદ્રો,મહાસાગર કે માનવ સર્જિત સરોવર,તળાવ કે બાગબગીચાઓનું સૌંદર્ય જુઓ. વાંચતા પણ મન પ્રસન્ન થઈ ગયું ને? ભગવાનનો લાખ લાખ આભાર માનો કે આ બધું તમે જોઈ શકો છો, જોઈને માણી શકો છો. કારણ ભગવાને તમને બે મહામૂલ્ય રત્નો આપ્યા છે - નેત્રરત્નો...


હવે કલ્પના કરો કે તમારી આંખ સામે પાટા બાંધી દેવાયા છે,એવી સજ્જડ રીતે કે પ્રકાશનું નાનું સરખું એક કિરણ પણ તેમાં ન પ્રવેશી શકે.તમને શું દેખાશે?માત્ર એક જ રંગ - કાળો. અંધારપટનું સામ્રાજ્ય છવાઈ જશે તમારા નેત્રવિહિન જગતમાં. ઉપર જણાવેલી કે અન્ય કોઈ પણ સુંદર વસ્તુ તમે ક્યારેય જોઈ શકશો નહિં. જન્મથી અંધકારનો અભિશાપ લઈ જન્મનાર વ્યક્તિએ તો આ બધી સુંદર વસ્તુઓની માત્ર કલ્પના જ કરવી રહી અને એ કલ્પના પણ કેવી હશે તે આપણાં જેવા દ્રષ્ટી ધરાવતા મનુષ્ય માટે અકલ્પનીય છે.તો એવી વ્યક્તિ જેણે એક વાર આ બધું જોઈ લીધા બાદ કોઈ રોગ કે સંજોગવશ દ્રષ્ટી ગુમાવી દીધી હોય તેના માટે આ બધુ ફરી ન જોઈ શકવાની વેદના કેટલી દુષ્કર અને દુ:ખદાયી હશે તે સમજી શકાય એવી વાત છે.

પણ આપણે આ અંગે કંઈક કરી શકીએ તેમ છીએ. નેત્રદાન દ્વારા.

મ્રુત્યુ બાદ આંખો પણ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય અને તેનો કોઈ ઉપયોગ ન થતા તે વેડફાઈ જાય છે. લાશ માટે આંખો કોઈ ઉપયોગની રહેતી નથી.આથી જો મૃત્યુ બાદ ચાર-પાંચ કલાકમાં આંખો નિષ્ણાત ડોક્ટર દ્વારા કાઢી લેવાય તો એક વ્યક્તિની બે આંખો દ્વારા છ દ્રષ્ટીવિહીન આંખો જોતી થઈ શકે. હા! છ દ્રષ્ટીવિહીન આંખો. અહિં છપવામાં કોઈ ભૂલ નથી થઈ. કઈ રીતે? આવો વૈજ્ઞાનિક ઢબે સમજીએ.

આપણી આંખોમાં કીકી ઉપર એક અતિ પાતળો પડદો હોય છે. જેને કોર્નિયા કહે છે. તે કાચ જેવો પારદર્શક હોય છે. તે ક્યારેક ધૂંધળો થઈ જાય તો વ્યક્તિને ધૂંધળું દેખાવા લાગે જેને આપણે મોતિયો આવ્યો એમ કહીએ છીએ. જ્યારે કોઈ કારણ સર આ કોર્નિયા અપારદર્શક બની જાય કે તેને નુકસાન પહોંચે ત્યારે વ્યક્તિ આંશિક કે સંપૂર્ણ રીતે જોવાની શક્તિ ગુમાવી બેસે છે, અંધ બની જાય છે. પણ જો નેત્રદાન દ્વારા મળેલી આંખના કોર્નિયાનો યોગ્ય ઉપયોગ થાય તો તબીબ બે આંખોના કોર્નિયા ત્રણ ભાગમાં કાપી અન્ય છ આંખોને જોતી કરી શકે છે. આમ જો સંપૂર્ણ અંધ એવી વ્યક્તિને એક આંખે જોતી કરવામાં આવે તો મૃત વ્યક્તિના બે નેત્રો દ્વારા કુલ છ અંધ વ્યક્તિ દ્રષ્ટી પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પામી શકે.

વિશ્વમાં લગભગ ચાર કરોડ દ્રષ્ટીવિહીન મનુષ્ય છે જેમાંથી એક કરોડ જેટલાં ભારતમાં છે.આમાંથી ૨૫ લાખ લોકો કોર્નિયાની પારદર્શકતા ગુમાવવાથી દ્રષ્ટી ખોઈ બેઠાં છે.એ લોકોની કોર્નિયા જો બીજી મૃત વ્યક્તિના સારા કોર્નિયાથી બદલી શકાય તો તેઓ ફરી દેખતા થઈ શકે. કૃત્રિમ કોર્નિયા હજી સુધી શોધી શકાયો નથી તેથી માનવ કોર્નિયાનો ઉપયોગ એકમાત્ર ઉપાય છે.કોર્નિયાનું આયુષ્ય ૧૫૦ વર્ષ હોવાથી રોપાયેલા કોર્નિયા ફરી ઉપયોગમાં લઈ શકાય છે. ભારતમાં દર વર્ષે બે કરોડ લોકો મૃત્યુ પામે છે પણ ફક્ત પાંચહજાર મૃતદેહોની આંખો જ દાનમાં મળે છે.બાકીની આંખો અગન કે દફન દ્વારા વેડફાઈ જાય છે. જો દરેક વ્યક્તિ પોતાના મૃત્યુ પૂર્વે પોતાના ચક્ષુ દાનમાં આપી દેવા માટે રજિસ્ટ્રેશન કરાવે તો માત્ર ૧૧ દિવસમાં ભારતના તમામ અંધજનોને દ્રષ્ટી મળી શકે.

આપણે જીવતેજીવ અન્ય કોઈ દાનપુણ્યનું કાર્ય કર્યું હોય કે ન કર્યું હોય પણ નેત્ર દાનનું મહાદાન મૃત્યુ બાદ ચોક્કસ કરીને અઢળક પુણ્ય કમાઈ શકીએ. આમાં કોઇ નુકસાન થતું નથી.

જીવતે જીવ આપણે નેત્રદાન માટે રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ અથવા આપણી આવી ઇચ્છા આપણા પરિવારજનો તેમજ મિત્રો સમક્ષ વ્યક્ત કરી શકીએ છીએ.આપણા ફેમિલી ડોક્ટરને પણ આ અંગે જાણ કરી શકીએ છીએ. મૃત્યુ બાદ પરિવાર જનો નેત્રદાન સ્વીકરતી સંસ્થાનો સંપર્ક કરી પરવાનગી આપતા ફોર્મ પર સહી કરી આપે એટલે માત્ર પંદર મિનિટમાં શસ્ત્રક્રિયા દ્વારા ચક્ષુ મૃતકના દેહમાંથી કાઢી લેવાય છે. તેનાથી ચહેરો બિલકુલ વિકૃત થતો નથી.ચશ્મા કે મોતિયો ધરાવતી વ્યક્તિ પણ નેત્રદાન કરી શકે છે.મારા વ્રુદ્ધ ગામે રહેતા ફોઈ મુંબઈ આવેલા, તેમને નેત્રદાન વિશે વાત કરી તો કહે જો આંખો દાનમાં આપી દઈએ તો આવતા જન્મે અંધાપો આવે. તર્ક વિનાની આ દલીલ સાંભળી પહેલા તો હસવું આવ્યું. પછી મેં તેમને સમજાવ્યું કે તેઓ જે ભજન ગાતા "કાલ કોણે દીઠી છે..." તે ન્યાયે આવતી કાલે શું થવાનું છે તેની જો આપણને ખબર ન હોય તો આવતા ભવની અટકળો કરવાનો કોઈ અર્થ? નશ્વર દેહ સાથે બળી કે દટાઈને નષ્ટ થઈ જવા કરતા બે આંખો દ્વારા જો અન્ય છ નેત્રવિહીન વ્યક્તિઓ જોવાનું સુખ પામી શકવાની હોય તો એનાથી રૂડૂં બીજું કંઈ ન હોઈ શકે એમ હું આખરે તેમને મનાવી શક્યો! હવે તે નેત્રદાન કરે છે કે નહિં તે તો રામ જાણે પણ મેં અને મારા પિતાએ નિર્ધાર કર્યો છે કે અમે ચોક્કસ નેત્ર દાન કરવાના છીએ.

હવે થોડી ઉપયોગી માહિતી આપી દ ઉં.જો તમારે કોઈ સ્વજનનાં નેત્રોનું દાન કરવું હોય તો ટોલ ફ્રી નંબર ૧૯૧૯ ઉપર ફોન કરી મ્રુત્યુના ચાર કલાકની અંદર જાણ કરવી જેથી નિષ્ણાત ડોક્ટર તમારા ઘેર આવી વિનામૂલ્યે મ્રુતકની આંખો સંભાળીને લઈ જશે અને નજીકની ચક્ષુબેન્કમાં જમા કરી દેશે.ત્યાંથી એ આંખો સમયસર અને જરૂરિયાત મુજબ કેટલીક ચોક્કસ નિયત હોસ્પિટલમાં મોકલી આપવામાં આવશે જ્યાં જરૂરિયાતમંદની આંખોમાં ઓપરેશન દ્વારા કોર્નિયા વિનામૂલ્યે બેસાડવામાં આવશે અને આમ તે આંખો મ્રુત્યુ બાદ પણ આ જગતને જોતી રહેશે!

આંખને કાઢ્યા પછી તેની આંકણી કરવામાં આવે છે અને તેની પર અનેક પ્રક્રિયાઓ કરી તેની યોગ્યતા માપ્યા પછી જ તેને ડોક્ટરને પહોંચાડવામાં આવે છે.જે કોર્નિયા કોઈ કારણસર આરોપણ માટે વાપરી ન શકાય તેમ હોય તેને અમૂલ્ય અભ્યાસ અને શોધખોળ (રિસર્ચ) માટે ઉપયોગમાં લેવામાં આવે છે.આમ નેત્રદાન ક્યારેય એળે જતું નથી.

તમે જો કાંદિવલી કે તેની આસપાસ રહેતા હોવ તો ત્યાં સ્થિત નેત્રદાન જાગ્રુતિ કેન્દ્રમાં મૂળરાજભાઈ કાપડીઆને મળી શકો જેમણે પોતાનું જીવન નેત્રદાન પ્રવૃત્તિને સમર્પિત કરી દીધું છે. તેમનો ૯૩૨૨૨૩૭૩૨૩ નંબર પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકશો. અહિં નેત્રદાન માટે રજિસ્ટર કરવાનો એક ફાયદો એ પણ છે કે તેઓ તમને એક ‘Eye Donor’નું ટેટૂ શરીર પર વિનામૂલ્યે કરાવી આપવાની સવલત આપે છે. ટેટૂ હોય તો માણસ હોસ્પિટલમાં હોય તો ડોકટરની કે ઘેર હોય તો પરિવારજનોની નજરે ટેટૂ ચડે અને નેત્રદાન યાદ આવે. નેત્રદાનની પ્રવ્રુત્તિમાં મૂળરાજભાઈને કાંદિવલીના ડો. દિલીપ રાયચૂરા અને બિગ બોસ બ્યુટી પાર્લરના હરીશ ભાટીયા તેમજ અન્યોનો અમૂલ્ય સહકાર પણ મળ્યો છે જેના થઈ નેત્રદાનની પ્રવ્રુત્તિને સારો વેગ મળ્યો છે.

વર્ષ ૨૦૧૨ની વિદાય વેળાએ અથવા વર્ષ ૨૦૧૩ને વધાવતી વેળાએ નેત્રદાનનો સુસંકલ્પ કરવાનો અવસર ગુમાવવા જેવો નથી!

No comments:

Post a Comment