Translate

ગુરુવાર, 16 ઑગસ્ટ, 2012

ગેસ્ટ બ્લોગ : ત્રિરંગો

- મૈત્રેયી મહેતા


થોડાં દિવસો અગાઉ, રથયાત્રાને દિવસે મહારાષ્ટ્રના મંત્રાલયમાં આગ લાગી અને તેમાં ઘણાં ઓરડાઓ બળીને રાખ થઇ ગયા. ઘણું નુકસાન થયું , જાનહાની પણ થઇ અને કેટલાક લોકો દાઝી પણ ગયા. તે વખતે મંત્રાલયની ઈમારત પર ફરકાવાયેલા ત્રિરંગાને નીચે ઉતાર્યા વગર નીચે જવાની ના પાડી, પાંચ કર્મચારીઓએ.પોતાના જાનના જોખમે, આટલી કટોકટીપૂર્ણ પરિસ્થિતિમાં પણ ત્રિરંગાના માન-સન્માનને ખાતર અડગ રહેલા એ પાંચ કર્મચારીઓને સલામ.. ! શત શત સલામ !

મંત્રાલયના PWD વિભાગના ચોથી શ્રેણીના કર્મચારીઓની ટુકડી દરરોજ સવારે લગભગ ૬ વાગે ત્રિરંગો ફરકાવે અને સાંજે આશરે સવા સાત વાગે ત્રિરંગો ઉતારીને યોગ્ય ઠેકાણે મૂકી દે.આ ક્રમ દરરોજ બારેય મહિના સતત ચાલ્યા કરે. એવો નિયમ છે.

બપોરે લગભગ ૨ વાગીને ૪૦ મિનિટે ચોથા માળે આગ લાગ્યા પછી, કેટલાક કર્મચારીઓ ધ્વજ સંરક્ષણ વિભાગમાં ગયા અને વહેલામાં વહેલી તકે ઈમારત છોડી જવાની તાકીદ કરી. પણ, સુરેશ બારિયા, દીપક અડ્સુલ, વિશાલ રાણે , ગણેશ ગુંજ અને પ્રેમજી રોજ નામના એ પાંચ કર્મચારીઓએ પોતાના વરિષ્ઠ અધિકારીઓના આદેશ વગર ધ્વજ ને છોડીને નીચે જવાની ધરાર ના પાડી. આગ વધતી ગઈ, જાનનું જોખમ વધતું ચાલ્યું છતાં પણ તેમાંથી એક પણ જણ ધ્વજ ને છોડીને તસુ જેટલું પણ ના ખસ્યું. તેના નિયત સમય પહેલા ધ્વજ ને ઉતારી ના શકાય, પ્રોટોકોલ નો સવાલ છે...હા, આપાતકાલીન સમયે વરિષ્ઠ અધિકારીઓના આદેશ મુજબ આ નિયમમાં ફેરફાર કરી શકાય અને આ કર્મચારીઓ તે આદેશ વગર પોતાની ફરજ છોડીને ના ખસ્યા. છેવટે ૪ વાગીને ૫ મિનિટે આદેશ મળતા જ ત્રિરંગાને ઉતારીને યોગ્ય રીતે વાળીને તેને માટે મુકર્રર કમરામાં મુકવામાં આવ્યો પછી જ તે ફરજપરસ્ત કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા આગળ થયા. તે પાંચેય કર્મચારીઓને શાબાશી આપવી જ ઘટે.

વાચકમિત્રો આ વાત પરથી સ્વતંત્રતાની લડાઈ યાદ આવે છે. કંઈ કેટલાયે દેશવાસીઓએ આ જ ધ્વજ ને ખાતર હસતા હસતા પોતાના પ્રાણની આહુતિ આપી હતી. કેટકેટલા શહીદોના ખૂન વહ્યા છે આ ધ્વજ ફરકાવવાની આઝાદી માટે...!

એ ત્રિરંગો, આપણાં દેશની શાન, આપણી આબરૂ, સ્વતંત્રતાનો વિશ્વભરમાં બુલંદીથી ગાજતો, ફરકતો સ્વર....ત્રિરંગો...

હા દોસ્તો, રાષ્ટ્રધ્વજ ની વાત આવે ત્યારે આપણને ઘણાં લોકોને ખબર જ નથી અને જાણે અજાણ્યે , આપણે રાષ્ટ્ર ધ્વજ નું અપમાન કરી દેતા હોઈએ છીએ...

આપણાં ત્રિરંગામાં ત્રણ રંગ છે, કેસરી , સફેદ અને લીલો. કેસરી રંગ, સાહસ અને બલિદાન, સફેદ રંગ સત્ય અને પવિત્રતા, તેમ જ લીલો રંગ શાંતિ અને સમૃદ્ધિના પ્રતિક છે.

તેમાં અશોક ચક્ર પણ છે, તે ચક્ર વાદળી રંગનું છે અને ૨૪ પાસા ધરાવે છે. ૨૨ મી જુલાઈ ,૧૯૪૭ ના રોજ મળેલી બંધારણીય વિધાનસભાની બેઠકમાં આ ધ્વજ ને મંજુરી અપાઈ હતી. પૂજ્ય ગાંધીજીએ સૌથી પહેલા ૧૯૨૧ માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ના ધ્વજ માટે પ્રસ્તાવ મુકેલો. તેની ડીઝાઇન પીંગલી વેન્કૈયાએ તૈયાર કરી હતી. પણ દેશના બધાજ વર્ગ અને ધર્મ ના લોકો માન્ય રાખે તેવા રાષ્ટ્ર ધ્વજ ની જરૂર હતી, તેથી અંતે આપણા રાષ્ટ્રધ્વજ ની પસંદગી કરવામાં આવી.

રાષ્ટ્ર ધ્વજ બનાવવાના ધારાધોરણો, ૧૯૬૮ માં ઘડવામાં આવ્યા અને ૨૦૦૮ માં તેમાં સુધારા કરવામાં આવ્યા.

રાષ્ટ્ર ધ્વજ માત્ર ખાદી કે હાથશાળના કાપડ પર જ બનાવી શકાય છે. તેમાં પણ ત્રણ રંગ ના જુદા જુદા પટ્ટાનું પણ વિશેષ માપ છે.

રાષ્ટ્રધ્વજની બનાવટ, તેને પ્રદર્શિત કરવામાં , કે તેને ઉતારીને મુકવામાં પણ નિયમોનું ઉલ્લંઘન થાય તો ૩ વર્ષ ની કેદ , કે દંડ કે બન્ને ની સજા થઇ શકે છે.

સત્તાવાર નિયમ મુજબ રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ જમીન ને કે પાણી ને અડવો ના જોઈએ. કે કોઈ પણ રીતે કોઈ ચીજ વીંટાળવા માટે તેનો ઉપયોગ ના થવો જોઈએ. જાણી જોઇને ધ્વજ ને કદી એ તેને ઉંધો ના ફરકાવી શકાય. મૂળ નિયમ મુજબ ધ્વજ ને ગણવેશ પર કોશચ્યુમ્સ પર કે અન્ય કપડા પર ના લગાડી શકાય. પણ ૨૦૦૫ ની જુલાઈ પછી સરકારે કેટલાક ફેરફારો કર્યાં. પણ રાષ્ટ્ર ધ્વજ કમરની નીચેના ભાગમાં કે આંતરવસ્ત્રો પર ધારણ ના કરી શકાય. રાષ્ટ્રીય દિન સિવાય કોઈ પણ દિવસે ધ્વજ ફરકાવી તો શકાય પણ તેની ગરિમા અને તેના માન સન્માન નું પુરતું ધ્યાન રાખવું પડે .

અન્ય કોઈ દેશના રાષ્ટ્રધ્વજની સાથે કે કોર્પોરેટ જગતના ધ્વજ ની સાથે રાષ્ટ્રધ્વજ મુકવાનો હોય તો તેના ખાસ નિયમો છે.

રાષ્ટ્રીય સ્તરે કોઈ મોટા નેતાનું અવસાન થતા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. તે માટેનો નિર્ણય રાષ્ટ્રપતિ લે છે. અને તે શોકના સમયની મર્યાદા પણ તેઓ જ નક્કી કરે છે. જોકે (સ્વતંત્રતા દિને ૧૫ મી ઓગસ્ટે, ),પ્રજાસત્તાક દિને ( ૨૬ મી જાન્યુઆરી ) ગાંધી જયંતી (૨ જી ઓક્ટોબરે ), રાષ્ટ્રીય સપ્તાહ (૬ થી ૧૩ એપ્રિલ ) કે રાજ્યોના સ્થાપના દિને રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ના ફરકાવી શકાય.

દેશના, લશ્કરના જવાનોના કે અર્ધ લશ્કરી દળોના જવાનોની શહાદત બાદ તેમના કોફીનને રાષ્ટ્ર દવજમાં લપેટીને લઇ જવામાં આવે છે. તેમાં પણ કેસરી ભાગ માથા ની બાજુએ હોય છે અને ધ્વજ ને અંતિમ સંસ્કાર પહેલા કોફીન પરથી લઇ લેવામાં આવે છે. ધ્વજ ને કબરમાં કે અગ્નિને સમર્પિત ના કરી શકાય.

કાયદા મુજબ રાષ્ટ્રધ્વજ, ખાદીનો બનેલો હોવો જોઈએ. સુતરાઉ કે રેશમી ખાદીના કાપડમાંથી જ બનેલો હોવો જોઈએ. રાષ્ટ્ર દવજ બનાવવાનો અધિકાર, માત્ર ખાદી વિકાસ અને ગ્રામોદ્યોગ પંચને જ અપાયેલો છે. રાષ્ટ્રધ્વજ ના ઉપયોગ અંગેના નિયમો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અને રાષ્ટ્રીય ચિન્હો ને લગતા અન્ય કાનુન હેઠળ સમાવિષ્ટ છે.

સામાન્ય જનતા , માત્ર રાષ્ટ્રીય દિન જેમ કે સ્વતંત્રતા દિન કે પ્રજાસત્તાક દિનના રોજ જ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે.

પરંતુ ૨૦૦૨ માં નવીન જીન્દાલ નામના નાગરિકે કરેલી અરજીને પગલે સર્વોચ્ચ અદાલતે ભારત સરકારને ખાનગી નાગરીકો દ્વારા ધ્વજ ફરકાવવા અંગેના કાયદાની કલમોમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો અને તે પછી ભારત સરકારે , કાનુનની કલમમાં સુધારા કર્યાં અને નાગરિકોને મર્યાદિત રીતે છૂટ આપવામાં આવી. ૨૦૦૫માં ફરી વાર એ કાનુનમાં સુધારા કરવામાં આવ્યા. અને તે ખાદી અને રેશમ ઉપરાંત અન્ય કેટલાક કપડા પર પણ ધ્વજ બનાવવાની છૂટ અપાઈ.

આપણી જેમ બીજા લગભગ ૬૦ જેટલા દેશો પણ ત્રણ રંગનો રાષ્ટ્રધ્વજ ધરાવે છે. તેમાં ગ્રીસ, સ્લોવેકિયા , નોર્વે, આયરલેન્ડ,ફ્રાંસ, સાયપ્રસ, ચેક પ્રજાસત્તાક, જર્મની, ઇટલી, ન્યુઝીલેન્ડ, વગેરેનો સમાવેશ થાય છે. તે જ રીતે અન્ય દેશોના બે રંગ ધરાવતા રાષ્ટ્રધ્વજ પણ છે.

મિત્રો યાદ છે, સ્વતંત્રતા દિને કે પ્રજાસત્તાક દિને બહાર સડકો પર ૧, ૫, કે ૧૦ રૂપિયા માં રાષ્ટ્રધ્વજ મળે છે? તમે લો છો કે નહિ ? દેશભક્તિની ભાવનાનો સવાલ છે ભાઈ, લેવા જ પડે ને ? ઓ.કે. પણ સાંજ પડતાં પડતાં તો દેશભક્તિની ભાવના હવામાં ઉડી જાય છે અને રસ્તા પર ઠેકઠેકાણે ધ્વજ રખડતા જોવા મળે છે... પગ નીચે પણ આવે છે, કચરામાં સડે છે, ફાટી તૂટી જાય છે... ક્યાંક વળી ગાય પણ ચાવતી હોય છે... આવી આપણી દેશ દાઝ ? અમેરિકામાં દરેક ઘરની બારી ની બહાર રાષ્ટ્રધ્વજ સંપૂર્ણ સન્માન સહિત ફરકાવાય છે...વાત અમેરિકાના ગાણા ગાવાની નથી પણ સારી વાત શીખવાની છે.

મહારાષ્ટ્ર મંત્રાલય ના એ પાંચ કર્મચારીઓએ ભલે પોતાની ફરજ બજાવી છે પણ તેઓ પાંચેય જણા શાબાશીના હકદાર તો છે જ, શું કહો છો ? મારી દ્રષ્ટીએ તો તેમણે કંઈ નહિ તો રાજ્ય તરફથી કંઈ ઇનામ અપાવું જ જોઈએ.... બરાબર ને ?

મારી વાતો સાથે સહમત થતાં હોવ તો હવેથી રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા ઘટતું સઘળું કરજો...

- મૈત્રેયી મહેતા mainakimehta@yahoo.co.in

1 ટિપ્પણી:

  1. પ્રિય વિકાસ,

    તા.૧૨-ઓગષ્ટ-૧૨ના ગેસ્ટબ્લોગ 'ત્રિરંગો'માં ભારતના રાષ્ટ્રધ્વજ વિષે માહિતી આપવા બદલ મૈત્રયી મહેતા અને તમને અભિનંદન!કોંગ્રેસના એમ.પી. નવિન જીંદાલે ભારતીય નાગરિકના પોતાનો રાષ્ટ્ર ધ્વજ આખા વર્ષ દરમ્યાન ફરકાવવાના હક માટે સર્વોચ્ચ ન્યાયાલય સાથે લડીને ખૂબ પ્રયાસો બાદ, નાગરિકોને તેમનો આ હક અપાવ્યો હતો એ નોંધનીય છે.
    ૫૬ વર્ષની વયે મને ૬૧ કરતાંયે વધુ શોખો છે તેમાંનો એક એટલે ત્રિરંગાનું કલેક શન! મેં ૧૮૦૦૦થી પણ વધુ ભારતીય ત્રિરંગાના ચિત્રો (વિવિધ આકાર,રંગ,માપ,મટીરીયલના બનેલા) ભેગા કર્યા છે.દા.ત. તિરંગો રબર,પેન્સિલ,સંચો,બેટ,લાલ કિલ્લા પર,પેન પર વગેરે.છેલ્લા ૨૦ વર્ષથી હું દર ૧૫મી ઓગષ્ટે ભારતીય ત્રિરંગાના આ ચિત્રોનું જાહેર પ્રદર્શન પણ યોજું છું.આના દ્વારા રાષ્ટ્રપ્રેમ જાગે એ મારો આશય હોય છે.
    'બ્લોગને ઝરૂખેથી...' હું નિયમિત વાંચું છું.હજી પણ સારા વધુ લેખો લખી આપ રાષ્ટ્રભાવના જગાડતા રહો એવી મારી હાર્દિક શુભેચ્છા!

    - રજનીકાંત વેલજી સાવલા, મુંબઈ

    જવાબ આપોકાઢી નાખો