Translate

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

રાસ

નવલા નોરતાની રાતો ચાલી રહી છે એટલે આજના બ્લોગમાં રાસ વિષે વાત કરીશ.શ્રી ખડાયતા વિશ્વ સખી મિલન સંસ્થા દ્વારા રાસ વિષય પર આધારિત નિબંધ સ્પર્ધામાં મારા આ લેખને પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.આમ તો એમાં રાધાક્રુષ્ણના રાસની વાત વધુ છે પણ નવરાત્રિ દરમ્યાન પણ આપણે ગરબે ઘૂમવાની સાથે સાથે રાસની રમઝટ પણ માણતા જ હોઇએ છીએ એટલે આજે આ બ્લોગ થકી રાસ વિષે વાત કરવાનુ અનુચિત નથી જણાતું.

- વિકાસ ઘનશ્યામ નાયક



‘રાસ’ શબ્દ ‘રસ’ શબ્દમાં એક કાનો ઉમેરીને બન્યો છે. અહિં બે બાબતો રસપ્રદ છે. એક તો રસ, જેનો અર્થ થાય છે મજેદાર! હવે જેના નામ માત્રમાં રસ કરતાંયે કંઈક વિશેષ હોય એ મજેદાર, આનંદદાયક અને ખાસ હોવું જ રહ્યું. બીજી નોંધનીય બાબત એ છે કે ‘રસ’માં કાનો ઉમેરીએ એટલે ‘રાસ’ બને. આ કાનો એટલે આપણો વ્હાલુડો ભગવાન કનૈયો! આપણે એને વ્હાલપૂર્વક કાનુડો કે કાનો નથી કહેતાં?! અહિં કાનાને એટલે કે કૃષ્ણને યાદ કરવાનું બીજું કારણ એ પણ છે કે રાસ અને કૃષ્ણ બંને એકબીજાના પર્યાય સમા લાગે! રાસની વાત થાય એટલે કહાનો યાદ આવે આવે ને આવે જ! અને રાસનું નામ લઈએ એટલે રાસના 'રા' પરથી જેનું નામ શરૂ થાય છે એ ‘રાધા’ પણ યાદ આવ્યા વિના રહે નહિં! રાસનાં 'સ' ને કાઢી તેમાં ધમાલના 'ધ' ને 'કાનો' ઉમેરો એટલે શબ્દ બને 'રાધા' અર્થાત રાસ એટલે કૃષ્ણ,રાધા અને ધમાલ! રમઝટ!


રાસ શબ્દ સાથે આટલી રસપ્રદ અક્ષર-શબ્દ રમત રમ્યાં પછી હવે રાસ વિષેના અન્ય કેટલાક પાસા ચર્ચવાનું મન થાય છે. રાસ કદી કોઈ એકલું ન રમી શકે. ઓછામાં ઓછા બે જણ તો રાસ રમવા માટે હોવાં જ જોઇએ. જેટલા વધુ ખેલૈયાઓ એટલી રાસની મજા વધુ આવે.આબાલવૃદ્ધ સૌને જોશમાં લાવી દે એવી એક સુંદર પ્રવૃત્તિ છે રાસ! રાસ રમાતો હોય ત્યાં ઉર્જાનો જાણે ધોધ વહે છે. આળસ,થાક વગેરે રાસ શરૂ થતાં જ જોજનો દૂર ભાગી જાય છે! રાસ યૌવનનું પ્રતિક છે.

રાસ રમવા માટે દાંડિયાનો ઉપયોગ થાય છે. અમારે ત્યાં નવરાત્રિ દરમ્યાન મંડપ બંધાય અને તેમાં વચ્ચે માતાજીનો ગરબો મૂકી તેની ફરતે સ્ત્રીપુરુષો,યુવાનયુવતિઓ, આબાલવૃદ્ધ સૌ ભેગા મળી ગરબા રમે. રાસ કરતા ગરબા જુદા એ રીતે પડે કે ગરબા હાથથી તાળી પાડીને જ રમાય જ્યારે રાસ દાંડિયાની મદદથી તમારા જોડીદાર સાથે રમી શકાય. અમારે ત્યાં નવરાત્રિ દરમ્યાન પહેલાં માતાજીના ગરબા રમાય અને ત્યાર બાદ અડધી રાત પછી રાસની રમઝટ બોલાય! બાળકોથી માંડી યુવાન,સૌ કોઈ આ દાંડિયારાસની આતુરતાપૂર્વક રાહ જુએ! ખાસ્સા બે-ત્રણ કલાક દાંડિયાના એક સરખા લયબદ્ધ તાલ સાથે આબાલવૃદ્ધ સૌ કોઈ રાસ રમતાં રમતાં આનંદના હિલોળે ચડે! સમય ક્યાં જતો રહે એની ખબર જ ન પડે! કોઈક ને રાસ રમતા આવડે ને કોઈક ને ન પણ આવડે. સામે વાળી વ્યક્તિ ક્યારેક તમારા નાક પર પણ દાંડિયું મારી બેસે! પણ કોઈ ફરિયાદ ન કરે.અને ફરિયાદ કરવાનો સમય પણ ક્યાં હોય! એકધારી ગતિથી બે વર્તુળો એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરતાં હોય! તમે તમારા બંને દાંડિયા, સામે રમી રહ્યું હોય તેના દાંડિયા સાથે વારાફરતી ટકરાવો પછી એક વાર તમારા પોતાના દાંડિયા એકબીજા સાથે અડાડો અને ફરી ફક્ત એક દાંડિયું સામે વાળાના દાંડિયા સાથે ટકરવી આગળ વધવાનું. સામે નવો જોડિદાર. ફરી આજ ક્રમનું પુનરાવર્તન અને આમ બે વર્તુળો ઘૂમતા રહે! કોઈક દાંડિયાને પોતાના હાથમાં આંગળી પર કુશળતાથી ગોળગોળ ફેરવીને રાસ રમે તો કોઈક વળી બે ની જગાએ એક જ દાંડિયાથી રાસ રમે! પણ બધાંને રાસ રમવાની મજા એકસરખી જ આવે - અજોડ અને અમાપ! રાસ રમતાં રમતાં પરમાનંદની અનુભૂતિ થાય એમ કહેવામાં પણ અતિશયોક્તિ નહિં જ ગણાય.

નવરાત્રિના ગરબા-રાસ, બુરાઈ પર સારપના જીતની ખુશીમાં શક્તિની આરાધના કરતાં રમવામાં આવે છે અને અસત પર સતના વિજયની ઉજવણી કરવા રમાય છે તો કૃષ્ણ રાધાનો રાસ પ્રેમનાં પ્રતિક સમો ગણાય છે.કહેવાય છે કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમતાં ત્યારે પ્રત્યેક ગોપીને એવો ભાસ થતો કે કૃષ્ણ તેનો જોડીદાર છે! વીસ ગોપીઓ રાસ રમતી હોય તો તેમની સાથે વીસ કૃષ્ણ પણ મન મૂકીને નાચતા હોય! મહા-રાસના તો દાંડિયા પણ માણસ જેટલી ઉંચાઈનાં! કહેવાય છે કે વૃંદાવનમાં આજે પણ સાચા શ્રદ્ધાળુને કૃષ્ણ-ગોપીઓનો રાસ જોવા મળે છે પણ એ રાસ જે જોઇલે એ સદાને માટે પોતાની દ્રષ્ટી ગુમાવી બેસે છે. એ તો ખબર નથી આ વાતમાં કેટલું તથ્ય છે,પણ એક વાત નક્કી. આ કૃષ્ણ-ગોપીનો રાસ જોવા મળી જાય તો જીવન ધન્ય થઈ જાય.

રાસ અને રાતનો પણ ઘેરો સંબંધ છે.રાસ રાતે જ રમવાની મજા આવે.તેમાંયે પૂર્ણિમાની રાતનું તો પૂછવું જ શું?નવરાત્રિની નવ રાતો દરમ્યાન ગરબા-રાસ રમીને ધરાયા ન હોઇએ એટલે થોડાં જ દિવસ બાદ આવે શરદપૂર્ણિમાની રાત! આ રાતે દૂધપૌઆ ખાવાનું અને નૌકાવિહાર કરવાનું જેટલું મહત્વ અને મજા છે એટલું મહત્વ આ રાતે રાસ રમવાનું પણ છે.અને આ રાતે રાસ રમવાની મજાનું તો પૂછવું જ શું? કોઈ કવિએ લખ્યું છે :

પાંગરી પૂનમની રાત,

ચઢ્યો રમણે વિરાટ,

ચમકંતો ચંદ્ર સ્મિત કરે મંદ મંદ

ઘમઘમકે પનઘટ કેરો ઘાટ…



આ પંક્તિઓ શરદ પૂનમની રાત અને રાસ માટે જ લખાયાં હશે! પ્રિયતમ સાથે શરદપૂનમની રાતે રાસ રમવાનો લ્હાવો મળે એ સદનસીબ જ કહેવાય અને આ રાસની રમઝટનો લાભ જેને મળે એ પછી ફરી ક્યારે રાસ રમવા મળે એની વાટ જોતો બસ ઝૂરતો રહેશે..બસ ઝૂરતો રહેશે..!

છેલ્લે, રાસને જીવન સાથે સરખાવવાનું મન થાય છે.રાસની જેમ જીવન પણ અવિરત પણે ચાલ્યા જ નથી કરતું? રાસ જેમ થોડો સમય રમવાનો હોય છે તેમજ જીવન પણ આપણે ચોક્કસ સમય સુધી જીવી પરમાત્મામાં વિલીન થવાનું હોય છે. પણ રાસ જેમ ભરપૂર ઉર્જા અને આનંદથી સભર હોય છે એમ જીવન પણ પૂરેપૂરા જોમ અને હર્ષોલ્લાસ પૂર્વક જીવાવું જોઇએ.રાસમાં જેમ આપણે થોડી ક્ષણો એક જોડીદાર સાથે રમી આગલ ધપીએ છીએ અને ફરી નવા પાત્ર સામે આવી રાસ ચાલુ રાખીએ છીએ તેમજ જીવનમાં પણ આગળ વધતા રહી નવા નવા સગાં-સ્નેહી-મિત્રો-સંબંધો વિકસાવતા રહેવાના છે અને કોઈ જતું રહે તો આપણે અટકી જવાનું નથી પણ આગળ વધતાં રહેવાનું છે.રાસ ગોળાકારે રમાય છે કારણ પૃથ્વી ગોળ છે અને આપણું જીવન-મરણ-જીવનનું ચક્કર પણ સતત ગોળ ફરતું જ રહે છે.

રાસ જેટલો આનંદદાયી બની રહે છે એટલું જ આપણું જીવન પણ આનંદદાયી બની રહેવું જોઇએ,ઉલ્લાસમય બની રહેવું જોઇએ.રાસ જેમ પ્રેમ,ભક્તિ અને સમર્પણથી પરિપૂર્ણ બની રહેતો હોય છે તેટલું જ જીવન પણ પ્રેમભર્યું,ભક્તિ સભર, ત્યાગપૂર્ણ અને રસથી તરબતર બની રહેવું જોઇએ!

તો ચાલો જીવન રાસને માણીએ ભક્તિ અને પ્રેમના રંગે રંગાઈને!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો