Translate

લેબલ 'child labour' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'child labour' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 27 ઑગસ્ટ, 2018

મુંબઈ લોકલમાં પ્રવાસ કરતી વેળાએ થયેલી એક બાળમજૂરની મુલાકાત


          ગત સપ્તાહની એક વહેલી સવારે મુંબઈના સેન્ટ્રલ રેલવેના દાદરથી વિદ્યાવિહાર સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં હું પ્રવાસ કરી રહ્યો હતો. ભીડ સાવ ઓછી હતી. હું બેઠો હતો તેની પાછળની બેઠક પરથી કોઈ બાળસ્વર કંઈક લાંબુ લાંબુ બોલી રહેલો સંભળાયો અને મારા કાન સરવા થઈ ગયાં. મારે એ શું બોલે છે એ સાંભળવા ઝાઝી વાટ જોવી પડી નહિ. કારણ એ બાળકી કંઈક વેચી રહી હતી અને કોઈએ કંઈ ન લેતા હવે એ મારી સામેની ખાલી બર્થ પર આવીને બેસી.
સાત-આઠ વર્ષની તેની ઉંમર હશે. ટીશર્ટ અને ઘૂંટણ સુધી લાંબુ શોર્ટ તેણે પહેર્યા હતા જે ઇસ્ત્રીબદ્ધ  નહોતાં. તેણે માથું ઓળેલું નહોતું અને તેના હાથે ઝાંખી થઈ ગયેલી મહેંદી રંગેલી દેખાતી હતી. ખભે તેણે બેકપેક ભરાવેલી હતી જેમાં બાળકો રંગ પૂરી શકે તેવી ચોપડીઓની થોકડી હતી. આવી સાત-આઠ ચોપડીઓ તેણે હાથમાં પકડી હતી. પોતાની માર્કેટીંગ સ્પીચ અને અભિનય કલાની ક્ષમતા વાપરી તે એ ચોપડીઓ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને વેચવાનો પ્રયત્ન કરી રહી હતી. સ્ટેશન પર ભીખ માગતા અને સહેજે તમારો પીછો જ ન છોડતા બાળકો કરતાં તેનો દેખાવ અને પહેરવેશ ઘણાં સારા હતાં છતાં તે સામાન્ય પરીવારમાંથી આવતી હોય તેવું તેના દેખાવ અને ચેષ્ટા પરથી જણાતું નહોતું.
“સાહબ યે કિતાબ લે લો ના...કલર કે સાથ બહુત અચ્છી તસ્વીરે હૈ...” આટલું બોલતી હતી ત્યાં સુધી તો ઠીક પણ પછી તેણે આગળ ચલાવ્યું, "મૈ આપકે પૈર પડતી હું. કિતાબ લે લો ના" રડવાનો અભિનય કરતા કરતા તે આ મુજબ બોલી ત્યારે મને સહેજ હસવું આવી ગયું. કારણ તેની વાણીમાં ભારોભાર નિર્દોષતા સાથે સ્પષ્ટ જણાતું હતું કે તે પોપટની જેમ આ રટેલી સ્પીચ બોલતી હતી. તેની કાકલૂદી જેન્યુઈન નહોતી. મેં મારી બેગમાંથી એક ચોકલેટ કાઢી તેને એ લેવા આગ્રહ કર્યો. તેણે એ ધરાહર ન લીધી. મને કહે,"મુઝે ચોકલેટ નહિં ચાહિએ, બસ આપ યે કિતાબ ખરીદો. અબ તક એક ભી બિકી નહિ હૈ." મેં તેની એ વાત સામે આંખ આડા કાન કરી તેને પૂછ્યું કે શું તે પોતે શાળાએ જતી હતી. પહેલા તો એણે પણ મારો પ્રશ્ન સાંભળ્યો ન સાંભળ્યો કરી પોતાની માર્કેટીંગ સ્પીચ જ ચાલુ રાખી પણ મેં મારો પ્રશ્ન દોહરાવ્યે રાખતા તેણે વચ્ચે કહી નાખ્યું કે એ મ્યુનિસીપાલ્ટીની શાળામાં ભણવા જાય છે. પણ પછી એને ચોકલેટ લેવામાં કે મારી સાથે વધુ વાતો કરવામાં રસ નહોતો અને તેને ખ્યાલ આવી ગયો હતો કે હું તેની પાસેથી એક પણ ચોપડી ખરીદવાનો નથી. એથી તે બાજુની સીટ પર ચાલી ગઈ અને તેણે અન્ય મુસાફરને રીઝવવાનું શરૂ કર્યું.
તે મારી નજર સામેથી તો હટી ગઈ પણ તેની તસવીર મારા મન સામેથી હટતી નહોતી અનેક પ્રશ્નો ખડા કરીને. મને વિચાર આવ્યો કે કોણે તેને આ રીતે આમ ટ્રેનમાં ચોપડીઓ વેચવા મોકલી હશે? શું તેના માબાપે જ ગરીબીવશ તેને આમ જીવના જોખમે એકલી મુંબઈની ટ્રેનોમાં મજૂરી કરી પૈસા કમાવા મોકલી હશે કે તે અનાથ હશે? જો તે અનાથ હોય તો કોઈ ગેન્ગ દ્વારા અપહરણનો શિકાર બની હશે અને તેમણે તેને આમ બાળમજૂરી કરવા મોકલી હશે? ધોળે દિવસે અનેક લોકોની સામે આ બીના બની રહી હતી બાળ મજૂરી જે દેશમાં કાયદાકીય રીતે ગુનો છે એ દેશના સ્વપ્નનગરી ગણાતાં મહાનગરમાં. પણ આવી તો જો કે કંઈ કેટલીય ઘટનાઓ અહિં ક્ષણે ક્ષણે બનતી રહે છે જેના સાક્ષી આપણે સૌ મુંબઈગરા બનતા રહીએ છીએ.
એવો વિચાર આવે કે હું ચાઈલ્ડ હેલ્પલાઈન પર કોલ કરી આ અંગે તેમને વાત કરું? કે પછી રેલવે- પોલીસને આ અંગે જાણ કરું એ પહેલા તો મારું સ્ટેશન વિદ્યાવિહાર આવી જતા હું ઉતરી ગયો અને ત્યાં ચડવાના અતિ સાંકડા પુલ પર કીડીયારાની જેમ ઉભરાઈ રહેલી ભીડને જોઈ મારો નંબર ક્યારે આવશે ઉપર ચડવામાં તેની ચિંતામાં પેલી બાળકીએ મનમાં જન્માવેલ વિચારો વાયુ બની ઉડી ગયાં.સાંકડા પુલ પરની ભીડ જોઈ એવો વિચાર મનમાં કંપારી પેદા કરી ગયો કે ક્યાંક એલ્ફીસ્ટન રોડ જેવી દુર્ઘટના અહિં પાછી નહિ સર્જાય ને! ખેર, સદનસીબે એમ ન બન્યું અને હું સહીસલામત ઓફિસે પહોંચી ગયો.
બ્લોગ લખવા બેસતી વેળા ફરી આખી આ ઘટના અને એણે ઉઠાવેલા પ્રશ્નો મમળાવવાનું અને તેને તમારા સૌ સાથે શેર કરવાનું મન થયું અને આ બ્લોગ પોસ્ટ લખી નાંખી.આપણે સૌ બાળમજૂરી અટકાવવા શું કરી શકીએ એ અંગે તમારા વિચારો લખી મોકલશો તો આનંદ થશે.         

મંગળવાર, 8 જુલાઈ, 2014

કામા સાઠી મુલી પાહિજે…

      'ઇમિટેશન કામા સાઠી મુલી પાહિજે' સવારે ઓફિસ જતાં આવી એક જાહેરાતના ભીંત પર ચોંટાડેલા ફરફરીયા પર નજર પડી.થોડો જ આગળ વધ્યો ત્યાં આ જ પ્રકારની અન્ય બે ચાર છૂટીછવાયી જાહેરાતો ફરી જોવા મળી અને હજી માંડ વીસેક પગલા આગળ ચાલ્યો હોઇશ ત્યાં તો હદ થઈ ગઈ.એક જ ભીંત પર આ જ પ્રકારની ત્રણ જાહેરાતો એક સાથે ચોંટાડેલી જોવા મળી.મન વિચારના ચકડોળે ચડી ગયું.થોડા દિવસો જ અગાઉ જોયેલી, અમોલ ગુપ્તે એ બનાવેલી ‘હવાહવાઈ’ નામની બાળકોને કેન્દ્રવર્તી લક્ષ્યમાં રાખી બનાવેલી સુંદર સંવેદનશીલ ફિલ્મ યાદ આવી ગઈ. જેમાં પાંચ બાળક મિત્રો પૈકી એક રસ્તા પર કચરો વીણે છે,બીજો મોટર ગેરેજ માં કામ કરે છે,ત્રીજો ટ્રાફીક સિગ્નલ્સ પર ગજરા-વેણી વેચે છે,ચોથો ઉપર જાહેરાત હતી તેવા પ્રકારના કોઈક કારખાનામાં વસ્ત્રો પર જરી લગાડવાનું અને ભરતકામ કરવાની મજૂરીએ રખાયેલો છે અને પાંચમો બાળક ચાની લારી પર ચા વેચે છે. ચા વેચવાનું કામ કરતો એ છોકરો પોતાને મનપસંદ એવી સ્કેટીંગ શીખીને રાષ્ટ્રીય કક્ષાનો સ્કેટ-ચેમ્પિયન બને છે એવી સુંદર પ્રેરણાત્મક વાત વણી લેતીઅદભૂત એવી આ ફિલ્મ ઉપર પણ આખો એક બ્લોગ લખી શકાય પણ અહિં જરા જુદી વાત કરવી છે. બાળમજૂરીને લગતા મુદ્દાની.



     થોડા સમય અગાઉ એક ચોંકાવનારા અહેવાલ પર નજર પડી હતી જેમાં જણાવ્યું હતું કે વિશ્વમાં બાળમજૂરોની સંખ્યા ધરાવતા દેશોમાં ભારત અગ્રક્રમ ધરાવતો દેશ છે. ભારતીય સંસ્કૃતિમાં જ બાળકને કન્હૈયાનુ સ્વરૂપ કે ઇશ્વરનો અંશ ગણવામાં આવે છે ને? તો પછી એ જ ભારતમાં બાળકોની આવી દુર્દશા?
     બાળ મજૂરો રાખવાનું દેખીતું કારણ છે તેમને આપવી પડતી સસ્તી મજૂરી. તેઓ પોતાનું શોષણ પણ થતું હોય તો પ્રતિકાર કરી શકવા સક્ષમ હોતા નથી.અરે તેમને કદાચ ખબર પણ નહિ પડતી હોય કે તેમનું શોષણ થઈ રહ્યું છે.અને અહિ માત્ર આર્થિક શોષણ ની વાત નથી.કારખાનાના બંધ બારણા પાછળ કેટલાયે બાળકોનું શારીરિક શોષણ પણ થતું જ હશે.માત્ર તેના આંચકા જનક આંકડા છાપે નહિ ચડતા હોય.તેમની પાસે વધુ કલાકો સુધી સખત મજૂરી કરાવાય છે.જે સમયે, તેમની ઉંમર પ્રમાણે તેમણે રમવાનું હોય કે શાળામાં ભણવાનું હોય તે ઉંમરે તેમને તેમના માલિકોની તિજોરીઓ ભરવા વૈતરૂં કરવું પડે છે એમાં વાંક કોનો? ગરીબીના ઓઠા હેઠળ બાળકોનું બાળપણ છિનવી લેનાર,તેમની પાસે મજૂરી કરાવડાવી તેમના માબાપનો કે પછી પોતાના સ્વાર્થ ખાતર ફૂલ જેવા બાળકો પાસે મજૂરી કરાવી પૈસા રળનાર કારખાના માલિકો કે વેપારીઓનો?

     માબાપ જો ગરીબીના બહાને બાળકો પાસે મજૂરીનું દુષ્ક્રુત્ય કરાવતા હોય તો આ એક ઘોર પાપ સમાન છે. બાળકોને પેદા કરી પેટીયું પણ રળી ન શકતા માબાપોને બાળકો પેદા કરવાનો જ હક નથી.જો પોતે પૂરતું કમાઈ ન શકતા હોય તો બાળકોનો કમાવાના સાધન તરીકે ઉપયોગ કરનાર આવા માબાપોને સજા કરવાનો કાયદો ઘડાવો જોઇએ.કારખાનાનાં માલિકો કે વેપારીઓ બાળકોને રોજીરોટી પૂરી પાડવાના બહાને મજૂરીએ રાખતા હોય તો આ એક અપરાધ છે.આજે લાખો યુવકો બેકાર છે. બાળકોની જગાએ જો એમને રોજગાર મળે તો દેશની એક મોટી સમસ્યામાં રાહત મળે. કારખાનાનાં માલિકો અને વેપારીઓએ અમુક પાકટ વયની ઉપરની વ્યક્તિઓને જ કામ પર રાખી બેરોજગારીની આ બહુ મોટી સમસ્યા હળવી કરવામાં સરકારની મદદ કરવી જોઇએ.એ એક પ્રકારની દેશ સેવા થઈ ગણાશે.વેપારીઓએ વિચારવું જોઇએ કે જો તેમના પોતાના બાળકોને પણ આ રીતે કારખાનામાં કામ કે મજૂરી કરવા પડે તો તેમને કેવું લાગશે? આ બાળકો પણ કોઈકનાં સંતાન જ છે.અને જો કોઈ અનાથ બાળકને આશ્રય આપવાના બહાને તેની પાસે વેઠ કરાવાતી હોય તો તેની ખરી મદદ જ કરવા તેની પાસે કામ કરાવવાની શી જરૂર છે?તેને દત્તક પણ તો લઈ શકાય.તેના ભરણપોષણ અને ભણતર નો ખર્ચ પણ તો ઉઠાવી શકાય.

     જો બાળકો પાસે કામ કરાવવું કાયદાની વિરુદ્ધ હોય તો આ અંગે આપણાં સમાજમાં કેમ જાગૃતિ નથી? સરકાર આ દૂષણ અંગે કેમ કડક નથી? ખુલ્લેઆમ સડકો પર, સ્ટેશન પર કે જાહેર સ્થળોએ ઠેર ઠેર નજરે પડતા ‘કામા સાઠી મુલી પાહિજે’ આવા સંદેશ સાથે જે-તે કારખાનાનાં માલિક કે વેપારીના ટેલિફોન નંબર લખેલા ફરફરિયા સમાજની વરવી વાસ્તવિકતા છતી કરે છે. આવી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો આચરવા બદલ સખત પગલાં ન લેવાવા જોઇએ?

શનિવાર, 13 ઑગસ્ટ, 2011

આઝાદી

ગયા અઠવાડિયે સ્ત્રીઓને પુરૂષોની સંકુચિત માનસિક્તામાંથી આઝાદી મળે એવી ઝંખના વ્યક્ત કર્યા બાદ આજે મારે બીજા એક પ્રકારની આઝાદીની વાત માંડવી છે.


હમણાં થોડા સમય અગાઉ અમોલ ગુપ્તે દિગ્દર્શીત-અભિનીત એક બાળકોની હળવી પણ ભારે એવી ફિલ્મ 'સ્ટેનલી કા ડબ્બા' જોઈ. અતિ હ્રદય સ્પર્શી એવી આ ફિલ્મને બાળકોની કહી, બાળકો માટેની નહિં કારણ મોટા ભાગના કલાકારો બાળકો હોવા છતાં એમાં મોટાઓ માટે બે-ત્રણ સંદેશ હતાં, કોઈ જાતના ઉપચાર કે વધારે પડતી નાટ્યાત્મક્તા વગર, અપ્રત્યક્ષ રીતે. આ ફિલ્મ માટે હળવી અને ભારે બંને વિરોધાભાસી વિશેષણોનો પ્રયોગ પણ મેં જાણી જોઈને કર્યો છે એ દર્શાવવા કે બાળકોના સુંદર, સાહજિક અભિનયને કારણે કંઈક હલ્કુ-ફુલ્કુ જોઈ રહ્યાનો અહેસાસ થવાની સાથે જ સમાજને જે સંદેશ અમોલજી એ પહોંચાડ્યો છે તે ભારે છે. ફિલ્મ જોયા બાદ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખ ભીની થયા વગર ન રહે.સંદેશ છે બાળકોને આઝાદી આપવાનો.

બીજાઓના ડબ્બામાંથી જ ચોરી કે માગીને ખાવાની કુટેવ ધરાવતો એક 'ખડ્ડૂસ' શિક્ષક સ્ટેનલી નામના એક અતિ હોંશિયાર,સર્જનાત્મક ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને, ડબ્બો ન લાવવાને કારણે શાળામાંથી કાઢી મૂકે છે, તે જ્યારે ડબ્બો લાવી શકે ત્યારે જ ફરી પાછા શાળાએ આવવાની ધમકી સાથે. અહિં શિક્ષકો માટે સંદેશ છે કે તેમણે કુમળી વયના બાળકો સાથે જવાબદારી ભર્યા વર્તન દ્વારા તેમનામાં સારા અને સાચા સંસ્કારો આપી તેમનું ચારિત્ય ઘડતર કરવાનું છે.વિદ્યાર્થીઓને દોસ્ત જેવા બનાવી તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનું છે તેમનામાં રસ લઈને,તેમના વિષે પૂરતી માહિતી મેળવીને.પેલા લોલુપ શિક્ષકે સ્ટેનલીને સજા તો ફટકારી ડબ્બો ન લાવવા બદલ, પણ એ હકીકત જાણ્યા વગર કે સ્ટેનલી માબાપ વગરનો હોટલમાં મજૂરી કરીને પેટિયું રળનારો અને ત્યાં આશ્રય પામનારો કમનસીબ બાળમજૂર છે.આ હકીકત સ્ટેનલીએ કોઈ શિક્ષક કે વિદ્યાર્થી સાથે પૂરી ફિલ્મ દરમ્યાન ક્યારેય શેર નથી કરી.એ દુ:ખ આ બાળક તેને સાચો પ્રેમ અને પ્રોત્સાહન આપનારી શિક્ષિકાથી પણ છૂપાવી એકલો જ સહન કરે છે. શિક્ષકો એ દરેક વિદ્યાર્થીની મનોદશા સમજી તેના વ્યક્તિગત જીવનમાં પણ રસ લઈ તેની મુશ્કેલીઓ,તેની નબળાઈઓ દૂર કરવા પ્રયાસ કરવા જોઇએ અને તેની શક્તિઓ,લાયકાત પિછાણી તેને વધુ ઉજાગર કરવાના પ્રયત્નો કરવા જોઇએ.

આ બ્લોગનો મુખ્ય મુદ્દો હવે ચર્ચીએ. સ્ટેનલી કા ડબ્બામાં સ્ટેનલી દ્વારા ફિલ્મસર્જકે હજારો-લાખા બાળમજૂરોનું પ્રતિનિધિત્વ કર્યું છે.ફૂલ જેવા કોમળ બાળકોને પેટ ભરવા કે રહેવા માટે જગા મળી રહે એ માટે મજૂરી કરવી પડે એ દુ:ખદાયક,શરમજનક અને ધિક્કારપાત્ર ઘટના છે.જે બાળકો પાસે વેઠ કરાવવાનું આ ઘૃણાસ્પદ કામ કરાવડાવે છે એ ગુનાને પાત્ર ઠરવું જોઇએ અને તેને કડક માં કડક સજા થવી જોઇએ.આપણાં મુંબઈ શહેરમાં અનેક જગાએ 'કામા સાંઠી મુલે પાહિજે' ના પાટિયા લગાડેલા જોવા મળે છે એટલું જ નહિં કેટલાંય કારખાનાઓ અને ફેક્ટરીઓમાં અનેક બાળકો કામ કરે છે અને તેમનું શોષણ થાય છે.આ બાળકોને ક્યારે આઝાદી મળશે? આ બાળકોને તેમનું બાળપણ પાછું મળશે? આ બ્લોગ વાંચનાર દરેક રીડરને મારી વિનંતી છે કે આવા કોઈ બાળકને તમે કામધંધા પર રાખ્યો હોય કે તમે આવા કોઈ તમે આવા કોઈ બાળકને મજૂરી કરતા જુઓ તો તેને મુક્ત કરવાનો કે કરાવવાનો પ્રયાસ કરજો.તેના માટે કંઈક ઘટતું કરજો.ઇશ્વરની પુજા મૂર્તિ કે તસવીરને ભજવામાં નથી,મનુષ્ય માત્રના કલ્યાણમાં છે. જનસેવા એ જ પ્રભુ સેવા છે.



ભારત દેશની આઝાદીનો ૬૫મો સ્વાતંત્ર્ય દિન આપણે આ વર્ષે ભલે ઉજવીએ પણ જ્યાં સુધી રાષ્ટ્રનો દરેક માનવી પછી ભલે એ સ્ત્રી હોય, પુરૂષ હોય કે બાળક, ખરાં અર્થમાં આઝાદ નહિં હોય, એક સારું માનવી માટે યોગ્ય એવું ગૌરવભર્યું જીવન જીવવા માટે આઝાદ નહિં હોય ત્યાં સુધી દેશના આઝાદીદિનનો કોઈ અર્થ નથી. આપણે સૌ આ આઝાદીદિનના પર્વે ખરી આઝાદી માટે કંઈક કરવાનો સંકલ્પ કરીએ...





(સંપૂર્ણ)