Translate

મંગળવાર, 8 જુલાઈ, 2014

કામા સાઠી મુલી પાહિજે…

      'ઇમિટેશન કામા સાઠી મુલી પાહિજે' સવારે ઓફિસ જતાં આવી એક જાહેરાતના ભીંત પર ચોંટાડેલા ફરફરીયા પર નજર પડી.થોડો જ આગળ વધ્યો ત્યાં આ જ પ્રકારની અન્ય બે ચાર છૂટીછવાયી જાહેરાતો ફરી જોવા મળી અને હજી માંડ વીસેક પગલા આગળ ચાલ્યો હોઇશ ત્યાં તો હદ થઈ ગઈ.એક જ ભીંત પર આ જ પ્રકારની ત્રણ જાહેરાતો એક સાથે ચોંટાડેલી જોવા મળી.મન વિચારના ચકડોળે ચડી ગયું.થોડા દિવસો જ અગાઉ જોયેલી, અમોલ ગુપ્તે એ બનાવેલી ‘હવાહવાઈ’ નામની બાળકોને કેન્દ્રવર્તી લક્ષ્યમાં રાખી બનાવેલી સુંદર સંવેદનશીલ ફિલ્મ યાદ આવી ગઈ. જેમાં પાંચ બાળક મિત્રો પૈકી એક રસ્તા પર કચરો વીણે છે,બીજો મોટર ગેરેજ માં કામ કરે છે,ત્રીજો ટ્રાફીક સિગ્નલ્સ પર ગજરા-વેણી વેચે છે,ચોથો ઉપર જાહેરાત હતી તેવા પ્રકારના કોઈક કારખાનામાં વસ્ત્રો પર જરી લગાડવાનું અને ભરતકામ કરવાની મજૂરીએ રખાયેલો છે અને પાંચમો બાળક ચાની લારી પર ચા વેચે છે. ચા વેચવાનું કામ કરતો એ છોકરો પોતાને મનપસંદ એવી સ્કેટીંગ શીખીને રાષ્ટ્રીય કક્ષાનો સ્કેટ-ચેમ્પિયન બને છે એવી સુંદર પ્રેરણાત્મક વાત વણી લેતીઅદભૂત એવી આ ફિલ્મ ઉપર પણ આખો એક બ્લોગ લખી શકાય પણ અહિં જરા જુદી વાત કરવી છે. બાળમજૂરીને લગતા મુદ્દાની.



     થોડા સમય અગાઉ એક ચોંકાવનારા અહેવાલ પર નજર પડી હતી જેમાં જણાવ્યું હતું કે વિશ્વમાં બાળમજૂરોની સંખ્યા ધરાવતા દેશોમાં ભારત અગ્રક્રમ ધરાવતો દેશ છે. ભારતીય સંસ્કૃતિમાં જ બાળકને કન્હૈયાનુ સ્વરૂપ કે ઇશ્વરનો અંશ ગણવામાં આવે છે ને? તો પછી એ જ ભારતમાં બાળકોની આવી દુર્દશા?
     બાળ મજૂરો રાખવાનું દેખીતું કારણ છે તેમને આપવી પડતી સસ્તી મજૂરી. તેઓ પોતાનું શોષણ પણ થતું હોય તો પ્રતિકાર કરી શકવા સક્ષમ હોતા નથી.અરે તેમને કદાચ ખબર પણ નહિ પડતી હોય કે તેમનું શોષણ થઈ રહ્યું છે.અને અહિ માત્ર આર્થિક શોષણ ની વાત નથી.કારખાનાના બંધ બારણા પાછળ કેટલાયે બાળકોનું શારીરિક શોષણ પણ થતું જ હશે.માત્ર તેના આંચકા જનક આંકડા છાપે નહિ ચડતા હોય.તેમની પાસે વધુ કલાકો સુધી સખત મજૂરી કરાવાય છે.જે સમયે, તેમની ઉંમર પ્રમાણે તેમણે રમવાનું હોય કે શાળામાં ભણવાનું હોય તે ઉંમરે તેમને તેમના માલિકોની તિજોરીઓ ભરવા વૈતરૂં કરવું પડે છે એમાં વાંક કોનો? ગરીબીના ઓઠા હેઠળ બાળકોનું બાળપણ છિનવી લેનાર,તેમની પાસે મજૂરી કરાવડાવી તેમના માબાપનો કે પછી પોતાના સ્વાર્થ ખાતર ફૂલ જેવા બાળકો પાસે મજૂરી કરાવી પૈસા રળનાર કારખાના માલિકો કે વેપારીઓનો?

     માબાપ જો ગરીબીના બહાને બાળકો પાસે મજૂરીનું દુષ્ક્રુત્ય કરાવતા હોય તો આ એક ઘોર પાપ સમાન છે. બાળકોને પેદા કરી પેટીયું પણ રળી ન શકતા માબાપોને બાળકો પેદા કરવાનો જ હક નથી.જો પોતે પૂરતું કમાઈ ન શકતા હોય તો બાળકોનો કમાવાના સાધન તરીકે ઉપયોગ કરનાર આવા માબાપોને સજા કરવાનો કાયદો ઘડાવો જોઇએ.કારખાનાનાં માલિકો કે વેપારીઓ બાળકોને રોજીરોટી પૂરી પાડવાના બહાને મજૂરીએ રાખતા હોય તો આ એક અપરાધ છે.આજે લાખો યુવકો બેકાર છે. બાળકોની જગાએ જો એમને રોજગાર મળે તો દેશની એક મોટી સમસ્યામાં રાહત મળે. કારખાનાનાં માલિકો અને વેપારીઓએ અમુક પાકટ વયની ઉપરની વ્યક્તિઓને જ કામ પર રાખી બેરોજગારીની આ બહુ મોટી સમસ્યા હળવી કરવામાં સરકારની મદદ કરવી જોઇએ.એ એક પ્રકારની દેશ સેવા થઈ ગણાશે.વેપારીઓએ વિચારવું જોઇએ કે જો તેમના પોતાના બાળકોને પણ આ રીતે કારખાનામાં કામ કે મજૂરી કરવા પડે તો તેમને કેવું લાગશે? આ બાળકો પણ કોઈકનાં સંતાન જ છે.અને જો કોઈ અનાથ બાળકને આશ્રય આપવાના બહાને તેની પાસે વેઠ કરાવાતી હોય તો તેની ખરી મદદ જ કરવા તેની પાસે કામ કરાવવાની શી જરૂર છે?તેને દત્તક પણ તો લઈ શકાય.તેના ભરણપોષણ અને ભણતર નો ખર્ચ પણ તો ઉઠાવી શકાય.

     જો બાળકો પાસે કામ કરાવવું કાયદાની વિરુદ્ધ હોય તો આ અંગે આપણાં સમાજમાં કેમ જાગૃતિ નથી? સરકાર આ દૂષણ અંગે કેમ કડક નથી? ખુલ્લેઆમ સડકો પર, સ્ટેશન પર કે જાહેર સ્થળોએ ઠેર ઠેર નજરે પડતા ‘કામા સાઠી મુલી પાહિજે’ આવા સંદેશ સાથે જે-તે કારખાનાનાં માલિક કે વેપારીના ટેલિફોન નંબર લખેલા ફરફરિયા સમાજની વરવી વાસ્તવિકતા છતી કરે છે. આવી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો આચરવા બદલ સખત પગલાં ન લેવાવા જોઇએ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો