Translate

શનિવાર, 12 જુલાઈ, 2014

વર્ષાઋતુની મજા શી રીતે માણી શકાય?


બળબળતી ગરમીથી ત્રાહિમામ પોકારેલી ધરા અને ધરાવાસીઓ પર પ્રથમ વર્ષાના અમીછાંટણા થાય ત્યારે માટીની જે સોડમ પેદા થાય છે તેની કોઈ અન્ય સુગંધ બરાબરી કરી શકે?

મુંબઈમાં મોડી મોડી પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ખરી. જોકે વર્ષાની વણઝાર વણથંભી થોડા દિવસો સુધી ચાલુ રહે તો જળાશયોનો ભંડાર આખું વર્ષ પાણી પૂરું પાડવા ભરાઈ શકે. ઘણાં રાજ્યો માંતો હજી સુધી વર્ષારાણીનું આગમન થયું નથી અને દુષ્કાળના ભણકારા વાગી રહ્યાં છે. ચાલો સૌ દુઆ કરીએ કે ભારત ભરમાં બધે વરસાદ ચાલુ થઈ જાય અને પૂરતા પ્રમાણમાં પડે.

વર્ષાઋતુમાં મૂશળધાર વરસાદ પડતો હોય ત્યારે તમે શું શું કરી શકો? પહેલા તો મનભરીને ઋતુને માણો. કાદવકીચડની ફરિયાદ કર્યા વગર વચ્ચે વચ્ચે મન સાથે તનને પણ પાણીથી તરબતર કરી દો! ક્યારેક ભીંજાઓ અને નાના બાળકની જેમ પાણીમાં છબછબિયા પણ કરી લો! મજા આવશે! પણ બહાર વારંવાર ભીંજાવા જતાં નહિતર બિમાર પડી જવાની શક્યતા ખરી. પલડ્યા પછી તરત શરીરને કોરું પણ કરી નાંખજો નહિતર વધુ વાર ભીના રહેશો તો પણ તાવ-શરદીમાં સપડાઈ જવાની શક્યતા પૂરી છે.

તેમના ઘરમાં પાણી ભરાઈ જતાં આપણા ઘરમાં મહેમાન બની આવી ચડેલા અળસિયા,દેડકા કે અન્ય જીવજંતુ પ્રત્યે દયા,માયા,કરુણા દાખવી તેમને સાચવીને ઘરની બહાર મૂકી દો. સાપ પણ દેખાય તો ડર્યા વગર તેના પર ડોલ કે મોટું કપડું વગેરે નાખી કોઈ લોકલ પ્રાણીમિત્ર સંસ્થાનો સંપર્ક કરો અને તેઓ તમારા ઘેર આવી સર્પને સુરક્ષિત રીતે લઈ જઈ તેના ઘેર પહોંચાડી દેશે. ગઈ કાલે અમારી ઓફિસના ગેટ પાસે ઝાડ પરથી કાગડાનું બચ્ચું માળામાંથી નીચે પડી ગયું હતું.ભારે વરસાદમાં પલળી ગયેલું બચ્ચું હજી ઉડતા શીખ્યું નહોતું. અમે જીવન જ્યોત નામની જીવદયા ક્ષેત્રે કામ કરતી સંસ્થાની મદદથી તેને પરેલની પ્રાણીઓ માટેની હોસ્પિટલમાં પહોંચાડી દીધું. સત્કાર્ય અને અન્યજીવોની સેવાની આવી અણધારી તક પણ વર્ષાઋતુ પૂરી પાડે છે! ઝડપી લેવી જોઇએ!

તમે બહાર ફરવાનાં શોખીન હોવ,પ્રકૃતિના ચાહક અને થોડા સાહસિક હોવ તો વર્ષાઋતુતો તમારા માટે આદર્શ ઋતૂ ગણાય! મુંબઈની આસપાસ મહારાષ્ટ્રમાં કેટલાયે સ્થળો છે જે તમે ખૂંદવા નિકળી જઈ શકો છો વીકેન્ડ દરમ્યાન. ગુરુવારની જન્મભૂમિની યાત્રા પૂર્તિમાં આવા અનેક સ્થળોનું સચિત્ર વર્ણન આવે છે.આવા કોઈક સ્થળે ટ્રેકીંગમાટે નિકળી પડો અને જુઓ કેટલી મજા પડે છે.લીલુડી સાડી ધારણ કરેલ પહાડ કે જંગલો ખૂંદીને જે આનંદ,પરમ સંતોષ અને અનેરી ધન્યતાની લાગણી અનુભવાય છે તે અનુપમ છે. ભીના લીલોતરીથી ઘેરાયેલા રોડ પર ડ્રાઈવ કરવાની કે ચોમાસામાં અચાનક ફૂટી નિકળેલા જળધોધને માથા પર ઝીલવાની મજાનો અનુભવ ક્યારેક માણી જો જો! તુંગારેશ્વર કે નેશનલ પાર્કમાં નેચર ટ્રેલ પર પણ જઈ શકાય કે માથેરાન,મહાબળેશ્વર જેવા હિલ-સ્ટેશન પર પણ એક જુદા પ્રકારનાં અનુભવ માટે એકાદ વાર જઈ શકાય! કાસ જેવા ખાસ પ્રકારના ફૂલોથી લદાયેલા સુંદર સ્થળે જઈને પણ તમે સઘળો થાક,સઘળી ચિંતાઓ વગેરેમાંથી થોડા સમય માટે મુક્તિ મેળવી શકો.(કાસ જવાની બેસ્ટ સિઝન સપ્ટેમ્બરના અંતમાં છે.છતાં ત્યાં જતા પહેલા ત્યાંના કોઈ સ્થાનિક રહેવાસીને પૂછીને કે ઓનલાઈન તમે ખાતરી કરી લો કે ફૂલો ખીલ્યા છે કે નહિ જરૂરી છે)

જો તમે બહાર ફરવાનાં શોખીન હોવ તો પણ વર્ષાઋતુ તમને ઘરે બેઠા તેને માણવાના અનેક મોકા આપે છે.ભારે વરસાદ પડી રહ્યો હોય ત્યારે પરિવાર સાથે ઘેર બેસી ગરમાગરમ ચા-કોફીની ચૂસકી લેતા લેતા ભજીયા કે બીજો કોઈ મનપસંદ નાસ્તો કરવાની મજા ઓર છે. બ્લોગ લખી રહ્યો છું ત્યારે બહાર વર્ષાની ઝડીઓ ચાલુ છે!કહેવાનો આશય છે કે વર્ષાની ઝડીઓ સાથે સર્જનાત્મક્તા પણ પૂર બહારમાં ખીલી ઉઠે છે!એટલે લેખન કે કોઈ સારા પુસ્તકને વાંચવાની પ્રવૃત્તિમાં પણ તમે વ્યસ્ત થઈ જઈ શકો છો.કંઈ કરવું હોય તો પેટ ભરીને મીઠી નિંદર પણ માણી શકો છો! લેપટોપ કે ટી.વી. પણ વર્ષાઋતુમાં અન્ય કોઈ પ્રવૃત્તિ કરવી ગમતી હોય તો સમય પસાર કરવા ઘણાં કામ લાગે છે. સંગીતનો શોખ હોય તો વર્ષાની ઝડીના સુમધુર સંગીત સાથે તમારા મનપસંદ ગાયક કે ગાયિકાના સ્વરે સ્વરબદ્ધ થયેલ ગીત સોનામાં સુગંધ જેવો ઘાટ ઘડી શકે છે.ચા-કોફી ભજીયા, સંગીત, પ્રિય પાત્રનો સંગાથ - આ બધું જ જો એક સાથે રીમઝીમ રીમઝીમ વરસતાં વરસાદ સાથે માણવા મળે તો તો પૂછવું જ શું!
એન્જોય ધ રેન્સ! હેપ્પી મોન્સૂન !!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો