Translate

રવિવાર, 12 ઑગસ્ટ, 2018

સાહિત્ય સંસદમાં પ્રવાસ વર્ણન લેખો વાંચવાનો અનુભવ


૧૯૨૮માં એક શુદ્ધ સાહિત્ય સાધક સંસ્થા સ્થપાઈ જેનું નામ 'સાન્તાક્રુઝ સાહિત્ય સંસદ'. એ સંસ્થા દ્વારા કેટલાંક સારાં નાટકો રજૂ થયાં. ૧૯૨૯માં મુંબઈમાં કવિસંમેલન કર્યું અને પછી ધીમે ધીમે તે બંધ પડી. ૧૯૬૪માં થોડાંક તરુણ સાહિત્ય રસિકોએ સંસ્કૃતસાહિત્ય, ગુજરાતીસાહિત્ય તત્વજ્ઞાન, રસશાસ્ત્ર, તથા અને ભાષાશાસ્ત્રના ઊંડા અભ્યાસી, વિદ્વાન તથા વિવેચક પ્રાચાર્ય બક્ષી રામપ્રસાદ પ્રેમશંકર (૨૭-૬-૧૮૯૪- ૨૨-૩-૧૯૮૯)ના માર્ગદર્શન નીચે 'સાહિત્ય સંસદ'ની નવેસરથી સ્થાપના કરી. સ્થાપના સમયે સંસ્થાનો ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો કે સંસદે પ્રધાનત: સાહિત્યવિષયક કાર્યક્રમો, વ્યાખ્યાનો અને પ્રવચનો યોજવા અને તેની કક્ષા ઉચ્ચ રાખવી. આ ઉદ્દેશ મુજબ ૧૯૬૪થી ૧૯૬૯ સુધીના પાંચ વર્ષમાં આ સંસ્થા દ્વારા ઘણાં કાર્યક્રમો થયાં. જેમાં શ્રી સુરેશ જોષી, શ્રી ભોગીલાલ સાંડેસરા, સુરેશ દલાલ, શ્રી મનુભાઈ પંચોળી-(દર્શક), ડો. વસંત અવસરે, સુશ્રી વસુબેન ભટ્ટ, શ્રી ગુલાબદાસ બ્રોકર, શ્રી હરીન્દ્ર દવે, શ્રી કરસનદાસ માણેક, શ્રી વિષ્ણુકુમાર વ્યાસ, શ્રી ચંદ્રવદન ભટ્ટ, શ્રી ધનસુખલાલ મહેતા, શ્રી રામપ્રસાદ બક્ષી, શ્રી ધીરુબેન પટેલ, શ્રી પ્રદ્યુમ્ન બધેકા, સુશ્રી તરલા મહેતા, શ્રી ચુનીલાલ મડિયા, શ્રી અમૃતલાલ યાજ્ઞિક, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી જયંતી પટેલ, શ્રી કાકા કાલેલકર, શ્રી શિવકુમાર જોષી, શ્રી અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ, શ્રી કિશનસિંહ ચાવડા, શ્રી દીપક મહેતા, શ્રી મધુસૂદન કાપડિયા, શ્રી પ્રકાશ મહેતા, શ્રી જયેન્દ્ર ત્રિવેદી, શ્રી ચંદુલાલ સેલારકા, શ્રી વિઠ્ઠલ પંડ્યા તેમજ શ્રી દિનકર જોશી જેવાં અનેક સાહિત્યકારોએ તેમાં સક્રિય યોગદાન આપ્યું. ૧૯૭૦માં ૨૪-૨૫ જાન્યુઆરીના બે દિવસ “સંવિવાદ શિર્ષક નીચે સાહિત્યિક બેઠક ભરી.આ બન્ને દિવસની બેઠકનું સંચાલન શ્રી સુરેશ જોશીએ કર્યું. આ બેઠકમાં છેલ્લા દાયકાની કવિતા ઉપર અભ્યાસ પૂર્ણ નજર કરવાનો ઉપક્રમ હતો. સંવિવાદમાં ૩૫થી વધુ પ્રસિદ્ધ અને પ્રશિષ્ટ સાહિત્યકારોએ સક્રિય યોગદાન આપ્યું. ૧૯૭૬-૭૭માં શ્રી રામપ્રસાદ બક્ષી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે હતાં ત્યારે સાહિત્ય સંસદ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં સંશોધન સર્જન માટે અનુદાન અપાવ્યું. જે પુરસ્કાર આજ સુધી અનેક ઉત્તમ લેખકોને મળ્યો છે.
 રામભાઈના અવસાન પછી થોડા સમય સુધી સંસ્થા ખાસ સક્રિય ન રહી. સુશ્રી ધીરુબેન પટેલ રામભાઈના વિદ્યાર્થિની હતાં અને તેમને રામભાઈ માટે અત્યંત આદર રહ્યો છે. ધીરુબેન રામભાઈ દ્વારા સ્થપાયેલી સંસ્થાને સક્રિય રાખવા ઈચ્છતા હતાં. તેથી તેમણે જાણીતા કવિ લેખક શ્રી સુધીરભાઈ દેસાઈને ૧૯૯૮માં સંસ્થાનું સુકાન સોંપ્યું. આ દરમિયાન સુંદર કાર્યક્રમો દ્વારા સંસ્થા ફરી સક્રિય બની. સંજોગવશાત સુધીરભાઈને મુંબઈ બહાર રહેવાનું થયું. ૨૦૦૦ની સાલમાં ધીરુબેને કવિ,લેખક શ્રી કનુભાઈ સૂચકને આગ્રહ કરી સંસ્થા સંભાળવા નિમંત્ર્યા. સંસ્થા ચલાવવાનો અને સાહિત્યિક કાર્યક્રમના આયોજનનો તેમને બહોળો અનુભવ હતો.
સાહિત્યમાં રસ ધરાવતા ભાવકો અને સર્જકો બધાંનો આ સંસ્થાને સતત સાથ અને સહયોગ મળ્યો છે. સંસ્થાએ સાહિત્યના દરેક પાસાઓ પર કામ કરવા પ્રયાસ કરેલ છે. સર્જક-ભાવક મિલનની ગુરુવાર સભા લગભગ ૧૩ વર્ષથી અટક્યા વગર સતત ચાલે છે. ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતીચંદ્ર તેમજ ઉમાશંકર જોષી, મનસુખલાલ ઝવેરી, સુન્દરમ્ અને ધીરુબેનના વાંગ્મય પર આખા દિવસના પરિસંવાદો, સંસ્કૃત સાહિત્યના મહાકાવ્યો, નવરસ, છંદશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર પર વિસ્તૃત પરિસંવાદો, શુદ્ધ જોડણી અને પ્રૂફરીડીંગની કાર્યશાળાઓ,, નિબંધો અને અનુવાદો પર પરિસંવાદ, સંશોધનાત્મક નિબંધ સ્પર્ધા, વાર્તા સ્પર્ધા, નાટ્યલેખનની કાર્યશાળા, બાળનાટક લેખન સ્પર્ધા, ગઝલ લેખનની કાર્યશાળા વિગેરે કાર્યક્રમો સંસ્થાએ કર્યા છે, હેમરાજભાઈ શાહે 'મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી'ના સંયુક્ત ઉપક્રમે ભાષા શુદ્ધિ માટે શુદ્ધ જોડણીના કાર્યક્રમ માટે આમંત્રણ અને અનુદાન અપાવ્યું. વર્ષોવર્ષ તેનો કાર્યક્રમ ચાલે છે. આ કાર્યક્રમનો અત્યાર સુધીમાં લગભગ ૨૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાભ લીધો છે. 'મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી' તરફથી આ સંસ્થાને ' જીવનગૌરવ ' પુરસ્કાર આપવામાં આવ્યો છે.
આ સાહિત્ય સંસદ સંસ્થા તરફથી ૧૨મી જૂલાઇ ૨૦૧૮, ગુરુવારની સાંજે મને તેમની સાપ્તાહિક બેઠકમાં મારા પ્રવાસવર્ણનનાં લેખ વાંચવાનું આમંત્રણ જાગૃતિબેન ફડિયા દ્વારા અપાયું અને મેં તેનો સહર્ષ સ્વીકાર કર્યો.
પોણા કલાકમાં મારાથી સાત - આઠ લેખ જ વાંચી શકાય. મારા પ્રવાસવર્ણન હું વિસ્તારથી શ્રેણીમાં લખું છું આથી આખા એક પ્રવાસની શ્રેણી વાંચુ તો એક કે બે જ પ્રવાસ વિષેની માહિતી શ્રોતાઓ સમક્ષ વાંચી શકું. આથી મેં નક્કી કર્યું કે ભારતની ચારે દિશાઓમાં ખેડેલા પ્રવાસન સ્થળો પૈકી મારા મનપસંદ લેખ ચૂંટી દરેક શ્રેણીમાંથી બે - ત્રણ લેખ વાંચવા. ગુરુવારની એ વરસાદી સાંજે પણ મને સાંભળવા દૂર થી અડધા એક કલાક ની મુસાફરી કરી રોહિત કાપડીઆ, મનસુખ મહેતા-તેમના પત્ની વગેરે વાચક મિત્રો શ્રોતા બની એ બેઠકમાં હાજર રહ્યાં. લેખિની સંસ્થા સાથે જોડાયેલ કેટલીક મહિલાઓએ પણ મને શાંતિથી અને રસપૂર્વક સાંભળ્યો એ સૌનો હું હ્રદય પૂર્વક આભારી છું. પશ્ચિમ દિશાના મારા મહારાષ્ટ્રમાં ખેડેલા અંબોલીના રાત્રિ વનભ્રમણના લેખ થી શરૂઆત કરી શ્રોતા મિત્રો સમક્ષ ગુજરાતના મારા સાળાવેલીના જીયાણા પ્રસંગે થયેલી ખેરખટ્ટા અને શિંગોડાનાં તળાવની મુલાકાતની યાદ તાજી કરી અને ત્યારબાદ થોડા ઉપર તરફ રાજસ્થાન જઈ ત્યાં માણેલી રણ-સફારીની સુમધુર સ્મૃતિઓ વાગોળતાં જેસલમેર ની ઝાંખી કરાવી. ત્યાંથી ઉત્તર અને પૂર્વ તરફ આગળ વધી કાઝીરંગા (આસામ) અને ઓડિશાના પ્રવાસ વર્ણનના એકાદ - બે લેખ વાંચ્યા. છેલ્લે દક્ષિણના કેરળ પ્રવાસવર્ણન ના વાંચન સાથે મારા એ પ્રવાસ લેખ વાંચનસત્ર નું સમાપન કર્યું. હજી ઘણાં લેખ વાંચી શ્રોતાઓને બીજા વધુ પ્રવાસોની શ્રવણ યાત્રા કરાવવી હતી પણ સમય મર્યાદિત હતો ને! વાંચેલ દરેક લેખમાં મેં એ દરેક પ્રવાસ દરમ્યાન પ્રકૃતિના તત્વો તેમજ સાપ, ગરોળીઓ, ઊંટ, હાથી, નોળિયા, ખેરખટ્ટા વગેરે પશુપંખીઓ પ્રત્યે કરેલ સૂક્ષ્મ અવલોકન અનાયાસે ઉભરીને આગળ આવ્યું જેની મને પણ બધા લેખ વંચાઈ રહ્યા બાદ જાણ થઈ! એક અન્ય વાત પણ મેં સત્ર પૂરું થયા બાદ નોંધી કે મોટા ભાગના પ્રવાસ વખતે મેં અચૂક માણેલ હોમ-સ્ટેની વાત એક પણ લેખમાં ન આવી! મારી વાંચનની ઝડપ રાજધાની એકસપ્રેસ સમી હતી પણ તેથીજ વધુ લેખો દ્વારા જુદા જુદા સ્થળોનું અપ્રત્યક્ષ યાત્રા ખેડાણ થઈ શક્યું. જ્યારે શ્રોતામિત્રોએ એકી સૂરે એ યાત્રા માણ્યાનો હકારાત્મક અને પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યો ત્યારે ભારે સંતોષ અને સુખની લાગણીનો અનુભવ થયો. પાછલા કેટલાક વર્ષો માં કરેલી એ બધી જુદી જુદી યાત્રાની સુખદ સ્મૃતિઓ ફરી લીલીછમ્મ થઈ ગઈ એ વધારામાં! એ બદલ અને મને સાહિત્ય સંસદની બેઠકમાં મારા આ સુખદ અનુભવો વહેંચવાની તક આપવા બદલ સાહિત્ય સંસદ પરિવારનો આભાર!

1 ટિપ્પણી:

  1. પ્રીતિ જરીવાલા12 ઑગસ્ટ, 2018 એ 11:45 AM વાગ્યે

    સાહિત્ય સંસદની ગુરુવાર તા.૧૨-૭-૨૦૧૮ની બેઠકમાં કટારલેખક શ્રી વિકાસ ઘનશ્યામ નાયકે ભારતના જુદાં જુદાં રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન,કેરળનાં નાનાંનાનાં ગામોમાં ફરીને કરેલા પ્રવાસવર્ણનોનું પઠન કર્યું.જે અંતર્ગત અંબોલીના જંગલમાં ભ્રમણ,જેસલમેરની રંગબેરંગી યાત્રા,ઊંટ પર રણયાત્રા, કાઝીરંગામાં હાથી પર વનયાત્રા, જગન્નાથપુરી, કોણાર્કનું સૂર્યમંદિર વગેરે સ્થળોએ એમણે કરેલા પ્રવાસની રોમાંચક ઘટનાઓનું આલેખન એટલું રોચક શૈલીમાં કર્યું હતું કે ભાવકોને પણ એમની સાથે સાથે પ્રવાસ કરી રહ્યા હોય એવી અનુભૂતિ થઈ.આભાર અને અભિનંદન વિકાસભાઈ.

    જવાબ આપોકાઢી નાખો