Translate

Sunday, July 29, 2018

મોતનો મલાજો કે ઉજવણી

વ્હોટ્સ એપ પર વિચિત્ર લાગે એવો એક વિડીઓ જોવામાં આવ્યો. એવું કહેવાય છે કે મોતનો મલાજો જાળવવો જોઇએ. પણ અહિં વિડીઓમાં સ્મશાનમાં મડદું બાળવાની ભઠ્ઠી પર લાકડાનાં ઢગલા પર એક વયસ્કની લાશ મૂકેલી છે અને બસ તેને અગ્નિદાહ આપવાનો બાકી છે. બાજુમાં તેના કુટુંબીજનો જણાતાં સ્ત્રી-પુરુષોનું વૃંદ કોઈક ગાયનની તરજ પર પાર્ટીમાં ચાલતો હોય રીતનો ડાન્સ કરી રહ્યું છે. વિડીઓ કોઇ રીતે ફેક જણાઈ રહ્યો નથી, એમાં ડાન્સ કરી રહેલ ગુજરાતી સાડીમાં સજ્જ આધેડ વયના મહિલા છે, અન્ય ચૂડીદારમાં સજ્જ એક વયસ્ક મહિલા છે, કેટલાક આધુનિક વસ્ત્ર-પરિધાનમાં સજ્જ યુવાન-યુવતિઓ પણ છે અને બધાં જાણે તેઓ સ્મશાનમાં નહિ પરંતુ કોઈક જલસામાં ઉજવણી કરી રહ્યાં હોય એવું લાગે છે.
થોડા સમય અગાઉ પ્રખ્યાત વરીષ્ઠ હાસ્યલેખક તારક મહેતાનાં મૃત્યુ બાદ પણ તેમને અંજલિ આપવા શોકસભા નહિ પરંતુ હાસ્યસભા યોજાઈ હતી જેમાં અનેક મહાનુભાવોએ તેમને યાદ કરી સુખદ સ્મૃતિઓ તાજી કરતાં શોક નહિ પણ હર્ષની ક્ષણો સર્જી તેમને સાદર શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગત સપ્તાહે સબ ટી.વી. પર પ્રસારીત થતી સ્વ.શ્રી તારક મહેતાની કટાર પર આધારીત હાસ્યશ્રેણી તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં હાથીભાઈનું લોકપ્રિય ચરિત્ર નિભાવતા હાસ્ય રેલાવતા કલાકાર કવિ કુમાર આઝાદનું નિધન થયું અને સિરિયલના ઘટનાના પછીના દિવસના એપિસોડમાં નિર્માતા શ્રી આસિત મોદીએ કહ્યું હાથીભાઈ તો સદાયે સૌને હસવાનો સંદેશ આપતા અને આપણે તેમને શ્રદ્ધાંજલિ નહિ પરંતુ હાસ્યાંજલિ આપીએ.
એક વિચારવા જેવી બાબત છે. જે ગત છે તે તો પાછું આવવાનું નથી. તો પછી ભગવદ ગીતામાં કહ્યું છે તે મુજબ તેનો શોક શા માટે?
ઘણાં આધુનિક વિચાર શૈલી ધરાવતા લોકો પોતાના મૃત્યુ બાદ અટપટી વિધિઓ અને શોકસભા કરવાની સ્પષ્ટ સૂચના પોતાના સ્વજનોને જીવતા હોય ત્યારે આપી દેતા હોય છે.
ઉપર સૌ પ્રથમ જે વિડીઓની વાત કરી તે ઘટનામાં ચિતા પર સૂવાડેલ વ્યક્તિ ખાસ્સી મોટી ઉંમરની હોય એમ જણાતું હતું.હવે આટલી ઉંમરે કોઈ મૃત્યુ પામે તો તેનો શોક કરવો જોઇએ. કદાચ વ્યક્તિએ તેના પરિવારજનોને છેલ્લી ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું હોઈ શકે કે તેમના મૃત્યુ પ્રસંગને ઉત્સવની જેમ ઉજવે. જો એમ થશે તો તેમના આત્માને શાંતિ મળશે એવી વાત પણ તેમણે કદાચ કરી હોઈ શકે!
જે હોય તે પણ તેમણે એક સદીઓથી ચાલતી પરંપરામાં ધરમૂળથી પરિવર્તન આણવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો છે અને જે વિચારીને અમલમાં મૂકવા લાયક છે. જન્મના પ્રસંગને મીઠાઈ વહેંચી ઉજવાય છે. પછીના દરેક મોટા અને મહત્વના સંસ્કાર કે પ્રસંગ જેવા કે મૂંડન, યજ્ઞોપવિત, લગ્ન વગેરેને હર્ષોલ્લસ પૂર્વક ઉજવાય છે. તો પછી જીવનનાં અંતિમ પ્રસંગ એવા મૃત્યુને પણ શા માટે ઉત્સવની જેમ ઉજવવું? સ્મશાન કે અંતિમક્રિયા શબ્દો સાથે સાથે મનમાં હંમેશા શોક અને ભયની લાગણી પેદા થાય છે. તે બદલી શકાય?
હા, કદાચ મૃત્યુ અપમૃત્યુ બની રહ્યું હોય કે મરનારની ઉંમર ખુબ નાની હોય તો ઉજવણી થઈ શકે પણ જો કોઈ વડીલ લીલી વાડી મુકી, જીવનના સઘળા કર્મો સારી રીતે પતાવી પરલોક ગમન કરવા સિધાવ્યું હોય તો ચોક્કસ તેના અંતિમ વિદાયના પ્રસંગને ઉજવવાનો વિચાર કરવા જેવો ખરો!
કેટલાક લોકો સ્વજનના મૃત્યુ બાદ તેની આંખો કે અન્ય અવયવોનું દાન કરવાનું મહાન કર્મ કરે છે તે પણ ખૂબ આવકારદાયક અને અનુસરવા જેવી વાત છે. હિંદુ પરંપરા મુજબ અગ્નિસંસ્કાર દ્વારા મૃતકને અંતિમ વિદાય અપાય છે અને અગ્નિ પેદા કરવા માટે વપરાતું લાકડું ઝાડ કાપીને ભેગું કરાયું હોય તો તે પર્યાવરણ માટે એક ચિંતાજનક બાબત છે. તેને બદલે હવે ઇલેક્ટ્રીક પદ્ધતિથી કરાતો અગ્નિસંસ્કાર પણ પ્રશંસનીય અને અનુકરણીય બાબત છે. હવે ખાસ પદ્ધતિથી તૈયાર કરાતું છાણ અને અન્ય ઇકો-ફ્રેન્ડલી પદાર્થોમાંથી બનાવાતું મોક્ષ-કાષ્ઠ પણ ઉપ્લબ્ધ હોવાના અહેવાલ વાંચ્યા છે જેનો વધુ ને વધુ પ્રચાર થવો જોઇએ.

1 comment:

  1. નેહા સુનિલ યાજ્ઞિકAugust 12, 2018 at 11:53 AM

    ‘મોતનો મલાજો કે ઉજવણી’બ્લોગ લેખ વિચારપ્રેરક રહ્યો. આજે લોકોનું મોબાઈલ પ્રત્યેનું વળગણ જોતા 'મોબાઈલ મારો પરમેશ્વર ને હું મોબાઈલનો દાસ' એ ઉક્તિ સાચી ઠરે છે. ચરસ, ગાંજો વગેરેના બંધાણી પ્રત્યે જોવાની લોકોની નજર બદલાઈ જાય છે પણ મોબાઈલના બંધાણીને કોઈ જુદી નજરે જોતું નથી. ટચસ્ક્રીનનો ઉપયોગ કરતા કરતા આંગળીઓ એટલી હદે બૂઠ્ઠી થઈ ગઈ છે કે તે લાગણી ભર્યા સ્પર્શને અનુભવી શક્તી નથી.
    આજે સોશિયલ મિડિયા દ્વારા ફેસબુક, ટ્વીટર કે વોટ્સએપ વડે મૃત્યુનો મલાજો પણ જળવાતો નથી. લાશને કેટલી શણગારાઈ, અંતિમ યાત્રામાં કોણ કોણ હાજર રહ્યું એ બધું શેર કરાય છે. સ્મશાનયાત્રા અને અંતિમ સંસ્કારના પણ લાઈવ કવરેજ થાય છે અને એ શેર કરાય છે. ક્યાંક કોઈ અકસ્માત થયો હોય કે કોઈ વ્યક્તિ લોહીના ખાબોચિયામાં પડી હોય તો તેના પણ લોકો ફોટા પાડવા મંડી પડે છે. ઘણી વાર મૃત વ્યક્તિના ફોટા અપલોડ કરાય છે, એટલું જ નહિ તેમના સ્વજનોને પણ એમાં ટેગ કરાય છે. આવી પોસ્ટ્સને પણ લાઈક મળે છે, તેના પર RIP, રોતલ ચહેરા વાળા ઇમોજીસ કે ઓમ શાંતિ જેવા સંદેશાઓની કમેન્ટ્સની હાર જોવા મળે છે. આમાં લાઈક કરવા જેવું શું છે? જેણે સ્વજન ગુમાવ્યું છે તેની આ લાઈક્સ જોઇને શી મનસ્થિતી થતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
    સોશિયલ મિડિયામાં શું મુકવું તેની સભાનતા લોકોમાં હોવીજ ઘટે. કવિ સંદીપ ભાટીયા લખે છે : માણસ જેવો માણસ એક ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી. આ વાત બધાને કેમ નહિ સમજાતી હોય? મૃત્યુને લગતા ફોટા કે વિડીઓ જો આપણાં નજીકની વ્યક્તિએ મૂક્યા હોય તો તેને એ પોસ્ટ્સ તરત ડીલીટ કરી નાંખવા સમજાવવું જોઇએ અને જો એ કોઈ દૂરની કે અજાણી વ્યક્તિએ પોસ્ટ કર્યા હોય તો આવી પોસ્ટ્સને કોઈજ પ્રકારનો પ્રતિભાવ ન આપી તેની ઉપેક્ષા તો આપણે કરવી જ જોઇએ. એ જ મૃત વ્યક્તિને સાચી શ્રદ્ધાંજલિ આપ્યાં બરાબર લેખાશે.

    ReplyDelete